Agyaat Sambandh - 31 - Last Part in Gujarati Fiction Stories by Shabda Sangath Group books and stories PDF | અજ્ઞાત સંબંધ - ૩૧ (અંતિમ પ્રકરણ)

Featured Books
Categories
Share

અજ્ઞાત સંબંધ - ૩૧ (અંતિમ પ્રકરણ)

પ્રકરણ-૩૧

કોની જીત ?

“કવિતા...! તું તો મારી નાનપણની સખી હતી, મારી પાક્કી સહેલી ! તું આમ દગો કેવી રીતે આપી શકે !?” રિયાની આંખોમાં આંસુ આવી ગયાં.

“સખી શબ્દ તારા મુખેથી સારો નથી લાગતો. જ્યારે તું મુસીબતમાં હતી ત્યારે એનો ઉકેલ લાવવા માટે મેં તારી મદદ કરી હતી. તને બાબા પાસે લઇ ગઈ હતી. પણ બદલામાં તેં શું કર્યું ? મને ત્યાં એકલી મૂકી દીધી. ત્યાંથી ભાગતાં પહેલાં એકવાર પણ મારી શોધ કરી કે હું ક્યાં છું ? એ બાબાના અનુયાયીઓએ મારો રેપ કરવાની અને મને જાનથી મારી નાખવાની કોશિશ પણ કરી. દિવાનસિંહે ત્યાં આવીને મને બચાવી. એક નવું જીવન આપ્યું. હવે એ જ મારા માલિક છે.” કવિતાએ પોતાનો રોષ ઠાલવ્યો.

“પણ...” રિયા આગળ બોલવા જાય તે પહેલાં કવિતાએ તેને અટકાવતાં કહ્યું, “મારે હવે તારી કોઈ વાત નથી સાંભળવી.”

સુરેશભાઈએ ખિસ્સામાંથી ચપ્પુ કાઢ્યું અને દિવાનસિંહ પર તાકીને વાર કર્યો. પણ આશ્ચર્યજનક રીતે તે ચપ્પુ દિવાનસિંહની છાતી પાસે જઈને હવામાં થંભી ગયું.

“અફસોસ ! હવે તમે મારું કંઈ નહિ બગાડી શકો. જે લોકેટને તમે ગુફાનું દ્વાર ખોલવા માટે અહીં જ મૂકીને ગયા હતા તે હવે મારા કબજામાં છે. આ માટે મેં કેટલી મહેનત કરી અને આજે આનું ફળ પણ મળી ગયું.” હાથમાં રહેલા લોકેટને દિવાનસિંહ જોવા લાગ્યો. લાલ રંગનું એ લોકેટ ચમકી રહ્યું હતું.

ત્યાં હાજર બધા જ લોકો અચંબામાં પડી ગયા હતા; દિગ્મૂઢ થઈને દિવાનસિંહ સામે તાકી રહ્યા હતા. દિવાનસિંહે ચપ્પુ તરફ ધારીને જોયું અને તેણે દિશા બદલીને સુરેશભાઈ તરફ તીવ્ર ગતિથી ફેંક્યું. ચપ્પુ સીધું છાતી પર જ વાગતાં સુરેશભાઈ ઢળી પડ્યા. પણ પડ્યા એવા જ ઈશાને સુરેશભાઈને પકડી લીધા. તેમનું શરીર ઈશાનના ખોળામાં હતું. એમની હાલત ખરાબ થઈ ચૂકી હતી.

“નાના...! તમે આમ મને છોડીને ન જઈ શકો.” ઈશાનની આંખોમાં આંસુ આવી ગયાં.

“બેટા, એક ને એક દિવસ તો બધાએ જવું જ પડે. મારો પણ સમય આવી ગયો.” સુરેશભાઈએ કહ્યું. અને તેમની આંખો હંમેશા માટે મીંચાઈ ગઈ.

“હું બદલો લઈને રહીશ.” ઈશાને દિવાનસિંહ તરફ ખુન્નસભરી નજરે જોયું.

રણજીત અને વનરાજ એક ખૂણામાં છૂપાઈને આ બધું જોઈ રહ્યા હતા. બાજી રતનસિંહના હાથમાંથી જતી રહી હતી. બસ હવે યોગ્ય અવસરની તેઓ પ્રતીક્ષા કરી રહ્યા હતા.

ઈશાન અને રતનસિંહ બંને દોડીને દિવાનસિંહ તરફ આગળ વધ્યા. દિવાનસિંહની નજીક પહોચતા પહેલાં જ બંને હવામાં ફંગોળાયા અને પીલ્લરો સાથે અથડાયા.

રણજીત અને વનરાજ શયનખંડમાં પહોચ્યા. સામે પલંગ પર પાથરેલી ચાદરને જોતાં જ રણજીતના મનમાં એક વિચાર આવ્યો અને તેણે વનરાજ સાથે ચર્ચા કરી.

રતનસિંહ ઉભો થઈને ફરી આગળ વધ્યો.

“રતન, તું હંમેશા મારા માર્ગમાં અવરોધક બન્યો છે. તને તો એવું મોત આપીશ કે...” દિવાનસિંહે મુઠ્ઠી વાળીને ભયંકર ગુસ્સો પ્રગટ કર્યો.

“અને તારું મરવું આજે નક્કી છે.” રતને બીજી દિશામાં જોતા કહ્યું.

વનરાજ ચોરીછૂપીથી પાછળની બાજુએ આવ્યો અને અચાનક દિવાનસિંહની જમણી તરફ આવીને ખેંચીને લાત મારી. દિવાનસિંહના હાથમાંથી તલવાર છૂટી ગઈ. બીજી જ ક્ષણે રણજીતે તેના માથે ચાદર નાખી દીધી અને તેની પીઠ પર લાત ઝીંકી. તે ઢળી પડ્યો. વનરાજ તલવાર ઉપાડીને દિવાનસિંહને ખતમ કરવા કંઈ કરે તે પહેલાં ચાદરમાંથી આગ ઝરવા લાગી. બે જ ક્ષણમાં ચાદર જાણે કે હતી જ નહીં.

“પાગલ ! મને ખતમ કરવો એટલું સરળ છે શું ?” દિવાનસિંહે રણજીતને કહ્યું.

વનરાજ તલવાર પકડીને દિવાનસિંહ પર ચલાવવા ગયો, પણ દિવાનસિંહ ઝૂકી ગયો અને વાર ખાલી ગયો. દિવાનસિંહે વળતા પ્રહારે અગ્નિનો ગોળો વનરાજ પર ફેંક્યો.

“વનરાજ...” રિયાએ જોરથી ચીસ પાડી.

બધા જ આશ્ચર્યની નજરેથી વનરાજને જોઈ રહ્યા હતા. ખાસ તો દિવાનસિંહ. તેના અચરજનો કોઈ પાર ન હતો. ફાટી આંખોએ તે વનરાજને જોઈ રહ્યો હતો. તેના પ્રહારની વનરાજ પર કોઈ અસર ન થઈ. આ કારણે તેણે ફરીવાર વનરાજ પર અગ્નિનો ગોળો ફેંક્યો. તેમ છતાંય કોઈ અસર ન થતાં તેણે બીજા પાંચેક ગોળાઓ ફેંક્યા.

બધા જ હેરાન હતા. એક સામાન્ય માનવીને શેતાનના પ્રહારોની કોઈ અસર કેમ નહોતી થતી ?

“હું માણસ છું જ નહિ, દિવાનસિંહ ! હવે હું આત્મા છું.” વનરાજ હસ્યો અને એ સાથે જ તેના શરીર ફરતે સફેદ બારીક લકીર ઊઠી આવી. તેણે એક નજર રિયા તરફ ફેંકી.

“આજે હું તારો ખાત્મો કરીને જ જંપીશ.” વનરાજે તલવારવાળો હાથ ઊંચો કર્યો. લગભગ તલવાર દિવાનસિંહના માથાને તેના ધડથી અલગ કરી જ દેવાની હતી ત્યાં જ કવિતાનો અવાજ આવ્યો, “તલવાર ફેંકી દે વનરાજ, નહીં તો તારી પ્રિય રિયાને ખતમ કરવામાં મને વાર નહિ લાગે.” કવિતાએ ચપ્પુની ધાર રિયાના ગળા પર મૂકતાં કહ્યું.

“વનરાજ, ભલે મારું કંઈ પણ થાય, તું દિવાનસિંહને મારી નાખ. નહિતર કુદરત પણ તને માફ નહિ કરે.” રિયાએ કહ્યું.

કવિતાએ ચપ્પુની ધાર રિયાને સહેજ ખૂંપાવી અને તેની નાજુક ગરદનમાંથી લોહી નીકળવા લાગ્યું.

“રિયા...” કહેતા વનરાજે તલવાર ફેંકી દીધી. હાથમાં આવેલો સોનેરી મોકો તેઓ ગુમાવી ચૂક્યા હતા.

“શાબાશ, કવિતા...” દિવાનસિંહ તેના પર ખુશ થયો.

રણજીત ફરી દિવાનસિંહ તરફ આવ્યો અને કૂદીને તેને લાત મારવા ગયો, પણ દિવાનસિંહે તેના બંને પગ પકડી લીધા અને તાકાત લગાવીને વિપરીત દિશામાં ચીરી નાખ્યા. માત્ર એક ક્ષણમાં તેના શરીરના બે ટુકડા કરીને એકમેકની વિરુદ્ધ દિશામાં ફેંકી દીધા. બધા સ્તબ્ધ થઈને આ જોઈ રહ્યા.

ઈશાન અચાનક કવિતાની પાછળ તરફ ધસી આવ્યો. તેણે એના વાળ પકડીને દૂર ધકેલી અને જોરથી તમાચો માર્યો. તેના મજબૂત હાથથી પડેલા તમાચાના કારણે કવિતાને તમ્મર આવી ગયાં. બેહોશ થઈને તે ઢળી પડી. તક મળતાં ફરી વનરાજ તલવાર પકડવા ગયો, પણ તલવાર ઉડીને બીજા મજલે જઈને પડી.

“રતનસિંહ, તમે તલવાર લેવા જાઓ. હું આને સંભાળું છું.” વનરાજે કહ્યું.

રતનસિંહ તલવાર લેવા સીડી ચડીને ઉપલા માળે ગયો.

ઈશાન દિવાનસિંહની પાછળ આવ્યો અને પીઠ પર ચાંદીનું ચપ્પુ ખૂંપાવ્યું. અઢળક પીડાઓ સાથે દિવાનસિંહ તરફડીયાં મારવા લાગ્યો. તે જમીન પર ઉંધો-ચત્તો ફરીને પડ્યો હતો.

“રતનસિંહ, તલવાર લાવ જલ્દી. આ તો સારું થયું કે ઘરેથી ચાંદીનું ચપ્પુ લઈને આવ્યો હતો...” ઈશાન રતનસિંહની દિશામાં ફરીને વાત કરી રહ્યો હતો તે જ સમયે દિવાનસિંહે ચપ્પુ પીઠમાંથી કાઢ્યું અને લોકેટને પીઠ પર ફેરવ્યું. તે જાણે સંજીવની જડીબુટ્ટી હોય તેમ અસર થવા લાગી.

ઈશાનની પાછળ જમીન પર પડેલો દિવાનસિંહ ઊભો થયો અને દોડીને ઈશાનને ક્રૂરતાપૂર્વક ભેટ્યો. તેના શરીરમાંથી આગ ઝરવા લાગી અને એ આગની જ્વાળાઓમાં ઈશાન સમેટાઈ ગયો. તેણે બાહુપાશમાંથી છૂટવા અંતિમ મરણીયા પ્રયાસો કર્યા, કમરામાં તેની ભયંકર કારમી ચીસો સંભળાવા લાગી, અને અંતે તે બળીને ખાખ થઈ ગયો.

“ઈશાન...!” ત્યાં હાજર રહેલા લોકોએ જોરથી ચીસો પાડી.

“આજે તને નહિ છોડું...” કહીને વનરાજ દિવાનસિંહ તરફ આવ્યો. બંનેના હાથના પંજા એકબીજામાં ભીડાયા. વનરાજે તેનું માથું દિવાનસિંહના માથા સાથે જોરથી અફાળ્યું. દિવાનસિંહ બે કદમ પાછો ખસ્યો. તેના બળેલા ચહેરામાંથી આગ ઝરતી હતી. બંને વચ્ચે ભીષણ યુદ્ધ જામ્યું.

તે અરસામાં રતનસિંહ ઉપરના માળેથી તલવાર લઈને પાછો આવી ગયો.

દિવાનસિંહ જમીન પર ઢળી પડ્યો. વનરાજ તેના પર હાવી થયો હતો.

“હવે મારી પાસે તારા જેટલી જ શક્તિ છે એ ન ભૂલીશ, દિવાન. હવે તારું આવી બન્યું છે. તારો વિનાશ થશે સા... દિવાન...” કહીને વનરાજે પાંચ-છ મુક્કાઓ ખેંચીને દિવાનસિંહના મોઢે માર્યા. તેના હાથમાંથી લોકેટ છૂટી ગયું. વનરાજે તે હાથમાં લઈને રિયા તરફ ફેંક્યું.

“બધી જ મુસીબતોની જડ આ લોકેટ જ છે.” ગુસ્સામાં આવીને રિયાએ તેને જમીન પર જોરથી પછાડ્યું. એ સાથે જ તેના ટુકડા-ટુકડા થઈ ગયા.

“નહીં...” દિવાનસિંહ ચિત્કાર કરી ઉઠ્યો.

“રતનસિંહ, આને પૂરો કરી નાખ.” વનરાજે કહ્યું.

રતનસિંહે તલવાર ઉગામી અને જમીન પર ઢળેલા દિવાનસિંહ પર પ્રહાર કર્યો.

“આહહહ....” જોરથી અવાજ આવ્યો. લોહી ધડધડ જમીન પર વહી રહ્યું હતું. દિવાનસિંહ પર થયેલો પ્રહાર કવિતાએ ઝીલ્યો અને તે મૃત્યુ પામી.

ગુસ્સામાં આવીને રતનસિંહે કવિતાને દિવાનસિંહ પરથી દૂર કરી. તે બીજી વાર પ્રહાર કરવા જાય તે પહેલાં દિવાનસિંહ તુરંત ખસી ગયો અને ઝડપથી ઊભો થઈ ગયો. તેણે લોકેટ તરફ જોયું. લોકેટના ટુકડાઓ એકબીજા સાથે ફરીથી જોડાઈ રહ્યા હતા. રિયા નવાઈથી જોઈ રહી. તે લોકેટને પકડવા જાય તે પહેલાં છલાંગ મારીને દિવાનસિંહે તેના પર તરાપ મારી અને તેને ઝુંટવી લીધું.

વનરાજ આગળ વધીને કંઈ કરે તે પહેલાં દિવાનસિંહે લોકેટને ઘસ્યું. તેમાંથી લાલ રંગની ઉર્જા ઉત્પન્ન થઈ. તેમાં એટલી ઉર્જા હતી કે કોઈને પણ ઘડીના છઠ્ઠા ભાગમાં રાખ કરી શકે. તે લાલ ઉર્જાનો પ્રકાશપુંજ વનરાજ પર રેલાયો. તેની ચોતરફ એક કોશેટો બની ગયો. વનરાજે તેમાંથી બહાર નીકળવાની કોશિશ કરી, પણ અથડાઈને પાછો અંદર જ પડતો હતો. તેમાં તેને પીડા થઈ રહી હતી.

“વનરાજને મારી ન શકવાનો અફસોસ તો રહેશે જ, પણ ઇન્તેજામ કરી દીધો છે.” દિવાનસિંહ હસ્યો.

“આજે તને નર્કલોકમાં પહોંચાડી દઈશ. બહુ ખુશ થવાની જરૂર નથી.” રતનસિંહે તલવારને હાથમાં ફેરવતાં કહ્યું.

રતનસિંહે નજીક આવીને દિવાનસિંહના ગળા પર તલવારથી ઘા કર્યો, પણ તે ઝૂકી ગયો અને બચી ગયો. તે ઉડીને બીજા માળે જતો રહ્યો.

“દિવાન, અહીં આવીને મુકાબલો કર ને. આમ સંતાકુકડી ક્યાં સુધી રમીશ ?” રતનસિંહે કહ્યું.

“તું જ ઉપર આવ ને...” દિવાનસિંહ બરાડ્યો.

“ઠીક છે, લે આ આવ્યો.” કહીને રતનસિંહ સીડી ચડીને ઉપર જવા લાગ્યો. દિવાનસિંહની સામે જઈને તેણે કહ્યું, “ચાલ, હવે મરવા તૈયાર થા.”

“હું ઈચ્છું તો એક ક્ષણમાં તને ખતમ કરી દઉં, રતન. પણ નહિ... તને તો તડપાવીને જ મારીશ. પણ તને મારતા પહેલાં કશુંક એવું બતાવવા માંગુ છું કે મર્યા પછી પણ તારો આત્મા શાંતિ ન પામે. રિયા, તું પણ જોઈ લે.” દિવાનસિંહે કહ્યું.

એક ખૂણામાં ઊભેલી, ડરેલી રિયા વિચારી રહી હતી કે શું હશે.

બીજી તરફ વનરાજ લાલપુંજ રોશનીમાંથી નીકળવાના મરણીયા નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો.

“અરે, હમણાં તને નહિ મારું. પહેલાં એક ખાસ વ્યક્તિથી તમને મળાવી દઉં. આવ...આવ...” દિવાનસિંહની વાતથી રિયાને નવાઈ લાગી અને તે પણ સીડી ચડીને ઉપર ગઈ.

દિવાનસિંહે રૂમના દરવાજાને લાગેલી સાંકળ ખોલી. બારણું ખૂલતાં જ રતનસિંહ અને રિયા બંને અચરજમાં પડી ગયાં. સાંકળોથી બાંધેલી એક સ્ત્રી જમીન પર સૂતી હતી. તેની આસપાસ ડ્રાઈવર મકોડાની ફૌજ હતી. તે સ્ત્રીનો ચહેરો જોતાં જ રિયાએ મોં આગળ હાથ મૂકીને કહ્યું, “અ...આ કોણ ?”

“આ તમારી મા... નૈનાદેવી.” દિવાનસિંહ હસ્યો અને આગળ બોલ્યો, “મારા એક ઈશારા પર મારા મકોડા તારી માને ચૂંથી મૂકશે. બેટા, તલવાર મને આપી દો.”

“અમે કેવી રીતે માની લઈએ કે આ અમારી મા છે ?” રતને કહ્યું.

“એનો ચહેરો જો. અસલ રિયા જેવો જ છે ને ? હવે તલવાર ફેંકે છે કે તારી માને...” દિવાનસિંહે કહ્યું.

એ સ્ત્રીનો ચહેરો અસલ રિયા જેવો જ હતો. રતનના હાથમાંથી તલવાર છૂટી ગઈ. તેની આંખોમાં આંસુ ઉભર્યાં.

“મારી મા...” રતને બબડતાં કહ્યું. આ એ જ સ્ત્રી હતી કે જે તે દિવસે રતન અને વનરાજ સાથે વાત કરી રહી હતી. તેની માનસિક હાલત ઠીક ન હતી. તે દિવસે ભૂખી નૈના ભોજન માટે ભીખ માગી રહી હતી. રતન તેને રૂમમાં લઈ ગયો અને જમવાનું આપ્યું. જમ્યા બાદ તેણે રતન અને વનરાજને બહુ આશીર્વાદ આપ્યા. રિયાને પણ આ વાત યાદ આવી ગઈ.

“મરતા પહેલાં એક સવાલનો જવાબ જાણવા નહિ માંગે કે તું અને રિયા અલગ કેવી રીતે થયાં ? ચાલ, કહી જ દઉં. ગમે તેમ તું મારો જ કુંટુંબી કહેવાય.” દિવાનસિંહે મોઢું બગાડતા કહ્યું, “ધાની અને ભાણસિંહનું પાપ એટલે ઉદયસિંહ. એના વિષે વિચારીને જ મને કાળ આવી જતો. ગમે તેમ હું એને પણ ખતમ કરવા માગતો હતો. પણ અંબાએ ઘરની અંદર એવું રક્ષણ કવચ બનાવેલું કે હું ત્યાં જઈ નહોતો શકતો અને તેઓ બહાર નીકળતા નહિ. એક દિવસ નૈના ઘરની બહાર નીકળી અને તકનો લાભ લઈને હું તેને દિવાનગઢ લઈ આવ્યો. મારી યોજના અનુસાર ઉદયસિંહ પણ ત્યાં આવ્યો જ. તારી માની આંખો સામે જ મેં ઉદયસિંહને જાનથી મારી નાખ્યો. લોકેટ ક્યાં છે એ વિષે નૈના જાણતી હતી એટલે એને ન મારી. પણ એણે મારી સાથે દગો કર્યો. મારી નજર ચૂકવીને ભાગવામાં સફળ રહી. ત્યાં ઘરે પહોંચી રિયાને લઈને અમદાવાદ ભાગી ગઈ. જ્યારે મેં તેને ફરી પકડી તો ન તેની પાસે લોકેટ હતું ન રિયા. માથામાં કોઈ ઘા થયો હોવાથી બાપડી પાગલ થઈ ચૂકી હતી. હું ઇચ્છત તો તેને જાનથી મારી નાખત. પણ ના... મને આપેલા દગાની સજા આટલી નાની ન હોય. હું તેને ફરી દિવાનગઢ લઈ આવ્યો અને એ અહીંના વિસ્તારમાં ભીખ માગીને જીવતી હતી. તેનું જીવન મોતથી બદતર થઈ ચૂક્યું હતું. એ દિવસ પછી કોઈએ નૈનાને જોઈ નહોતી એટલે માની લીધું કે તે પણ ઉદયસિંહની જેમ મરી ગઈ હશે.”

રતનસિંહે દાંત ભીંસીને કહ્યું, “આજે તને મારા હાથેથી કોઈ નહીં બચાવી શકે.”

“ખુદની દગાબાજ મા માટે આટલું ખરાબ લગાડવાની જરૂર નથી. રિયાને પોતાની સાથે લઇ ગઈ, પણ તને ત્યાં જ રહેવા દીધો.” દિવાનસિંહે કહ્યું.

“તું અંબા ફોઈના ગર્ભપાતનું કારણ હતો. આ કારણે મારા માતા-પિતા ખુદને દોષી માનતા હતા. ફોઈને પણ સંતાનની ખોટ સાલતી હતી એટલે મારા પિતાએ મને દત્તક પુત્ર તરીકે ફોઈને આપી દીધો. આ જ કારણે હું ત્યાં હતો.” રતને કહ્યું.

રતનસિંહે ક્રોધાવેશમાં આવીને તલવાર ઉગામી અને દિવાનસિંહ પર પ્રહાર કરવા ગયો.

“ના પાડી હતી ને મેં ! હવે તું જો.” કહીને દિવાનસિંહે મકોડાઓ તરફ જોયું અને જાણે તેઓ આદેશ સમજી ગયા હોય તેમ નૈના પર ચડી ગયા. તેમની ચીસોથી ઓરડો ગુંજી રહ્યો હતો.

“મા...” કહીને રતનસિંહ અંદર જતો જ હતો કે દિવાનસિંહે તેનું ગળું પકડ્યું અને દીવાલ તરફ જોરથી ફેંક્યો. દીવાલ સાથે અથડાઈને તે જમીન પર ઢળી પડ્યો. દિવાનસિંહે જમીન પર પડેલી તલવાર લઇ લીધી.

બીજી તરફ સહેજ વારમાં જ નૈનાદેવી મકોડાઓનો કોળીયો બની ગયાં.

“નૈનાને મારવાની મારી કોઈ ઈચ્છા ન હતી. તારા ભાઈની મૂર્ખામીને કારણે આ કરવું પડ્યું.” દિવાનસિંહે રિયાને કહ્યું.

દિવાનસિંહની પીઠ રતનસિંહ તરફ હતી. રતન પાછળથી આવ્યો અને એક હાથે તેનું ગળું દબાવ્યું. તેના હાથમાં રહેલી તલવાર છીનવા તે મથામણ કરી રહ્યો હતો.

દિવાનસિંહે હાથમાં અગ્નિનો ગોળો બનાવ્યો અને રતનના માથે મૂક્યો. આગની જ્વાળાથી રતનનું માથું બળવા લાગ્યું. પણ આ સમય હિંમત હારવાનો ન હતો. તે ફરી આગળ વધ્યો અને દિવાનસિંહની છાતી પર લાત મારી. પ્રહાર થતાં દિવાન સહેજ ડગમગ્યો.

દિવાનસિંહે રતન તરફ નજર ફેંકી. રતન હવામાં ઉડવા લાગ્યો અને નીચેના માળે જમીન પર જઈને પટકાયો. દિવાનસિંહ પણ ઉડીને નીચેના માળે ગયો. જમીન પર પટકાવાને કારણે રતનની પીઠ પર ઈજા થઈ હતી. તે છતાંય શક્તિ લગાવીને તે ઊભો થયો.

દિવાનસિંહે તેના મોઢા પર ખેંચીને મુક્કો માર્યો. તેના મોઢામાંથી લોહીનો ફુવારો છૂટી ગયો. રતન હાંફી રહ્યો હતો. તેમ છતાંય સહેજ પાછળ જઈને ઝડપથી આગળ આવ્યો અને દિવાનસિંહની કમર ફરતે હાથ વીંટાળીને તેને ઊંચો કર્યો અને જમીન પર ફેંક્યો. તે સાથે જ તેના મોઢા પર જોરથી લાત મારી. બન્ને હાથની કોણીના સહારે તેની છાતી પર જોરથી પ્રહાર કર્યો. પણ એ પહેલાં દિવાનસિંહ ત્યાંથી સરકી ગયો અને રતન જમીન પર પટકાયો.

“ભાઈ...” કહેતી રિયા પણ નીચે આવી ગઈ.

રતનસિંહ દિવાન પર હાવી થઈ રહ્યો હતો. ભયભીત થયેલા દિવાનસિંહે અગ્નિની એક પછી એક કેટલીયે જ્વાળાઓ ઉત્પન્ન કરીને રતન પર ફેંકી. લોકેટ ઘસીને તેમાંથી લાલ પ્રકાશ રતન પર ફેંક્યો. એક બહાદુર યોદ્ધો અંતે ઘવાયો, ભસ્મ થયો. માટીનું બનેલું શરીર અંતે માટીમાં જ મળી ગયું.

રિયા અને વનરાજ બંને શોકમાં ડૂબ્યા. વનરાજ લાલ રંગની રોશનીમાં કેદ હોવાથી કંઈ કરી શકે એમ ન હતો.

દિવાનસિંહે તલવારની ધાર રિયાના પેટ પર મૂકી અને કહ્યું, “અંતે મારો વિજય થયો. હા...હા...હા...” તેનું બિહામણું અટ્ટહાસ્ય આખી હવેલીમાં ગુંજી રહ્યું હતું.

રિયા પણ સામે ખડખડાટ અટ્ટહાસ્ય કરી રહી, “તું જીતીશ પણ ખરો અને હારીશ પણ.”

દિવાનસિંહે રિયાનું ગળું પકડ્યું. તેના શરીરને સ્પર્શ કરતાં એના મનમાં અજીબ અહેસાસ થયો. જાણે કે તે...

“શું વિચારે છે, દિવાનસિંહ ? મારી નાખ મને.” રિયાએ કહ્યું.

“નહિ... નહિ...” દિવાનસિંહ સહેજ પાછળ ખસવા જાય તે પહેલાં જ રિયાએ તેના હાથ પર ખુદનો હાથ મૂકી દીધો અને સહેજ બળ લગાવીને તલવાર ખુદના પેટમાં હુલાવી દીધી.

“નહિઈઈઈ...” દિવાનસિંહે કાન ફાડી નાખે એવી ગર્જના કરી, “પાગલ છોકરી આ શું કર્યું તેં ?” દિવાનસિંહ જોરથી બરાડ્યો. તેના અવાજમાં પારાવાર પસ્તાવો હતો.

ઉંહકારા ભરતી રિયા દિવાનસિંહની નજીક આવી અને ત્રૂટક સ્વરે કહ્યું, “હ... હું ગ... ગર્ભવતી... છું.”

“રિયા...!” વનરાજ રડી પડ્યો.

“બ... બધાને મ... મારવાની ત... તારી ઈચ્છા પ... પૂરી થઈ. ત... તું જીત્યો ખરો, પણ હ.. હારીને.” રીયાએ કહ્યું.

અચાનક એક સોનેરી પ્રકાશપુંજ દિવાનસિંહ પર પડ્યું અને તે તડપવા લાગ્યો. તે જોર જોરથી ચીસો પાડીને અંધારી રાતના વાતાવરણને ભયાનક બનાવી રહ્યો હતો. તેના હાથમાંથી લોકેટ છટકી ગયું. રિયાએ તકલીફથી ઝૂકીને તે ઉપાડ્યું અને વનરાજ તરફ ફેંક્યું.

માત્ર થોડીવારમાં જ દિવાનસિંહની તમામ આસુરી શક્તિ નાશ પામી. પસ્તાવાને કારણે તે જમીન પર ઘૂંટણભેર બેસી ગયો.

લાલ પ્રકાશપુંજ દ્વારા જ્યાં વનરાજ કેદ હતો, ત્યાં લોકેટનો સ્પર્શ થતાં વનરાજ આઝાદ થયો. પણ લાલ પ્રકાશમાં લોકેટ અડકતાં અતિશય ગરમીને લીધે તે નાશ પામ્યું. વનરાજ દોડીને રિયા પાસે આવ્યો.

રિયા જમીન પર પડતી જ હતી કે વનરાજે આવીને એને બાહુપાશમાં સમેટી લીધી.

“રિયા...” વનરાજની આંખોમાં આંસુ હતાં.

“આજે ક... કેટલા સમય પછી ત... તું મને સ્પર્શી ર... રહ્યો છે. આ માટે તો હું સ... સો વાર મરવા પણ ત... તૈયાર છું.” રિયાની આંખો ભરાઈ આવી.

“હું તને કંઈ નહિ થવા દઉં. આપણે હોસ્પિટલ જઈએ.” કહીને વનરાજ તેને ઉપાડવા લાગ્યો.

“મારે ક... ક્યાંય ન...થી જવું. તારી બ... બાંહોમાં થોડીવાર રહેવું છે.” રિયાએ કહ્યું.

“હું તારી એક નથી સાંભળવાનો. તું ચાલ...” વનરાજે જીદ કરતાં કહ્યું.

“આ... આપણું બાળક... હ... હવે નહીં આવે. મને માફ કરી દેજે.” ધીમા અવાજે રિયાએ કહ્યું.

વનરાજ ઘણું કહેવા માગતો હતો, પણ હોઠ ભીડાઈ ગયા હતા. આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતાં.

“ત... તું અને આત્મા ? ક... કેવી રીતે ?” રિયાએ પૂછ્યું.

“એ દિવસે જ્યારે તું હવામાં ઊડી રહી હતી અને હું તને બચાવવા માટે પાછળ આવી રહ્યો હતો ત્યારે હું ખીણમાં પડી ગયો હતો. હું ત્યારે જ મૃત્યુ પામ્યો હતો. લગ્નના સમયે તને વચન આપેલું કે હંમેશા તારી રક્ષા કરીશ. આ જ કારણે કદાચ, એ બળવાન ઈશ્વરીય શક્તિને કારણે મરીને પણ હું પાછો આવ્યો. તારી રક્ષા માટે...પણ ન કરી શક્યો તારી રક્ષા... મને માફ કરી દે...” વનરાજે રિયાના હાથમાં ખુદનો હાથ પરોવ્યો.

“ઓહ ! અ... આટલો બધો પ... પ્રેમ કરે છે મને ?” રિયાએ વનરાજના ગાલ પર હાથ ફેરવ્યો.

“તારો વ... વાંક નથી. અમુક વખત... કુદરત પણ બ... બલિદાન માગે છે. હવે આ શેતાન અ... અમર થઈને આસુરી શક્તિ વિના આખી જિંદગી અ... અહીં જ સડશે.” રિયાએ દિવાનસિંહ સામે જોઈને કહ્યું. લમણા પર હાથ મૂકીને તે પસ્તાઈ રહ્યો હતો.

“આઈ... આઈ લવ યુ...” રિયાએ દર્દમિશ્રિત ભાવ સાથે કહ્યું.

“આઈ લવ યુ ટુ.” વનરાજે કહ્યું તો ખરું, પણ રિયા એ સાંભળવા માટે ન રહી. તેની આંખો હંમેશા માટે મીંચાઈ ચૂકી હતી.

વનરાજ જે કારણસર મૃત્યુ પામીને પણ પાછો આવ્યો હતો એ કારણ પૂરું થઈ ચૂક્યું હતું. તેનું શરીર પારદર્શી થઈ રહ્યું હતું; ઝીણાં ઝીણાં કિરણોમાં પરિવર્તિત થઈ રહ્યું હતું. સહેજ વારમાં તો એનું શરીર હવામાં ઓસરવા લાગ્યું.

આકાશમાં વાદળોની વચ્ચે બે પ્રેમી આત્માઓ એકબીજાના આલિંગનમાં આ દુનિયાને અલવિદા કહીને જઈ રહ્યા હતા.

***

૧૦૦૦ વરસ બાદ...

અમાવસ્યાની રાત હતી. મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. દિવાનસિંહ જંગલમાં ઝાડ પર બેઠો હતો. આજદિન સુધી એ રાત્રિએ બનેલી ઘટનાને યાદ કરતો પસ્તાઈ રહ્યો હતો. મોક્ષ ક્યારે મળે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. તેના અંતરમાંથી હજુ પણ શબ્દો નીકળી જતા હતા – ‘હું જીતીને પણ હારી ગયો.’

(સમાપ્ત)

પ્રકરણ લેખક: રોહિત સુથાર

કથાબીજ : પ્રિતેશ હીરપરા, રોહિત સુથાર

લેખકગણ : પ્રિતેશ હીરપરા, રોહિત સુથાર, નરેન્દ્રસિંહ રાણા, એકતા દોશી, પરમ દેસાઈ, ભાવિક રાદડિયા, માનસી વાઘેલા, અમીન સુનિલ, પ્રતીક ગોસ્વામી, ઉદય ભાનુશાલી, દર્શન નેના, જેનિલ ગોહેલ.

પ્રૂફ રીડિંગ અને સંપાદન : પરમ દેસાઈ

કવર ડીઝાઇન : પ્રતીક ગોસ્વામી

(વાચકમિત્રો, ‘અજ્ઞાત સંબંધ’ની આપણી આ સફર અહીં પૂરી થઈ. નવલકથા આપને કેવી લાગી એ આપ સૌ અમને જણાવી શકો છો અમારા ફેસબૂક પેજ ‘શબ્દ સંગાથ’ પર. અમને વ્હોટ્સએપથી પ્રતિભાવ આપી શકશો આ નંબર પર : 97121 38510)

(ટૂંક સમયમાં જ હાજર થઈશું એક નવા જોનરની કથા સાથે.)