Diversion 1.6 in Gujarati Fiction Stories by Suresh Kumar Patel books and stories PDF | ડાયવર્ઝન ૧.૬

Featured Books
Categories
Share

ડાયવર્ઝન ૧.૬

Diversion

ડાયવર્ઝન ૧.૬

(સ્ટોરી-૧/પાર્ટ-૬)

પછી મેં મારી બાઈક તરફ હાથ ફેરવ્યો. બાઈક પણ મારી સાથે જાણે તરી રહ્યું હતું. બાઈક, હેલ્મેટ, મારું જેકેટ બધું બરાબર મને ફિલ થઇ રહ્યું હતું. મને લાગ્યું કે જો હું એક આત્મા બની ને ભટકી રહ્યો હોવ તો આ ભૌતિક વસ્તુઓ તો મારી સાથે ન જ હોય ને..!?

(હવે આગળ...)

***

એક ડાયવર્ઝન લેવાના કારણે હું આટલી મુશ્કેલીઓ માં મુકાઇ જઈશ એવો મને સ્વપ્નેય ખ્યાલ નહતો. મુશ્કેલીઓ અને હેરાનગતિઓ તો ઠીક પણ હું જીવતો છું કે મૃત્યુ પામ્યો છું એજ મારા માટે પ્રાણ પ્રશ્ન હતો અત્યારે. હજુ એ પણ નથી જાણી શક્યો કે જો હું જીવતો હોવ તો ક્યાં છું અને મરી ગયો તો હું ક્યા છું? અને આ બધું કેમ મને દેખાઈ રહ્યું છે?

મારું મન આકુળ વ્યાકુળ થઇ ગયું. ધીરેધીરે મેં એને શાંત કર્યું. જેવું મારું મન શાંત થયુ કે મેં તરત એ દ્રશ્યને ફરીથી જોવા નો પ્રયત્ન કર્યો. આ વખતે મેં એક નિરીક્ષક તરીકે બધું ફક્ત ઓબ્સર્વ કરવાનું નક્કી કર્યું. એટલે મેં મારું દિમાગ બહુ લગાવ્યું નહિ બસ એ દ્રશ્યના પ્રવાહ માં હું વહી રહ્યો. મારા મન માં ફરી આશ્ચર્યના વમળો જલ્દી જ ઉઠવા લાગ્યા. હું ચોક્કસ કોઈ અદ્રશ્ય જગ્યા માં ફસાયો હોઇશ એ વખતે એવું લાગ્યું. કેમકે હું બરાબર એ ડાયવર્ઝન વાળા રસ્તે જઈ રહ્યો છું જે રસ્તે થી હું આ કાદવ ના તળાવ માં ફસાયો હતો. પણ હજુ સુધી આ દ્રશ્યમાં આવું તો કોઈ તળાવ દેખાતું નથી. અને આગળ થોડે જ દુર એ કાંટાળી ઝાડીઓ ને પાર કરી આ ડાયવર્ઝન તો પેલા ડામર રોડ ને મળી જાય છે. તો પછી આ કાદવવાળું તળાવ ગયું ક્યાં? મારા આશ્ચર્યનો પાર ના રહ્યો. ખરેખર હું કોઈ મેલી જગ્યા માં કે પછી કોઈ એવા કાળચક્ર માં ફસાયો હોવ એવું લાગી રહ્યું હતું.

મારા મૃત્યુ પામેલા કે હજુ જીવિત આ ર્હદય માં ધબકારા વધી રહ્યા હતા. પણ, આ શું હવે પછી નું આ દ્રશ્ય જોઇને મને આઘાત લાગ્યો અને થોડી અચરજ પણ થઇ. હું જે જગ્યાએ આ કાદવવાળા રસ્તા માં ફસાયો હતો એ ખરેખર કોઈ તળાવ નહતું પણ એ બરાબર રસ્તો જ હતો. પણ જેવો હું એ રસ્તે થોડીવાર માટે ઉભો રહ્યો કે બધું દ્રશ્ય બદલાઈ રહ્યું હતું. મેં થોડું ધ્યાન આપ્યું તો ખબર પડી કે એ જગ્યાએ હું ડરીને ઉભો રહી ગયો હતો અને પાછો વળવા મેં બાઈક ઉભું રાખ્યું હતું. હા. ચોક્કસ આ એજ જગ્યા હતી અને એજ વખતે આ ડાયવર્ઝન કોઈ અલૌકિક જગ્યા માં ધીરેધીરે ફેરવાઈ રહ્યું હતું. મારું બાઈક એટલેજ ત્યાં ખુંપી ગયું હતું. કાદવ તો આખા રસ્તે હતો પણ આત્યાર સુધી બાઈક ક્યાંય ખુંપી નહોતું ગયું પણ જેવું મેં પાછળ વળવા માટે વિચાર્યું અને ઉભો રહ્યો કે તરત મારુ બાઈક ખુંચી ગયું. મને અહેસાસ થયો કે એ જ વખતે એ રસ્તા પર અને આજુબાજુમાં કંઇક અજુગતું બધું બદલાઈ રહ્યું હતું. અને એ બધું આજ ડાયવર્ઝન ના પ્રતાપે જો મેં આ ડાયવર્ઝન પર ક્યાં બાઈક ઉભું રાખ્યું ન હોત તો કદાચ હું હેમખેમ એ ડામરવાળા પાક્કા રસ્તે ચડી ગયો હોત. પણ મેં જયારે પાછા વળવાનું વિચાર્યું કે તરત ત્યાં ના વાતાવરણમાં માં ચેન્જ આવી ગયો અને હું એ ભયાનક કાદવ ના તળાવમાં ફસાઈ ગયો. જે હજુ સુધી ફસાયેલો જ છું.

હવે શું? મારા મન માં પ્રશ્ન ઉઠ્યો. મને હવે આ દ્રશ્ય માં આગળ દેખાવાનું બંધ થઇ ગયું. હું કઈ રીતે મૃત્યુ પામ્યો કે કઈ રીતે એ કાદવ ના તળાવ માં ગરકાવ થઇ ગયો ત્યાં સુધી તો બધું મને બરાબર દેખાયું પણ હવે શું? આગળ શું થઇ રહ્યું છે એ કંઇજ દેખાતું નથી. મને ધીમા ધીમા કોઈ અવાજ અને મારી આંખો સામે પ્રકાશ ના કિરણો તો હજુ મહેસુસ થયા કરે છે. હવે મેં નિર્ધાર કર્યો કે હું એકદમ ધ્યાન લગાવી ને એક ચિતે આ અવાજ અને પ્રકાશ તરફ મારું મન વાળીને જોઈજ લઉં કદાચ ત્યાંથી કોઈ રસ્તો નીકળે મારા અસ્તિત્વ નો.

બસ મને તો એ ખબર પડી જાય કે હું જીવિત છું કે મૃત તો પણ બહુ છે.

મેં આંખો અને કાન ને બરાબર અનુભવી જોયા. અને આવી રહેલા એ અવાજ અને પ્રકાશ તરફ પૂરેપૂરું ધ્યાન આપ્યું. જેવું મેં એ અવાજ તરફ ધ્યાન કર્યું કે તરત હું મારી બાઈક પર બેઠો છું એનો અહેસાસ થયો. મેં બાઈક નું હેન્ડલ બરાબર પકડ્યું. હેલ્મેટ ને ટાંકી પર વ્યવસ્થિત ગોઠવ્યું. અને આવી રહેલા પ્રકાશ તરફ મોં ફેરવ્યું. હવે મેં જોયું કે એ અવાજ અને પ્રકાશ એ લાઈટ એક જ તરફ થી આવી રહ્યા હતા. હું બરાબર એ તરફ વળ્યો. અને જેવું મારું મન બીજી બધી વસ્તુઓ પર થી હટીને એ અવાજ અને પ્રકાશ તરફ થયું કે તરત હું એની તરફ જોરદાર પ્રવાહ માં ખેચાયો. પહેલા તો મને જટકો લાગ્યો પણ પછી મેં મહેસુસ કર્યું કે હું બાઈક સાથે એ પ્રકાશ તરફ તણાઈ રહ્યો હતો. જેમજેમ હું એ અવાજ તરફ તણાઈ રહ્યો હતો તેમ તેમ હું મારી જાત ને હલકી મહેસુસ કરી રહ્યો હતો. અને એ અવાજ અને પ્રકાશ પણ મને સ્પષ્ટ જણાઈ રહ્યા હતા. ધીરેધીરે મને ખબર પડી કે એ અવાજ વરસાદ નો હતો અને એ કોઈ ગીચ ઝાડીઓ પર પાંદડાઓ પર પડી રહ્યો હોય એવો અવાજ હતો. અને એ દેખાતો પ્રકાશ કોઈ રસ્તા પર આવતા વાહન નો હતો. મને જેમજેમ આ બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું તેમ તેમ હું ફૂલ સ્પીડ માં એ તરફ ખેંચાઈ રહ્યો હતો. હવે મેં થોડું વધારે ઉંડાણ થી એ અવાજ નું નિરીક્ષણ કર્યું તો એમાં એ વરસાદ ના છાંટા સિવાય પણ બીજો અવાજ આવી રહ્યો હતો. એ અવાજ કંઇક ‘હુવવ....હુવવ...હુવ્વ્વ’ જેવો હતો. મને પહેલા તો બરાબર સમજાયું નહિ પણ પછી ખબર પડી કે એ અવાજ મેં પહેલા પણ સાંભળેલો હતો, એ ચોક્કસ પેલી ઓડિયો કેસેટની પટ્ટીઓ નો છે.

‘હા. હા. એ સાલી ભૂખરી પટ્ટીઓ નો જ અવાજ છે’ મેં ઉત્સાહ થી માનોમન કહ્યું.

આ આવાજે મને પહેલા પણ થોડો ડરાવ્યો હતો અને હવે મૃત્યુ પછી પણ જાણે ડરાવી રહ્યો છે. તો હવે નિશ્ચય થઇ ગયું કે એ અવાજ એ પટ્ટીઓ નો જ છે. હવે મને બધું બરાબર સમજી ગયું હું બરાબર એ જ જગ્યા પર હોવ એનો એહસાસ થઇ રહ્યો હતો અને ધીરેધીરે મને કોઈ ટ્રેક્ટર આવવાનો અવાજ પણ આવી રહ્યો છે. અને હું આ મૃત્યુના તળાવ માં પણ મારી બાઈક સાથે જાણે એને ચલાવતો ના હોવ એમ ચલાવતા ચલાવતા ફૂલ સ્પીડ માં કોઈ અલૌકિક જગ્યા એ થી આવી રહ્યો હતો. જેટલો એ ટ્રેક્ટરનો અવાજ વધી રહ્યો હતો એટલીજ મારી એ તરફ ખેચવાની સ્પીડ વધી રહી હતી. હું જાણે કોઈ ખુબ ઊંચા રોલર કોસ્ટર પર થી લપસી રહ્યો હોવ અને એ પણ મારી બાઈક સાથે અદ્દલ એવું લાગી રહ્યું હતું. હું હવે મારી બાઈકને બ્રેક મારવા માટે તત્પર થયો. મેં મારું પૂરું ધ્યાન એ અવાજ પરથી હટાવી લીધું તોય મને એ તરફ નું ખેચાણ તો એવુંને એવું રહ્યું. પ્રકાશ જાણે મને પોતાના માં ગળી જવાનો હોય તેમ ચારે તરફ ફેલાઈ ગયો હતો. હવે હું ધ્યાન આપુકે નહિ મારુ ખેચાણ તો જાણે એ તરફ નક્કી જ હતું એટલે મેં મારી જાત ને બાઈક પર બરાબર ની ગોઠવી લીધી અને કંઇજ વિચાર્યા વગર બસ આંખો બંધ રાખીને એ પ્રકાશ અને અવાજ તરફ જોઈ રાખ્યું.

મારા બંને હાથ મજબુતાઈ થી બાઈકના હેન્ડલ પર હતા જાણે હું બાઈકને કંટ્રોલ કરી રહ્યો હતો એવું લાગી રહ્યું હતું એટલે મેં વધારે ધ્યાન થી બાઈક ને કંટ્રોલ કરવા બ્રેક અને એક્સીલેટર પણ જોર કર્યું. અને હવે મારું બાઈક જાણે પૂરેપૂરું મારા કંટ્રોલ માં હતું. પણ આગળ ચાલતું એ દ્રશ્ય બિલકુલ મારા કંટ્રોલ માં ન હતું. એ લાઈટ જ્યાંથી આવી રહી હતી એ પેલા ટ્રેક્ટર ની જ હતી અને લગભગ હવે હું બાઈક સાથે એ ટ્રેક્ટર સામે અથડાવા જઈ રહ્યો હોવ એવું એ અવાજ અને જોરદાર પ્રકાશ ના કારણે લાગી રહ્યું હતું. ટ્રેક્ટર ના સામાન્ય અવાજ સાથે હવે એના હોર્ન નો પણ અવાજ જોડાઈ ગયો છે. હું આકુળ વ્યાકુળ થઇ ગયો હતો. મારા માંથે પરસેવો હતો કે નહિ એ મને બિલકુલ ખબર ન હતી. પણ મેં થોડું ગણું ફિલ કર્યું કે હું હવે એ પ્રવાહી કે હવાના વમળો માંથી બહાર નીકળી રહ્યો છું. કોઈ એક વાતાવરણ કે ગુરુત્વાકર્ષણ માંથી બીજા વાતાવરણમાં કે ગુરુત્વાકર્ષણ માં પ્રવેશ કરતા હોઈએ અને કેવો જટકો લાગે એવો જોરદાર જટકો લાગ્યો. હું ક્યાં હતો એ તો જલ્દી ખબર ના પડી પણ જાણે હું એ કાદવ ના તળાવ માંથી હવે છૂટ્યો હોવ એવું લાગ્યું અને આજુબાજુ નું વાતાવરણ મને જાણીતું લાગવા લાગ્યું એટલે મેં આંખો ખોલવા પ્રયાશ કર્યો. મારી આંખો બિલકુલ બરાબર રીતે ખુલી ગઈ પણ સામે એકદમ પ્રકાશ પડી રહ્યો હતો એટલે જરા અંજાઈ ગઈ. અને મેં મારા હાથ આંખ આડા કર્યા. પરિસ્થિતિ ને બરાબર જાણ્યા પછી મેં મારી જાત ને સ્વસ્થ કરી. અને આજુબાજુ જોયું સામે થી પડતા પ્રકાશ માં દેખાયું કે એ ટ્રેક્ટર હતું અને હોર્ન મારતું મારતું મારી તરફ આવી રહ્યું હતું.

(વધુ આવતા અંકે...)

***

(તમારા અભિપ્રાય લેખક ને ફેશબુક પર કે વોટ્સઅપ થી પણ જણાવી શકો છો.)

Ar. Suresh Patel (98792 56446)

[S.Kumar]