sabndho - 5 in Gujarati Love Stories by Ishan shah books and stories PDF | સબંધો - 5

Featured Books
Categories
Share

સબંધો - 5

પાણી પીને એ થોડી શાંત થઈ. એને આટલી ઢીલી થતા મેં ક્યારેય નહોતી જોઈ. એ હંમેશા એની અંદર શું ચાલે છે એનો તાગ કોઈને ના આવા દેતી. હું એના બોલવાની રાહ જોતા એની સામે જ બેસી ગયો. થોડા સ્વસ્થ થઈને એ બોલી,

કિંજલ : આપણી કૉલેજ પત્યા પછી હું એમબીએ કરવા માંગતી હતી. પણ એ જ સમય માં પપ્પા નું અચાનક અવસાન થઈ ગયુ. એમના વિનાની દુનિયા મેં ક્યારેય કલ્પી જ નહોતી. એમના આમ અચાનક જતા રેહવાથી મમ્મી પણ જાણે સૂનમૂન થઈ ગઈ હતી. એને સંભાળતા સંભાળતા મારે માટે હવે નોકરી કરવી આવશ્યક હતી. આગળ ભણવા નું ઘણું મન હતુ પણ પરિસ્થિતિ આગળ ઈચ્છાઓ બેબસ થઈ ગઈ.

( એ થોડુ અટકી કદાચ ગળે ડૂમો ભરાઈ ગયો હતો , થોડુ પાણી પીધું ને બોલી )

કિંજલ : બસ પછી હું ધીમે ધીમે નોકરી કરતી ગઈ અને જેમતેમ કરીને અમે જિંદગી ને જાણે બસ જીવવા ખાતર જીવવા લાગ્યા. એક પિતાની ખોટ જાણે અધૂરી રહી ગયેલી એ પંક્તી જેવી જે , જેને માં કદાચ પૂરવા પ્રયત્ન કરતી પણ એ જાણે બંધ નહોતી બેસતી.

કિંજલ : ચિરાગ મને અચાનક જ મળ્યો. અમારી વચ્ચે પણ ખાસ કંઇ સંપર્ક રહ્યો નહોતો. કૉલેજ માં તો તુ જાણે જ છે કે મારા ખાસ કોઈ મિત્રો હતા નહિ. ચિરાગ અમારી કંપની ની ઓડિટ માં ગયા વરસે આવ્યો ત્યારે જ અમારી મુલાકાત થઈ અને ત્યારથી અમે એકબીજાના સંપર્કમાં રહીએ છીએ. મમ્મી ને એની સાથે હંમેશા સારુ ફાવે છે અને એ ઘણી વખતે એણે મળવા અમારા ઘરે આવતો રહે છે.  એ ઓફિસ જતા જતા મને અહીં છોડતો જાય છે અને સાંજે ઘરે પણ મૂકી આવે છે , એ બહાને એ મમ્મી ને પણ મળી લે છે.

( હું કંઈ બોલ્યો નહિ. કોઈને ઘણા સમય પછી મળ્યા બાદ એક વાત તો નક્કી છે કે ભૂતકાળ ભલે ગમે તેઓ હોય પરંતુ યાદો  સબંધો ની ઉષ્મા ને સમય ના વહેણ માં પણ પ્રજ્વલિત જરૂર રાખે છે. )

હું : કિંજલ , તુ જે પણ વેદનાઓ માંથી પસાર થઈ છે મને એનો ખ્યાલ નહોતો. મારા શબ્દો થી તને દુઃખ થયુ હોય તો હું માફી માંગુ છુ.

કિંજલ : ના દેવ , ( એ થોડુ હસી )આમા તારો ક્યાં કોઈ વાંક છે ! પ્રારબ્ધ ને કોણ બદલી શકે છે ! તુ જાણે છે કઈક ઘુમાવા કરતા વધુ કઠિન એ છે કે એ સમયે કોઈ પોતાનુ સાથે ના હોય. આ બધા જ સમય માં હું એકલી રહી ગઈ હતી , તારા જતા રેહવાથી જે અવકાશ ઉદભવ્યો એણે કોઈ ન પૂરી શક્યુ. સૌથી વધુ જો કોઈ મને સાંભર્યુ હોય તો એ તુ જ છે. મને એ વખતે કોઈ એવા વ્યક્તિની જરૂર હતી જેને હું પોતાનુ માનીને કંઈ પણ કહી શકતી હોઉ. ઘણી વાર તમને કોઈ સમજાવી શકે એના કરતા કોઈ તમને શાંતિથી સાંભળી શકે એવા વ્યક્તિની જરૂર વધારે હોય છે.

હું : એ સમય કઠિન છે કિંજલ , ખબર નહિ કેમ પણ વધતા પ્રેમ સાથે જાણ્યે અજાણ્યે અપક્ષાઓ બંધાઈ જ જાય છે. જ્યારે આવનાર કાલની છબી ધુંધળી જણાતી હોય ને ત્યારે વર્તમાન ની લાગણીઓ ની ધૂળ ખંખેરી ને ખુદ ને શૂરવીર સાબિત કરવુ એ અશક્ય છે. હું પણ ત્યારે એ કાલ ને જોઈને વિચારીને પડી ભાંગ્યો હતો. તને નફરત તો ત્યારે કરુ ને જ્યારે ખુદ ને સંભાળી શકુ.

કિંજલ : તને દોષ નથી દેતી દેવ , કદાચ મારા નસીબમાં એજ હશે. બસ આટલા વર્ષે તને એજ કેહવા માંગુ છુ કે કોઈ સબંધો ની ડોર તૂટે ત્યારે વેદના બંને આત્માઓ ને અનુભવાય છે.

હું : જિંદગી ના ઢોડાવ પણ ગજબ છે , જે ચઢાણ વ્યક્તિને શિખરે લઈ જાય છે એ જ એણે સાવ નીચે પણ લઈ આવે છે. સબંધો ના બદલાતા વહેણ વચ્ચે પણ એ પથ્થર એક જ જગ્યાએ એકલો રહી જાય છે જે ક્યારેક એ જ વહેણ થી ભીંજાયો હતો. પોતાની અડગતા અને સ્વાભિમાન ખાતર એ ત્યાં ટટ્ટાર ઊભો રહે છે પણ એનુ દુઃખ ક્યારેય કોઈ સમજતુ નથી. અને છતા કઠોર તો જમાનો એને જ કહે છે. થાકી ગયો છુ હું કિંજલ હવે , એ સાબિત કરતા કરતા કે પ્રેમ મને ક્યારેય થયો જ નહોતો.

કિંજલ : દેવ , પ્રેમ ખરેખર એક એવી કથા છે જેને હંમેશા આપને  માત્ર જીવી શકીએ છીએ , એણે અનુભવી શકીએ છે , એણે માની શકીએ છીએ. પણ આપણે એ કથાને ગંતવ્ય સુધી પહોંચાડવા મથીએ છીએ. કદાચ એના મુકામ ની ચિંતામાં કયાંક આપણે એ સફરને માનવાનુ ભૂલી ગયા છે. કોણ શું કહેશે અને દુનિયા શું વિચારશે એ ચિંતામા સબંધોને આત્મસાત કરતા આપણે ભૂલી ગયા છે. જે નક્કી થયેલુ છે એણે ના તો હઠ કરીને બદલી શકાય છે કે ના એને બળજબરી થી થતુ અટકાવી શકાય છે.

હું : તારી બધી વાત સાથે હું સંમત છુ. પરંતુ સમજી , વિચારી , નફા - નુકસાન  તોલી ને શાણપણ થી પ્રેમ થતો હોત ને તો અમુક પ્રેમકથાઓ ક્યારેય અમર ના થઈ હોત. પ્રેમ એટલે જ નિખાલસ છે કારણ કે એ દીલ થી થાય છે દિમાગ થી નઈ , એ એટલે જ સરળ છે કારણ કે એમા જરૂરિયાતો ની જટિલતા નથી , એ એટલે અમર છે કારણ કે એમા માત્ર પોતાનો સ્વાર્થ નથી.

( એની આંખો માં  મારી નજરો સ્થિર  રાખીને મેં કહ્યુ )

કદાચ આજે આટલે વરસે મને એ વાતનો ગર્વ છે કે મેં ખરેખર  પ્રેમ કર્યો હતો.

હું : મારી કિંજલ કોઈ દિવસ મળે તો એને મારા વતી એટલુ જરૂર કહેજે કે આજે પણ એણે અવગણતા અવગણતા એની નાની નાની બાબતો ધ્યાન થી નિહાળુ છુ , આજે પણ એણે નફરત કરતા કરતા એટલો જ પ્રેમ કરુ છુ ,આજે પણ ખુદ હારતા હારતા એની જીતમાં પોતાની જીત શોધુ છુ. એણે કેહજે ઋતુઓ તો ઘણી બદલાશે , ફરી લીલોતરી પણ છવાશે ને  આ પાનખર પણ કદાચ જતી રેહશેે , પણ વરસાદ ની એ હેલી હવે નઈ  થાય !! એણે કહેજે કે  'ના'  એના માટેના પ્રેમ માં આજે પણ ઓટ આવી છે  'ના'  કદી આવતા ભવે પણ આવશે. એ કિનારા ને હંમેશા એના  જ પ્રેમ ની ભરતીની વાટ રેહશે.

કિંજલ : દેવ....
(એના ચેહરા પર એક ભાવભીનુ સ્મિત રહ્યુ )
દેવ , એ કિનારા વિના ભરતી પણ સૂની છે , એણે પણ કિનારા ને ભીંજાવા વેહલા મોડા આવવુ જ પડશે.

એક કપ ચા પીવા જઈએ હવે , " પેહલા જેવા જ ગળપણ વાળી " !!

(અને બસ અમે નવી સફરે નીકળી ગયા. હું નથી જાણતો કે પ્રેમ મને મળશે કે નહિ પરંતુ એક વાત તો ચોક્કસ છે સબંધો ક્યારેક મરતા નથી જ્યાં સુધી એણે પરસ્પરની લાગણીઓ ની હુંફ છે અને એથી વધુ એ ક્યારેય માંગતા પણ નથી )

                     ( પૂર્ણ )

( વાચકમિત્રો સબંધોની આ સફર દરમ્યાન આપ સૌ દ્વારા એણે જે સુંદર પ્રતિસાદ મળ્યો એ બદલ હું આપનો હૃદય પૂર્વક આભાર માનુ છુ. આગળ પણ આપના સહયોગ અને આશીર્વાદ થી કોઈક નવા પ્રકરણ સાથે એક નવી સફર માં આપ સૌ આવો જ સાથ અને પ્રેમ આપતા રેહશો એ અપેક્ષા સાથે મારી કલમ ને હાલ પૂરતી અહીં જ વિરામ આપુ છુ )
                           
                                   –   ઈશાન