Diversion 1.4 in Gujarati Fiction Stories by Suresh Kumar Patel books and stories PDF | ડાયવર્ઝન ૧.૪

Featured Books
Categories
Share

ડાયવર્ઝન ૧.૪

Diversion

ડાયવર્ઝન ૧.૪

(સ્ટોરી-૧/પાર્ટ-૪)

કદાચ આ ડાયવર્ઝન મારા માટે કોઈ નવા દ્વાર ખોલવા નું હોય એવું પણ બને અને કદાચ આ મૃત્યુ મને કોઈ બીજા વિશ્વમાં લઇ જવાની તૈયારી કરતુ હોય તો પણ ખબર નહિ એવા અનેક વિચારો સાથે હું બસ મૃત્યુ ની રાહ જોઈ રહ્યો. (હવે આગળ...)

***

મારું આખું શરીર કાદવ માં ગરકાવ થઇ ગયું હતું. હું મારા શરીર પર એ ઠંડકને અનુભવી રહ્યો હતો. મારા જેકેટના ખિસ્સામાં વજન વધી ગયા નો એહસાસ થઇ રહ્યો હતો. મારી પીઠ પર ભરાવેલુ બેકપેક પણ પહેલા કરતા વધારે ભારે લાગી રહ્યું હતું. મને મારા શરીરનું આટલું બધું વજન ક્યારેય લાગ્યું નથી. હું છેક ગળા સુધી કાદવ માં હતો. મારા વાળ આમતો વરસાદ માં ભીંજાયેલા જ હતા પણ મારી બોચીમાં તોય મને વધારે ભીનાશ કે ઠંડક લાગી રહી હતી. એ ભીનાશ, એ ઠંડક મારા મૃત્યુ ની ચાડી ખાઈ રહી હતી. થોડીજ વાર માં એ ઠંડક સાથે મારા શરીરને પણ ઠંડુ પડી જવાનું હતું. આટલી સરળતાથી કે આટલી આશાનીથી મૃત્યુ મને ભેટી જશે એનો મને ખ્યાલ નહતો. હજુતો મારી ઉમર પણ નહતી હજુ વધારે જીંદગી જીવવાની અને માણવાની મને ઈચ્છા હતી. કદાચ એ બધી ઇચ્છાઓ અધુરીજ રહી જવાની. ગણી બધી એવી ઇચ્છાઓ છે જે હજુ મારા સબકોન્સિયસ(અર્ધજાગ્રત) મન માંજ પડી છે એતો હજુ બહાર પણ નથી આવી. અને એના માટે મેં હજુ પૂરી જાગૃક્તાથી વિચાર્યું પણ નથી, હા, પણ રોજ હું મારી એ ઇચ્છાઓને યાદ જરૂર કરી લઉં છું પછી ભલેને હું એને મારા સપનાઓમાં પણ કેમ યાદ ન કરું રોજ એ અધુરી ઇચ્છાઓને દિવસ માં એકવાર તો યાદ કરીજ લઉં છું.અને લોકો કહે છે કે જો તમારી ઇચ્છાઓ અધુરી રહી જાય તો તમે મૃત્યુ પછી પણ મોક્ષ નથી મેળવી શકતા. તો શું હું એક અતૃપ્ત આત્મા થઈને ભટકીશ? આવા અનેક વિચારો મારા મન માં સુપર ફાસ્ટ ટ્રેનની જેમ દોડી રહ્યા હતા. પણ વિચારોની આ ઝડપ થી બેપરવાહ થઈને ખુબ ધીરે થી અને ખુબ સરળતાથી મોત મને બોલાવી રહ્યું હતું જેનો એહસાસ હવે મને મારા કાન મારફતે થયો. જી હા, કાદવની એ ઠંડક ધીરેધીરે મારા કાન સુધી આવી પહોચી. કોઈ મોરપીંછ થી જાણે તમારા કાન માં ગલગલીયા કરતુ હોય તેમ મૃત્યુ મને હસાવવાનો પુરેપુરો પ્રયત્ન કરી રહ્યું હતું. પણ હું હસી શકું એવી સ્થિતિમાં બિલકુલ હતો નહિ કેમકે મેં લગભગ મારી બધીજ ઇન્દ્રિયોને મોત ના હવાલે કરી નાખી હતી. ફક્ત મારી સ્વાદેન્દ્રિય ને મારા કાબુ માં રાખવા માટે મેં ખુબ જોર થી મારું મો બંધ રાખ્યું હતું. કેમકે મને મોત ને જોવામાં કે એને ચાખવામાં જરાય રસ નહતો. પણ રણ મેદાને કોઈ યોધ્ધા પોતાના અમરત્વ ને પામવા જેમ મૃત્યુને પણ હોંશે હોંશે ગળે લાગી જાય છે અને એક મુસ્કાન સાથે ભયાનક દર્દને પણ સહી લે છે એવી રીતે મેં બહાદુરી બતાવતા બંધ હોઠો થી મંદ મંદ હસી લીધું. મોત ને જાણે સામે ચાલીને ભેટવા હું મનથી તૈયાર થયો. પણ મારી એ હિંમત એ મર્દાનગી બહુ લાંબુ ટકી નહિ અને મને એકદમ ભયાનક રીતે ગુંગળામણ થવા લાગી. મારા આંખોના પાંપણો જે મેં મારી ઈચ્છાએ બંધ રાખ્યા હતા એને હું ઈચ્છું તોય હવે ખોલી શકું તેમ નહતો. કારણકે હું એ કાદવના તળાવ માં પુરેપુરો ગરકાવ થઇ ગયો હતો. અસહ્ય ઘુટન, ગુંગળામણ અને પીડા અનુભવી રહ્યો હતો. હું અંદરોઅંદર ખુબ ચીસો પાડી રહ્યો હતો. તડફડીયા મારી રહ્યો હતો પણ મારું શરીર એક જરા સરખું પણ હલતું નહતું. મારી બધીજ ઇન્દ્રિયો હવે જાણે મોત ના વશ માં હતી. બહાર જોરદાર વરસાદ જોવાની ઈચ્છા હતી, પણ મારી આંખો બસ અંધકાર જ અંધકાર જોઈ રહી હતી. ભીંજાયેલી માટી ની સુગંધ લેવાની ઈચ્છા હતી, પણ મારી સુંઘવાની શક્તિ નિસ્તેજ થઇ ફક્ત અંજાન, અણગમતી ગંધને સહન કરી રહી હતી. વીજળી ના ચમકારા, વાદળોના કડાકા બધુજ હતું પણ મને એ કંઇજ સંભળાતું કે દેખાતું ન હતું. બસ છેલ્લે મેં જે અવાજ સાંભળ્યો એ મારા ડૂબવા પછીનો ‘ડુબુક’ વાળો અવાજ હતો એના પછી મને કોઈ અવાજ સંભળાયો નથી. હું ધીરેધીરે કેટલો નીચે ઉતરી ગયો છું એનો ખ્યાલ નહતો પણ, હજુ હું મોત ને વશ થયો નહતો એનો ખ્યાલ હતો કેમકે મને મારી આજુબાજુનું બધુજ મહસૂસ થઇ રહ્યું હતું. હું જાણે કોઈ અલૌકિક શક્તિથી કોઈ એવા વિશ્વ તરફ ખેંચાઈ રહ્યો હતો કે જે મને કદાચ કોઈ પ્રકાશ તરફ ખેંચી રહ્યું હતું. કેમકે મને મારી બંધ આંખો પર પણ પ્રકાશ ના કિરણો નો આભાસ થઇ રહ્યો હતો. મારા કાન માં પુરેપુરી રીતે કાદવ ભરાઈ ગયો હતો અને હવે હું જાણે આ તળાવ આખાને સાંભળી રહ્યો હોવ એવો એહસાસ થઇ રહ્યો હતો. દુર કોઈ પ્રકાશિત વિસ્તાર હોય અને હું એના તરફ જઈ રહ્યો હોવ એવું હજી મને લાગ્યા કરતુ હતું. એટલા માં મને વધારે અચરજ એ થઇ કે મારા પગ પાસે કંઇક હોવાનો મને સ્પર્શ થયો. મેં મારી સ્પર્શ શક્તિને અનુભવી અને મને ફરી વિશ્વાસ બેઠો કે હું હજુ મૃત્યુને વશ થયો નથી. પણ કદાચ મૃત્યુ તરફ જવાની કોઈ જગ્યા માંથી હું પસાર થઇ રહ્યો છું. જે આ કાદવ ના તળાવ માંથી મને ખેંચી રહી છે. મારી બંધ આંખો પર પ્રકાશ ધીરેધીરે વધી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. મારા કાન ધીરેધીરે કંઇક સાંભળી રહ્યા હતા. મેં ધ્યાન આપીને એ સાંભળવાનો પ્રયત્ન કર્યો. તો ખબર પડી કે એ ધીમા ધીમા વરસાદ ના છાંટા નો ‘ટપક ટપક’ અવાજ જેવો હતો જે કદાચ આ તળાવ પર પડી રહ્યા હતા. અત્યાર સુધી તો હું આ ગટ્ટ કાદવમાં કંઇજ સાંભળી શકતો નહતો પણ જેમજેમ મારું શરીર ઊંડું ઉતરતું જાય છે તેમતેમ મને બધું સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે અને મારું શરીર પણ પહેલા કરતા વધુ હલકું અને હલનચલન માં સરળ લાગી રહ્યું છે. થોડીવાર માં બીજી વખત મને મારા પગ પાસે કંઇક અથડાયું એવું લાગ્યું. હવે મેં મારા બંને પગ ને સાવચેતી થી આમતેમ હલાવ્યા. મને એકદમ અચરજ લાગી કે હું ખુબ આસાનીથી મારા પગ ને હલાવી રહ્યો હતો. ખાલી પગ જ નહિ પણ હું મારું આખું શરીર મારી મરજી પ્રમાણે ફેરવી રહ્યો હતો. કાદવ મારી આંખોમાં ઘુસી ન જાય અને મોત ના ભયાનક રૂપ ને હું જોઈ ના લઉં એના કારણે મેં મારી આંખો ખુબ જોર થી દાબી રાખી હતી જે હવે મેં ઢીલી છોડી. મારા બંને હાથ જે મે છાતીને લગાડી રાખેલા હતા એ મોકળા કર્યા અને મેં જાણે કોઈ અલૌકિક મુક્તિ નો અનુભવ કર્યો. મારું આખું શરીર મારી મરજી પ્રમાણે વર્તી રહ્યું હતું. હવે કોઈ કાદવ કે દલદલ નું દબાણ કે ભાર હું અનુભવતો ન હતો. મારા નાકના ફોયણા જે એકદમ સજડ થઇ ગયા હતા એ પણ જાણે શ્વાસ લેતા હોવ ત્યારે કેવા સંકોચાઈને ખુલે એમ અંદર બહાર થવા લાગ્યા અને મને થોડી થોડી કરીને મીઠી સુગંધ પણ આવવા લાગી. મારી આંખો જે મેં ઢીલી કરી હતી એ બંધ આંખો થી વધુ ને વધુ પ્રકાશ દેખાતો હતો. ટૂંક માં મારી બધી જ ઇન્દ્રિયો હજુ મોજુદ હતી. મારા પગ પાસે જે વસ્તુ અથડાઈ હતી એ બીજું કંઇજ નહિ પણ મારી પોતાની બાઈક હતી જે હવે મને જાણ થઇ. મારા પગ થી મેં મારી બાઈક નું હેન્ડલ ફસાવવા ટ્રાય કર્યો. હવામાં જાણે તરતા હોઈએ એવી રીતે સરળતાથી આખું બાઈક મારી તરફ ખેંચાઈ આવ્યું. ધીરેધીરે હું આખો બાઈક પર બેસી ગયો. જયારે બાઈક ની સીટ તરફ અંધારા માંજ હાથ ફેરવ્યો ત્યારે અચરજ સાથે આનંદ થયો કે મારું હેલ્મેટ પણ હજુ ત્યાં બાઈક ની ટાંકી પર ચોટેલું હતું. પછી મને મારી પીઠ પાછળ લગાવેલી મારી બેકપેક યાદ આવી મેં તપાસ કરી એ પણ મોજુદ હતી. હવે મને મનોમન આશ્ચર્ય અને કંઇક અલૌકિકતા નો અનુભવ થવા લાગ્યો. જો હું મૃત્યુ ને ભેટ્યો હોવ તો આ બધી ભૌતિક વસ્તુઓ ને હજુ હું કેવી રીતે અનુભવી રહ્યો છું એનો વિચાર આવ્યો. શું હું ખરેખર મૃત્યુ પામ્યો છું. શું હું નર્ક કે સ્વર્ગ એવી કોઈ જગ્યાએ છું? શું મારો પુ:જન્મ થયો છે?

આવા અનેક પેચીદા પ્રશ્નો મને થવા લાગ્યા.

(વધુ આવતા અંકે...)

***

(તમારા અભિપ્રાય લેખક ને વોટ્સઅપ થી પણ જણાવી શકો છો.)

Ar. Suresh Patel (98792 56446)