Adhura Armano - 21 in Gujarati Fiction Stories by Ashq Reshammiya books and stories PDF | અધુરા અરમાનો-૨૧

Featured Books
Categories
Share

અધુરા અરમાનો-૨૧

અધુરા અરમાનો-૨૧

"અરમાન એક ભાવિનું તરછોડું તો

ગમ કોઈ નહી રહે,

કિન્તું અતીતના અરમાનોનો ભારો

લાંછન લગાવી વિખેરુ તો કેમ ચાલે?"

સૂરજના આવા વાક્યો સાંભળીને સેજલ હેબતાઈ ઉઠી. એણે વિચાર કર્યો કે એક મારા ખાતર, મને અપનાવવા માટે જ શું સૂરજને આટલા બધા દુ:ખો સહન કરવા પડશે?' પરંતું એય મજબૂર હતી. કારણ કે એય સૂરજ સિવા અન્યોથી શાદી નહી કરવાનું અફર વચન આપી- લઈ બઠી હતી. તો સૂરજે શું વચન નહોતું આપ્યું? એ પાછી આંધળુકિયા કરીને વિચારોના વહાણે ચડી.

પરિસ્થિતિ વણસતી જતી હતી. સૌ શાંત અને શોકમગ્ન બેઠા હતાં. જરાક વિચાર કરીને હરજીવને એ શાંતિમાં ભંગાણ પાડ્યું. કહ્યું:" સૂરજ, તારી વાત સો એ સો ટકા સાચી હો...પરંતું.....!"

"જો, સેજલ સૂરજ સાથે લગ્ન કરશે તો શું એના પરિવારને આઘાત નહી લાગે શુ? એના માવતરના દિલને દુ:ખ નહી પહોચે શું?" વિજયે વચ્ચે જ ઉમેર્યુ.

સેજલનો ચહેરો સહેજ ફિક્કો પડ્યો.

'ઈધર કુવા ઔર ઈધર ખાઈ' જેવું થયું હતું. કોઈ કોઈને સમજાવે એ પહેલા જો જાતે જ સમજી જાય તો સારું. નહી તો જીવનમાં દુખો તો આવવાના છે અને આવશે જ.

મનુષ્ય જીવન સુખદુખનો છલકતો મહાસાગર છે. એમાં ભરતી ઓટ તો આવતી જ રહેશે. ક્યારેય કોઈ પરિસ્થિતિ લાંબો સમય ટકતી નથી. જેમ જીવન ક્ષણભંગુર છે એમ સુખ દુખ પણ ટૂંકી આવરદાના પતંગા છે. એ સૃષ્ટનો નિયમ છે અને એ ઘટમાળ તો ચાલતી જ રહેવાની છે.

ઘણીવાર માનવજીવનમાં ઈચ્છાઓ ચંચળ મન પર અતિ ચંચળ બનીને સવાર થઈ જતી હોય છે. માણસ પોતાની વહાલી જીંદગીમાં જેને ચાહે છે, જે સુખની ખેવના કરી હોય છે, જેને પામવા માટે બેતાબ બનીને તલસે છે એ સુખ ઘણીવાર સાવ હાથવેંતમાં હોય છતાંય એ મળતું નથી, જ્યારે કેટલાંક લોકોને દૂર હોવા છતાંય સહેજમાં નસીબ થઈ જતું હોય છે. કિન્તું આ સઘળાની વચ્ચે આપણો આ માનવસમાજ પોતે સુખી થતો નથી અને અન્યોને પણ સુખી જોઈ શકતો નથી, એ જ તો આપણી શેતાની છે.

યુગના નિર્માણથી સંસારમાં પ્રેમ નામનું અમર તત્વ ચાલ્યું આવે છે. પરંતું આ પ્રેમને ક્યારેય મીઠી મંઝીલ મળી હોય એવા જુજ કિસ્સાઓ જ બને છે. કોઈ ભાગ્યશાળીને શાયદ એ મળે છે તો એ મંઝીલ સુધી પહોંચતા જ એમના અરમાનો બળીને રાખ થઈ જતાં હોય છે.

આધુનિક સમયમાં સમાજમાં અને અમુક લોકોમાં એક માન્યતા ઘર કરી ગઈ છે કે યુવાનો અને એમાંય આધુનિકતાના રંગે રંગાયેલ ફેશની યુવાનો પોતાના અંગત સ્વાર્થ ખાતર પરિવારને કે માતાપિતાને ઠેસ પહોંચે એવું કાર્ય કરતા સ્હેજેય અચકાતા નથી. માવતરની આગ્નાનું ઉલ્લંઘન કરતા વિચાર કરતા નથી પરંતું એમાં વાંક એકલા યુવાનોનો નથી, વાંક છે કેળવણીનો. આપણે કેળવણીની કરામત કરવામાં ઊણા ઊતર્યા છીએ, શાયદ.

દરરોજ સેજલની આંખોને જ જોવા ઝંખતી સૂરજની નજરો સન્મુખ સેજલ બેઠી હતી છતાંય આજે સૂરજના વિસ્ફારિત નેત્રો માવતરને ઢુંઢી રહ્યાં હતાં. આંસુ નીતરતી આંખે ધડકતા હૈયે સેજલના બેય હાથ પોતાના હાથમાં લેતા સૂરજે કહેવા માંડ્યું:"માય ડિયર સેજલ! તું શા માટે જીદ પકડીને બેઠી છે? તને મારા પર યકીન તો છે ને? ફરી કહું છું કે મારા પર ભરોસો ન હોય તો આપણા પવિત્ર પ્રેમ પર તો વિશવા રાખજે. તારી જીંદગીમાં નવી ખુશી બનીને રહીશ. તું વિચારતી હોઈશ કે લગ્ન નહોતા કરવા તો પ્રેમ શા માટે કર્યો? અને શા માટે મને પ્રેમમાં આવેશિત થઈને જુઠ્ઠા વાયદા આપી બેઠો? પરંતું સાચું કહું સેજલ, પ્રેમ એ લગ્ન કરવાની ચીજ હરગિજ નથી જ. એવું નથી કે પ્રેમ કર્યો એટલે લગ્ન કરવા જ. પ્રેમ એ લગ્નજીવનમાં પરિણમે તો સુખી થવાય એવું નથી જ. પ્રેમ તો એકમેકને સમજવાની સુંદર અનુભૂતિ છે. પ્રેમ એ મેળવવાની નહી પણ અર્પણ કરવાની ચીજ છે. હજારો કિલોમીટર દૂર રહીનેય આપણે આપણા પ્રેમને અમર રાખી શકીએ છીએ. હવે ઝાઝું ન કહેતા મિત્રોની સાક્ષીમાં એટલું જ કહું છું કે આપણે લગ્ન કરવાના વિચારને સમૂળગા ધુળમાં કરીએ જેથી ફરી પ્રયણમાં મસ્તાન બનીને જીવી શકીએ."

'આમ, તો સૂરજની વાત સાચી છે હો, સેજલ!' મયુરી સેજલ તરફ જોઈને ધીમાં સ્વરે બોલી.

અરે, એવું તો થોડું છે કે લગ્ન કરીએ તો જ પ્રેમ સફળ થાય? એકમેકથી જુદા રહીનેય પ્રેમને તરોતાજો રાખી શકાય છે. અને આવા દાખલા સમાજમાં અને જગતમાં ઘણા બનતા હોય છે.

આ બધું સાંભળીને સેજલના હોંશકોશ ઊડી ગયા. એના અધરોની લાલી સૂકાઈ ગઈ. તદન નવી જ પાંખો ફૂટેલું પંખી આકાશમાં ઉડાન ભરવા જાય અને એ જ વખતે પાંખ તૂટી જાય બિલકૂલ એવી જ વલે સેજલની થઈ. એનું હૈયું ફાટવા લાગ્યું. કપાળે હાથ ભીડી એ બેસી રહી. છતાં પણ કાળજું કઠણ કરીને એણે મન મનાવ્યું. ધીરે રહીને એ બોલી:" સૂરજ! લગ્નની વાત તો ઠીક છે, પરંતું જીંદગીમાં હું જ્યારે તને સાદ આપું ને ત્યારે દોડતો હાજર થઈ જજે."

"હાં, હાં.. હું તૈયાર જ હોઈશ! મારી જીગરજાન આશકા માટે હું ખડેપગે રહીશ! તું કહે એમ જ કરીશ, સિવાય લગ્ન!"

આમ, હિમાલય સમી બની ગયેલ નાની-સી સમસ્યાનું સમાધાન કરીને સૌ ઊભા થયા.

અવિરત વહેતા પ્રેમના પ્રવાહને પ્રેમલગ્નના ઘોડાપૂરે ખેદાનમેદાન કરી મૂક્યું. હંમેશા એક જ વસ્તું પર ચોંટી રહેતા મન હવે આકળવિકળ બન્યા. મજબૂરી, લાચારી, અને એકમેકને પામી ન શકવાનો વસવસો ચિત્તને કોરી ખાતો હતો. સૂરજે તો ગમે તેમ કરીને મન મ્યાનમાં રાખ્યું પણ સેજલ સાવ જ ઢીલી થઈ ગઈ. સૂરજની મજબૂરીએ એને એવી તો નિર્બળ બનાવી મૂકી હતી કે ડગ માંડવાનીયે હામ ખોઈ બેઠી હતી. આંખે અંધારાના ભયંકર ઓળા ઊતરવા લાગ્યા. એના નિસ્તેજ વદનને ખુશ રાખવા વાળની લટ વારે વારે એના ગાલને પંપાળી જતી હતી.

"અરે, વાહ! જુઓ તો ખરાં! પવન પણ કેવો સેજલને પ્રેમ કરવા નીકળ્યો છે." સેજલને હસાવવા જ સૂરજે કહ્યું.

"તારા પ્રેમના સંગાથે જગને જીતવું છે મારે,

હોય સામે ભલે દુનિયાભરની ફોજ સઘળીયે."

મહાદેવનું મંદિર. સેજલ બાંકડા પર ગોઠવાઈ ગઈ. પગ પર પગ ચડાવેલ હતાં. સૂરજ એની ગોદમાં માથું ઢાળીને લાંબો થયો. સેજલના કાનના ઝુંમરને નચાવતા એણે વાત વધારી :" સેજલ ! હૈયું તારી મેઘધનુષી પનાહ છોડવા સ્હેંજેય તૈયાર નથી. પરંતું કોઈ આરો જ ક્યા હતો? પ્રિયે, તું ઉરમાં દર્દની હોળી બાળીશ નહી."

એ આગળ કંઈ કહે એ પહેલા જ સેજલે એના અધર દાબ્યા. સાથે જ તસતસતું ચુંબન ચોંટાડી દીધું.

એ ઊભી થઈ. ભીની તરબોળ આંખ કોરી કરી. વડની વડવાઈએ લટકી. કહેવા લાગી:" સૂરજ, મને એક વચન આપ કે મારા લગન પછી તુંય કોકને પનારે પડી જઈશ!"

"ઓહ માય જાન! તે બહું જ સરસ વાત કરી હો! તારા લગ્નમાં મને આમંત્રણ તો આપીશને?" એણે વાત ફેરવવા પ્રયાસ કર્યો. એને ખબર હતી કે એક વાર તો વચન આપીને ફસાયો છે ને બીજું આપવું શી રીતે?

લગ્નની વાત આવી કે એ માંડવે મહાલવા લાગી. સૂરજના સવાલને મોતીએ વધાવ્યો. સૂરજ જોડેથી વચન લેવાનુંયે વીસરી ગઈ. એણે અધરોને મધુર રીતે વધાવ્યા. કહેવા લાગી:"કેમ નહીં, સૂરજ! મારી શાદીમાં સૌથી પહેલું આમંત્રણ તને જ હશે. તારા મુલાયમ હાથે જ તો મારો માંડવો રોપાશે. મારી મંગળ ચૉરીની ચોફેર તારું જ નામ કોતરાયેલ હશે. એ વખતે મને લાગતું હશે કે હું મારા સૂરજની સાથે જ જાણે ફેરા ફરી રહી છું. મારા માંડવે તારા નામની મધુર સુવાસ હવાને મહેકાવી રહી હશે. લગ્નમંડપ લોકોથી ઊભરાતો હશે. લોકોની નજર મને માણી રહી હશે જ્યારે મારી આ પ્યારી પાંપણે તું રમતો હોઈશ! મારી પ્યાસી નિગાહો ટીકી ટકીને તારા દીદારે નાચતી હશે! એ ટાણે તને વહાલ કરવા મારા આંસુઓ અંતરના ઊંડાણથી ઊભરી આવશે. અને એ વેળા શાયદ તું વિવશ બનીને વિચારતો હોઈશ કે 'સૂરજ! તું જગતની સૌથી ખતરનાક ખતા કરી બેઠો છે. ભયના નામે, સમર્પણના નામે તું સ્વર્ગસુખ લુંટાવી બેઠો છે. જો તારી આંખ સામે તારી જ અમાનતને, તારી આંખોના નૂરને કોઈ લુંટી રહ્યું છે. તારા અખંડ અરમાનોને કોઈ ચોરી રહ્યું છે. તારા નયન લાચાર બનીને વરસી રહ્યાં હશે. તું ચાહવા છતાં કશું જ નહી કરી શકે? સિવાય અફસોસ...અફસોસ!'

સૂરજ મો વકાસીને સૂનમૂન સાંભળી રહ્યો.

દરમિયાન સાંજ ઢળી.

બંને પોતપોતાની ધરતીને છેડે પહોચ્યા.

ક્રમશ: