Andhari raatna ochhaya - 18 in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | અંધારી રાતના ઓછાયા-18

Featured Books
  • I Hate Love - 11

    दिव्या की बात सुनाने नहीं नहीं मैं ठीक हूं ,,,इसकी कोई जरूरी...

  • My Devil CEO

    तो चलिए शुरू करते है लखनऊ जिसको आप सभी उत्तर प्रदेश की राजधा...

  • प्यार तो होना ही था

    रूचि  .. रूचि  ... मेरी बात तो सुनो बेटा , मैं तुम्हारे भले...

  • आशा की किरण - भाग 2

    अरे, कौफी कहां है, मां?’’ रचना ने आवाज लगा कर पूछा, ‘‘यहां त...

  • शक्तिपुंज

    पृथ्वी से बहुत दूर,क्रॉडियम - पृथ्वी से अलग एक खूबसूरत दुनिय...

Categories
Share

અંધારી રાતના ઓછાયા-18

આગિયા કરતાં અધિક પ્રકાશતા પેલા શાંત જાનવરની આંખના પ્રકાશનો સહારો લઈ અમે આગળ ધપતા રહ્યા.

અગાઉ જે દૃશ્યો નજરે પડેલા એ જોતાં મનમાં ફડક પેઠી હતી.

"કોઇ અજુગતો બનાવ બનશે તો..?"

એવા અદેંશા સાથે સતત ભયના ઓથાર તળે રસ્તો ટૂંકો થતો હતો.

અહીં ના તો પંખીઓનો કલશોર હતો કે ના કોઈ જંગલી જાનવર ની ચીસ સંભળાતી.

ધરતીના નીચલા પડમાં અમે હતા.

રસ્તો ખૂટતો નહોતો.

પાણીનો ઢોળાવ નીચે તરફ હોવાથી ભૂગર્ભનો રસ્તો સમથાણ ભૂ-સપાટી તરફ લઇ જતો હતો.

એકાએક પેલા જાનવરની આંખોનો પ્રકાશ બંધ થઈ જતાં મેરુ મારો હાથ પકડી ઉભો રહી ગયો.

એકબીજાને જોઈ ન શકાય એવું અંધારું હતું.

" હવે શું થશે કુલદીપભાઈ..!"

આગળ ઉભેલા મોહનના અવાજમાં ફફડાટ હતો.

" સાથે ટોર્ચ કે માચીસ લાવવી જોઈતી હતી ને..!" મોહને ચિંતા પ્રકટ કરી.

" રાત-દિવસ મુસીબતો સામે ઝઝૂમવાનું છે. અંધકારને ભેદવાનો છે એ વાત જ ધ્યાન બહાર રહી ગઈ..!

એક ડગલું પણ આગળ વધવું મુશ્કેલ લાગે છે..!"

હું ગાઢ અંધારામાં પણ મેરૂની લાચારી ભરી વાણીથી એના ચહેરાની અસ્વસ્થ દશાની કલ્પના હું કરી શકતો હતો.

મને લાગે છે પેલા જાનવરે આંખો બંધ કરી લીધી હશે.

મે કહ્યું.

"એવું ના બને કે જેવી રીતે એ જાનવર આવેલું એવી જ રીતે કોઈ બીજી જ ગુફામાં એણે પ્રવેશ કરી લીધો હોય..?"

મોહનના ઠંડા શબ્દોએ મારી આશાનો શિરચ્છેદ કર્યો.

અડીખમ ઉભા ઉભા અમે અકળાઈ ઉઠ્યા. શ્વાસ રુંધાવા લાગ્યો.

નીરવતા જાણે વધુ ભયાનક બનતી જતી હતી.

અને ત્યારે જ ત્યારે જ દૂર-દૂર એવો જ પ્રકાશ પુન: નજરે પડ્યો.

" હું નહોતો કહેતો આવો જ કોઈ બીજો માર્ગ હશે..!

"હા, મારી વાતને કાપી મોહને કહ્યું.

પેલો પ્રકાશ નજીકમાં જ અદ્રશ્ય થઇ જમણી બાજુ વળી ગયેલો.

જયારે આ પ્રકાશ ડાબી બાજુથી મુખ્ય માર્ગે આવ્યો છે..!

"મોહનની વાતમાં તથ્ય લાગે છે કુલદીપ..!" મેરુ એ કહ્યું.

"મને પણ એમ એમ જ લાગે છે..!"

એમની વાત સ્વીકારી લઈ મે ઉમેર્યું.

" પહેલાં જે જાનવર નજરે પડ્યું હતું એ બીજું હતું..! અને હવે જે પ્રકાશ નજરે પડે છે એ પણ બીજા જ કોઈક જાનવરનો લાગે છે.

"અરે.. અરે એ બે નહીં ચાર જ્યોતિઓ છે આગળ ઉભેલા મોહને આશ્ચર્ય વેર્યું.

અમને હવે ડર લાગતો નહતો.

મનમાં ધરપત થઈ ગઈ.

ચારચાર પ્રકાશપુંજ જોયા પછી આ કોઈ બીજા જ જાનવરની આંખો છે એ સમજતાં મને વાર ના લાગી.

" એવું નથી લાગતું આ જાનવરોની આંખોનો રહસ્યમય પ્રકાશ પૂંજ આપણી મદદ માટે જ આવ્યો હોય..?"

"પેલા જાનવરની જેમ જ આ પણ આગળ આગળ ચાલવા લાગ્યા છે..! બન્ને મારી વાત પર સહમત હતા.

પાણીએ રસ્તો બદલી લીધો હતો.

આછા ઉજાસમાં એ જાનવરોના કદ નજરે પડતા હતા.

"મને તો આ જંગલી બિલાડીઓ લાગે છે..!"

મોહને પોતાની ધારણા રજૂ કરી.

"શું ખબર પડે જંગલી બિલાડીઓ ની આંખો માં આવો પ્રકાશ પુંજ હોતો હશે..?"

માન્યામાં નથી આવતું..!"

મારી વાત સાંભળીને મેરુએ કહેલું.

હવે કોઈ અજૂગતી બિના બને એમ મન માનવા તૈયાર નહોતું.

નિભ્રાંત થઈ અમે ચાલતા હતા.

" કેટલો સમય થયો છે કુલદીપ..?" મોહને પૂછ્યું.

આવા આછા ઉજાસમાં વધુ ચમકતા રેડિયમના કાંટાવાળી વૉચ જોઈ મે કહ્યું સાડાસાત થયા છે...!

આ ખાડા-ટેકરા વિનાનો ઉબડખાબડ રસ્તો હોવાથી કેટલુ ચાલ્યા હોઈશું.. એનો અંદાજ ન લગાવી શકાય..!"

મેરુએ કહ્યું.

" રસ્તો આપણે ધારતા હતાં એ કરતાં વધુ લાંબો નીકળ્યો.

મે કહ્યું.

"ઝાડી-ઝાંખરા કે મોટા પથ્થરો જેવી કોઈ અડચણો રસ્તામાં ક્યાંય નથી.

આ માર્ગને સગવડભર્યો કોને રાખ્યો હશે..? એ પણ એક રહસ્ય જ હતું.

" તારી વાત સાચી છે કુલદીપ સગવડભર્યો મારગ છે, અને આ જાનવરોની આંખોવાળી ચારચાર જ્યોતિઓ આપણને દોરી જાય છે..! આ કોઈ જોગાનુંજોગ નથી.

જરૂર આમાં કંઈક રહસ્ય છે.

ભેદ છે.

મેરું ભેદભરી વાત કરી ચૂપ થઈ ગયો.

"દૂર-દૂર અજવાળું દેખાય છે..!"

મોહન ઉત્સાહિત થઇ ઉઠ્યો.

પેલી જ્યોતિઓ પણ ઓઝલ થઇ ગઇ. તરત જ મેરુ બોલ્યો.

"હા, હા, આપણ ભૂગર્ભમાંથી બહાર આવી ગયા છીએ.

ઠંડા પવનનો ચમકારો વર્તાતાં મેં કહ્યું.

અમારી ઝડપ વધી ગઈ.

જાણે એક નવું જોમ પ્રગટયુ.

પહાડોનો સરસર ધ્વનિ પવનની ગતિ સાથે તાલ મિલાવતો હતો.

હવે જંગલી પ્રાણી પંખી પણ વિધ વિધ અવાજો સંભળાતા હતા.

જંગલી પ્રાણીઓની આહટ દૂર-દૂર સંભળાઈ જતી.

કોઈ અદ્રષ્ટ અસ્તિત્વને જાણે અમારું રક્ષણ કરી રહ્યું હતું.

ધીમે ધીમે અંધકાર વધતો જતો હતો.

નાના-નાના ઢોળાવોને બાદ કરતાં રસ્તો સીધો છે.

પહાડી પથ્થરો નથી.

ભૂગર્ભમાંથી નીકળી રાહતનો દમ ભરતા મેં કહ્યું.

"ચાલવામાં હવે વાંધો નહી પડે.

પરંતુ ચંદ્રમા ઊગી જાય તો ઠીક રહે..! પંખીઓ જંપી રહ્યા છે..! ધીમે ધીમે અંધારુ એનું સામ્રાજ્ય ઉભું કરવામાં મશગૂલ છે.

ચંદ્રમાં પણ જરૂર ઉગશે..!

સામે એક નાનો સમથળ પથ્થર જોઈ,

" અહીં થોડી વાર બેસીએ થાક લાગ્યો છે..!

પછી કાજળ કાળી રાતમાં બેસવું નહિ રુચે...!"

જાણે કે મારા બોલવાની જ રાહ જોતા હોય એમ મોહન અને મેરુ ધબ્બ કરતા લીલી ધરામાં બેસી ગયા.

ભૂખ કકડીને લાગેલી.

રાત્રે ફળફ્રૂટ પણ ઝાડવાં પરથી ઉતારી શકાય નહી.

અંધારામાં કશું દેખાય તો ને..?

ઝાડવઓ ને બાથડવા કરતાં થોડો વધુ આરામ કરી લેવાનું અમને ઠીક લાગ્યુ.

રાત ઘેરાઇ જતી હતી.

નર્યો સૂનકાર વ્યાપી ગયેલો.

આંખોમાં નિંદરનો કેફ ઘેરાવા લાગેલો.

કલાક આરામ કર્યા પછી સજાગ થતાં મેં મેરુ અને મોહનને ચેતવ્યા.

"ચાલો હવે અહીં જ ઊંઘ આવી ગઈ તો કોઈ જંગલી પ્રાણી ફાવી જશે..!"

બેધડક બંને બેઠા થઇ ગયા.

અમે પ્રયાણ આદર્યું.

ચંદ્રમા સરકતો જતો હતો.

રાત જામતી જતી હતી.

નિશાચર જીવજંતુઓ શોર મચાવેલો.

આખી રાત અમારી નજર સામેથી પસાર થઈ ગઈ.

પ્રભાત અવતર્યું.

શીતળ હૂંફાળો વાયુ શરીરને સ્પર્શી જતો હતો.

પંખીઓ કલરવે વળેલાં.

આળસ મરડી સજી-ધજી તૈયાર થયેલાં ઝાડ દુલ્હનની માફક ડોલી રહ્યાં હતાં. વનરાજીની લિલપ જોઈ આંખોને ઠંડક મળી.

લીલીછમ ધરામાં ક્યાંક ક્યાંક પાણીના ઝરા હતા.

નાના નાના મોટા ઝરણાંઓનો કલકલ નિનાદ કાનોને સંભળાતો હતો.

પવનની તીવ્રતાથી ધરા પર સૂતેલા પાંદડાનો મર્મર ધ્વનિ પર્ણોની પાછળ-પાછળ ઉડીને શાંત થઈ જતો હતો.

અત્યંત મોહક નજારો હતો.

જંગલી જીવસૃષ્ટિના સાનિધ્યમાં મનને શાતા હતી.

જોકે સસલા જેવા ભીરુ પ્રાણી અમને જોઈ ગાઊ ગણી જતાં.

નિર્મળ ઝરણાને નજીકમાં વહેતુ જોઈ પાણી પીવાની ઈચ્છા થઈ ગયેલી.

અમારી રાહ જોયા વિના મેરુ ઝરણા કિનારે બેસી ગયો.

"તરસ છીપાવી લઈએ પાણી ચોખ્ખું છે..!"

મોહને મારી સામે જોયું.

એને વહેમ હતો કે ઝરણામાં પહેલાં જેવું પ્રતિબિંબ તો જોવા નહીં મળે ને..?"

એને ભરોસો દેતાં મેં કહ્યું.

"આ પાણી પીવામાં વાંધો નથી મોહન..!"

પાણીથી અમે તરસ છીપાવી.

રસ્તામાં સીતાફળ ,જાંબુ, કેળા જેવા જાતજાતનાં ફળોથી અમે ભૂખ ભાગતા રહ્યા.

સવારના તાજા કિરણો તનબદનને આહલાદક લાગતાં હતાં.

"આપણ ખૂબ દૂર આવી ગયા નહીં..!"

પાણી પી, ફ્રૂટ ખાઇ મોહનના જીવમાં જીવ આવ્યો.

"હા, મોહનની વાતનો પ્રત્યુત્તર વાળતા મેં કહ્યું.

"લગભગ પાંચચી ગયા હોઈશું..!

પરંતુ એ સમજાતું નથી કે શ્વેત ગુફા કઈ દિશામાં હશે..?"

ધવલગિરી ઋષિ વિશેની કિવદંતીઓ અને પેલા શિલાલેખનો આધાર રાખી ઘરેથી અહીં સુધી આવી ગયા પણ હવે..?"

"શ્વેત ગુફાએ લઈ જતો રસ્તાનો નકશો તો આપણી પાસે છે નહીં...!"

"ઝાડી-ઝાંખરામાં આપણે ફસાયેલ તો નથી ગયા ને..?"

મેરુ બેબાકળો બની ગયો.

"મારગની કશી ગતાગમ પડતી નથી યાર..!" મેં કહેલું.

"એક મિનિટ..! આ પણ દિશા નક્કી કરી લઈએ..!"

"અરે હા..!"

મોહન ઉતાવળે બોલી ગયો.

"આ ઉગમણી દિશા તરફથી આકાશમાં ઉંચે પંખીઓના ટોળેટોળાં ઉડતાં દેખાય છે..!

જે પોતાના વજનદાર શરીરને ઊંચકી હિલોળા લેતાં ઉડે છે..!

કાળાં બતક અને માછલા પકડનારા બાજ પક્ષી પણ લાગે છે.

બતક વર્તુળકાર લહેરાય છે.

જ્યારે બાજ પક્ષી એક જગ્યાએ હવામાં સ્થિર પાંખો ફફડાવતું ઊભુ રહી પોતાના શિકાર પર જ ઝપટવાની તૈયારીમાં છે.

"તારી નજરની દાદ દેવી પડે મોહન..! ચોક્કસ ત્યાં સરોવર હોવું જોઈએ..!"

"હા, એમ જ હશે..!

પણ રસ્તો ..?

ત્યાં જવું કઈ બાજુ થઈ..?"

રોમાંચિત થઈ ગયેલો મેરુ બોલી ઉઠ્યો.

"હું તમને લઈ જાઉં છું..! ઊભા-ઊભા મૂંઝાવ છો શું કામ..?"

રૂપાની ઘંટડી જેવો રણકાર સાંભળી ત્રણે જણા દિગ્મૂઢ બની અવાજની દિશામાં આંખો ફાડી-ફાડીને જોતા જ રહ્યા.

હરણી જેવી ગભરુ માસૂમ આંખો હતી એની..!

વાળ ખુલ્લા હતા.

છતાં સુવ્યવસ્થિત ઓળેલા હતા.

એની નમણી નાજુક ડોક ઉપર ચંદાને લજવતો રમ્ય ચહેરો હતો.

જોબનવંતા ઉરોજ ફૂલ પર ભ્રમર બેસતા કંપિત થઈ જતા કુસુમની જેમ જ કંપતા હતા.

એના ગુલાબી પંખુડિયો સમા અધરોષ્ટ ફફડી ઉઠતા હતા.

એણે સાદું અંગરખું પહેરેલું

તે અત્યંત મનમોહક લાગતી હતી.

જંગલી કન્યાનુ લાવણ્ય આવુ બેનમૂન હોઈ શકે મેં વિચાર્યું પણ નહોતું.

એની ગોરી કાયા કરતાં વિશેષ મને એનો સુંદર ચહેરો સ્પર્શી ગયો.

એની ઊંડી આંખો મને ઘાયલ કરી ગઈ. "કોણ હશે આ કન્યા..?

અને આવા નિર્જન પ્રદેશમાં શું કરતી હશે..? ક્યાં રહેતી હશે..?"

હું ના સમજી શક્યો ના એને પૂછી શક્યો.

સ્વપ્ન જોતા હોય એમ ત્રણે હજી અમે એના સંમોહનમાં જાણે આંગળતા રહ્યા.

" બસ મને જોયા જ કરવી છે કે શ્વેતગૂફાએ પણ જવું છે..?"

નાજુક નમણી કન્યાને જોઈ મંત્રમુગ્ધ બની ગયેલા ત્રણયેને ટકોર કરતાં એ ફરી ટહૂકી.

મારી ભુલ મને સમજાતો લજ્જા આવી ગઈ અને એની પાછળ મૂંગા મૂંગા દોરવાયા.

ચાલતાં ચાલતાં એ જંગલ કન્યાને બારીકાઈથી નીરખતો રહે એના ગળામાં મીંઢળની માળા હતી બંને હાથોમાં બંગડીની જગ્યાએ એવી જ મીંઢળની સાથે ની દોરી બાંધી હતી

"અમારે શ્વેતગૂફાએ જવું છે એ તમે કેવી રીતે જાણ્યુ.?"

મે અચકાતો ખચકાતો તેણીને પુછ્યું

એક પણ ઉભી રહી.મારી તરફ એને નજર નાખી એની ગહેરી આંખોં માં અનેક સવાલો હતા ફરી એ ચાલવા લાગી ચાલતાં ચાલતાં જ કહેતી હતી.

"અહીં સુધી આવવાનું સાહસ કરનારા શ્વેતગુફાના ગુરુદેવના દિવ્ય દર્શને જ આવી શકે..!"

એનો જવાબ મધુર છતાં તાર્કિક હતો.

એના જવાબથી હિંમત બંધાઈ હોય એમ મોહનને કહ્યું.

"શું અમારા પહેલા અહી કોઈ આવેલું..?"

"ના અહીં આવવામાં આજ લગી કોઈ સફળ થયું નથી..!"

"અચ્છા તો તમે..?"

વાતની દોર મે જ સાંધી.

" હું ..?, એ હસી.

હું તો છું જ જંગલ કન્યા..!"

"એમ..!"

મને આ યુવતી ભેદી લાગી.

" તમારું નામ..?" મેં પૂછ્યું.

"ના નામ..?" એની જીભ થોથવાઈ.

પછી ધીમેથી એ બોલી.

"મિન્ની...! મારુ નામ મિન્ની છે..!"

"આટલા સુંદર નામને છુપાવવા માંગતા હતા.

તમે જંગલ કન્યા કેવી રીતે હોઈ શકો..?"

જંગલ કન્યા વળી આટલી જ શુદ્ધ ભાષા કેવી રીતે બોલી શકે..?"

હું જંગલ કન્યા છું સાહેબ..! મારા વિશે અટકળો કરવાની રહેવાદો..!"

મેરો કંઈ પૂછવા માગતો હતો એ પહેલાં મિન્ની બોલી.

"તમે એ જ પૂછવા માગો છો ને કે હું ક્યાં રહેતી હોઈશ..? બોલો મેરૂભાઈ એમજ ને..?"

મેરુ અને મોહનની સાથે મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.

તમે મારું નામ કેવી રીતે જાણ્યું ..?"

શાશંક દ્રષ્ટિએ ઝીણી આંખ કરતાં મેરુએ પૂછ્યું.

"અને વળી મારા મનની વાત..?"

અમારી મૂંઝવણ વધારતી હોય એમ એ ફરી ટહુકી.

"તમે કેટલા સવાલો કરો છો..? હું કોઈ દૈવી સ્ત્રી નથી.

તમારી જેમ સાધારણ વ્યક્તિ છું..!"

આ કન્યા અમારા માટે રહસ્યમય કોયડો બની ગયેલી.

ચાલતાં ચાલતાં એ પોતાની ઝડપ ક્યારેક વધારી નાખતી તો ક્યારેક ઘટાડી દેતી.

એની વાણી મધુર હતી.

દસ થવા આવેલા.

મને ભૂખ લાગી હતી.

મારી દ્રષ્ટિ આસપાસના વૃક્ષો ફંફોસતી હતી પલકમાં અણસાર પામી ગઈ હોય એમ મારી સામે મર્માળુ સ્મિત કરી બોલી.

"ભૂખ લાગે છે એમ..?

બસ હવે થોડી ધીરજ ધરો..!

થોડુંક ચાલ્યા પછી એનો બંદોબસ્ત કરી નાખીએ..!"

હવે મને પાકી ખાત્રી થઈ ગઈ.

અમારા મનની વાત અમે પ્રકટ કરીએ એ પહેલાં એ જાણી લેતી હતી.

મને ખૂબ જ અચરજ થતું હતું.

"સારું હતું અમારા મનમાં એના માટે કોઈ જ ગંદો વિચાર નહોતો.

નહીં તો આ ધવલ પરિ ક્યાંય ગાયબ થઇ જાત..!"

તમને જંગલમાં ફાવે છે મિન્ની..?

હું મિન્નીને બોલતી રાખવા માગતો હતો.

"હા, એટલું કહીને મારી આશા પર એ પાણી ફેરવતા બોલી.

સમય આવે બધી વાત કહી હમણાં તમે કંઈ જ ના પૂછશો.

મેં જાણી જોઇને એક અખતરો કર્યો.

હું સ્વગત બબડ્યો.

વન્ડરફુલ કુલદીપ..! શી ઇઝ એન્જલ..!

આવુ સૌંદર્ય જીવતરમાં હોય તો જીવતર ધન્ય થઈ જાય..!"

મારી નજર સાથે નજર મિલાવીને મારકણું હસી.

અમે જંગલ છોડી હવે એવા પ્રદેશમાં હતાં જ્યાં દૂર-દૂર સુધી લીલુંછમ ઘાસ પથરાયું હતું.

આવા ઘાસની મધ્યમાં એક નાનું રમ્ય સરોવર દેખાતું હતું.

સરોવરના પાણીમાં કિનારે કિનારે અનેક જાતનાં પંખીઓની વણઝાર હતી.

પંખીઓના ટોળેટોળાં નો સામટો ધ્વનિ વાતાવરણને ગજવતો હતો.

એક માદક ખુશ્બુ હવામાં ફેલાઈ ગયેલી. બધું જ મનભાવન હતુ અહીં.

સરોવરના સામે છેડે લીલાં લીલાં વૃક્ષો નજરે પડતા હતા પરસ્પર એક એવા ગૂંથાયેલા લાગતા હતા.

જાણે કોઈએ જાણીજોઈને વાવેતર કર્યું ન હોય..!

વનસ્પતિ ની પાછળ જ બગલાની પાંખ જેવા તંબુ આકારનો શ્વેત ગુંબજ જેવો પથ્થર નજરે પડતો હતો.

પેલી દેખાય એ શ્વેત ગુફા અને "સુંદરસરોવર..!

તમારે અહીં જ આવવાનું હતું ને..?"

"હંમ..!, મેં સંમતિસૂચક ડોકું ધુણાવી સ્મિત કરી મારી ખુશી વ્યક્ત કરી.

શ્વેતગૂફા જોઈ બંને મિત્રો મેરુ અને મોહનના ચહેરા ગલગોટાની માફક ખીલી ઉઠ્યા હતા.

સરોવરના કાંઠે કાંઠે મિન્ની ચાલતી હતી.

મારા મનમાં એક સવાલ ઉઠયો.

શું મિની પણ શ્વેત ગુફામાં રહેતી હશે..? જો એવું હોય તો મારુ અંતર એનો સહવાસ ઝંખતું હતું.

મારા મનની વાત જાણી લેતાં મિન્નીએ મારી સામે આંખો કાઢી.

મીઠી રીસ પ્રકટ કરી.

પેલા જોતાંવેંત ગમી જાય એવા સરોવરમાં પેટ કમળ હતા કાળો બતક ની જગ્યાએ અહીં સ્થિત બતક ડોક ડોલાવતાં તરતાં હતાં.

સારસ સારસી અને શ્વેત બગલાઓના ટોળેટોળાં ઉડતાં હતાં.

ક્યાંક વળી બગભગત સમાધિ લગાવી બેઠા હતા.

તો ક્યાંક શિકાર લઈ ભાગી રહ્યા હતા.

અમે શ્વેત ગુફા તરફ આગળ વધતા હતા. વર્ષોથી પરિચિત હોય એમ થોડા હરણાં અને સસલાં દોડી આવી મિન્નીને ફરતે વીંટળાઈ વળ્યાં.

મિન્નીએ એક-બે સસલાં ઊંચકી લીધાં.

કોઈપણ જાતના ભય વિના સસલાં એની જોડે રમવા લાગ્યાં.

અમને જોતાં ગાઊ ઘણી જનારાં સસલાં અને મિન્નીના કોમળ હાથોમાં પોતાની મખમલી કાયાને સમેટી નિર્ભ્રાન્ત થઈ રમતાં સસલાં માં હું સામ્ય શોધતો હતો.

શ્વેત ગુફા અમારી નજર સામે હતી ગોળાકાર શ્વેતપથ્થરોમાં બારણા જેવો માર્ગ હતો.

દરવાજાની આસપાસ રંગબેરંગી ફૂલો ખીલ્યાં હતાં.

વાતાવરણ ખુશ્બુથી મધમધતું હતું.

નાનું ઝરણું વહેતું હતું.

એમાં પગ ઝબોળી અમે ગુફા નજીક આવ્યા.

ભીતર પ્રવેશતાં પહેલાં મેં એક નજર મિન્નની સામે જોયું "ગુરુદેવ અંદર હશે ..જાઓ..!" તેણીએ કહ્યું.

એની આંખોમાં ગજબના ભાવો હતા.

એક ગુફાના પ્રવેશ દ્વારની મધ્યમાં આવ્યા પછી ફરી એકવાર મિન્નીને જોઈ લેવાની ઈચ્છા થઇ ગઈ.

મેં તરત પાછળ જોયું તો...!

ત્યાં કોઈ જ નહોતું..

ત્યાં ધુંમાડાના ગોટા ઊડી રહ્યા હતા.

એ ધુંમાડામાં ત્રણ બિલાડીઓને દોડી જતી મેં જોઈ.

મારા હૈયાએ ધીમો આંચકો અનુભવેલો.

બધું જ અહીં જાણે માયાવી લાગતું હતું.

"મિન્નીને મળવું પડશે..! એના મનમાં ઉતરી બધા રહસ્ય પરથી પડદો ઊચકશુ..!"

એમ વિચારી હું ગુફામાં પ્રવેશી ગયો.

***