તમે સૂક્ષ્મ કોષથી લઈને છેક તારામંડળ સુધી કોઈ પણ વસ્તુ તપાસશો, તો સામાન્ય રીતે સર્વમાં ગણિતશાસ્ત્રના ચોક્કસ નિયમો જોવા મળશે. શું તમે કદીએ સરજેલી વસ્તુઓનું નિરીક્ષણ કર્યું છે? દુનિયામાં કેવી જાત-જાતની અને ભાત-ભાતની ચીજ-વસ્તુઓ છે. અમુક તો આંખોને જોતા જ ગમી જાય એવી રંગબેરંગી હોય છે. અમુકની ડિઝાઈન તો અક્કલ કામ ના કરે એવી હોય છે. ઘણા લોકોનું માનવું છે કે આખું વિશ્વ અને સર્વ સજીવો એક મોટા અકસ્માતને લીધે અને ઉત્ક્રાંતિથી અસ્તિત્વમાં આવ્યા છે. જ્યારે કે બીજા લોકો કહે છે કે વિશ્વના રચનાર ઈશ્વર છે. તમારું શું કહેવું છે?
તમે ઉત્ક્રાંતિમાં માનો કે ઈશ્વરમાં, બંને માટે વિશ્વાસ જરૂરી છે. જેઓ ઈશ્વરમાં માને છે તેઓને શ્રદ્ધાની જરૂર છે, કેમ કે બાઇબલ કહે છે: ‘ઈશ્વરને કોઈ માણસે કદી જોયો નથી.’ કોઈ માણસે ઈશ્વરને વિશ્વ રચતા કે સજીવોને બનાવતા જોયા નથી. તેમ જ કોઈ માણસે ઉત્ક્રાંતિ પ્રમાણે એક જીવને વધુ ચઢિયાતા બનતા કે સાવ બીજી જાતિમાં બદલાતા જોયા નથી. મળી આવેલા પ્રાણીઓના અશ્મિ પરથી સાબિતી મળે છે કે મુખ્ય પ્રાણીઓના વર્ગ એક સાથે અસ્તિત્વમાં આવ્યા હતા. હજારો વર્ષો થયા છતાં એ પ્રાણીઓમાં બહુ કંઈ ફેરફાર થયા નથી.તેથી આ મહત્ત્વના પ્રશ્નોના જવાબ મેળવવાની જરૂર છે: શાના પર વિશ્વાસ મૂકવો જોઈએ—ઈશ્વરમાં કે ઉત્ક્રાંતિમાં? કયા શિક્ષણનો પાયો મજબૂત છે?
તમારો વિશ્વાસ શાના પર નભે છે?
બાઇબલ કહે છે કે “વિશ્વાસ” હશે તો વ્યક્તિને “અદૃશ્ય વસ્તુઓની સાબિતી” મળશે. એક બીજો બાઇબલ અનુવાદ કહે છે: “જે વસ્તુઓ આપણે જોઈ શકતા નથી છતાં આપણે જાણીએ છીએ કે તે સત્ય છે, તેનો જ અર્થ વિશ્વાસ” છે. શું તમે એવી કોઈ વસ્તુઓનો વિચાર કરી શકો જેને તમે જોઈ નથી પણ એને હકીકત માનો છો?
ચાલો એક-બે દાખલાનો વિચાર કરીએ. ઘણા પ્રખ્યાત ઇતિહાસકારો માને છે કે મહાન સિકંદર, જુલીયસ સીઝર અને ઈસુ ખ્રિસ્ત અગાઉ થઈ ગયા હતા. એનું કારણ એ છે કે તેઓને એ માણસો વિષે અનેક પુરાવા મળ્યા છે.
વૈજ્ઞાનિકો પણ અનેક અદૃશ્ય વસ્તુઓની “સાબિતી” જોઈ શકે છે. દાખલા તરીકે, ઓગણીસમી સદીમાં થઈ ગયેલા રશિયન રસાયણશાસ્ત્રી ડમિટ્રાઈ મેંડેલિયેવ વિષે થોડું વિચારો. તે જાણતો હતો કે આખું વિશ્વ અણુઓથી બનેલું છે. તેને અણુ-અણુ વચ્ચેના સંબંધો વિષે જાણવાનો શોખ હતો. તેને ખબર પડી કે અલગ અલગ વસ્તુઓમાં રહેલા અણુઓમાંના અમુક પરમાણુ સરખા હોય છે. એ અણુનું વજન કેટલું છે અને કેવા રાસાયણિક પદાર્થથી બનેલું છે એ પારખી શકાય છે. તેને વિશ્વાસ હતો કે દરેક અણુની રચના બરાબર ગોઠવાયેલી હોય છે. આ સમજીને તેણે એક આવર્ત કોષ્ટક (પિરિયૉડિક ટેબલ) બનાવ્યું. તેણે અમુક એવા તત્ત્વો વિષે જણાવ્યું જેની હજી શોધ પણ થઈ ન હતી.
હવે પુરાતત્ત્વશાસ્ત્ર પર નજર નાખીએ. એમાં સંશોધન કરનારા, હજારો વર્ષોથી દટાયેલું કશું શોધી કાઢીને ધારણા કરે છે કે અગાઉના લોકોની સંસ્કૃતિ કેવી હતી. ધારો કે એક પુરાતત્ત્વશાસ્ત્રીને અનેક મોટી ઈંટો મળી આવે છે. દરેક ઈંટોનો આકાર સરખો છે. અને એ ઈંટો એકની ઉપર એક વ્યવસ્થિત ગોઠવાયેલી છે. આ જોઈને પુરાતત્ત્વશાસ્ત્રી શું માનશે? શું તે એમ માનશે કે આ બધી ઈંટો પોતાની મેળે ગોઠવાઈ ગઈ? ના, બિલકુલ નહિ. તે માનશે કે એ વખતના લોકોએ એ ગોઠવી હશે. આપણે પણ એવું જ કંઈક માનીશું, ખરું ને.
આ દાખલા પરથી વિચારીએ કે એનો કોઈ બનાવનાર હશે, તો શું કુદરતી ચીજોની ડિઝાઈન વિષે પણ એવું જ કંઈક ના વિચારવું જોઈએ? ઘણા લોકો અને અનેક પ્રખ્યાત વૈજ્ઞાનિકો આવું જ કંઈક માને છે.
વિશ્વ આપમેળે આવ્યું કે કોઈએ બનાવ્યું?
અમુક વર્ષો અગાઉ બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી સર જેમ્સ જીન્સે એક પુસ્તક લખ્યું. એમાં તેમણે જણાવ્યું કે વૈજ્ઞાનિકોની સમજણ દિવસે-દિવસે વધતી જાય છે. જેમ જેમ પ્રગતિ થતી જાય તેમ તેમ ‘વિશ્વ વધુને વધુ જટિલ હોય એવું લાગે. પણ હકીકતમાં તો વિશ્વ કોઈ મહાન વ્યક્તિની બુદ્ધિનો પુરાવો આપે છે. એવું લાગે છે કે વિશ્વના રચનાર સૌથી ઊંચા ગણિતશાસ્ત્રી છે.’ એવું ધારી શકીએ કે વિશ્વના રચનારમાં જે આવડત ને ગુણો છે, એ થોડા અંશમાં આપણામાં પણ છે.
જેમ્સ જીન્સ પછી, બીજા અનેક વૈજ્ઞાનિકો પણ તેના જેવું જ કંઈક વિચારતા હતા. ભૌતિકશાસ્ત્રી પોલ ડેવીઝે લખ્યું: ‘આખું વિશ્વ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે. એ જોઈને ઘણા ખગોળશાસ્ત્રી સ્વીકારે છે કે એનો રચનાર કોઈક તો છે.’ ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના ક્ષેત્રમાં મશહૂર આલ્બર્ટ આઈનસ્ટાઈન પણ એવું જ કંઈક માનતા હતા. તેમણે કહ્યું હતું: ‘આપણે કુદરતની બાબતો વિષે ઊંડી સમજણ મેળવી શકીએ, એ એક ચમત્કાર છે.’ ઘણા લોકો માને છે કે ફક્ત કુદરતી બાબતો જ નહિ, પણ સૃષ્ટિના તત્ત્વો, આપણું if મગજ, અરે, જીવન એક ચમત્કાર છે.
ડી. એન. એ. અને આપણું મગજ
સર્વ જીવંત વસ્તુઓમાં, અરે દરેક કોષમાં ડી.એન.એ. હોય છે. એમાં વ્યક્તિ, પ્રાણી કે વનસ્પતિ કેવા દેખાશે એનો વારસો છુપાયેલો છે.એ જટિલ રસાયણોથી બનેલું છે. એ જાણે એક વિગતવાર નકશો (બ્લુ પ્રિન્ટ) છે. એમાં ઢગલા બંધ માહિતી છે. ડી.એન.એ. એક કોષનો નાનો અમથો ભાગ છે. શરીરને જીવતું રાખવા માટેની ક્રિયા વિષેની માહિતી એમાં જણાવેલી હોય છે. ડી.એન.એ.ના મૂળ તત્ત્વોને ન્યુક્લિઑટાઈડ કહેવાય છે. એમાં કેટલી માહિતી છે? જો દરેક તત્ત્વોને એક અક્ષર ગણો તો એક જ્ઞાનકોશ મુજબ ‘ડી.એન.એ.ની માહિતીથી ૧૦ લાખથી વધારે પાનનું એક પુસ્તક બને.’
મોટા ભાગના જીવ-જંતુઓમાં, જટિલ દોરી જેવા આકારમાં ડી.એન.એ. ગોઠવાયેલા હોય છે. એ દોરી ક્રોમોઝોમ કહેવાય છે. ક્રોમોઝોમ દરેક કોષના ન્યુક્લિયસમાં (કોષકેન્દ્રમાં) સચવાયેલું હોય છે. આ કોષકેન્દ્રની પહોળાઈ કેટલી છે? જો એક ઇંચના ૧૦,૦૦૦ ભાગ કરીએ, તો આ કોષકેન્દ્ર ફક્ત બે ભાગ જેટલું જ પહોળું છે! એનો જરા વિચાર કરો. શરીરના વિકાસ માટેની સર્વ માહિતી, એ ઝીણા ઝીણા ક્રોમોઝોમમાં રાખેલી છે. અરે, એને જોવા તો જોરદાર માઇક્રોસ્કોપની જરૂર પડે છે! એક વૈજ્ઞાનિકે કહ્યું: ‘જીવ-જંતુઓમાં માહિતી સાચવી રાખવાની અને ફરી યાદ કરીને એનો ઉપયોગ કરવાની ગોઠવણ અજોડ છે.’ તેનું કહેવું બિલકુલ સાચું છે, કેમ કે એની સરખામણીમાં કૉમ્પ્યુટર ને ડી.વી.ડી. જેવા સાધનો ગણી-ગાંઠી માહિતી સાચવી રાખી શકે છે! વધુમાં આપણે ડી.એન.એ. વિષે હજુ ઘણું જાણવાનું બાકી છે. ન્યૂ સાયન્ટિસ્ટ મૅગેઝિન કહે છે કે ‘ડી.એન.એ.માં જેમ ઊંડા ઊતરીએ તેમ એ વિષેની વિગતો વધારેને વધારે જટિલ બનતી જાય છે.’
ડી.એન.એ.ની ડિઝાઈન અને કોષની ગોઠવણ વિષેની સમજણ આપણને છક કરી નાખે એવી છે. પણ શું એ બધું આપમેળે આવી ગયું? ના. ચાલો એ સમજવા એક દાખલો લઈએ. તમને ૧૦ લાખ પાનનું એકદમ અઘરું અને ઝીણી-ઝીણી વિગતોવાળું પુસ્તક મળે. એ પુસ્તક વાંચવા માટે તમને જોરદાર માઇક્રોસ્કોપની જરૂર પડે. આ પુસ્તકમાં એક મશીન બનાવવાનો પ્લાન આપેલો છે. આ મશીન અબજો ભાગોથી બનેલું છે. દરેક ભાગ કઈ રીતે અને કયા ક્રમમાં ગોઠવવા એ આ પુસ્તકમાં સમજાવેલું છે. આ મશીન એટલું અજોડ છે કે જાતે વિચારી શકે છે ને પોતાનું રિપેરિંગ પણ કરી શકે છે. અરે, પોતાના જેવું જ બીજું મશીન પણ બનાવી શકે છે. આ બધું જાણીને શું તમે એમ વિચારશો કે આ પુસ્તક બસ આપમેળે આવી ગયું? ના, જરાય નહિ.
એક બ્રિટિશ ફિલસૂફ એન્ટની ફ્લુ નાસ્તિકવાદને ટેકો આપવામાં આગળ પડતા હતા. કોષ વિષેની ઊંડી સમજણ મેળવીને તે કહે છે: ‘સજીવોના કોષ એટલા જટિલ છે કે એને પૂરી રીતે સમજવું અશક્ય છે. અરે, એ લાખો-કરોડો કોષો ભેગાં થઈને કઈ રીતે સજીવોને જીવતા રાખે છે, એ પણ એક અજાયબી છે. પણ એક વાત ચોક્કસ છે કે એનો કોઈ રચનાર હોવો જ જોઈએ. એ ક્યાંથી આવ્યું, કંઈ રીતે આવ્યું એ જાણવા બધી સાબિતીઓ તપાસવી પડે છે.’ કોષ વિષેની આવી માહિતી જાણીને એન્ટની ફ્લુ હવે ભગવાનમાં માનવા લાગ્યો.
માણસના મગજ પર અભ્યાસ કરીને વૈજ્ઞાનિકો નવાઈ પામી જાય છે. તેઓનું કહેવું છે કે ‘આખા વિશ્વમાં સૌથી જટિલ માણસનું મગજ છે.’ ડી.એન.એ. વગર આપણા મગજની રચના થઈ જ ના હોત. એનું વજન આશરે દોઢ કિલોનું છે. એ રાખોડી ને ગુલાબી રંગનું પોચું અંગ છે. એ અબજો ન્યુરોન અને બીજા તત્ત્વોથી બનેલું છે. એની સરખામણીમાં દુનિયાના મોટા મોટા કૉમ્પ્યુટર તો કોઈ વિસાતમાં નહિ. એક ન્યૂરો સાયન્ટિસ્ટ કહે છે કે જેમ વૈજ્ઞાનિકો મગજ વિષે વધુ જાણે છે ‘તેમ એની વિગતો વધારેને વધારે જટિલ બનતી જાય છે. એ વિષેની સમજણ મેળવવી આપણી ક્ષમતાની બહાર છે.’
મગજના વિવિધ કાર્યનો વિચાર કરો. આપણે જટિલ બાબત સમજી શકીએ. કૉમ્પ્યુટર બનાવી શકીએ. સાઇકલ ચલાવી શકીએ. કવિતા લખી શકીએ. તારાઓ જોઈને ઈશ્વરની કરામતની વાહ-વાહ કરી શકીએ. શ્વાસ લેવો, હસવું કે રડવું એ બધી ક્રિયા પણ મગજની દેન છે. શું આ બધું ઉત્ક્રાંતિને લીધે શક્ય છે?
વિશ્વાસનો મક્કમ પાયો
જીવન અને પોતાના વિષે સારી સમજણ મેળવવા શું આપણે ઉત્ક્રાંતિવાદીઓની જેમ વાંદરાઓ અને જાનવરોનો અભ્યાસ કરવો જોઈએ? કે પછી ઈશ્વર પાસેથી જવાબો શોધવા જોઈએ? ખરું કે માનવીની જેમ જાનવરો પણ ખાવાનું, પીવાનું, સૂવાનું અને સંતાન પેદા કરવાનું કાર્ય કરી શકે છે. પણ આપણે જાનવરોથી ઘણી બધી રીતે અલગ છીએ. સમજદાર વ્યક્તિ સ્વીકારશે કે માનવીઓ પાસે જે અજોડ ક્ષમતા છે, એ પોતાથી નહિ પણ ઈશ્વરથી છે. હજારો વર્ષો પહેલાં, બાઇબલમાં જણાવ્યું હતું કે ઈશ્વરે માણસોને ‘પોતાના સ્વરૂપ’ પ્રમાણે બનાવ્યો. એટલે કે માણસોમાં તેમના જેવા ગુણો મૂક્યા. વળી આપણામાં ભક્તિ કરવાની ક્ષમતા મૂકી.
વિશ્વના સરજનહારે “આપણને સમજણ આપી છે.”એટલે આપણે સૃષ્ટિ પર સંશોધન કરી શકીએ છીએ. મહત્ત્વના પ્રશ્નોના જવાબ મેળવી શકીએ છીએ. આ વિષે ભૌતિકશાસ્ત્રી અને વિજ્ઞાન ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક વિજેતા વિલિયમ ડી. ફિલિપ્સે લખ્યું: ‘ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતો સમજવા બહુ અઘરા નથી. વિશ્વમાં દરેક ચીજ એની જગ્યાએ ગોઠવાયેલું હોવાથી એકદમ સુંદર દેખાય છે. આ બધું જોઈને હું એ નિષ્કર્ષ પર આવું છું કે કોઈ બુદ્ધિમાન વ્યક્તિએ એને બનાવ્યું હશે. આ બધી વસ્તુઓના નિરીક્ષણથી મને ખુશી થાય છે ને મારી ઈશ્વર પરની શ્રદ્ધા વધી છે.’
આશરે બે હજાર વર્ષ પહેલાં એક માણસે કહ્યું: ‘ઈશ્વરના અદૃશ્ય ગુણો, એટલે તેમનું સનાતન પરાક્રમ અને દેવત્વ, જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી જોઈ શકાય છે.’ આ માણસ પ્રેરિત પાઊલ હતા. તે એક હોશિયાર માણસ હતા. તેમને મુસાના નિયમ શાસ્ત્રનું ઘણું જ્ઞાન હતું. તે જે શીખ્યા એનાથી એ નિર્ણય પર આવ્યા કે ઈશ્વર છે. અને સૃષ્ટિની રચના જોઈને તે ઈશ્વરની સ્તુતિ કરવા પ્રેરાયા.
અમારી આશા છે કે તમે પણ હવે જોઈ શકો છો કે ઈશ્વરમાં માનવું મૂર્ખાઈ નથી. પણ એટલું જ પૂરતું નથી કે તમે માનો કે ઈશ્વર છે. ઈશ્વરભક્ત પાઊલની જેમ સ્વીકારો કે ઈશ્વરના અનેક સદ્ગુણો છે. તેમને સારી રીતે ઓળખો. એમ કરવાથી તેમના માટેનો પ્રેમ વધશે. લાખો લોકોએ આવું અનુભવ્યું છે. કેમ નહિ કે તમે પણ ઈશ્વરને સારી રીતે ઓળખવા પ્રયત્ન કરો!
Nikunj Kantariya
7041776603