નો-રીટર્ન-૨
ભાગ-૨૧
“ અનેરી, બસ હવે....! મને તારી સખત ચીંતા થાય છે. તું કયાં ઝમેલામાં છો એ અત્યારે જ મને જણાવવું પડશે નહિંતર અહીંથી એક ડગલું પણ હું આગળ નહીં ભરું....” વિનીત એકાએક અડીયલ ઘોડાની જેમ રસ્તાની વચ્ચે જ ઉભો રહી ગયો. તેઓ ગીતામંદિર બસ ડેપોની બહાર નિકળીને હજું રસ્તો ઓળંગી જ રહ્યાં હતાં કે અચાનક કોણ જાણે વિનીતને શું ધૂન ઉપડી કે તે રસ્તો ઓળંગવાનું પડતું મૂકી બરાબર મધ્ય રસ્તે જ જીદ કરીને ઉભો રહી ગયો અને અનેરી સમક્ષ ફર્યો હતો. તેની પાછળ ખેંચાતી આવતી અનેરી પણ એકાએક જ અટકી હતી. બરાબર એ જ સમયે ગીતામંદિર પાસેનાં ક્રોસિંગની આ તરફની ગ્રીન લાઇટ શરૂ થઇ અને ક્રોસિંગ ઉપર ઉભેલા વાહનોનો કાફલો વછૂટયો. ભારે વેગથી ધસી આવેલા વ્હિકલ સવારો બરાબર રોડની વચ્ચે જ કંઇક માથાકૂટ કરતાં યુવક- યુવતીને જોઇને એક્સિડન્ટ થઇ જવાનાં ભયનાં કારણે અટવાઇ પડયાં. થોડીવારમાં તો અનેરી અને વિનીતની આજુબાજુ વાહનોનો ઝમેલો ખડકાઇ ગયો હતો અને ભારે અફરા- તફરી મચી ગઇ. વાહન ચાલકો ઉત્સુકતા અને કુતુહલતા પૂર્વક તેમને જોઇ અટકતાં હતા અને પછી આગળ વધી જતાં હતાં. પહેરવેશ ઉપરથી સારા ઘરનાં જણાતાં યુવક- યુવતી આમ રસ્તા વચ્ચે ઉભા રહીને ઝઘડતા હોય એટલે સ્વાભાવિક છે કે ત્યાં કુતુહલ તો સર્જાવાનું જ...!
“ માય ગોડ વિનીત....! આ શું નાટક માંડયું છે તેં...? ” ચો- તરફ મચેલી અફડા- તફડી અને ભારે અવાજે વાગતાં ગાડીઓનાં હોર્નનાં કારણે અનેરી હેબતાઇ ગઇ. તેને ખ્યાલ નહોતો કે વિનીત આવું કંઇ કરશે. “ તું ચાલ અહીંથી....! અહીં કોઇ “સીન” ક્રિએટ કરવાની જરૂર નથી.. ” તેણે વિનીતનો હાથ પકડીને ખેંચ્યો.
“ નો...વે.… અનેરી....! જ્યાં સુધી આ સમગ્ર મામલાની હકીકત તું મને જણાવીશ નહી ત્યાં સુધી હું અહીંથી ખસવાનો નથી. મને ખબર છે કે પછી તું કોઇને કોઇ બહાનું બતાવીને છટકી જશે, એટલે હવે અહીં જ તારે ચોખવટથી આ મામલાનો ફોડ પાડવો પડશે. આ ઇન્દ્રગઢ.. ફોટાઓ.. હમણાં મળેલો પેલો યુવાન, બધા જ સવાલોનાં જવાબ મને જોઇએ. અને એ પણ તદ્દન સત્ય હકીકત ભરેલાં, કંઇ પણ છુપાવ્યા વગર. આને તું મારી જીદ અથવા ગાંડપણ ભલે સમજે પણ જ્યાં સુધી મારા મનનું સમાધાન નહિં થાય ત્યાં સુધી આ રસ્તો આમ જ બ્લોક રહેશે....! ” તદ્દન અડીયલ ટટ્ટૂની જેમ વિનીત રસ્તા ઉપર ખોડાઇ ગયો હતો. તે સમજતો હતો કે આ જ યોગ્ય મોકો છે અનેરી કયા ચક્કરમાં ફસાઇ છે એ જાણવાનો. જો આ સમય હાથમાંથી સરકી ગયો તો અનેરી તેને અહીંથી જ પાછો વળાવી દેશે, અને તે કયારેય ફરી પાછો તેને મળી નહિં શકે. એવું થાય એ તેને હરગીજ મંજૂર નહોતું. અનેરીથી દુર જવાનાં વિચાર માત્રથી તેનાં હ્દયમાં એક અજીબ પ્રકારની ગમગીની છવાઇ જતી અને આ સમગ્ર કાયનાતમાંથી જાણે પોતાનું અસ્તિત્વ જ નાબૂદ થઇ ગયું હોય એવું લાગતું. આ ઉપરાંત પણ એક બાબત એ હતી કે જો અનેરી કોઇ મુસીબતમાં ફસાઇ હોય ત્યારે તેને આમ એકલા છોડીને જવું તેનાં માટે અશક્ય હતું.
અનેરી વિવશ નજરે વિનીતને તાકી રહી. રસ્તા વચ્ચે અજીબ ટેબ્લો પડયો હતો. તેમની ચારેકોર જબરો શોરબકોર અને કોલાહલ થતો હતો. ટુ- વ્હિલર વાહન ચાલકો તેમને વિંટળાઇને કૌતુકપૂર્વક જોવા ઉભા રહી જતાં હતાં અને પછી મોર્ડન જણાતાં આ યુવક- યુવતી કોઇ પ્રેમી- પંખીડાની જેમ રસ્તામાં ઝઘડતાં ધારીને તૂચ્છકારપૂર્વક હસતાં આગળ વધી જતાં હતાં. બરાબર એ જ સમયે એક સીટી બસ પણ ત્યાં આવી હતી અને ટ્રાફીક જામ ભાળીને બસનાં ડ્રાઇવરે હોર્ન વગાડવાનું શરૂ કર્યું હતું. બસની પાછળ પણ જબરો ટ્રાફિક એકઠો થવો શરૂ થયો હતો. અનેરી ખરેખર મુંઝાઇ હતી. સમજાતું નહોતું કે તેણે શું કરવું જોઇએ. જો કે એક વાત બરાબર સમજાઇ હતી કે સૌથી પહેલાં તો અહીંથી નીકળવું પડશે નહીંતર પરિસ્થિતી ઓર વણસી જશે. તેણે વિનીતનો હાથ પકડયો. “ આવી રીતે ખોટ્ટો તમાશો ખડો કરવાની બીલકુલ જરૂર નથી. ચાલ અહીંથી....” તે બોલી અને રીતસરનો તેને ખેંચીને ચાલવા લાગી. ભીડમાંથી રસ્તો કરીને તેઓ રોડનાં સામે કાંઠે પહોંચ્યાં. વિનીત પોતાની જીત ઉપર મુસ્કુરાઇ ઉઠયો. તેને આમ હસતો જોઇને અનેરીને ગુસ્સો આવ્યો. “ તું ખરેખર પાગલ છે....! ”
“ હું કયારનો તને પુંછી રહયો હતો કે આખરે શેની પાછળ તું ભમી રહી છે. પરંતુ મારા એકેય સવાલનો જવાબ તું આપતી નહોતી એટલે મારે કંઇક તો કરવું પડેને...! અને તેમાં પણ હમણાં પેલો છોકરો જે રીતે આપણી સામે અચાનક આવી ચડયો એટલે મને વધુ ચિંતા પેઠી હતી. સામા પક્ષે તું છે કે કંઇ જણાવતી જ નથી, કે આખરે આ માજરો છે શું...? ”
“ મારે તને આ મામલાથી દૂર રાખવો હતો એટલે ચૂપ હતી. પરંતુ, ખેર...! તારી જીદ છે તો હવે તને જણાવવું જ પડશે. પણ એ પહેલાં અહીંથી ચાલ...!” અનેરીએ જાણે હાર સ્વીકારી લીધી હતી.
અને... થોડાં સમય બાદ તેઓ નજીકનાં એક રેસ્ટોરાંમાં બેઠાં હતાં. અનેરીએ કોફી ઓર્ડર કરી હતી અને પછી એક કહાની કહેવી શરૂ કરી હતી. જેમ- જેમ તેની વાતો વહેતી ગઇ તેમ- તેમ વિનીત ઘડીક આશંકા ભર્યો તો ઘડીક આશ્વર્યમૂઢ બની ફાટી આંખે અનેરીનાં ચહેરાંને જોતો રહયો હતો. તે જે કહી રહી હતી એ ભયાનક હતું. ભયાનક અને અવિશ્વસનીય....! એ કોઇ સામાન્ય કહાની નહોતી, ઘણા બધા લોકોનાં મોતની કહાની હતી. એક હૈરતઅંગેજ ઘટના ધીરે- ધીરે વિનીતને સમજાતી જતી હતી. અનેરીનાં એક- એક શબ્દનો પડઘો તે પોતાનાં હ્દયમાં ધડકતી ધડકનોમાં પડઘાતો સાંભળી શકતો હતો. તેનું જીગર એટલું જોરથી ધબકતું હતું કે એક વખત તો લાગ્યું કે હ્દય ઉછળીને હમણાં મોં માં આવી જશે. “ ઓહ ગોડ...! વોટ...? ફરીથી કહે તો...? અન બિલીવેબલ...? ” બસ, આટલાં જ શબ્દો વારંવાર તેનાં મોં માંથી નીકળતા હતાં. તે જાણે હોલીવુડની કોઇ સસ્પેન્સ થ્રિલથી ભરેલી ફિલ્મ જોઇ રહયો હોય એમ રેસ્ટોરન્ટની ખુરશી સાથે ચિપકીને બેસી રહયો હતો. લગભગ અડધી કલાક બાદ અનેરીએ તેનું કથન સમાપ્ત કર્યુ ત્યારે વિનીત રીતસરનો થીજી ગયો હતો. તેણે શું રીએકશન આપવું જોઇએ એ હોશ પણ તે ખોઇ બેઠો હતો અને સખત હેરાનીભરી નજરે તે અનેરીનાં ચહેરાને તાકી રહયો હતો.
“ મારે તને તો શું, કોઇને પણ આ મામલામાં નહોતાં સંડોવવા એટલે જ હું ચુપ હતી. હવે તને સમજાયું હશે કે આ બધુ હું શું કામ કરી રહી છું....! ” અનેરીએ એકાએક વિનીતનાં હાથ ઉપર પોતાનો હાથ મુકયો હતો અને પછી તેની આંખોમાં ઝાંકયું હતું. વિનીતને એ આંખોમાં પોતાના પ્રત્યે સ્નેહ ઉભરતો દેખાયો. તે વિહવળ થઇ ઉઠયો. એકાએક તેણે મનમાં જ એક નિર્ણય લઇ લીધો કે હવે ગમે તે થાય, તે અનેરીનો સાથ કયારેય નહી છોડે. જો અનેરી એકલી જ એક ઝંઝાવાત સાથે બાથ ભીડવા નિકળી હોય ત્યારે તેની ફરજ બને કે તે પણ પીછેહઠ ન કરે. સામે ભલે સાક્ષાત મૃત્યુ કેમ ન હોય, તે હંમેશા અનેરીની ઢાલ બનીને સામી છાતીએ મૃત્યુનો સામનો કરશે. તેનાં મનમાં અનેરી માટે ફનાં થઇ જવાની ખુમારી જાગી હતી. નજરોથી જ તેણે અનેરીને ધરપત આપી હતી. પરંતુ, હજું પણ થોડા સવાલો હતાં જે તેનાં મનમાં ઘૂમરાઇ રહયાં હતાં જેનો જવાબ મેળવવો જરૂરી હતો. જો એ જવાબો મળી જાય તો આખું ચિત્ર સ્પષ્ટ થઇ જાય તેમ હતું.
“ આની શરૂઆત કયાંથી થઇ હતી...? ”
“ બ્રાઝિલથી...”
“ વોટ...? ” ઉછળી પડયો વિનીત. “ યુ મીન સાઉથ અમેરિકાનું બ્રાઝિલ...? ડોન્ટ સે મી...! ” અનેરીએ ખરેખર તેને ઝટકો આપ્યો હતો. અત્યારે હમણાં જે કહાની તેણે સંભળાવી હતી તેમાં કયાંય બ્રાઝિલનો ઉલ્લેખ સુધ્ધા તેણે કર્યો નહોતો. એનો મતલબ કે હજુ પણ તે કંઇક છુપાવી રહી છે. હજુ પણ અનેરી તેને આ મામલાથી દુર રાખવાનાં ભરચક પ્રયત્ન કરતી હતી. એ સમજણથી તે દુઃખી થયો હતો. “ ઓ.કે....! જો ખરેખર તું મને તારાથી દુર રાખવા માંગતી હોય તો પછી મારે અહીંથી જવું જોઇએ...” તે બોલ્યો અને અનેરીનાં હાથ હેઠળથી પોતાનો હાથ ધીરેથી બહાર સરકાવ્યો. તેને ખરેખર લાગી આવ્યું હતું.
“ ઓહ નો વિનીત...! મારો એવો કોઇ આશય નહોતો.” તે એકાએક બોલી ઉઠી. એક રીતે તો વિનીતની વાત સાચી હતી, પરંતુ તેમની વચ્ચે આમ ગલત ફહેમી સર્જાય એ કોઇ કાળે તેને મંજૂર નહોતું. તે વિનીત જેવા સારા મિત્રને ગુમાવવા તૈયાર નહોતી.
“ તો પછી સત્ય શું છે એ કહેતી કેમ નથી..? આખરે આ માજરો છે શું...? ” તે ખરેખર અકળાતો હતો.
***
ઇન્સ. ઇકબાલે ફોન જોડયો અને ખામોશીથી સામે રીંગ વાગે તેની રાહ જોતો ઉભો રહયો. તેનાં મનમાં ઘણ પડઘાતા હતાં. જો તેનું અનુમાન સાચું નીકળશે તો જરુર આ નંબર બંધ આવવો જોઇએ...! અને એવું જ થયું. બે- પાંચ સેકન્ડની ખામોશી પછી સામેથી ફોન “સ્વીચ ઓફ” હોવાનો મેસેજ તેનાં કાને અફળાયો. ક્યાંક તેની ધારણાં સાચી તો નહી હોય ને..? “ માય ગોડ...” તેનાં મોં માંથી શબ્દો નીકળી પડયાં. મતલબ કે તે જે વિચારતો હતો એવું જ કંઇક બની રહયું હતું. અને એ ભયાનક હતું. પેલા વિદેશી પ્રોફેસરો પણ કદાચ આમાં શામિલ હતાં. પણ શું કામ...? ગહેરા વિચારમાં ડૂબી તે પોલીસચોકીનાં એ નાનકડા કમરામાં આમ થી તેમ આંટા મારવા લાગ્યો. રાજન જેવા સાવ નિરુપદ્રવી યુવાનમાં અમેરિકાથી આવેલા પ્રોફેસરોને અને ગામનાં ઉતાર જેવા એભલસીંહને આખરે શું રસ હોઇ શકે...? મામલો બેહદ ગંભીર જણાતો હતો. તેણે તરત જ મહેલનાં કાર્યાલયમાં ફોન લગાવ્યો. બે રીંગ વાગ્યા બાદ ફોન ઉંચકાયો.
“ હલ્લો કોણ...? ” સામેથી પુછાયું.
“ હું ઇન્સપેક્ટર ઇકબાલ ખાન બોલું છું. તમે કોણ...? ”
“ હું ધાનોજી...! મહેલનો કર્મચારી છું. શું કામ હતું સાહેબ...? ”
“ ધાનોજી, તમે એક કામ કરો...! ત્યાં મહેમાન નિવાસમાં જરા તપાસ કરીને કહો કે પેલા વિદેશી મહેમાન અત્યારે ત્યાં છે કે નહીં...? જો હોય તો તુરંત મને ખબર કરો. મારો નંબર તમે લખી લો...” કહીને ઇકબાલે નંબર લખાવ્યો અને ફોન મુકયો. થોડી મિનીટોમાં જ તેનો ફોન રણકયો.
“ હાં ધાનોજી... બોલો...?”
“ સાહેબ, મહેમાન આવાસમાં તો તાળું લાગેલું છે. તેઓ કયાંક બહાર ગયા લાગે છે...” ધાનોજીએ કહયું. ઇકબાલને પોતાનું અનુમાન સાચુ પડતું લાગ્યું.
“ ઠીક છે. એ લોકો જ્યારે પણ આવે ત્યારે ભૂલ્યા વગર મને જાણ કરજે...” તેણે ધાનોજીને કહયું તો ખરું પણ પોતાને જ એ શક્યતા ઉપર સંદેહ હતો. તેને લાગતું હતું કે તે મોડો પડયો છે. તે ખરેખર ગોટાળે ચડયો હતો. આખરે એભલસીંહ અને વિદેશી પ્રોફેસરો વચ્ચે શું કનેકશન હોઇ શકે...? કેમ એક સાથે બંનેનાં ફોન સ્વીચ ઓફ આવી રહયાં છે...? જો એભલસીંહ રાજનને ગુમ કરવાનાં મામલામાં સંડોવાયેલો છે તો પછી તેણે રાજન માટે એમ્બ્યુલન્સ શું કામ મંગાવી હશે...? અને સૌથી અગત્યનો મૂળ પ્રશ્ન તો એ હતો કે આખરે આ બધું શા કારણે બની રહયું છે....? વર્ષોથી શાંત રહેલા ઇન્દ્રગઢમાં એકાએક એવું તો શું બન્યું હતું કે જેનાં કારણે રાજન જેવા સુંવાળા યુવાનને કોઇ ગાયબ કરે...? હજ્જારો સવાલો ઇકબાલનાં જહેનમાં ઉથલપાથલ મચાવતા હતાં, અને સમ પુરતો તેમાંથી એક પણ સવાલનો જવાબ હાલ ફિલહાલ તેને સૂઝતો નહોતો. પણ...કયાંકથી તો શરૂઆત કરવાની જ હતી. તેણે કસીને પોતાનાં મગજને કામે લગાડયું.
***
કોઇ એકાએક તમારાથી દૂર ચાલ્યું જાય ત્યારે કેમ આટલી બધી તકલીફ થતી હશે...? શું આને જ પ્રેમ કહેવાતો હશે...? હજુ હમણાં બે દિવસ પહેલાં સુધી તો હું મારી રચેલી દુનિયામાં મસ્ત બનીને જીવી રહયો હતો. એક રીતે હું બહું ખુશ હતો. તકલીફ કે દુઃખ જેવું કશું નહોતું મારા જીવનમાં. પણ... સાવ અકસ્માતે જ અનેરી મારા જીવનમાં પ્રવેશી હતી. જો અમદાવાદનાં કાલુપુર રેલ્વે સ્ટેશનનાં ત્રણ નંબરનાં પ્લેટફોર્મનાં દાદરે મેં તેને ઉભેલી જોઇ જ ન હોત તો અત્યારે મારી જે હાલત છે એ ઉદ્દભવી જ ન હોત. પહેલી નજરમાં જ હું તેનાં પ્રત્યે આકર્ષાયો હતો અને મારા દિલમાં તેને પામવાની ઝંખના ઉદ્દભવી હતી. કોઇ પ્રેમમાં અંધ જનૂની માણસની જેમ મેં એક અજાણી યુવતીનો પીછો કર્યો હતો એ આશ્વર્ય મને ખુદને ઉદ્દભવતું હતું. પહેલી નજરનાં પ્રેમ વીશે મેં ઘણું સાંભળ્યું હતું. પરંતુ ખુદ મારી સાથે જ એવી ઘટનાં ઘટશે એવું તો સ્વપ્નેય મેં કલ્પ્યું નહોતું. પરંતુ એવું થયું હતું, અને હું ઉંધે કાંધે અનેરીનાં પ્રેમમાં પડયો હતો. એ અહેસાસ, એ સચ્ચાઇને હું સમજી શકું, સ્વીકારી શકું એ પહેલાં તો તે મારાથી દુર ચાલી ગઇ હતી. વરસાદી સિઝનમાં વાદળોથી ગોરંભાયેલા આકાશમાં એકાએક જાણે વીજળીનો કડાકો થાય, તમે ક્ષણભર માટે એ વીજળીને જૂઓ, ન જુઓ ત્યાં આકાશનાં ગહન અંધકારમાં એ વીજળી ગાયબ થઇ જાય, બસ... એવી જ રીતે અનેરી મારા જીવનમાં પ્રવેશી અને એકાએક ગાયબ થઇ ગઇ હતી. અને હું મોં વકાસીને ધડકતા હ્દયે તેને મારાથી દુર...ઘણે દુર જતી જોઇ રહયો હતો. એ અહેસાસ બહું પીડાદાયક હતો. જાણે અંદરથી કશુંક તૂટી ગયું હોય અને એની પીડા પણ ન ઉદ્દભવે, એમ હું શૂન્યમસ્તક બનીને ગીતામંદિરનાં પરિસરમાં ઉભો હતો. મારી જાણ બહાર જ મારી આંખોમાં ઝાકળ છવાયું હતું અને નજરો સામે દેખાતું દ્રશ્ય ધુંધળું થયું હતું. મારા માટે કદાચ અહીં બધું જ સમાપ્ત થઇ ગયું હતું. ખીન્ન મને અને ભગ્ન હ્દયે મેં ઇન્દ્રગઢ જવાનું મન બનાવ્યું. જો કે એક સવાલ એ પણ હતો કે અનેરી જે ફોટાઓ પાછળ હતી એ તેને મળી ગયા હતા તો હવે પછી એ ઇન્દ્રગઢ શું કામ જાય..?
( ક્રમશઃ)
લેખકઃ- પ્રવિણ પીઠડીયા.
આપને નો-રીટર્ન-૨ કેવી લાગી એ પ્રતીભાવ ૯૦૯૯૨૭૮૨૭૮ પર લેખકને વોટ્સએપ કરી શકો છો. અથવા તેમની સાથે ફેસબુક પેજ Praveen Pithadiya સાથે જોડાઇ શકો છો.
ધન્યવાદ.
આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..
નો રીટર્ન.
નસીબ.
અંજામ.
નગર.
આંધી. પણ વાંચજો.