રેડલાઇટ બંગલો
રાકેશ ઠક્કર
પ્રકરણ-૨૬
આગની ઘટનાની વાત સાંભળી હરેશભાઇના રોમેરોમમાં આગ ફેલાઇ ગઇ હતી. હરેશભાઇના ગણતરીબાજ મનમાં હેમંતભાઇનું નામ આવ્યું અને પૂછી બેઠા: "વર્ષા, ક્યાંક આ કાવતરું હેમંતભાઇનું તો નહીં હોય ને?"
હેમંતભાઇના નામના સવાલથી વર્ષાબેન ચોંકી ઉઠ્યા હતા. તેમના મનમાં અને જીવનમાં હેમંતભાઇનું નામ એક આદરણીય અને દેવતા સમાન પુરુષનું હતું. તે દરેક વખતે મદદે આવ્યા હતા. તેમને થયું કે હરેશભાઇ હવે ગમે તેના પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. પહેલાં કોઇ બુલેટ અથડાવી ગયું ત્યારે લાલજીના નામ પર શંકા કરી હતી. હવે ખેતરમાં આગ લાગવા માટે હેમંતભાઇનું નામ આપી રહ્યા છે. પોતે બીજા કોઇ પુરુષને મળે એ હરેશભાઇ સહન કરી શકતા નથી.
હેમંતભાઇના નામથી વિચારમાં ડૂબી ગયેલા વર્ષાબેનને જોઇ હરેશભાઇએ ફરી પૂછ્યું: "વર્ષા, તું પણ એવું જ વિચારે છે ને? દરેક આફત વખતે એમણે જ સમાચાર આપ્યા અને મદદ કરી એ સંયોગ તો ના જ હોય ને?"
"તમે એકદમ કેવી રીતે હેમંતભાઇ પર આક્ષેપ કરી શકો?" વર્ષાબેનને પોતાના જ સવાલ સામે મનમાં સામો સવાલ થયો કે હેમંતભાઇએ આપેલા રૂપિયા તેમની પાસે આ બોલાવતા હતા કે તટસ્થ રીતે વિચારીને બોલી રહ્યા હતા?
"તું યાદ કર ને? મને અકસ્માત થયો ત્યારે એ જ સ્થળ પર ઊતરી આવ્યા હતા અને આપણા ખેતરમાં આગ લાગી એના સમાચાર એમણે જ જાતે તને આપ્યા હતા ને?"
"હા… પણ એનો અર્થ એવો તો ના કાઢી શકાય ને કે તેમણે આ બધું કરાવ્યું હશે. આ તો એવું ના થયું કે દેવતાને જ આપણે દાનવ ધારી લીધા? તેમણે આગની ખબર આપી એ સારું જ કર્યું હતું ને? અને એ તમને બચાવવા ઊભા રહેવાને બદલે આગળ નીકળી ગયા હોત તો?" વર્ષાબેનનું મન કોઇ રીતે હેમંતભાઇનું આ કાવતરું હોય એ માનવા તૈયાર ન હતું."તમે કયા કારણથી હેમંતભાઇ પર શંકા કરો છો?"
હરેશભાઇને હેમંતભાઇ સાથેની એ વાત યાદ આવી ગઇ જ્યારે હેમંતભાઇએ વર્ષાબેનના લગ્નની વાત છેડી હતી. અને પછી પોતે વર્ષાબેનનું તેમને ત્યાં જવાનું ઓછું કરાવી દીધું હતું. પણ હરેશભાઇ આ વાતનો ઉલ્લેખ કરવાનું યોગ્ય માનતા ન હતા. તેમણે સામો સવાલ કર્યો:"વર્ષા, તું કયા કારણથી કહે છે કે હેમંતભાઇ આવું ના કરી શકે? હું એને વધારે ઓળખું કે તું ઓળખે? પુરુષની જાતને અમે સારી રીતે ઓળખીએ."
"પણ એમને આપણા પરિવાર સાથે એવી કોઇ દુશ્મની રહી નથી. એ તો હરહંમેશ આપણાને મદદ કરવા તત્પર રહ્યા છે. આપણું અનાજ વેચી આપે છે. આપણે ક્યાંય જવું પડતું નથી. અને તમારી આ હાલતમાં એક એ જ હતા જેમણે ખેતીની વ્યવસ્થા ગોઠવી આપી હતી. તો એ શું કામ આપણા ખેતરને આગ લગાવે?" વર્ષાબેનને હજુ સમજાતું ન હતું કે તેમને નુકસાન પહોંચાડવામાં હેમંતભાઇનો શું સ્વાર્થ હોય શકે?
"જો હવે તને કેવી રીતે સમજાવું?" કહી હરેશભાઇ માથું પકડીને આંખો બંધ કરી વિચારવા લાગ્યા. તેમને ખ્યાલ આવી ગયો હતો કે પોતાને નિ:સહાય બનાવ્યા પછી વર્ષાબેનને મજબૂર કરી હેમંતભાઇ તેની સાથે લગ્ન કરવા માગતા હતા.
"તેં એમની કોઇ આર્થિક મદદ તો લીધી નથી ને? આપણે હવે એમની કોઇ મદદ જોઇતી નથી." હરેશભાઇ આદેશ કરતા હોય એમ માથું ઊંચકીને બોલ્યા.
વર્ષાબેન ચૂપ થઇ ગયા. તે હેમંતભાઇ સાથેના અંતરંગ સંબંધ વિશે કે તેમણે આપેલા મદદના રૂપિયા વિશે કંઇ કહેવા માગતા ન હતા. "મદદ ના લીધી હોય તો લેવામાં વાંધો શું છે?"
એ સાંભળી હરેશભાઇના તેવર આકરા થઇ ગયા."જો વર્ષા, હું એ...ની પાસે કોઇ મદદ લેવા માગતો નથી. મારું ખેતર હું ગમે તે રીતે સંભાળીશ." હેમંતભાઇ પરનો હરેશભાઇનો ગુસ્સો જોઇ વર્ષાબેન હબકી ગયા.
તેમને સમજાઇ ગયું કે કોઇક એવી વાત છે જેના લીધે હરેશભાઇ ગુસ્સામાં છે.
"તમારું તમે જાણો, હું મારું ખેતર એમના માણસો પાસે કરાવી લઇશ. મારામાં તાકાત નથી કે નવેસરથી ખેતર તૈયાર કરું."
વર્ષાબેન તેમની નિ:સહાયતા બતાવતા હોય એમ પોતાનો પક્ષ સ્પષ્ટ કરી ચૂક્યા હતા. હવે તેમને સમજાવવાનું કામ મુશ્કેલ હતું. હરેશભાઇ કંઇ બોલ્યા વગર ખાટલામાં આંખો બંધ કરીને પડી રહ્યા. વર્ષાબેન પણ "જાઉં છું..." કહી ઝપાટાભેર તેમના ઘરમાંથી નીકળી ગયા. હરેશભાઇએ બંધ આંખથી મૌન જાળવી રાખ્યું. તેમની આંખમાં હેમંતભાઇનો અટ્ટહાસ્ય કરતો ચહેરો દેખાવા લાગ્યો. તેમણે તરત આંખો ખોલી નાખી. તે વિચારી રહ્યા… વર્ષાબેનની આંખ ખૂલે તો સારું છે.
એ દિવસથી બંને વચ્ચે અલગતાની એક અદ્રશ્ય રેખા ખેંચાઇ ગઇ.
વર્ષાબેન હેમંતભાઇ પ્રત્યે આકર્ષાઇ ગયા હતા. હેમંતભાઇ તેમને પોતાના તારણહાર લાગતા હતા. હરેશભાઇએ ખાટલો પકડ્યો ત્યારથી તેમનું વર્તન બદલાઇ ગયું હતું. તે કોઇને કોઇ વાતે પોતાની સાથે કચકચ કરતા હતા. લાલજીને ત્યાં પોતે ગઇ ત્યારે પણ તેમણે શંકા વ્યક્ત કરી હતી.
એમની શંકા ખોટી તો ન હતી ને વર્ષા? એમને પોતાનું જ મન જાણે પૂછવા લાગ્યું. પોતે કેમ પારકા પુરુષોનો સંગ કરી રહી હતી? શું પોતાની ઇચ્છાઓ ફુંફાડા મારી રહી હતી? પણ ખોટું શું છે? સોમલાલે તેની ઇચ્છાઓની ક્યાં કદર કરી હતી? પોતાને તરછોડીને બીજીને પકડી લીધી હશે ને?
વર્ષાબેનને હવે ખેતીનું કામ કરવામાં ત્રાસ થતો હતો. બાળકોને સાચવવાની સાથે ઘર ચલાવવાની અને ખેતરનું કામ કરવાની શક્તિ તેમનામાં ન હતી. અને હવે હેમંતભાઇ તરફથી પૈસા મળી રહ્યા હતા એટલે તેમનો સાથ છોડવા માગતા ન હતા.
વર્ષાબેન વિચાર કરતાં બેઠાં હતાં ત્યાં લાલજીનો માણસ આવ્યો. અને કહી ગયો કે ખાતરના બાકી પૈસા લઇને કાલે સવારે બોલાવ્યા છે.
વર્ષાબેનને લાલજી પર ગુસ્સો આવ્યો. તેમને થયું કે તેના મોં પર જઇને રૂપિયા મારવા જોઇએ.
બીજા દિવસે સવારે વર્ષાબેન રૂપિયા લઇને લાલજીને ત્યાં ગયા. અને કહ્યું:"લાલા, તું તો રૂપિયાનો ભૂખ્યો છે. મારું ખેતર સળગી ગયું એ જાણવા છતાં પૈસા માગી રહ્યો છે?" અને વર્ષાબેને લાલાના ગલ્લા પર રૂપિયા મૂકી દીધા.
"વર્ષા, તું તો જાણે જ છે કે હું શેનો ભૂખ્યો છું! અને આગ તો તેં મારા તનમનમાં લગાડેલી છે!" કહી રૂપિયા તેને પાછા આપ્યા અને ગલ્લામાંથી બીજા રૂપિયા કાઢીને મૂકતાં એક આંખ મીંચકારી કહ્યું:"આ તારા માટે જ રાખ્યા છે. વિચાર કે તારી વાતને દિલમાં દબાવી રાખવાના કોઇ પૈસા આપે?"
વર્ષાબેન સમજી ગયા કે હરેશભાઇ સાથેના સંબંધને ગામમાં જાહેર કરવાની તે ધમકી આપી રહ્યો છે. હવે તેને વશ થયા સિવાય કોઇ છૂટકો ન હતો. તેનું મોં બંધ કરવું જ પડશે. વર્ષાબેનને અહીં પણ પૈસા દેખાઇ રહ્યા હતા. થોડીકવારના સંગની મોટી કિંમત મળી રહી હતી.
"લાલા, તું માનવાનો નથી. પણ આ લત ખરાબ છે! ચાલ...." કહી વર્ષાબેન રૂપિયા ઉઠાવીને અંદરના રૂમમાં ગયા. લાલજી ઉત્સાહમાં બહારનો દરવાજો બંધ કરી તેમની પાછળ દોડતો ગયો. આજે હરેશભાઇ તેની પાછળ આવવાના ન હતા.
થોડીવાર પછી બંને બહાર આવ્યા. લાલજીએ કપડાં પહેરતાં પહેરતાં ગલ્લામાંથી બીજા થોડા રૂપિયા કાઢીને વર્ષાબેનના હાથમાં થમાવી દીધા."આ બક્ષીસ છે! નશો કેવો હોય એ તો આજે જ જાણ્યું વર્ષારાણી!"
વર્ષાબેનને થયું કે હવે તો બધી બાજુથી પૈસાનો વરસાદ થઇ રહ્યો છે. ખેતીમાં કામ કરીને શરીર નીચોવાઇ જતું હતું. ખેતરમાં મોલ ઊભો કરવા રાત-દિવસ મજૂરી કરવી પડે છે. અહીં તો કોઇ પરિશ્રમ વગર શરીરના મોલ મળતા હતા. ખેતરમાં કાળી મજૂરી કર્યા પછી માંડ રોટલા ભેગું થવાતું હતું. હવે તે આરામથી જીવી શકે છે.
વર્ષાબેનને ખબર ન હતી કે લાલજીનું મોં બંધ કરવા અને હેમંતભાઇને ખુશ કરવા જતાં પોતે કેવા કુંડાળામાં પગ મૂકી દીધો હતો. ભવિષ્યમાં તેણે એક મોટી મુસીબતનો સામનો કરવાનો સમય આવવાનો હતો.
***
ડાન્સ ટીચર આ રીતે નીચે ઉતરીને રાજીબહેન પાસે પહોંચી જશે એવી અર્પિતાને કલ્પના ન હતી. તે માનતી હતી કે ડાન્સ ટીચર તેની વાત માની જશે. ગઇકાલે રાત્રે પોતાના કહેવાથી ગ્રાહક પાસે ગયેલી રચનાની હાલત હજુ ઠીક ન હોવાથી તે બરાબર નાચી શકે એમ નથી એવું ડાન્સ ટીચરને કહી શકાય એમ ન હતું. રચનાએ ડાન્સમાં સહયોગ ના આપ્યો એટલે ટીચરને ઝડપથી નીચે ઉતરી જતાં જોઇ અર્પિતાએ તરત રચનાને ઇશારો કરી બોલાવી અને કાનમાં ધીમેથી કહ્યું:"પેલીને બોલાવ... નહીં તો મોટી બબાલ થશે..."
"બેન...બેન... હું તૈયાર છું....ઉપર આવો." રચનાએ થાય એટલું જોર ભેગું કરી બૂમ પાડી.
"રચનાબેન, મેડમ જ ઘરે નથી તો એ કોને કહેવાની હતી?" કહી વીણાએ માહિતી આપી.
રચનાની બૂમ સાંભળી ડાન્સ ટીચરના પગ અટકી ગયા હતા. અને તેમને રાજીબહેનનો બંધ દરવાજો દેખાઇ ગયો હતો.
"પણ એ ફોનથી જાણ કરી શકે છે." અર્પિતાએ વીણાને ચેતવણી આપી રચનાને આંખનો ઇશારો કર્યો.
રચનાએ ફરી વિનંતી કરી એટલે ડાન્સ ટીચર અહેસાન કરતા હોય એમ રચનાની રૂમ પર પાછા ફર્યા.
"જો, મને ડાન્સથી સંતોષ નહીં થાય તો પછી રાજીબહેનને જાણ કરીશ. મારે એમને તારા ફાઇનલ ડાન્સનો વિડીયો મોકલવાનો છે." કહી ડાન્સ ટીચરે સીડી પ્લેયર ચાલુ કરવાનો ઇશારો કર્યો.
રચનાએ સવારે દર્દશામક દવા લીધી હતી. એની થોડી અસર શરૂ થઇ હતી. તેણે દુ:ખાવો સહન કરીને પણ ડાન્સ પૂરો કર્યો. અર્પિતા પણ બરાબર નાચી.
ડાન્સ ટીચર રચના અને અર્પિતાના ડાન્સનો વિડીયો લઇને જ ગયા.
વીણાને કામ હતું એટલે તે બંનેનો આભાર માનીને નીકળી ગઇ.
"રચના, કાલે વાંધો નહીં આવે ને?" અર્પિતાએ ડર વ્યક્ત કર્યો.
"ના..ના.. હું કરી લઇશ." રચના આત્મવિશ્વાસ બતાવતી હોય એમ બોલી તો ખરી પણ અંદરથી તે ગભરાતી હતી. સતત ડાન્સ કરવાથી તેના પગ હવે વધારે દુ:ખતા હતા.
રચનાની મનોસ્થિતિ અર્પિતા સમજતી હતી. તેનું દર્દ ચહેરા પર આવી જતું હતું. એ જોઇ અર્પિતાને પોતાની યોજનાની સફળતાની ખુશી થતી હતી અને ખાસ સહેલી હોવાના નાતે દુ:ખ પણ થતું હતું.
અર્પિતાએ ઘરે આવી ફરી એક વખત કોઇને ફોન જોડ્યો.
"તમારી તૈયારી બરાબર છે ને?" પૂછીને તેની સાથે કેટલીક વાત કરી. પછી આવતીકાલની રાહ જોવા લાગી. આવતીકાલે કોલેજક્વીન સ્પર્ધા હતી. રાજીબહેનના વટનો સવાલ હતો. તેમની બે વિદ્યાર્થીની ભાગ લઇ રહી હતી. તેમને આજે ઊંઘ નહીં આવે એ અર્પિતા સમજતી હતી. અર્પિતા આજે આરામથી ઊંઘવાની હતી. આવતીકાલનું બધું આયોજન રાજીબહેને કરી દીધું હતું. ત્યારે અર્પિતાની આવતીકાલની સ્ક્રિપ્ટ અલગ જ હતી. અર્પિતા તન અને મનથી આવતીકાલ માટે નિરાંત રાખીને મીઠી નીંદરમાં પોઢી ગઇ.
આજે કોલેજક્વીન સ્પર્ધા હતી એટલે રચના વહેલી ઊઠી ગઇ હતી. તેને હવે ઠીક લાગતું હતું. રાજીબહેનનો મેસેજ આવી ગયો હતો કે થોડીવારમાં તૈયાર થઇને નીકળવાનું છે. બ્યુટીપાર્લરવાળીને કોલેજ પર બોલાવી હતી. સામાન્ય મેકઅપ કરી તૈયાર થઇને અહીંથી નીકળવાનું હતું.
રચના ઝડપથી તૈયાર થવા લાગી. તેને થયું કે અર્પિતા ઊઠી હશે કે નહીં? તેનો અવાજ આવ્યો નથી. આજે તો ખુશીનો દિવસ છે. અર્પિતાના માથે કોલેજક્વીનનો તાજ હશે. અને પોતે બીજા નંબર પર આવી જશે. પ્રિંસિપલ રવિકુમારે પૂછાવાના હતા એ બધા જ સવાલના જવાબો આપી દીધા હતા. અને ડાન્સની ઠીક ઠીક તૈયારી કરી લીધી હતી. રચનાને પોતાના શરીરની નબળાઇની થોડી ચિંતા હતી. દવા લીધા પછી થોડું સારું લાગતું હતું. છતાં શરીરમાં જે ઉત્સાહ અને તાજગી હોવા જોઇએ એ અનુભવાતા ન હતા. પછી તેને થયું કે રાજીબહેન છે ને! એ બધું સંભાળી લેશે. પણ આ અર્પિતા આજે ક્યાં મરી ગઇ? લાગે છે મારે જ બૂમ મારવી પડશે.
રચના હજુ વિચારતી હતી ત્યાં એક મોટો ધડાકો સંભળાયો. તેને લાગ્યું કે અર્પિતાના રૂમમાંથી જ અવાજ આવ્યો છે. શું થયું હશે? બંદૂકની ગોળીનો હોય એવો લાગતો નથી. એમ વિચારતી તે અર્પિતાના રૂમ તરફ દોડી. રેડલાઇટ બંગલામાં ઉપરના ભાગેથી મોટો અવાજ સંભળાતા રાજીબહેન પણ ચોંકીને બંગલાની બહાર આવી ગયા હતા. તેમણે રચનાને અર્પિતાના રૂમ તરફ દોડતી જોઇ એટલે ખ્યાલ આવી ગયો કે જે કંઇ બન્યું છે એ અર્પિતાના રૂમમાં જ હશે. કોઇ દિવસ ઉપર જવાના દાદર ના ચઢનાર રાજીબહેન ડર અને શંકા સાથે ઝડપથી પગથિયાં ચઢી રહ્યા હતા.
***
શું થયું હશે અર્પિતાના રૂમમાં? કોલેજક્વીન સ્પર્ધામાં કોણ કેવો પર્ફોર્મન્સ આપશે? કોણ બનશે કોલેજક્વીન? અર્પિતાની યોજના શું હતી? તે કેટલી સફળ રહેશે? હરેશભાઇ હવે આગળ શું કરશે? એ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.
***