ભાગ -2
એનિવર્સરી.....
ઓફિસેથી નીકળ્યા પછી હું મારા ડ્રીમ ટારગેટ ની માળામાં ચુસ્ત બેસે એવા અંકોડા શોધવા લાગ્યો પણ સાંજ થતા સુધીમાં તો આ માળા ખાલી જ રહી. વધુ એક ખાલી દિવસ
એમ તો આ માર્ચ મહિનો હોય જ છે ડેન્જર ઝોન. અને આજે અકસ્માતે મારા સાસુ-સસરાની એનિવર્સરી હતી. સાધનાએ બને એટલા વહેલા આવવા માટે કહ્યુ હતુ.
હું જયારે મારા ફલેટ આગળ પહોંચ્યો ત્યારે સાધના તેના ટયુશનના છેલ્લી બેચ ના છોકરાઓને ભણાવી રહી હતી. ઘરને સપોર્ટ થાય તે આશયથી તે ઘણા વર્ષો થી ટયુશન કરતી. ફલેટના રહેનારા ઘણા સભ્યો તેના વાલીઓ હતા. અમે પહેલા માળે રહેતા પણ ચોથે માળે રહેનારા વાલીઓ પણ પોતાના બાળકોને આપેલો ઠપકો વિના મોબાઇલ સાંભળી શકતા. સાધનાની બુમોમાં પણ એમને સંગીત સંભળાતુ. હાલત મારી કફોડી બનતી. ઘરના એક માત્ર મેઇન રૂમમાં રહેલા ટી. વી નો સંગાથ છુટી જતો. ઘરના રસોઇ-કામ માં મદદ કરાવવી પડતી અને મમ્મી કાયમ તૈયાર રહેતા પોતાની વહુની ફરિયાદો સંભળાવવા. યાર અજીબ જીવન હોય છે આ પરણેલા પુરુષનુ.
રૂમમાં દાખલ થતા જ સાધનાના વિદ્યાર્થીઓને આજે વહેલી રજા મળી ગઇ. અને પહેલો જ પ્રશ્ર્ન પુછાયો.
‘ ATM માંથી પૈસા તો ઉપાડીને લાવ્યા છો ને? આ વખતે તો મારે મમ્મી-પપ્પાને સારી પ્રેઝન્ટ આપવી છે. ’
ખબર નહી આ સ્ત્રીઓ શુ કામ એકની એક વાતનુ પુનરાવર્તન વારંવાર કરે છે. પોતાની કોઇ શંકાનુ સમાધાન કરવા કે પતિ પરની પકડ વધુ મજબુત કરવા. ગમે તે હોય મારો કાયમનો જવાબ –“ભુલતો હોઇશ,ગમે તેમ તોય મારા સાસુ સસરાની એનિવર્સરી છે”
‘તો જલ્દી તૈયાર થઇ જાઓ. હજી ગીફટ લેવામાં ખાસો સમય જશે. ’
સ્નાન પતાવીને હું તૈયાર થયો. બને એટલા સાધનાને ગમે એવા વસ્ત્રો પહેર્યા. થોડી જ વારમાં અમે ‘ફીંલીગ્સ’ ના મોટા ગીફટ શોપમાં પહોંચ્યા. ગીફટ શોપનુ એ. સી પણ મને ઠંડક આપી શકયુ નહિ. ખબર નહિ આ સ્ત્રીઓ દરેક વસ્તુને પ્રાઇઝટેગ પરથી કેમ મુલવે છે ? મેં ઘણા પ્રયત્નો કર્યા કે કોઇ મોટી અને સસ્તી વસ્તુ સાધના ગમાડી દે. મારા વખાણ પણ કામ ના આવ્યા કારણ કે જયારે તે એ વસ્તુઓનુ પ્રાઇઝટેગ વાંચતી ત્યારે તેને ઘણા કારણો મળી જતા કે મને ગમેલી વસ્તુ કેમ ના લેવી,અને બીજો ચિંતાનો વિષય હતો મારો તોફાની બારકસ સાહિલ. કોમ્પ્યુટર ગેમ ની કેસેટો તે એક પછી એક ઉથલાવી રહ્યો હતો. અને આવા પ્રસંગે સાધના પણ ના પાડતી નહી. આખરે સાધનાને ગીફટ ગમી. મને સાસુ-સસરાની એનિવર્સરી દોઢ હજારમાં પડી. સાહિલ આ બીલમાં કોઇ ઉમેરો કરે એ પહેલા મેં ઝડપથી બીલ ચુકવવાની ફોર્માલિટી પતાવી દીધી.
બરાબર આઠ વાગે હું મારા સસુરગ્રુહે પહોંચ્યો. મારા સસરા સ્કુલમાં શિક્ષક હતા. હાલ તેઓ રિર્ટાયડ હતા. કદાચ વિદ્યાર્થીઓ ની જીજ્ઞાસા પુરી કરીને તેઓ થાકયા હોય કારણ કે તે બને તેટલુ ઓછુ બોલતા. પણ તેમની બાકીની કસર મારા સાસુશ્રી પુરી કરી શકતા. ઉતર ધ્રુવમાં પડેલી ઠંડી હોય કે પછી ખરીદેલી સાડી દરેક વિષય પર તે બોલી શકતા. મારો પગાર કે મારુ પ્રમોશન જાણવાની જીજ્ઞાસા તે રોકી શકતા નહી. અને એકવાર તે આંકડો મળી જાય પછી તે અનેક મહાનુભાવો સાથે તેની સરખામણી કરી શકતા. સાધના સિવાય ના સંતાનોમાં મારો એક સાળો પ્રકાશ હતો. પ્રકાશ ના લગ્નના છ મહિનામાં જ સાસુ-વહુનો મેળ જામ્યો નહી. બંને જણા સારું એવુ ઝઘડીને અલગ થયા. પ્રકાશ હાલ પત્ની પ્રિયા જોડે કલોલ માં રહેતો. કલોલ બાજુની જોબ તેને સારી માફક આવી ગઇ હતી,કારણ કે વાર –તહેવાર સિવાય ભાગ્યેજ સસુરગ્રુહે ફરકતો.
સાસુ-સસરાને પગે લાગી મેં મારી સ્ટાઇલ પ્રમાણે અભિનંદન આપ્યા-‘ કહે છે કે દરેક એનિવર્સરી એવો સવાલ પૂછે છે કે હજી કેટલા વર્ષ આમને સહન કરવાના છે ! સવારે ઉઠીને આ સવાલ પહેલા કોણે પુછયો હતો ?. ’
“ બંનેએ” મારી આશાથી વિપરીત મારા સસરાએ જવાબ આપ્યો.
“ તમેય શુ હવે ?” મારી સાસુએ સસરાને હળવેથી ટોણો મારીને કહ્યુ. અને ઉર્મેયુ –‘ અમારા કિસ્સામાં નહી પણ તમારા કિસ્સામાં એ સાચુ દેખાય છે. આ જુઓ મારી સાધના રોજ ને રોજ દુબળી થતી જાય છે. અને તમે ચારે બાજુથી ફૂલતા જાઉં છો. કંપનીએ કંઇ પ્રમોશન આપ્યુ કે શુ ?’
ફરી પાછી કંપનીની વાત,માંડ આ પંડિતનો ચહેરો ભુલવા પ્રયત્ન કરુ છુ ને પણ હોઠેથી એવુ નીકળ્યુ
‘ આ તમારી દીકરીની હાથની રસોઇ નો પ્રતાપ છે’ મારે વધુ વાદ-વિવાદ માં નહોતુ ઉતરવુ.
‘ હોય જ ને ! આખરે દીકરી કોની છે ?’ સાસુશ્રી બોલ્યા.
સાસુ જમાઇ ની આ ટીખળી વાતચીત પતાવીને હું અને મારા શિક્ષક સસરા ટી. વી સામે ગોઠવાયા. આજે ટી. વી પર IPL ની ફાઇનલ મેચ હતી. જેમાં અમને બંને ને રસ પડતો.
એ દરમિયાન અંદર સ્ત્રીઓની વાતચીત શરૂ થઇ.
’ મમ્મી, પ્રકાશે ફોન કર્યો હતો કે નહી ?’
‘ ફોન તો કર્યો હતો. એને તો આવવુ પણ હોય. પણ પ્રિયા આવવા દે તો ને ! વાતચીત માં તો એવી મિઠડી છે ! ફોનમાં બોલી,મારે તો આવવુ હોય પણ આમને જોબ માંથી રજા મળે એવુ નથી. રજા મળતી હોય તો પણ આ ના પાડે એમ છે. ’ સાસુ બોલ્યા.
‘ મમ્મી ! મેં સાંભળ્યુ છે કે એ લોકોએ નવુ એ. સી ખરીધુ છે’
‘ હા, ગયા અઠવાડિયે જ ખરીધુ છે. આ છોકરી પ્રકાશ ના પૈસા બચવા નહિ દે !’
દરેક મધ્યમવર્ગીય પરિવાર નો મુખ્ય ટાઇમ પાસ વિષય છે,-‘ બીજાની ટીકા કરવી ‘ અને સ્ત્રીઓ આ વિષયમાં P. hd હોય છે. એકબાજુ સ્ત્રીઓની P. hd ઘર સંસાર પર હતી અને અમારી ક્ર્રિકેટ પર . એવામાં જ મારી નજર મેજ પર પડેલા પુસ્તક પર ગઇ. જિજ્ઞાસાવત મેં એ પુસ્તક ઉપાડીને ખોલ્યુ. પુસ્તકનુ નામ હતુ “ KILLER’S KINGDOM”. પુસ્તક ની પાછળ લેખક નો હસતો ચહોરો હતો. અને ચેહરા નીચે લખ્યુ હતુ. “ Best selling Author”.
“આ પુસ્તક !” મેં સસરાશ્રી ને પુછયું.
‘આ કિર્તી ચૌધરીની નવીજ બુક છે. ગજબ લખે છે આ માણસ ! હું તો છેલ્લા વીસ વર્ષો થી એમને વાંચુ છું. ’
પુસ્તક વિશેનુ મારુ અજ્ઞાન વધુ પ્રગટ થાય એ પહેલા જ મેં પુસ્તક પાછુ મુકીને સસરાશ્રી નુ ધ્યાન ક્રિકેટ માં પુરોવ્યુ.
પણ મને જાણ નહોતી આ પુસ્તક પરનો ફોટો મારા જીવનમાં એવુ થ્રીલર પ્રકરણ ઉમેરવા જઇ રહ્યો છે જે કાલ્પનિક વાર્તાઓ કરતા પણ વધુ રોમાંચિત હશે.
- ક્રમશ.....