"કભી યે દિન આયેગા
કી જબ આઝાદ હમ હોંગે
યે અપની હી જમી હોંગી
યે અપના આસમાં હોગા"
ઈતિહાસમાં આઝાદી માટે લોહીયાળ ક્રાંતિઓ થઈ, ગાંધીજીએ સત્ય અને અહીંસાની મસાલ જલાવી, કેટલાય ક્રાંતિવીરો ફળદ્રુપ ધરા સમા અડીખમ ઉભા રહ્યા 'ને એના પરિણામસ્વરૂપે આઝાદીનું આ ઘેઘુર વૃક્ષ ખીલી ઉઠ્યુ. ત્યારે ભારતની આ માં કહેવાતી ધરા પર ૧૫, ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે લાલ કિલ્લા પર ત્રિરંગો જાણે ગર્વથી લહેરાતો હશે. આ ગર્વની લાગણીઓના રોમાંચ અનુભવતા ખબર ન પડતા આજે ૭૨ વર્ષ પુરા થઈ ગયા.
દેશનો પ્રત્યેક વ્યક્તિ પોતાની મા-ભોમ પ્રત્યેના પ્રેમને લીધે સ્વાતંત્ર્ય દિનના મંગલ દિવસે એવા નારા તો લગાવતો જ હશે કે, 'ઈંકલાબ જીન્દાબાદ', 'આઝાદી અમર રહે' પણ કદાચ એ વાતનો ખ્યાલ નહી હોય કે ખરા અર્થમાં આઝાદી એ શું છે? આઝાદી એ કોના અવિરત પરિશ્રમનું પરિણામ છે? કારણ આજે ભારતભૂમિ પર સ્થિત લોકોએ ગુલામી વેઠી નથી, આપણો જન્મ આઝાદ ભારતમાં થયો, ગુલામ ભારતમાં નહી. આપણામાના કેટલાકને કદાચ પુસ્તકીયા પોપટ હોવાથી ખબર હોઈ શકે કે આઝાદી શું હોઈ શકે? માત્ર ખબર જ હોઈ શકે, પણ પરાધીનતામાં શું શું ભોગવ્યુ તેનો ખ્યાલ તો માત્ર એ શહીદવીરો અને આઝાદીપૂર્વે જન્મેલા સ્વદેશપ્રેમિઓને જ હોઈ શકે. આઝાદહિંદમાં જાન્મેલા મરા-તમારા જેવાને ક્યાંથી?
ઈ.સ.૧૯૪૭ પહેલા જન્મેલા લોકોને આઝાદીની કલ્પના હશે કે ન્હીં, કોને ખબર? કારણ, અંગ્રેજો ઈ.સ.૧૬૦૦ માં ભારતમાં વેપારાર્થે આવ્યા પણ 'સોને કી ચિડીયા' સમા ભારતને જોઈ તેમને અહીં જ ખીલો ખોડવાની મનશા જાગી. મનમાં મનોરથ ફુટ્યા કે તરત જ થોડા વર્ષોમાં બંગાળમાં પોતાના શાસનનો પાયો નાખ્યો. ત્યારપછી તો બક્સરનું યુદ્ધ, પ્લાસીનું યુદ્ધ 'ને એક પછી એક અનેક યુદ્ધો થકી સ્થાનિક શાસકોની સત્તા નબળી પડી. આમ મુઠ્ઠીભર ગોરાઓએ ભરતીય પ્રજાને અંદરોઅંદર ઝગડાવી, કોમવાદ, ભાગલા પાડો અને રાજ કરો જેવી સામ્રાજ્યવાદી નીતિઓ અપનાવી ભારતને જડબેસલાક લુટ્યું અને અત્યાચારો આચર્યા.
અંગ્રેજોએ શાસનનો પાયો નાખ્યો એ વખતે ભારતમાં જે પ્રજા હતી તેના સો-સવાસો વર્ષ પછી કદાચ તે ભારતીય પ્રજાનું ભારતમાં અસ્તિત્વ નહીં હોય. તેથી આ નવોત્પન્ન પ્રજા અંગ્રેજોના આગમન વિષે એટલી સ્પસ્ટ નહીં હોય કે જેટલા તેમના પુર્વજો માહીતગાર હતા. અને હજીયે બીજા સો વર્ષ લઈ લઈએ તો એ ભારતીય પ્રજાને માટે અંગ્રેજો ઘરના સભ્ય સમા થઈ ગયા હતા. તેઓને એ બાબતનો સ્વપ્નેય ખ્યાલ નહીં આવતો હોય કે અંગ્રેજો એ બહારથી આવેલી પ્રજા છે કારણ ભુરીયાઓએ સતત ભારતીય પ્રજા પર અત્યાચાર ગુજારીને,ભાગલા પાડોની નીતિ અપનાવીને, કોમી એકતાને તોડી-મરોડી તથા આપણા દેશના સાંસ્કૃતિક મુલ્યોનું અધઃપતન કરી તેમજ પોતાને અનુરૂપ શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી ભારતીયોનું મનોબળ તોળી પાડ્યુ હતુ. આ અંગ્રેજી પ્રજાએ ભારત પર રાજ કરીને એવો તો સુમેળ સાધી લીધો હતો કે ૨૦૦ વર્ષથી ગુલામી કરી રહેલી ભારતીય પ્રજાને સ્વતંત્રતાનો વિચાર સુદ્ધા આવે એ એક ક્રાંતિ સમાન હતું. અને માનસશાસ્ત્રીય દ્રષ્ટિએ પણ આ એક સ્વાભાવિક વાત હતી. કોઈ વ્યક્તિને આપણા ઘરમાંથી ભગાડવો હોય તો પહેલાં તો એ પારકો લાગવો જોઈએ પણ આ અંગ્રેજ પ્રજા સતત ૨૦૦ વર્ષનો સત્તાનો મારો ચલાવીને ભારતીય પ્રજા સાથે એવી તો વણાઈ ગઈ હતી કે તે પારકી લાગતી જ ન હતી. આ પારકી ન લાગતી પ્રજાને પોતાના ઘરમાંથી ભગાડવાનો વિચાર એ એક શોધ સમો જ હતો.
સ્વતંત્રતાનો વિચાર સુદ્ધા ન આવે એવા એ ગુલામીના અંધારી ખાણમાં પણ કોલસાઓની વચ્ચે કેટલાક એવા રત્નો હતા કે જેમના મનમાં આઝાદીના વિચારના ફણગા ફુટતા. માત્ર વિચાર કરીને બેસી રહેવાવાળા, તે મીમાંશક લોકો ન હતા. એ તો વિચારને ક્રાંતિમાં બદલનારા ખરા કર્મયોગીઓ હતા. જેઓને યાદ કરીને માં ભારતી પણ ગર્વની લાગણીઓ અનુભવતિ હશે. આજે પણ આ મહાન વિભૂતિઓને યાદ કરતાં હ્રદયની ધડકન એવી તો વધી જાય છે કે ધબકાર ઉછડી-ઉછડીને છેક કાન સુધી સંભળાય છે, શરીર પરના રૂવાળા પણ આ ક્રાંતિવીરોને સલામી આપવા ટટ્ટાર ઊભા થઈ જાય છે. ખાણમાંથી ઉપજતા ચમકીલા રત્નોની માફક મા-ભોમના આ વીરરત્નોએ ભારતને (ભા-તેજ, રત-મગ્ન કે ક્રીયાશીલ રહેવાવાળા) તેના અર્થ સમી અંધકારમાંથી જ્યોતિ તરફ લઈ જતી ઉક્તિ " તમસો મા જ્યોતિર્ગમય " ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે.
આવા સમયે ક્રાંતિવીરોનું વિહંગાવલોકન કરવું ભુલવુ એજ એક મોટી ભુલ સમુ છે.
" સરફરોસી કી તમન્ના અબ હમારે દીલમે હૈ,
કેખતે હૈ દમ કીતના બજુએ કાતિલ મે હૈ "
જે લોકોના માત્ર મનમાં જ નહીં પણ દિલમાં પણ સરફરોસીની તમન્ના જ છે એવા રામપ્રસાદ બિસ્મિલ કે જેમણે અંગ્રેજ હકુમત હેઠળ આખી કાકોરી ટ્રેન લુંટી. આપણે મન કદાચ એક ટ્રેનની લુંટની વાત એ અસામાન્ય લાગતી હશે પણ વર્તમાન સમયમાંય ટ્રેનની લુંટની વાત નો દુર રહી પણ રેલવેના પાટાનો નાનકડો બોલ્ટ પણ ચોરી કર્યો હોય તો એની સજા શું હોઈ શકે એ આપણા અંદાજ બહારની વાત છે. રામપ્રસાદ બિસ્મિલે તો આખેઆખી ટ્રેનને રોકી અંગ્રેજોનો શસ્ત્રસરંજામ લુટ્યો હતો. મહત્વની વાત તો એ કે બિસ્મિલે આ લુંટ સ્વતંત્ર ભારતમાં નહીં, પણ પરતંત્ર ભારતને સ્વતંત્રતા અપાવવા માટે અંગ્રેજાધિન ભારતમાં કરી હતી. શું તેમને ખબર ન હતી કે આ કૃત્યની સજા શું હોઈ શકે? બિલકુલ ખબર હતી કે જો પકડાયા તો સજા એક જ હોઈ શકે, ફાંસીના માંચડે ચડવાની. એ લોકો કંઈ અલગ માટીના ન હતા તેઓમાં ' માં ભારતી ' ખીલી ઉઠી હતી, તેમના જીવન ચોમેર ફોરમ ફેલાવતા હતા, પોતાની માં-ભોમ પ્રત્યેનો એમનો પ્રેમ અકલ્પ્ય હતો, સ્વાતંત્ર્યપ્રાપ્તિની એમની ધૂન પણ અદમ્ય હતી.
'મરોળદાર મુછ અને માથે ગોળ ટોપીવાળો શિખ' આ શબ્દો કાને પડતા જ મનમાં જે કલ્પીત આકૃતિ ઊભી થાય 'ને આંખ સામે જે દ્રષ્ય ખડુ થાય એને કેમ કરી વિશરાય? જ્યારે ભગતસિંહે 'નેશનલ એસેમ્બ્લી'માં બોમ્બ ધડાકો કર્યો એ શું કોઈને મારવા માટે કર્યો હતો? અરે! જો અંગ્રેજોને મારવા જ હોય તો એક નહીં પણ એકસાથે એકવીસ ધડાકા કરતા અને એ પણ એવી જગ્યાએ કે જ્યાં ભુરીયાઓની ઉપસ્થિતિ છે પણ એમણે તો પોતાના પર લાગેલો આતંકવાદીનો મેલો ડાઘ ધોવો'તો, એમણે તો દેશના યુવાનોને માટે પ્રેરણાસ્ત્રોત બનવું હતું જેથી આવા હજારો ભગતસિંહની હારમાળા આઝાદીની લડતમાં કુદી પડે. અરે! આ શહીદવીરે તો "ઈન્ક્લાબ જીન્દાબાદ" (અમે શહીદ થઈએ છીએ પણ આઝાદીની લડત અમર હો) ના નારા સાથે મત્ર ૨૩ વર્ષની ઉંમરે હસતા મુખે ફાંસીના માંચડાને ચુમી શહિદી વહોરી લીધી. આવો પ્રસંગ વિશ્વના ઈતિહાસમાં ભારતની ધરણી સિવાય બીજે ક્યાંય જવલ્લે જ જોવા મળે.
સુભાષબાબુ કે જેમણે તો આજે પણ 'The Mother of all examination', અને 'Toughest exam in the world' કહેવાતી આજની UPSC સિવિલ સર્વિસીઝ 'ને એ વખતની અંગ્રેજ હકૂમત હેઠળની ICS (Indian Civil Services)ની પરીક્ષા પ્રથમ પ્રયાસે 'ને સમગ્ર ભારતમાં ચોથા ક્રમાંકે પાસ કરી. બોઝને અંગ્રેજ સરકારમાં પણ ઉચ્ચતમ ગણાતા એવા સનદી અધિકારી બનવાની તક મળી કે જ્યાં અંગ્રેજ સરકારમાં કામ કરવાની સાથે મોટા પગાર, સમાજમાં માન, મોભો અને પ્રતિષ્ઠા મળે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે બોઝે આ બધી જ લોભામણી વાતોને તિલાંજલી આપી એ વાતને સાબિત કરી બતાવી કે પોતાની માં-ભારતીની સેવા એ જ પોતાને મન સાચી સેવા અને માં-ભોમની પ્રતિષ્ઠા એજ પોતાની પ્રતિષ્ઠા 'ને ગૌરવ છે. બોઝને ન જરૂર હતી આઝાદીની લડત લડવાની અને ન તો જરૂર હતી આવું સાહસ ખેડવાની, પણ એમની રગોમાં દોડતા લોહીનાં કોષો હજી જીવંત હતા. પોતાની માંનો સપુત અંગ્રેજી હકૂમતનું આ પ્રતિષ્ઠા અને સન્માનભર્યુ પદ ઠુકરાવી દે છે. આ જ બોઝ ,'આઝાદ હિંદ ફોજ' ની રચના કરી, "તુમ મુઝે ખુન દો,મૈ તુમ્હે આઝાદી દુંગા" ના નારા થકી અનેક ભારતીય માતાઓને પોતાના પ્રાણપ્યારા દિકરાઓને આઝાદીની લડતના યજ્ઞમાં હોમવા પ્રેરે છે.
જ્યારે જ્યારે આઝાદીની વાત આવે ત્યારે સફેદ ધોતી, પાણીની એકમાત્ર લોટી ધારી ગાંધીને કેમ કરી ભુલી સકાય? કે જેણે સત્ય અને અહીંસાના કપરા માર્ગ પર ચાલીને હિંદને આઝાદી અપાવવામાં સિંહફાળો આપ્યો.
આઝાદી એકોઈ એક સ્વાતંત્ર્યસેનાનીના રક્તરંજીત થવાનું પરિણામ નથી, પણ એતો વીર સાવરકર, બોઝ, ગાંધી, ચન્દ્રસેખર આઝાદ, શ્યામજીકૃષ્ણ વર્મા, મેડમ કામા અને બીજા અનેક નામી અનામી દેશ-સેવકોના પુરુષાર્થનું પરીપાકફળ છે. પછી તે હિંસાનો માર્ગ અપનાવનાર ભગતસિંહ હોય હોય કે અહિંસક ગાંધી હોય, પણ આઝાદી માટે તો બંનેની સહીયારી આવશ્યકતા હતી.
આ પ્રતેયક વીરોની સ્વાતંત્ર્યગાથા એક-એક ભારતીયોના રોમે-રોમ ખડા કરે એવી છે.
ભારતીય શહીદવીરોના જીવનમાં સંપુર્ણપણે વણાઈ ગઈ હોય એવી જો કોઈ પંક્તિ હોય તો એ 'ભગવદ ગીતા'ની "યોગક્ષેમમ વહામ્યહમ"ની છે. 'યોગક્ષેમમ' એટલે અપ્રાપ્તસ્ય પ્રાપ્તમ.(ના મેળવેલું મેળવવું) આ ન મેળવેલી આઝાદી સ્વતંત્રતા પહેલાના સેનાનીઓએ પોતાના ભગીરથ કર્મયોગ થકી સામી છતીએ અંગ્રેજો પાસેથી મેળવી તો ખરી, પણ આ આઝાદીનું જતન, રક્ષણ અને સંવર્ધન તમજ ફરી કોઈ વિદેશી પ્રજા ભારતની ભોમ પર આધિપત્ય ન સ્થાપે તે હેતુથી ભારતની સીમા પર ઉભેલા જવાનો 'વહામ્યહમ' એટલે લબ્ધસ્ય પરિરક્ષણમ(મેળવેલાનું રક્ષણ કરવું) સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે.
ભારતની પ્રજા આરામથી ઉંધી શકે, રસ્તા પર નિશ્ચિંત હરીફરી શકે, શોપિંગમોલમાં મુક્તમને ખરીદી કરી શકે અને નેતાઓ મનફાવે એમ ભાષણો ઠોકી શકે, આ બધુ જ દેશમાં મોકળા મને થઈ શકે તે માટે કોઈ જવાબદાર હોય તો એ કાશ્મિર અને સિયાચીનની સીમા પર સતત સાડા સત્તર કલાક સાતત્યતાથી સીધો ઉભો રહેતો ભારતનો સૈનિક છે. જ્યાં થરમોમીટરનો પારો પણ માઈનસમાં ગબડી જાય 'ને શરીરની રગોમાં દોડતુ લોહી પણ લાલ બરફ થઈ જાય એવી કાતિલ ઠંડીમાં પણ મા-ભોમનો દિકરો સરહદ પર અડિખમ ઊભો રહીને પોતાની માનું રક્ષણ કરે છે, એને મન તો મા-ભારતીની રક્ષા એ જ પ્રથમ કર્તવ્ય અને સર્વસ્વ છે.
આઝાદી પછી તરત જ પાકીસ્તાનીઓની નજર ભારતના સ્વર્ગ સમા કાશ્મિર પર બગડી અને ભારત સાથે ત્રણ-ત્રણ યુદ્ધો કરીને કાશ્મિરને ઝુંટવી લેવાના વ્યર્થ પ્રયત્નો કર્યા. યુદ્ધ-૧૯૬૫ ભારતીય સૈનિકો પાસે આધુનિક તોપો,મિશાઈલો, રાત્રે ઉડાડી શકાય તેવા હવાઈજહાજો તેમેજ પુરતો શસ્ત્રાગાર ન હોવા છતા પોતાના બુદ્ધિચાતુર્ય દ્વારા ભારતીય સૈનિકોએ પાકીસ્તાનીઓને હારની ધૂળ ચટાડી, ભારતની સુવર્ણમયી આઝાદીને ફરી એકવાર ચમક આપી.
યુદ્ધ-૭૧માં પણ પાકીસ્તાનની હાર અને કારગીલ-યુદ્ધમાં પણ માત્ર સોળ દિવસને અંતે પાકીસ્તાનીઓનો ભારત સામે સતત યુદ્ધમાં ત્રીજી વખત પરાજય એ ભારતીય સૈનિકોનું સામર્થ્ય દર્શાવે છે. આ યુદ્ધો દ્વારા ભારતીય સૈનિકોએ આ પંક્તિ સાર્થક કરી બતાવી છે,
"તુમ દુધ માંગોગે તો હમ ખીર દેંગે,
લેકીન કાશ્મિર માંગોગે તો ચીર દેંગે"
અહીં બીજા દેશ સાથેના યુદ્ધોનો ઉલ્લેખ એ પાકીસ્તાન પ્રત્યેનો દ્વેશભાવ નહીં, પણ ભારતીય જવાનોની વીરતા માત્ર પ્રદર્શીત કરે છે. કેમ કે સામે ચાલીને દુશ્મનાવટ એ ભારતીય સંસ્કૃતિના લોહીમાં જ નથી, ભારતીય સંસ્કૃતિએ તો હંમેશા સદાચાર અને બંધુતાના પાઠો જ શિખવ્યા છે.
આજના કાળમાં ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીના દિવસે ઘરા-ઘર 'ને શાળા-કોલેજોમાં દેશભક્તિના ગીતો ગુંજતા હોય, ચોરે-ચૌટે સફેદ ઝભ્ભા ધારીઓના ભાષણો થતા હોય કે જેની વાણી પણ સ્વાતંત્ર્યવીરોની શાહિદીને શ્રદ્ધાંજલી આપી શકે તે માટે યોગ્ય છે કે કેમ એ બાબતની પણ શંકા જ છે. દેશને સ્વતંત્રતા અને સ્વાતંત્ર્યવીરોની યાદ અપાવવાનો આડંબર આચરી રહેલા આ બગભગતો જ્યારે શરહદ પર રહેલા દેશના સૈનિકનું મસ્તિસ્ક કોઈ કાપીને લઈ જતુ હોય ત્યારે જડબાતોડ જવાબ આપવાને બદલે તેઓ મૌન સાધતા હોય ત્યારે દેશપ્રેમીઓને દેશના ભવિષ્ય અંગે ચિંતા થાય એ સ્વાભાવિક છે.
ઘના લોકોને અઝાદીની કિંમત જ સમજાતી નથી કારણ એ જ કે 'ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ નવ સરે' કદાચ આઝાદીનું મુલ્ય આપણે નહી આંકી શકીએ કારણ, આ ચમક માટે આપણે બિલકુલ ઘસાયા જ નથી. આઝાદી તો આપણને અનાયાસે જ આપણા સ્વાતંત્ર્યવીરોએ લોહીની વહેવડાવેલી નદીઓ અને પાણીના કરેલા પરસેવાનું પરિણામ છે.
સ્વાતંત્રવીરોએ આપણને ભુરીયાઓના શાસનમાંથી તો મુક્તિ અપાવી દીધી, પણ વિચાર કરીએ તો જણાઈ આવે કે શું ખરે જ એ વીરોની માન્યતા મુજબની આઝાદી છે ખરી? એવુ લાગે છે કે ભુરીયાઓના શાસનમાંથી તો મુક્ત થયા પણ ઘઉંવરણાઓની કોટરીમાં ફરી કેદ થયા. કારણ એક જ કે જ્યાં મુર્ખાઓ હોય ત્યાં ધુતારા ભુખે ના મરે- 'આરામખોર પ્રજા'ને હરામખોર નેતા'. ખરુ દુઃખ ત્યારે નથી થતુ કે જ્યારે રાષ્ટ્રીય શોકના દિવસે રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવે, પણ ખરી વેદના તો ત્યારે થાય છે કે માં ભારતીના ગર્વ સમો ત્રિરંગો ગટરમાંથી મળે, રસ્તા પર અધઃપતિત થયેલો ભાસે, વ્યથા તો ત્યારે થાય છે કે દેશના પ્રતિનીધિ પરદેશમાં ગયા હોય અને રાષ્ટ્રના ગૌરવ સમો ત્રિરંગો ઊંધો (લીલો, સફેદ અને કેસરી રંગના ક્રમમાં) ઝોલા ખાતો હોય, 'ને કોઈને ખબર સુદ્ધા ન હોય. રાષ્ટ્રની મનહાન, રાષ્ટ્રધ્વજની ઉપેક્ષા ન થાય એની જવાબદારી પ્રત્યેકે પ્રત્યેક ભારતીયની છે સાથે-સાથે અન્ય રાષ્ટ્રના ધ્વજનું માન જળવાઈ રહે એ પણ આપણા રક્તસંસ્કાર છે.
પ્રત્યેક ભારતીયને એમ લાગે કે ભારત એ મારો દેશ છે, ભારતી એ મારી માં છે, હું માં ભારતીનો સપુત છું, મેં કરેલા પ્રત્યેક કર્મ એ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે મારી માંને આપેલી ભેટ છે. જો આવું થસે તો દુષણો અટકાવવાની જરૂર ન્હીં પડે, પણ દુષણો આપોઆપ ભુષણોમાં પરિણમશે.
અંતે તો આપણો સ્વાતંત્ર્ય દિન એટલે જે-જે શહીદવીરોએ ભુતકાળમાં માં ભારતીની સ્વતંત્રતા અને રક્ષણ માટે પોતાનું સર્વસ્વ ત્યજી, દેશ પ્રત્યે પોતાનું ઋણ અદા કરી શહીદીની વેળાએ પણ એવું કહેતા ગયા કે- "માં તારી આટલી જ સેવા કરી શક્યો" 'ને પછી માં ભારતીના ખોળામાં પોઢી ચિરવિદાય લીધી એવા અમર સ્વાતંત્ર્યવીરોને અને સૈન્યવીરોને કૃતજ્ઞતાપુર્વક અને નમ્રભાવે યાદ કરવાનો દિવસ.