દ્રશ્ય: - 29
- “માફ કરજો, વિક્કી રાવળ ક્યા વોર્ડમાં છે?” સિવીલ હોસ્પીટલમાં રીસેપ્શનીસ્ટ આગળ આવીને એક બુરખાધારી યુવતિએ મીઠા અવાજે પૂછ્યું.
“ત્રીજો માળ.” જવાબ મળ્યો.
“આભાર.” યુવતિ આભાર માનતી ઝડપી પગલા પાડતી લિફ્ટ તરફ ગઇ, લિફ્ટ દ્વારા ત્રીજા માળે પહોંચી, પરીસરમાં પગ મુક્તા જ જોઇ લીધું કે આગળ એક વોર્ડ પાસે સુરક્ષા કર્મીઓ ખડકેલા છે, સામાન્ય અવર-જવર પણ નહોતી થતી. એ બુરખાધારી યુવતિની આંખોમાં ગભરાટ દેખાવા લાગ્યો.
“આ લોકો તો મને અહીં પરીસરમાં પણ ઊભા રહેવા નહીં દે, ઓળખાણ આપુ તો પણ શું આપું? વિક્કી સિવાય કોઇને ખ્યાલ નહીં હોય કે મારો તેની સાથે શું સંબંધ છે, યા અલ્લાહ, હવે શું કરૂં? ના, મારે વિક્કીને અત્યારે નથી મળવું, ખોટા ભવાડા ઉભા નથી કરવા.” સમજુ લાગતી એ યુવતિએ નિર્ણય કર્યો, અચાનક તેણીના ખભા પર હાથ આવ્યો. યુવતિ ગભરાઇ ગઇ, પાછળ વળીને જોવા ગઇ તો સામે લાવણ્યા ઊભી હતી, યુવતિ તેણીને જોઇ રહી, લાવણ્યાએ આંખોના ઇશારે પૂછ્યું, પણ યુવતિએ જોઇ રહી.
“કોણ છે તું? અહીં શું કરે છે?” લાવણ્યાએ પૂછ્યું, યુવતિએ જવાબ ન આપ્યો, “હેલો, આ લોકો પુછે એ પહેલાં મને જણાવી દે, તારે કોને મળવું છે અને આ હાઈ સિક્યોર્ડ એરીયામાં શું કરે છે?”
“હું.. હું...”
“હું-હું શું? જલ્દી બોલ, મારે સમય નથી, જલ્દી બોલ.” લાવણ્યા હાથમાંનાં મોબાઇલને જોઇને બોલી ઊઠી. જોકે યુવતિ ગભરાયેલ લાગી. લાવણ્યાએ તેણીના ખભા પર હાથ મુક્યો, “ડર નહીં, હું પુલીસ નથી, તારી જેમ સામાન્ય છોકરી જ છું.”
“હું ઇશરત જાફરી છું, તસ્લિમા જાફરીની દીકરી.” યુવતિએ જવાબ આપ્યો, લાવણ્યા આશ્ચર્ય પામતી તેણીને જોઇ રહી. તેણીએ બુરખો ચહેરા પરથી દુર કર્યો, નાજૂક નમણી પાતળી ઇશરતને લાવણ્યા જોઇ રહી.
“પણ, તું અહીં કોને જોવા આવી છો?”
“વિક્કી રાવળ.” ઇશરતે ઝાટકો આપ્યો. લાવણ્યાની આખો પહોંળી થઈ ગઈ, “મહેરબાની કરીને મને મળવા દો, મારો જીવ ગભરાઇ રહ્યો છે.”
“તું અને વિક્કી? અફેર? ક્યારથી ચાલે છે? તને ખબર પણ છે? બન્ને પરીવાર વચ્ચે શું ચાલી રહ્યું છે? કોઇ તને જોઇ ગયું તો રાઇનો પહાડ થઇ જશે તેનો ખ્યાલ છે?”
“પ્રેમ ક્યાં કાંઇ જુએ છે? મને જ્યાં સુધી ખ્યાલ આવી ગયો હતો ત્યાં સુધી પ્રેમમાં પડી ગઇ હતી, જોકે, અમે કોઇ મર્યાદા પાર કરી નથી, મારો વિશ્વાસ કરો, મને એકવાર વિક્કીનો ચહેરો જોવા દો, તેને જોઈને પાછી ચાલી જઈશ.” ઇશરતે આજીજી કરી, લાવણ્યા હજુ વિચારી રહી હતી.
“ઇશરત.” અચાનક એક અવાજ આવ્યો, ઇશરત પામી ગઇ કે એ અવાજ કોનો છે, ઇશરતે જમણી બાજુ લિફ્ટ તરફ જોયું તો તસ્લિમા જાફરી ઊભા હતાં, તેમની સાથે અકરમ-વહાબ ઊભા હતા. ઇશરતના મોતિયા મરી ગયા, લાવણ્યાએ પણ પાછળ વળીને જોયું, તસ્લિમાખાલા તેમની પાસે આવી, “મને ટ્યુશનમાં જવાનું કહીને તું અહીં આવી? તને ખ્યાલ પણ છે? જેની સાથે તું ઇશ્ક ફરમાવી રહી છો, એ આપણીં જન્નતને ઉજાડનારનો ફરજંદ છે? તને મહોબ્બત કરવા માટે કોઇ ન મળ્યું આ દુનિયામાં? ઔર તો ઔર તે અમારી પીઠ પાછળ મોજ-મજા કરી? તને શરમ ન આવી?”
“અમ્મીજાન, મારી વાત તો સાંભળો, મેં કોઇ ગુનો કર્યો નથી. વિક્કી તેના પરીવાર જેવો નથી, એ તો સારો છોકરો છે અને અમ્મીજાન અમે તો તમને કહેવાના જ હતાં.”
“મારે તારુ કાંઇ સાંભળવું નથી, ઇશરત, ન્યાય મેળવવા માટે જેની સામે લડી રહી છું એના જ છોકરાં સાથે તે ઇશ્ક ફરમાવીને મને જ પરાજીત કરી દિધી. ઇશરત, તે મને આજે પરાજીત કરી દિધી,” તસ્લિમાખાલાના આંખમાં આસુ આવી ગયાં, “હવે તું અહીં જ રહેજે, ઇશરત, જ્યારે તારી મહોબ્બતની ઓટ દેખાવા લાગે ત્યારે મરી જજે, પણ મારી પાસે ન આવતી, ઇશરત, ગરીબ છીએ, વેચાવ નહીં,”
“અમ્મીજાન, આ તમે શું બોલો છો? ઇશરત તો નાદાન છે, શું આપણે નાદાની કરવાની?” વહાબ- અકરમ સમજાવવા લાગ્યા. તસ્લિમાખાલાએ બન્ને ચુપ કરાવી દિધા. ઇશરતને જોયા વગર પાછા પગ ઉપાડવા લાગ્યા. અચાનક એમના હાથને લાવણ્યાએ પકડી લીધો.
“ખાલા, મને ખબર છે કે તમારા અંગત મામલામાં મારે માથું ન મારવું જોઇએ, પણ, તમને નથી લાગતું કે ઇશરતની નાદાનીને તમે પણ નાદાનીમાં મુલવી રહ્યા છો? ગમે તેની તોયે તમારી દિકરી, એને તો હું તેની નાદાનીનું પરીણામ પાંચ મિનીટમાં દેખાડી દઇશ, પણ તમે નાદાનીમા લીધેલ નિર્ણયની સજા એ બિચારી આજીવન ભોગવતી રહેશે, મહેરબાની કરીને પોતાના નિર્ણય પર ફેરવિચાર કરો.” લાવણ્યાએ તસ્લિમાખાલાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ઇશરત તો ખાલાની પગે પડી. જોકે લાવણ્યાએ તેણીને ઊભી કરી, “ઇશરત, તારે જાણવું છે? વિક્કી તને કેટલો પ્રેમ કરતો હતો?” લાવણ્યાએ પૂછ્યું, ઇશરતે હા પાડી, “તો ચાલ મારી સાથે,” લાવણ્યા ઇશરતનો હાથ પકડીને લઇ ગઇ, તસ્લિમાખાલા પાછા વળ્યાં, આ બાજુ લાવણ્યા ઇશરતને નિત્યાના વોર્ડ આગળ ઊભી કરી દિધી. “જો, આ છોકરીને.”
- ગ્લાસના દરવાજાની પેલ્લે પાર અંદર નિત્યા લાઈફ સપોર્ટીંગ વ્યવસ્થા સાથે બેભાન પડી હતી, ઇશરત જોઇ રહી.
“માત્ર બળાત્કાર નથી કર્યો આ છોકરીનો, આજે આ છોકરી મરેલી જ છે, ડોક્ટર માત્ર નિષ્ફળ પ્રયાસો કરી રહ્યા છે. જો વિક્કીએ તને સાચ્ચા હ્રદયથી પ્રેમ કર્યો હોત તો તે કોઇ છોકરી સામે નજર જ ન કરત. તેના બદલે પુરા પુર્વનિયોજીત કાવતરા સાથે નિત્યાનું અપહરણ કર્યુ, એ તો સારુ કે અવનિ મહેતા અને કોઇ માધવ...” માધવનું નામ લેતાં લાવણ્યા અટકી ગઇ, થોડુ વિચારી રહી, જોકે, ઇશરત રડવા લાગી, લાવણ્યાએ તેણીના ખભે હાથ મુક્યો.
“મારો વિક્કી આ હદે વિકૃત છે એ મને સ્વપ્નેય ખ્યાલ ન હતો, મેં મારી અમ્મીને દગો આપ્યો.” રડતી-રડતી જ ઇશરતે દોડ લગાવી, લાવણ્યા સમજી ગઇ કે આ સમજણની દોડ હતી, નીચે અમ્મીજાન પાસે ગઇ, માફી માંગી, બન્ને રડી પડી, પણ અંતે એક મામલો શાંત થઇ ગયો. તસ્લિમાખાલાએ ઇશરતને માફ કરી. ઇશરતને તેના ભાઇઓ સાથે મોકલીને ત્યાં ઊભા રહ્યાં, ત્યાં લાવણ્યા આવી. તસ્લિમાખાલા તેણીને જોઇ રહ્યાં.
“આભાર બેટા, જો તે સમયસર મને ફોન ન કર્યો હોત તો ઇશરત આજે મારાથી દુર થઇ જાત, તે ખુબ મોટું જોખમ માથે ઉપાડી લીધું, હવે કોઇને ખબર ન પડે તો સારું,”
“મેં ઇશરતને અહીં આવતાં જોઇ, મને લાગ્યું કે આજ સમય છે ઇશરતને યોગ્ય રસ્તે વાળવાનો, નહીંતર આ લોકો કેટલાં ખતરનાક છે, એ તો તમારાથી વધું કોણ જાણે?” લાવણ્યા બોલી ઉઠી.
“પણ બેટા, તને કેવી રીતે ખબર પડી કે ઇશરત મારી દિકરી છે અને એ નરાધમની જાળમાં ફંસાઇ છે?” તસ્લિમાખાલાએ પૂછ્યું, લાવણ્યા તેમને જોઇ રહી, મૌન રહી, “ગભરા નહીં, બેટાં, હું તો માત્ર એમ જ પુછી રહી હતી, મારે તે જાણવું પણ નથી, મારે તો મારી ઇશરત સમયસર સાચા રસ્તે આવી એ જ સંતોષજનક છે.” તસ્લિમાખાલા સંતોષ પામતા બોલ્યાં, લાવણ્યાને આશિર્વાદ આપીને જતાં રહ્યાં. લાવણ્યા હજુ હોસ્પીટલ તરફ જતી હતી ત્યાં સામે કેવિન બ્રોડ ઊભા હતા, જાણે તેણીના આવવાની રાહ જોઇ રહ્યાં હોય તેમ ત્રાંસી આંખે જોઇ રહ્યા. લાવણ્યા ગભરાઇ ગઇ, અંકલે તેણીને અને તસ્લિમાખાલાને સાથે તો જોઇ લીધા નથીને?
“ઉસ બુઢિયાકે સાથ ક્યાં કર રહી થી તુમ, લડકી?” અંકલ બ્રોડે સણસણતો સવાલ કર્યો, લાવણ્યા સ્તબ્ધ થઇ ગઇ, નીચે જોઇ રહી, “મુંઝસે નજરે મત ચુરાઓ, અગર જૂઠ બોલી તો યાદ રખના તેરા અંજામ અભિનવ હિ તય કરેગા.”
“મેં..” લાવણ્યા વિચારવા લાગી. અંકલ બ્રોડ ફાડી નજરે જોઇ રહ્યો, “..મેં ઉસ બુઢીયા કો ઔર...ઔર ઉસકી લડકી કો વિક્કી સે મિલને સે રોક રહી થી.”
“કોન લડકી? ઔર વહ વિક્કી કો મિલના ચાહતી થી?”
“તસ્લિમા જાફરી કી દીકરી ઇશરત જાફરી કા વિક્કી સે લફડા થા, બડે સાબ યહ જાનતે હૈં.” લાવણ્યાએ જવાબ ગોઠવીને જવાબ આપ્યો.
“ક્યાં? જીજાજી..” અંકલ બ્રોડ બોલી ઉઠ્યાં, “મેરા મતલબ મુખ્યમંત્રી સાબ જાનતે થે? અગર જાનતે થે તો મુંઝે ક્યું નહીં બતાયા?” અંકલ બ્રોડથી બોલાઇ ગયુ, જોકે સામે નોકર ઉભી હોવાથી વાત બદલી નાખી, “તુમ્હે કૈસે પતા? હમારી જાસુસી કર રહી હો ક્યાં?”
“અરેરે, નહીં, નહીં, સર, યહ તો ઉસ લડકીને હિ બતાયા, ઉસે વિક્કીને હી બતાયા થા, ઇસલિયે તો મેંને દોનો માઁ-બેટી કો ભગાયા, બિચારી કો દુખ તો બહુત હુઆ, પર..”
“તુમ્હે ઉન દોનો પર સહાનુભુતિ જતાને કી જરૂરત નહીં હૈં, વર્ના તુમ પર લોગ કોઇ સહાનુભુતિ રખ નહીં પાયેંગે. જાઓ, અપના કામ કરો.” અંકલ બ્રોડ ચાલતા થયા, લાવણ્યાએ રાહતનો શ્વાસ લીધો.
***
- “મિસ અવનિ મહેતા, ફાયનલી યુ આર ડિસ્ચાર્જ. હવે તમને ગોંધી રાખવા માટે અમારી પાસે કોઇ કારણ નથી.” સવારના સમયે રાઉન્ડ અપમાં આવેલા ફિઝીશ્યન ડોક્ટર અવનિને સારવારમાથી રજા આપતાં બોલ્યા, સાગરીકા સિવાય પટેલ પરીવાર અને શ્રીમાન-શ્રીમતિ મહેતાની હાજરીમાં અવનિની તપાસ કરીને બોલ્યાં, “મારા ધાર્યા કરતાં અવનિ ખુબ ઝડપી સાજી થઇ રહી છે, આજે અવનિએ સાબિત કર્યું કે શારીરીક મજબુતી કરતાં મજબુત મનોબળ ખુબ મોટી અસર કરી જાય છે.”
“ડો રાણીંગા. મારી દિકરી લોખંડી છે. આજે જગતમાં મારી દિકરીની બહાદુરીની ચર્ચા થાય છે.” શ્રીમાન-શ્રીમાતિ મહેતા બન્ને ગર્વ સાથે બોલી ઉઠ્યાં, અનિતાબહેને અવનિ પાસે આવીને અવનિને વ્હાલ કર્યો, ગંગાએ તેણીનો સામાન તૈયાર કરી રાખ્યો હતો, સૌ હવે જવા માટે તૈયાર હતાં. સૌ ઓરડોમાથી અવનિ સાથે બહાર આવ્યાં.
“ડેડ, મારે નિત્યાને મળવું છે.” અવનિએ નિત્યાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી, સૌ એકબીજાને જોઇ રહ્યાં, “કેમ શું થયું?”
“બેટા, નિત્યા અત્યારે આઈસીયુમાં ભરતી છે, અત્યારે તેણીને મળવાની મનાઇ છે, તેણીને લાઈફ સપોર્ટ વ્યવસ્થામાં રખાયેલી છે. અમે તો વિચારી રહ્યા છીએ કે અમે તેણીને ચેન્નઇ લઈ જઈએ, એની જ તૈયારી જ ચાલી રહી છે. બેટા, અમારી વાતનું ખોટું ન લગાડતી.” શ્રીમાન પટેલ બોલી ઉઠ્યાં.
“અંકલ, હું માત્ર દુરથી જોઇ લઇશ.” અવનિએ આજીજી કરી.
“તારી હિમ્મત ચાલશને? બેટા.” સૌમ્યાબહેને નજીક આવીને અવનિના ખંભે હાથ રાખીને પૂછ્યું.
“હા.” અવનિ મક્કમતાથી બોલી. સૌ અવનિને બિરદાવી, સૌની સાથે અવનિ ખાસ વોર્ડમાં રખાયેલ નિત્યાને જોવા ગયાં, અલબત ડોક્ટર સાહેબે કોઇ બે વ્યક્તિને જ જવાની પરવાનગી આપી. તો ગંગા અવનિની સાથે ગઇ. અવનિ દરવાજાના કાચથી નિત્યાને જોઇ, નિત્યાના ચહેરા પર ઓક્સિઝન માસ્ક લગાવેલ હતું, માથાથી પગ સુધી હજુ પાટ્ટાઓ હટાવાયા નહોતા, જાત-જાતના મેડિકલ સાધનો લગાવાયા હતાં. અવનિનું તો એ જોઇને જ હ્રદય ભરાય આવ્યું હોય તેમ ત્યાથી ભાગી અને અનિતાબહેન પાસે આવીને ભેટીને રડી પડી. સૌએ અવનિને સંભાળી, સૌ અવનિ સાથે હોસ્પીટલ રીસેપ્શન સભાખંડમાં આવ્યાં.
“શ્રીમાન પટેલ, ક્યારેય આવા કપરા સમયમાં જ નવા સંબંધો રચાતા હોય છે, જે કાયમને માટે બની રહેતા હોય છે. તમે અમારી જે મદદ કરી એ માટે મારી પાસે કોઇ શબ્દ જ નથી, ખરેખર તો તમારો આભાર માનવો એ સુર્ય સામે દિવો કરવા જેવો છે. પણ હું એમજ કહિશ કે આગળ પણ અમે તમારી પડખે ઊભા રહિશું.” શ્રીમાન મહેતા શ્રીમાન પટેલ પાસે આવીને શ્રીમાન પટેલના ખભા પર હાથ મુકતાં બોલ્યાં.
“અવનિએ જે કર્યું એ તેની સામે અમારાં કામની તો કોઇ વિસાત નથી, બસ ઇશ્વર પાસે એટલી જ પ્રાર્થના કે નિત્યાને અમે ચેન્નઇ લઇ જઇએ છીએ ત્યાં નિત્યાની સફળ સારવાર થાય.” શ્રીમાન પટેલ બોલ્યાં, “શ્રીમાન મહેતા, જીજ્ઞાસાબહેન આ કેસ લડવા માની ગયાં છે.”
“શું? જીજ્ઞાસાબહેન માની ગયાં?” શ્રીમાન મહેતા પહેલાં તો વિશ્વાસ ન આવ્યો, જોકે પછી સામાન્ય ભાવ સાથે, “ચાલો સારુ છે. જીજ્ઞાસાબહેન જેવા મજબુત વકીલની જરૂર તો છે જ આ કેસ માટે. જીજ્ઞાસાબહેનને કહેજો કે જુની વાતોને ભુલીને આગળ વધે. બન્ને દિકરીઓના હિતને લક્ષમાં રાખીને જ કેસ તૈયાર કરે.” શ્રીમાન મહેતાએ નિર્દેશ આપ્યો, શ્રીમાન પટેલ સમજી તો ન શક્યા પણ સહમત થયા, મહેતા પરીવાર ઘરે જવા નિકળ્યો.
- “અવનિ તારા વગરનું આ ઘર સાવ ઉજ્જડ લાગતું હતું, જાણે લક્ષ્મીમાઁ જ રીસાઇને ચાલ્યા ગયા હોય તેમ ઘર સાવ ખાલીખમ લાગી રહ્યું હતું, બેટા.” અવનિલેન્ડ આવ્યાં ત્યારે અવનિનું શાનદાર સ્વાગત થયું, ઘરના સ્ટાફ અને અનંત કંપનીના સ્ટાફ દ્વારા અવનિનું આરતી તેમજ ફુલહાર અને શુભેચ્છાનો ગુલદસ્તો આપી તેમજ અવનિ ક્યારેય અન્ય મુશ્કેલીમાં ન ફંસાય તેવી કામના સાથે સ્વાગત થયું. “આ લોકો તને જોવા હોસ્પીટલમાં ન આવી શક્યાં એટલે મારી જાણ બહાર તારા સ્વાગતની તૈયારી કરી લીધી.”
“મારે શું કહેવું? તમારી લાગણીનો મારી પાસે કોઇ જવાબ નથી. આ તમારાં પ્રેમ-પ્રાર્થના જ છે, જેણે મને મોતના મુખેથી પાછી લાવી. ઇશ્વર કોઇને પણ આવો દિવસ ન બતાવે, તમારા સૌ પર ક્યારેય કોઇ આફત ન આવે. આવે તો પણ એક દિકરી તરીકે-એક બહેન તરીકે અને એક મિત્ર તરીકે યાદ કરજોય હું આવી જઇશ, તમારી પડખે ઊભી રહીશ.” અવનિ સૌનો આભાર માનતા ગદ્ગદ થઇ ગઇ.
“અવનિબેટા.” પ્રાણજીવનભાઇ અવનિ પાસે આવ્યા, અવનિ પગે લાગી, “હંમેશા ખુશ રહે અને સાહેબની માફક પરાક્રમ કરતી રહે, સાહેબ હંમેંશા અમારા સુખ-દુખમાં પડખે ઊભા રહ્યાં છે, એના તમામ ગુણ તમારામાં ઉતરી આવ્યા છે અને આમપણ સાહેબ પછીના અમારા બોસને ખુશ તો રાખવા જ જોઇએ. એટલે અત્યારથી જ તૈયારી કરી રહ્યાં છીએ.” પ્રાણજીવનભાઇએ વાતાવરણ હળવું કરતાં બોલ્યાં, સૌ અવનિને વ્યક્તિગત મળ્યાં, અવનિ સૌની લાડલી હતી એ તો દેખાય આવતું હતું.
“ચાલો, સૌ નાસ્તો કરીને જજો, અવનિને આરામ કરવા દઇએ.” અનિતાબહેને સૌને નિર્દેશ કર્યો, અવનિને અનિતાબહેન તેણીના ઓરડે લઇ ગયાં, અવનિના આવતા પહેલાં ઓરડો સાફસુફ કરીને સજાવી રખાયો હતો, અનિતાબહેને અવનિને એકલી છોડીને જતાં રહ્યાં.
- ન્હાયને તાજી-તાજી થઇને અવનિ ગુલાબી ટીશર્ટ અને સફેદ પેન્ટમાં તૈયાર થઇ, સૌથી પહેલાં મોબાઇલ લીધો. મમ્મીના કહેવા પ્રમાણે કોઇ અજાણ્યો કોલ આવ્યો ન હતો એટલે એ અજાણ્યાને ખ્યાલ હતો કે પોતે દવાખાને છે, મોબાઇલમાં મિત્રોના સંદેશાઓ ભારી માત્રામાં આવ્યાં હતાં, તેમાં એક અજાણ્યો હતો. સંદેશ ખોલ્યો.
“હાઈ, અવનિ, ઇટ્સ અધિવેશ રાવળ, મને ખ્યાલ છે કે આ સંદેશ વાંચીશ ત્યારે તું ઘરે આવી ગઇ હોઇશ. અનિતાકાકીને મારા તરફથી માફી માંગજે. અલબત હું જાણું છું કે તે કાકીને સમજાવી દિધા હશે. અવનિ, મારે તને મળવું છે. એક જરૂરી વાત કરવી છે, તારા સમયે મને કોલ કરીશ. તું જ્યાં કહીશ ત્યાં હું આવી જઇશ, જય શ્રી કૃષ્ણ.” અધિવેશનો સંદેશ જોઇને અવનિને આશ્ચર્ય થયું, પણ સાથે ગમ્યું પણ ખરી,
“અવુ,” દરવાજે અવાજ આવ્યો. અવનિ ફરી તો અનિતાબહેન અને અનંતરાય સાથે ઊભા હતાં, “તને ખલેલ તો નથી કરીને?”
“એ પુછીને તમે ખરેખર ખલેલ કરી.” અવનિ બોલી, જોકે બન્ને સમજી ન શક્યાં હોય તેમ અવનિને જોઇ રહ્યાં, “અરે, તમારા આવવાથી હું કાંઇ ખલેલ પામવાની?” બન્ને આવ્યાં, અવનિ બન્નેને ભેટી પડી.
“અવનિ, ભલે તું સાજી થઇ ગઇ હોય, પણ બેટા, અમે તારાથી નારાજ છીએ.” પપ્પા બોલ્યા. અવનિ જોઇ રહી, “આ રીતે કાઇ દોડ્યું જવાય? અમને તારી બહાદુરી-ક્ષમતા-તારી અન્યને મદદ કરવાની તત્પરતા પર ગર્વ છે, પણ તે એક ક્ષણ માટે પણ ન વિચાર્યું કે તને કાંઇ થઇ જાય તો અમારુ શું થાશે?” બન્નેએ અવનિને ફરિયાદી સ્વરે બોલ્યાં.
“એ મારી ભુલ હતી, મને માફ કરજો, મારા કારણે તમને પહેલીવાર.”
“તારે કારણે અમને પહેલીવાર અભિમાન થયું, બેટા, પણ અમને ફરિયાદ એ વાતની છે કે તે તારો વિચાર ન કર્યો, તારા જીવનો વિચાર ન કર્યો, ભગવાન ન કરે પણ તને કાંઇ થઇ.” અનિતાબહેન બોલતાં-બોલતાં અટકી ગયા.
“હું મિત્રના ઘરેથી આવતી હતી, અચાનક મને ત્યાં શંકાસ્પદ લાગ્યું એટલે હું ત્યાં દોડી ગઇ, મને અંદાજો હતો નહીં કે ત્યાં ખરેખર કેટલાં લોકો છે અને કોણ-કોણ છે? ત્યારે મને પુલીસને કે તમને જાણ કરવાનો વિચાર ન આવ્યો, નહીંતર કદાચ કોઇ ઇજાગ્રસ્ત ન થાત.”
“એ જ સ્તો, તમારે ધ્યાન રાખવાનું છે. મિસ અવનિ મહેતા, દરવખતે બાહુબળ જ કામ નથી આવતું, પણ જો બળ સાથે કળ લગાવવામાં આવે તો બન્નેથી ઘણાં કામ આસાન થઇ જાય, આ વાત તમારે ખાસ શિખવી રહી. હજુ તો તમારે ‘અનંત ઉદ્યોગ’ સંભાળવાની છે, ત્યાં તો તમારી બુદ્ધી જ કામ લાગવાની છે, આ બધું સંભાળવા તમારી તબિયત પણ ટનાટન હોવી જરૂરી છે. પછી મારે પણ નિવૃત થવાનું કે નહીં?”
“હા, ચોક્કસ ડેડ, એટલે જ મેં વિચાર્યું છે કે હું આજે ઓફિસે આવીશ.”
“ના, ના, તારે આરામ..”
“અરે મમ્મી, અત્યાર સુધી હું આરામ જ કરતી હતીને, હવે હું કંટાળી ગઇ છું, મારે તાજગી જોઇએ છે. પપ્પા સાથે જઇશ તો અલગ માહોલ મળશેં, મહેરબાની ડેડ, મને આવવા દો.” અવનિએ આજીજી કરી, બન્ને એકબીજા સામે જોઇ રહ્યાં.
“ઓકે, અવુ, તું આવ, પણ બપોર બાદ તારે ઘરે આવી જવાનું,” શ્રીમાન મહેતાએ શરત મુકી, અવનિએ સ્વીકારી.
“બપોરે હું તને લઇ આવીશ.” અનિતાબહેને પ્રસ્તાવ મુક્યો, જે બન્નેએ સ્વીકાર્યો. બાપ-દિકરી બન્ને ઓફિસ જવા માટે તૈયાર થયાં, મર્સીડીઝ બેન્ઝની ડ્રાઈવર બની અવનિ અને શ્રીમાન મહેતા બાજુ સીટ પર આરૂઢ થયાં. ઘાટલોડીયાથી સરખેજ જતાં સરખેજની હદમાં અનંત ઉદ્યોગ શરૂ થઇ જતી, ગુજરાતમાં આ પ્રથમ સૌથી મોટો ખાનગી ઓદ્યોગીક વિસ્તાર હતો, ઉદ્યોગની શરૂઆતમાં જ મોટો ભવ્ય કલાત્મક દરવાજા દેખાય આવતો હતો, ત્યારથી ઉદ્યોગની શરૂઆત થઇ જતી, સૌપ્રથમ કંપની સ્ટાફ માટે વસાહતી કોલોની જે અનિતાબહેનના નામે ‘અનિતા હાઈટ્સ’ તરીકે પ્રખ્યાત હતી. ત્યારબાદ રેસ્ટોરાં-મોલ વગેરે પણ દેખાવા લાગ્યા હતાં, અવનિ તો આશ્ચર્ય પામી.
“ડેડ, આ શું? મોલ-કાફે-રેસ્ટોરાં?” અવનિ હસી પડી.
“આપણા રાજમાં સૌને ખુલ્લું વાતાવરણ મળે અને એ લોકો પોતાનું શ્રેષ્ઠ આપી શકે એ માટે જ આ બધું વસાવવામાં છે. ઓફિસ વર્ક એ લોકો માટે બંધિયાર સ્થળ ન લાગવું જોઇએ. વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓ પોતાના સ્ટાફને પોતાના મનગમતાં વાતાવરણમાં કામ કરવાની સ્વતંત્રતા બક્ષે છે. જેના કારણે તેઓ બેસ્ટ પરીણામ આપી શકે.”
“વાહ ડેડ.” અવનિ ખુશ થઇ ગઇ, આ જ રીતે આગળ નાની-મોટી પણ ભવ્ય લાગતી ઇમારતો આવવા લાગી, વચ્ચે વૃક્ષો-બગીચા પણ બનાવેલ હતું, અંતે મુખ્ય ઓફિસ આવી. ગગનચુંબી પણ શાનદાર ઇમારત આગળ કાર ઊભી રહી. વિશાળ ચોગાનમાં કાર પાર્ક કરીને બાપ-દિકરી ગ્રાઉન્ડ ફ્લોર તરફ ચાલવા લાગ્યાં, અવનિ જોતાં જ સ્ટાફ ખાસ કરીને જે અવનિને મળી નહોતા શક્યા એ અવનિને મળવા લાગ્યાં. શ્રીમાન મહેતા અવનિને એકલી છોડીને ઓફિસ તરફ ચાલવા લાગ્યા. અવનિ પણ થોડીવાર સૌ સાથે વાતચીત કરીને રીસેપ્શન સભાખંડમાં આવી, જમણી બાજુ આવેલી લિફ્ટ વાટે પાંચમા માળ પર આવેલી પપ્પાની ઓફિસ તરફ ગઇ. તેણી સાથે અન્ય સ્ટાફ પણ આવ્યો, જોકે શ્રીમાન મહેતાની ઓફિસ પર સામાન્ય લોકોને કામ વગર આવવની મનાઇ હતી, જોકે શ્રીમાન મહેતાની કેબિન પાસે આવતાં અવનિએ જોયું કે કોઇ પહેલેથી જ પપ્પાને મળવા આવેલું હતું. અવનિએ દરવાજાના કાચથી જોયું કે ડેડને કોઇ યુવતિ મળવા આવી હતી. પણ તેમના હાવભાવથી લાગતું હતું કે ડેડ તેણીથી નારાજ અને ગુસ્સે હતા. અવનિને લાગ્યું કે કોઇ વ્યાવસાયિક બાબત હશે, તેણી ગેલેરીમાં કેબિનની સામે સ્ટુલ પર બેસી રહી. લગભગ ત્રીસ-પાંત્રીસ મિનિટ બાદ યુવતિ બહાર આવી. અવનિએ જોયું કે તેણી સામાન્ય જણાતી હતી, અવનિને જોતાં હસી, અવનિ પણ સામે હસી, તેણી ચાલી ગઇ. અન્ય બે-ત્રણને ઓફિસ કામે જવાં દઇને પોતે છેલ્લે ગઇ.
“અરે, મારી દિકરી, તું થોડી અપોઇન્ટમેન્ટ પર મળવા આવી છો? તું તો આ કંપની ની માલિક છો, તારે તો માત્ર એક ટકોરો કરીને આવી જવાનું,” શ્રીમાન મહેતા બોલી ઉઠ્યા જ્યારે તેમને અવનિ પાસેથી જ ખબર મળી કે તેણી છેલ્લા પિસ્તાલીસ મિનીટોથી બહાર ઊભી છે.
“ડેડ, હું વચ્ચે કેમ ઘુસી જઉ? તમે કહો છો તેમ જો હું કંપનીની સર્વેસર્વા હોઉ તો મારે તો કડકપણે નિયમો અને સભ્યતા પાળવી જોઇએ.” અવનિએ જવાબ આપ્યો, શ્રીમાન મહેતા જવાબ સાંભળીને ખુશ થઇ ગયા.
“મને તો હતું કે હું તને આજે વ્યવસાયના પાઠો શિખવીશ, પણ તે તો મને જ ઘણાં પાઠો શીખવી દિધો, ખરેખર કોઇએ સાચું કહ્યું છે કે દિકરીના લક્ષણ પારણામાં.”
“વાહ, દિકરીના?”
“હાસ્તો.” શ્રીમાન મહેતા અવનિથી ખુશ હતા.
“ડેડ, એક વાત કરુ?”
“અરે, તેમાં પુછવાનું હોય? તું ગભરાવા વગર વાત કર.”
“ડેડ, આપણે દેવરાજકાકાના અને નદંનાફોઇના પરીવાર સાથે કેમ નથી બોલતાં?” અવનિ એકીશ્વાસે બોલી ઉઠી, શ્રીમાન મહેતા તો સ્તબ્ધ થતાં અવનિને જોઇ જ રહ્યાં, “મારો મતલબ કોઇ કારણ વગર દુર રહેવું એ પણ સારૂ પણ ન કહેવાયને.”
“અવનિ, ગઇગુજરી વાતો ગાંઠ જેવી હોય, જેટલી ખેંચો એટલી ગુંચવાય. એ લોકો આપણા એક ભુતકાળના ભાગ હતાં. મુસાફરી દરમ્યાન સહયાત્રી હતાં, તેમની મંજીલ આવી એટલે તેઓ ત્યાંથી અલગ થઈ ગયાં. હવે બીજી વખતે મળવાનું કોઈ કારણ નથી.”
“ડેડ, વ્યવસાયમાં કારણ વગર ન મળાય, પણ સંબંધોમાં તો કારણ વગર જ મળવાની મજા આવે. વાતો કદાંચ રોકાય શકે, પણ જે સફરના સાથીઓ હોય તે તો સાથે જ આવવાના હોયને, ભલે રસ્તાઓ બદલાય, પણ, ક્યારેક તો કોઇ રસ્તે પાછા મળી જવાના છેને?” અવનિ સમજાવવા લાગી, “મમ્મીએ મને વાત કરી કે દેવરાજકાકા તમારા ભાઇ કરતાં પણ વિશેષ હતાં, ભલે એ આ દુનિયામાં ન હોય, પણ દેવિકાકાકી સાથે કોઇ સંબંધ ન રાખી શકીએ એનું કોઇ કારણ તો હોવું જોઇએને. શું માફી માંગીને આપણે પાછો સંબંધ તાજો ન કરી શકીએ? ભલે એ આપણને માફ ન કરે પણ આપણને લાગશે તો ખરી કે આપણે પ્રયત્ન કર્યો, હ્રદયના કોઇ ખુણે કોઇ દુખ તો નહીં રહે.” અવનિ શ્રીમાન મહેતાને મનાવવાની પુરી કોશિષ કરી રહી હતી. શ્રીમાન મહેતાએ આ વખતે તરંત જ જવાબ ન આપ્યો, થોડીવાર વિચારતા રહ્યા, અવનિ તેમના જવાબની રાહ જોઇ રહી. “ડેડ...”
“ઠીક છે, અવનિ, આપણે દેવિકાબહેનને મનાવવાનો પ્રયાસ કરશું.”
“યેએએ..” અવનિ બન્ને હાથ ઊંચા કરતી ઝુમી ઊઠી, પપ્પા ઊભા થતાં તેમને ભેટી પડી. શ્રીમાન મહેતા દિકરીના ઉત્સાહને જોઇ રહ્યા. ત્યારબાદ અવનિ અન્ય ઓફિસ જોવા ગઇ, અન્ય લોકો સાથે મુલાકાંત કરવા ગઇ.
“અવનિનો ઉત્સાહ જોઇને તો લાગે છે કે દેવિકાબહેનને પણ મનાવી લેશે, સારૂ છે. નવી પેઢી સંબંધોનું મુલ્ય સમજે છે, પણ, જે લોકો આ સંબંધ તોડવાને જવાબદાર છે એ લોકોનું શું? જ્યાં સુધી એ લોકોને સજા ન મળી જાય ત્યાં સુધી અગર દેવિકાબહેન મને માફ કરી દે તો પણ શું?” અવનિ બહાર ગઈ ત્યારથી શ્રીમાન મહેતા ઉંડા મનોમંથનમાં સરી ગયા, જાણે તેમના માટે તો સમય જ અટકી પડ્યો.
“સર” અચાનક પ્રાણજીવનભાઇએ દરવાજે ટકોરો માર્યો, શ્રીમાન મહેતાના વિચારો અટક્યા. પ્રાણજીવનભાઇ તેમના ટેબલ પાસે આવ્યાં, “સર, ડોનાલ્ડે જાણકારી આપી છે કે કેસ માટે નવો વકીલ મળી ગયો છે. યુવાન અને બિનઅનુભવી છે. મને લાગે છે કે આપણને વાંધો નહિ આવે.” પ્રાણજીવનભાઇએ એ કેસની પ્રગતિ જણાવી. શ્રીમાન મહેતા તેમને જોઇ રહ્યાં.
“શું નામ છે એ વકીલનું?”
“માધવ ગાયકવાડ,”
- vanraj bokhiriya