Tutela Chashmavadi Frame in Gujarati Love Stories by Rohit Suthar books and stories PDF | તૂટેલા ચશ્માવાળી ફ્રેમ

Featured Books
Categories
Share

તૂટેલા ચશ્માવાળી ફ્રેમ

"દિલ મેં થી જીતની ભી મોહોબ્બત,

સારી તુજ પર જતા દી,

મિલી થી જીતની ભી ખુશીયાં જિંદગી મેં,

સારી તુજ પર લૂંટા દી,

જબ ભી તુજે દર્દ હુઆ,

આંખે તેરી થી પર આંસુ મેરે થે,

ફિર ભી તેરા શુક્રિયા,

કી તુને મુજે જિંદગી કે સહી માઈને સમજા દીયે...

***

ખુશી હૈ મુજે કી મેને તુજસે બેઇન્તેહા પ્યાર કિયા,

બદલે મેં મિલે તેરે હર દર્દ, હર સિતમ, હર બેરુખી, યા ફિર તેરી બેવફાઈ,

હર ઈક કો જિંદગીભર યાદ રખને કા વાદા હૈ તુજસે...

***

લોગ કેહતે હૈ કી,

વક્ત કે સાથ ઝખ્મ ભર જાતે હૈ,

પર ફિર ભી કુછ નિશાન રેહ જાતે હૈ,

તું આજ નહિ મેરી દુનિયા મેં,

ફિર ભી ના ચાહતે હુએ ક્યુ તેરી પરવાહ કરતા હું,

ના ચાહતે હુએ ભી રાતો મેં અકસર,

આંસુઓ કે સાથ તેરી યાદ આ હી જાતી હૈ...

***

ઇશ્ક ભી કિતના અજીબ હૈ ના,

કોઈ કિસી કો તૂટકર ચાહતા હૈ,

યા ફિર કોઈ કિસી કો ચાહકર તૂટ જાતા હૈ,

પ્યાર હૈ ઈક અનમોલ ચીજ,

જો ઇસકી કદર જાનતા હૈ,

ક્યુ ઉસી કી કિસ્મત મેં આંસુ ઔર તન્હાઇયા લિખી હોતી હૈ...

***

ખેર જાને દે,

યહ તો હૈ કુછ બીતી બાતેં,

તું કિસી ઔર કે સાથ ખુશ હૈ,

ઔર મેં તુજે ખુશ દેખકર ખુશ હું..."

મારી હિન્દી કવિતા તાળીઓના ગડગડાટ સાથે હોલમાં બેસેલા તમામ લોકોએ વધાવી લીધી. વાહ… વાહ.. ના શબ્દો મારા કાને પડી રહ્યા હતા. લોકોએ મારી કવિતાને માણી એ જ મારા માટે ખુશીની વાત હતી.

પ્રેમિકાની બેવફાઈને વ્યક્ત કરતી પ્રેમીની કવિતા કહેતી વખતે મારા દિલના હાલ કેવા હતા, એ તો હું જ જાણતો હતો. ચહેરા પર દુઃખના હાવભાવ છુપાવીને હસતો રાખવો એ પણ એક કળા છે. જે બહુ ઓછા લોકો કરી જાણે છે.

હોલમાં બેસેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કરી હું બહાર નીકળ્યો. કારની પાસે આવ્યો ત્યાં સુધીમાં પંદર-વીસ લોકો મને ઘેરી વળ્યાં. કોઈ મારી સાથે હાથ મિલાવતું તો કોઈ સેલ્ફી લેતું અને કોઈ ઓટોગ્રાફની માંગણી કરતા. હું બધાની ઈચ્છા પુરી કરતો.

આ બધું કરીને પણ એક અનન્ય પ્રકારની ખુશી મળે છે. કોઈ આપણું પણ ફેન છે એ વાત કેટલી રોમાંચભરી હોઈ શકે. હું ગૌરવ ખન્ના ભારતભરમાં ફેમસ થઇ ચુક્યો હતો, દર્દભરી શાયરી અને કવિતાઓને કારણે. કદાચ મારી કવિતાઓ એ બધાંયના દિલને સ્પર્શતી હતી એ કારણે અથવા તો એમણે પણ ક્યારેક કોઈને મન ભરીને ચાહ્યા હશે.

આ જગતમાં આપણે કોઈ એકને બેપનાહ ચાહીએ અને તે આપણને ના મળે તો...? તે જ આપણી જિંદગી બની જાય, આપણા દિલની ધડકનમાં સમાઇ જાય અને એક દિવસ તે દિલ તોડીને જતી રહે તો?

કોઈક મહાનુભાવે કહ્યું છે કે સમયની સાથે લાગેલા ઝખ્મો ભરાઈ જાય છે. પણ હું મારા અનુભવ પરથી કહું તો, "પ્રેમમાં વિરહની વેદના ક્યારેય સમતી નથી, જીવનભર એ દિલના કોઈક ખૂણામાં સચવાઈ રહે છે. ઘણીવાર રાતોમાં આંસુ થકી એ વેદના ઉભરાઈ જ આવે છે."

લોકોનું ટોળું વિખરી ચૂક્યું હતું. કારનો દરવાજો ખોલીને હું બેસવા જતો જ હતો, ત્યાં જ એક અવાજ આવ્યો.

"ગૌરવ...." કોઈ સ્ત્રીનો ભીનાશથી ખરડાયેલો અવાજ હતો તે.

મેં ફરીને જોયું અને બસ જોતો જ રહી ગયો. તે દિપાલી હતી. એક સમયની મારા દિલની ધડકન, મારી પ્રિયતમા, મારી પ્રેમિકા, મારું સર્વસ્વ… આજે ઠીક દસ વર્ષ, સાત મહિના અને અઢાર દિવસ બાદ હું તેને જોઈ રહ્યો હતો. આંખો અને દિલને એક સાથે સંભાળવા મને ખૂબ કઠિન લાગી રહ્યા હતા.

દિપાલી એક કાગળ મારી તરફ કરીને બોલી, "ઓટોગ્રાફ પ્લીઝ..."

વર્ષો પહેલાં તેને મજાકમાં કહેલું વાક્ય યાદ આવી ગયું, "દિપાલી જોજે, એક દિવસ આવશે જ્યારે તું મારા ઓટોગ્રાફના ઇન્તેજારમાં લાઈનમાં ઉભી હોઈશ."

શૂન્યમનસ્કપણે કંઈ પણ બોલ્યા વિના દિપાલીને ઓટોગ્રાફ આપીને હું કારમાં બેસી ગયો. એકવાર પણ મેં તેની તરફ ન જોયું અને નીકળી ગયો. કદાચ બે ક્ષણ વધુ તેને જોઈ હોત તો મારી ના હોવા છતાં આંખો બગાવત પર ઉતરીને રડી પડી હોત! કારના કાચમાં મેં જોયું, તે મારી દિશામાં જ જોઈ રહી હતી.

રાતના અગિયાર વાગ્યા હતા. હું એનએચ-૮ હાઇવે પર પુરઝડપે કાર ચલાવી રહ્યો હતો. દિલમાં એક તુફાન ઉઠ્યું હતું, જે વર્ષો પહેલા ઓસરી ચૂક્યું હતું. વારે વારે ના ચાહવા છતાંય એ જ દિપાલીનો ચહેરો મારી સામે આવી રહ્યો હતી. એ જ બેવફા...જેણે ક્યારેક મારુ દિલ તોડ્યું હતું. આજે ફરી એ બધા જ દિવસોની યાદ આવી ગઈ અને હું ભૂતકાળમાં સરી પડ્યો.

***

કોલેજમાં ન્યુ યર ફ્રેશર્સ સ્ટુડન્ટસની પાર્ટી "ડિસ્કો થેક" કલબમાં ચાલી રહી હતી. આ વર્ષની થીમ પણ સિનિયર સ્ટુડન્ટસે કઈક હટકે રાખી હતી. બધાં જ લોકોએ માસ્ક પહેરીને આવવાનું હતું. હું પણ મારા બે મિત્રો આશિષ અને કુણાલ સાથે ત્યાં પહોંચ્યો. ડીજેના સોન્ગ પર બધાના પગ થરકવા માટે મજબૂર થઈ જાય એવા હતા. અમે બધા ડિસ્કો કરીને પાર્ટી એન્જોય કરી રહ્યા હતા.

એ બધા લોકોમાં સૌથી વિચિત્ર નમૂનો લાગતો હોય તો "હું". કારણ કે માસ્ક ઉપર ચશ્મા પહેરેલો વ્યક્તિ લાગે પણ કેવો? પણ એક વાતની શાંતિ હતી કે રંગબેરંગી ઝળહળતી ડિસ્કો લાઇટ્સમાં બધા નાચવામાં વ્યસ્ત હતા. થોડીવાર ડિસ્કો કર્યા બાદ ત્યાંથી બહાર નીકળવા મેં આશિષને ઈશારો કર્યો, પણ તેને તો અહીં જ મજા પડતી હતી. આથી ઘરે જવા નીકળી રહ્યો છું એવો ઈશારો કરીને એ બન્નેને ત્યાં જ છોડીને હું પાર્કિંગ પ્લોટ તરફ જવા લાગ્યો.

મારી બાઇક પાસે પહોંચ્યા બાદ અચાનક કોઈ છોકરીના રડવાનો અવાજ મારા કાને પડ્યો. સાથે કોઈ યુવકનો પણ ગુસ્સાથી ભરેલો અવાજ આવી રહ્યો હતો. હું કુતૂહલવશ થઈને એ દિશા તરફ આગળ વધ્યો.

"સાલી, તું મને દગો કેવી રીતે આપી શકે?" કહેતા પેલા યુવાને યુવતીને ખેંચીને તમાચો માર્યો.

"યુ રાસ્કલ..."કહીને તે પણ સામે તમાચો મારવા ગઈ. પણ યુવકે તેનો હાથ પાછળની તરફ વાળીને જોરથી મચકોડયો. તે યુવતી દર્દના કારણે ચીસો પાડતી રહી.

"મારા પૈસે મોજ-મજા કરી, ટાઈમપાસ કર્યું ને જ્યારે મન ભરાઈ આવ્યું, તો બ્રેકઅપ...?" ગુસ્સાના મારે તે યુવકની આંખો લાલ-પીળી થઈ રહી હતી.

"આહહહ… પ્લીઝ હેલ્પ મી સમવન..." યુવતી જોરથી બોલી.

"તને મારાથી બચાવવા કોઈ નહિ આવે." કહીને યુવકે તેના ગળામાં બચકું ભર્યું. યુવતી જોરથી રડી પડી.

તે યુવક દુષ્ટતાની તમામ હદો પાર કરી રહ્યો હતો. "હેયયય...આ શું માંડ્યું છે બધું...?" અવાજમાં સહેજ ગરમાશ લાવીને હું બોલ્યો.

"એયય, ચુપચાપ અહીંથી વટ્ટી-શટ્ટી થઈ જા. ખોટા હાડકાં ભંગાવી બેસીશ..." તે ચપટી વગાડતા બોલ્યો.

હું ક્યારેય કોઈને દુઃખ કે તફલીફમાં ન જોઈ શકું, જ્યારે અહીં તો આ વિકૃત માનસ ધરાવતો વ્યક્તિ એક યુવતીને પીડા પહોંચાડી રહ્યો હતો. એ લોકોની વાતચીત પરથી એટલું તો ખબર પડી કે મામલો બ્રેકઅપનો હતો, યુવતીએ હવે સંબંધ રાખવાની ના પાડી એટલે યુવકનો પિત્તો છટક્યો હતો. પણ તેમ છતાંય યુવકને કોઈ હક નથી કે તે આમ યુવતીને હાનિ પહોંચાડે.

મેં નજીક જઈને પેલા યુવકને જોરથી ધક્કો માર્યો અને અચાનક થયેલા પ્રહારથી તે જમીન પર ફંગોળાયો. ગુસ્સામાં લાલચોળ થઈ તે ઝડપથી મારી તરફ ધસી આવ્યો અને ખેંચીને તમાચો માર્યો. મોઢું બીજી દિશામાં ફરતા જ મારી ચશ્માની ફ્રેમ જમીન પર પડી ગઈ અને તેના ગ્લાસ પર ઘણા સ્ક્રેચ પડી ગયા. તેણે ફરી મારા ચહેરા પર મુક્કો માર્યો અને હું જમીન પર ઢળી પડ્યો.

"તારી ચરબી ઉતરી ગઈ હોય તો ચાલતી પકડ." તે યુવક બોલ્યો.

યુવકે કારનો પાછલો દરવાજો ખોલ્યો અને પેલી યુવતીને ધક્કો મારીને અંદર બેસાડી દીધી. "હવે તો મારા ફાર્મ હાઉસ પર જઈને તારી વાત છે." યુવક જોરથી હસ્યો.

આ છેલ્લી વાતથી હું વધુ ગુસ્સે ભરાયો અને ઝડપથી તે યુવક તરફ જઈને તે કઈ સમજે તે પહેલાં તેના માથાના પાછળનો ભાગ કસીને પકડ્યો અને કારના બોનેટ સાથે જોરથી ભટકાડી દીધું. તે જમીન પર ઢળી પડ્યો અને તરફડી રહ્યો હતો.

કારનો દરવાજો ખોલીને તે યુવતી બહાર આવી. ચશ્મા પહેરેલા ન હોવાથી દુરનું બધું ધૂંધળું નજર આવી રહ્યું હતું. આસપાસ જમીન પર નજર કરતા હું મારા ચશ્મા શોધી રહ્યો હતો. કદાચ તે યુવતી મારી વાત સમજી ગઈ હોય તેમ મારી પાસે આવી અને કઈક આપતા બોલી, "લો, આ તમારા તૂટેલા ચશ્માવાળી ફ્રેમ" તે મરક મરક હસી રહી હતી.

કાચમાં ઘણા સ્ક્રેચ પડી ગયા હતા, તેમ છતાંય મેં પહેર્યા અને તૂટેલા કાચમાંથી જે દ્રશ્ય સામે દેખાઈ રહ્યું હતું, એ જોઈને હું અભિભૂત થઈ ગયો. મેં આજથી પહેલા આટલી સુંદર છોકરી ક્યારેય નહોતી જોઈ. પહેલી જ નજરમાં જાણે તેણે મારું દિલ વીંધી નાખ્યું હતું. હું બસ મંત્રમુગ્ધ થઈને તેને જ જોઈ રહ્યો હતો.

"મારી મદદ કરવા બદલ ખુબ ખૂબ આભાર." તે યુવતી ગળગળી થઈને બોલી.

"અરે, એમાં વળી શું?" મેં કહ્યું.

"મારા કારણે તમારા ચશ્મા તૂટી ગયા, સોરી." તેણે કહ્યું.

"અરે કોઈ વાંધો નહિ… નવા બનાવી લઈશ." મેં કહ્યું.

"હવે તમને તો કઈ દેખાશે નહિ, એવું હોય તો હું તમને ઘરે ડ્રોપ કરી દઉં?" યુવતી બોલી.

"હું હોસ્ટેલમાં રહું છું." મેં કહ્યું.

"વાહ! હું પણ. ચાલ, હું તને હોસ્ટેલ સુધી પહોંચાડી દઉં." તે બોલી.

આ તો સોનામાં સુગંધ ભળી કહેવાય. તે મને ગમી રહી હતી અને થોડી વાર વધુ તેનો સાથ મળી શકે એમ હતો, તો એમાં તો મારો જ ફાયદો ને?

"શું થયું? કઈ જવાબ ના આપ્યો?" તે અકળાઈને બોલી.

"અ... હા… અમમ… ચોક્કસ..." વિચારોની તંદ્રા તૂટતાં હું અચકાતા બોલ્યો.

પેલો યુવાન પાછો ઉભો થયો અને કારમાં બેસીને યુવતી તરફ જોતો કેટલીક ગાળો ભાંડીને જતો રહ્યો. પેલી યુવતી પણ પાછી પડે એવી ક્યાં હતી. માં- બહેનની ગાળો ભાંડવામાં તો જાણે એણે પીએચડી કરી હોય એવું લાગતું હતું. જાણે કે કાનમાંથી કીડાઓ બહાર આવી જશે એવું મને લાગતું હતું.

તૂટેલા ચશ્મામાંથી કઈ પણ સ્પષ્ટ નહોતું દેખાતું, પણ કામચલાઉ ધોરણે ચાલી જાય એમ હતું. હું અને તે યુવતી મારી બાઇક પાસે પહોંચ્યા. બાઇક પર બેઠા બાદ મેં તેને પાછળ બેસવા ઈશારો કર્યો.

"અમમમ… શું હું બાઇક ચલાવી શકું?" તે થોડી ખચકાતા બોલી.

"શું... તમે...?" જાણે કે મને નવાઈ લાગી હોય એવા સ્વરે બોલ્યો.

"કેમ, છોકરી બાઇક ના ચલાવી શકે?" સહેજ અણગમાના સ્વર સાથે તે બોલી.

"ના...ના… એવું કંઈ નથી. ઓકે, તમે જ ચલાવો." બાઇક પરથી ઉતરતા હું બોલ્યો.

યુવતીએ કિક મારીને બાઇક સ્ટાર્ટ કરી અને હું તેની પાછળ ગોઠવાયો. રસ્તા ઉપર તે ફાસ્ટ બાઇક ચલાવી રહી હતી. તેના ખુલ્લા વાળ વારંવાર મારા ચહેરાની છેડતી કરી રહ્યા હતા. તેના શરીરમાંથી આવતી પરફ્યુમની ખુશ્બુ મારી શ્વાસોમાં આવતી હવાને તરોતાજા બનાવતી હતી. તેનામાંથી આવતી માદક ખુશ્બુ હું જીવનભર આમ જ માણતો રહું એવી ઈચ્છા થઈ રહી હતી. કાશ! જો મારા ચશ્મા તૂટ્યા ન હોત તો હું તેની સુંદરતાને વધુ નીરખી શક્યો હોત. તેમ છતાંય જ્યારે પાર્કિંગ પ્લોટમાં તેને અને તેના બોયફ્રેન્ડને જોયો હતો ત્યારે તેને જોઈ તો હતી, પણ એ સમયે વધુ ધ્યાન ના આપી શક્યો.

હું તેના તરફ વધુ આકર્ષિત થઈ રહ્યો હતો ત્યારે મારી અંદર રહેલો ભૂરો (મારું અંતરમન) બોલી ઉઠ્યો, "અલ્યા ડોફા, પાછો વળી જા. એને તો બોયફ્રેન્ડ હતો..."

"શું ગોંડિયા જેવી વાતો કરે છે? એ તો હતો, હમણાં તો ખુરશી ખાલી જ છે ને? બેસવાનો મતલબ કે એના પ્રેમને પામવાનો મોકો છે જ." હું બોલ્યો.

"પણ યાર..." ભૂરાને બોલતા મેં અટકાવ્યો.

"પણ ને બણ, આ જમાનામાં બોયફ્રેન્ડ કે ગર્લફ્રેંડ હોવી એ એક ફેશન સમાન બાબત થઈ ગઈ છે. આ જ વિચારધારાને કારણે વીસ વર્ષનો થઈ ગયો હોવા છતાંય એક ગર્લફ્રેંડ નથી બની. ક્યાં સુધી આમ જ બીજી છોકરીઓને હું ઘુરતો રહીશ." મેં દલીલ કરી.

"અલ્યા પણ તું તો વાત એવી કરે છે કે જાણે એણે પ્રપોઝ કરી દીધું હોય, ભેંસ ભાગોળે ને છાશ છાગોળે, એવી પરિસ્થિતિ છે હમણાં." ભૂરાએ કહ્યું. "જો ભૂરા હવે શાંતિથી ચૂપ રહે..." આમ ગૌરવ અને ભૂરાની વાતો પુરી થઈ. ભૂરો એક અળવીતરો માણસ છે એ વાત માત્ર હું જ જાણું છું, બાકી દુનિયા તો માત્ર ગૌરવને જ જાણે છે જે સીધોસાદો માણસ છે. ના...સીધો તો ના જ કહેવાઉં, આજે એક જણનું ભોડું ફોડીને આવ્યો છું.

"હાય, હું દિપાલી..." તે બોલી.

"હાય, હું ગૌરવ." મેં ટૂંકમાં જવાબ આપ્યો.

"આ દુનિયા પણ કેટલી અજીબ છે ને? કોઈની સાથે થોડો ટાઈમ રહી શું લઇએ, એ તો જાણે આપણે એમની કોઈ મિલ્કત હોઈએ એમ હક જ જમાવવા લાગે." મોઢું બગાડતા તે બોલી.

"ઘણા લોકો સારા પણ છે, બધે એવું નથી." મેં ટૂંકમાં જવાબ આપ્યો.

"અરે, શું એવું નથી? આ પાંચમી વાર મારી સાથે એવું થયું." તે બોલી.

"મતલબ...?" મેં પૂછ્યું.

"આનાથી પહેલાના પણ ચારેય બોયફ્રેન્ડ એવા જ નીકળ્યા હતા, યાર." તે બોલી.

"એયયય, બહુ ગમવા લાગી હતી ને, ચરકટ જેવા પાછો વળ. આ આપણા ટાઇપની નથી. આપણે આ લવની મેચમાં સેમિફાઇનલમાં હારવું નથી, ફાઇનલ સુધી પહોંચવું છે હો...આ છોકરી તને ક્લીન બોલ્ડ કરશે જ." ભૂરો બોલી ઉઠ્યો.

હું સહેજ ખિજાઈને બોલી ઉઠ્યો, "અલ્યા ચૂપ રહેને..."

"હે...શું કહ્યું?" દિપાલી બોલતી બોલતી અટકી ગઈ.

"હા… ઉમમ.. કઈ નહિ, એમ જ, તમે કહો ને..." મેં વાત ટાળવાના હેતુથી કહ્યું.

"પ્રેમમાં આઝાદી હોવી જોઈએ, તો જ આપણે ખુશીથી રહી શકીએ. આજકાલના છોકરાઓ હક જ જમાવવા લાગે છે. હું કહું એમ કરવાનું, કોઈ બીજા છોકરા સાથે નહિ બોલવાનું, ક્યાં છે, શું કરે છે, આમ છે ને તેમ છે...ઉફફફ..." તે માથું ધુણાવીને બોલી.

"તો તમને કેવી આઝાદી જોઈએ છે?" સહેજ હસતા હું બોલ્યો.

"તે મને પ્રેમ કરે અને હું તેને. હું ઈચ્છું તેમ હું રહું અને તે ઈચ્છે તેમ એ રહી શકે. બાકી મને ગમે તેમ તું રહે અને તને ગમે તેમ હું રહું? હા...હા...હા...આ બધું બકવાસ છે." તે હસવા લાગી.

"પણ પ્રેમમાં તો આવું જ હોય ને? આપણા પાર્ટનરની કોઈ આદત ન ગમે તો તેણે બદલવી જોઈએ ને? જો ખુશીથી સાથે રહેવું હોય તો થોડું સમાધાન કરવું જ પડે ને." હું બોલ્યો.

"ના, જો આપણે સાચો પ્રેમ કરીએ ને તો એને તે જેવો છે એવો અપનાવી લેવો જોઈએ. તો જ એને પ્રેમ કહેવાય. બાકી પ્રેમમાં કોઈને ગુલામ બનાવીને ના રાખી શકાય. તું આમ ન કર, તું તેમ ન કર. ઓહહ… આઈ હેટ લવ..." તે બોલી.

મને તેની વાતો પર અને ખાસ કરીને તેના બોલવાના લહેકાથી હસવું આવતું હતું.

"શ્રીમાન, ખુરશી ખાલી જ છે, બેસવું છે તમારે?" મારી અંદર રહેલો ભૂરો ફરી બોલી ઉઠ્યો.

"ના ભાઈ, આભાર..." મેં મનોમન કહ્યું.

"તને ખબર છે, આ હિતેશ છેલ્લા અઠવાડિયાથી હેરાન કરતો હતો, છેવટે કાલે બ્રેકઅપ કરી નાખ્યું અને આજે જાણે હું તેના બાપાની વસ્તુ હોઉં એમ પાર્કિંગ પ્લોટ સુધી પીછો કરતો આવી ગયો અને મારવા લાગ્યો… હમમ બાસ્ટર્ડ..." થોડા દુઃખી સ્વરે તે બોલી.

"પ્રેમમાં એકબીજાને સ્પેસ આપવી જરૂરી છે, નહિતર રિલેશનમાં ગૂંગળામણ થવા લાગે છે અને અંતે બધું ખતમ બસ..." તે દુઃખી લાગી રહી હતી.

હું કઈ જ ના બોલ્યો. હોસ્ટેલ આવતા તેણે બાઇક ઉભી રાખી. અમે બન્ને ઉતર્યા અને તેણે મારી સામે જોઈને હાથ લંબાવ્યો, "ફ્રેન્ડઝ...?" તેણે પૂછ્યું.

તેના માખણ જેવા મુલાયમ હાથોમાં મેં મારો હાથ પરોવ્યો. બે ક્ષણ માટે હાથ મિલાવીને તે ગર્લ્સ હોસ્ટેલ તરફ જવા લાગી. હું બસ તેને જોતો રહ્યો.

***

એ વાતને બે મહિના થઈ ચુક્યા હતા. મારી અને દિપાલીની દોસ્તી જામી ગઈ હતી. લાઈબ્રેરી અને કેન્ટીનમાં તો ઠીક અમે મુવી જોવા કે શોપિંગ કરવા પણ સાથે જ જતા. તેને મારી ચોઇસ બકવાસ લાગતી. હું એક બોરિંગ માણસ છું એવું તેનું માનવું હતું. ઘણીવાર આ વાત કહીને તે હસી પડતી અને હું બસ તેને જોતો રહેતો. તે એક નિખાલસ, વાતોકડી અને પ્રામાણિક વ્યક્તિ હતી તેમ મારું માનવું હતું.

મારા જીવનમાં દિપાલીના આવવાથી વધુ એક ફાયદો થયો હોય તો એ કે વર્ષોથી હેરાન કરતો પેલો ભૂરો… એનાથી મુક્તિ મળી ગઈ હતી. હાશ! લપ છૂટી.

***

મારો મોબાઈલ બગડી ગયો હતો. પેલા આશિષના કારણે ફોન પાણીમાં પડી ગયો અને કલ્યાણ...ફોન રીપેર કરવા આપ્યો, ત્રણ દિવસ પછી મળશે એમ એ ભાઈએ કહ્યું, પણ તફલીફ એ છે કે હું દિપાલીની અવાજ નહિ સાંભળી શકું. તે એના ગામડે કપડવંજ ગઈ છે, એટલે મળવાની વાત તો દૂર રહી.

ત્રણ દિવસ વીતી ગયા અને હું ફોન લેવા દુકાને ગયો. મનમાં એક જ વિચાર હતો, ફોનને લઈને સૌથી પહેલા દિપાલીને ફોન કરીશ. જે બેચેનીઓએ મને ત્રણ દિવસથી પરેશાન કરી મુક્યો છે તેનો અંત હવે આવશે.

ફોન રીપેરના પૈસા ચૂકવી હું રોડ પર આવ્યો. તેમાં સિમ કાર્ડ ભરાવી ફટાફટ ફોન ચાલુ થાય એવા પ્રયાસ કરી રહ્યો હતો. ફોન ચાલુ થતા જ મેં દિપાલીને ફોન લગાવ્યો.

કોઈ સ્ત્રીનો અવાજ સાંભળતા જ હું બોલી પડ્યો, "હાય, દિપાલી..."

સામે છેડેથી કંપનીના ઓડિયો ટેપની પેલી સ્ત્રીનો મીઠો બકવાસ અવાજ રણક્યો, "તમારા એકાઉન્ટમાં કૉલ કરવા માટે પર્યાપ્ત બેલેન્સ નથી."

"ઓહ… આશિષડા... " ગુસ્સામાં મેં તેને ગાળો ભાંડી. મારુ સીમકાર્ડનું બેલેન્સ તેણે જ ઉડાવ્યું હશે એની મને સંપૂર્ણ ખાતરી હતી.

ફરીથી મોબાઇલની દુકાનમાં જઈને મેં રિચાર્જ કરાવ્યું. થોડી ઘણી ભીડ હોવાથી દસેક મિનિટ બાદ હું રિચાર્જ કરાવીને બહાર આવ્યો. એ સમય દરમિયાન નજાણે કેમ શરીરમાંથી ધ્રુજારી ઉત્તપન્ન થતી હતી, એ હું નથી જાણતો.

દિપાલીને ફોન લગાવ્યો. પુરી રિંગ ગઈ પણ તેણે ફોન ના ઉપાડ્યો. મેં ફરીથી પ્રયાસ કર્યો અને થોડી વારે તેણે ફોન ઉપાડ્યો.

"હેલ્લો દિપાલી, કેમ છે?" મેં પૂછ્યું.

"એ બધું છોડ, ત્રણ દિવસથી ફોન કેમ બન્ધ હતો?" તે નારાજ થઈને બોલી. હું તેના અવાજને માણી રહ્યો હતો. મનમાં થતી બેચેનીઓને રાહત મળી ગઈ.

"ફોન બગડી ગયો હતો યાર, હમણાં જ રીપેર થઈને મળ્યો છે." મેં કહ્યું.

"ઓહ… તને શું ખબર મેં તને કેટલો યાદ કર્યો?" દિપાલીએ કહ્યું.

"કેટલો...?" મેં પૂછ્યું.

"એક વાત કહું...?" તેણે પૂછ્યું.

"હા..બોલ ને..." તેની દરેક વાત આંખો બન્ધ કરીને હું સાંભળી રહ્યો હતો. મનને અજીબ પ્રકારનું શુકુન મળી રહ્યું હતું.

"સોનું... આઈ લવ યુ..."

ઓહ...મારી આસપાસનું તમામ વાતાવરણ જાણે થંભી ગયુ. મને જે જોઈતું હતું એ જાણે મળી ગયું. મને પણ એનાથી સાચો પ્રેમ થઇ ગયો હતો. એટલે જ તો એના વિના ત્રણ દિવસ હું કેટલું તડપયો હતો.

"આઈ લવ યુ ટુ માય જાન..." જાણે વધારે પડતી ખુશી થઈ ગઈ હોય તેમ આજુબાજુના લોકોને અવગણીને હું જોરથી બોલ્યો. કદાચ અમુક લોકો મને જોતા પણ હશે. મારી આંખો તો બન્ધ હતી એટલે શું ખબર અને જોતા પણ હોય તો કોને પરવાહ!!! મને મારી સોનું, બાબુ, જાન... જે મળી ગઈ હતી.

લગભગ કલાક સુધી ફોન પર વાતો કર્યા બાદ હું હોસ્ટેલ જવા રવાના થયો.

***

બે વર્ષ બાદ...

હું નહેરુ બ્રિજના રસ્તા પર ટ્રાફિકની વચ્ચે દોડી રહ્યો હતો. આંખોમાં આંસુ હતા, દિલમાં બેશુમાર દર્દ. અચાનક જાણે જીવનમાંથી જ રસ ઉડી ગયો હોય એમ હું રસ્તાની સાઈડ પર આવી ગયો અને પાળી કૂદીને નદીમાં છલાંગ મારી દીધી. દિપાલી અને મારા પ્રેમના એ બે વર્ષ મારી આંખોની સામે કોઈ ફિલ્મની રીલની જેમ ફરી રહ્યા હતા. એ પ્રેમભરી વાતો, આલિંગન, પ્રેમની પરાકાષ્ઠાથી તરબતોળ થયેલું એ ચુંબન, અને આપેલા ઘણા બધા વચનો. આજે બધું સમાપ્ત થયુ હતું. મારૂ દિલ જે બળી રહ્યું હતું એની જ ગરમીથી જાણે ઉતપન્ન થયેલી આગ પર કોઈ સાત ફેરા ફરીને પરણ્યું હતું. એ જ મારી દિપાલી.

અઠવાડિયા પહેલા જ્યારે મને દિપાલીની ફ્રેન્ડ બિંદુએ કહ્યું તો મને વિશ્વાસ જ ના આવ્યો, પણ જ્યારે તેણે મને વોટ્સએપ પર તેની સગાઈના ફોટા મોકલ્યા હું દંગ જ રહી ગયો. દિપાલી મને દગો કેમ આપી શકે? આખરે બધું પડતું મૂકીને હું તેના ગામ કપડવંજ જવા નીકળી પડ્યો.

દિપાલી એના રૂમમાં ચાર-પાંચ સખીઓ સાથે બેઠી હતી. દુલ્હનના વેશમાં તે ખુબસુરત લાગતી હતી. તે અચાનક મને જોઈને દંગ થઈ ગઈ.

"મારે તારી સાથે જરૂરી વાત કરવી છે." હું ગુસ્સામાં બોલ્યો.

"હા, બોલ ને." તેણે કહ્યું.

"પણ એકલામાં..." મેં તેની સખીઓ સામે જોતા કહ્યું.

દિપાલીએ આંખોથી એની સખીઓને ઈશારો કર્યો અને બધી રૂમની બહાર નીકળી ગઈ.

"આ બધું શું છે?" મેં પૂછ્યું.

"મારા લગ્ન, બીજું તો શું...?" તે હળવું સ્મિત વેરીને બોલી.

"તું આમ મને દગો કેમ આપી શકે?" મેં પૂછ્યું. મારી આંખોમાંથી આંસુઓ સરી પડ્યા.

"હેયય ડિયર, આમ રડીશ નહિ. પણ લાઈફમાં ઘણી વાર પ્રેક્ટિકલ પણ થવું પડે. મને આપણાં સંબંધથી છેલ્લા કેટલાક મહિનાઓથી ગૂંગળામણ થઈ રહી હતી, મેં તને કહ્યું તો હતું. નાત-જાત, ફાઇનાન્સિયલ સ્ટેટ્સ વગેરે કારણસર મારા પરિવારવાળા આપણા સંબંધને સ્વીકાર જ ન કરત. એનાથી બેટર હતું કે પરિવારની ઇચ્છાનુસાર અરેન્જ મેરેજ જ કરી લઉ..."

મેં તેને આગળ બોલતા અટકાવી, "જ્યારે પ્રપોઝ કર્યું ત્યારે ખબર ન પડી? બે વર્ષ પ્રેમમાં રહ્યા ત્યારે ખબર ન પડી? અને હવે આ બધો અહેસાસ થાય છે?" મેં ગુસ્સામાં કહ્યું.

"મેં તો તને ઘણીવાર કહેલું, તું જ નહોતો માનતો… ઓકે...." તેણે હાથ ઉંચા કરતા કહ્યું.

"પ્રેમમાં માત્ર પ્રેમની લાગણી હોવી જરૂરી છે, આના અહેસાસ હોવા જરૂરી છે, એકબીજાની ગરજ હોવી જરૂરી છે, જો આ બધું હોય તો પ્રેમમાં ક્યારેય કમી નથી આવતી. પૈસાથી માત્ર જરૂરિયાત પૂરી થાય છે, પણ કોઈનો પ્રેમ નથી પામી શકાતો..." મેં કહ્યું.

"જ્યારે જરૂરિયાતો અને ઈચ્છાઓ પૂરી નથી થતી ને ત્યારે પ્રેમ બારીમાંથી કૂદીકો મારીને ભાગી જાય છે. તારી માત્ર દસ હજારની સેલેરીમાં શું તું મારી જરૂરિયાતો પૂરી કરી શકત ખરી? મારો મહિનાનો ખર્ચો જ ત્રીસ-પાંત્રીસ હજાર છે." તેણે કહ્યું.

"તારે તો માત્ર ટાઈમપાસ જ કરવો હતો, પ્રેમના નામની તે રમત બનાવીને મૂકી દીધી છે. બ્રેકઅપ-પેચઅપ વગેરે… મારાથી પહેલા પાંચ ને હું છઠ્ઠો...નહિ...?" ગુસ્સાની સાથે આંસુઓ પણ મારી આંખોથી વહી ગયા.

"વાહ!!! લવ ગેમનું ખૂબ મસ્ત જ્ઞાન મળી ગયું..." હું આગળ કઈક બોલું એ પહેલાં તેના પરિવારવાળા ત્યાં આવી ગયા. હું ત્યાંથી નીકળી ગયો. આખો ઘર સુંદર રીતે સજાવવામાં આવેલો હતો. ઘરની બહાર મંડપ બાંધેલો હતો. લગ્નની ચૌરી પણ સરસ રીતે શણગારેલી હતી.

"આ જ જગ્યાએ હું દિપાલીની સાથે પરણવાના સપનાઓ જોતો હતો… આખરે હું સેમિફાઇનલમાં જ હારી ગયો અને આજે ફાઇનલ મેચ જોવા આવ્યો હોઉં એવી લાગણી થઈ રહી છે યાર." મનોમન બોલતા કટાક્ષભર્યું સ્મિત મેં વેર્યું. મંડપની સામે ખુરશીઓ ગોઠવેલી હતી. હું ત્યાં જઈને ગોઠવાયો. થોડી વારે જાનનું આગમન થયું અને સ્વાગત કરીને વરરાજાને અંદર લેવાયા. અડધા કલાક બાદ વર- વધુ મંડપમાં બેઠા અને લગ્નની વિધિઓ શરૂ થઈ.

એક એક ક્ષણે હું તડપી રહ્યો હતો, બેવફાઈની આગમાં બળી રહ્યો હતો. શું સત્યમાં કોઈને ભૂલવું એટલું સરળ હોય છે? કદાચ આ જગતમાં બે પ્રકારના લોકો હોઈ શકે. એક એ જે કોઈને પણ પળવારમાં ભૂલી શકે અને બીજા જે કોઈને ભૂલવા માટે આખી જિંદગી પ્રયાસ કરતા રહે, પણ ના ભૂલી શકે. ખબર નહિ હું એને ભૂલી શકીશ કે નહીં. મેં તેને દિલોજાનથી ચાહી હતી. સમગ્ર જીવન એની સાથે વ્યતીત કરવાના સપનાઓ જોતો હતો, એની સાથે લગ્ન કરવાના સ્વપ્નો… અને એ આજે કોઈ બીજા સાથે પરણી રહી હતી.

એક મન તો મારું કહી રહ્યુ હતું કે ત્યાંથી જતો રહું, પણ પ્રેમમાં મળેલા દગાને કારણે હું જીવનભર આ ઝખમને તાજો રાખવા માંગતો હતો. આ જ કારણે હું છેક સુધી ત્યાં રહ્યો, જ્યાં સુધી દિપાલીની વિદાય ન થઈ.

ઘરે આવ્યા બાદ હું ખૂબ રડ્યો. બે દિવસ વીતી ગયા પણ મને ચેન નહોતું પડતું. એની યાદો મને વારંવાર ઘેરી વળતી. સાંજના સમયે હું રિક્ષામાં બેસીને આશ્રમ રોડ તરફ નીકળી પડ્યો. દિલમાં થયેલી અઢળક પીડા અને ભૂતકાળે મારા મનમાં ઝંજાવાત સર્જી દીધું. હું નહેરુ બ્રિજના રસ્તા પર દોડી રહ્યો હતો અને આખરે નદીમાં ડૂબકી લગાવી જ દીધી...

હું હોસ્પિટલમાં હતો, ચાર-પાંચ લોકોએ મળીને મને બચાવી લીધો. રજા અપાયા બાદ હું ઘરે તો આવી ગયો, પણ દિલમાં એવું ખાલીપણું સર્જાયું હતું કે આ જગ્યા ક્યારેય પણ નહીં ભરાય. મારા પરિવાર અને મિત્રોએ પ્રેમથી મારા ઝખમોને ભરવા માટે બેશુમાર પ્રયાસો કરી દીધા. દિલના આ દર્દને મેં કલમ દ્રારા કાગળ પર કંડારવાનું શરૂ કર્યું. મારી શેરો-શાયરી અને કવિતામાં અજીબ દર્દ હતું એમ મારા નજીકના મિત્રોનું કહેવું હતું. ફેસબુક અને યુટ્યુબ પર પ્રસિદ્ધિ મળતી ગઈ. હું ફેમસ થઇ રહ્યો હતો.

***

ભૂતકાળની યાદોમાં ડૂબકી લગાવીને હું ફરી વર્તમાનમાં આવી ગયો. આજ સુધી એવો કોઈ દિવસ નહિ હોય જ્યારે મેં દિપાલીને યાદ ન કરી હોય. એનું પણ અજુગતું કારણ છે. પહેલા હું એને પ્રેમ કરતો હતો એ કારણે યાદ કરતો હતો અને આજે મારા પ્રોફેશનના કારણે. એને યાદ કરીને જે દર્દ મળે છે એ જ કારણે તો હું મસ્ત શાયરી અને કવિતાઓ લખી શકું છું. હું ફરી એને યાદ કરીને સહેજ હસ્યો. થેન્ક્સ દિપાલી.

મારે રાઈટ સાઈડ ટર્ન લેવાનો હતો. બેધ્યાનપણે જ મેં ટર્ન લીધો અને સામેથી આવતી ટ્રક સાથે મારો ભયંકર અકસ્માત થઈ ગયો. મારા માથા પરથી સખત લોહી વહી રહ્યું હતું.

બસ… થોડી વાર વધુ… હજી આ દિલનો દર્દ મારે સહેવો પડશે અને પછી આંખો બંધ અને હંમેશાની શાંતિ. મેં હળવું સ્મિત ફરકાવ્યું. મારી નજર ચશ્માની ફ્રેમ પડી. તૂટેલી… ઘણા બધા સ્ક્રેચ એમાં પડી ગયા હતા… વર્ષો પહેલાની યાદ આવી ગઈ. તૂટેલા ચશ્માવાળી ફ્રેમને કારણે હું દિપાલીની નજીક પહોંચી શક્યો અને...

***

ઇશ્ક મેં મેરે એસી ક્યા કમી રેહ ગઈ,

કી તુને મેરે સાથ એસી ખતા કી,

દિલ મેં મેરે હૈ ચુભન,

ઔર આંખો મેં હૈ પાની પાની...

ઈશ્ક મેં મેરે એસી ક્યા કમી રેહ ગઈ,

કી મુજસે કિયે હુએ હર વાદે સે તું મુકર ગઈ,

વો શુકુન અબ મેં કહા સે લાઉ,

જો મુજે તેરી બાહો મેં મિલતા થા,

વો મુશ્કુરાહટ કહા સે લાઉ,

જો મુજે તેરે દીદાર સે મિલતી થી,

ઔર વો ધડકને કહા સે લાઉ,

જો સદા તેરે લિયે હી ધડકા કરતી થી...

જા રહા હું ઇસ ખુદગર્જ જમાને સે બહોત દૂર,

પર જાતે જાતે ઇતના તો બતાતી જા,

ઇશ્ક મેં મેરે એસી ક્યા કમી રેહ ગઈ,

દિલ મેં મેરે હૈ ચુભન,

ઔર આંખો મેં મેરે પાની પાની...

સમાપ્ત

રોહિત સુથાર "પ્રેમ"