આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૨૦
ખાન સાહેબની ઓફિસમાં ગોઠવાયેલ મીટીંગમાં ઇન્સપેક્ટર નાયકે કોન્સટેબલ હીરાલાલને બબલુ મર્ડર કેસની ઇન્ફરમેશન શોર્ટમાં જણાવી.
હીરાલાલ હજુ કંઇ સમજે તે પહેલા ખાન સાહેબ બોલ્યા, "જુઓ હીરાલાલ, પિંટોએ બબલુના મર્ડર કેસ માટે મંજુલા, શબનમ, રીના, માહી અને અવન્તિકા નામની શકમંદ છોકરીઓના નામ આપ્યા છે. તે છોકરીઓની તપાસ માટે તમારે જે અનુરુપ ગેટઅપ યોગ્ય લાગે તે મુજબ પ્લાન બનાવાનો છે."
"પણ આમાં હું એકલો .."
હીરાલાલની વાત અટકાવીને ઇન્સપેક્ટર નાયકે કહ્યું, "આમાં તમે એકલા નથી. આખી ટીમ તમારી સાથે છે અને જરુર પડે સ્થાનિક પોલીસની મદદ પણ લઇ શકાશે."
"હીરો હીરાલાલ આ તપાસનું કામ ખાનગી અને અંધારામાં ટાર્ગેટ લઇને ગોળી મારવા જેવું છે." ખાન સાહેબે હીરાલાલ ને કહ્યુ.
"હા સાહેબ, પણ હું બનતી તમામ મહેનત કામે લગાડી ઇન્ફરમેશન ભેગી કરવાનો પ્રયત્ન કરીશ."
"મને અને ટીમને વિશ્વાસ છે કે તમે જે કંઇ કરશો તે પરફેકટ જ કરશો." ખાન સાહેબ હીરાલાલનો ઉત્સાહ વધારવા બોલ્યા.
હીરાલાલ ટીમ સાથે પ્લાન બનાવવા ચર્ચા કરવા લાગ્યા અને ખાન સાહેબના ફોન પર કોલ આવતા તે વાત કરતા કરતા ઓફિસ બહાર આવ્યા.
"હેલ્લો સર, મીડીયામાં એવા બ્રેકિંગ ન્યુઝ તૈયાર થઇ રહ્યા છે કે લાખાને પોલીસે ખોટી રીતે કેદમાં રાખ્યો છે." ગફુરે ઉતાવળા સ્વરે ખાન સાહેબને ઇન્ફરમેશન આપી.
"ઓહ્ ! એમ વાત છે. ગફુર એક કામ કર તું પેલા હાફ ટન અને ફુલ ટનને કોલ કરીને સાથે લઇને આપણી મીટીંગ પ્લેસ પર આવી જા, આપણે થોડીક ચર્ચા કરી લઇએ." ખાન સાહેબે ગફુરને કહ્યું.
ખાન સાહેબ ફોન પતાવી ફરી પાછા ઓફિસમાં પ્રવેશે છે. મીટીંગમાં હીરાલાલે તેમનો આઇડીયા ટીમની સામે મુકી ચર્ચા કરી લીધી હતી.
મીટીંગ પુરી થતાં ખાન સાહેબે હીરાલાલ ને કહ્યુ, "તમારા ખાનગી મિશનમાં મદદ કરવા હું તમને બે હેલ્પર આપુ છુ. તે તમને મદદ કરશે અને તમને પણ તેમની સાથે તપાસ કરવી સરળ બનશે."
"એટલે તમે સાહેબ પેલા મારા જુના જોગી મિત્રો હાફ ટન અને ફુલ ટનની વાત કરો છો." ઉત્સાહમાં આવી હીરાલાલ બોલ્યા.
"હા એ બે જણાં જ તમને તપાસમાં મદદ કરશે."
"તે બે સાથે મને કામ કરવાનો અનુભવ છે અને મને પણ તેમની સાથે ફાવશે."
"તો ચલો હીરાલાલ મારી સાથે, તમને હું પેલા બે જણાં સાથે વાત કરાવી તપાસની વાત સમજાવી દઉં."
ખાન સાહેબ અને હીરાલાલને લઇને તેમની પ્રાઇવેટ કારમાં તેમની ખાનગી મીટીંગ પ્લેસ પર જવા નીકળે છે. ખાનગી મીટીંગ પ્લેસ પર અગાઉથી જ ગફુર, હાફ ટન અને ફુલ ટન હાજર હતાં. હાફ ટન, ફુલ ટન હીરાલાલને ઘણા દિવસે મળીને ખુશ થઇ જાય છે.
ખાન સાહેબ તે ત્રણેયને સાથે રહીને તપાસ કરવાની વાત કરે છે અને હીરાલાલને કહે છે, "લો આ પૈસા અને કારની ચાવી. તમે ત્રણે કાર લઇને તમારો મનગમતો નાસ્તો લઇ આવો અને રસ્તામાં કેસની ચર્ચા પણ કરી લેજો."
નાસ્તાના બહાને ખાન સાહેબે તે ત્રણેયને બહાર મોકલ્યા પછી ગફુરને કહ્યુ, "બોલ ગફુર, મીડીયામાં શું વાત ચાલી રહી છે?"
"સર, વાત જાણે એમ છે કે, મીડીયામાં લાખાને પોલીસે ખોટી રીતે કેદમાં રાખ્યો છે તેની ચર્ચાઓ થઇ રહી છે અને તેના બ્રેકીંગ ન્યુઝ બનવાની વાત મળી છે."
"અરે! આ મીડીયાવાળા તપાસમાં અડચણો ઉભી કરી રહ્યા છે."
"હા પણ, તમારે કંઇક વિચારવું તો પડશે ને સર. નહિંતર કંઇક નવું મીડીયામાં ફરતું થઇ જશે.જે આગળ જતાં તમને નડશે."
"આપણે એવું મીડીયામાં લીક કરીએ કે લાખા પાસેથી ડફેર ગેંગની ચોરીના જુના કેસની ઘણી ઇન્ફરમેશન મળી છે."
"હા આવું કંઇક કરી શકીએ. ક્રાઇમ બ્રાંચે લાખા પાસેથી ડફેર ગેંગ ચોરીના જુના કેસની માહિતી મેળવવા મળી સફળતા, કેવી છે આ હેડલાઈન્સ."
"જોરદાર ગફુર પણ એ પહેલા લાખા પાસેથી આવી એકાદ ઇન્ફરમેશન તો બહાર કઢાવવી પડશે ને."
"હા એ વાત સાચી."
ખાન સાહેબે ઇન્સપેક્ટર મેવાડાને ક્રાઇમ બ્રાંચ ફોન કરી તાત્કાલિક લાખા પાસેથી ડફેર ગેંગની જુની કોઇપણ ઇન્ફરમેશન ગમે તે રીતે કઢાવવા કહ્યું.
ઇન્સપેકટર મેવાડાએ કહ્યુ, "હા સર, એક લુંટની અડધી ઇન્ફરમેશન લાખાએ મને જણાવી હતી પણ તમે બળજબરી કરવાની ના પાડતા વધુ ઇન્ફરમેશન મેળવી શકાઇ ન હતી."
"ઇન્સ્પેક્ટર એ જ ઇન્ફરમેશન તેની જોડે બહાર કઢાવો. તાત્કાલિક અને ગમે તે રીતે." ખાન સાહેબે ઉતાવળા સ્વરે કહ્યુ.
હાફ ટન, ફુલ ટન અને હીરાલાલ નાસ્તો લઇને આવી ગયા એટલે બધાએ સાથે મળીને વાતો કરતાં કરતાં નાસ્તો કર્યો.
હીરાલાલે ખાનસાહેબને કહ્યું, "મારે અને હાફ ટન, ફુલ ટન વચ્ચે તપાસ અંગેની વાત પણ થઇ ગઇ છે. અમે એકવાર પિંટોને મળીને તરત ખાનગી રીતે તપાસ શરુ કરી દઇશું."
ખાન સાહેબે પિંટોને ફોન કરીને ક્રાઇમ બ્રાંચ બોલાવ્યો. નાસ્તો કરીને હીરાલાલ, હાફ ટન અને ફુલ ટન પિંટોને મળવા ક્રાઇમ બ્રાંચ પહોંચે છે. ખાન સાહેબ અને ગફુર બ્રેકિંગ ન્યુઝ માટે વિચારવા અને ચર્ચા કરવા ત્યાંજ રોકાય છે.
ગફુર ખાન સાહેબને કહે છે, "સર, જયાં સુધી લાખા પાસેથી ઇન્ફર્મેશન મળે ત્યાં સુધી હું મીડીયાના મિત્રો સુધી થોડીવારમાં બ્રેકિંગ ન્યુઝ આપુ છુ કહી તેઓને હોલ્ડ પર રાખી દઉં."
"હા સાચી વાત. તું જલ્દીથી પહેલા એ કામ કરી લે નહિંતર તેઓ કંઇક નવું માર્કેટમાં મુકી દે શે."ખાન સાહેબ હસતા હસતા બોલ્યા.
ખાન સાહેબ રેગ્યુલર સિગરેટ પીતા નહોતા પણ ટેન્શનમાં તેઓ ચેઇન સ્મોકિંગ કરી લેતા તે ગફુરને ખબર હતી. ટેન્શનમાં ને ટેન્શનમાં ખાન સાહેબ વિચારો કરતા કરતા આમતેમ આંટાફેરા કરતા હતાં અને ઇન્સ્પેક્ટર મેવાડાના ફોનની રાહ જોતાં હતાં.
આમ ખાન સાહેબને ટેન્શનમાં જોઇ ગફુરે તેના પોકેટમાંથી સિગરેટનું પાકીટ કાઢી ખાન સાહેબની સામે ધર્યુ. ખાન સાહેબ તેમની ફેવરીટ બ્રાંડની સિગરેટ સામે જોઇ તરત મોઢામાં મુકી. જેવી ખાન સાહેબે સિગરેટ મોઢામાં મુકી તરત ગફુરે લાઇટર ચાલુ કરી સિગરેટ સળગાવવામાં હેલ્પ કરી.
સિગરેટનો એક કસ લઇ તરત ખાન સાહેબ બોલ્યા, "થેન્કસ ગફુર, તેં મારા ટેન્શનને હળવું કરવામાં હેલ્પ કરી. તને હજુ પણ મારી સિગરેટની બ્રાંડ ખબર છે."
ગફુરે ટેન્શનનું વાતાવરણ હળવું કરવા કહ્યુ, "હા સર, મને પણ તમારી જેમ ટેન્શનમાં સિગરેટ પીવાની ટેવ છે. હું રેગ્યુલર સિગરેટ નથી પીતો પણ સાથે હંમેશા રાખુ છુ. અગાઉ તમારી સાથે તપાસમાં ફરીને મને પણ તમારી જ સિગરેટ બ્રાંડ ફાવી ગઇ છે."
તે બંનેએ ઘણાં સમયે અંગત અને કેસ બહારની વાતો કરી ટેન્શન હળવું કર્યું. બંનેની વાતમાં ઇન્સપેક્ટર મેવાડાનો ફોન આવતાં વિક્ષેપ પડ્યો.
"હા બોલો ઇન્સપેક્ટર શું ઇન્ફરમેશન મળી છે? "
"સર, નેશનલ હાઇવે પર થોડા વર્ષ અગાઉ જે ટ્રક સાથે લોખંડનો માલ, ડ્રાઇવર અને કંડકટર ગાયબ થઇ ગયો હતો તે લુંટ ડફેર ગેંગ દ્રારા કરવામાં આવી હતી. લાખો પણ તે ગેંગમાં સામેલ હતો. તેની તપાસમાં ડ્રાઇવર, કંડકટર બેભાન અને ઘાયલ હાલતમાં મળી આવેલા પરંતુ લાપતા ટ્રકની હજુ પણ કોઇ ભાળ મળી નથી."
"ઓહ એમ વાત છે. પણ ઇન્ફરમેશન તો પાક્કી છે ને .તેની તપાસ કોની પાસે હતી અને તપાસનું સ્ટેટસ પણ સર્ચ કરી જણાવજો."
"હા સાહેબ, લાખાની સર્વિસ બરાબર કરી પછી આ ઇન્ફર્મેશન મળી છે. આ તપાસ રામપુરા પોલીસ સ્ટેશન કરી રહી હતી પણ ઘણી તપાસ પછી પણ કંઇ પુરાવા મળ્યા ન હતાં એટલે રેકોર્ડમાં તપાસ હજુ અધુરી જ બોલે છે."
"ઓકે. ચલો એ બહાને લાખાનો ઉપયોગ તો થયો અને લાખાને તમારો પરિચય પણ મળી ગયો." ખાન સાહેબ હસતા હસતા બોલ્યા.
ખાન સાહેબે ઇન્સપેક્ટર મેવાડાએ આપેલી માહિતી ગફુર સાથે ચર્ચા કરી અને મીડીયામાં આપવા માટે બ્રેકિંગ ન્યુઝ તૈયાર કરી લીધા.
પોલીસ કમીશ્નરને ખાન સાહેબે કોલ કરી લાખા પાસેથી મળેલી ઇન્ફરમેશનની જાણ કરી અને તાત્કાલિક આ ઇન્ફર્મેશન મીડીયામાં આપવાની પણ વાત કરી. પોલીસ કમિશ્નર સાહેબે તેમને જે પણ યોગ્ય લાગે તે કરવાની વાત કરી.
ખાન સાહેબે ક્રાઇમ બ્રાંચમાં ઇન્સપેક્ટર મેવાડાને ફોન કરીને પ્રેસ કોન્ફરન્સ ગોઠવવાનું કહ્યું અને તમામ મીડીયાકર્મીઓને પ્રેસ કોન્ફરન્સ માટે ઇમેલ અને કોલ કરવા કહ્યું.
ખાન સાહેબ ગફુરને પ્રેસ કોન્ફરન્સ પછી મીડીયામાં શરુ થનારી ગોસિપની ઇન્ફરમેશન પહોંચાડવાનું કહી ક્રાઇમ બ્રાંચ જવા નીકળ્યા.
ક્રાઇમ બ્રાંચ પહોંચી તેઓ ઇન્સપેક્ટર મેવાડા પાસેથી લાખાના રીમાન્ડનો બ્રીફ રીપોર્ટ મેળવે છે અને ટીમ સાથે ચર્ચા કરી મીડીયા કોન્ફરન્સમાં પહોંચે છે.
મીડીયાકર્મીઓ બ્રેકીંગ ન્યુઝની તૈયારીમાં જ આવ્યા હતાં. ગફુરે ખાન સાહેબના પ્લાન મુજબ તેના કેટલાંક મીડીયા મિત્રોને બ્રેકીંગ ન્યુઝ માટે હીંટ પણ આપી દીધી હતી. પ્રેસ કોન્ફરન્સ રુમમાં જાતજાતની વાતો ચાલી રહી હતી ત્યાંજ ખાન સાહેબની પ્રેસ કોન્ફરન્સમાં એન્ટ્રી થતાં શાંતિ છવાઇ ગઇ.
ખાન સાહેબે આવેલા તમામ પ્રિન્ટ અને ટીવી મીડીયાનું સ્વાગત કરતું ટુંકુ પ્રવચન કરી આજની પ્રેસ કોન્ફરન્સ વિશેની વાત શરુ કરી. તેમણે લાખા પાસેથી જે ઇન્ફરમેશન મળી તેની માહિતી મીડીયાકર્મીઓને આપતાં કહ્યુ કે, "આપ સૌને યાદ જ હશે, થોડા વર્ષ પહેલા નેશનલ હાઇવે પર રામપુરા પાસે એક ટ્રક ગાયબ થવાની ઘટના બની હતી."
હાજર મીડીયાકર્મીઓ એ હા કહ્યુ અને અંદરોઅંદર વાતોનો ગણગણાટ શરુ થઇ ગયો. ઇન્સપેક્ટર મેવાડાએ બધાને શાંત કર્યા અને ખાન સાહેબે વાત આગળ શરુ કરી, "એ ટ્રક લુંટની ઇન્ફરમેશન મળી છે, ટ્રકની લુંટ કોણે, કેવી રીતે અને કયાં કરી હતી તેની ઇન્ફરમેશન મળી છે. તમને બધાને આગળની માહિતી ઇન્સપેક્ટર મેવાડા આપશે."
ઇન્સપેક્ટર મેવાડાનું નામ કહી ખાન સાહેબ સાઇડમાં ખસી ગયા. ઇન્સપેકટર મેવાડાએ આગળની ઇન્ફર્મેશન આપવાનું શરુ કર્યુ. પ્રેસ કોન્ફરન્સના અંતમાં કેટલાંક મીડીયાકર્મીએ પ્રશ્ન કર્યો કે બબલુ મર્ડર કેસનું શું થયું, તેની તપાસ કયાં સુધી પહોંચી.
તે પ્રશ્નોના જવાબ આપવા ખાન સાહેબ ફરી આગળ આવ્યા અને બોલ્યા, "તેની તપાસ પણ ચાલુ જ છે, નકકર પુરાવા કે ઇન્ફર્મેશન મળશે તરત તમને જાણ કરવામાં આવશે. બબલુ મર્ડર કેસની તપાસમાં જ આ ટ્રક લુંટની ઇન્ફરમેશન મળી છે અને તેની આગળની તપાસ માટે રામપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી દેવામાં આવી છે, તો આપ સૌ ટ્રક લુંટની વધુ સનસની ખબર મેળવવા આવનાર દિવસોમાં રામપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરજો."
પ્રેસ કોન્ફરન્સ પુર્ણ થતાં ખાન સાહેબ મોબાઇલમાં મેસેજ વાંચી હસી રહ્યા હતાં મેસેજ ગફુરનો હતો અને તેણે મેસેજમાં લખ્યુ હતું કે, "વાહ માસ્ટર માઇન્ડ એમ એમ ખાન. મીડીયાને રામપુરા પહોંચાડવા માટે તમારો આઇડીયા કામે લાગી ગયો."
પ્રેસ કોન્ફરન્સ પુરી થતાં હીરાલાલ તેમના ફાઇનલ આઈડિયા વિશે ઇન્ફર્મ કરવા ખાન સાહેબ પાસે આવે છે.
પ્રકરણ ૨૦ પુર્ણ
પ્રકરણ ૨૧ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો