બાજીગર
કનુ ભગદેવ
૧૩ - અસલી ગુનેગાર...!
નાગપાલ તથા ઇન્સ્પેકટર વામનરાવ અત્યારે પોલીસ હેડક્વાર્ટરમાં બાજીરાવના કેસ અંગે ચર્ચા કરતા બેઠા હતા.
‘હું અંદર આવી શકું છું સાહેબ...?’ સહસા ઓફિસના પ્રવેશદ્વાર તરફથી એક નરમ અને શિષ્ટાચારભર્યો અવાજ આવ્યો.
બંનેએ ચમકીને દ્વાર તરફ જોયું.
દ્વાર પર આશરે છવીસેક વર્ષનો કોમળ તથા આકર્ષક ચહેરો ધરાવતો એક યુવાન ઉભો હતો. એણે ખાદીનું સફેદ પેન્ટ તથા ખાદીનો ઝભ્ભો પહેર્યો હતો.
આગંતુક કોઈક કલાકાર છે એવું અનુમાન નાગપાલે તેના ચહેરા અને પહેરવેશ પરથી કર્યું.
‘આવો મિસ્ટર...’એણે તેને આવકાર આપતાં કહ્યું.
આગંતુક યુવાન અંદર પ્રવેશીને તેમની નજીક પહોંચ્યો.
‘ફરમાવો મિસ્ટર...!’ વામનરાવે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતા કહ્યું.
‘મારું નામ અતુલ રાણા છે અને હું અતુલનો મિત્ર છું...હું અહીં અતુલને મળવા માટે આવ્યો છું...આમ તો મારે ગઈકાલે રાત્રે જ આવવું હતું પરંતુ રાત્રે એક પેઇન્ટિંગ પૂરું કરવાનું હતું ઉપરાંત રાત્રે આપ સાહેબો એને મળવાની મંજુરી આપશો કે કેમ, તે અંગે પણ મને શંકા હતી. હવે જો આપ અતુલ સાથે મારો મેળાપ કરાવી આપો તો આપનો ખુબ આભારી થઈશ. અત્યારે તેને આશ્વાસનની ખુબ જ જરૂર છે, જે હું જ આપી શકું તેમ છું. આપ તો સાચા ગુનેગાર બાજીગરને પકડવાને બદલે અતુલ તથા મંદાકિનીભાભીને પકડીને બેસી ગયા છો !’
‘મિસ્ટર અનુપ...!’ નાગપાલે ગંભીર અવાજે કહ્યું, ‘બાજીગરને પકડવાના અમારા પ્રયત્નો ચાલુ જ છે ! અમે પગ પર પગ ચડાવીને નથી બેઠા....ખેર, તમારે અતુલને મળવાની ઈચ્છા છે તો મળી લો....!’
ત્યારબાદ એણે એક સિપાહીને તેની સાથે મુલાકાતી ખંડમાં મોકલ્યો.
સિપાહી તેને મુલાકાતી ખંડની બેરેક સુધી મુકીને ચાલ્યો ગયો.
બેરેકના સળિયા પાછળ અતુલ ઉભો હતો.
અનુપ પર નજર પડતાં જ તેની આંખોમાં આંસુ ચમકી ઉઠ્યા.
‘દોસ્ત અનુપ...!’ એ ગળગળા અવાજે બોલ્યો.
‘અતુલ...!’અનુપે આગળ વધી, સળિયા પર જકડાયેલો એનો હાથ પકડીને સ્નેહભર્યા અવાજે કહ્યું. ‘તે તથા ભાભીએ કિરણનું ખૂન નથી કર્યું એની મને ખબર છે. બાજીગર નામના શયતાને તમને બંનેને કિરણના ખૂનના આરોપમાં ખોટે ખોટા ફસાવી દીધાં છે, એ હું જાણું છું.’
‘પરંતુ પુરાવાઓ અમારી વિરુદ્ધ છે અનુપ...! કાયદો અમને ફાંસીની સજા કરશે અથવા તો પછી આજીવન કેદની સજા ફટકારશે. અમને સજા થતાં દુનિયાની કોઈ તાકાત નહીં બચાવી શકે...!’
‘એવું ન બોલ દોસ્ત...!’ અનુપ ગળગળા અવાજે બોલ્યો.
‘સંજોગો જોતાં આ સિવાય હું બીજું કહી પણ શું શકું તેમ છું અનુપ...?’
‘તારે નિરાશ થવાની જરૂર નથી અતુલ....! હિંમત અને ધીરજ રાખ...! કોઈ વાતની ફિકર ન કર...! તારો આ દોસ્ત હજુ જીવતો જ બેઠો છે. હું તારે માટે મોટામાં મોટો વકીલ રોકીશ....એ તને સજામાંથી બચાવી લેશે એની મને પૂરી ખાતરી છે. જરૂર પડ્યે તને બચાવવા માટે હું મારી જાતને પણ વેચી નાખીશ...!પરંતુ મહેરબાની કરીને તું આવી નિરાશાભરી વાત છોડી દે...! આ દુનિયામાં તારા સિવાય મારું બીજું છે પણ કોણ ? તારા વગર જીવવાની તો હું કલ્પના પણ કરી શકું તેમ નથી...!’ કહેતાં કહેતાં અનુપનો અવાજ ગળગળો થઇ ગયો. એની આંખોમાં આંસુ ચમકવા લાગ્યા, ‘બસ, તું ધીરજ રાખજે...! હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં...!’
‘શબ્દોરૂપી આ સુંદર રમકડાથી મને ન ફોસલાવ અનુપ...!’ અતુલ ઉદાસ અવાજે બોલ્યો, ‘તું તો શું, ભગવાન પણ અમને બચાવી શકે તેમ નથી.’
‘દોસ્ત...!’ અનુપ પૂર્વવત રીતે ગળગળા અવાજે બોલ્યો, ‘ભગવાન ભલે તને ન બચાવી શકે તેમ હોય પણ હું જરૂર બચાવી લઈશ એની તું ખાતરી રાખજે...!’
અનુપની લાગણીભરી વાત સાંભળીને અતુલ રડી પડ્યો.
‘આ શું દોસ્ત...? તું રડે છે..? તારા આંસુ લુછી નાખ અતુલ...! રડવાનું કામ તો કાયરોનું છે...અને તું કાયર નથી એની મને ખબર છે. તું બસ હિંમત રાખ...! બાકીનું બધું હું સંભાળી લઈશ.’
અતુલે હળવેથી પોતાના આંસુ લુછી નાખ્યા.
એ જ વખતે સંત્રીએ આવીને મુલાકાતનો સમય પૂરો થયાની જાણ કરી.
અતુલને ફરીથી હિંમત રાખવાનું કહીને અનુપ ચાલ્યો ગયો.
***
ધરમદાસ પોતાની કારમાંથી ઉતરીને કાશીનાથના બંગલામાં પ્રવેશ્યો.
અંદર પ્રવેશતાં જ એની મુલાકાત રામલાલ સાથે થઇ.
‘નમસ્તે સાહેબ..!’ એ બંને હાથ જોડીને તેને નમસ્કાર કરતા આદરપૂર્વક અવાજે બોલ્યો.
‘નમસ્તે રામલાલ...! કાશીનાથ શું કરે છે ?’
‘સાહેબ તો સુતા છે !’
‘કમાલ કહેવાય...! હજુ સુધી સુતો છે ? આઠ વાગી ગયા છે !’
‘હા, તેઓ રાત્રે મોડા સુતા હતા.’
‘મોડી રાત સુધી શરાબ ઢીંચતો રહ્યો હશે...!’
‘જી, હા...’
‘વધારે પડતો પીવાઈ ગયો હશે એટલે તેનામાં ઉઠવાની શક્તિ નહીં હોય ! હું જ તેને ઉઠાડું છું !’
રામલાલ ધીમેથી માથું હલાવીને રહી ગયો.
ધરમદાસ ઉપર લઇ જતી સીડીના પગથિયાં ચડવા લાગ્યો.
કાશીનાથનો શયનખંડ બીજા માળ પર હતો.
ધરમદાસ શયનખંડમાં પ્રવેશ્યો તો એના પગ બારણા પાસે જ જડાઈ ગયા.
શ્વાસ અટકી ગયો અને શરીર પરસેવે રેબઝેબ બની ગયું.
એના ચહેરા પર ભય, ખોફ અને દહેશતના હાવભાવ છવાઈ ગયા.
સામે જ પલંગ પર કાશીનાથનો મૃતદેહ પડ્યો હતો.
મૃતદેહનું મોં દરવાજા તરફ હતું.
એની ખુલ્લી ફટાક આંખો દરવાજા સામે જ જડાયેલી હતી.
એની છાતીમાં ગોળી ઝીંકીને તેનું ખૂન કરવામાં આવ્યું હતું.
છાતીમાંથી નીકળેલું લોહી સુકાઈ ગયું હતું. જેના પરથી સ્પષ્ટ થતું હતું કે એનું ખૂન થયાને ઘણો સમય વીતી ગયો હતો.
કાશીનાથનું ખૂન બાજીગરે કર્યું છે, એવું અનુમાન કરવું ધરમદાસ માટે મુશ્કેલ નહોતું.
વળતી જ પળે એના મોંમાંથી ચીસ નીકળી ગઈ.
એની ચીસ સાંભળીને બંગલાના નોકરો ત્યાં દોડી આવ્યા.
કાશીનાથનો મૃતદેહ જોઇને તેઓ એકદમ હેબતાઈ ગયા.
ધરમદાસે તાબડતોબ રૂમ બંધ કરાવી દીધો.
પછી તે નીચે ડ્રોઈંગરૂમમાં પહોંચ્યો.
એણે આગળ વધીને ટેલીફોનનું રિસીવર ઊંચક્યું અને નાગપાલનો નંબર મેળવ્યો.
’હલ્લો...મેજર નાગપાલ સ્પીકિંગ...!’ સામે છેડેથી નાગપાલનો અવાજ તેના કાને અથડાયો.
‘નાગપાલ સાહેબ, હું ધરમદાસ બોલું છું.’
‘શું વાત છે મિસ્ટર ધરમદાસ...? તમારો અવાજ આટલો ગભરાયેલો શા માટે છે ?’
‘વાત ન પૂછો નાગપાલ સાહેબ...!’
‘પણ થયું છે શું...?’
‘નાગપાલ સાહેબ, ગઈકાલે રાત્રે મારા મિત્ર અને વેવાઈ કાશીનાથનું ખૂન થઇ ગયું છે.’
‘શું...?’
‘હા, એના શયનખંડમાં જ તેનો મૃતદેહ પડ્યો છે.’
‘મૃતદેહ સૌથી પહેલાં તમે જ જોયો હતો ?’
‘જી, હા...’
‘અર્થાત્ તમે મિસ્ટર કાશીનાથને ત્યાંથી જ બોલો છો ખરું ને ?’
‘હા...’
‘શું મિસ્ટર કાશીનાથનું ખૂન બાજીગરે કર્યું હોય એવું તને લાગે છે ?’
‘જરૂર...! આ કામ એના સિવાય બીજા કોઈનું ય નથી નાગપાલ સાહેબ !’
‘આવું તમે કયા આધારે કહો છો ?’
‘એણે પરમ દિવસે અમને ધમકી આપી હતી કે એ પોતાના હાથેથી જ અમારા ખૂન કરશે.’
ત્યારબાદ ધરમદાસે પરમ દિવસે બાજીગર સાથે થયેલી વાતચીતની વિગતો નાગપાલને જણાવ્યા પછી ઉમેર્યું.
‘નાગપાલ સાહેબ, બાજીગર પોતાના કથન મુજબ કાશીનાથનું ખૂન કરી ચુક્યો છે. હવે એ મને પણ નહીં છોડે !’
‘મિસ્ટર ધરમદાસ, બાજીગરે તમને આવી ધમકી આપી અને છતાંય તમે મને એની જાણ ન કરી ?’
‘નાગપાલ સાહેબ, અમે બંને એકદમ નર્વસ બની ગયા હતા એટલે આપને જાણ કરવાનું અમને સુઝ્યું જ નહીં. હવે આપ અહીં આવો છો ને ?’
‘હા...એ તો આવવું જ પડશે ને ...?’ કહીને સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઇ ગયો.
ધરમદાસે પણ રિસીવર મૂકી દીધું.
ત્યારબાદ તે એક સિગારેટ સળગાવીને ધીમે ધીમે તેના કસ ખેંચવા લાગ્યો.
થોડીવારમાં જ નાગપાલ, ઇન્સ્પેકટર વામનરાવ, પોલીસ ફોટોગ્રાફર, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વિગેરે આવી પહોંચ્યા.
ફોટોગ્રાફર તથા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટનું કામ પતી ગયા પછી નાગપાલ શયનખંડમાં પ્રવેશ્યો.
એણે પહેલાં કાશીનાથના મૃતદેહનું અને પછી શયનખંડનું બારીકાઈથી અવલોકન કર્યું.
પરંતુ ખૂની પોતાના વિરુદ્ધ કોઈ પુરાવો નહોતો મૂકી ગયો.
નાગપાલના ચહેરા પર નિરાશા ફરી વળી.
એણે બંગલાના નોકરો તથા ચોકીદારની પૂછપરછ કરી.
પરંતુ તેમની પાસેથી પણ ખાસ કશું જાણવાનું ન મળ્યું.
કાશીનાથના ખૂનકેસમાં આગળ વધવામાં મદદરૂપ નીવડે એવો કોઈ મુદ્દો કે આધાર ન મળ્યો.
ખૂની કમ્પાઉન્ડ વોલ કુદી, અંદર પ્રવેશી, કાશીનાથનું ખૂન કરીને આવ્યો હતો એ જ રીતે ચુપચાપ પાછો ચાલ્યો ગયો છે, એવું અનુમાન કરવું તેને માટે મુશ્કેલ નહોતું.
ખૂની ખુબ જ ચાલાક અને હોશિયાર હતો.
નાગપાલે કમ્પાઉન્ડ વોલની પણ તપાસ કરી.
પરંતુ ખૂનીના પગલાની છાપ સુધ્ધાં ન મળી.
‘નાગપાલ સાહેબ....!’ એની કાર્યવાહી જોઇને ધરમદાસ ધૂંધવાતા અવાજે બોલ્યો, ‘આપ નાહક જ આપનો સમય વેડફો છો, મેં આપને કહ્યું તો ખરું કે કાશીનાથનું ખૂન બાજીગરે કર્યું છે ! આપ એ કમજાતના પડછાયાને પણ નહીં પકડી શકો એવું મને લાગે છે !’
‘હું બાજીગરની વિરુદ્ધ જ પુરાવો શોધું છું મિસ્ટર ધરમદાસ !’ નાગપાલે શાંત અવાજે કહ્યું.
‘કોઈ પુરાવો મળ્યો...?’
‘ના...’
‘મળશે પણ નહીં...! એ ખુબ જ ખતરનાક અને ચાલાક છે...! પોતાની વિરુદ્ધ કોઈ પુરાવો નથી છોડતો....!’
ધરમદાસની વાત સાંભળીને નાગપાલના જડબા ભીંસાયા.
‘બાજીગર ક્યારેય પકડાય એવું મને નથી લાગતું નાગપાલ સાહેબ !’
‘એક ને એક દિવસ તો એ જરૂરથી પકડાશે...!’
‘મને ભરોસો નથી બેસતો.’
‘વામનરાવ ...!’ એની વાતનો જવાબ આપ્યા વગર નાગપાલ વામનરાવને ઉદ્દેશી બોલ્યો.
‘જી, નાગપાલ સાહેબ...!’
‘મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની વ્યવસ્થા કર!’
‘ઓ.કે....’ કહીને વામનરાવ બહાર નીકળી ગયો.
‘નાગપાલ સાહેબ, હવે જો મારું કામ ન હોય તો મને પણ રજા આપો !’ ધરમદાસ બોલ્યો.
‘કેમ...?’
‘મારે હજુ હેડક્વાર્ટરે જઈને આ સમાચાર મંદાકિનીને પણ આપવા પડશે.’
‘ભલે જાઓ...પણ જતાં પહેલાં વામનરાવને જુબાની નોંધાવી દેજો.’
‘જરૂર...’
ત્યારબાદ ધરમદાસ વામનરાવ પાસે જુબાની નોંધાવીને પોલીસ હેડક્વાર્ટરે પહોંચ્યો.
એણે દુઃખી હૃદયે કાશીનાથના અવસાનના સમાચાર મંદાકિનીને આપ્યા.
સમાચાર સાંભળીને મંદાકિની ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
‘મંદાકિની...!’ ધરમદાસ તેને આશ્વાસન આપતાં ગમગીન અવાજે બોલ્યો, ‘રડવાથી તારા પિતાજી પાછા નથી આવવાના ! માત્ર એ જ શા માટે...? આ દુનિયામાં મૃત્યુ પામનાર કોઈ માનવી પાછો નથી ફરતો ! તારી જાત પર કાબુ મેળવ...! હિંમત રાખ...! આપણા નસીબમાં ભગવાને તેનો આટલો જ સાથ લખ્યો હતો. વિધાતાના લેખમાં કોઈ જ મેખ નથી મારી શકતું. ભાગ્યમાં જે લખ્યું હોય તે બનીને જ રહે છે. કદાચ મારા નસીબમાં પણ બાજીગરના હાથેથી મરવાનું લખ્યું છે !’
‘ભગવાનને ખાતર એવું ન બોલો પિતાજી...!’
‘મંદાકિની...’
‘તમે એક કામ કરો...!’
‘શું...?’
‘તમારી સલામતીની વ્યવસ્થા એકદમ મજબૂત બનાવી દો....!’
‘બાજીગર માણસ નહીં પણ ભૂત છે...! એ ગમે તે રીતે મારા સુધી પહોંચી જશે.’
‘પિતાજી...બાજીગર માત્ર આપણા કુટુંબોની પાછળ જ શા માટે પડ્યો છે ?’
‘એટલા જ માટે કે કદાચ આપણા માઠા દિવસો આવી ગયા છે.’
‘આ તમે શું કહો છો ?’
‘આ સિવાય હું બીજું કહી પણ શું શકું તેમ છું ?’
‘શું પોલીસ તેને પકડવાનો પ્રયાસ નથી કરતી ?’
‘પોલીસ પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરે જ છે !’
‘તો પછી એ શા માટે નથી પકડતો ?’
‘બાજીગર ખુબ જ હોશિયાર અને ચાલાક છે ...! એ કોઈનું પણ ખૂન કરીને હવાની જેમ અદૃશ્ય થઇ જાય છે. મને તો હવે પોલીસની પણ જરાય આશા નથી રહી. આજ સુધી જેનો કોઈએ ચહેરો પણ નથી જોયો, એને વળી પોલીસ કેવી રીતે પકડી શકવાની હતી ? કાશ...જો એ દિવસે હું મંદારગઢ ન ગયો હોત તો તને તથા અતુલને આવી મૂર્ખાઈ ન કરવા દેત...!’
‘બનવા કાળ બન્યે જ રાખે છે પિતાજી...!’
‘હા, એ તો છે જ...!’
ત્યારબાદ ધરમદાસ તેને આશ્વાસન આપીને ચાલ્યો ગયો.
એ સાંજે જ કાશીનાથના મૃતદેહના અંતિમ સંસ્કાર થઇ ગયા.
અંતિમ સંસ્કારમાં અતુલ, મંદાકિની ઉપરાંત અનુપે પણ ભાગ લીધો હતો.
અંતિમ સંસ્કારની વિધિ પૂરી થઇ ગયા બાદ અતુલ તથા મંદાકિનીને પુનઃ પોલીસ કસ્ટડીમાં લઇ જવામાં આવ્યા હતાં.
ધરમદાસ ઘેર પહોંચ્યો ત્યારે માનસિક તથા શારીરિક બંને રીતે ખુબ જ થાકી ગયો હતો.
એના મગજમાંથી કેમે ય કરીને બાજીગર ખસતો નહોતો.
રહી રહીને એની નજર સામે બાજીગરનો કલ્પિત ચહેરો તરવરી ઉઠતો હતો.
મગજને શાંત રાખવા એ શરાબ ઢીંચવા લાગ્યો.
એક ને એક દિવસ બાજીગર પોતાને પણ મારી નાખશે...કાશીનાથની જેમ નોકરોને પોતાનો મૃતદેહ પણ શયનખંડમાંથી મળી આવશે એવો તેને ભાસ થતો હતો.
મોતની કલ્પના માત્રથી જ એનાં રૂંવાડા ઉભા થઇ ગયા.
શરીર પરસેવાથી તરબતર થઇ ગયું.
સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.
જાણે પગ પાસે બોંબ ફૂટ્યો હોય એમ તે ચમકી ઉઠ્યો.
પછી ફોનની ઘંટડી વાગી છે એ વાતનું ભાન થતાં જ એણે મનોમન રાહત અનુભવી.
‘આ મને શું થઇ ગયું છે ...?’આમ બબડીને તે ઉભો થઈને ટેલીફોન પાસે પહોંચ્યો.
એણે રિસીવર ઊંચક્યું.
‘હલ્લો ...ધરમદાસ સ્પીકિંગ..તમે કોણ બોલો છો...? એણે નંખાઈ ગયેલા અવાજે પૂછ્યું.
‘હું તારું મોત એટલે કે બજોગર બોલું છું ધરમદાસ...!’ સામે છેડેથી બાજીગરનો પૂર્વપરિચિત અવાજ તેને સંભળાયો.
બાજીગરનો અવાજ પારખીને ધરમદાસનો રિસીવર વાળો હાથ કંપવા લાગ્યો.
ભયનું એક ઠંડુ લખલખું વીજળીના કરંટની માફક એના દેહમાં પગથી માથા સુધી ફરી વળ્યું.
આંખો અચરજમિશ્રિત ખોફ અને દહેશતથી ફાટી પડી.
‘ન...ના...’ એનો સાદ ફાટેલા વાંસની જેમ તરડાઇ ગયો.
‘ના કહેવાથી તારું મોત નથી ટળી જવાનું કમજાત...! એ તો નિશ્ચિત જ છે...!’
‘મને ..મને માફ કરી દે બાજીગર...!’ ધરમદાસ કરગરતા અવાજે બોલ્યો.
‘ધરમદાસ...મારા શબ્દકોશમાં માફી, રહેમ કે દયા જેવા શબ્દો નથી. એ તો તું જાણે જ છે ! જો હોત તો હું જરૂર વિચાર કરત પરંતુ નથી એટલે તને માફ કરવાનો સવાલ જ ક્યાં ઉભો થાય છે...! તારે જે કંઈ પુણ્યના કામો પતાવવાના હોય તે પતાવીને તારી પરલોક યાત્રાની તૈયારી કરી લેજે. મેં તારી ટિકિટનું બુકીંગ કરાવી લીધું છે. બિચારા કાશીનાથ તથા રાજનારાયણ ઉપર, ઈશ્વરના દરબારમાં તારા વગર પાણી વિનાની માછલીની માફક તરફડિયાં મારે છે. આજે જ મારા પર એ બંનેનો ફોન આવ્યો હતો. બિચારાઓ તારા વિયોગમાં રડતાં રડતાં કહેતાં હતા કે ભાઈ બાજીગર, અમને અહીં અમારા જીગરજાન મિત્ર ધરમદાસ વગર ક્યાંય ચેન નથી પડતું. અમને બધું એકલું લાગે છે ...! તું ગમેતેમ કરીને એને તાબડતોબ અમારી પાસે મોકલી આપ..! અમે તો હવે અહીંથી ધરમદાસ પાસે પહોંચી શકીએ તેમ નથી. પણ ધરમદાસ જરૂર અમારી પાસે આવી શકે તેમ છે. માટે એને જ મોકલી આપ...!તેમનું રુદન જોઇને મને તેમના પર ખુબજ દયા આવી ગઈ. પહેલાં મેં તારે માટે એક મહિના પછીની ટીકીટ બુક કરાવી હતી પરંતુ એ ટીકીટ કેન્સલ કરાવી, માંડ માંડ લાગવગ વાપરીને મેં ત્રણ દિવસ પછીનું બુકીંગ કરાવ્યું છે અને એ પણ કન્ફર્મ ટીકીટ તો નથી જ મળી. વેઈટીંગ લિસ્ટમાં તારો નંબર છે. પણ તારે ગભરાવાની જરૂર નથી. હું ગમેતેમ કરીને તારી ટીકીટ તો કન્ફર્મ કરાવી જ લઈશ. પછી ભલે, મારે તને છેક સુધી મુકવા આવવું પડે....! મારી વાત સમજે છે ને તું...? તારી પાસે ત્રણ દિવસનો સમય છે...! ત્રણ દિવસમાં, હું ગમે ત્યારે કોઈપણ ઘડીએ તારી પાસે રૂબરૂમાં આવીશ અને તને તારું મોત ભેટ તરીકે આપીશ...!ઓ.કે....?’
વળતી જ પળે સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઇ ગયો.
ધરમદાસના હાથમાંથી રિસીવર છટકીને આપોઆપ જ ક્રેડલ પર ગોઠવાઈ ગયું.
એ લથડતાં પગે આગળ વધીને સોફા પર ફસડાઈ પડ્યો.
શું કરવું ને શું નહીં, એ તેને કશું જ સૂઝતું નહોતું. એની બુદ્ધિ બહેર મારી ગઈ હતી. એ જેમ જેમ બાજીગરને ભૂલવાનો પ્રયાસ કરતો હતો, તેમ તેમ તે વધુ ને વધુ યાદ આવતો જતો હતો.
એણે ઉપરા ઉપરી વ્હીસ્કીના બે મોટા પેગ ગળા નીચે ઉતાર્યા.
ત્રણ સિગારેટો ફૂંકી નાખી.
ત્યારબાદ એનું મગજ કંઇક ઠેકાણે આવ્યું.
એ સહેજ સ્વસ્થ થયો.
પછી કંઇક વિચારીને તે ઉભો થઈને ટેલીફોન પાસે પહોંચ્યો.
એણે રિસીવર ઊંચકીને એક નંબર મેળવ્યો.
સામે છેડે થોડી પળો સુંધી ઘંટડી વાગ્યા બાદ રિસીવર ઊંચકાયું.
‘હલ્લો...મેજર નાગપાલ સ્પીકિંગ...!’ સામેથી નાગપાલનો ગંભીર સ્વર તેને સંભળાયો.
‘નાગપાલ સાહેબ, હું ધરમદાસ બોલું છું...!’
‘બોલો...’
‘નાગપાલ સાહેબ... હમણાં થોડીવાર પહેલાં બાજીગરે મને મારી નાખવાની મને ધમકી આપી છે...!’
‘શું...?’
‘હા...!’ ધરમદાસ હારેલા જુગારીની જેમ થાકેલા અવાજે બોલ્યો, ‘એણે ત્રણ દિવસમાં ગમે ત્યારે મને મારી નાખવાની ધમકી આપી છે...!’
‘તમે બેફિકર રહો મિસ્ટર ધરમદાસ...!’ સામે છેડેથી આવતો નાગપાલનો અવાજ મક્કમ હતો, ‘બાજીગર તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે !’
‘નાગપાલ સાહેબ, આપે કાશીનાથને પણ આમ જ કહ્યું હતું પરંતુ એ પણ બાજીગરના હાથે કમોતે માર્યો ગયો !’
‘મિસ્ટર ધરમદાસ...!’
‘શું મારી વાત ખોટી છે નાગપાલ સાહેબ...?’
‘ના...પણ...’
‘એણે રાજનારાયણ, કાશીનાથ અને મારા કુટુંબીજનોને પોતાના ષડ્યંત્રનો શિકાર બનાવ્યા.’ ધરમદાસ વચ્ચેથી જ તેની વાતને કાપી નાખતા બોલ્યો, ‘એણે કાશીનાથનું ખૂન કરી નાખ્યું...! પોલીસે એનું શું બગાડી લીધું...? બોલો, જવાબ આપો પોલીસે કંઈ કર્યું...? ના..રે, આપ તો એને ઓળખતાં પણ નથી...એના ચહેરાથી પરિચિત નથી...છતાંય બાજીગર મારો વાળ પણ વાંકો નહીં કરી શકે એવું ખોટું આશ્વાસન મને આપો છો...! આપની પાસે આશ્વાસન આપવા સિવાય હવે બીજું બાકી પણ શું રહ્યું છે ? આ આશ્વાસન આપતાં રહેશો ને એક દિવસ એ કમજાત આવીને મારું ખૂન કરી નાખશે. મારો નોકર આપને મારું ખૂન થઇ ગયાના સમાચાર આપશે . પછી આપ આવીને મારી લાશને પણ આવું જ આશ્વાસન આપી દેજો. બાજીગર મારો વાળ વાંકો કરે કે ન કરે, પરંતુ આપ એનો વાળ વાંકો નહીં કરી શકો એની મને પૂરી ખાતરી છે. આપ જોજો...! એ આરામથી મારું ખૂન કરીને ચાલ્યો જશે...! આપ જોતા રહી જશો...! નાગપાલ સાહેબ, આપનું મેં ખુબ જ નામ સાંભળ્યું હતું. આપની કામગીરી પર મને પૂરો ભરોસો હતો. આપની પાસેથી મેં બાજીગરને પકડવાની આશા રાખી હતી પરંતુ મારે ખુબ જ અફસોસ સાથે કહેવું પડે છે કે મારી આશા અત્યાર સુધી ઠગારી જ નીવડી છે. એ કમજાતથી બચવા માટે હવે મારી પાસે એક જ ઉપાય બાકી રહ્યો છે.’
‘શું..?’
‘એ જ કે હું આ શહેર છોડીને દુર દુર બાજીગરનો પડછાયો પણ ન પહોંચી શકે એવા કોઈક સ્થળે ચાલ્યો જઉં...!’
‘મિસ્ટર ધરમદાસ, બાજીગરના શિકાર હવે એક માત્ર તમે જ છો ! આ સંજોગોમાં એની નજર તમારા પર જ હશે ?’
‘હા, પણ આપ કહેવા શું માંગો છો ?’
‘એ જ કે જો તમે નાસી છુટવાનો પ્રયાસ કરશો તો એ તમારા સલામત સ્થળે પહોંચ્યા પહેલાં જ તમને મારી નાખશે.’
નાગપાલની વાત સાંભળીને ધરમદાસના ચહેરા પર લાચારીના હાવભાવ છવાઈ ગયા.
‘નાગપાલ સાહેબ તો પછી આપ જ જણાવો કે હવે મારે શું કરવું ?’ એણે પૂછ્યું.
‘મેં તમારા બચાવ અને બાજીગરની ધરપકડ માટે એક યોજના બનાવી છે.’
‘શું ?’
જવાબમાં સામે છેડેથી નાગપાલે તેને પોતાની યોજના કહી સંભળાવી.
નાગપાલની યોજના સાંભળ્યા પછી ધરમદાસે થોડી રાહત અનુભવી.
એની આંખોમાં આશાભરી ચમક પથરાઈ ગઈ.
***
દીપક નર્યા અચરજથી બાજીગરના નકાબ પહેરેલા ચહેરા સામે તાકી રહ્યો હતો.
જાણે બાજીગરની વાત પર ભરોસો ન બેઠો હોય એવા અવિશ્વાસના હાવભાવ તેના ચહેરા પર ફરકતા હતા.
‘હું જે કંઈ કહું છું, તે સાચું જ કહું છું દીપક...બાજીગરનો અવાજ બેહદ ગંભીર અને શાંત હતો, ‘મેં સંગઠન વિખેરી નાખવાનું નક્કી કરી લીધું છે. આપણી પાસે પૈસાદારોને બ્લેકમેઈલ કરવા માટેના, તેમના કાળા કરતૂતોના જે પુરાવાઓ હતા, એનો મેં નાશ કરી નાંખ્યો છે. આ બ્રિફકેસમાં પચ્ચીસ લાખ રૂપિયા છે. આ રકમ તમે સૌ સભ્યો સરખે ભાગે વહેંચી લો અને શરીફ અને ઈમાનદાર માણસની જેમ જીવવાનો પ્રયાસ કરજો. આજથી તમે મારા તરફથી છુટ્ટા છો...! જેને જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. મારી શુભેચ્છાઓ તમારી સાથે જ છે !’
‘આપ વાસ્તવમાં માણસ નહીં, પણ દેવતા છો સર...!’ દીપક ગળગળા અવાજે બોલ્યો.
‘દીપક...’
‘યસ સર...!’
‘આ દુનિયામાં દેવતાઓની કોઈ કમી નથી માટે જો કંઈ બનવું હોય તો સાચા અર્થમાં માણસ જ બનજો. હવે તું આ રકમ લઈને ઉપડ...! થોડીવાર પછી હું આ અડ્ડાનો પણ નાશ કરી નાખવાનો છું. ત્યારબાદ ધરમદાસને પરલોકને પંથે મોકલીને હું પણ હંમેશને માટે આ શહેર છોડી દઈશ.’
સર, આપ...’
‘બસ, હવે મારે કશું જ નથી સાંભળવું...! અને હા, ફરીથી કહું છું કે આ પૈસામાંથી તમે ચારેય સભ્યો કોઈક બિઝનેસ શરુ કરીને ઈમાનદારીની જીંદગી પસાર કરજો. ક્યારેય ખોટું કામ કરશો નહીં...! તમને એવો વિચાર આવતો હશે કે એક તરફ હું ખોટું કામ કરતો હતો –કરું છું અને છતાંય ખોટું કામ કરવાની ના પાડું છું...! પરંતુ મેં જે કર્યું છે, તે મારી નજરે બરાબર જ છે...! કાયદાની નજરે ભલે મેં ગુનો કર્યો હોય પરંતુ મારી નજરે નથી કર્યો, મારી નજરમાં તો હું ગઈકાલે પણ નિર્દોષ હતો, આજે પણ છું ને આવતીકાલે પણ રહીશ. મેં જે કંઈ કર્યું છે, તેનું મને જરા પણ દુઃખ કે અફસોસ નથી. બ્લેકમેઈલ દરમ્યાન મળેલી રકમનો મેં શું ઉપયોગ કર્યો છે, એ તો તમે જાણો જ છો...! ભવિષ્યમાં બીજા કોઈ બાજીગરનો જન્મ થાય એમ હું નથી ઈચ્છતો અને એટલે જ તમને સજ્જન બનીને રહેવાની સલાહ આપું છું. મારી સલાહ માનશો તો તમારે જીંદગીમાં ક્યારેય દુઃખી નહીં થવું પડે. ઈશ્વર તમને સૌને હંમેશા ખુશ અને સલામત રાખે એવી હું પ્રાર્થના કરું છું. બસ, મારે તમને આટલું જ કહેવાનું છે...’
બાજીગરની વાત સાંભળીને દીપક ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
‘ના, દીપક...રડવાની જરૂર નથી...! રડવું એ તો કાયરતાની નિશાની છે...!’ બાજીગરે આગળ વધીને તેના ખભા પર હાથ મુકતાં કહ્યું, ‘હવે તું જા..તમે મને અત્યાર સુધી જે સહકાર આપ્યો છે. એ બદલ હું તમારો આભારી છું. બસ..હંમેશા તમે ચારેય ખુશ રહો...’
દીપકે હળવેથી પોતાની આંખો લુછી નાખી.
પછી એ બ્રિફકેસ ઊંચકી, બાજીગર સામે ઉડતી નજર ફેંકીને બહાર નીકળી ગયો.
બાજીગરે એક ઊંડો શ્વાસ લીધો.
ત્યારબાદ તે ઝપાટાબંધ બહાર જવાની તૈયારી કરવા લાગ્યો.
એણે ઘડિયાળમાં સમય જોયો.
રાતના સાડા બાર વાગ્યા હતાં.
***
રાતના બે વાગ્યા હતા.
ધરમદાસનો બંગલો અત્યારે અંધકારમાં ડૂબેલો હતો.
સહસા પાછળની દીવાલ પર ચડીને પગથી માથા સુધી કાળા વસ્ત્રોમાં સજ્જ થયેલી એક માનવ આકૃતિ બંગલામાં કુદી પડી.
કુદી પડવાનો ધમ અવાજ થયો.
આગંતુક બીજું કોઈ નહીં પણ બાજીગર જ હતો.
બાજીગરે એક વખત સાવચેતીથી ચારે તરફ નજર દોડાવી.
ક્યાંય કોઈ જાતનો અવાજ કે સળવળાટ ન થયો.
એ મનોમન છુટકારાનો શ્વાસ લઈને આગળ વધ્યો.
બે મિનિટ પછી તે ધરમદાસના શયનખંડમાં મોઝુદ હતો. શયનખંડમાં ઝીરો વોલ્ટના બલ્બનું અજવાળું પથરાયેલું હતું.
એની નજર પલંગ પર સુતેલા ધરમદાસ તરફ સ્થિર થઇ ગઈ.
વળતી જ પળે એના હાથમાં રિવોલ્વર ચમકવા લાગી.
પછી કંઇક વિચારીને એણે ધરમદાસને ઢંઢોળ્યો.
‘ઉભો થા...હરામખોર...!’
ધરમદાસ હેબતાઈને ઉભો થઈ ગયો. એની નજર પોતાની સામે ઉભેલા પગથી માથા સુધી કાળા વસ્ત્રોમાં સજ્જ થયેલા માનવી પર પડી. એને તેની લાલઘુમ આંખો સિવાય બીજું કશું જ ન દેખાયું.
‘ક...કોણ છો, તું...?’ એણે હિંમત એકઠી કરીને પૂછ્યું.
‘તારા મોતને પણ તું નથી ઓળખતો કમજાત...? હું બાજીગર છું...!’
‘બાજીગર...તું...તું મને શા માટે મારી નાખવા માંગે છે ? મેં તારું શું બગાડ્યું છે...?’ ધરમદાસે રડમસ અવાજે પૂછ્યું.
‘વાહ, ધરમદાસ વાહ....! તું રજનીકાંતના ખૂનને આટલી જલ્દી ભૂલી ગયો ? પેલા નેતાના પુંછડાએ તને તથા કાશીનાથને એના ખૂનની યોજના નહોતી બનાવી આપી ? શું તેં તથા કાશીનાથે ભેગા થઈને રજનીકાંતનું ખૂન નહોતું કર્યું ? એના ઘરને આગ નહોતી લગાવી ?’
‘આ ગુનો તો અમે તારી સામે અગાઉ પણ કબુલ કરી ચુક્યા છીએ બાજીગર, તો પછી આમ વારંવાર અમારી પાસે કબુલ કરાવવાનો શું અર્થ છે ?’
‘અર્થ પણ તને સમજાઈ જશે કમજાત...!’ કહીને બાજીગરે પોતાના ચહેરા પરથી નકાબ કાઢી નાંખ્યો.
હવે તે પોતાના અસલી રૂપમાં હતો. એનો ચહેરો જોઇને ધરમદાસ પર જાણે વીજળી ત્રાટકી.
એના ચહેરા પર નર્યા અચરજ અને અવિશ્વાસના હાવભાવ છવાઈ ગયા.
‘અ..અનુપ, તું ...?’
‘જી, હા ..બાજીગર બીજું કોઈ નહીં, પણ અતુલનો ચિત્રકાર મિત્ર અનુપ રાણા પોતે જ હતો.
‘હા, ધરમદાસ હું બાજીગર છું...! પરંતુ બાજીગરની પહેલા હું રજનીકાંતનો પુત્ર છું...!’ અનુપે કહ્યું.
‘અશક્ય...!’ ધરમદાસ તીવ્ર અવાજે બોલ્યો, ‘એવું બને જ નહીં...! તું ખોટું બોલે છે..બકે છે..તું રજનીકાંતનો પુત્ર હોઈ શકે જ નહીં...! અમે તને તથા તારી માતા દેવયાનીને ઘરમાં જ સળગાવીને મારી નાખ્યા હતા.’
‘ધરમદાસ...! તમારા તરફથી તો તેં અને કાશીનાથે અમને મારી નાખવામાં કોઈ કસર બાકી નહોતી રાખી પરંતુ મારી માં પાછળના રસ્તેથી મને લઈને નાસી છૂટી અને હંમેશને માટે વિશાળગઢ છોડીને ચંદનપુર ચાલી ગઈ.’
‘શું દેવયાની હજી જીવે છે ...’
‘એને મૃત્યુ પામ્યાને પાંચ વર્ષ પહેલાં જ મૃત્યુ પામી છે.
અચાનક જ એક અકસ્માતનો ભોગ બની ગઈ હતી. ત્રણ વર્ષ પહેલા સહસા મારા હાથમાં એની ડાયરી આવી ગઈ. એ ડાયરીમાં તારા, કાશીનાથના અને રાજનારાયણના કાળા કરતૂતો લખેલા હતા. ડાયરી વાંચ્યા પછી મને સાચી હકીકતનું ભાન થયું. હું વેરની આગમાં સળવળવા લાગ્યો. મારું રોમરોમ તમારી સામે વેર ઝંખતું હતું પરંતુ હું સીધો જ તમારી સાથે અથડામણમાં ઉતરી શકું તેમ નહોતો. કારણ કે તમે ત્રણેય પૈસાદાર હતા અને હું ગરીબ...! રાજનારાયણ જેવો ભ્રષ્ટ નેતા તમારી બાજુમાં હતો જયારે મારી બાજુમાં કોઈ જ નહોતું. હું સાવ એકલો જ હતો. મારી પાસે નહોતા પૈસા કે નહોતી તમારા જેવી લાગવગ ! હા...મારામાં હિંમતનો અભાવ નહોતો...? હિંમતનું ભાથું બાંધીને હું તમારી સામે જંગે ચડ્યો. ગુનાની દુનિયામાં ઉતરી ગયો. મેં મારું નાનકડું સન્હાથાન બનાવ્યું અને તેના સભ્યોની મદદથી પૈસાદારોના ભેદ જાણીને તેમને બ્લેકમેઈલ કરવા લાગ્યો. બ્લેકમેઈલીંગ દરમ્યાન જે કંઈ રકમ મળતી એને હું ધાર્મિક, સામાજિક સંસ્થાઓને દાનમાં આપી દેતો. થોડી રકમ સંગઠનના સભ્યોને પણ આપતો. ખેર, એ બધી વાતોને પડતી મુક...!’ કહીને બાજીગર ઉર્ફે અનુપ થોડી પળો માટે અટક્યો.
થોડી પળો બાદ એણે પોતાની વાત આગળ લંબાવી,
‘મારો મુખ્ય હેતુ તમારી સાથે વેર લેવાનો હતો. મેં રાજનારાયણ, સુધાકર, કિરણ, અતુલ અને મંદાકિનીને કેવી રીતે મારા ષડ્યંત્રના શિકાર બનાવ્યા એ તો તું જાણે જ છે એટલે એનો વિસ્તૃત ઉલ્લેખ હું નથી કરતો. રાજનારાયણ અને સુધાકરે આપઘાત કરી લીધો...અતુલ અને મંદાકિની કિરણનું ખૂન કરવાના આરોપસર ફાંસીના માંચડે લટકી જશે. કાશીનાથ મારા હાથેથી માર્યો ગયો છે અને હવે તારો વારો છે. તારા મોતની સાથે જ તમારા ત્રણેય શયતાનોના કુટુંબોના નામોનિશાન પણ નહીં રહે...!’
‘અનુપ...તેં બિચારી કિરણનું ખૂન શા માટે કર્યું ? એની સાથે તો તારે કોઈ દુશ્મનાવટ નહોતી.’
‘દુશ્મનાવટ કેવી રીતે નહોતી કમજાત...? શું એ પેલા નેતાના પુંછડાની દિકરી નહોતી ? કિરણનું ખૂન મેં કર્યું હતું પરંતુ કાયદાની નજરે એના ખૂનીઓ તારા પુત્ર-પુત્રવધુ એટલે કે અતુલ અને મંદાકિની છે સમજ્યો ?’
ધરમદાસ કપાળ પર વળેલો પરસેવો લુછવા લાગ્યો.
‘ધરમદાસ...!’ અચાનક અનુપના જડબાં એકદમ ભીંસાઈ ગયાં. અવાજ એકદમ કઠોર અને નઠોર બની ગયો. એની આંખોમાંથી જાણે કે અંગારા વરસતા હતા, ‘ધરમદાસ, તારા ભગવાનને યાદ કરી લે અને મરવા માટે તૈયાર થઇ જા....!’
વાત પૂરી કરીને એણે ધરમદાસ સામે રિવોલ્વર સ્થિર કરી.
પરંતુ તે ટ્રીગર દબાવે એ પહેલા જ એના હાથ પર કશુંક અથડાયું.
એના હાથમાંથી રિવોલ્વર છટકી ગઈ.
વળતી જ પળે કબાટ પાછળથી નાગપાલ બહાર નીકળી આવ્યો.
એના હાથમાં તેની સર્વિસરિવોલ્વર ચમકતી હતી.
નાગપાલને જોઇને અનુપ હેબતાઈ ગયો.
‘ભાઈ અનુપ...’ નાગપાલ ગંભીર અવાજે બોલ્યો, ‘તારી બધી કબૂલાતની વિડીયો કેસેટ ઉતરી ગઈ છે. એટલે હવે તું તારી જાતને કાયદાને હવાલે કરી દે એ જ વધુ યોગ્ય રહેશે.’
પોતાનો ખેલ ખતમ થઇ ગયો છે, એ વાત અનુપ સમજી ગયો.
એ જ વખતે બીજા રૂમમાંથી ઇન્સ્પેકટર વામનરાવ, દિલીપ વગેરે બહાર આવ્યા.
‘ધરમદાસ...’ અનુપ બોલ્યો, મેં તને કહ્યું હતું ને કે પરલોક યાત્રાની તારી ટીકીટ કન્ફર્મ નથી થઇ ? જોઈ લે... મારું અનુમાન સાચું જ પડ્યું છે.’ ત્યારબાદ એણે નાગપાલને ઉદ્દેશીને કહ્યું, ’નાગપાલ સાહેબ, હું મારો ગુનો કબુલ કરું છું પરંતુ આપ મારી પાસેથી મારા સંગઠન વિશે કશું જ નહીં જાણી શકો એની ખાતરી રાખજો. હું બધા પુરાવાઓનો નાશ કરી ચુક્યો છું. હવે મને કોઈ વાતનો ભય નથી. હા, હું મારું વેર પૂરું ન કરી શક્યો એનો અફસોસ જરૂર છે.’
વાત પૂરી કર્યા પછી એણે પોતાના બંને હાથ આગળ લંબાવ્યા.
નાગપાલના સંકેતથી વામનરાવે આગળ વધીને તેના હાથમાં હાથકડી પહેરાવી દીધી.
‘ઇન્સ્પેકટર સાહેબ, હું પણ મારો ચોવીસ વર્ષ પહેલાંનો ગુનો કબુલ કરું છું. કાયદો જે સજા કરશે તે મને મંજુર છે.’ ધરમદાસે પણ પોતાના હાથ આગળ લંબાવ્યા.
વામનરાવ પળભર ખચકાયો.
ત્યારબાદ એણે ધરમદાસને પણ હથકડી પહેરાવી દીધી.
( સમાપ્ત )