1 - ઓમકારા: ધી રીવેન્જ
પોલીસ ઇન્સ્પેકટર ચાવડાએ બધીજ તપાસના અંતે ડૉ.નિશીથના હાથમાં એક ડાયરી આપી. નિશીથની વહાલસોયી દીકરી આકાંશાની ડાયરી. ફીઝીકલ તપાસના અંતે માલુમ પડ્યું છે કે આકાંશા સાથે શારીરીક છેડછાડ થઈ છે, પરંતુ પોસ્ટ મોર્ટમના રિપોર્ટ મુજબ આ એક કુદરતી મૃત્યુ છે!! આ કેસ મને વધુ ડિફીકલ્ટ લાગે છે.ચાવડાએ ખૂંખારો ખાતા કહ્યું.
ડૉ.નિશીથે ધ્રુજતા હાથે ડાયરીના પાનાં ઉથલાવવા માંડ્યા. એક, બે,ત્રણ....એની અત્યારસુધી કોરીધાકોર રહેલી આંખો ભીંજાણી. તેને અચાનક કંઈ સુજ્યું હોય એમ ઝડપથી કાર નીકાળીને કાળવા ચોકથી દિપાંજલી તરફ વાળી. અત્યારે એના મનમાં એક જ નામ ગુંજતું હતુ અને એ હતું ઓમકારા.
ઓમકારા આજથી ત્રણ વર્ષ પહેલા પોતાની ક્લિનિક જોઈન કરવા આવેલી. ખુબજ સરસ પર્ફોર્મન્સ સાથે MLT કરેલી એ સુંદરીને રીજેક્ટ કરવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. એક માં એ પોતાની યુવાન દીકરીને જે શીખવવું જોઈએ એ બધું જ ઓમકારા તેની મમ્મી પાસેથી શીખેલી. જે તેનાં વર્તન પરથી સ્પષ્ટ થતું હતું. આથી જ જયારે પરણિત ડૉ.નિશીથે ઓમકારા સામે પ્રેમનો પ્રસ્તાવ મુક્યો ત્યારે ખુબજ શાંતિથી પોતાની મર્યાદા જણાવી હતી. પોતાના પગભર થયેલી, નીડર અને સ્વરક્ષણ કરવા સશક્ત એવી ઓમકારા પણ થાપ ખાય ગઈ, જયારે ડૉ.નિશીથની ભૂખીનજર એના કુમળાં દેહ પર પડી.
પહેલીવાર મારા દિલને કોઈ સ્પર્શ્યું અને તું ના કહે છે ?ડૉ.નિશીથે ખુબજ કરડાકીથી ઓમકારાને કહેલું. ઓમકારાએ ઘણી આજીજી કરેલી પણ એ વરુ સામે તેનું કઈ ચાલ્યું નહીં. તેનો પીંખાયેલો દેહ ફર્શ પર પટકાયો નેઆખરી ચીસ સંભળાય.
ઓમકારાના મૃત્યુ બાદ અચનાક જ ક્લિનિકમાં ન સમજી શકાય તેવી ઘટનાઓ ઘટવા લાગી. ક્યારેક કારણ વગર જ લાઈટ જતી રહેતી, તો ક્યારેક એડમીટ થયેલા દર્દીઓને ડરામણા અવાજો સંભળાતા. અમુક દર્દીઓએ તો ક્લિનિકની બહાર કોઈક ભિખારણ જેવા વેશમાં રહેલી રડતી સ્ત્રી જોઈ હોવાનો દાવો કરેલો. આ ગેબી શક્તિએ ઘણાં પુરુષ દર્દીઓનો ભોગ લીધો!! આખરે કંટાળીને નિશીથે ક્લિનિકને હંમેશ માટે તાળું જડી દીધું.
ડૉ.નિશીથને આ ઘટનાની યાદ આવતા જ એનાં શરીરમાં ડરની આછી ધ્રુજારી ચઢી ગઈ. એણે કાર દિપાંજલીથી જમણી બાજુ આવેલ સ્મશાન તરફ વાળી. પોતાની એકની એક દીકરીએ ડાયરીમાં લખેલાં શબ્દો યાદ આવ્યા: પપ્પા હું તમને જણાવ્યા વિના જ આપણા જુના ક્લિનિક પર જાઉં છું. કેમકે તમે ત્યાં જવાની પરમિશન નહિં જ આપો એ હું જાણું છુ. પણ મને મમ્મીનાં મૃત્યુ પછી એટલે કે છેલ્લાં એક વર્ષથી એકનું એક જ ડરામણું સપનું આવ્યા કરે છે, જેમાં કોઈ રડતી, કણસતી સ્ત્રી મને પોતાની તરફ બોલાવે છે. એ કોણ...."
નિશીથ કાર રોકી, સ્મશાનમાં પગપાળા જ આગળ વધ્યો. ઓમકારાની કબર આગળ ઘુંટણીયે પડેલો એ ડૉક્ટર આજે સત્તા, સંતાન અને સાથીદાર વિહોણો હતો.
નિશીથે ઓમકારાની કબર પર નતમસ્તક થઈ ફુલો ચઢાવતા પો.ઇ.ચાવડાને કોલ જોડ્યો.
"સાહેબ આકાંશાની ફાઇલ બંધ કરી દો !!"
***
2 - ધર્મ-સંકટ
"રોહિત તું આજે ફરીથી અહીં આવી ચડ્યો ? ચાલ ઘરે "
"ના મમ્મી, મારે અહીં બેસવું છે. જો થોડીવારમાં સ્વિમિંગ પૂલનું પાણી પણ ખતમ થઈ જશે, ને' પછી......"બાકીના શબ્દો એ એમજ ગળી ગયો.
"તું જા, મારે નથી આવવું"બોલતાં રોહિત ખભા ઉછાળીને દુર જવા લાગ્યો.
શિલ્પા તેનાં 9 વર્ષના દિકરાને ધમકાવીને ઘરે તો ખેંચી ગઈ, પરંતુ બાળમાનસને બદલવા અસમર્થ રહી.
"એ મુસ્લિમ છે અને તે મરી ચૂકી છે. . હવે તે ક્યારેય પાછી નહીં આવે."રમેશભાઈ તાડુક્યા.
તેમની લાલ આંખોમાં વર્ષો જુનો અસંતોષ સાફ અભિભૂત થતો હતો.
રોહિતની ખાસ મિત્ર રોજી, રોહિત કરતાં ત્રણેક વર્ષ મોટી. બંને એકબીજાના પડછાયા.
"રોહિત દિકરા એ મુસ્લિમ છે.... તેની સાથે બેસી આપણાથી નાસ્તો ના કરાય."- શિલ્પા હંમેશ રોહિતને સમયે-સમયે ધર્મ ભેદના ડૉઝ આપ્યા કરતી.
"કેમ મમ્મી એ માણસ નથી !!? શું માણસ છે એટલું પુરતું નથી ?"રોહિત તેની ઉંમર કરતાં વધારે સમજણ વાળા પ્રશ્નો કરી લેતો.
શિલ્પા ક્યારેય તેને સંતોષકારક જવાબ ન આપી શકતી. કેમકે તે પણ જાણતી હતી, લાગણીઓને કોઈ ધર્મ નથી હોતો.
***
એક સાંજ વેળાએ....
"...રોજી તું...? તું આવી ગઈ..."
"હા, હવે આપણને કોઈ ધર્મ અલગ નહીં કરી શકે."
રોહિત નિરાકાર રોજીને ભેટી પડ્યો.
રમેશભાઇને આ સંવાદ સાંભળી તમ્મર ચઢી ગઈ. કેમકે ત્યાં ફક્ત જાણીતું એવું નામ "રોજી"જ હતું, રોજીનું શરીર નહીં. તેમનું હ્રદય એક ધબકાર ચૂકી ગયું.
યુવાનીમાં કશ્મીરાથી સંમોહિત થઈ પ્રણય મિલનનું પરીણામ એટલે "રોજી".
સમાજમાં આબરૂ સાચવવા તેઓ કશ્મીરાને હંમેશ ઠુકરાવતા રહ્યા. પ્રેગનન્ટ કશ્મીરા હવે રીતસર તેમને બ્લેકમેઇલ કરવા લાગી. બધીજ હદો વટાવી ચૂકેલી કશ્મીરાને ચૂપ કરવાનો છેલ્લો રસ્તો સમજી રમેશભાઇએ તેને પોતાના રિસોર્ટ પર બોલાવી સ્વિમિંગ-પૂલમાં ધકેલી દીધી. કમનસીબે બચી ગયેલી પરંતુ લાંબુ જીવી ના શકી. રોજીના જન્મ સાથે જ અલ્લાહને પ્યારી થઈ ગઇ.
"સાંભળો તો, કોઈ કશ્મીરા તમને મળવા માંગે છે."શિલ્પાએ રમેશભાઇને ઢંઢોળતા કહ્યું.
ને' તેમનું હ્રદય બીજો ધબકાર ચૂકી ગયું.....
***
3 - પ્રેમ કે આંધળો પ્રેમ ?
અવિનાશ આજે ઝડપભેર, અનેક વિચારોના વમળો સાથે ડોમ્બિવલીની રૉયલ જુનિયર કૉલેજના કેમ્પસમાંથી નીકળી ગયો. જ્યાં તેને આજે સન્માનની જગ્યાએ હાસ્યનો શિકાર થવું પડયું. તેની કાર જેટલી ઝડપથી આગળ જતી હતી, તેટલી જ ઝડપથી તે પોતાના અતિત માં પ્રવેશ્યો...
"અવિનાશ, તું મારામાં શ્વાસ સ્ફુરે છે."
"હા, કેતકી તારા સહારે તો હું આ જીવનની સફર ખેડી રહ્યો છું."
હું કેટલો તેને પ્રેમ કરતો હતો !! અને તે પણ, કદાચ. લાગણીઓનું ઝરણું કેમ સૂકાઈ ગયું ? આખરે શા માટે કેતકીએ મને આમ દગો આપ્યો ?
તે સીધો જ કેતકીનાં ઘરે પહોંચ્યો. ત્યાંનું દ્રશ્ય જોઇને જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.
"કેતકી તું આ વિનયા સાથે ? તેનો મતલબ એ થયો કે કોલેજનાં મિત્રો સાચું જ કહે છે, કે તું... મને બોલતાં પણ શરમ આવે છે."
કેતકી વાતનો તાગ મેળવે તે પહેલાં ક્રોધથી ખરડાયેલા અવિનાશે રિવોલ્વર કાઢી, ધડા-ધડ ત્રણ ગોળી કેતકીના શરીરમાં ધરબી દીધી.
બીજી બે ગોળી વિનયનાં શરીરમાં અને તેના અધૂરા શબ્દો સંભળાયા...
"કેતકી તો તારા જન્મ દિવસ માટે...."
"હેં ? મારો જન્મ દિવસ !! કાલે જ છે."
કેતકીનાં હાથમાં રહેલું ગિફ્ટ બોક્સ જોયું, લોહીથી રંગાયેલા શબ્દો પણ....
"Love you Avinash"
તેણે છેલ્લી ગોળી પણ ધ્રુજતા હાથે ચલાવી દીધી.
- ભાવિક રાદડિયા (પ્રિયભ)