રમતાં-રમતાં હવામાં અધ્ધર ઉછાળેલી પ્રિયાંશી જ્યારે નીચે તરફ આવી રહી હતી ત્યારે સંકેતે તેને પૂછ્યું, ‘મારી દીકરીને મોટા થઈને શું બનવું છે?’ સંકેતે તેને બે હાથે ઝીલી લીધી અને બરાબર ત્યારે જ પ્રિયાંશીના મોઢામાંથી જવાબ નીકળ્યો, 'પપ્પા'. પ્રિયાંશીને સંકેતે જેવી નીચે ઉતારી તેવી દોડીને ‘પપ્પા મને પકડવા આવો...’ કહીને જતી રહી. બાપ-દીકરીનો આ રોજનો ક્રમ. આમ તો બેંકનું બધુ કામ આટોપીને સંકેત સાડા-છ સુધીમાં ‘માળો’ના પ્રવેશદ્વારમાં દાખલ થઈ જતો. આ બાજુ છ વાગ્યે પ્રિયાંશી તેની બધી રમતોને પડતી મૂકી પ્રતિક્ષાને 30 મિનિટમાં પચાસ વાર પૂછતી, ‘હેં મમ્મી, પપ્પા ક્યારે આવશે?’ પ્રતિક્ષા તેને જરા ચીડાઈને જવાબ આપતી, ‘તને ખબર જ છે.’ કેટલાય સમયથી એનો એ જ સવાલ અને એનો એ જ જવાબ ‘સાડા છએ આવશે.’ હજુ તો પ્રતિક્ષાનો જવાબ પૂરો થાય તે પહેલાં પ્રિયાંશી બીજો સવાલ પૂછી જ નાખતી, ‘તો હવે સાડા છ ક્યારે વાગશે?’ પ્રિયાંશીનો આ વિચિત્ર સવાલ પ્રતિક્ષાને કાયમ મૂંઝવતો અને ચીવડતો પણ, ‘બેટા સાડા છ તો સાડા છએ જ વાગેને....’ને પ્રિયાંશીને ક્યારેય એ જ સમજાતું નહોતું કે સાડા છ સાડા છએ જ કેમ વાગે?
પ્રિયાંશીના કાલાઘેલા પ્રશ્નોથી આખો દિવસ ‘માળો’ ગુંજ્યા કરતો. સવારના સાડા છથી શરૂ થતી આ ‘માળા’ની ચહેલપહેલ છેક રાત્રિના ભોજન બાદ સાડા દસે શમતી. એ દરમિયાન કાયમ માટે ‘માળા’માં પ્રતિક્ષાના વાક્યો ‘પ્રિયાંશી બેટા તેં જમી લીધું? તમે નાસ્તો કર્યો? પ્રિયાંશી તું તૈયાર થઈ ગઈ?’ જેવા પ્રશ્નોથી ગુંજતો રહેતો.
સાંજે સાડા છએ બાપ-દિકરીની દોડા-દોડી શરૂ થાય એટલે તરત જ પ્રતિક્ષાની ફરિયાદ શરૂ થાય, ‘પિયુ તે તારું લંચબોક્ષ પણ પૂરું નથી કર્યું? સંકેત હવે તમે જ જમાડો તમારી દીકરીને, ખાતી જ નથી. સવારે પણ સરખો નાસ્તો કર્યો નહોતો. અને આ લંચ બોક્ષ પણ અડધું ભરેલું પાછું લઈને આવી છે.’
સંકેત કશું જ ખીજાયા વગર ડાઈનિંગ ટેબલ પાસે આવેલા હિંચકા પર પ્રિયાંશીને બેસાડીને હિંચકા નાખતાં નાખતાં પ્રિયાંશીના મોઢામાં કોળિયા પધરાવે. વળી, તેમાં પ્રિયાંશી ઘડીક પપ્પાને કોળિયા ખવરાવે, ઘડીક પપ્પા પ્રિયાંશીને ખવરાવે ને એમ જ બાપ-દીકરીનું પેટ ભરાઈ જતું અને આ જોઈને પ્રતિક્ષાનું પેટ અને આંખો બંને ભરાઈ જતાં.
‘આટલી બધી લાડકી રાખો મા. છેવટે મોકલવાની તો સાસરે જ છે. તમે પણ નહીં રહી શકો અને પિયુ પણ રડતી રડતી પાછી આવશે.’
‘તું આ બાર વર્ષમાં કેટલી વાર ગઈ?’ સંકેત પ્રતિક્ષાને ચીડવવા બોલતો. એ સાંભળી પ્રતિક્ષા મોં મચકોડતી અને પ્રિયાંશી હસી પડતી. પ્રિયાંશી જોરથી બોલતી ‘પપ્પા, આપણી ટૂકડી?’ અને તેના હાથ પર તાળી પાડીને સંકેત જોરથી બોલતો – ‘ઝિંદાબાદ’
***
ટી.વી. પર 15મી ઓગષ્ટના અનુસંધાને આવી રહેલી દેશભક્તિની ફિલ્મમાં ક્રાંતિકારીઓનો રોલ કરી રહેલા લોકોનો સમૂહ ઝિંદાબાદના નારા લગાવી રહ્યો હતો અને પ્રિયાંશી જાણે પુષ્પક વિમાન પરથી પાષાણ પર પટકાઈ હોય તેવો તેને ભાસ થયો. જમણો હાથ અનાયાસે આગળ થઈ ગયો હતો. ડાબા હાથમાં રિમોટ ધર્યું ન ધર્યું રહી ગયું હતું. ટી.વી. ઉપર રહેલી ઘડિયાળના કાંટાનો ટક-ટક અવાજ કર્કશ અને નિષ્ઠુર ભાસી રહ્યો હતો. ઘડિયાળની બાજુમાં મોટા ફોટામાં સુખડથી આચ્છાદિત સંકેત આછુંઆછું મલકી રહ્યો હતો.
‘માળો’ તો એનો એ જ હતો, પંખી પણ એના એ જ હતા પણ માત્ર એક પંખીના જવાથી જાણે બધું જ વિખેરાઈ ગયું હતું. પ્રતિક્ષાના મોઢા પરનું હાસ્ય અને પ્રિયાંશીની છત્રછાયા બે બાય દોઢની ફ્રેમમાં બંધ થઈને દિવાનખંડની ડાબી બાજુએ લટકી ચૂક્યા હતા.
સવાલોની ભાષા લગભગ એવી જ હતી પરંતુ પૂછનારનો ક્રમ ઉલટાઈ ચૂક્યો હતો. ‘મમ્મી, તું જમી કે નહીં? મમ્મી તું સરખું જમતી જ નથી.’ ‘મમ્મી તું તૈયાર થઈ ગઈ? તારા રૂટિન ચેક અપ માટે ડૉ. બત્રા પાસે જવાનું યાદ છે ને?" હવે આ સવાલો પ્રિયાંશી પ્રતિક્ષાને પૂછતી થઈ ગઈ છે.
‘હવે ક્યાં સુધી મારૂ ધ્યાન રાખ્યા કરીશ બેટા. મારી જિંદગી તો ખર્યા પાન જેવી છે. કાલે જ સુધીરભાઈ કહેતા હતા કે તેમણે એક છોકરો જોયો છે. સોફ્ટવેર એન્જિનિયર છે અને પગાર પણ ખૂબ સારો છે, દેખાવડો છે. માણસો પણ ખૂબ સારા છે. અને વળી આપણે બીજુ જોઈએ પણ શું? ખરું ને? તો તું શું કહે છે?’
પ્રિયાંશી હજુ કંઈ બોલે એ પહેલા જ પાછી પ્રતિક્ષા બોલી ઊઠી, ‘વળી એ લોકો તો દહેજ પ્રથાના પણ વિરોધી છે.’
પ્રિયાંશી કશા જ પ્રત્યુત્તર વગર ઊભી થઈ. મમ્મીએ ફરીયાદી નિશ્વાસ નાખતા કહ્યું, ‘હા, હવે મારું તો કોણ સાંભળવાનું?’ ‘મમ્મી બધુ જ સાંભળું છું, પણ એ સાંભળતા પહેલા હજુ ઘણું બધું સંભાળવાનું બાકી છે. ઠીક છે હવે તું આરામ કર. મારે બેંકે જવાનું મોડું થાય છે. માર્ચ એન્ડિંગ છે ઘણું કામ છે. હું સાંજે સાડા છએ આવી જઈશ. કંઈ લાવવાનું છે?’ ‘હા, દાડમ લેતી આવજે...’ થોડું અટકીને પ્રતિક્ષાએ વાક્ય પૂરું કર્યું ‘...તારા માટે’
રોજ સાડા છએ હજુ તો સંકેત દરવાજામાં પગ મૂકે ત્યાં પ્રિયાંશીનો પહેલો પ્રશ્ન કાયમ એ જ હોય, ‘પપ્પા, મારા માટે દાડમ લાવ્યા?’ અને કાયમ હસતાંહસતાં સંકેત કહેતો, ‘તારા દાડમ અને તારી મમ્મીની ગરમાગરમ જલેબી’ ‘અને તમારા માટે ગાંઠિયા લાવ્યા. સાચુને પપ્પા?’ એમ કહીને તરત જ પ્રિયાંશી જમણો હાથ આગળ ધરતી. ટપાક કરતી તેના પર તાળી પડે અને ‘સાચું’ શબ્દ સાથે આખોયે ‘માળો’ ખિલખિલાટથી ભરાઈ જાય.
‘હા લેતી આવીશ અને તારા માટે જલીબ પણ...’ એમ કહીને પ્રિયાંશી ઓફિસે જવા તૈયાર થઈ.
પ્રિયાંશી નોકરીએ ગયા બાદ પ્રતિક્ષાએ સુધીરને ફોન લગાવ્યો, ‘સુધીરભાઈ સાચું કહોને હવે સંકેતના ખાતામાં કેટલા પૈસા પડ્યા છે?’ ‘અરે ભાભી તમે નાહકની ચિંતા કરો છો, હમણાં જ એક એફ.ડી. પાકવાની છે. તે પાકશે એટલે તમારું ગીરવે મૂકેલું ઘર છૂટી જશે. તમારું ઓપરેશન પણ થઈ જશે અને પ્રિયાંશીના લગ્ન પણ. તમારે જ્યારે જરૂર હોય ત્યારે કહેજો.’
પ્રતિક્ષા પહેલીવાર તપાસ કરાવીને આવી ત્યારે સંકેતને બાથ ભીડીને કેટલું રડી હતી. ‘અરે ગાંડી, એમાં રડવાનું શું? મારે બે કિડની છે ને એક તું લઈ જજે!’ પ્રતિક્ષા રડતાંરડતાં પણ સહેજ મલકીને બોલેલી, ‘આવી ગંભીર બાબતમાંય તમને મજાક સૂઝે છે, મારી કિડનીની ચિંતા નથી થતી. પણ બધા પૈસા આમાં વપરાઈ જશે તો...’ ‘તું અને પિયુ છો તો મારે બધુ જ છે’ એમ સંકેત પ્રતિક્ષાના હોઠ પર હાથ મૂકી તેને અટકાવતા બોલ્યો હતો. પોતાની કિડની આપવાની વાત કરતો સંકેત બીજા જ અઠવાડિયે, હૃદય રોગના હુમલાથી પોતાને છોડીને જતો રહેશે એવી ક્યાં કોઈને ખબર હતી.
આગલા જ દિવસે દરિયા કિનારે રમતી પ્રિયાંશી, તેનાથી થોડે દૂર બેઠેલા સંકેત અને પ્રતિક્ષા, દરિયાની રેતીમાં પોતાના સપનાં લખતો સંકેત. ‘આ શું કરો છો સંકેત?’ પ્રતિક્ષાએ પૂછ્યું. મારા સપનાંને કોતરું છું. રેતીમાં પોતાની આંગળીઓ ફેરવતાં-ફેરવતાં સંકેતે લખેલું.
1. મારી કિડની આપીને મારી પ્રતિક્ષાને જીવાડવી
2. મારો ગીરવે મૂકેલ ‘માળો’ છોડાવવો.
3. મારી પિયુને મોટી બેંક મેનેજર બનાવવી.
ચોથું સપનું લખે એ પહેલા જ તેનો મોબાઈલ રણક્યો. તે અને પ્રતિક્ષા દૂર ગયા. પાછાં ફર્યા તો પ્રિયાંશી રડતી હતી. 'કેમ શું થયું પિયુ?' સંકેતે પૂછ્યું. સપનાંની આગળ ઊભેલી પ્રિયાંશી જાણી જોઈને બોલેલી, ‘પપ્પા, તમે જે દોર્યું હતું તે ચિત્ર પર પાણી ફરી વળ્યું એટલે...’
‘અરે બેટા એનું નામ તો જિંદગી, વળી પાછું પાણી ચાલ્યું જશે ને વળી આપણે લખવાનું.’ ત્યારે પ્રિયાંશી અને પ્રતિક્ષાને સપનેય ખ્યાલ નહોતો કે આ સંકેતના છેલ્લા શબ્દો હશે.
સંકેતના ગયા બાદ પ્રિયાંશીએ ખૂબ મહેનત કરીને એ જ બેંકમાં મેનેજરની નોકરી મેળવી, જ્યાં સંકેત નોકરી કરતો હતો. તે દિવસે પ્રિયાંશી પ્રતિક્ષાને લઈને કલાકો સુધી દરિયા કિનારે બેઠેલી.
સુધીરનો ફોન મૂકી પ્રતિક્ષા આરામ કરી રહી હતી ત્યાં પ્રિયાંશીનો ફોન આવ્યો. ‘મમ્મી તું ઝડપથી ચોપાટીએ આવ.’ ‘પણ છે શું?’ પ્રતિક્ષાએ આતુરતા પુર્વક પૂછેલું. ‘એ બધું તું ત્યાં આવે પછી.’ ઝડપથી આટલું બોલી પ્રિયાંશીએ ફોન કટ કર્યો. પ્રતિક્ષા હજુ દરિયા કિનારે પહોંચી જ હતી ત્યાં પ્રિયાંશી હાથમાં કાગળ લઈ દોડતી આવીને પ્રતિક્ષાને બાથ ભીડી ગઈ. ‘શું છે પિયુ?’
‘આપણા ઘરના કાગળ.’
‘મતલબ?’
‘મતલબ, આપણો ‘માળો’ હવે કાયમ માટે આપણો.’
‘તારા પપ્પાની એફ.ડી. પાકી ગઈ?’
‘હા મમ્મી.’
રાત્રે ઘેર ગયા બાદ પ્રતિક્ષાને શાંતિ થઈ ગઈ, પરંતુ પ્રિયાંશી આખી રાત કશુંક વિચારતી રહી હતી.
બીજા જ દિવસે સવારે પ્રતિક્ષાનો ફોન રણક્યો. ‘હા સુધીરભાઈ.’
‘આવતીકાલે તમારે લીલાવતી હોસ્પિટલમાં દાખલ થઈ જવાનું છે, ડૉ. બત્રાનો ફોન હતો.’
‘પણ એના પૈસા અને એ બધું?’
‘એ બધું થઈ ગયું છે. આપ પ્રિયાંશીને ફોન આપો.’
પ્રિયાંશીએ ફોન લીધો. કશીક વાતચીત થઈ અને પછી ફોન મૂક્યો.
‘મમ્મી, સારું તો ચાલ ઝડપથી બધી તૈયારીઓ કરી લે અને વળી પાછી બ્રાન્ડ ન્યુ બની જા.’
‘આવી ગંભીર બાબતમાં પણ...?’ પછી પ્રતિક્ષા આગળ કંઈ ન બોલી.
પ્રિયાંશીના ગયા બાદ તેણે પ્રિયાંશી જે કોથળીઓ લાવી હતી તે ઠેકાણે મૂકી. તેમાં જોયું તો બે પડીકા હતા. એકમાં જલેબી હતી અને બીજામાં ગાંઠિયા!
આ બાજુ સાંજે પ્રિયાંશી ઝડપથી ઘરે આવી અને મમ્મીને લીલાવતી હોસ્પિટલે લઈ ગઈ. ‘તું ડરીશ નહીં. તને કંઈ થશે નહીં. ચિંતા નહીં કરવાની. જૂની કિડનીનો અફસોસ નહીં, હવે નવી કીડનીનો આનંદ લેવાનો, સમજી ગઈને?’ જાણે કે પ્રિયાંશી બોલતી ન હોય પણ તેના રૂપમાં...
પ્રતિક્ષાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ઓપરેશન સફળ રહ્યું. હોશમાં આવતા જ પ્રતિક્ષાની નજર સામે સુધીરભાઈ અને બેંકના કેટલાક સ્ટાફ મેમ્બર્સ હતા. ‘પિયુ...?’ તૂટક અવાજે પ્રતિક્ષાએ પૂછ્યું. ‘તે ટિફિન બનાવવા ઘરે ગઈ છે.’ સુધીરે કહ્યું.
ડોક્ટરે આવીને માત્ર એક જ જણને અંદર રહેવાની સૂચના આપી. સુધીર ત્યાં બેઠો. પ્રતિક્ષાએ આંખ ફેરવીને સુધીરને પૂછ્યું, ‘એક છેલ્લો સવાલ સુધીરભાઈ, હું જે સમજુ છું એ સાચું છે ને? આ બધુ સંકેતના એકાઉન્ટમાંથી નથી થયુંને? અને આ કિડની પણ... પિયુને ફોન લગાડો મારે તેની સાથે વાત કરવી છે.’ ‘મેં એને ફોન કરી દીધો છે. આવતી જ હશે, બધા માટે ટિફિન લેવા ગઈ છે.’ સુધીરે કહ્યું, ‘ના, અત્યારે જ લગાડો’ અધીરાઈપૂર્વક પ્રતિક્ષા બોલી.
બાજુના જ વોર્ડમાં સુતેલી પ્રિયાંશી સંકેતની તસવીર જોઈ રહી હતી. આજે પ્રિયાંશી હવામાં ઉપર જ જાણે હતી, નીચેની તરફ આવવાના બદલે ત્યાં જ થંભી ગઈ હતી, ને પપ્પા જાણે પૂછી રહ્યા હતા, ‘ઓહો! પિયુબેન આટલા બધા ઊંચા જતા રહ્યા? બોલ મારી દીકરી તારે મોટી થઈને શું બનવું છે?’
આ બાજુ તેનો ફોન વાઈબ્રેટ થયો. પ્રિયાંશીએ ફોન ઉપાડ્યો. ‘મારી દીકરીને મોટી થઈને શું બનવું છે?’ રડતાંરડતાં પ્રતિક્ષા બોલી. ‘પપ્પા’ બોલતાં જ પ્રિયાંશીની આંખ પણ ભરાઈ ગઈ.
ફોન મૂકીને પ્રિયાંશીએ પોતાની બેગમાંથી એક નાનકડી ડાયરી કાઢીને તેમાં લખેલા ચોગડા પર પણ ટીક મારી દીધી.
***