Rahashy - 10 in Gujarati Travel stories by Alpesh Barot books and stories PDF | રહસ્ય:૧૦

Featured Books
Categories
Share

રહસ્ય:૧૦

આજથી પહેલા વનવાસીઓએ આવી યુદ્ધ જેવી પરિસ્થિતિ અનુભવી નોહતી, પણ પ્રકૃતિ વચ્ચે રહી, શિકારી પ્રાણી સામે પોતાનું રક્ષણ માટે તેઓએ ધનુષવિદ્યામાં નિપુણતા મેળવી હતી.

તેઓનો નીશાન ચોક્કસ હતું.

તે સિવાય તેઓ મોટા પ્રાણીઓના શિકાર કરવા માટે જાળમાં ફસાવા ફંદાઓ બિછાવી જાણતા હતા.

ચાંચિયાઓ પાસે હથિયારો વધુ હતા.

તેથી રાજદીપે મુખ્યાને આ રીતે ઠેર ઠેર જાળ બિછાવા માટે સમજાવાનો પ્રયત્ન કર્યો.

જ્યારે મુસીબત આવે છે, ત્યારે લડવા માટે કોઈ ભાષાની જરૂર નથી હોતી. વનવાસીઓ ઠેરઠેર જાળ બિછાવવા માટે તૈયાર થયા.

રાજદીપ કવર ફાયરિંગ કરતો હતો.

ચાંચિયાઓ જંગલની અંદર આવી ચુક્યા હતા. રાજદીપે ઇરાદા પૂર્વક ફાયરિંગ રોકી દીધું હતું. તેના જવાબમાં ચાંચિયાઓએ પણ તેવું જ કર્યું. વાતાવરણમાં નિરવ શાંતિ પ્રસરી વરી હતી જે યુદ્ધ પહેલાની શાંતિ હતી.

ચાંચિયાઓએ ફરીથી બૉમ્બ ફેંકવાના શરૂ કરી દીધા હતા.

આટલી સુંદર જગ્યાને કોઈ મનુષ્ય જ બગાડી શકે...

ચારે તરફ આગની જ્વાળાઓ ભડકી રહી હતી.

અજય જે અમુક દિવસો પહેલા આ જગ્યા જોવા માટે ગર્વ લઈ રહ્યો હતો, જાણે અજાણે આ પૃથ્વી પર નો સ્વર્ગ તેના જ કારણે એક નર્ક બની રહી જશે તેવું તેને લાગવા લાગ્યું,

જો આ યુદ્ધ વધારે કલાક ચાલ્યું...

વનવાસીઓની ચપળતાના કારણે બધા ચાંચિયાઓ ચારે તરફથી ઘેરાઈ ચુક્યા હતા.

એક પછી એક ચાંચિયાઓને વનવાસીઓ તીરથી વીંધી રહ્યો હતો. ચાંચિયાઓ જે દિશાથી તીર આવતા હતા તે દિશામાં ગોળીબાર કરતા હતા. જે રીતે વનવાસીઓ છુપાઈ ને તીરંદાજી ની કળા બતાવી તે અદ્દભૂત હતી.

પચીસ... વીસ... એ ક્યારે એક થઇ ગયો ખબર જ ન રહી.

"રાજદીપ...... આમ છુપાઈને વાર ન કર...હિમત હોય તો બહાર નીકળ... થઈ જાય બે-બે હાથ..."

રાજદીપ પણ ફિલ્મી ઢબે આગળ આવે છે પણ અહીં કોઈ ફિલ્મ નોહતી ચાલતી.

"શુ વિચારે છે. રાજદીપ બંદૂક સાઈડમાં મુક... અને મારી સાથે ફાઈટ કર...."

"હા હા... ના તો હું કોઈ હીરો છું. ના આ કોઈ ફિલ્મનું કલાઈમેક્સ..." કહેતા જ તેણે છેલ્લા વધેલા ચાંચિયાને માથા પર ગોળી મારી વિંધી નાખ્યો...

***

પૃથ્વી પર ડાઈનોસોર રહેતા તે સમય ગાળાને જુરાસિક યુગ કહેવતો. ઉપર ઉડતા પ્ટેરોસોરોસ ડાઈનોસોરને જોઈને એવું લાગ્યું હતું. જાણે હું ફરી તેજ સમયમાં પાછો આવી ગયો છું.અજય અને વનવાસીઓ ગુફાની બહાર આવતા તેની નઝરે એક અદ્ભૂત નઝરો તેણે જોયો, હજારો ફિટ ઉંચા પહાડ પરથી પડતો, ફોગ વોટરફોલ મેં જીવનમાં પહેલી વખત જોયો હતો. કપાસથી પણ કોમળ ફોગ નદીની જેમ વહી રહ્યો હતો.અમારે તેના વહાવ સાથે જવાનું હતું. ફોગની આ નદી માત્ર જોવામાં સુંદર લાગે.... જ્યારે તેના હાડ ગાળી દે તેવા ઠંડા પાણીમાં જ્યારે સર્વાઇવ કરવાનું આવે ત્યારે તેની સુંદરતા ની ખબર પડે. મેં સાંભળ્યું છે તે પ્રમાણે સુંદર વસ્તુઓ હંમેશા સ્વાસ્થ્ય માટે એટલી જ સુંદર નથી હોતી.

આજ સુધી સાંભળ્યું હતું ને આજે તેનો અનુભવ પણ થઈ ગયો.

ફોગના ગોટેગોટા નદીની જેમ વહી રહ્યા હતા.

વનવાસીઓએ નાવને તેમાં ગોઠવી… પાણી ખૂબ જ ઠડું હતું.

વનવાસીઓએ મને ઉકાળો આપ્યો.... જેનાથી શરીરમાં ગરમીનો સંચાર થયો.

લોકો બર્ફીલા પ્રદેશમાં ડ્રીંક કરતા હશે ત્યારે તેને પણ આવો જ અનુભવ થતો હશે?

નાવમાં બેઠા-બેઠા એવું લાગતું હતું જાણે અંધારામાં હેડલાઇટ વગરની ગાડી ચલાવતા હોઈએ!

ક્યાં જવું છે? કેટલું જવું છે?

વચ્ચે કોઈ જ માઇલસ્ટોન નોહતો.

સફર બોરિંગ છે કે નહીં એ હું નથી કહેતો પણ સફર રોમાંચક જરૂર છે એ હું ભલીભાતિ જાણું છું.

આવી કોઈ નદીમાં પ્રવાસ કરવાવાળો હું પહેલો માનવ હોઈશ?

પ્રશ્નાર્થ ચિહ્નન એટલે મૂક્યું કેમ કે મારી સાથે જે ચાર વનવાસીઓ છે તે શુ માનવ નથી?

અજય ફરીથી વિચારોમાં ડૂબી ગયો. સફરની શરૂઆતમાં અમે કેટલા ખોટા હતા.

આ ટાપુ વિશે કેટલીક ખોટી માહિતી મળી..

અહીં તો કોઈ ભૂત પ્રેત નથી..

શુ આગળ જતાં મને ભૂત પ્રેતનો સામનો કરવો પડશે?

મનુષ્ય જે વસ્તુ સમજી નથી શકતો જે તેની સમજની બહાર હોય તેને તે જાદુ, ભૂત-પ્રેત જેવું નામ આપી દેતા હશે?

આ જગ્યા વિચિત્ર છે. અહીં ઘણી બધી વિવિધતાઓ છે

પણ અહીં કોઈ ભૂત નથી.

એટલે જ કાદચ તેનું નામ ભૂત આપી દીધું. ભૂતનો બીજો અર્થ એ પણ થાય ભૂતકાળ... શુ આ ભૂતનો અર્થ પણ ભૂતકાળ - અતિત એવો જ થતો હોવો જોઈએ....

ડાઈનોસોર... અહીંની વનસ્પતિઓ આ જગ્યા બધું અતિત તો છે.

નાવ નો નીચેનો ભાગ ખડકો સાથે અથડાઈ રહ્યો હતો.

એટલે હું ધ્યાનમુદ્રાથી બહાર આવ્યો.

વનવાસીઓએ આગળ પગે ચાલવા માટે ઈશારો કર્યો.… ફોગની આ નદીમાં અમે થોડા અંતર સુધી ચાલ્યા.

આગળ કોઈ જંગલ નોહતું... મોટા મોટા કાળા પથ્થરનો પહાડી વિસ્તાર હતો. ફોગની નદી પણ ત્યાં જ જતી હતી. નદી અને સમુદ્રના મિલનના સંગીતનો અવાજ દૂર દૂર સુધી સંભળાતો હતો.

ફક્ત સંભળાતો હતો. પૂર્વનો એ ભાગ વાદળોથી ઢંકાયેલો હતો.

જાણે વાદળોની ફેકટરી હોય, મને એવું લાગ્યું જાણે દુનિયાના તમામ વાદળો અહીંથી જ બનીને જતા હશે...

મેડ ઇન શિવમ આઇલેન્ડ...

સામે તરફ ટેકરી પર સક્રિય જવાળામુખી પણ જોઈ શકતો હતો.

જેનો લાવારસ પર્વતની એક તરફથી સમુદ્રને જ મળતો હતો.

કેટલો વિચિત્ર પણ અધભૂત નજારો હતો.એક તરફ ફોગની નદી, બીજી તરફ લાવા...

સમુદ્રમાં લાલ કલરનું લાવા ભળતા, સફેદ કલરના વાદળોની એક લેંર નીકળતી હતી.

ફોગની નદી,અને લવાથી આખા વિસ્તારમાંમાં મોટા મોટા વાદળોનું સર્જન થતું હતું.

તેની વિરુદ્ધ દિશામાં કાળા રંગના ઉંચા ઉંચા પહાડો હતા.

વનવાસીઓ ફરીથી બે મારી આગળ અને બે મારી પાછળ ગોઠવાઈ ગયા.

જાણે હું કોઈ રાષ્ટ્રપતિ હોઉં, અને આ લોકો મારા પર્સનલ બોડીગાર્ડ.. એવી ફીલિંગ મને આવતી હતી.

ચાલતા ચાલતા અમે લોકો મોટા પર્વતની તળેટીમાં આવી ગયા હતા.

આ લોકો અહીં ઊભા રહીને શુ કરવાના છે એ હું જોઈ રહ્યો હતો.

તેના હાથમાં રહેલા ભાલાથી તેમણે પહાડની અંદર નાનકડી જગ્યામાં ભાલાને મુકતા ત્યાંનો તે ભાગ દરવાજાની જેમ ખુલ્લો થયો! જાણે અલીબાબાની ગુફા હોય તેમ તે પહાડમાંથી દરવાજો ખુલ્લો થયો. અમેં પાંચે જણા અંદર જતા ફરીથી દરવાજો આપમેળે જ બંધ થઈ ગયો.

હુ બસ જોતો જ રહી ગયો.

જે હું જોઈ રહ્યો હતો તે શું ખરેખર સંભવ છે ખરી કે પછી કોઈ સપનું?

પહાડની આ તરફ રણ હતું.

જ્યાં સુધી દેખાય ત્યાં સુધી રણ...

રણ અને પહાડનો ધરાવતો આ વિસ્તાર હતો. થોડા થોડા અંતરે થોર અને કાંટા જોવા મળતા હતા. કોઈ કોઈ જગ્યાએ એક ફિટ મોટો વીંછી પણ નઝરે ચડતો હતો. તેને જોઈને મારા શરીરમાં કમકમાટી ફરી વળતી. શરીરના બધા રૂંવાડા ઉભા થઇ ગયા હતા.

ચારે વનવાસીઓ ઉભા ઉભા જોરજોરથી કઈ બોલી રહ્યા હતા. જોરજોર ભાલાઓને જમીનમાં પછાડી રહ્યા હતા.

હું ફક્ત તેઓને જોઈ રહ્યો હતો આ લોકો વળી શુ નવું કરી રહ્યા છે?

દૂરથી ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. ધબ ધબ કરતા કોઈ વિશાળ કાય પ્રાણી અમારી તરફ આવી રહ્યા હતા. તેના પગલાઓનો અવાજ આવતો હતો. દૂરથી જોતા.... આ મહાદેહ ધરાવતા પ્રાણી મને ડાઈનોસોર જેવા લાગ્યા...

રામાયણમાં જે કુંભકર્ણ હતો. તે પણ આની જેમ વિશાળ હશે.... જેની મેં મનોમન કલ્પના કરી.

મારો અનુમાન ખોટો પડ્યો, તે કોઈ ડાઈનોસોર નહિ, પણ નોળિયો હતો. આટલો વિશાળકાય નોળિયો?

નઝદીક આવતા હું ડરના માર્યો પાછળ પાછળ હટી રહ્યો હતો.

પણ વનવાસીઓ પોતાની જ જગયા પર વિના ડરે ઊભા હતા.

"ઓય..... નોળિયો તમારી તરફ આવે છે."

તે લોકોને સાંભળ્યું ન સાંભળ્યું....

ત્યાં જ બે વિશાળ નોળીયા જે પેહલી નજરે ડાઈનોસોર જ લાગતા હતા. તે વનવાસીઓની એકદમ પાસે ગતિથી આવી રહ્યા હતા.

કોઈ પણ ક્ષણે તે એ લોકોને નુકસાન પોહચાડી શકે તેમ હતા,

પણ એવું ન થયું.

નોળીયાઓ પાલતુ પ્રાણીની જેમ પોતાના બને ઘૂંટણ જમીન પર મૂકી વનવાસીઓની સામે બેસી ગયા. એરેબિયન નાઇટ્સની વાર્તાઓમાં આવતો તિલસ્મી જાદુ જેવું હતું.

વનવાસીઓએ મને તેની સાથે આવવાનું કહ્યું. અમે પાંચે નોળિયા પર એક ઊંટ પર સવાર થઈએ તે રીતે બેઠા… પણ નોડિયાની આ સવારી ઊંટની સવારીથી અલગ હતી.

નોળિયાની ઉપર બેઠા બેઠા એવું લાગતું હતું. જાણે દશ બાર માળની ઇમારતની ઉપર હોઈએ… ધબ ધબ કરતા નોડિયાઓ આગળ વધી રહ્યા હતા. નોળીયાઓના ચાલવા થી રેતીમાં ખાડા પડતા હતા.. જાણે ઉલ્કાઓની વર્ષા થઈ હોય.. અમે પણ સૂરજની સાથે સાથે પશ્ચિમમાં વધી રહ્યા હતા.

સૂરજ થાકી ઢળી ચુક્યો હતો. પણ અમારી સફર નો કોઈ અંત નોહતો..

ક્રમશ