Hu maik nahi chhodu in Gujarati Comedy stories by Yashvant Thakkar books and stories PDF | હું માઇક નહી છોડું

Featured Books
Categories
Share

હું માઇક નહી છોડું

હું માઇક નહી છોડું

યશવંત ઠક્કર

કહેવાય છે કે દરેક સારી વાતનો એક અંત હોય છે. એની પણ એક મજા હોય છે. કોઈ વક્તાશ્રીના વક્તવ્યને પણ આ જ નિયમ લાગુ પડે છે. કેટલાક કિસ્સામાં તો વક્તાશ્રીનું વકતવ્ય સમયસર શરૂ થાય એ મજાની વાત હોય છે, પરંતુ એથી પણ વિશેષ મજાની વાત એ હોય છે કે વક્તાશ્રીનું વકતવ્ય સમયસર કે સમયથી પહેલાં પૂરું થાય. જો કે, આવું ભાગ્યે જ બનતું હોય છે.

વક્તાશ્રી જો શ્રોતાઓની રસવૃત્તિનો વિશેષ કસ કાઢવાની લાલચમાં પડીને વિષય બહારની વાતોએ ચડી જાય અને પોતાનું વકતવ્ય સમયસર પૂરું ન કરે, ત્યારે કેટલાક શ્રોતાઓની રસવૃત્તિ ચંચળવૃત્તિમા પણ ફેરવાઈ જાય. પરિણામે, કાર્યક્રમમાં અણધાર્યો હાસ્યરસ ખાબકવા લાગે. આવી પરિસ્થિતિમાં વક્તાશ્રીએ સમજદારી દાખવીને પોતાની વાતને વહેલાસર વિરામ આપી દેવો જોઈએ. પરંતુ કોઈ કોઈ વક્તાશ્રી જિદે ચડીને શ્રોતાઓને ઉશ્કેરાવાનું કારણ પૂરું પાડે છે. માઇક સામે ઊભા રહીને વિવેક જાળવવો એ ભજિયાં કે ગાંઠિયા જેવી વાયડી ચીજો સામે હોય ત્યારે વિવેક જાળવવા જેવી અઘરી વાત છે.

એક પ્રસંગ યાદ આવે છે. એક વકતાશ્રી દ્વારા બીજા એક કવિશ્રીની કાવ્યલીલા વિષે વક્તવ્ય ચાલતું હતું. કવિશ્રી અને એમની કવિતા માટે શ્રોતાઓને માન હતું. પરંતુ વક્તાશ્રી ધીરે ધીરે મૂળ વિષયથી દૂ...ર દૂ...ર જવા લાગ્યા. કવિની કાવ્યલીલા વિષે વિષે બોલવાને બદલે તેઓ કવિની બાળલીલા વિષે વધારે બોલવા લાગ્યા. શ્રોતાઓને એમાં પણ વાંધો નહોતો, પરંતુ વક્તાશ્રી કવિની બાળલીલાની સાથે સાથે પોતાની બાળલીલાનું પણ વર્ણન કરવા લાગ્યા. એ વર્ણન બહુ લાંબુ ચાલ્યું. 'અમે નાના હતા ત્યારે નદીએ નહાવા જાતા'તા ને વગર ચડ્ડીએ નહાતા'તા અને કોઈના આંબેથી કેરીઓ તોડીને ખાતા’તા.’ એવી એવી વાતો લંબાતી ગઈ. ગામડા ગામમાં જન્મેલા મોટા ભાગના લોકોએ આવી બાળલીલા તો કરી જ હોય. વક્તાશ્રી કે કવિશ્રીની આ કાંઈ મોટી સિદ્ધિ ન ગણાય. જેમ જેમ એવી વાતો લંબાતી ગઈ એમ એમ કેટલાક શ્રોતાઓની ધીરજ અને સહનશક્તિ ટૂંકાં થતાં ગયાં. એ શ્રોતાઓએ પોતાની લાગણી તાળીઓ પાડીને વ્યક્ત કરી. વક્તાશ્રીને એવું લાગ્યું કે પોતાનું વકતવ્ય શ્રોતાઓને પસંદ આવી રહ્યું છે. એમણે વક્તવ્ય વધારે લંબાવ્યું. શ્રોતાઓએ વિશેષ તાળીઓ પાડી. દરિયામાં ભરતી આવે એમ અચાનક સભાખંડમાં હાસ્યનાં મોજાં ઉછળવા લાગ્યાં, આથી વક્તાશ્રીને ખ્યાલ આવી ગયો, કે આ તાળીઓ વક્તવ્યના સમર્થનમાં નહિ, વિરોધમાં પડી રહી છે. આવા સમયે જ કોઈ પણ વક્તાની ખરી કસોટી થતી હોય છે. સમય આવ્યે કૃષ્ણ ભગવાને પણ રણ છોડ્યું હતું તો કોઈ વક્તા માટે માઈક છોડવું એ બહુ શરમની વાત ન ગણાય. આવી વેળાએ તો એ સમજદારી ગણાય. પરંતુ આ વક્તાશ્રી તો હઠે ચડ્યા. શ્રોતાઓને સજા આપવા માંગતા હોય એમ એમણે શ્રોતાઓને સ્પષ્ટ કહી દીધું કે, ‘તમે ભલે ગમે એટલા ધમપછાડા કરો પણ હું મારે જેટલું બોલવું છે એટલું બોલ્યા વગર બેસવાનો નથી.’ વાત વટે ચડી ગઈ. વક્તાશ્રી બોલતા રહ્યા અને શ્રોતાઓ તાળીઓ પાડતા રહ્યા. છેવટે આયોજકોએ વક્તાશ્રીને સમજાવીને માઇકથી દૂર કર્યા.

વક્તાશ્રીએ કવિના કવિકર્મ વિષે વક્તવ્ય આપવાનું હતું. પરંતુ તેઓશ્રીએ કવિશ્રીના અને પોતાના ચડ્ડીવિહીન સ્નાનકર્મ વિષે વક્તવ્ય આપ્યું. આમ મોટું વિષયાંતર થયું એ કારણથી વક્તવ્યનો ખાટી છાશ જેવો અંત આવ્યો.

ત્યારબાદ, જેમની કવિતા વિષે વાત થવાની હતી એ કવિશ્રી પોતે બોલવા ઊભા થયા. કવિશ્રીએ સૌમ્ય ભાષામાં માત્ર ને માત્ર પોતાની કવિતા વિષે જ વાતો કરી. એ પણ માર્યાદિત સમયમાં. એમનું વક્તવ્ય પૂરું થવાનું આવ્યું ત્યારે કેટલાક શ્રોતાઓએ એમને વધારે બોલવાની વિનંતી કરી, પરંતુ કવિશ્રીએ સમજદારી દાખવીને સમયસર માઇકનો ત્યાગ કર્યો. એમણે ખાટી છાશમાંથી કઢી બનાવવા જેવું કામ કર્યું અને અધિક માનસન્માન પામ્યા.

બ્રહ્માજીની ઘડિયાળ જેમ સામાન્ય માનવીની ઘડિયાળ કરતાં જુદી હોય છે એમ કેટલાક વક્તાઓની ઘડિયાળ પણ સામાન્ય માનવીની ઘડિયાળ કરતાં જુદી હોય છે! એમની સેકંડ, મિનિટ અને કલાક બહુ મોટા હોય છે. આથી તેઓએ વક્તવ્ય માટે લીધેલો સમય આયોજકો અને શ્રોતાઓને વધારે લાગતો હોય છે. આ સમસ્યાનો એક જ ઉપાય એ છે કે શ્રોતાઓને વક્તાશ્રીના વકતવ્યમા રસ પડે અને એમને માટે સમય ગૌણ બની જાય. આજે મોટા ભાગના લોકો પાસે સમયની બહુ તંગી છે ત્યારે વક્તાઓએ કેટલું બોલવું અને કેવું બોલવું એ વિષે વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. જેટલી ચાદર હોય એટલા જ પગ લંબાવાય.

એક કાર્યક્રમમાં એવું થયું હતું કે એ કાર્યક્રમ મોડો શરૂ થયો. દુકાળમાં અધિક માસની જેમ સ્વાગત વિધિ અને પરિચય વિધિ લાંબી ચાલી. સારા કામમાં સો વિઘ્ન આવે એમ મુખ્ય વક્તાની પહેલાં અનેક પેટા વક્તાઓ એક પછી એક માઇક પર આવ્યા. મુખ્ય વક્તા જયારે બોલવા ઊભા થયા ત્યારે કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો હતો. આયોજકોએ એમને ટૂંકમાં પતાવવા માટે વિનંતિ કરી, આથી મુખ્ય વક્તાશ્રીએ નારાજ થઈને કહ્યું કે: ‘તમે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવાની વાત કરો છો. હવે તો એક જ રસ્તો બાકી છે કે, હું મારું વક્તવ્ય બાજુ પર રાખીને આભારવિધિ કરી દઉં.’

કેટલાક કાર્યક્રમોમાં સંચાલકનો માઇકમોહ છાનો નથી રહેતો. કાર્યક્રમનો મોટા ભાગનો સમય આવા સંચાલક ખાઈ જતા હોય છે. આથી વક્તાઓને પૂરતો માઇકસંગ મળતો નથી. એક વિદ્વાન વક્તાશ્રીએ તો આવા સંચાલકની સરખામણી શેતાનના સાતમા અવતાર સાથે કરી હતી. એ વક્તાશ્રી સંચાલકથી કેટલા નારાજ હશે. સમજદાર સંચાલક સમય વર્તે સાવધાની દાખવી શકતા હોય છે. માઇકને ક્યારે પકડવું ને ક્યારે છોડવું એ જેને સમજાઈ જાય એને ક્યરેય વાંધો આવતો નથી.

આજકાલ તો કેટલીક પાઠશાળાઓમાં વક્તા અને સંચાલક બનવા માટેના અભ્યાસક્રમો પણ શરૂ થઈ ગયા છે. એ સમયની જરૂરિયાત છે. ‘બાર વેંતનું ચીભડું અને તેર વેંતનું બી’ એ કહેવત મુજબ ચાલતા કાર્યક્રમોથી શ્રોતાઓને હવે ત્રાસ થાય છે. પુસ્તક કરતાં પ્રસ્તાવના લાંબી હોય તો વાચકો એ પ્રસ્તાવના વાચવાનું ટાળે છે. નાટકો ત્રિઅંકીના બદલે દ્વિઅંકી થઈ ગયા છે. ફિલ્મો ત્રણના બદલે બે કલાકની થઈ ગઈ છે. વરઘોડો લાંબો ચાલે તો લગ્નવિધિમાં કાપ મુકાઈ જાય છે.

હું પણ સમજદારી દાખવીને મારી વાતને અહીં વિરામ આપું છું.

***