ભાગ - ૧૦
બીજા દિવસે કોલેજમાં જયારે અવંતિકા પહોચી ત્યારે રોજની જેમ જ રોહન બેંચ ઉપર બેસી વાંચી રહ્યો હતો, આજે અવંતિકાએ નક્કી જ કર્યું હતું કે રોહન સાથે વાત કરવી જ છે, તેના વિષે જાણવાની તેની તીવ્ર ઈચ્છા તેના દિલને રોકી રાખે એમ નહોતી દિવસે દિવસે રોહન વિષે જાણવાની તેની જીજ્ઞાસા વધતી જતી હતી, આજે તેને હિમ્મત કરી અને રોહનની બેંચ પાસે ઉભી રહી અને હોઠ આપો આપ ખુલી ગયા :
અવંતિકા : "હેલ્લો ?"
રોહન : (પુસ્તકમાંથી આંખો બહાર કાઢી ને... "ઓહ હેલ્લો તમે ?"
અવંતિકા : "હા, ઓળખી ગયા લાગો છો એમ ને ?"
રોહન : "અરે કેમ ના ઓળખું, પણ મને એ ખબર નહોતી કે તમે આજ ક્લાસમાં છો ?"
અવંતિકા : "ઓહ ખરેખર, અને ખબર હોત તો તમે મને સાડીમાં ડિસ્કાઉન્ટ આપતા એમ ને..." (અવંતિકા બોલતા બોલતા હસવા લાગી.. રોહન પણ હસવા લાગ્યો..)
હસતા હસતા જ રોહને કહ્યું : "ખરેખર હું આ કોલેજમાં કોઈને ખાસ નથી ઓળખતો, તમે તે દિવસ દુકાને આવ્યા એટલે જ તમને ઓળખી શક્યો."
અવંતિકા : " ચાલો ને એ બહાને ઓળખાણ તો થઇ, હું પણ કોઈને ખાસ નથી ઓળખતી, તમને મેં કોલેજમાં જોયા હતા, તમને વાંચવાનો ખુબ જ શોખ લાગે છે ?"
રોહન : "હા, મને બાળપણથી જ વાંચવાનું ખુબ જ ગમે છે, એમ કહો કે પુસ્તકો જ મારા મિત્રો છે."
અવંતિકા : "વેરી ગુડ, તમને મળી ને ઘણો આનંદ થયો, ચાલો ક્લાસનો સમય થવા આવ્યો છે હું મારી જગ્યા ઉપર જાઉં. તમને વાંધો નાં હોય તો બ્રેકમાં આપણે કેન્ટીનમાં મળીયે."
રોહન : "સોરી, હું બ્રેકમાં લાઈબ્રેરીનો ઉપયોગ કરું છું, કોઈવાર સમય હશે તો ચોક્કસ કેન્ટીનમાં તમારી સાથે બેસીસ."
અવંતિકા : "ઓકે નો પ્રોબ્લેમ, અરે આટલી વાતો કરી અને તમારું નામ તો મેં પૂછ્યું જ ના.. !!"
રોહન : "મારું નામ રોહન છે, અને આપનું ?"
અવંતિકા : "મારું નામ અવંતિકા, ચાલો ત્યારે બાય.."
રોહન : "બાય.."
અવંતિકા પોતાની બેંચ તરફ ચાલવા લાગી, વરુણ થોડા સમય પહેલા ક્લાસમાં દાખલ થઇ રહ્યો હતો, પણ રોહન અને અવંતિકાને વાત કરતાં જોઈ અને એ બહાર નીકળી ગયો હતો, પણ અવંતિકાના જતાં જ ક્લાસમાં પાછો દાખલ થયો અને રોહનને ચીડવવા લાગ્યો....
વરુણ : "ઓહો શું વાત છે, આજે તો નવી ફ્રેન્ડ પણ બનાવી લીધી અને તે પણ એવી છોકરી જેની ફ્રેન્ડશીપ પામવા માટે આખી કોલેજ આંટાફેરા કર્યા કરે છે ? એવું તે શું કર્યું તે દોસ્ત ?"
રોહન : "અરે એવું કઈ નથી યાર, આ બે દિવસ પહેલા હું જે દુકાને નોકરી કરું છું ત્યાં એની મમ્મી સાથે સાડી લેવા માટે આવ્યા હતાં, તો એના કારણે ઓળખાણ થઇ, નહિ તો તને તો ખબર જ છે ને કે મારી પાસે એવો સમય જ નથી કોઈ સાથે મિત્રતા કરવાનો તારી સાથે રોજ જોડે બેસું છું તે છતાં કોલેજ શરુ થયાના આટલા દિવસ બાદ આપણી વચ્ચે કાલે આટલી વાત થઇ."
વરુણ : "હા, યાર એ વાત તારી સાચી છે, ચલ કઈ નહિ એ બહાને તારા ફ્રેન્ડ લીસ્ટમાં વધારો તો થયો."
વરુણ અને રોહન વાતો કરતાં જ હતા ત્યાં જ ક્લાસ શરુ થવાનો બેલ રણક્યો, પ્રોફેસર ક્લાસમાં આવ્યા. અવંતિકાને રોહનનો વાત કરવાનો અંદાઝ પણ પસંદ આવ્યો, સરસ્વતીએ પણ અવંતિકાને રોહન સાથે વાત કરતાં જોઈ અને પૂછ્યું, અવંતિકા એ પણ સામાન્ય જવાબ જ આપ્યો.
થોડા દિવસ કોલેજમાં અવંતિકા અને રોહન વચ્ચે સામાન્ય સ્મિત અને થોડા શબ્દોની જ આપ લે થતી હતી, પણ રોહન અને વરુણ ધીમે ધીમે ઘાઢ મિત્રો બની રહ્યા હતા, વરુણનો જન્મ દિવસ આવી રહ્યો હતો, વરુણે રોહનને પાર્ટી માટે આમંત્રિત કર્યો, રોહને થોડી આનાકાની કરી પણ વરુણે તેને આવવા માટે માનવી લીધો, કોલેજમાં બીજા કોઈને ખાસને આમંત્રિત કરવામાં આવ્યા નહોતા, રવિવારનો જ દિવસ હતો, સાંજે સી.જી. રોડ ઉપર આવેલા વરુણના ઘરે રોહન પહોચ્યો, પોતાના આલીશાન ઘરની બહારના બગીચામાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, રંગબેરંગી લાઈટીંગથી વુર્ક્ષોને શણગારવામાં આવ્યા હતા, ઓરકેસ્ટ્રા વાળા સુમધુર સંગીતની સાથે ગીતો ગઈ રહ્યા હતા. વેઈટરો એક અદબથી જ્યુસની ટ્રે સાથે ફરી રહ્યા હતા, વરુણના પપ્પા અમદવાદના મોટા ઉદ્યોગપતિ હતા, માટે ઘણીખરી મોટી હસ્તીઓ આ પાર્ટીમાં રોનક જમાવી રહી હતી, રોહન પ્રવેશ્યો ત્યારે વરુણ બધાના આવકાર ઝીલી રહ્યો હતો, અને મહેમાનો દ્વારા અપાતી ગીફ્ટને લઇ બાજુમાં રહેલા ટેબલ ઉપર મૂકી રહ્યો હતો, રોહનને આવતો જોઈ વરુણ તેની સામે ગયો, રોહને હાથ મિલાવી જન્મ દિવસની શુભેચ્છા પાઠવી, અને ગીફ્ટ ના લાવવા માટે માફી માંગી, પણ વરુણે કહી દીધું.. "યાર તું આવ્યો એજ માટે સૌથી મોટી ગીફ્ટ છે, મને ખુબ જ આનંદ થયો તારા આવવાથી, અને અહી હાજર રહેલા મોટાભાગના વ્યક્તિઓ મારા મમ્મી પપ્પાના ઓળખીતા છે, જો હું કોઈને સારી રીતે ઓળખતો હોય એવો એક તું જ છે, તું આવ્યો તો મને કોઈ પોતાનું મારી સાથે છે એવો અહેસાસ થયો છે." રોહનનો હાથ પકડી રાખીને જ વરુણે રોહનને સમજાવ્યો.
રોહનનો હાથ પકડી અને વરુણ તેના મમ્મી પપ્પા પાસે લઇ ગયો, અને રોહનની ઓળખાણ આપી, રોહને બંનેને હાથ જોડી પ્રણામ કર્યા. વરુણની મમ્મી એ કહ્યું કે :વરુણ તારા ખુબ વખાણ કરે છે, તારા વિષે અમને બધું જ એને કહ્યું છે."
રોહન : "આંટી, તમારો વરુણ પણ બહુ સારો વ્યક્તિ છે, તમે એને ખુબ જ સારા સંસ્કાર આપ્યા છે, અને એને જરા પણ અભિમાન નથી."
રોહનને વચ્ચે જ રોકતા વરુણ બોલવા લાગ્યો... "બસ ભાઈ બસ, મારા બહુ વખાણ ના કર." બધા હસવા લાગ્યા.
રોહનના પપ્પા એ કહ્યું : "ચાલો હવે કેક કટિંગ કરીએ, મહેમાનો રાહ જોઈ રહ્યા છે. વાતો તો પછી પણ થયા જ કરશે."
બધા સ્ટેજ ઉપર મુકેલી કેક તરફ આગળ વધ્યા, જ્યાં પાર્ટીમાં ઉભા રહેલા મોટાભાગના લોકોની નજર પહેલેથી જ હતી, કારણ કે કેક કેવી હશે એ જાણવાની ઈચ્છા સૌને હતી.અત્યાર સુધી કેક બંધ કવરમાં હતી, આમ પણ દરેક માણસને ઢાંકેલી વસ્તુ જોવામાં વધારે રસ હોય છે. ક્યારે એના ઉપરથી પડદો હટે અને ક્યારે આંખોને ઠંડક મળે, ક્યારના એ કેક ને જોવા માટે તલપાપડ થતાં લોકો સ્ટેજ પાસે પહોચી ગયા, વરુણ કેક પાસે પહોચ્યો અને ત્યાં રહેલા એક વેટરે કવર હટાવ્યું, એક મોટી કેક વરુણના સ્પર્શનો રાહ જોઈ રહી હતી. વરુણના કેક સુધી પહોચવાની સાથે જ ઉભેલા સૌ મહેમાનો તાળીઓ વગાડવા લાગ્યા, એ કેકનું સ્વાગત કરી રહ્યા હતા કે વરૂણનું સમજાતું નહોતું, પણ વાતાવરણમાં એક અલગ રોમાંચ પ્રસરી ગયો હતો, રોહન સ્ટેજથી થોડે દૂર ઉભો રહ્યો હતો, વરુણે તેને પોતાની સાથે આવવા માટે કહ્યું હતું, પણ રોહને ના પાડી. કારણ એ જ હતું કે વરુણના પહેરવેશ સામે રોહનનો પહેરવેશ ખુબ જ ફિક્કો દેખાતો હતો, વરુણને એની ચિંતા નહોતી પણ આવેલા મહેમાનો અંદરો અંદર કઈ વાતો કરવા લાગશે એમ સમજી રોહન દૂર રહ્યો હતો. એમ પણ ધનિક લોકોમાં આ બાબત વધુ ચર્ચાય છે, એમને બધું પરફેક્ટ જોઈએ. પગથી લઇ માથા સુધીના પહેરવેશ બહુ બારીકાઇથી જોતા હોય છે.
કેક કટિંગ વખતે પણ તાળીઓનો ગડગડાટ શરુ જ હતો. સાથે સાથે ઓરકેસ્ટ્રા પાર્ટી વાળા પણ હેપ્પી બર્થ ડે ટુ યુ વરુણ ગાઈ રહ્યા હતા. રોહન પણ સૌની સાથે તાળીઓ વગાડી રહ્યો હતો, અને વરુણના વૈભવની નીરખી રહ્યો હતો. વરુણે તેના મમ્મી પપ્પાને કેક ખવડાવી, પછી વેટર કેકના પીસ કરી બધાને આપવા માટે નીકળ્યો, વરુણ કેકનો એક ટુકડો લઈ રોહન પાસે આવ્યો અને પોતાના હાથથી ખવડાવ્યો. મહેમાનો ડીનર લેવા લાગ્યા, વરુણે રોહનને પણ પ્લેટ લેવા માટે કહ્યું પણ રોહને સાથે જમીએ એવી ઈચ્છા દર્શાવી. વરુણને પણ ગમ્યું, અને બોલી ઉઠ્યો, : "ચાલો એ બહાને મને તો કોઈનો સાથ મળશે, મમ્મી એમના મિત્રો સાથે અને પપ્પા એમના મિત્રો સાથે જમી લેશે હું એકલો જ રહી જાત, ચાલ હું તને મારું ઘર બતાવું !"
વરુણ તેના પપ્પા મમ્મીને રજા લઈ રોહનને ઘર બતાવવા માટે પોતાના બંગલોની અંદર લઇ ગયો, રોહને ઘર જોતા જ લાગ્યું કે વરુણ જેટલો ધનિક લાગતો હતો તેના કરતાં પણ ખુબ જ ધનિક છે, છતાં પણ અભિમાની નથી. ઘરના બધા જ રૂમ વરુણે એકપછી એક બતાવ્યા અને અંતમાં પોતાના રૂમમાં જઈને બંને બેસી વાતો કરવા લાગ્યા...
વરુણ : "તો રોહન તને કેવું લાગ્યું અમારું ઘર ?"
રોહન : "અદભૂત, હું તો મારા જીવનમાં પ્રથમ વખત આવી કોઈ પાર્ટી કે આવા કોઈ ઘરમાં પ્રવેશ્યો હોઈશ, મામાના ગામમાં સૌથી મોટું ઘર ગામના સરપંચનું જ જોયું હતું. અને શહેરોમાં બધા મકાન બહારથી જોયા આજે મોટા ઘરને અંદરથી જોવાનું સપનું પણ પૂરું થયું. ખરેખર તું ખુબ જ સુખી માણસ છે. તને તો મઝા આવતી હશે ને આવડા મોટા ઘરમાં રહેવાની, મોટા મોટા લોકોને મળવાની.?"
વરુણ : "દોસ્ત તું વિચારે છે એટલા સુખી નથી હોતા અમે શ્રીમંત લોકો, આલીશાન ઘરની અંદર કેટલી ગુંગળામણ થાય છે તે હું જ જાણું છું, શ્રીમંત પરિવારોમાં કોઈની પાસે કોઈના માટે સમય નથી, અને શ્રીમંતોના પ્રસંગોમાં મોટાભાગે ફોર્માલીટી જ વધુ થતી હોય છે, કોને સારું બતાવવું, કોને કેટલી રીસ્પેક્ટ આપવી એ બધું અહિયાં જોવાય છે, ઘણીવાર હું મારી કાર લઈને શહેરની બહાર નીકળું ત્યારે ગરીબ પરિવાર કે કોઈ મધ્યમ વર્ગના પરિવારને આનંદમાં જોઇને મને એમ થાય કે હું આ પરિવારમાં જન્મ્યો હોત તો કેટલું સારું હતું ? રસ્તા ઉપર વરઘોડામાં મસ્ત બનીને નાચતા એ લોકોને જોઈ ક્યારેક એમની સાથે નાચવાનું પણ મન થઇ જાય, રોહન ખરેખર કહું તો હું આ બધાથી ઉબાઈ ગયો છું, કંટાળી ગયો છું. ક્યારેક એવું થાય કે આ બધું છોડી ને ચાલી જાઉં ક્યાંક દૂર.. પણ....
રોહન પોતાના દિલમાં દુખતી વાત આજે રોહન સામે કરી રહ્યો હતો, આજ સુધી એને ઘણાં લોકો મળ્યા પણ પોતાની વાત એ ક્યારેય કોઈની સામે ના કરી શક્યો કારણ કે એની વાતને કોઈ સમજી શકે એવી કોઈ વ્યક્તિ આજ સુધી એને મળી જ નહિ, બધા એવું જ વિચારતા હતા, કે આટલા શ્રીમંત પરિવારનો છોકરો કેટલો સુખી હશે પણ તેના મનમાં ખૂંચતી વાત કોઈ જાણી શકતું નહોતું તેથી આજે તેને રોહન સામે પોતાનું હૈયું ઠાલવવા મળ્યું....
વધુ આવતા અંકે.....
નીરવ પટેલ "શ્યામ"