Alien in Gujarati Short Stories by Rohit Suthar books and stories PDF | એલિયન

Featured Books
Categories
Share

એલિયન

આ વાર્તાનો પ્લોટ ફેસબુક મિત્ર રાજુભાઇ પટેલે આપ્યો છે. તેમનો આભાર. આશા છે કે આ વાર્તા તમને પસંદ આવશે. તમારા પ્રતિભાવની રાહ જોઇશ.

***

"નવ્યા બેટા, અરે તારું ટિફિન તો લેતી જા..." મમ્મીએ કહ્યું.

"ના મમ્મી, કોલેજની કેન્ટીનમાંથી નાસ્તો કરી લઈશ. બાય." મેં હાથ હલાવતા કહ્યું. ત્યારબાદ બસ સ્ટેન્ડ જવા હું ઝડપથી મોટા મોટા ડગલાં ભરવા લાગી.

હું પણ કુંભકરણ જ છું. આજે છેક નવ વાગ્યે ઉઠી. એ પણ મમ્મીએ કેટલીય વાર સુધી બુમો પાડતી રહી ત્યારે. આજે પ્રોફેસર જોષીનો પહેલો લેક્ચર હતો અને એમના લેક્ચરમાં મોડા પડવાનો અર્થ છે કે ઈજ્જતનો ફાલુદો કરવો. જ્યારે પણ કોઈ વિદ્યાર્થી તેમના લેક્ચરમાં લેટ પડે એટલે તેને ફરજિયાત કોઈ ફિલ્મી સોન્ગ પર ડાન્સ કરવો જ પડે. જો તેને સારો ડાન્સ કરતા આવડે તો વાંધો નહિ, પણ જો બકવાસ ડાન્સ કરતો હોય તો બધા માટે તે હાસ્યનું કારણ બની જાય.

"ઓહ ગોડ! મને તો ડાન્સ કરતા સહેજ પણ નથી ફાવતું." મનોમન ફાળ પડતા હું બબડી.

એ દિવસે મારા ક્લાસરૂમમાં પહોંચ્યા બાદ પાંચેક મિનિટ પછી પ્રોફેસર જોષી આવ્યા હતા. હાશ! હું બચી ગઈ એ વાતની મને ખુશી હતી.

***

૧૭ એપ્રિલ, ૨૦૧૮

હું બસસ્ટેન્ડ પાસે ઉભી હતી. એક વૃદ્ધ કાકાએ પૂછ્યું, "બેટા, કેટલા વાગ્યા?"

"સાડા નવ..." મેં કહ્યું.

"આભાર..." તેમણે કહ્યું.

લગભગ અડધો કલાક થવા છતાંય બસ ન આવી એટલે ફરી કાકાએ પૂછ્યું, "બેટા, કેટલા વાગ્યા?"

"દસ વાગ્યા..." મેં સહેજ અણગમા સાથે કહ્યું.

બાઇક ઉપર સવાર બે વ્યક્તિઓ ત્યાં આવીને ઊભા રહ્યા. પાછળ બેસેલા યુવાનને હું ઓળખી ગઈ. તે અમારી સોસાયટીમાં રહેતો બબલુ હતો. બબલુ બાઇક પરથી ઉતર્યો અને મારાથી થોડે દુર ઉભેલ યુવતી પાસે ગયો. "મને ના પાડવાની તારી આ જ સજા છે." કહીને તેના હાથમાં રહેલી બોટલનું ઢાંકણું ખોલીને તેમાં રહેલ પ્રવાહી તે યુવતી પર ફેંક્યો. ત્યારબાદ તે બાઇક પર બેસીને નાસી છૂટ્યો. અમુક લોકોએ તેનો પીછો કરીને પકડવાની નાકામ કોશિશ કરી જોઈ.

થોડીક ક્ષણો પહેલા સુધી તે એક સુંદર યુવતી હતી. પરંતુ હવે તેનો ચહેરો બળી ચુક્યો હતો. તે તરફડીયા મારતી ચીસો પાડી રહી હતી. કોઈએ ૧૦૮ પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી.

હું ખૂબ જ દુઃખી થઈ. સાથે બબલુ પર મને ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો. તે યુવતીને દર્દથી કણસતી જોઈને મારી આંખોમાંથી અશ્રુ સરી પડ્યા.

***

હું સફાળી બેઠી થઈ. હજુ પણ મારી આંખોમાંથી અશ્રુ સરી રહ્યા હતા. હવે મારી નજર આસપાસ ગઈ. હું કોઈ પલંગ પર નહિ, પણ જમીન પર સૂતી હતી. તે મારો કોઈ બેડરૂમ નહિ, પણ લાલ પથ્થરોની ગુફા હતી. મારા માથા ઉપર કઈક ભાર લાગી રહ્યો હતો. મેં ત્યાં સ્પર્શ કર્યો અને મને વિચિત્ર અહેસાસ થયો. મારા માથા પર બે સુંવાળા શિંગડા હતા. તે હલી રહ્યા હતા. આ મારી સાથે શું થઈ રહ્યું હતું. તે હું સમજી નહોતી શકતી. એક ખૂણામાં મને અરીસો દેખાયો અને હું એ દિશામાં દોડી. અરીસામાં ખુદને જોઈને હું હતપ્રભ થઈ ગઈ.

મારા માથા પર રેશમી લાંબા વાળ નહોતા. મારા ચહેરાની ત્વચા હવે મુલાયમ અને ગોરી નહોતી, પણ ગ્રે રંગની અને ખરબચડી હતી. મારી છાતી એકદમ સીધી સપાટ હતી. આ બધામાં સૌથી વિચિત્ર એટલે મારી આંખો. લગભગ ત્રણ ઇંચની મોટી મોટી આંખો. અને આ શું? મારું નાક તો છે જ નહિ...

"નહિ....." મેં જોરથી ચીસ પાડી.

શું હું આ સપનું જોઈ રહી છું? હું ખૂબ જ હેરાન થઈ ગઈ. મને કશીય સમજણ નહોતી પડતી.

***

થોડીવાર બાદ કોઈ ગુફામાં આવ્યું. તે વ્યક્તિ તો દેખાવે અદ્દલ મારા જેવી જ હતી. મને જોઈને તે નાચવા લાગી, હસવા લાગી અને મને ગાઢ આલિંગન આપ્યું. ત્યારબાદ મારો હાથ પકડીને બહાર લઈ ગઈ.

ગુફામાંથી બહાર નીકળ્યા બાદ હું વધુ અચંબામાં હતી. અહીં ન તો કોઈ મકાનોની ઇમારત હતી, ન કોઈ પાક્કા માર્ગો અને ન તો માનવોની વસાહત. આ તો કેવી જાદુઈ નગરી! આસપાસ બધે ખરબચડા માર્ગો, લાલ રંગની ભૂમિ, વગેરે. ત્યાં હાજર બધા લોકો લગભગ મારા જેવા જ હતા.

"હાઈલા... હું એલિયન્સની દુનિયામાં આવી ગઈ કે શું? પણ કેવી રીતે? હું તો પૃથ્વી પર હતી, યાર." હું ચિંતામાં હતી.

થોડીવારમાં ત્યાં બધા લોકો મને જોવા આવ્યા. બધા જ ખુશ જણાતા હતા. અચાનક તેમના શિંગડામાંથી જાંબલી રંગનો પ્રકાશ રેલાવા લાગ્યો. ખરેખર! ખૂબ અજીબ હતી આ દુનિયા! મને મારી મમ્મીની યાદ આવી રહી હતી. કાશ! જો આ ક્ષણે તે મારી પાસે હોત તો ગળે વળગી પડત. એક મમ્મીનું આલિંગન જ એવું હોય છે કે જેમાં દરેક વ્યક્તિ ખુદને સુરક્ષિત માને છે.

એક વ્યક્તિ મારી પાસે આવી અને બોલી, "તિષકો, અરી મોના જાયુંજા શોના લોપોકા ક્યુ."

"તમે શું કહી રહ્યા છો મને સહેજ પણ સમજણ નથી પડતી." મેં કહ્યું.

"ખિસતોમાનિયા પોજી જોર..."

તે વ્યક્તિ શું બોલી રહી હતી તે મને સમજણ ન પડી. હું બધાને ટગર ટગર જોઈ રહી હતી.

મને આમ જોઈને જાણે તે બધાને આશ્ચર્ય થયું હોય એમ મને જોવા લાગ્યા. તેમાનાં અમુક લોકો એકબીજા સાથે કંઈક વાતચીત કરી રહ્યા હતા.

આસપાસનું વાતાવરણ જોઈને, ત્યાંના લોકોને જોઈને જાણે ધીમે ધીમે મને બધું યાદ આવવા લાગ્યું. અરે હા! હું તો અહીંની જ રહેવાસી છું. આ મંગળ ગ્રહ છે. મારી સામે કિજો (મમ્મી) ઉભી હતી અને તે થોડી વધુ દુઃખી જણાતી હતી. કદાચ મારા આવા વર્તાવને જ કારણે.

"કિજો (મમ્મી)..." કહીને હું તેમને વળગી પડી અને અમારા બન્નેના શિંગડાઓ જાંબલી રંગના પ્રકાશથી ઝળહળવા લાગ્યા. તેઓ પણ મારી સાથે ખુશીથી વાત કરી રહ્યા હતા અને હવે મને તેમની ભાષા સમજ પડવા લાગી હતી.

મારા નિજો (પપ્પા) મારી પાસે આવ્યા અને મને ભેટ્યા.

"તું છેલ્લા પંદર દિવસોથી નિદ્રામાં હતી. કુદરતની મહેરબાની કે મારી બચ્ચી આજે જાગી ગઈ." તેમની આંખોમાંથી લીલા રંગના આંસુ સરી પડ્યા.

હું જ્યારે બીમાર પડી હતી, ત્યારે નિજોએ મને કોઈ જડીબુટ્ટી આપી હતી. પરંતુ તે કેટલી માત્રામાં લેવી એ વિશે કહેવાનું ભૂલી ગયા હતા. અજ્ઞાનતાને કારણે મેં બધી જ જડીબુટ્ટી એકસાથે લઈ લીધી. તે થોડોક નશીલો પદાર્થ હતો. થોડો નહિ, કદાચ ઘણો વધુ. આ કારણે જ હું આટલા દિવસો ઘેરી નિદ્રામાં રહી. એ ઘટના અંગે હું વિચારી રહી હતી.

ત્યારબાદ મેં ત્યાં હાજર તમામ લોકો સાથે મુલાકાત કરી. દરેક વ્યક્તિ સાથે મારે શિંગડા મળાવવા પડતા હતા. અમે લોકો આવી રીતે જ અભિવાદન કરતા હતા. અચાનક મને સપનાની દુનિયા યાદ આવી ગઈ. કાશ! જો અહીં મારી પાસે મોબાઈલ હોત તો કેટલી બધી સેલ્ફી લીધી હોત! હવે મને અનાયાસે જ શરમ પણ આવવા લાગી હતી, કેમકે સપનાની દુનિયા પૃથ્વી પર હું વસ્ત્રો પહેરતી હતી. જ્યારે અહીં તો અમે નંગા-પુંગા લોકો. ઓહ! પૃથ્વીની દુનિયા કેટલી સુંદર હતી.

***

થોડીવાર બાદ હું મારા નિજો અને કિજો સાથે ફરી ગુફામાં ગઈ. અમે બધા જમવા બેઠા. કિજોએ પાત્રોમાં ગુલાબી રંગનું "ડોમેકો" ખાવાનું પીરસ્યું. તે મને બેસ્વાદ લાગી રહ્યું હતું. ફરી મને સપનાની દુનિયા યાદ આવી ગઈ. મારા પિઝા, ઢોકળા, વડાપાવ, વગેરે...

હવે હું સંપૂર્ણપણે વાસ્તવિકતાથી સભાન થઈ ચૂકી હતી. હું આજથી પહેલા જે જોઈ રહી હતી તે માત્ર સપનું હતું. તેમ છતાંય મને મારી મમ્મીની યાદ આવી ગઈ. અચાનક જ મને તે દિવસે બસ સ્ટેન્ડ પર બનેલી ઘટના યાદ આવી ગઈ. તે યુવતી અને તેની સાથે બનેલી ગોઝારી ઘટના! તેની જિંદગી બરબાદ થઈ ગઈ. મને ફરી દુઃખ ઘેરી વળ્યું. પરંતુ સહેજવારમાં ફરી યાદ આવ્યું, તે આખરે તો સપનું જ હતું ને?

મારા મને એક પ્રશ્ન પૂછ્યો, "જો ફરી તે સપનું આવે તો એમાં શું ફેરફાર કરવા ઇચ્છીશ?"

"હું તે યુવતીને બચાવીશ." મેં મનોમન કહ્યું.

હું જમીન પર સૂઈને તે અંગે વિચારી રહી હતી. કાશ! કુદરત મને ફરી તે સપનામાં મોકલી દે! થોડીવારમાં નિદ્રા મને ઘેરી વળી.

***

"નવ્યા...બેટા ઉઠ ને હવે..." મમ્મીનો અવાજ મારા કાને અથડાયો.

હું સફાળી જાગીને બેઠી થઈ. મેં વસ્ત્રો પહેરેલા હતા. મેં મારું શરીર જોયું. હું પલંગ પર સુઈ રહી હતી. હું ત્વરિત અરીસા સામે ગઈ. હું દિગ્મૂઢ થઈને સ્વયંના રૂપને નિહાળી રહી હતી. હું ખુશ થઈને નાચવા કૂદવા લાગી. મને ફરી માનવદેહ મળી ગયો હતો. ફટાફટ મારો મોબાઈલ હાથમાં લીધો ને ત્રણ ચાર સેલ્ફી લીધી. ત્યાં સુધીમાં મમ્મી મારા રૂમમાં આવી ગઈ.

"બેટા, ઉઠ..." મમ્મીએ વાક્ય અધૂરું રાખ્યું. તે મને જોઈ રહી હતી.

"યેહ...મમ્મી, હું ફરી સુંદર યુવતી બની ગઈ...યો..." મેં મારી મમ્મીને ગાઢ આલિંગન આપતા કહ્યું.

"કેમ? આજ પહેલા વાંદરી હતી કે શું?" મમ્મી ખડખડાટ હસી પડી.

"મમ્મી..." મેં ગુસ્સાભરી નજરે તેમની સામે જોયું.

"હવે ફટાફટ તૈયાર થઈ જા, કોલેજ જવાનું છે ને?" તેણે કહ્યું.

"ઓકે" કહીને હું નિત્યક્રિયાઓ પૂર્ણ કરવા બાથરૂમમાં જતી રહી.

ડાઇનિંગ રૂમમાં આવીને હું ટેબલ પર બેસી.

"આજે મારી પરી માટે ઢોકળા બનાવ્યા છે." મમ્મીએ કહ્યું અને મને ચમકારો થયો. તે દિવસે પણ મમ્મીએ ઢોકળા જ બનાવ્યા હતા ને. મેં મોબાઇલની ડિસ્પ્લે ઓન કરી અને તારીખ જોઈ.

"ઓહ! ૧૭ એપ્રિલ.… તે દિવસે પણ આ જ તારીખ હતી..." અમુક વિચારો મારા મનને હેરાન કરી રહ્યા હતા. મેં મારી મમ્મી સામે જોયું, તેણે લીલા રંગની સાડી પહેરી હતી અને તે દિવસે પણ. મેં તે દિવસે પણ ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો હતો અને આજે પણ એજ...

આ મારા માટે ખૂબ જ અજીબ વાત હતી. હું ફરીથી સપનામાં પૃથ્વીની દુનિયામાં જીવી રહી હતી. અને ફરીથી એ જ બધી ઘટનાઓ મારી સાથે બની રહી હતી. એનાથી પણ અજીબ વાત મને આગળ બનનારી બધી ઘટનાઓ યાદ હતી. મેં ઘડિયાળની સામે જોયું તો નવ વાગ્યા હતા.

"મતલબ કે આજે સવારે દસ વાગ્યે બસ સ્ટેન્ડ પર બબલુ આવશે અને પેલી યુવતી પર એસિડ ફેંકશે. મારે તેને બચાવવી જોઈએ." હું તે યુવતીની મદદ કેવી રીતે કરી શકું તે અંગે મનોમન વિચારવા લાગી.

નાસ્તો કરીને બેગ લીધા બાદ હું ઘરની બહાર નીકળી. બનાવેલા પ્લાનને અંજામ આપ્યા બાદ હું બસ સ્ટેન્ડ જવા નીકળી. રસ્તામાં કાર અને બાઈકનો સામાન્ય અકસ્માત થયો હતો. અમુક લોકોનું ટોળું બંને પક્ષોને સમાધાન કરવા સમજાવી રહ્યું હતું.

ચાર રસ્તા આગળ ટ્રાફિક પોલીસ એક એક્ટિવાચાલક યુવતીને ઉભી રાખીને તેની પાસે લાયસન્સ અને પીયૂસી માંગી રહ્યા હતા. છોકરી પાસે ન હોવાથી એક્ટિવા ઝપ્ત કરવાની વાત ચાલી રહી હતી. બધી એ જ દિવસની ઘટના ફરી ઘટિત થઈ રહી હતી.

હું બસ સ્ટેન્ડ પહોંચી. થોડીવાર બાદ કાકાએ પૂછ્યું, "બેટા, કેટલા વાગ્યા?"

"સાડા નવ." મેં ઘડિયાળ સામે જોઇને કહ્યું. અચાનક મને ચમકારો થયો, જ્યારે તે યુવતી પણ ત્યાં આવી પહોંચી. મારાથી થોડેક દૂર તે ઉભી હતી.

"હમણાં સાડા નવ થયા છે. પેલો બબલુ દસ વાગ્યે આવશે. હે કુદરત, મેં જેવો પ્લાન બનાવ્યો છે એમ જ થાય તો સારું!

***

"બેટા, કેટલા વાગ્યા?" કાકાએ પૂછ્યું.

"દસ વાગ્યા." મેં કહ્યું.

થોડીવારમાં બાઇક પર બે વ્યક્તિઓ આવ્યા. પાછળની સીટ પરથી પેલો બબલુ ઉતર્યો અને પેલી યુવતી પાસે જઈને બોલ્યો, "મને ના પાડવાની તારી આ જ સજા છે."

હું પણ મનોમન ગભરાઈ રહી હતી. મેં જેવું વિચાર્યું છે એવું હજી સુધી થયું કેમ નહિ?

બબલુ બોટલનું ઢાંકણું ખોલવા જાય તે પહેલાં તેના પિતા ત્યાં આવી પહોંચ્યા. તેમને સામે જોઇને બબલુએ બોટલવાળો હાથ પાછળ છુપાવ્યો.

"બેટા, કોઈ લુખ્ખાએ આપણી દિવ્યાના ચહેરા પર એસિડ ફેંકી દીધું. તેનો આખો ચહેરો બળી ગયો. એને ખૂબ જ પીડા થઈ રહી છે. અર્ધબેભાન હોવા છતાંય તને યાદ કરી રહી છે." રડતા રડતા તેના પિતાએ કહ્યું.

દિવ્યા સાથે બનેલી ઘટના અંગે જાણીને બબલુ જાણે સુન્ન પડી ગયો. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

"મારી બહેનની જિંદગી બરબાદ થઈ ગઈ." રડતા રડતા તે બોલ્યો. તેના હાથમાં રહેલી બોટલ છૂટી ગઈ. કાચની બોટલ હોવાને કારણે તેના ટુકડા ટુકડા થઈ ગયા. જલદ પ્રવાહી રોડ પર પડતા તેમાંથી સામાન્ય ધુમાડો નીકળવા લાગ્યો.

"તું પણ આ છોકરી પર એસિડ જ ફેંકવા આવ્યો હતો ને? તું કોઈની જિંદગી બરબાદ કરવા માંગતો હતો, કુદરતનો ન્યાય જો, તારી જ બહેનની જિંદગી બરબાદ થઈ ગઈ." તેના પિતાએ દુઃખી સ્વરે કહ્યું.

બબલુ જે પાપ કરવા જઈ રહ્યો હતો એ માટે તેને બેહદ પસ્તાવો થયો. તે યુવતીની સામે ઘૂંટણિયે બેસીને હાથ જોડીને માફી માંગવા લાગ્યો.

"છેલ્લા દસ દિવસથી મેં તમને બહુ હેરાન કર્યા. હું માફીને લાયક નથી, તેમ છતાંય તમારી માફી માંગુ છું." બબલુ રડતા રડતા બોલ્યો.

"પપ્પા, મને દિવ્યા પાસે લઈ જાઓ ને." ડૂસકાં ભરતા તે બોલ્યો.

"હવે છાનો થઈ જા. તારી બહેનને કઈ નથી થયું. આ બધું તો નવ્યાનું અને મારું નાટક હતું, તને સબક શીખવાડવા માટે." તેના પિતાએ કહ્યું.

બબલુ મારી પાસે આવીને બોલ્યો, "દીદી તમારો ખૂબ આભાર. હું આજ પછી કોઈ છોકરીને હેરાન નહીં કરું."

"માત્ર આટલુ કહેવાથી નહિ ચાલે, આ બધી લુખ્ખાગીરી છોડીને ભણવામાં ધ્યાન આપ." મેં કહ્યું.

"ચોક્કસ...હું એમ જ કરીશ. આજે તમે મને બહુ મોટો સબક શીખવાડ્યો છે." બબલુએ કહ્યું.

એ અરસામાં કોઈએ પોલીસને ફોન કરીને જાણ કરી હતી. પોલીસ પણ ત્યાં આવી પહોંચી અને બબલુને ગિરફ્તાર કર્યો. તેમ છતાંય તેના ચહેરા પર કોઈપણ પ્રકારનો ભય નહતો. કદાચ તેના મનમાં પશ્ચાતાપ કરવાની ભાવના હશે અને જ્યારે કોઈપણ મનુષ્ય કરેલા ખરાબ કર્મોના પશ્ચાતાપ કરવા પ્રેરાય છે, ત્યારે તેના મનમાં કોઈ પ્રકારનો ભય રહેતો નથી.

"સાહેબ, મારે આ યુવાન વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી કરવી. એણે કરેલા કામ માટે એને પસ્તાવો છે. અને સાથે વિદ્યાર્થી પણ છે. નકામા એનું ભવિષ્ય બગડશે." તે યુવતી પીએસઆઇ પાસે આવીને બોલી.

"શરમ કર ટળપા, તું જે છોકરીનું ભવિષ્ય બગાડવા માંગતો હતો. એ જ છોકરી તને બચાવી રહી છે." પીએસઆઇ સોલંકી ગુસ્સામાં બોલ્યા.

"સોરી સાહેબ. ભૂલ થઈ ગઈ." બબલુએ કહ્યું.

કોન્સ્ટેબલ મકવાણાને ગુસ્સો આવતા તેણે બબલુને ખેંચીને તમાચો માર્યો.

"પહેલી ભૂલ છે, ભવિષ્ય ન બગડે માટે જવા દઉં છું." સોલંકીએ કહ્યું. ત્યારબાદ પોલીસની ટિમ ત્યાંથી રવાના થઈ.

"તમારો ખૂબ આભાર." તે યુવતીએ મારો હાથ પકડતા આભારવશ થઈને કહ્યું.

એક રહસ્યમય સ્મિત સાથે હું તેને જોઇ રહી હતી. મેં યુવતીને જોઈને મનોમન હાશકારો અનુભવ્યો.

***

મારી આંખો ખુલી. હું મંગળ ગ્રહ પર હતી. મારા ચહેરા પર અનેરા પ્રકારનો આનંદ છવાયેલો હતો. ખુશીને કારણે મારા શિંગડામાં જાંબલી રંગનો પ્રકાશ થવા લાગ્યો.

***

સમાપ્ત

રોહિત સુથાર "પ્રેમ"