Adhinayak - 28 in Gujarati Fiction Stories by vanraj bokhiriya books and stories PDF | અધિનાયક (political thriller)(novel) દ્રશ્ય 28

Featured Books
Categories
Share

અધિનાયક (political thriller)(novel) દ્રશ્ય 28

દ્રશ્ય: - 28

- “આ તું શું બોલે છે માધવ? મમ્મી કે પપ્પા મારી પાસે ક્યારેય આટલી મોટી વાત ન સંતાડે..” અવનિ સ્તબ્ધ થઇ ગઇ, “..અને શા-માટે સંતાડે? ના! ના! હું આ નથી સ્વીકારતી!”

“માધવ! જો શ્રીમાન મહેતા સાથે પપ્પાને મિત્રતા હોય તો અમે એકબીજાને વર્ષોથી ન ઓળખતા હોત? દાદા કે મમ્મી અમારી સાથે આ વાત શા-માટે છુપાવે?”

“અવનિ મને લાગે છે કે તારા પ્રશ્નનો જવાબ તો તું તારી મમ્મી પાસેથી જ માંગી લે! પણ મને લાગે છે કે અત્યારે અધિવેશના સવાલનો જવાબ આપવો જરૂરી છે.” માધવે બન્નેને જવાબ આપ્યો, મોબાઇલમાં સમય જોઈને સાગરીકા તરફ જોયું, “અત્યારે કોણ આવશે?”

“આજે મોટાભાઇ રોકાવાના છે.” સાગરીકાએ જવાબ આપ્યો.

“ઓકે, તો મારે વાતો કરવામાં વાંધો નહીં આવે!” માધવ હસ્યો, જોકે તેણે અવનિને વિચારોમાં ખોવાયેલી જોઇ. માધવ તેણીની પાસે ગયો, નીચું જોઇને વિચારોમાં ખોવાયેલી રહી અવનિના માથે હાથ મુક્યો, “અવનિ! મારો ઇરાદો તને દુખી કરવાનો નથી, હજુ તો અનેક રહસ્યો ઉજાગર થવાના છે. મહેરબાની કરીને આમ હારી જઇશ તો કેમ ચાલશે? જે રીતે ડર્યા વગર વીસ-વીસ ગુંડાઓનો સામનો કરીને ધૂળ ચટાડી હતી એ રીતે જ તારે જીવનની દરેક લડાઇ જીતવાની છે.”

“માધવ એ વાત નથી, મમ્મી કે પપ્પાએ જો મારાથી સંતાડ્યું હશે તો એ મારા સારા માટે જ હશે અને મારા પુછવાથી મને સાચે-સાચુ જણાવી દેશે, પણ જે દિવસે નિત્યા સાથે આ બનવાનું હતું એ દિવસે મને આ ઘટના બનવાની છે એની જાણ કરી દેવામાં આવી હતી.” અવનિએ ધડાકો કર્યો, માધવ સહિત ત્રણેય સ્તબ્ધ થઈ ગયા, “એટલે જ હું ત્યાં સમયસર પહોંચી ગઇ હતી અને નિત્યાને એ રાક્ષસોથી બચાવી શકી, માધવ! મને તો હવે કાઇ સમજાતું નથી, અચાનક આ બધું શું થઇ રહ્યું છે.”

“કોણે તને કોલ કર્યો હતો?”

“એ તો મને ક્યાંથી ખબર હોય? કોઇ યુવકનો અવાજ હતો એટલી મને ખબર હતી. એ મને બહેન-બહેન કરતો હતો, એટલે જ મે તેની વાત વધારે સાંભળી, નહીંતર તો અજાણ્યો કોલ હું ક્યારેય ઊપાડું નહીં.” અવનિએ જવાબ વાળ્યો.

“એ નિત્યાને બચાવવા માંગતો હતો, પણ કદાચ વિક્કીને કારણે એ ચુપ રહ્યો હોય!”

“અવનિ! એ કોલ બાદ ફરીથી આવ્યો હતો? અનિતાકાકીએ કહ્યું કે એમને તારા નામે કોઇ કોલ આવ્યો હોય?”

“ના કોઇ કોલ આવ્યો નથી, કદાચ એ જાણતો હોય કે હું અહીં છું.”

“અધિવેશ, તું પહેલી યુવતિ રાધિકાની તમામ જાણકારી મેળવી લે, કાલે હું તારા ઘરે આવીશ. દાદાજી અને દેવિકાકાકી સાથે વાત કરીને યુવરાજભાઇને મળવા જઇશું, એ શું કહે છે એ તો જાણીએ અને તારાથી શક્ય હોય તો કોમી રમખાણો અંગે વધારે જાણવાનો પ્રયત્ન કરજે. બાકી તું પણ વધારે ચિંતા ન કરતો!” માધવે અધિવેશને પાસે જઇને આશ્વાસન આપ્યું. અધિ તો માધવને ફરીથી ભેટી ગયો.

“માધવ! હું તને મારાથી બનતી તમામ મદદ કરીશ. કારણકે મને તારી વાત સમજાઇ રહી છે. માત્ર એક કેસથી મોટાભાઇની સમસ્યા દુર નહિ થાય. આ માટે મારે જે કરી છુટવું પડે એ હું કરી છુટીશ!”

“આભાર, અધિવેશ, તારા વગર આ કોમી રમખાણોની જડ સુધી જવું એકલું મારા માટે અશક્ય છે.” માધવે આભાર માન્યો, બન્ને છુટા પડ્યા. સાગરીકા સામે જોઇને બોલ્યો, ”ચાલો! જઇએ?”

“ચાલો!” સાગરીકા હસી. માધવ ફરીથી અવનિ પાસે ગયો, માથે હાથ ફેરવીને હિમ્મત ન હારવાની સલાહ આપી. અવનિ બેઠા-બેઠા માધવને ભેટી રહી. માધવ-સાગા ચાલતાં થયાં, પણ અધિ ઊભો રહ્યો, “અધિયા... ચાલ!”

“સાગારીકા! હું અવનિ સાથે વાત કરી લઉં!” અધિ અવનિ જોઇને બોલ્યો. સાગા-માધવ એકબીજાને જોઇ રહ્યાં, “જો કોઇ વાંધો ન હોય તો?”

“કરોને વાતો, અમને શો વાંધો હોય?” માધવ હસતો બોલ્યો, બન્ને જતાં રહ્યાં. અધિવેશ અવનિ પાસે સ્ટુલ રાખીને બેસી ગયો.

“અવનિ, માધવે જે વાત કરી તે સાચી હશે?” અધિએ પૂછ્યું, અવનિ તેને જોઇ રહી.

“માધવ પર શંકા કરવાનો તને કોઇ હક્ક નથી, અધિવેશ, તું હજૂ માધવથી પરિચિત નથી.”

“કોઇને ઓળખવા માટે એક પળ પણ પુરતી હોય છે. જો આપણાં પરીવારને વર્ષોથી મજબૂત સંબંધ હોય તો આટલા વર્ષ એકબીજાથી દૂર રહેવાનું શું કારણ છે એ મને દેખાય રહ્યું નથી. કોઇ મોટો ઝઘડો થઇ ગયો હોય તો આપણને ખબર પડ્યાં વગર કેમ રહે? એક જ શહેરમાં રહેતા હોઈએ, સમાજીક મેળાવડામાં બન્ને પરીવારની હાજરી સતત હોય, છતાં બન્ને પરીવાર ક્યારેય મળ્યો જ ન હોય અથવા આ અબોલા વિશે ચર્ચા જ ન થઈ હોય એ શક્ય જ નથી.” અધિવેશ માધવે કરેલા ધડાકાનો તાળો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

“એ રીતે જોઇએ તો માધવે નદંના માણેક સાથેના મારા સંબંધનો જે ખુલાસો કર્યો એ પણ વિચારવા જેવો છે. જોકે કદાચ એવું બને કે નરૂભાના જગજાહેર સ્વભાવને કારણે પપ્પાને એ પસંદ ન હોય એટલે તેમણે સંબંધ કાપી નાખ્યો હોય.” અવનિએ પોતાને લગતો મુદ્દો ઉઠાવ્યો, અધિવેશ ચુપ રહ્યો, “એ તો હું મમ્મી પાસે જાણી લઇશ, મને લાગે છે કે આપણે બન્ને પરીવારને મળાવવા જોઇએ.”

“એ તો મને પણ લાગે જ છે, એ માટે મારી તારી મદદની જરૂર રહેશે.” અધિવેશે હાથ લંબાવ્યો, અવનિએ તરંત જ હાથમાં હાથ મુકી દિધો. બન્ને એકબીજા સામે જોઇ રહ્યાં. જોકે તે જ સમયે દરવાજો ખોલાયો અને અનિતાબહેન પ્રગટ થયા. સૌથી પહેલાં જ તેમની નજર અધિવેશ-અવનિએ પકડેલા હાથ પર ગઇ. દરવાજો ખોલવાનો અવાજ આવતા બન્નેએ જોયું અને અનિતાબહેનને જોતા અવનિના તો મોતીયા મરી ગયાં, અધિવેશે તો હાથ ઝટકો મારીને ખેચી લીધો અને ઊભો થઇને ઓરડોની બહાર નિકળી ગયો. જોકે જ્યાં સુધી અધિવેશ બહાર ન ગયો ત્યાં સુધી અનિતાબહેન તેને જોઇ રહ્યાં. અવનિ તો છાતીએ હાથ રાખીને બેસી રહી. અનિતાબહેને ફરીને અવનિ સામે જોયું, અવનિને પરસેવો વળવા લાગ્યો, અનિતાબહેન તેણીની પાસે આવી.

“કોણ હતો એ છોકરો અને મને જોઇને એવી રીતે ભાગ્યો જાણે કે મેં તમારી ચોરી પકડી લીધી હોય” અનિતાબહેન ખુબ હળવાશથી બોલ્યા, જોકે અવનિએ જવાબ ન આપ્યો, “અવુ! હું તને પુછી રહી છું, જવાબ તો આપ.”

“મમ્મી! એ અધિવેશ રાવળ છે, જેના પરીવાર સાથે આપણે ગાઢ સંબંધ હતા અને કોઇ કારણસર આપણે અત્યારે બોલવાનો પણ વ્યવહાર નથી. થોડા દિવસ પહેલાં અમારી મુલાકાંત થઇ અને હું હોસ્પીટલમાં છું એ જાણીને એ મને મળવા આવ્યો, એના મોટાભાઇ યુવરાજભાઇ ગૃહમંત્રી હત્યા કેસમાં પકડાયા હોવાથી સાગરીકાએ તેને માધવ સાથે અહીં જ મુલાકાત કરી આપી. બસ! તેમના ગયાં પછી અમે વાતો કરતાં એકબીજાનો હાથ પકડી લીધો ને તારા આવતા ડરી ગયાં એટલે એ ભાગી ગયો. રખેને તું કોઇ ખોટો અર્થ ન કરી લે!” અવનિ ફટાફટ બોલી ગઇ. અનિતાબહેન વિચારવા લાગ્યાં, “..અને બીજી એક વાત મને જાણવા મળી છે, કદાચ એ મારે જાણવા જેવી નહીં હોય એટલે જ તે અને પપ્પાએ મને અત્યાર સુધી ન કહી હોય.”

“મને મારી દિકરી પર ગળા સુધીનો વિશ્વાસ છે. આજે તમને બન્નેને મેળવીને ઈશ્વરે મારી વર્ષોની પ્રાર્થના સાંભળી લીધી!” ઇશ્વરને નમન કરતાં હોય તેન અનિતાબહેને હવામાં હાથ જોડ્યા. અવનિ પાસે જઇને અવનિના માથે હાથ મુક્યો, “બીજી કઇ વાત તને ખબર પડી?”

“એ જ કે નદંના માણેક મારા ફોઇ છે.” અવનિ અનિતાબહેનના ચહેરાના હાવભાવ જોવા માટે અટકી ગઇ, અનિતાબહેનના હાવભાવ બદલાયા. જોકે પછી વિચારોમાં ખોવાઇ ગયાં હોય તેમ નીચે જોઇ રહ્યા, “મમ્મી આટલી મોટી વાત તમે મારાથી કેમ છુપાવી? બીજી આવી કેટલી વાતો છે જેનાથી તમે મને અળગી રાખી છે? શાં-માટે?”

“આખરે તારી સામે હકિકત આવી જ ગઇ, અવનિ, મારે તો તને સઘળી વાતો કરવી છે, પણ ક્યારેક અમુક વાતો એવી હોય છે કે જેને કહેવા માટે ઉંમર કરતાં મનથી પરિપક્વ થવું જરૂરી હોય છે. અવનિ, અમે બન્નેએ તારો ગુનો કર્યો છે, પણ સાવ તેમાં અમારો ઇરાદો ખોટો જ ન હતો. તને તો ખ્યાલ છે કે તારા પપ્પા સૌનપુર છોડીને અમદાવાદ આવ્યા હતા. તારા નાના વાલચંદબાપાને ત્યાં નોકરી કરતા હતા. તેમનાથી અલગ થઇને પોતાનું સાહસ ‘અનંત ઓઇલ્સ’ શરૂ કર્યું, એ જ સમયગાળામાં નરૂભા કલ્યાણપુરથી અમદાવાદ આવ્યા, તારા પપ્પાના સંપર્કમાં આવતા તારા પપ્પાએ તેમને કંપની માં નોકરીએ રાખ્યા. પણ નરૂભા તો મહત્વાંકાંક્ષી હતા, રાવળ પરીવાર સાથેના આપણાં સંબેધનો એણે ખુબ લાભ લીધો. કેવિન બ્રોડે તેની સાથે મિત્રતા કરતા બન્ને અવળે રસ્તે ચડી ગયા. દારૂની હેરાફેરીથી લઇને ગેરકાદયેસર દાણચોરી સુધીના દરેક ખોટાં કામો કરવા લાગ્યા. અનંતે ઉદ્યોગનો વ્યાપ્ત વધાર્યો, અમારા લગ્ન થયા, પછી તારા દાદા-દાદીને અમદાવાદ બોલાવી લેવાયાં, સાથે નદંનાબહેન પણ આવ્યાં. નદંનાબહેન મને પહેલેથી જ વિચિત્ર લાગતાં, તેમની ચાલચલગત હમેંશા મને ન ગમતી, શોખ તો અમને પણ હતા. શણગાર કરવાના-તૈયાર થવાના, પણ નદંનાબહેન થોડા વધારે જ સ્વછંદી હતા. એક-બે વાર અનંતે નરૂભાને ઘરે બોલાવ્યા અને બન્નેની આંખો ક્યારે મળી ગઇ અમને તો ખબર જ ન પડી, પાછું કેવિન બ્રોડના સહકારને કારણે નરૂભા વધારે આગળ વધ્યા. અનંત નરૂભાને ઓળખી જતાં તેમને કંપનીમાથી હાંકી કાઢ્યા, ત્યાં સુધીમાં નદંનાએ નરૂભા સાથે તમામ હદ ઓળંગી નાખી હતી. બન્ને ભાગીને પરણી ગયાં ત્યારે અમને ખબર પડી, અંનત આ લગ્નને ક્યારેય સ્વીકારવાના નથી. પણ નદંના ગર્ભવતી હતી એટલે અમારે દેવરાજભાઇના કહેવાથી સામાજીકરીતે આ લગ્ન સ્વીકારવા પડ્યાં. ત્યારબાદ કોમી રમખાણોમાં નરૂભાએ કેવિન બ્રોડને ખુબ સાથ આપ્યો, પોતાનો કાઠિયાવાડી મોરચો ઊભો કરીને સળગતા ગુજરાતને પેટ્રોલ પુરૂ પાડ્યું. આટલું ઓછું હોય તેમ સત્તર-સત્તર વર્ષ દ્વારકામાં છુપાઇને રહ્યા, આજે એ જ પુરૂષોત્તમ રાવળના પક્ષના ધારાસભ્ય બની ગયા જેને એ સત્તર વર્ષ સુધી ભાંડ્યે રાખતા હતા. તેના દીકરા નકુળે તારી-નિત્યાની સાથે જે કર્યું ત્યાર પછી એમને બોલાવવાનો સવાલ જ નથી. અવનિ, હવે તું જ કહે! અમે કાંઇ ખોટું કર્યું? તું અહિં હોવા છતાં એ બન્નેમાંથી કોઇ આપણને મળવા આવ્યાં નથી, હવે અનંત એમને છોડશે નહીં.” અનિતાબહેને સઘળી વાત કરી.

“..અને દેવરાજકાકાના પરીવાર સાથેના સંબંધનું શું? તેઓએ તો કોઇ ગુનો કર્યો નથી છતાં આપણેં તેમને બોલાવતાં કેમ નથી?” અવનિએ તૈયાર કરી લાખેલો બીજો સવાલ કર્યો.

“આ માધવે તને બેઠા-બેઠા જ વકીલ બનાવી દિધી, નઇ?” અનિતાબહેન હસવા લાગ્યાં, જોકે પછી ગંભીર થઇને બોલ્યાં, “અમદાવાદ આવ્યાં પછી અનંતનો જો કોઇની સાથે લાંબો સંબંધ ટક્યો હોય તો એક હું અને બીજા દેવરાજભાઇ. હું કદાચ અનંતને પારખવામા ભુલ કરી શકું, પણ દેવરાજભાઇ તો જાણે બન્ને એક જ માઁના કુખે જનમ્યા હોય તેમ અંતનની નસ-નસથી વાકેફ હતા. એ જ રીતે માંરે દેવિકાબહેન સાથે પણ સગી બહેન જેવો સંબંધ હતો. દેવરાજભાઇને કોઇ બહેન ન હોવાથી મને બહેન કરી હતી. દર રક્ષાબંધને તેમના કે આપણાં ઘરે મોટી ઉજવણી થતી. તારૂ નામ પણ દેવરાજભાઇએ જ પાડ્યું. કોમીરમખાણોમાં આપણે દેવરાજભાઇની જ પડખે રહ્યા, અનંતે કોમીરમખાણોના અસરગ્રસ્તો માટે રાહત કેમ્પો ઊભા કરાવ્યા હતા. દેવરાજભાઇ નખશીખ નિર્દોષ હતા. કોમીરમખાણો તેમને ઇશારે થયાના પુરાવા ઉભા કરાવી દેવાયા હતાં, ઇફ્તિખાર જાફરીએ બધા આરોપો પોતાની માથે લઇ લીધા. દેવરાજભાઇને સતત જીવનું જોખમ રહેતું. આ દરમ્યાન અનંત અને દેવરાજભાઇ વચ્ચે કોઇ વાતે મતભેદ થઇ ગયો. પણ તારા પપ્પાને દેવરાજભાઇ પ્રત્યે એટલો લગાવ કે દેવરાજભાઇને જ્યાં સુધી ન મનાવે ત્યાં સુધી તેમને શાંતિ ન મળે. મને આજે પણ યાદ છે કે અનંતે દેવરાજભાઇને કોલ કર્યો અને રવિવારે મળવાનું નક્કી કર્યું, રવિવારની તો અનંત કાગડોળે વાટ જોઇ રહ્યા હતા. તેમણે કેટલીય ભેટો તૈયાર રાખી હતી. આખરે એ દિવસ આવી ગયો. દેવરાજભાઇએ અનંતને કહ્યું કે એ વડોદરા જઇને કોઇ મોટો ધડાકો કરવાના છે અને એમની પાસે કોમીરમખાણોની સારી એવી સાબિતી હાથ લાગી છે અને આ માટે તારાં પપ્પા તેમની સાથે રહેશે તો માનવતાના દુશ્મનોને ખુલ્લા પાડી શકશે. દેવરાજભાઇ લગભગ બપોરે બાર વાગ્યે વડોદરા પહોંચાવાના હતા. હું અને અનંત તને લઇને વડોદરા જવા સવારે નવ વાગ્યે ઘરેથી નિકળ્યાં. દેવિકાબહેન અને દિવ્યરાજકાકા તો વડોદરા પહેલેથી પહોંચી ગયાં હતાં, પણ આપણે આણંદથી થોડે જ દુર હતા અને અનંતને એક અગત્યની બેઠકનો સંદેશ મળ્યો. એટલે અનંતે કહ્યું કે એ બેઠક પુરી કરીને આવે છે અને હું તારી સાથે વડોદરા પહોંચી, આપણે હોટેલમાં રોકાયાં, અનંત આવે પછી દેવરાજભાઇને મળવા જવાનું નક્કી થયું હતું, પણ બેઠક પુરી કરીને અનંત વડોદરા આવે તે પહેલાં જ દેવરાજભાઇની કારમાં બ્લાસ્ટ થતાં દેવરાજભાઇની મૃત્યુના સમાચાર વહેતા થયા, શહેરમાં અંધાધુધી ફેલાય ગઇ. આપણે તાબડતોડ અમદાવાદ આવવું પડ્યું ત્યાં આવ્યાં ત્યારે ખબર પડી કે અનંતને આઘાત લાગતા તેઓ સિવીલમાં દાખલ થયા છે. દેવરાજભાઈના મૃત્યુનો આઘાત સહી ન શકતા નાનકડું હાર્ટ એટેક આવી ગયું. થોડા મહિનાઓ તો અનંતની સારવારમા જ ગયા. દેવિકાબહેનને ક્યાં મોઢે મળવા જઇએ? આપણે જ દેવરાજની રક્ષા કરવાના બણગાં હાક્યાં હતાં અને આપણે જ એમને ન બચાવી શક્યાં. એવી અનંતની દલિલ રહી છે.” બોલતા-બોલતા અનિતાબહેનની આંખો ભીની થઇ રહી. અવનિ એ જોઇ રહી.

“પછી તમે એકવાર પણ દેવિકાકાકીને મળવા ન ગયાં?” અવનિએ પૂછ્યું.

“ક્યાં મોઢે જઇએ? અવનિ! અનંત હમેંશા પોતાની જાતને દેવરાજભાઇના ગુનેગાર સમજી રહ્યાં.” અનિતાબહેને આસુ લુછ્યા, “ચાલ! હવે તું આરામ કર! કાલ સવારે તને છુટ્ટી કરી દેશે.” અનિતાબહેન દિકરી પાસે જઇને કપાળ ચુંમ્યું. પછી બહાર ગયા.

“ખબર નહીં કેમ પણ મને આ વાત ગળે ઊતરતી નથી, પપ્પા કેમ દેવિકાકાકીને મળતા નહીં હોય એ મને સમજાતું નથી,” અવનિના મનમાં ગડમથલ શરૂ થઇ ગઇ.

***

- “ડોક્ટર! ડોક્ટર!” નર્સ દોડતી-દોડતી ડોક્ટરોની કેબીનમાં આવી ગઈ. ડોક્ટર નકુળના પેપર તપાસી કરી રહ્યાં હતા, નર્સ દરવાજો ખખડાવ્યા વગર જ અંદર આવી ગઇ, “ડોક્ટર! ઇમર્જેન્સી વોર્ડના દર્દી નં. 7696ની હાલત ખરાબ છે, જલ્દી ચાલો.”

“શું? નકુળ માણેકની હાલત ખરાબ છે? જલ્દી ચાલો!” ડોક્ટર તરંત જ ઊભા થઇ અને દોડતા થયા, “મને શંકા હતી જ! ચાલો! ચાલો! જો નકુળને કશું થઇ ગયું તો નરૂભા આપણને ક્યાયના રહેવા દે.” લોબીમાં જ બીજા બે ડોક્ટરો સાથે જોડાયા. ડોક્ટરો અને તેની ટીમ દોડતી ત્રીજા માળ પહોંચી ગઇ. ત્યાં અગાઉથી જ નકુળની સારવાર માટે નર્સ તૈનાત હતી, નકુળ હાંફી રહ્યો હતો, મુખ્ય ડોક્ટરે આવીને જોયું કે નકુળ છેલ્લા શ્વાસ પર છે. ડોક્ટરોએ જરુરી સારવાર શરૂ કરી, પણ અચાનક મુખ્ય ડોક્ટરે જોયું કે નકુળના ગળામાં કોઇ નિશાન ઉપસેલા હતા, “અરે મારા ભગવાન!”

ડોક્ટરોએ નકુળને બચાવવાની ખુબ પ્રયત્ન કર્યો, પણ અંતે નકુળે દમ તોડ્યો, ડોક્ટર-નર્સ સ્તબ્ધ થઇ ગયાં. નિત્યા જીઆઈડીસી કેસ હવે જીઆઈડીસી હત્યા કેસમાં ફેરવાયો.

***

- “સ્વામીજી! તમારી નુતન ધર્મસભા તો લાંબી ચાલી! માન્યું કે આ ત્રણ નબીરાઓને કારણે અત્યારે અભિનવને તમારૂ સમર્થન આપવું લોકોમાં રોષ લાવનારુ રહેશે, પણ આમને આમ ક્યાં સુધી ઢીલ કર્યાં કરવી?” સ્વામી સત્યાનંદના ધ્યાનગૃહ મુખ્યમંત્રી રાવળનો કાફલો આવી પહોંચ્યો, મુખ્યમંત્રી રાવળ ફરીયાદ કરવા લાગ્યાં, ગૌરાંગી હતી નહીં, મુખ્યમંત્રી સાથે અભિનવ- અંકલ બ્રોડ હતાં. સ્વામી સત્યાનંદ ધ્યાનમાં આંખો બંધ કરીને બેઠા હતાં.

“પુરૂષોત્તમ! એટલે જ મેં ગૌરાંગી પાસે કહેડાવ્યું હતું કે કોઇપણ પગલું લેતાં પહેલાં ગ્રહોની ચાલ જોઇ લેવી સારી! તારા ગ્રહો અત્યારે ખરાબ ચાલ ચાલી રહ્યા છે, તું કોઇપણ પગલું ભરીશ તોપણ થાશે ઉલટું જ! મને તો ત્યાં સુધી લાગી રહ્યું છે કે તારો કોઇ વિકલાંગ સાથી તારા માટે મુશ્કેલી લાવી રહ્યો છે માટે તો...” સ્વામીએ આંખો ખોલ્યા વગર જ જવાબ આપ્યો.

“સ્વામીજી! ડરાવવા માટે આ રસ્તો સારો છે, ગ્રહોની દશા ખરાબ છે.”અભિનવ સ્વામીની નકલ કરતો બોલ્યો, “જ્યારે તમારા લક્ષણ ખરાબ હોયને ત્યારે કોઇ ગ્રહની સારી દશા પણ તમને બચાવી શક્તી નથી. આ બધા બ્હાના છે, તમને તમારી જ પડી છે, તમારા કહેવાતા ભક્તો તમારાથી દુર થઇ જાય તો તમારી તો દુકાન જ બધ થઇ જાય!”

“અભિનવ જીભડી સંભાળીને વાત કર!” સ્વામી ઊભા થઇ ગયાં, આંખો ક્રોધાયમાન થઇ ગઈ.

“તેમાં ખોટુ શું કહ્યું? સ્વામીજી! તમારી આંખો બીજા કોઇને બતાવજો અને સાથે ભુલતા નહીં કે તમારી આ દુકાન અમારી મહેરબાની પર ચાલે છે. તમારા આ આશ્રમનો પ્રાગટ્ય મહોત્સવ અમારા કારણે સફળ થયો, તમારા બીજા ધંધા અમારી મહેરબાનીથી ચાલે છે, પ્રસાદીના ધધાની હકિકત મિડીયા વાળાને ખબર પડી ગઇ તો શું થાશે એ તો તમે જાણો છો, સ્વામીજી!” અભિનવે સ્વામીજીનું નાક દબાવ્યું. સ્વામી સત્યાનંદ તો જોઇ જ રહ્યાં, મુખ્યમંત્રી સાહેબ તરફ જોયું તો મુખ્યમંત્રી સાહેબ આંખો બંધ કરીને અભિનવને મુક સંમતિ આપી રહ્યા હતા.

“પુરૂષોત્તમ! આ હું શું જોઇ રહ્યો છું? તારો દિકરો વાણીવિલાસ કરી રહ્યો છે અને તું ચુપચાપ ઊભો છે? આવા સંસ્કાર આપ્યા છે તે તારા દીકરાઓ?”

“તેમાં ખોટું તો શું બોલ્યો અભિનવ? સ્વામીજી! અભિનવના કહેવાનો અર્થ તમે ખોટો કાઢ્યો છે, બાકી અભિનવના કહેવાનો અર્થ સ્પષ્ટ છે. જો તમે અમારે કામ ન આવી શકો તો તમે શું કામના?” મુખ્યમંત્રી રાવળે સ્પષ્ટ કર્યું, “સ્વામી સત્યાનંદ! રખેને એમ ન માનતા કે અમે તમારા પર નિર્ભર છીએ, ભલે અત્યારે લોકોના મનમાં અમારા પ્રત્યે અણગમો ઊભો થઇ રહ્યો છે, પણ મામલો શાંત થશે એટલે અભિનવને હું ખુદ મારો ઉતરાધિકારી ઘોષિત કરી દઇશ! અમારે તમારી નુતન ધર્મસભાના તુતની કોઇ જરૂર નથી, આ તો આપણો સંબંધ તુટે નહીં એ માટે અમે તમારી મદદે આવ્યા હતા. અમારી ધીરજને અમારી નબળાઇ ન સમજો. અમારો લાભ ન લો.”

“અરે! મુખ્યમંત્રીસાહેબ! કેવી વાત કરો છો તમે? તમે તો મારા આકા છો, ભલા મારી મજાલ કે હું તમારો લાભ લઉ? અભિનવ તો મારા દીકરા જેવો છે, એનું મને થોડૂં દુખ લાગવાનું કે? પણ સમ્માન જેવું કાંઇ હોય કે નહીં? બોલવામાં થોડું ધ્યાન રાખવું જોઇએને? આવનારા સમયના મુખ્યમંત્રી જો બનવાના છે તો આવી ભાષા ન ચાલેને જાહેરમાં?” સ્વામીજી નરમ પડ્યા, મુખ્યમંત્રી સાહેબ અંકલ સામે જોઇને મરક-મરક સ્મિત કરવા લાગ્યા.

“મારી ચિંતા કરવા કરતાં તમારી ચિંતા કરો, સ્વામીજી! હવે બોલો કે ક્યારે આ નુતન ધર્મસભાનું નાટક આટોપીને મને તમારો અધિનાયક ઘોષિત કરશો?” અભિનવે એ જ વલણમાં પૂછ્યુ.

“આજે મંગળવાર છે તો આ ગુરુવારે તમને આ નુતન ધર્મસભાની પુર્ણાહુતિમાં તમને તમામ ધાર્મિક નેતાઓનું સમર્થન મળી જશે!” સ્વામી સત્યાનંદ ત્રણેયને સંતોષ થાય એવો જવાબ આપ્યો, ત્રણેય એકબીજા સામે જોઇ રહ્યાં. સ્વામીજીને લાગ્યું કે ત્રણેય ખુશ નથી, “શું થયું સાહેબ! મારી દરખાસ્ત ન ગમી?”

“સ્વામીજી, આ દરખાસ્ત ગમી છે કે નહીં એ તો સમય આવ્યે ખબર પડી જશે, અત્યારે તો અમને રજા આપો.” મુખ્યમંત્રી રાવળ જાણે રહસ્ય રાખવા ઇચ્છતાં હોય તેમ બોલ્યા. સ્વામીજી સમજી ન શક્યાં કે ખુશ થવું કે ચિંતીત? સ્વામીને અસમજંશ ભાવમાં રાખતાં ત્રણેય ચાલતા થયાં.

“આખરે આ લોકોએ તેની ઓકાંત બતાવી દિધી, સત્યાનંદ! આને કહેવાય વિનાશકાળે વિપરીત બુદ્ધી! આ લોકો મારા વિશે વિચારે એ પહેલાં મારે મારો વિચાર કરવો રહ્યો, જો મારી અસલિયત સામે આવી તો આ લોકો મને જીવતો નહીં છોડે! સત્યાનંદ! વિચાર! કંઇક વિચાર!” સત્યાનંદને પોતાની ચિંતા થવા લાગી.

***

- “હા પિન્ટુ, હું ઓફિસે આવી જ રહી છું, અહીં ટ્રાફિક જામ છે, દસ-પંદર મિનિટમાં આવું.” ટ્રાફિક પોઇન્ટ પર અટવાયેલી સાગરીકાને પિન્ટુકુમારના વારવાંર કોલ આવી રહ્યા હતા, સાગા જવાબ આપતી થાકી ગઇ, આરટીઓ સર્કલ અમદાવાદ-પાટણ હાઈવે આજે વધારે ટ્રાફિક હતી, પુલીસ ચેકિંગ ચાલી રહ્યું હતું. તડકો હોવાને કારણે સાગાએ ચહેરા પર સ્કાર્ફ વિટાળેલ હતું, ઉપરથી ગોગલ્સ પહેરેલાં, ચેકિંગથી થોડી જ દુર હતી, જેના કારણે ચેકિંગ નીહાળતી હતી, પુલીસ એક ટ્રક ડ્રાઈવર સાથે રકઝક કરી રહી હતી, સાગરીકાને આમ તો કોઇ રસ ન હતો, પણ, જે ટ્રકનું ચેકિંગ થઇ રહ્યું હતું તેના કન્ટેનર પર સાગરીકાનું ધ્યાન ગયુ, જ્યાં ઓમ સત્ય આશ્રમ લખ્યું હતું. “અરે! આ તો સ્વામી સત્યાનંદના આશ્રમે લઇ જવાતું કન્ટેઈનર છે!” સાગરીકા બોલી ઉઠી, પુલીસને ડ્રાઈવર અને મદદનીશ સમજાવી રહ્યા હતા, ટ્રકને રસ્તાની બાજુમાં મુકાવ્યો, અન્યને જવા દેવામાં આવ્યાં, પણ સાગરીકા ત્યાં રોકાઇ, અલબત્,એ લોકોને ખ્યાલ ન આવે તે રીતે જ ટ્રકથી થોડે દુર ઉભી રહી, ઇન્સપેક્ટર સાહેબને ઉપરથી મોબાઇલ પર કડક નિર્દશ આવવા લાગ્યા, પીઆઈ સાહેબ વાત કરતાં પોતાની નોકરીનું વિચારી રહ્યા હોય તેમ તેમને ચહેરે પરસેવો વળી રહ્યો હતો, કોલ કરતાં પહેલાં સાહેબ પાસે આજીજી કરતો એ ડ્રાઈવર સાહેબનો કોલ કાપ થતાં જ રૌફ જમાવવા લાગ્યો. કદાચ એમ પણ કહેતો હોય કે સ્વામી સત્યાનંદની ગાડી રોકવાની તારી હિમ્મત જ કેમ થઇ? ખબર નથી? સ્વામીજીને તો મુખ્યમંત્રી પણ પગે લાગે છે, તારી શી ઓકાંત? સાગા એ જોઇને ખ્યાલી પુલાવ પકવી રહી હતી, જોકે, કાન ફાડતા હોર્ન સંભળતા તેણીના ખ્યાલી પુલાવ કાચા રહી ગયાં. સાગા જોઇ રહી કે એ ટ્રક વાળાઓ પર કોઇ કાર્યવાહી કર્યા વગર પીઆઈ સાહેબને તેમને જવા દેવા પડ્યાં. હશે સત્તા આગળ શાણપણ થોડું કરાય? સાગાએ જ્યુપીટર શરૂ કર્યું, થોડી જ આગળ ગઇ હશે કે તેની આંખોમાં કોઇ ચમક આડે આવવા લાગી, મોપેડ રોકીને ઉભી રહી, ધ્યાનથી જોયું તો રસ્તામાં કોઇ વસ્તુ પર પ્રકાશ પરાવર્તિત થઇને તેની આંખો પર આવી રહ્યો હતો, સાગા મોપેડથી ઉતરીને એ વસ્તુ જોઇ તો કોઇ પ્લાસ્ટીકની નાનકડું પડીકૂ રસ્તે પડી ગયું હતું, એ પડીકુ ત્યાં જ પડ્યું હતું જ્યા ટ્રક રખાયો હતો, સાગાને લાગ્યું કે એ પ્રસાદી જ હોવી જોઇએ, કારણકે દુરથી એ પડીકીમાં સફેદ રંગનો પાવડર દેખાય રહ્યો હતો, સાગા નજીક જઇને એ પડીકી હાથમાં લીધી, વજનમાં થોડી હળવી લાગી. સાગાએ પડીકી ખોલી, એ પાવડર હાથમાં લઇને સુઘ્યો, કંઇક વિચિત્ર જ સ્વાદ આવ્યો, “સાગરભાઇ પાસે જઇને આની ખબર કઢાવું!” સાગાએ એ પડીકી પેન્ટના ખિસ્સામાં લઇને જ્યુપીટરમાં બેસી ગઇ. જ્યુપીટર ચાલતું કર્યુ.

- vanraj bokhiriya