Murderer's Murder - 3 in Gujarati Crime Stories by Hardik Kaneriya books and stories PDF | મર્ડરર'સ મર્ડર - પ્રકરણ ૩

Featured Books
Categories
Share

મર્ડરર'સ મર્ડર - પ્રકરણ ૩

ભગીરથસિંહ ડાભી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હતા. તેમના પાકટ ચહેરા પરથી તેમનો અનુભવ છતો થતો હતો. નોકરીમાંથી નિવૃત્ત થવામાં તેમને એક વર્ષ બચ્યું હતું છતાં, આ ઉંમરે પણ તેઓ ચુસ્ત હતા. તેમની નજર બાજની જેમ તેજ હતી. કેટલાય કિસ્સામાં ન દેખાય એવા પુરાવા અને કડીઓ હાથ કરી તેમણે સાચા ગુનેગાર શોધી કાઢ્યા હતા. જયંત ઝાલા અને તેમની જોડી ગુના-શોધનમાં અભેદ્ય ગણાતી, તેમને જે પણ કેસ સોંપવામાં આવે તેના ગુનેગારને અહેસાસ થઈ જતો કે ‘ભાગી શકવું સહેલું છે, સંતાઈ શકવું સહેલું છે ; પણ, છટકી શકવું અશક્ય છે.’

ડાભીએ ફોન ઉઠાવી હોમ બટન દબાવ્યું, ફોને પાસકોડ માંગ્યો. જાણે કોઈ ઉપાય ન હોય તેમ તેમણે ઝાલા સામે જોયું અને નકારમાં માથું ધુણાવ્યું.

આજ સુધી કેટલાય કિસ્સામાં ભોગ બનેલ વ્યક્તિનો ફોન તેમને સાચા ગુનેગાર તરફ દોરી ગયો હતો, પરંતુ આઇ ફોનનું લૉક તોડવું ખૂબ અઘરું, અશક્ય જેવું કામ હતું. ઝાલા અને ડાભી જાણતા હતા કે આઇ ફોનના ફિંગરપ્રિન્ટ સેન્સર કપૅસિટિવ આવતા હોવાથી તે યુઝરની આંગળીઓની રેખા અને ખાડાં-ટેકરાં ચકાસવા સિવાય તેની જીવિત હોવાની ખાતરી કરશે. વસ્તુત: મૃત આરવીના શરીરમાં જીવિત માણસની જેમ ઇલેક્ટ્રિક કરંટ ન વહેતો હોય એટલે કપૅસિટિવ સેન્સર સક્રિય ન થાય. હા, દાંતના મૉલ્ડ બનાવવા વપરાતા મટિરિયલનો ઉપયોગ કરી આરવીના અંગૂઠા જેવી છાપ તૈયાર કરવામાં આવે અને તેમાં સિલિકોન કે જિલેટિન ઉમેરી સંવાહકતા ઊભી કરવામાં આવે તો ફોન ખોલી શકાય, પરંતુ વડોદરા જેવા શહેરમાં તે કરી શકવું અશક્ય હતું.

દરમિયાન ઝાલા, રૂમના અટૅચ બાથરૂમમાં પ્રવેશ્યા. નસકોરાં ખેંચી તેમણે કંઈક સૂંઘવાનો પ્રયાસ કર્યો, કમોડનો દરવાજો ખોલ્યો અને કમોડના પાણીમાં સિગારેટનું ઠૂંઠું જોયું. “હેમંત...” તેમણે બૂમ પાડી. અવાજ સાંભળી એક માણસ દોડતો આવ્યો. ઝાલા જેટલી ઉંમરનો પણ થોડો સુસ્ત દેખાતો હેમંત, હેડ કૉન્સ્ટેબલ હતો. તેના ચહેરા પર થોભિયાંદાર મૂછો હતી, આંખો મોટી પણ ફિક્કી હતી. સાહેબે ઇશારો કરતા હેમંતે ઠૂંઠું બહાર કાઢ્યું. “ગોલ્ડ ફ્લૅક છે” કહી તેણે તે ઠૂંઠું પૉલિથીન બૅગમાં મૂક્યું.

બાથરૂમની બહાર નીકળી ઝાલાએ ડાભીને કહ્યું, “સર સયાજી જનરલ હોસ્પિટલમાં ફોન કરી દો, લાશને પીએમ (પોસ્ટમૉર્ટમ) માટે મોકલવી પડશે. ઉપરાંત, આખા ઘરમાં નજર મારી લો અને કોઈને આરવીના ફોનનો પાસકોડ ખબર હોય તો તે વિશે પૂછો.”

ઉપરીનો હુકમ થતા ડાભી કામ પર લાગી ગયા.

“હેમંત, તું પંચનામાની કાર્યવાહી શરૂ કર.” હુકમ આપી ઝાલા લલિત પાસે ગયા. “લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલવી પડશે. ફોન કરી દીધો છે, ગાડી આવતા હજુ વાર લાગશે. ત્યાં સુધી મારે કેટલાક પ્રશ્નો પૂછવા છે.”

લલિત ઝાલાને પોતાના બેડરૂમમાં લઈ ગયો. મહેન્દ્રભાઈ, પંચનામુ કરી રહેલા હેમંત સાથે રોકાયા.

“શું પૂછવું છે આપને ?” લલિતે પૂછ્યું.

“આ યુવતી જેની હત્યા થઈ છે તેના વિશે, તેના પરિવાર વિશે, આપના પરિવાર વિશે...”

“આરવી મારી સાળી થાય. આઠ વર્ષ પહેલા મારા અને અભિલાષાના લગ્ન થયા ત્યારે તે પંદરેક વર્ષની હશે.”

“મતલબ, બંને બહેનો વચ્ચે ઉંમરનો સારો એવો તફાવત છે.”

“જી, સાત વર્ષનો.”

“હમ્મ.”

“રાજકોટ અભિલાષાનું પિયર છે. મારા સસરા વર્ષો પહેલા ગુજરી ગયા હતા. મેં તો તેમને જોયા પણ નથી. અભિલાષાની મમ્મીએ જ બંને બહેનોને ઉછેરી છે.”

“આરવી વિશે જણાવો.”

“બીબીએ સુધી તે રાજકોટમાં ભણેલી. અઢી વર્ષ પહેલા તેને અહીં એડ્મિશન મળી ગયું. મારા પપ્પા જ્યાં પ્રિન્સિપાલ છે તે એમબીએ કૉલેજમાં જ તેને એડ્મિશન મળેલું. ત્યારે અભિલાષા અને મારા સાસુએ કહ્યું હતું, “છોકરીને હોસ્ટેલમાં રહેવા દો, થોડી ઘડાશે અને તૈયાર થશે.” પણ, મેં કહ્યું, “અહીં આવડું મોટું ઘર હોય પછી હોસ્ટેલમાં રહેવાની શી જરૂર છે ?” પછી, મારા આખા પરિવારે આગ્રહ કર્યો એટલે તેમણે નમતું જોખ્યું. પોસ્ટ ગ્રેજ્યુએશનના બે વર્ષ દરમિયાન આરવી અહીં જ રહેતી હતી.”

“અને અત્યારે ?”

“જુન, 2૦17માં ભણવાનું પૂરું થઈ ગયા પછી તે રાજકોટ ચાલી ગયેલી. આ તો દિવાળીની રજાઓ ગાળવા મેં તેને અને મારા સાસુને તેડાવ્યા હતા. તેઓ દસ દિવસ પહેલા આવ્યા અને આજે પાછા નીકળી જવાના હતા.”

“ઓહ, આજે જ તેઓ નીકળી જવાના હતા ?”

“હા.”

“મને આશ્ચર્ય થાય છે. ઘરમાં એક મૃતદેહ પડ્યો છે, છતાં આપ સ્વસ્થતાથી વાત કરી રહ્યા છો.” ઝાલાએ લલિતની આંખોમાં જોયું.

“હું ડૉક્ટર છું. મેં ઘણાં લોકોને મરતાં જોયાં છે. જોકે, પોતાનું માણસ ગુમાવીએ એટલે વિષાદ તો થાય જ, પણ મારું પ્રોફેશન મને કોઈ પણ સંજોગોમાં સ્વસ્થ રહેતા શીખવે છે.”

“વારુ, આ મકાનમાં આપ કેટલા વર્ષથી રહો છો ?”

“સાડા ત્રણ વર્ષથી.”

“એ પહેલા ક્યાં રહેતા હતા ?”

“અમે ખાસ્સા સમય સુધી સરકારી ક્વાર્ટરમાં રહ્યા છીએ. પપ્પાને તે કૉલેજે આપેલું. પણ, મારું ભણવાનું પૂરું થયું એટલે હું એક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં જોડાયેલો, સાથે એક પ્રાઇવેટ હોસ્પિટલ પણ શરૂ કરેલી. બે જ વર્ષમાં મારી પ્રૅક્ટિસ જામી ગઈ અને મેં આ મકાન ખરીદી લીધું. અમે શિફ્ટ થયાના છએક મહિના પછી આરવી અહીં આવી હતી.”

“એમબીએના બે વર્ષ દરમિયાન આરવી કયા રૂમમાં રહેતી હતી ?”

“અત્યારે છે તે જ રૂમમાં.”

“કાલે તે કેટલા વાગ્યે બેડરૂમમાં ગઈ હતી ?”

“અભિલાષાને પૂછવું પડશે, કાલે રાત્રે તે તેની સાથે હતી.”

ઝાલા લલિત સામે એકીટશે જોઈ રહ્યા, તેઓ કંઈ પૂછે એ પહેલા જ લલિતે કહ્યું, “પહેલા માળે દીવાનખંડ સિવાય કુલ ચાર રૂમ છે. તેમાંના એક રૂમમાં આરવી રોકાઈ હતી અને તેની સામેના રૂમમાં મારા સાસુ. પહેલા બે દિવસ તો મા-દીકરી એક જ રૂમમાં રોકાયેલા, પણ આરવીને મોડે સુધી મોબાઈલ મચડવાની ટેવ છે જે મારા સાસુને ગમતું નથી. તેમની વચ્ચે ચડભડ થાય અને તહેવાર બગડે એનાં કરતા મેં જ તેમને અલગ રહેવાનું સૂચન કર્યું હતું. મકાનમાં રૂમની છૂટ છે, માટે એમ કરવામાં વાંધો ન્હોતો. જોકે, મારા સાસુને તે ન્હોતું ગમ્યું, છતાંય તેઓ કમને સહમત થયા હતા.

બાકી બચ્યા બે રૂમ... તેમાંથી એકમાં આપણે ઊભા છીએ. આ મારો અને અભિલાષાનો રૂમ છે. બીજો રૂમ મારા દીકરા નિખિલનો છે, પણ રાત્રે અંધારાનો ડર લાગવાથી તે અહીં અમારી સાથે સૂવે છે. તેનો રૂમ લગભગ ખાલી જ હોય છે.

કાલે રાત્રે સાડા દસે હું, અભિલાષા અને નિખિલ આ રૂમમાં પ્રવેશ્યા કે તરત આરવીએ રૂમનો દરવાજો ખખડાવ્યો. મેં દરવાજો ખોલ્યો તો તે કહેવા લાગી, “તમારી સુંદર પત્નીથી અલગ કરવા બદલ સોરી, પણ આજે તમે નિખિલના રૂમમાં સૂઈ જાઓ. મારે મારી બહેન સાથે વાતો કરવી છે. કાલે અમે છૂટા પડવાના એટલે પેટ ભરીને ગપ્પાં લડાવવાં છે.”

આથી, હું નિખિલને લઈ તેના (નિખિલના) રૂમમાં ચાલ્યો ગયો. પછી, અભિલાષા સાથે ગપ્પાં લડાવી તે પોતાના રૂમમાં ચાલી ગઈ હશે. છૂટા પડવાની તેની વાત આ હદે સાચી પડશે એ કોણ જાણતું હતું.”

“સોરી ડૉ. લલિત, આવી યાદો દુશ્મન બનીને સતાવતી રહે છે.”

લલિત કંઈ બોલ્યો નહીં.

“આપના ઘરમાં કુલ કેટલા સભ્યો છે ?”

“હું, અભિલાષા, નિખિલ, વરુણ, મમ્મી-પપ્પા અને રામુકાકા.”

“વરુણ ?”

“મારો નાનો ભાઈ.”

“ગઈ કાલ રાતથી આજ સવાર સુધીમાં, એ સાતમાંથી કોઈ બહાર ગયું હોય અથવા અહીં હાજર ન હોય એવું કંઈ ?”

“ના, તમામ લોકો ઘરે જ હતા.”

“રાત્રે ઘરના દરવાજા કોણ બંધ કરે છે ?”

“રામુકાકા... ઘરની સાફ-સફાઈ, રસોઈ, રાત્રે ઘર બંધ કરવું કે એ તમામ કામ રામુકાકા જ કરે છે.”

“હમ્મ.” ઝાલા આગળ કંઈ બોલે એ પહેલા જ ભગીરથસિંહ દેખાયા. “ઘરના નોકરને બોલાવો.” ઝાલાએ કહ્યું. ડાભી રામુને બોલાવી લાવ્યા.

“ઘરનો દરવાજો રાત્રે કેટલા વાગ્યે બંધ કરો છો ?” ઝાલાએ પૂછ્યું.

“અગિયાર વાગ્યે.”

“કાલે પણ અગિયાર વાગ્યે જ બંધ કરેલો ?”

“હા.”

“ગઈ કાલે રાત્રે તમે દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા હોય અથવા ઘરની વધારાની ચાવી બીજા કોઈ પાસે હોય એવું કંઈ ?”

“સાહેબ, દરવાજો બંધ કર્યો હતો એની મને પાક્કી ખાતરી છે.” રામુએ નિર્વિલંબ કહ્યું. બીજી બાજુ લલિતે ચાવી બાબતે ખુલાસો કર્યો, “ઘરની કુલ ત્રણ ચાવીઓ છે, જેમાંથી એક હું અને બીજી વરુણ રાખે છે. મારે ક્યારેક ઇમરજન્સી આવે તો અડધી રાત્રે ભાગવું પડે છે. ત્રીજી ચાવી ઘરે જ હોય છે.”

“તમે સવારે જાગ્યા ત્યારે દરવાજો ખુલ્લો હતો કે બંધ ?” ઝાલાએ રામુને પૂછ્યું.

“બંધ હતો, મેં જ તે ખોલેલો.”

“ડૉક્ટર લલિત, રાત્રે દરવાજો બંધ થયો તે સવાર સુધી બંધ રહ્યો. કોઈ અંદરથી બહાર ગયું નથી કે કોઈ બહારથી અંદર આવ્યું નથી. તેનો અર્થ એક જ થાય કે ખૂની આ સાત માણસોમાંથી જ કોઈ એક છે.”

ક્રમશ :