Dabbang in Gujarati Short Stories by Hardik G Raval books and stories PDF | દબંગ

Featured Books
Categories
Share

દબંગ

"અરે યાર! આપણા ઘર પાસે ક્રિકેટ રમી શકાય એવું આટલું મોટું મેદાન છે તો તું અહીંયા અમને ગામ ના છેવાડે કેમ લાવ્યો ?" રાજુ એ ગભરાહટ સાથે તેના મિત્ર વિજય ને કહ્યું.

"હા વિજયા, તું અમને મરાવડાવીશ કે શુ?" હિતેષે રાજુ ની વાત માં સુર પુરાવડાવ્યો.

"ક્રિકેટ તો બહાનું છે " વિજયે જવાબ આપ્યો.

"વિજયા તું ગાળો ખઈસ હવે, કરવા શું માંગે છે " હિતેષે વિજય ના જવાબ થી અકળાઈ ને બોલ્યો.

"હિતયા, આપણે જઈએ. આ મરવાનો અને ભેગો આપણ ને પણ મારવાનો" રાજુ બોલ્યો.

શહેર થી થોડે દૂર, સંધ્યા ના સમયે આ ત્રણે મિત્રો બેટ અને બોલ લઈ ને પહોંચ્યા હતા. આ એજ જગ્યા હતી જ્યાં થોડા દિવસો થી સાંજ ના સમયે નીકળતા માણસો ગાયબ થઈ રહ્યા હતા. છેલ્લા અઠવાડિયા માં આવી રીતે ચાર માણસો ગાયબ થયા હતા. જોગાનુંજોગ ચારે વ્યક્તિ બાજુ ના શહેર માંથી નોકરી કરી પરત ફરી રહ્યા હતા.

કહેવાતા વિકસિત ગામમાં એવી પણ અફવા ફેલાણી હતી કે કોઈ રૂપાળી સ્ત્રી ની આત્મા આ જગ્યા પર સાંજ ના સમયે બાઈક પર પસાર થતા એકલા વ્યક્તિ પાસેથી લિફ્ટ માંગી ને તેને ગાયબ કરી દેતી હતી.

હવે રાજુ અને હિતેષ ને એ સમજાઈ નહોતું રહ્યું કે વિજય આવા સમયે ક્રિકેટ રમવા ના બહાને અહીંયા કેમ લાવ્યો છે.

"મિત્રો, તમને તો ખબર જ હશે અહીંયા થી કોઈના કોઈ ગાયબ થઈ રહ્યું છે તો આપણે તે શોધવું જ રહ્યું કે આવું કઈ રીતે થઈ રહ્યું છે ?" વિજય બોલ્યો.

"લે વળી આને એસીપી પ્રધુમન બનવું છે" રાજુ બોલ્યો.

"મારી તો ફાટી રહી છે" હિતેષ બોલ્યો.

"શાંતિ રાખો, આપણી સાથે કઈ નહી થાય" વિજય આત્મવિશ્વાસ થી બોલ્યો.

"કેમ વળી તારા બાપા ને ભૂત પ્રેત સાથે પણ ઓળખાણ છે ?" રાજુ બોલ્યો. અહીંયા 'પણ' પર ભાર હતો અને કદાચ એનું કારણ એ હતું કે રાજુ ના પિતા ની એક ટાઇલ્સ ની કંપની માં નોકરી લાગવાની હતી પણ એ વિજય ના પપ્પા ની લાગવગ થી વિજય ના દૂર ના કાકાને નોકરી મળી હતી.

"રાજુ, કોલેજ માં આવ્યા આપણે હવે ! તુ આપણી મિત્રતા વચ્ચે એ વાત ના લાવ" વિજય બોલ્યો.

"લે બોલ નાખ, વિજય રોડ ની સાઈડ માં ચાલવાની જગ્યા પર બાઈક ને વિકેટ બનાવી ને રમવા માટે ની પોઝીસન લઈ ને બોલ્યો.

"હજી મને લાગે છે કે હવે આપણે પાછા જવું જોઈએ" હિતેષ બોલ્યો.

"જવું હોય તો જા, હું તો આ બેઠો, ચાલતા જશો ને બંન્ને ? અને ત્યાં રસ્તા માં પેલી આત્મા તમને ઉપાડી જશે તો ?" વિજય મજાક કરવા ના હેતુ થી હળવું હસી ને બોલ્યો.

"હું બોલ નાખું" રાજુ એ વિજય સામે બોલ નાખવા માટે હાથ લંબાવ્યો. તેના બોલવા ના ટોન માં હજી ગુસ્સો દેખાઈ રહ્યો હતો.

ત્રણે જણા અર્ધો કલાક જેવું રમ્યા હશે, હવે અત્યારે હિતેષ બેટિંગ કરી રહ્યો હતો અને વિજય બોલ નાખી રહ્યો હતો. અંધારૂ થવા ની તૈયારી હતી અને લોકોની અવર જવર આ રોડ પર થી ઓછી થઈ રહી હતી. બંને સાઈડ ની સ્ટ્રીટ લાઈટ પણ ચાલુ થઈ ગઈ હતી અને પવન માં થોડી ઠંડક પણ આવી રહી હતી.

હિતેષે વિજય ના બોલ પર સામે ની સાઈડ જોરથી ફટકો લગાવ્યો. તે બોલ રોડ ની અંદર ની બાજુ માં આવેલા વૃક્ષો થી ઘેરાયેલા વિસ્તાર માં ગયો. વિજય બોલ લેવા માટે ત્યાં ગયો.

રાજુ ના મગજમાં હજી એ વિચારો ચાલી રહ્યા હતા કે વિજય તેમને રમવા માટે અહીં કેમ લાવ્યો !. હિતેષ બાઈક પર બેટ લઈ ને બેસી ગયો અને વિજય ની બોલ લઈ ને આવવાની રાહ જોઈ રહ્યો હતો. એટલા માજ વિજયે જોર થી બુમ પાડી "હિતયા".

રાજુ અને હિતેષ બુમ સાંભળી ને ગભરાઈ ગયા હતા અને તે બંને વિજય ગયો હતો તે તરફ દોડી ગયા.

----------------------------------------------------------------

"હા સાહેબ કાલે સાંજે ત્રણે જણા મારા પુત્ર વિજય ની બાઈક લઈ ને સાથે જ નીકળ્યા હતા." વિજય ના પિતા મોહન ભાઈ પોલીસ સ્ટેસન માં ત્રણે મિત્રો ની ગુમ થવાની ફરિયાદ લખાવવા માટે આવ્યા હતા.

"જુઓ, હજી તો તેમને ગુમ થયા ચોવીસ કલાક પણ નથી થયા એટલે હુ ફરીયાદ ના લખી શકું. અને ત્રણે સરખી ઉમર ના હતા તો તે બાઈક લઈ ને ક્યાંક ઉપડી ગયા હશે" ઇન્સ્પેક્ટર રાઠોડ મોહન ભાઈ ને સમજાવતા બોલ્યા.

".....પણ સાહેબ, ત્રણે માંથી કોઈના ફોન નથી લાગી રહ્યા."

"રોડ ટ્રીપની ફેશન છે, અને તેઓ પણ ચાલ્યા ગયા હશે એવી કોઈ ટ્રીપ પર. બની શકે ત્યાં નેટવર્ક પ્રોબ્લેમ હોય ". ઈન્સ્પેકટર રાઠોડ નિરાંતથી બોલ્યા. અને જો કાલસુધી કોઈ સમાચાર ન મળે તો આવતી કાલે ફરિયાદ લખી લેશું.

મી.રાઠોડ એક બહાદુર પોલિસ ઇન્સ્પેક્ટર હતાં અને આ અગાઉ પણ અપહરણ અને મર્ડરના કેસ સોલ્વ કરી ચુક્યા હતાં અને એમને આજ કારણે પ્રસિદ્ધિ પણ મળી હતી, તેના જ કારણે ગામમાં તેમનું માન પણ બહુ હતું.

બીજા બે દિવસ વિતી ગયાં તો પણ ત્રણ મિત્રોની અને અગાઉ જે ચાર વ્યક્તિઓ ગુમ થયા તેમાંથી કોઈના સમાચાર મળ્યા નથી. આ કિસ્સો હવે ચર્ચાસ્પદ બન્યો છે. નાનકડા ગામમાંથી સાત યુવાનો કહી શકાય તે ગાયબ થયા હતા. પહેલા ચાર વ્યક્તિઓ એકજ રીતે ગાયબ થયા હતા અને આ ત્રણ મિત્રોની ગાયબ થવાની રીત અલગ હતી.

"આ કિસ્સો ભુતપ્રેતનો છે? સફેદ સાડી વાળી ચર્ચાઓ ચાલી રહી છે એ સાચી હોવાની કેટલી સંભાવના છે ?" ગામનાં સરપંચ અન્ય ગામના મુખ્ય વ્યક્તિઓ સાથે પોલિસસ્ટેશનમાં બેસીને ચર્ચા કરી રહયા છે.

"ના, આ કોઈ ભુતપ્રેતનું કામ નથી.આ કોઈ માણસનું જ કામ છે. હું આ કેસ સોલ્વ કરીને જ જંપીસ." ઇન્સ્પેકટર રાઠોડ બોલ્યા.

જાતજાતની કલ્પનાઓ થઈ રહી છે ગામમાં. અમુક લોકોને લાગે છે કે આ અપહરણો ભુતપ્રેતને આભારી છે તો અમુકને લાગે છે કે કોઈ જાણભેદુ જ આવું કરી રહ્યું છે. કલ્પનાનોને કોઈ સીમા નથી હોતી તેથી લોકો અવનવી કલ્પના કરી રહયા છે. બીજા દશ દિવસ વિતી ગયા છે, કેસ દિવસે ને દિવસે જટિલ બની ગયો છે.

એક સવારે સમાચાર આવે છે ગામના છેવાડે કોહવાઈ ગયેલી સાત લાશ મળી છે અને એ સાત લાશ ગાયબ થયેલા સાતેય વ્યક્તિઓની હતી.

લોકોના ટોળે ટોળા ત્યાં પહોંચે છે. મીડિયાના માણસોનો કાફલો રિપોર્ટ કવરેજ કરવા પહોંચી ગયો છે. તે ઘટનાનું લાઈવ વર્ણન કરી રહ્યા છે. દુર્ગંધથી તે જગ્યા પર ઉભું રહેવાય એવું પણ નથી. ત્યાં છેવાડે એક ગુફામાં આ લોકોને પકડીને રાખવામાં આવ્યા હતા અને પછી તેઓને મારી નાખવામાં આવ્યા એવું ઇન્સ્પેકટર રાઠોડ દ્વારા જાહેર થયું છે, તે અને બે હવાલદારો ત્યાં આ લોકોને શોધતા શોધતા પહોંચ્યા હતા. આ અપહરણ અને ખુનનું હજી કોઈ મોટિવ જણાતું નથી. તપાસ હજી પણ ચાલી રહી છે.

વધુ એક અઠવાડિયું વિતે છે અને આઠમા દિવસે એક સમાચાર મળે છે કે ઇન્સ્પેકટર રાઠોડે એ અપરાધી/ખુનીનું 'એન્કાઉન્ટર' કરી નાખ્યું છે. એ અપરાધી એક સાયકો કિલર હતો અને લોકોની હત્યા કરતો હતો. એ જ્યારે આ એન્કાઉન્ટર થયું ત્યારે એવીજ રીતે સમી સાંજે એ ગામનાં છેવાડે એક બાઈકસવારનું અપહરણ કરી રહયો હતો, ત્યારે ઇન્સ્પેકટર રાઠોડ ત્યાં પહોંચી ગયા હતા અને અપરાધી ભાગવા ગયો ત્યારે રાઠોડ સાહેબે એને પકડવા માટે પગમાં ગોળી તાકી હતી પણ કોઈ કારણસર નિશાનચુક થતા મસ્તકના પાછળના ભાગે ગોળી વાગી અને એનું મૃત્યુ થયું.

બીજા દિવસે ફાઇનલી બહુચર્ચિત કેસ સોલ્વ થયો એના ન્યુઝ ચાલી રહ્યા છે અને જે બહાદુરીથી આ કેસને ઇન્સ્પેક્ટર રાઠોડે સંભાળ્યો છે એની પ્રસંસા થઈ રહી છે. ન્યૂઝચેનલ અને ન્યૂઝપેપર્સ એમને દબંગ જાહેર કરી ચુક્યા છે.

બીજા દિવસે જ્યારે એક ન્યુઝપેપરમાં આ સમાચાર વાંચતા વાંચતા રાઠોડ સાહેબને હવાલદારે કહ્યું કે જો હું ખોટો ના હોય તો આ અપરાધીને તો પહેલાં તમારી સાથે ઘણી વખત જોયો છે, તમારો મિત્ર હતો કદાચ......."

તેને વચ્ચેથી જ અટકાવીને રાઠોડ સાહેબે રડતા રડતા કહ્યું કે "મિત્ર હતો, પણ મારા માટે કાયદો પહેલા".

અને મનમાં તે લુચ્ચું હસતા હસતા બોલ્યા કે આ નામનાં મેળવવા માટે આ આઠ ખુન તો કાંઈ જ નથી મારા માટે, આ અગાઉ પણ આવા ફેક કેસ બનાવીને સોલ્વ કર્યા છે, એમ થોડું દબંગ બનાય છે લોકોની નજરોમાં !

અને એટલામાં જ વધુ એક ન્યુઝચેનલ તેમનો ઇન્ટરવ્યૂ લેવા આવી અને તેઓ બહું જ ગંભીરતાથી પત્રકારના સવાલના જવાબ આપવા મંડ્યા.

-હાર્દિક રાવલ-