પ્રકરણ-૩૦
આખરે તલવાર મળી...
‘મોરો’ની ગર્જનાથી ત્યાં હાજર બધા લોકો ભયભીત થઈ ગયા. અચાનક બનેલી આવી અણધારી ઘટનાથી બધા જ ફાટી આંખોએ આ દૃશ્ય જોઈ રહ્યા હતા. બખ્તાવર, ડેની અને તેના સાતેય માણસો ભાગવાની જ ફિરાકમાં હતા. ઊંધા ડગલે તેઓ દરવાજા તરફ જઈ રહ્યા હતા. મોરો ઝડપથી આગળ આવ્યો. તેણે હથોડાનો મારો બખ્તાવરના માણસો પર વરસાવવાનું શરુ કર્યું. એક માણસના માથે હથોડો પડતાં તે તરત જ ઢળી પડ્યો. એક પછી એક તે સાતેય માણસોનો ખાત્મો બોલાવી રહ્યો હતો.
“બોસ, આપણે જલ્દી ભાગી જઈએ.” ડેનીએ કહ્યું.
“પાગલ છે કે શું ? ખજાનો મારી સામે છે અને છેક અહીં સુધી આવ્યા બાદ હું પાછો નહિ વળું.” બખ્તાવરે કહ્યું.
મોરો બખ્તાવરના માણસોનો ખાત્મો બોલાવી રહ્યો હતો તે અરસામાં રતનસિંહે કહ્યું, “સુરેશકાકા, રિયા અને કવિતા, અમે ત્રણેય આ શેતાનને અહીં રોકી રાખીએ ત્યાં સુધી તમે દરવાજાની બહાર નીકળી જજો.” વનરાજ અને ઈશાને પણ હકારમાં માથું ધુણાવ્યું. બીજી તરફ મોરો હવે તે લોકો તરફ આગળ વધી રહ્યો હતો.
રિયા કંઈક આગળ બોલવા જાય તે પહેલા રતનસિંહ ફરી બોલ્યો, “હા ને ના કંઈ નહિ. આ મારો હુકમ છે. કાકા તમે આ બંનેને અહીંથી લઈ જાઓ.”
“ઠીક છે, બેટા. ઈશાન આ નકશો હવે તું રાખ.” સુરેશભાઈ ઈશાનને નકશો આપતાં બોલ્યા. મોરોની નજર ચુરાવીને સુરેશભાઈ, રિયા અને કવિતા ત્યાંથી બહાર નીકળી ગયાં.
ઈશાને મોરોના પગ પર ખેંચીને લાત મારી. તે છતાંય કોઈ અસર ના થતાં સહેજ પાછળ જઈને હવામાં છલાંગ મારીને તેણે બંને પગથી મોરોને છાતી પર લાત મારી. તેમ છતાંય તેને કોઈ અસર ન થઈ. ઊલટું ઈશાન જમીન પર પટકાયો. આ વખતે મોરોએ ઈશાન પર હથોડો ચલાવ્યો. ઈશાન તેની જગ્યાએથી તુરંત સરકી ગયો અને તે પ્રહાર જમીન પર થતાં ત્યાં ખાડો પડી ગયો.
બખ્તાવર આગળ આવ્યો અને ખિસ્સામાંથી બંદુક કાઢી. એક પછી એક છ ગોળી તેણે મોરો પર ચલાવી. તેમ છતાંય તેના પર કોઈ અસર ના થઈ. તે આગળ વધીને બખ્તાવર પર પ્રહાર કરે તે પહેલાં રતનસિંહ મોરોની સામે આવી ગયો. સાડા છ ફૂટના રતનસિંહે સહેજ હવામાં કૂદીને કોણીથી તેના માથે જોરથી પ્રહાર કર્યો. આ પ્રહારમાં એટલી તાકાત હતી કે પહેલી વાર મોરોને કંઈક અસર થઈ હોય એવું લાગ્યું. તે સહેજ પાછળ ખસ્યો, પરંતુ તે પહેલાં કરતા વધુ ખિજાયો હતો.
મોરો રતનસિંહ તરફ આવ્યો અને તેને કમરના ભાગેથી પકડીને દીવાલ તરફ જોરથી ફેંક્યો.
“જો તલવાર મળી જાય તો આનો ખાત્મો બોલાવવો કદાચ શક્ય બનશે.” ઈશાને મનોમન કહ્યું. તે જલ્દીથી તે ઓરડામાં તલવાર શોધવા લાગ્યો. પણ બધે જ ઝવેરાત દેખાતું હતું. તલવારનું નામો-નિશાન પણ ક્યાંય નહોતું. તેણે ફરી નકશામાં જોયું. તે પણ અહીં સુધીનો જ દોરેલો હતો.
“હું અને રતન આ શેતાનને રોકીએ છીએ, તું તલવાર શોધ.” વનરાજે ઈશાનને કહ્યું. ઈશાને હકારમાં માથું ધુણાવ્યું.
મોરો જમીન પર પડેલા રતનસિંહ તરફ ગયો અને હથોડાથી પ્રહાર કર્યો. હથોડા અને રતનસિંહના કપાળ વચ્ચે માત્ર પાંચેક ઈંચનું જ અંતર રહ્યું હશે અને... કોઈએ મોરોના હાથ પર ખેંચીને લાત મારી. મોરોના હાથેમાંથી હથોડો છૂટીને દૂર ફેંકાઈ ગયો.
“ઇન્સ્પેકટર રણજીત તમારી સેવામાં હાજર છે, બરખુરદાર...” રણજીતે રતન તરફ હાથ લંબાવ્યો. તેને પકડીને રતનસિંહ ઊભો થયો.
ધુંઆપુંઆ થયેલા મોરોએ બંને હાથથી રણજીતને જોરથી ધક્કો માર્યો. તે દૂર પટકાયો. બીજી તરફ આહિરે બંદૂકનું નિશાન તાકી ગોળી ચલાવી. મોરો ઝડપભેર એની તરફ દોડ્યો અને તેના પેટમાં જોરથી મુક્કો માર્યો. દર્દના મારે આહિર ઢળી પડ્યો.
રણજીત, ઈશાન અને બખ્તાવરે મોરોને ત્રણેય બાજુએથી ઘેરી લીધો. ઈશાન કૂદીને તેની પીઠ પર ચડી ગયો અને તેના માથા પર શક્ય એટલી શક્તિ લગાવીને મુક્કાઓ મારવા લાગ્યો. બીજી તરફ રણજીત અને બખ્તાવર તેના પેટ અને પગ પર લાતો મારવા લાગ્યા.
મોરોએ કોણીના સહારે પાછળની બાજુ રહેલા ઈશાનને જોરથી હડસેલ્યો. તે પડી ગયો. બખ્તાવરને જોરથી લાત મારતાં તે દૂર પટકાયો. રણજીતની બોચી ઝાલીને તેને ઊંચો કર્યો અને ખુદની એકદમ નજીક લઈ આવ્યો. તેના મોઢામાંથી આવતી દુર્ગંધ ભલભલાને બેહોશ કરી નાખે એવી હતી. મોરોએ બે-ત્રણ વાર તેના ચહેરા પર ભેટી મારી. રણજીતનાં નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. ત્યારબાદ તેને જોરથી દૂર ફેંક્યો.
થોડે દૂર પડેલો હથોડો ફરી મોરોએ પકડ્યો અને આહિરની છાતી પર જોરથી માર્યું. તેનું પ્રાણપંખેરું ત્યાં જ ઊડી ગયું.
એ જ અરસામાં તકનો લાભ લઈ રતનસિંહે દીવાલ પાસે પડેલું લાકડાનું ખોખું કે જેમાં ઝવેરાત હતું, તેને ઊંધું કરીને બધું બહાર કાઢ્યું અને તે લાકડાના ખોખાને પાછળથી આવીને મોરોના માથે જોરથી પછાડ્યું. સાથે રણજીત અને બખ્તાવરે એકસાથે કચકચાવીને લાત મારી. આટલા પ્રહાર એકસાથે થતાં મોરો જમીન પર પછડાયો અને તેના હાથમાંથી હથોડો ફરી છટકી ગયો. વનરાજે આ જ ક્ષણનો લાભ લઈને તેનો હથોડો ઝુંટવી લીધો અને હવામાં કૂદીને જેટલું શક્ય બને એટલી તાકાતથી હથોડો મોરોના માથે માર્યો.
મોરોની ખોપરીના ફુરચા ઊડી ગયા. પરંતુ વનરાજ એટલાથી ન અટક્યો અને તેની છાતી પર, હાથ-પગ પર બધે જ પ્રહાર કરી રહ્યો હતો. મોરોના શરીરમાંથી કાળા રંગનો ધુમાડો હવામાં પ્રસરી ગયો.
મોરોનું કાસળ કાઢ્યા બાદ બધાને હવે ધરપત થઈ. બધાએ સંપ કરીને જ મોરો નામની બલાનો અંત કર્યો હતો.
“દોસ્ત રણજીત, તારો આભાર. આજે તું ના હોત તો મારું મોત તો નક્કી જ હતું.” રતનસિંહે આભારવશ થઈને કહ્યું.
“એમાં આભાર શેનો ? એમ સમજી લે આજે મેં તારું ઋણ ચૂકતે કર્યું. પેલા દિવસે તેં મને પહેલવાન શ્યામાથી બચાવ્યો હતો, આજે મેં તને બચાવી લીધો.” રણજીતે કહ્યું.
“પણ બિચારા આહિરે પ્રાણ ગુમાવ્યો.” ઈશાને કહ્યું.
“બહાદુર માણસ હતો. હંમેશા યાદ રહીશ તું, દોસ્ત.” રણજીતે આહિરને સલામી આપી.
બીજી તરફ ઈશાન ત્રીસ ફૂટના ઓરડામાં બધે ફરી વળ્યો હતો. તેણે બધી જ દીવાલોનું નિરીક્ષણ ધ્યાનથી કર્યું. કદાચ હોઈ શકે કે તલવારને દીવાલની અંદર છુપાવવામાં આવી હોય. પરંતુ તેને હજુ સુધી સફળતા ન મળી. રતનસિંહ, રણજીત અને વનરાજ ત્રણેય ઈશાન પાસે આવ્યા.
“તલવાર મળી ?” વનરાજે પૂછ્યું.
“ના. ખબર નહિ આ દિવાનસિંહે તલવાર ક્યાં છુપાવી હશે !” ઈશાને વાળમાં હાથ ફેરવતાં કહ્યું.
સુરેશભાઈ, રિયા અને કવિતા પણ ત્યાં આવી પહોંચ્યા. રિયા રતનસિંહ અને વનરાજને ચિંતાભરી નજરે જોઈ રહી હતી.
“ચિંતા ન કર, અમે સહીસલામત છીએ.” રતનસિંહે હસીને કહ્યું.
“સારું થયું તમે ત્રણેય આવી ગયા. બધા મળીને હવે તલવાર શોધી જ લઈશું.”
“આ બધો જ ખજાનો મારો છે, હા... હા... હા... ડેની, ફટાફટ ઉપાડવા લાગ.” બખ્તાવરે હસ્યો.
બખ્તાવર અને ડેની જેટલું શક્ય બને એટલું ઝવેરાત બેગમાં ભરવા લાગ્યા.
જે જગ્યાએથી રતને લાકડાનું ખોખું મોરોને મારવા માટે ઉપાડ્યું હતું તે દિશામાં અચાનક રણજીતનું ધ્યાન ગયું. તે એ તરફ ગયો અને નજીક જઈને નિરીક્ષણ કરવા લાગ્યો.
“શું થયું ?” સુરેશભાઈએ પૂછ્યું.
“બધા અહીં આવો.” રણજીતે કહ્યું.
“આ જુઓ, અઅહીંના ઓરડાની દીવાલો પીળા રંગની છે. પણ આ થોડોક ભાગ જાણે પાછળથી કોઈએ તોડ્યો હોય અને ફરી ચણતરકામ કર્યું હોય એવો છે.” રણજીતે કહ્યું.
“મતલબ... કે તલવાર આમાં હોવી જોઈએ.” રતનસિંહની આંખોમાં ચમક આવી ગઈ.
“પણ આ દીવાલના ભાગને તોડીશું કેવી રીતે ?” ઈશાને પૂછ્યું.
“અરે, આ હથોડો ક્યારે કામે આવશે ?” વનરાજે હથોડાની તરફ ઈશારો કરતા કહ્યું.
ઈશાન સહેજ હસ્યો અને થોડે દૂર પડેલો હથોડો લઈ આવ્યો. તેણે રતનને આપતાં કહ્યું, “મહારાજ, ફતેહ કરો...”
રતને હથોડો લીધો અને બે ત્રણ પ્રહારમાં જ દીવાલનો થોડો ભાગ તોડી પાડ્યો. અંદરથી એક લાકડાનું કાળા રંગનું બોક્સ નીકળ્યું. તેને ખોલતાં જ બધા અચંબિત થઈ ગયા. સોનેરી રંગની એ તલવાર ખૂબ જ આકર્ષક હતી.
“હવે દિવાનસિંહનો વારો છે.” રતનસિંહે કહ્યું.
બધાએ હકારમાં માથું ધુણાવ્યું. એક અજીબ પ્રકારની ચમક બધાના ચહેરે હતી.
“મારે એકાંતમાં રિયા સાથે કંઈક વાત કરવી છે. તમે બધા આ તલવાર લઈને આગળ વધો. અમે પાછળથી આવીએ છીએ.” રતનસિંહે કહ્યું.
“એવી તો શી વાત છે ?” સુરેશભાઈએ પૂછ્યું.
રતનસિંહ શાંત રહેતાં બધાને ન પૂછવું યોગ્ય લાગ્યું. રતનસિંહે ઈશાનને તલવાર આપી. પણ કવિતાએ વચ્ચે પડીને ખુદના હાથમાં લઈ લીધી.
“હું પકડી લઈશ.” કવિતાએ કહ્યું.
“ઠીક છે, વાંધો નહિ.” ઈશાને ખભા ઊછાળતાં કહ્યું. ત્યારબાદ બધા એ ઓરડામાંથી નીકળી ગયા.
બખ્તાવર અને ડેની પણ ખજાનામાંથી શક્ય એટલું ઝવેરાત લઈને ક્યારનાંય રફુચક્કર થઈ ગયા હતા.
“રિયા.. મારી વાત ધ્યાનથી સાંભળજે...” રતનસિંહે કહ્યું.
***
રાત્રિ થવા આવી હતી. બખ્તાવર અને ડેની હવેલીના મુખ્ય કક્ષ સુધી પહોંચી ગયા હતા. ઘણા મહિનાઓની મહેનત આજે ફળદાયી સાબિત થઈ હતી. તેમ છતાંય હજુ તેઓ બીજી વાર આવશે અને વધુ ઝવેરાત લૂંટશે એવી મનોમન ઈચ્છા હતી. બન્નેને હવેલીનો મુખ્યદ્વાર દેખાતો હતો જ્યાંથી બહાર નીકળી શકાતું હતું. તેઓ બન્ને એ દિશામાં આગળ વધે એ પહેલાં કોઈનો અવાજ કાને અથડાયો.
“મારી મહેનતનો ખજાનો લઈને ક્યાં જાઓ છો ?” કોઈનો ઘાટીલો બિહામણો અવાજ તે બન્નેને સંભળાયો. બન્નેએ પાછળ ફરીને જોયું. સીડી પર બીજું કોઈ નહિ, પણ દિવાનસિંહ બેઠો હતો. તેનું રૂપ જોઈને બખ્તાવર અને ડેની ધ્રૂજી ઉઠ્યા.
બખ્તાવર અને ડેની ખજાનાવાળી બેગ પડતી મૂકીને દરવાજા તરફ દોડવા લાગ્યા. બંને દરવાજા સુધી પહોંચે એ પહેલાં દિવાનસિંહ ઊડીને તેમની આગળ આવી ગયો. તેનો ચહેરો હવે બન્નેને સાફ દેખાયો. અડધો બળેલો ચહેરો અને ઉપરથી તેનું બિહામણું હાસ્ય અંધારી રાતને ભયાનક બનાવવા કાફી હતા.
દિવાનસિંહે ડેનીની છાતીમાં પોતાના અણિયાળા નખ ખોંસી દીધા. બખ્તાવર ભાગવા જાય એ પહેલાં તેની તરફ જોયું ને તે હવામાં ઉડવા લાગ્યો. ડેની પીડાથી કણસીને ચીસો પાડવા લાગ્યો.
“પહેલી વાર મારા ખજાના પર કોઈએ હાથ નાખ્યો છે. એવી સજા આપીશ કે બીજો જન્મ લેતા પહેલાં હજારવાર વિચાર કરીશ.” દિવાનસિંહે કહ્યું.
દિવાનસિંહે તેની આંખોમાં નખવાળી આંગળીઓ નાખી દીધી અને તેની બંને આંખો બહાર ખેંચી કાઢી. તેની આંખોમાંથી લોહી નીકળી રહ્યું હતું. તે સતત ચીસો પાડી રહ્યો હતો.
“પહેલાં તારી જીભ જ કાપવી જોઈતી હતી. બહુ ચિલ્લાય છે તું.” દિવાનસિંહે તેના મોંમાં હાથ નાખીને તેની જીભ ખેંચીને બહાર કાઢી. હવામાં તરતો બખ્તાવર પેન્ટમાં જ પેશાબ કરી ગયો. ડેની પછી તેનો જ વારો હતો એ જાણી ચૂક્યો હતો.
ડેનીનો એક હાથ જોરથી ખેંચીને શરીરથી અલગ કરી દીધો. તે ઢળી પડ્યો. દિવાનસિંહ તેનું પેટ ચીરીને એક-એક અંગો બહાર કાઢવા લાગ્યો. આખરે તેણે દમ તોડી દીધો.
હવે દિવાનસિંહે બખ્તાવર સામે જોયું. તે હવામાં ઊડતો દિવાનસિંહની નજીક આવી રહ્યો હતો. હવામાં જ પગ ઉછાળીને તે વિરુદ્ધ દિશામાં જવાના મરણીયા પ્રયાસ કરી રહ્યો હતો.
“મને માફ કરી દો, ભૂલ થઈ ગઈ.” બખ્તાવર ફફડતો બોલ્યો.
“જીવનમાં ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. અને બીજું, કરો તો પકડાવ નહિ. તું તો પકડાઈ ગયો. હવે સજા ભોગવવી જ પડે ને. તને તો તારા સાથીદાર કરતાં પણ ભયાનક મોત આપીશ.” દિવાનસિંહ ખંધુ હસ્યો.
દિવાનસિંહની આંખો અંગારા જેવી લાલ થઈ ગઈ. તેના અડધા બળેલા ચહેરામાંથી અગ્નિ ઝરવા લાગી. તે અગ્નિ બખ્તાવર પર પડતાં તે બળવા લાગ્યો. તેની ચીસો સાંભળીને દિવાનસિંહને આનંદ મળી રહ્યો હતો. તે જમીન પર પટકાયો અને થોડીવારમાં તો એ બળીને ભડથું થઈ ચૂક્યો હતો.
“રતનસિંહ... હવે તારો વારો છે.” દિવાનસિંહ જોરથી બરાડ્યો.
***
રતનસિંહ અને તેનો કાફલો એક ખૂણામાં છુપાઈને દિવાનસિંહને જોઈ રહ્યા હતા. રિયા અને સુરેશભાઈના મનમાં ભયની કંપારી ફેલાઈ ગઈ હતી. આગળ શું થશે એ કોઈ નહોતું જાણતું.
“હવે દિવાનસિંહનો સામનો કરવાનો વારો આવી ગયો છે.” રતનસિંહે કહ્યું. બધાએ હકારમાં માથું ધુણાવ્યું. અને એક પછી એક બહાર આવ્યા.
“સાંભળો, બધા એક સાથે ન જઈએ. હું અને વનરાજ પાછળથી આવીશું. જો બાજી દિવાનસિંહના હાથમાં જતી રહે તો અમે એને ફરી પલટી શકીએ.” રણજીતે કહ્યું.
“ઠીક છે, સારો વિચાર છે.” રતનસિંહે કહ્યું.
રણજીત અને વનરાજને બાદ કરતાં બધા આગળ વધ્યા.
“દિવાનસિંહ, ક્યારનો મને યાદ કરતો હતો ને ? લે, આજે આવી ગયો હું.” રતનસિંહે કહ્યું.
દિવાનસિંહે અવાજની દિશા તરફ જોયું અને મલકાયો, “આવ...આવ...”
રતનસિંહ, રિયા, ઇશાન, કવિતા અને સુરેશભાઈ દિવાનસિંહની સામે આવ્યા.
“તો તલવાર શોધી જ લીધી ને ? લો... તમારી સામે ઊભો છું, ખતમ કરી દો મને...” દિવાનસિંહે હાથ પહોળા કરીને કહ્યું.
“એ જ કરવા તો અહિ આવ્યો છું. તલવાર લાવ, કવિતા.” રતનસિંહે હાથ લંબાવતા કહ્યું.
કવિતા રતનસિંહ પાસે આવી અને તલવાર ધરી. રતનસિંહ તલવારને પકડે એ પહેલાં કવિતાએ તલવાર દિવાનસિંહ તરફ ફેંકી. દિવાનસિંહે તલવાર પકડી લીધી અને તે હસવા લાગ્યો.
કવિતા દિવાનસિંહ પાસે ગઈ અને ઘૂંટણભેર થઈને બોલી, “માલિક !”
એક આક્રોશભરી નજરે કવિતા બધાને જોઈ રહી હતી જ્યારે બધા તેને અચરજભરી નજરે જોઈ રહ્યા.
(આવતાં અઠવાડિયે સમાપ્ત)
પ્રકરણ લેખક: રોહિત સુથાર