પ્રણયનું પ્રાગટ્ય
ભાગ- 4
બિપીન એન પટેલ
(વાલુડો)
અનુક્રમણિકા
કોની સાક્ષી આપુ
તારી દુનીયામાં સમાવું છે
દુનિયાના રંગો
દોસ્તીના સથવારે
નક્કી કોઈ કારણ હશે
નશીલી આંખો
પ્રણય દુનીયા
અવિરત અરમાનો
કારણ તો જણાવ
નિખાલસ દોસ્ત
***
કોની સાક્ષી આપુ
મને યાદ તારી સતાવે ઘણી, હવે એ કેમ તને મનાવું.
સુરજની સવારી આવે છે રોજ, એની સાક્ષી અપાવું.
પણ જો તું રાત્રે સાક્ષી માંગે તો કેમ કરી એમને લાવું.
મારી નીંદરૂમાં તું રોજ આવે, હવે એ કેમ તને મનાવું.
તારલીયા ટમટમે છે આસપાસ, એની સાક્ષી અપાવું.
પણ જો તું દિવસે સાક્ષી માંગે, તો કેમ કરી એમને લાવું.
તારો વિરહ ઘણો સંતાપે મને, હવે એ કેમ તને મનાવું.
વરસાદ જ તો આગ લગાવે છે. એની સાક્ષી અપાવું.
પણ જો તું ઉનાળે સાક્ષી માંગે તો કેમ કરી એમને લાવું.
તારા પ્રણય બાણથી વિંધાયો છું હું ,એ કેમ તને મનાવું.
કામદેવ જ છે એક માત્ર વિકલ્પ,એની સાક્ષી અપાવું.
પણ જો તું શ્રાવણમાં માંગે, તો કેવી રીતે એમને લાવું.
'વાલુડા'ના જીવનનો શ્વાસ છે તું જ, એ કેમ તને મનાવું.
મારો ચાલતો શ્વાસ એ જાણે છે, એની સાક્ષી અપાવું
પણ તું દૂર જઈને સાક્ષી માંગે, તો કેમ કરી એમને લાવું
***
તારી દુનીયામાં સમાવું છે
તારા ઉર સાગરમાં તરવું છે, મારે મન સાગરમાં તરવું છે,
તું સમાવી લે મને બાહોમાં, મારે તારી બાહોમાં ઝુરવું છે.
તારા ગાલો પર લપછવું છે, તારા નયનોમાં મારે ડુબવું છે,
તું સમાવી લે મને અધરોમાં, મારે તારી મીઠાશે મરવું છે.
તારા નખ પર રંગાવું છે, તારી આંગળીએ મારે ઝુલવું છે.
તું સમાવી લે મને હથેળીમાં, મારે તારી લકીરે બંધાવું છે.
તારી પાંપણે ઝપકવું છે, તારી ભ્રમરોમાં મારે ભરમાવું છે.
તું સમાવી લે મને નિંદરમાં, મારે તારા સપનામાં આવવું છે.
તારા હાસ્યમાં હરખાવું છે, તારા આંસુમાં વહી જાવું છે.
તું સમાવી લે 'વાલુડા'ને, એને તારી દુનીયામાં મ્હાલવું છે.
***
દુનિયાના રંગો
નભ અને ધરા હજી મળ્યાં નથી, છતા ધરતી ભીંજાય છે,
આપણે વરસાદમાં કોરા ધાકોર એટલે તો મન મુંજાય છે!
ફુલને ડારખીથી ખરવાની ને ખીલવાની ક્યાં કંઈ નવાઈ છે,
આપણી જ તો રોજ રીસાવાની ને મનાવવાની ભવાઈ છે!
મુઠ્ઠેરી પંખી પણ જ્યાં પાંખ આવી ને ઉડવા લાગ્યું આકાશે,
આપણે તો હજી પણ માળો છોડ્યો નથી કોઈનાં વિશ્વાસે!
અરે પથ્થરો ફાડીને વ્રૃક્ષો પણ માથું ઉચકવાનું શીખ્યાં છે,
આપણે જ તો અંતર-મનમાં અરમાનો દબાવી રાખ્યાં છે!
માછલી પાણીથી બહાર આવીને તરત તરફડવા લાગે છે,
પણ 'વાલુડા'ને તો હજી દુનીયાના રંગો ક્યાં ફીક્કા લાગે છે!
***
દોસ્તીના સથવારે
ભવે ભવનો સાથ એક ભવમાં આપી દીધો,
ચંદ પળોમાં તમે પ્રેમનો દરીયો વહાવી દીધો.
દોસ્તીનાં વિશાળ મહાસાગરમાં તરું છું હું,
અને તમે નાવડી બની આધાર આપી દીધો.
કેટલાય સંબંધોની કેડીઓ પર ચાલુ છું હું,
પણ મિત્રોએ તો માર્ગને મુલાયમ કરી દીધો,
ડગલે પગલે દુઃખો સામે લડતો હતો હું ત્યાં,
તમે તો હાસ્યનાં પ્રવાહમાં તરતો કરી દીધો.
અરે તમારા કોમળ હ્રદયમાં સ્થાન આપીને,
તમે 'વાલુડા'ને તમારો દીવાનો બનાવી દીધો.
***
નક્કી કોઈ કારણ હશે
એમ થાક લાગે નહીં, નક્કી લાગણી ક્યાંક ઘવાયી હશે,
સામાન્ય ઇજાથી ક્યાં કંઇ થાય,નક્કી અસર સવાયી હશે!
ઘા ખાવાનું અને ખમવાનું તો સામાન્ય થઈ ગયું છે મારું,
પણ વારંવાર ઘા આપવાનું નક્કી કોઈ કારણ હશે તમારું!
અરે હકીમ વૈધ પણ લાચાર બન્યાં ઈલાજ કરવા અમારો,
દવા પાસે રાખી તડપાવાનો નક્કી કોઇ રીવાજ હશે તમારો!
સાવ એકલો છોડી દીધો હવે સાન-ભાન ભૂલાવીને અમારું,
આવાં જાદુ ટોણા શીખવાનું નક્કી કોઈ કારણ હશે તમારું!
હવે આવા બાણથી વિંધાવાની ક્યાં કંઇ નવાઈ છે 'વાલુડા'ને,
ધા આપવા રમત નથી,નક્કી આમા સારી આવડત હશે તમને!
***
નશીલી આંખો
બંધાવુ છે તારી નશીલી આંખોમાં, નયનમટોલા કરી નચાવ નહી.
મીઠી નજરોથી ઘાયલ થવું છે મારે, ત્રાંસી આંખ કરી ડરાવ નહી.
તણાઈ જઇશ તારા એ પ્રવાહમાં, આંખમાંથી અશ્રૃ વહાવ નહી.
અરે, નથી મને મદીરાનો કોઈ શોખ, તું આંખનો નશો લગાવ નહી.
ડરુ છું ખીણ અને કોતરો જોઈ, આંખના ઊંડાણમાં ઉતાર નહી.
યુધ્ધકળા નથી શીખ્યો ક્યારેય, તારી આંખોના તીર વરસાવ નહી.
અરે હવે વધારે જાદુ ચલાવ નહી, તારી પાંપણો હવે ફરકાવ નહી.
ઉતરવું છે તારા કોમળ હ્રદયમાં, હવે નયન મીંચીને અટકાવ નહી.
તારામૈત્રકથી અંજાયો છે 'વાલુડો', હવે વધારે અંધારા લાવ નહી.
કલ્પનાઓની હવેલીમાં રાચ્યો છું, હવે આ સપના સળગાવ નહી.
***
પ્રણય દુનીયા
લાગણીશીલ લુંટાયાં ને પથ્થર દીલ પુજાયાં છે,
રે પ્રણય તારી દુનિયામાં કેવા લોકો સર્જાયાં છે!
હસતાં લોકો હાર્યા છે ને આંસુઓમાં ફસાયાં છે,
કઠણ કાળજા જીત્યા ને કોમળ દીલ મુર્જાયાં છે!
સત્યવાદી સલવાયાં ને મીઠું બોલનારા ફાવ્યાં છે,
વર્ણોની કરામત કરીને કેવા શબ્દો સજાવ્યાં છે!
ગુણવાનની ગરજ નથી ને રૂપથી સૌ અંજાયાં છે,
રે પ્રણય તારી દુનિયામાં કેવા નિયમ બનાવ્યાં છે!
સાદગીની વાત કરીને પણ ભપકામાં ભરમાયાં છે,
'વાલુડા' મોહાંધ થઇને, પ્રણય ગલીમાં ગુંચાયાં છે!
***
અવિરત અરમાનો
અરમાનો બંધ રહેતાં નથી અને વાદળો ઉભા રહેતાં નથી,
અવિરત દોડ્યાં કરે છે બન્ને, રસ્તામાં ક્યાયં રોકાયાં નથી,
અરે હજી સુધી ક્યાં કોઈ ગયુ છે વાદળને એટલું પૂછવાં કે
અંગે અગનજ્વાર લાગે જ્યારે,ત્યારે કેમ તમે ડોકાયાં નથી?
બાહો ફેલાવીને યાચનાં કરે છે પેલા ડુંગરાઓ હરહંમેશ,
એને નજર અંદાજ કરવાનાં તારા રીવાજ સમજાયાં નથી
અરમાનોને આપણે હવે ક્યાં સુધી આમ પાળ્યે રાખવાનાં!
કોઈના પૂરા થયા હોય એવા કિસ્સા હજી સંભરાયાં નથી!
બસ કર એ 'વાલુડા' એની પાછળ સમયનું રોકાણ કરવાનું,
શરૂઆત કર તું, કોઈએ એવા દાખલા હજી બેસાડ્યાં નથી!
***
કારણ તો જણાવ
બનાવી દીધો હતો પોતાનો મને,
નજીક લાવીને દૂર કરવાનું કોઇ કારણ તો જણાવ.
રીસાવાની ક્યાં 'ના' પાડી તને,
આમ અચાનક રીસાવાનું એક કારણ તો જણાવ.
થયા હશે મારાથી ગુના હજાર,
નફરતને લાયક માનવાનું એક કારણ તો જણાવ.
આવડતી હશે રમતો તને ઘણી,
મારા અરમાનો સાથે રમવાનું કારણ તો જણાવ.
હ્રદય છે નાજુક 'વાલુડા'નું ઘણું,
પણ એ ઘાયલ કરવાનું કોઇ કારણ તો જણાવ.
***
નિખાલસ દોસ્ત
પ્રિત, પ્રણય અને વિરહને કયાં અહી સ્થાન છે!
દોસ્તીના બંધન અને નીખાલસતાની તો વાત છે.
તીર હજી ક્ષિતિજે ક્યાં પહોચી શક્યું છે કોઇનું,
અહી લાગણીથી હ્રદયને સ્પર્શવાની તો વાત છે.
પરસ્પરની સમજણ અને સિધ્ધાંતને પાળ્યાં છે,
મધથી મિઠા સ્મરણોને વાગોળવાની તો વાત છે.
ટેવ, તેવર અને તમીજ ગમે તેવા હોય દોસ્તનાં,
વચનો વિના પણ જોડાઈ રહેવાની તો વાત છે.
લખે છે વાલુડો, હ્રદય રહેલા દોસ્ત ને દોસ્તી માટે,
અરે દુર રહીને પણ દોસ્તી નિભાવાની તો વાત છે.3
***