ભાગ - ૮
અનીલ : "કેમ છો સુરેશભાઈ ?" (અનિલે ઉત્સાહ દર્શાવતા પૂછ્યું)
સુરેશભાઈ : "બસ, એકદમ ફાઈન, તમે કેમ છો ? કેમ આજે અચાનક આટલી મોડી રાત્રે ફોન ? તમારે તો રાત્રીના ૧૨:૩૦ થવા આવ્યા હશે ! બધું બરાબર તો છે ને ?"
અનીલ : "હા, બધું જ ઓકે છે. તમારા લંડન વાળા સાથે અમારે દિવસ હોય ત્યારે વાત ક્યાં થઇ શકે છે ? એટલે અમારે તો તમારી સાથે વાત કરવા માટે રાત્રે મોડા સુધી તો જાગવું પડે ને !"
સુરેશભાઈ : "હા, એ વાત સાચી હો, અમારો દિવસ તો કેમનો પૂરો થઇ જાય ખબર જ નથી પડતી, એક નવી મોટેલ શરુ કરી રહ્યા છીએ, તો એના કામ કાજ માં ખુબ જ બીઝી રહીએ છીએ હમણાં તો. રોહિત પણ સવારથી ત્યાં છે હજુ પાછો નથી ફર્યો એનો જ વેઇટ કરીને બેસી રહ્યા છીએ. એ આવે પછી બધા સાથે ડીનર લઈશું."
અનીલ : "ઓહો, સરસ... તમે તો દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યા છો એ જાણી આનંદ થયો. તો હવે એમ કહો કે આ નવી મોટેલની પાર્ટી ક્યારે આપો છો ?"
સુરેશભાઈ : "ઇન્ડિયા આવું એટલે પાર્ટી પાકી જ સમજો, હું હમણાં તો નહિ આવું પણ રોહિતને ઇન્ડિયા મોકલું છું, એને ઘણા વર્ષો થઇ ગયા છે ઇન્ડિયા આવે, અને એ કામમાં એટલો વળગેલો છે કે પોતાના માટે પણ રજા જ નથી લેતો. એટલે આ વખતે એને ઇન્ડિયા મોકલવો છે મીની વેકેશન પણ એને મળી જાય અને એ બહાને અવંતિકાને પણ મળી લેવાય. બરાબરને ?"
અનીલ : "આ તો ખુબ જ સરસ વિચાર છે તમારો, અને અમે પણ ખાસ એજ પૂછવા માટે ફોન કર્યો હતો કે રોહિત ક્યારે ઇન્ડિયા આવે છે ? પણ તમે જ અમને સમાચાર આપી ખુશ કરી નાખ્યા. ક્યારે આવે છે એ ?"
સુરેશભાઈ : "આવતા વિકમાં એની ટિકિટ છે, ગુરુવારની ફ્લાઈટમાં એ ઇન્ડિયા આવી જશે."
અનીલ : "ઓકે, તો હવે રોહિતને અમે લેવા માટે એરપોર્ટ જઈશું, અને એ અમારા ઘરે જ રહેશે."
સુરેશભાઈ : "અરે.. ના..ના.... રોહિતને એવી તકલીફ આપવી નહિ ગમે, એને તો પહેલાથી જ હોટેલ લેન્ડમાર્કમાં બુકિંગ કરાવી પણ દીધું છે."
અનીલ : "પોતાના ઘરનો દીકરો પોતાનું ઘર હોવા છતાં પણ હોટેલમાં રહે એ કેમ ચાલે ? અને અમારે ક્યાં તકલીફ થવાની છે, આવડું મોટું ઘર છે એ હોટેલથી થોડું ઓછુ છે ?"
સુરેશભાઈ : "અભાર તમારો અનિલભાઈ પણ રોહિતને આ બધું હમણાં નહિ ગમે, એકવાર તમારો જમાઈ બની જવાદો પછી તમારા ઘરે જ રાખજો.." (હા હા હા કરતાં સુરેશભાઈ હસવા લાગ્યા સામા છેડે અનિલ પણ સુરેશભાઈની વાત સાંભળી હસવા લાગ્યા.)
અનીલ : "ઓકે, ચાલો જેવી અમારા જમાઈની ઈચ્છા.." (અનીલે પણ હસતા હસતા વાત આગળ વધારી.)
સુરેશભાઈ : "ઓકે ચાલો ત્યારે રોહિતને ફોન કરું હવે કેટલે રહ્યો નહિ તો કામમાં જમવાનું પણ યાદ નહિ રાખે. એટલે જ એને ખીલે બાંધી દેવાનું નક્કી કરી લીધું છે, એકવાર અવંતિકા આ ઘરમાં આવી જાય પછી એ સમયસર ઘરે આવી જશે."
અનીલ : "હા, હો, પરણ્યા પછી જીવન કેવું બદલાઈ જાય છે ? તમે અને હું જ જોવોને, પહેલા આખી રાત બહાર ફરતા હતા અને હવે તો સમયસર ઘરે પહોચવું પડે છે." (બંને પાછા હસવા લાગ્યા).
અનીલ : "ઓકે, ચાલો તમે રોહિતને ફોન કરો, અને જમી લો. જય શ્રી કૃષ્ણ."
સુરેશભાઈએ "જય શ્રી કૃષ્ણ" કહી ફોન મુક્યો, અવંતિકાના ઘરમાં અનીલ અને સુમિત્રા બંને ખુશ હતા, પણ અવંતિકા બનાવટી ખુશી સાથે ખુશ થવામાં સાથ આપી રહી હતી. થોડી વાર બધા સાથે બેસી અવંતિકા પોતાના રૂમમાં પાછી ફરી, ઊંઘતો આવતી નહોતી છતાં આંખો બંધ કરી અને વિચારવા લાગી, રોહનના વિચારો સતત મનને મુંઝવતા હતા.
આ તરફ રોહનની પણ રાતોની ઊંઘ હરામ થઇ ગઈ હતી, પોતાને હવે અવંતિકા વિના કઈ રીતે જીવવું એના જ વિચારો ચાલી રહ્યા હતા, પોતાના નિર્ણય માટે રોહન મક્કમ હતો, તેને નક્કી કરી રાખ્યું હતું કે અવંતિકાના લગ્નના થોડા દિવસ પહેલા અવંતિકાને સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ આપી અને લગ્નના દિવસે જ આ શહેરને છોડી દઈને જતું રહેવું, પણ અવંતિકાના લગ્ન સુધીનો સમય કાઢવો તેના માટે મુશ્કેલી ભર્યો હતો, રોજ સવારે ઉઠી પોતાના મિત્ર વરુણ સાથે ફર્યા કરતો, ક્યારેક તેની આગળ રડી પણ લેતો, વરુણ આ સમય દરમિયાન તેને એક સાચા મિત્રની જેમ સાચવી રહ્યો હતો, દિવસ આખો તે રોહનની સાથે જ રહેતો, એના જમવાનું પણ પૂરું ધ્યાન રાખતો, સતત તેનો ઉત્સાહ વધારતો રહેતો હતો, અને રોહને લીધેલા નિણર્ય બદલવા માટે પણ કહ્યા કરતો હતો, પણ રોહન પોતાના નિર્ણય માટે તટસ્થ છે એમ જ જણાવી બીજી વાતો કરવાનું કહેતો, રોહન ક્યાં જશે ? શું કરશે ? એની કોઈને ખબર નહોતી, રોહન ખુદ પણ જાણતો નહોતો કે હવે પોતે આગળ શું કરવું છે, બસ આ શહેરને છોડી દેવું છે એજ ખબર હતી.
અવંતિકાએ પોતાનો નિર્ણય લઇ લીધો હતો, અને એની સાથે બળજબરી કે કોઈ પણ પ્રકારની ધમકી આપી અને પોતે એને પામવા નહોતો માંગતો, રોહન ખુબ જ સમજુ છોકરો હતો, આજના યુવાનોની જેમ મોજ શોખ માટે કોઈ છોકરી સાથે હરી ફરી એનો ફાયદો ઉઠાવી અને પછી છોડી દેવામાં તે માનતો નહોતો, રોહન પ્રેમને એક ભક્તિ માનતો હતો, માટે અવંતિકા સાથે આટલા સમયનો સાથ હોવા છતાં પણ ક્યારેય એનો ફાયદો ઉઠાવ્યો નહોતો, બંને વચ્ચે પહેલું ચુંબન પણ અવંતિકાની મરજીથી થયું હતું. સાવ ભોળો લાગતો રોહન બુદ્ધિવાન હતો, અને પોતાની જાતે કંઇક કરવાની આવડત ધરાવતો હતો, કોઈની આગળ ક્યારેય હાથ નહોતો લંબાવતો, અને એ બધા કારણોના લીધે જ અવંતિકા રોહન તરફ આકર્ષાઈ હતી.
રાત્રીના અંધકારમાં કોલેજના એ દિવસનો યાદ રોહનના મનમાં તાજી થઇ રહી હતી, કેવી રીતે અવંતિકા સાથે તેની મુલાકાત થઇ ? રોજ વણકહ્યા શબ્દોમાં કેટ કેટલી વાતો આંખોથી જ કરી લેતા હતાં એ બધું આંખો સામે તાજું થવા લાગ્યું.....
કોલેજનો પહેલો જ દિવસ હતો, અવંતિકા પોતાનું એકટીવા લઇ અને કોલેજ પહોચી હતી, સુંદર ચહેરો અને લાંબા વાળ એની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા, પ્રમાણસરની ઉંચાઈ, શરીર પણ મધ્યમ, ખાતા પિતા ઘરની એક સુખી સપન્ન છોકરી, કપડામાં પણ એક સાદાઈ હતી, બ્લેક કલરના ડ્રેસમાં તે વધુ સુંદર લાગી રહી હતી. ચહેરા ઉપર સહેજ પણ અભિમાનનો ભાવ નહિ, ચહેરા પર ચમકતી નિર્દોષતા એના સ્વભાવનો પરિચય આપી રહી હતી. કોલેજમાં આવી અવંતિકા પોતાનો ક્લાસ નોટીસબોર્ડ ઉપર શોધી રહી હતી, કોલેજમાં બેઠેલા મોટા ભાગના છોકરાઓની નજર અવંતિકા તરફ જ હતી, એ છોકરાઓની અંદરો અંદર કોમેન્ટ પણ પસાર થવા લાગી હતી, બ્લેક કલરના ગોગલ્સ અને અમીર બાપના એક છોકરા એ કહ્યું : "યાર, શું છોકરી છે ? ભગવાન કરે આ આપણા જ ક્લાસમાં આવે." બાજુમાં બેઠેલા તેના એક મિત્ર એ તરત કહ્યું : "તું ક્લાસમાં થોડો લેકચર ભરવા જવાનો છે ?" "અરે યાર, જો આવી છોકરી મળતી હોય તો હું પણ રોજ ક્લાસમાં જતો થઇ જાઉં." બધા છોકરાઓ સાથે મળી હસવા લાગ્યા.
અવંતિકા પોતાનો ક્લાસ શોધી અને એ તરફ ચાલવા લાગી. ક્લાસ હજુ શરુ થયા નહોતા, ક્લાસમાં પ્રવેશતાની સાથે જ પહેલી બેંચ ઉપર બેઠેલા રોહન ઉપર તેની નજર પડી, નજર પણ એટલા માટે જ પડી કે ક્લાસમાં બધા નવા આવેલા છોકરા છોકરીઓ પોતાના મિત્રો સાથે વાતો કરી રહ્યા હતા અને રોહન બધાથી અલગ બેઠો બેઠો હાથમાં ચેતન ભગતની નવલકથા "રેવોલ્યુશન ૨૦૨૦" વાંચી રહ્યો હતો. રોહન પણ બધાથી સાવ અલગ જ હતો, પાસેથી નીકળતી અવંતિકાને પણ તેની જોઈ સુદ્ધાં નહિ, જ્યાં બીજી તરફ કોલેજ ના બધા જ છોકરાઓ અવંતિકાની સામે એકીટશે જોઈ રહેતા હતાં ત્યાં રોહન સાવ જુદી પ્રકૃતિનો જ વ્યક્તિ દેખાયો. અવંતિકાને મનોમન થયું કે આ એક વ્યક્તિ મિત્રતા કરવા યોગ્ય લાગે છે, પણ હજુ એના વિષે એ કઈ જ જાણતી નથી, અને એકદમ કોઈ ઉપર વિશ્વાસ કરવો એ પણ યોગ્ય ના ગણાય એમ અવંતિકા માનતી હતી. પણ રોહનના આ ગુણે અવંતિકાના મનમાં પોતાની એક સારી છાપ ઉભી કરી હતી.
અવંતિકા સાથે સ્કુલમાં ભણતી તેની એક મિત્ર સરસ્વતી એજ ક્લાસમાં હતી, અવંતિકાને જોતા જ એને બોલાવી પાસે બેસાડી. અવંતિકાને હવે એકલું લાગે એમ નહોતું. કલાસમાં બંને સાથે જ બેઠા અને રોહન પહેલી બેંચ ઉપર બેસીને જ ધ્યાન પૂર્વક ભણી રહ્યો હતો, અવંતિકા થોડા થોડા સમયે એને જોઈ રહી હતી. ક્લાસ પૂર્ણ થતાં મોટા ભાગના છોકરા છોકરીઓ કેન્ટીન તરફ જવા લાગ્યા જયારે રોહન લાઈબ્રેરી તરફ ગયો, અવંતિકા અને સરસ્વતી પણ કેન્ટીન તરફ જ ગયા, રોહન લાઈબ્રેરીમાં બેઠો બેઠો વાંચી રહ્યો હતો, અવંતિકા પણ કેન્ટીનમાં જ્યુસ પી અને સરસ્વતીને લાઈબ્રેરીમાં જવા માટે કહ્યું, બંને લાઈબ્રેરી તરફ ગયા, ત્યાં રોહન પણ ખૂણા માં બેસી વાંચી રહ્યો હતો, અવંતિકા અને સરસ્વતી એક ટેબલ ઉપર જઈને બેઠા, બહુ ખાસ છોકરાઓ ત્યાં નહોતા, અવન્તીકાનું ધ્યાન રોહન તરફ ગયું. એને જોતા જ અવંતિકા મનોમન ઝીણા સ્વરે બોલવા લાગી. "બુક પૂરી કરી દેવાનો લાગે છે આજે." સરસ્વતીએ અવંતિકાની વાત સાંભળી લીધી, અને કહ્યું "ઓળખે છે તું આને ?" "ના હું નથી ઓળખતી, આ તો હું ક્લાસમાં આવી ત્યારે ક્લાસમાં બધા વાતો કરતાં હતા અને આ મહાશય નોવેલ વાંચવામાં વ્યસ્ત હતાં એટલે યાદ રહી ગયા." જવાબ આપતા અવંતિકાએ કહ્યું. બંને પોતાના સ્કુલ સમયની વાતોમાં વ્યસ્ત થઇ ગયા, રોહન પણ ત્યાંથી નીકળી ગયો એની અવંતિકાને ખબર જ ના રહી, કૉલેજ છૂટ્યા બાદ અવંતિકા પોતાનું એકટીવા લઇ પાછી ઘર તરફ નીકળી.
રસ્તામાં એક સિગ્નલ પાસે ટ્રાફિક હોવાથી અવંતિકાએ એકટીવા થોભ્યું, ત્યાં આજુ બાજુ નજર ફેરવતા તેની નજર એક દુકાનમાં ગઈ. તમાં એક વ્યક્તિ મહિલાને સાડી બતાવી રહ્યો હતો. એ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ કોલેજમાં જે નોવેલ વાંચી રહ્યો હતો તે રોહન જ હતો. સિગ્નલ ખુલતા અવંતિકાને વિચારવાનો સમય ના મળ્યો......
(વધુ આવતા અંકે....)
નીરવ પટેલ “શ્યામ”