એક ચાલ તારી
એક ચાલ મારી
- લેખક -
પિન્કી દલાલ
( 21 )
યેસ, સુલેમાન સરકાર... બસ, હવે હું ત્યાં પહોંચી જ રહ્યો છું !
સંદાકાન પોર્ટ પર હવે પહોંચ્યા વગર ઉદ્ધાર નથી. એવો આળસ મરડીને મનોમન નિશ્વય તો વિક્રમે કરી લીધો, પરંતુ એ પહેલાં લતા કાન્તાની કદાચ છેલ્લી વાર મદદની જરૂર તો પડશે એ વિચારીને એનો ફોન જોડ્યો :
‘લતા, નાઉ આઈ નીડ યોર હેલ્પ, તારી મદદ જોઇશે...’ વિક્રમે એના શબ્દ-સ્વરમાં ભારોભાર સંકોચની લાગણી ઉમેરી.
‘વિક્રમ, મેં તો તને પહેલાં જ કહ્યું હતું : જે હેલ્પ જોઇએ સંકોચ વગર કહેજે. બોલ, શું હેલ્પ કરું ?’
લતાને થયું, કદાચ વિચાર ફર્યો હોય તો વિક્રમ ઑનલાઇન ટિકિટ બુક કરવા કહેશે.
‘લતા, મને સંદાકાન પોર્ટ સુધી ડ્રોપ કરી શકે તું, પ્લીઝ ?’ વિક્રમના અવાજમાં વિન્ંતિ હતી કે યાચના એ લતા નક્કી ન કરી શકી.
લતા ઘડીભર વિચારમાં પડી. ધારે તો વિક્રમ ફેરી લઇ શકે, બાય રોડ ને બાય સી -ફરક તો માત્ર દોઢેક કલાકનો જ પડવાનો હતો તો પછી એ બાય રોડ જવા કેમ ઇચ્છે છે ?
‘ઓહ લતા, તને પ્રોબ્લેમ હોય તો જવા દેવા તો મને થયું ફેરીમાં મારો બધો લઇ જાઉં? એટલે તને પૂછી લઉં.’ બોલતાં તો બોલાઇ ગયું, પણ વિક્રમનો ઇરાદો હતો માત્ર સહાનુભૂતિ ઉઘરાવવાનો,પરંતુ ત્યાં તો લતાનો પ્રશ્ન કાન પર ફંગોળાયો :
‘અરે, તું તો માત્ર આઠ-દસ દિવસમાં રીટર્ન થવાનો છે પછી બધો સામાન શું કામ ઊંચકી જવાનો ? ‘
વિક્રમ હજુ જવાબ આપે એ પહેલાં લતા બોલી ઊઠી :
‘હા ઍપાર્ટમેન્ટ ખાલી કરવું પડેશે એટલે તું કહે તો હું હાઉસ કીપિંગ વાત કરી લઉં, એ લોકો અઠવાડિયું તો શું, મહિનો પણ તારું પર્સનલ લગેજ સેફ કસ્ટડીમાં રાખશે. એ માટે ભારેખમ ચાર્જિસ પણ નહીં હોય.’
‘ઓહ યા, યુ આર રાઇટ...’ વિક્રમને થયું : ક્યાંક અજાણતાં તો જાહેર નથી થઇ ગયું ને કે પોતે કાયમ માટે કિનાબાલુને અલવિદા કરી રહ્યો છે ?
પછી તો લતા એને સંદાકાન પોર્ટ પર ડ્રોપ કરી દેશે એવું નક્કી થઇ ગયું. લતા સાથે વાત કર્યા પછી વિક્રમે થોડી હળવાશ અનુભવી : ચાલો, અત્યાર સુધી તો બધું પ્લાન પ્રમાણે પાર ઉતર્યુ. આગળ જોયું જશે.
હવે સમય ગુમાવવો પોસાય એમ નહોતો. બને એટલી ઝડપથી આ જગ્યા વાઇન્ડઅપ કરવાની હતી. પર્સનલ સામાનનું પૅકિંગ પણ બાકી હતું. જો બધું પોતાની ગણતરી પ્રમાણે થાય તો ઉત્તમ અને ન થાય તો... એ વત ખંખેરી નાખતો હોય તેમ વિક્રમે બે-ચાર વાર માથું ધુણાવ્યું. બસ, એકવાર અહીંથી નીકળી જવાય પછી કિનાબાલુ ઇતિહાસ બની જશે એની જિંદગીનો.
કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું હતું. એક કૅબિન સાઇઝ બેગમાં દુનિયા આખી સમેટવાની હતી. બાકીનો સામાન અહીં કસ્ટડીમાં, જે પોતે ક્યારેય કલેઇમ કરવા આવવાનો નહોતો. વિક્રમે બે જીન્સ, પાંચ-સાત ટી-શર્ટ ને અંડરગાર્મેન્ટસ નાખ્યાં ત્યાં તો બેગ ભરાઇ ગઇ. બાકીનો સરંજામ વિક્રમે ઝડપભેર મોટી બેગમાં ભરવા માંડ્યો. જે હવે અહીં છોડી જવાનો હતો. કલાક –બે કલાકમાં તો જેસલટન હાઇટ્સના એ ટેરેસ ફ્લેટનું વાતાવરણ વેન્ટિલેટર પર હોય તેમ નિષ્પ્રાણ થતું ગયું.
અચાનક જ વિક્રમની નજર પડી બેડરૂમના એક ખૂણે ગોઠવાયેલા ટેલિસ્કોપ પર પડી. છેલ્લાં થોડાં દિવસ એટલા ઉચાટમાં વીત્યા હતા કે પોતે આ માનીતા સાથી પર એક નજર સુદ્ધાં નાખી શક્યો નહોતો. એ ઘણી વાર આ ટેલિસ્કોપમાં ટેરેસમાં ગોઠવીને બેસતો. બાજુમાં વ્હીસ્કીનો ગ્લાસ ને પછી રાતના અફાટ આકાશના વૈભવને એ ટેલોસ્કોપની મદહોશી છવાઇ જાય ત્યાં સુધી નિહાળ્યા કરતો.
વર્ષોથી વફાદાર સાથી બની રહેલાં મોંઘાદાટ ટેલિસ્કોપને પેક કરીને સદા માટે છોડી દેતાં વિક્રમના દિલમાં ચચરાટ ઊઠ્યો : ના, બીજું બધું ભલે અહીં પડી રહે,પણ તું તો મારી સાથે જ ચાલ.
સવારના આઠને ટકોરે તો લતા હાજર હતી. પંદર જ મિનિટમાં લતાની કાર વિક્રમને સંદાકાન પહોંચાડવા એઇટી-નાઇન્ટીની સ્પીડે દોડી રહી ત્યારે એથી વધુ ઝડપથી દોડી રહ્યું હતું વિક્રમનું મન...
* * *
‘ગુરુનામ,મને ન સમજાયું તું કરવા શું માગે છે ?’
ચોપરાએ બ્લુ બર્ડ મેન્શનમાં ગુરુનામની કૅમ્પ ઑફિસમાં ચાલી રહેલી બે મિત્રની મિટિંગમાં કલાક સુધી ગુંચવાયા પછી પૂછી લીધું.
ઉત્તરમાં ગુરુનામે હળવું માર્મિક સ્મિત કર્યું :
‘ચોપરા, આખી વાત જરા ઇન્દિરા ગાંધીની પેલી પૉલિસીથી લેવી જોઇએ એવું મને હવે લાગે છે.’
‘એટલે ?’ ચોપરાએ ગુરુનામના મનની વાત કળી લીધી હોવા છતાં ચોક્સાઇ કરવાના હેતુથી પૂછી દીધું.
‘એટલે ડુ નથિંગ, સમયને એનું કામ કરવા દઇએ.’
ગુરુનામે ગહન વિચાર કરી લીધો હોય એમ બોલ્યા :
‘આપણે આજની ભાષામાં કહીએ તો થોડી ચીજોને સ્ટેન્ડ બાય મોડ પર છોડી દો તો એ આપોઆપ જ ઑફ થઇ જાય. એ જ રીતે ક્યારે કેટલાંક સંબંધને...’
ચોપરાએ તરત જ ગુરુનામને વચ્ચે રોક્યા :
‘ના, ગુરુનામ... સૉરી, હું આ વાત સાથે જરાય સહમત નથી.’ ગુરુનામને પોતાનો મનગમતો જવાબ ન મળે એ બિલફૂલ મસંદ નહોતું એ વાતથી અવગત હોવા છતાં ચોપરાએ પોતાના મનમાં ઘોળાઇ રહેલી એક વાત બોલી નાખવી જરૂરી સમજી :
‘મને આ વાત હજી ભારે પેચીદી લાગે છે...’
‘વેલ,’ પોતાની ચૅર પરથી ઊઠી પાછળ રહેલી વિશાળ બુકશેલ્ફ પાસે જઇને ગુરુનામે એક પુસ્તક હાથમાં લીધી પછી કંઇક વિચારતાં ત્યાં જ ઊભા રહીને ચોપરાને દેખાડ્યું.
ચોપરાએ આંખો જરા ઝીણી કરી પુસ્તકનુ શીર્ષક વાંચવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો એટલે ગુરુનામે જ ટાઇટલ વાંચી સંભળાવ્યું.
‘ધ લ્યુસિફર ઇફેક્ટ : અન્ડૅરટેન્ડિંગ હાઉ ગુડ પીપલ ટર્ન્ ઇવિલ..’
‘એટલે ?’
‘એટલે એ જ કે સારી વ્યક્તિ કઇ રીતે નઠારી બની શકે એ સમજવાની કળા વિશેનું આ પુસ્તક છે.’
‘એટલે તું એમ કહેવા માગે છે કે સલોની, મૂળભૂત રીતે સારી છે, પણ કોઇક કારણસર કોઇક મજબૂરીથી...’ ચોપરા વધુ બોલે એ પહેલાં ગુરુનામે એની વાત આંતરી : ‘હા, ચોપરા. એક વાર નહીં સો વાર... મારો શક કદીય ખોટો ન હોય શકે.. યૅસ, તારી એ વાત સાચી કે એ જે દેખાય છે એટલી નિર્દોષ ને સાલસ પણ નથી,પરંતુ આ છોકરી તદ્દન જુઠ્ઠી નથી એ વાત પણ એટલી જ નક્કી. ‘
ગુરુનામના અવાજમાં અજબ પ્રકારની મક્કમતા હતી. વ્યક્તિની પિછાણ કરવાની પોતાની કાબેલિયત કદી ખોટી ન હોઇ શકે એવી કોઇક પ્રકારની દ્રઢ માન્યતા સાથે... ગુરુનામે ઊંડા શ્વાસ છોડીને વાત આગળ વધારી :
‘તું કદાચ અત્યારે મારી સાથે સહમત નહીં થાય એ સ્વાભાવિક છે, કારણ કે મને જે માહિતીઓ મળી છે એ આપણે વિગતે ચર્ચી શક્યા નથી એટલે તને કદાચ પૂરા સિનારિયો ખ્યાલ ન પણ આવે.’
ગુરુનામની આ વાત ચોપરાને વિચાર કરતા મૂકી ગઇ :
ગુરુનામને એવી તે કેવી માહિતી મળી હશે ?
ચોપરાના ચહેરા પર ચિતરાયેલો પ્રશ્ર્નાર્થ વાંચી લીધો હોય એમ ગુરુનામ પોતાની સીટમાં ફરી ગોઠવાયા. સાઇડટેબલ પર પડેલા બૉક્સમાંથી ચિરૂટ ઊંચકી- પેટાવી :
‘ચોપરા, સલોની માટે ડ્રાઇવર તરીકે મેં મારા ખાસ માણસ બહાદૂરને ડ્યૂટી પર રાખ્યો છે.’
આટલું કહી એમણે ચોપરા સામે જોયું. ચોપરાની આંખોમાં અંજાયેલા વિસ્મયનો જાણે જવાબ આપતાં હોય એમ ગુરુનામ બોલ્યા :
‘આપણે માની લીધું કે સલોનીના મનમાં કોઇ જૂદી જ રમત ચાલે છે એવો સંશય એણે માગેલી રકમમાંથી જાગ્યો હતો. રાઇટ ? ‘
ચોપરાએ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના જ ફક્ત માથું ધુણાવી સહમતિ દર્શાવી.
‘બહાદૂર દર બે-ત્રણ દિવસે મને રિપોર્ટ કરતો રહે છે. જાણવા મળ્યું છે તે પ્રમાણે સલોની છેલ્લાં એક અઠવાડિયાથી એડિશનલ કમિશનરને બે વાર મળી છે. એ પહેલાં પણ મળી હતી અને મને મળેલી છેલ્લી ઈન્ફર્મેશન પ્રમાણે પેલા કમિશનરની અવરજ્વર આપણા ગેસ્ટહાઉસમાં પણ વધી ગઇ છે...’
‘ગુરુનામ, પણ એનો અર્થ તું શું કરે છે ? ‘
ચોપરા ખરેખર ગુંચવાયો હતો. એક જ વાંધો હતો એને ગુરુનામ સામે, સલાહ એકદમ સચોટ જોઇએ તો પોતાની પાસે રહેલી માહિતી પણ આપવી જોઇએ ને ? પણ,ના એ તો ગુરુનામનો સ્વભાવ જ નહોતો.
‘હું પોતે પણ થોડી અવઢવમાં હતો અને આખી આ વાતમાં ઉતાવળે નિર્ણય કરવા જેવી કોઇ વાત નહોતી એટલે મને થયું કે પેલું ફિલ્મ પ્રોડક્શનવાળું કોકડું પતે પછી આરામથી આખી વાત કરીશ...’ ગુરુનામે ચિરૂટનો એક ઊંડો કશ લેતાં ચોપરા સામે જોયું.
‘ફિલ્મ પ્રોડક્શનવાળું પ્રકરણ ?’ એ વળી કયું ? ‘
ફરી નવાઇ પામ્યો ચોપરા.
‘કેમ ? ભૂલી ગયો ? એવિએશન પ્રોજેક્ટ સાથે સાથે ગૌતમના મન પર ભૂત સવાર થયેલું... પેલા ફિલ્મી ચક્કરનું !’ ગુરુનામને નવાઇ લાગી કે ચોપરા આખી વાત વીસરી કઇ રીતે ગયો ?
‘ગૌતમે કોઇને પૂછ્યા વિના જ એક અગ્રીમેન્ટ સાઇન કર્યું હતું. કોઇક એક પાકિસ્તાની છોકરી સાથે... એને હીરોઇન તરીકે સાઇન કરી હતી ફિલ્મ માટે. એના એક-બે ક્લોઝ એવા વાહિયાત છે કે મને થાય છે આ ગૌતમ મારા જેવા નીવડેલા બિઝનેસમેનનું ફરજંદ હતો કે ‘ગુરુનામના સ્વરમાં હતાશા સાથે રંજની માત્રા ભળી હતી.
‘ક્યાં છે કોપી એ અગ્રીમેન્ટની ?’ ચોપરાએ રીડિંગ ગ્લાસીસ ચઢાવતાં પૂછ્યું.
‘મારા હાથમાં આજે જ આવી. પેલી છોકરીએ મોકલી. તને કદાચ આજે ડિસ્પેચ થઇ ચૂકી હશે...’ ગુરુનામે હાથ લંબાવી ચોપરાને કોપી તો થમાવી, પણ મગજમાં કોઇ ગહન વિચાર ચાલી રહ્યો હોય એનો પડઘો ગુરુનામનાં અવાજમાં છતો થઇ રહ્યો હતો.
ચોપરાએ કૉપીનું પહેલું પાનું વાંચ્યું ન વાંચ્યું ને ગુરુનામની સામે જોયું. ચોપરાની ભાવવિહીન કોરી આંખો જાણે કહી રહી હતી :
સાચી વાત ગુરુનામ, તું સાચો હતો. તારા દીકરાને બાળક તરીકે નહીં, પુખ્ત પૂરૂંષ ગણી લેવાની સુફિયાણી સલાહ આપનારો હું ખોટો પૂરવાર થયો...
* * *
‘સૉરી, નો પેસેન્જર ઑન ધિસ શિપ.’
પોર્ટના રિસેપ્શન પર સાઇડમાં ઇન્કવાયરી કાઉન્ટરમાં બેઠેલા એક પ્રૌઢ ફિલિપિનો ફીચર્સ ધરાવતા ઑફિસરે કરડી નજરે વિક્રમ સામે જોયું. :
કમાલ છે આ માણસ, છેલ્લાં ત્રણ દિવસથી સવાર પડી નથી ને આવ્યો નથી...
‘ઍની ચાન્સ ?’ અપમાન થવાની ખાતરી હતી, છતાં વિક્રમે પૂછી જ નાખ્યું.
‘અરે, આ યુરોપિયન કાર્ગો કંપનીઓ સિક્યોરિટી માટે અતિશય ચોક્કસાઇ વર્તે છે. એમાં હું તો શું ? આ શિપનો કેપ્ટન પણ કંઇ ન કરી શકે. નો ચાન્સીસ સો ફાર...’ કરડા અવાજે કહ્યા પછી અચાનક જ એ ઑફિસરનું ધ્યાન વિક્રમના મ્લાન થયેલા ચહેરા પર ગયું : લાગે છે કોઇ વખાનો માર્યો....
મનમાં રામ વસ્યાં હોય તેમ કાઉન્ટર છોડીને જઇ રહેલા વિક્રમને અચાનક પાછો બોલાવ્યો :
‘ઈઝ એનીથિંગ સિરિયસ ?’
‘વેલ, સિરિયસ કહો તો સિરિયસ.... માની ઉંમર થઇ છે, અલ્ઝાઇમર પેશન્ટ છે ને એને યાદ કંઇ રહેતું નથી. આજકાલ બહુ યાદ કરે છે એવો ફોન ઘરેથી આવ્યો, પણ ફ્લાઇટ કે પેસેન્જર શિપમાં જઇ શકું એટલા પૈસા જમા થયા નથી... એટલે આ એક વિકલ્પ બાકી રહ્યો માટે થયું કે ચાન્સ તો લઉં...’ ઇગ્લિશ ન આવડતું હોય- ન સમજાતું હોય તેમ તૂટ્યાંફૂટ્યાં અંગ્રેજી શબ્દોમાં જવાબ વાળ્યો તો ખરો, પણ વિક્રમને ખયાલ નહીં કે એની અસર ઑફિસર પર શું થશે.
‘ઓહ...’ વિક્રમની એક્ટિંગને સાચી માની બેઠો હોય તેમ પેલો ઑફિસર સહાનુભૂતિથી બોલ્યો :
‘એક કામ કર, તારો ફોન નંબર મને આપતો જા. જો કોઇક શિપમાં ગોઠવણ થઇ તો પોર્ટ ઇન્ચાર્જ ઑફિસરને જાણ કરું તો કોઇક ટૉપ ક્રુ કે કૅપ્ટનને રિક્વેસ્ટ કરે.... હા, એ લોકો જો તને અકોમોડેટ કરે તો કામ થઇ જાય તારું...’
‘થેંક્યુ. થૅંક્યુ, સર.... પણ મોબાઇલ નંબર તો નથી. કાલે સવારે પાછો આવીને મળું તો ?’ હજુ બોલવાનું પૂરૂંં કરે ત્યાં તો વિક્રમના જૂઠાણાંની ચાડી ખાતો હોય તેમ એનો ફોન રણકી ઊઠ્યો.
ઑફિસરની આંખો ચમકી, ચહેરા પર એક તુચ્છકારભર્યો તિરસ્કાર તરવરી રહ્યો : ‘યુ લાયર...’
‘પ્લીઝ, ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી, સર ! આ ઓફિસનો ફોન છે, એ લોકો ચાહે ત્યારે કોન્ટેક્ટ કરી શકે એટલે આપ્યો છે. બાકી, મને તો નંબર પણ નથી ખબર... લીવ આપવી નથી એટલે કહે કે જા, ચાર દિવસ ટ્રાય કરી લે. સર, યુ નો ન્યુ જૉબ, યુ સી..., દયામણું મોઢું કરીને ઊભેલા વિક્રમને ઘડીભર થયું કે હવે તો નક્કી ગયો કામથી. જો ઑફિસરે વાત વધારી તો ક્યાંક પોલીસ સુધી ન પહોંચે.
‘વ્હેર ઇઝ યોર પાસપોર્ટ ?’ અચાનક પૂછાયેલા પ્રશ્ર્ને વિક્રમને મૂંઝવી નાખ્યો.
‘નો પાસપોર્ટ...’ વિક્રમે એક્ટિંગ ચાલુ રાખવામાં શાણપણ સમજ્યું :
‘પાસપોર્ટ તો ઍમ્પ્લોયર- શેઠ પાસે છે.’
ઓહ, તો પાસપોર્ટ લઇને આવવું જોઇએ ને... એ વિના ટ્રાવેલ ન કરી શકાય...’ ઑફિસરે સહાનુભૂતિ દર્શાવતા સલાહ આપી :
‘શું કામ કરે છે ?’
‘કુકિંગ. ફૂડ...’ વિક્રમે ઇશારો કરી ઑફિસરને સમજાવ્યું.
ઑફિસરના દિલમાં દયા ઉભરાઇ આવી.
‘ઓકે, સૌ પહેલાં પાસપોર્ટ લઇને તારી પાસે રાખ ને પછી આવ. પાસપોર્ટ પાસે હશે તો પછી કંઇક રસ્તો નીકળશે...’
* * *
‘સૂર્યવંશી, યાદ છેને તને પેલી મોડેલ સૌમ્યા શાસ્ત્રીનો કેસ ? ‘
સુદેશ સિંહે નવું ચેપ્ટર ખોલવું હોય તેમ ઓવરડોઝને કારણે મૃત્યુ પામેલી મોડેલની ફાઇલ ફરી ખોલી હતી.
‘સર, એમાં હતી તો ઘણી બધી કડી, પણ છેલ્લે સુધી મુખ્ય કહી શકાય એ જ કડી મળી નહોતી આપણને...’ સૂર્યવંશી એ કેસ યાદ કરતો હોય તેમ બોલ્યો.
‘એ કડીઓ એટલે ટેલી નહોતી થઇ શકી, કારણ કે મુખ્ય શકમંદને આપણે ઉઠાવીએ એ પહેલાં તો સિફતથી સરકી ગયો હતો...’ સુદેશ સિંહે એક સુચક નજર સૂર્યવંશી પર નાખી. જી સર, એની પાછળ બેકિંગ પણ મોટાં માથાંનું હતું, પણ.... હવે શું ?’ સૂર્યવંશી થોડાં હતાશ અવાજે બોલ્યો :
‘મામલો ગરમ હતો ત્યારે ન હાથમાં આવ્યો તો હવે શું ? એશ કરતો હશે કોઇક ક્રાઇમ હેવનમાં બેસીને.’
‘કમ ઓન, સૂર્યવંશી.... ધેર ઇઝ ઑલ્વેઝ અ ટુમોરો... કુદરત હિસાબ ચૂકતે કરવાનો મોકો તો દરેકને આપે છે. હા, એ વાત જૂદી છે કે કોઇ ઝડપી લે ને કોઇ ન લે...’ સૂર્યવંશી પોતાના બોસને થોડો વિસ્મયથી જોતો રહી ગયો,અચાનક સરને શું થયું કે આમ જૂનો કેસ રી-ઓપન કર્યો
‘સૂર્યવંશી, યાદ છે થોડાં વર્ષો પહેલાં સાકીનાકામાં એક મુંડી કટ કરીને નકલી પાસપોર્ટ બનાવી આપનારને પકડ્યો હતો ? શું નામ એનું ?’
સૂર્યવંશી પોતાની યાદશક્તિ પર જોર નાખી રહ્યો હતો ને સુદેશ સિંહને યાદ આવ્યું :
‘યૅસ, શકીલ ! એ શકીલ કદાચ એની સજા કાપી પાછો આવી ગયો હોય ને સીધો થઇ પાનનો ગલ્લો ચલાવતો હોય ને એ પણ શક્ય છે કે હજી હાથની ખુજલીનહીં શમી હોય તો ફરી પાછો એ જ જૂના ધંધે લાગી ગયો હશે. એ શકીલ પાનવાળાને શોધી કાઢ.
‘સર, યાદ છે.. એ વખતે પેલી મોડલ સાથે એની એક ફ્રેન્ડ પણ હતી, જે રાતોરાત ગાયબ થઇ ગયેલી.’ સૂર્યવંશીએ એક વધુ કડી યાદ અપાવી.
‘યૅસ, સૂર્યવંશી... ફોલો ઇટ અપ... અને હા, યાદ ર્રેહે કે આ કેસ પર અપણે કામ કરીએ છીએ એની ચર્ચા કોઇ સાથે ન થવી જોઇએ.’
* * *
‘સરકાર, આ વિક્રમ તો કહેતો હતો કે એ આવવાનો છે... પણ ચાર દિવસ થયા એના તો કોઇ સમાચાર જ નથી !’ સુલેમાન સરકારના ગ્લાસમાં અબ્દુલે વ્હીસ્કી રેડી.
‘હમ્મ...’ જવાબમાં ફક્ત હુંકાર કરી ચૂપ રહેવાનું મુનાસિબ માન્યું સુલેમાને. એનો અર્થ એ કે સુલેમાન સરકારનું મગજ એ જ દિશામાં વિચાર કરી રહ્યું હતું. વર્ષોથી સાથે રહેલો અબ્દુલ પોતાના માલિકની નસ નસથી વાકેફ હતો. ક્યારે એ શું કરશે અને શું વિચારતો હશે એ બધી વાતોથી જો કોઇ વાકેફ હોય તો એ હતો એકમાત્ર અબ્દુલ.
‘હા... અબ્દુલ, એ વિચાર મને પણ આવ્યો... તારે છેલ્લી વાતચીત ક્યારે થયેલી ?
‘કેમ, ભૂલી ગયા ? તમારી સામે થયેલી ને ? એ કહેતો હતો, હું બેંગકોક પહોંચું છું. આપણે તો એને ધરપત આપી કે કાર્ગો શિપમાં આવશે એટલે અહીં બાકીનું આપણે જોઇ લઇશું !’ અબ્દુલે વિગતવાર યાદ કરાવવાનો પ્રયત્ન કર્યો.
‘હા, એ ખબર છે, પણ એ પછી કોઇ વાતચીત ?’ જવાબમાં અબ્દુલે નકારમાં ડોકું ધુણાવ્યું.
ફરી વાર સુલેમાન સરકારના મગજમાં સરવાળા-બાદબાકી થતાં હોય એવા ભાવ તરવરી રહ્યાં હતાં :
‘એક કામ કર, ફોન લગાવ એને...’
‘જી... ?’ અબ્દુલ જરા અચકાયો.
‘ફોન લગાવ. પૂછ... શું હાલ છે ?’
‘હમણાં જ લગાવ્યો. લો...’ અબ્દુલે પોતાનો મોબાઇલ ઊંચક્યો ને નંબર જોડ્વા માંડ્યો.
ચાર-પાંચ રિંગ એમ જ ગઇ ને સામે વિક્રમનો અવાજ સંભળાયો :
‘સલામ વાલેકુમ અબ્દુલભાઇ, જરા દેર થઇ રહી છે, પણ મામલો જરા એવો છે...’
સ્પીકર ફોન પર સાંભળી રહેલા સુલેમાને ઇશારો કર્યો –
પૂછ, થઇ શું રહ્યું છે ?
‘અરે, લેકિન હુઆ ક્યા ? મને થયું કે કેમ વિચાર બદલાઇ ગયો તારો કે પછી ક્યાંક ફરાઇ તો નથી ગયો ને ? ‘
અબ્દુલ બોલ્યો હતો સહાનુભૂતિના સૂરે એટલે વિક્રમ શરૂ થઇ ગયો. એને આઅશા બંધાઇ :
કંઇ ચમત્કાર થાય ને અબ્દુલ મદદ મોકલે !
‘અરે ! અબ્દુલભાઇ, સંદાકાનમાં છું. એકેય કાર્ગો શિપ લોકલ પેસેન્જર લેવા તૈયાર નથી. છેલ્લાં ત્રણ દિવસથી શિપિંગ ઑફિસમાં ચક્કર કાપું છું. હવે કોઇક લોકલ શિપિંગ કંપનીનું વેસલ શિડ્યુલ છે એમાં મેળ પડી જાય એમ લાગે છે. બાકી, આ યુરોપિયન કંપનીને ફફડાટ હોય છે કે અહીંથી ચઢનારો લોકલ કોઇ ચાંચિયાનો જ મળતિયો હોય તો ?’
‘ઓહ, એમ વાત છે....’ સુલેમાન સરકાર સામે અબ્દુલે જોયું.
હજી કંઇ પૂછવાનું બાકી રહી જાય છે ?
સુલેમાને પોતાની આંગળીમાં રહેલી લોઢાના પાતળા તાર જેવી વીટીંઓ વડે વ્હીસ્કીના ગ્લાસ પર પહેલાં બે અને પછી ત્રણ વાર ટંકાર કર્યોં.
અબ્દુલ એકમાત્ર સાથી હતો, જે સુલેમાનની આ કોડ લેગ્વેજ વિના કોઇ ચૂક સમજી શકતો. સુલેમાનના ટકોરાં સમજી લઇને એણે વિક્રમને જવાબ આપ્યો :
‘નો પ્રોબ્લેમ, ત્યાં વ્યવસ્થા થઇ ગઈ સમજ.’
અબ્દુલ ને સુલેમાન બંનેને ખબર હતી કે આ સાંભળીને વિક્રમ આભો થઇ જવાનો.
‘એટલે ? એટલે અબ્દુલભાઇ,બધું મૅનેજ થઇ જશે ? તમે એમ કહો છો ને ? !’ વિક્રમના બોદા-નિરાશમય અવાજમાં જાણે આત્મવિશ્વાસ પ્રવેશી ગયો !
સતત સુલેમાનના ચહેરાની નોંધ લઇ રહેલી અબ્દુલની નજરમાં સુલેમાનના હોઠ પર દોરાભાર સ્મિત સહમતિનો નિર્દેશ કરતું હતું. છતાં અબ્દુલે આંખના ઇશારે આદેશ લઇ લેવામાં શાણપણ સમજ્યું :
‘હા, થયું સમજ, અડધા કલાકમાં ફોન કરું છું, અલ્લાહ હાફિઝ...’
ફોન કટ કરીને સુલેમાન અને અબ્દુલ એકબીજા સામે જોઇ માર્મિક સ્મિત કરતા રહ્યા.
‘પેલાએ તો નાચવાનું બાકી રાખ્યું હશે.’ સુલેમાને દાઢી પસવારતાં કહ્યું.
‘હા સરકાર, બુરે હાલ ફસ્યો છે...’ પોતાની ટકોરની શું પ્રતિક્રિયા હશે એની અટકળ કરતાં અબ્દુલે જરા ત્રાંસી આંખ કરી સુલેમાનના ચહેરાનાં ભાવ વાંચવાની કોશિશ કરી. જો હળવા મૂડમાં હોય તો જાણી લેવા જેવું તો ખરું કે સુલેમાન આ વિક્રમને આટલું બધું ઘાસ કેમ નાખી રહ્યો છે ?
‘વિક્રમ કિસ્મતવાળો તો ખરો જ ને કે તમે એની ના પછી પણ ફરી તમારી પાંખમાં લેવાની તૈયારી બતાવી. એટલું જ નહીં,ને વળી આ અરેન્જમેન્ટ... !
‘અબ્દુલ, હજી એ અહીં આવ્યો નથી ને તારા પેટમાં તેલ રેડાયું ?’
જમાનાના ખાધેલ સુલેમાન સરકારે ખંધું હસીને ગ્લાસમાં ખતમ થવા આવેલ ડ્રિન્કમાં આઇસ ઉમેર્યો. એને સમજતા વાર નહોતી લાગી કે અબ્દુલને પોતાનું મહત્વ ઓછું થઇ આવવાનો ચચરાટ થઇ રહ્યો છે.
‘ડ્રિન્ક પતી જવા આવે ત્યારે એમાં આઇસ ઉમેર્યા કરો તો કદાચ સામેનાને ગ્લાસ ભરેલો લાગે, પણ આપણને નશો ન ચડે.’
અબ્દુલ સમજી ગયો કે આ પોતાને મોઘમમાં અપાયેલો જવાબ હતો.
‘જી, સમજ્યો. પણ આપણી વાત હજી એ લેવલ પર નથી પહોંચી કે આવી સરખામણી કરવી પડે...’ સુલેમાન સરકાર પોતાના મનની વાત જાણી ગયો એ વાત સમજીને અબ્દુલ જરા હડબડાઇ ગયો.
‘અબ્દુલ, હંમેશા વિનર બની રહેવું હોય તો પોતાની ખૂબી સાથે ખામી બારીકીથી પિછાણી લેવી એટલી જ જરૂરી છે.’ અબ્દુલને મોટે માપે લેવો જરૂરી સમજ્યું સુલેમાને....
‘શું તને ખબર નથી કે છેલ્લાં થોડાં સમયમાં શું વાટ લાગી છે ધંધાની ?’
‘હા, સરકાર એ તો ખબર છે, પણ આ બંદો એકલે હાથે...’ અબ્દુલની દલીલ સાંભળવી જ ન હોય એમ સુલેમાને ડાબો હાથ ઉઠાવી એને રોક્યો :
‘છેલ્લાં થોડાં સમયથી પથારી ફરી ગઇ છે આપણી ઇન્ડિયામાં...’
સુલેમાન સરકાર જરા સ્થિર નજરે દિશાશુન્ય થઇ તાકી રહ્યો. અંધારી આલમમાં પોતાના નામના સિક્કા પડતાં એ વાત ગઇ કાલની થઇ જાય ? હરગિજ નહીં !
‘એ તો હું સમજું છું, પણ કાનખજૂરાનો એક પગ ભાંગે તો એને કોઇ ફરક ન પડે...’ માલિકના બગડી રહેલો મૂડ સાચવી લેવો જરૂરી લાગ્યો અબ્દુલને.
‘અબ્દુલ...’ સુલેમાનનો ઘોઘરો –ગંભીર અવાજ વઘુ ગહેરો થયો :
‘કાનખજૂરાને ફરક પડે કે ન પડે એ તો અલગ વાત થઇ. પણ એનું દર્દ તો એ પગ ગુમાવનાર જ જાણે, સમજ્યો ?!’
‘જી...’ ધીરા અવાજે હોંકારો ભણીને અબ્દુલે ચૂપ થઇ જવામાં શાણપણ સમજ્યું. ઝટ પતે સુલેમાન સરકારના ગ્લાસમાં બચેલી વ્હીસ્કી ને પોતે અહીંથી સરકી જાય એ જ સારું હતું. કારણ કે જો સુલેમાન સરકારના મગજે આ લાઇન પકડી તો પોતાના દિમાગનો ખીમો થઇ જવાનો... હવે વિક્રમને ક્યાં કઇ રીતે પ્લાન કરવો એની જો સુલેમાન સરકાર અત્યારે જ સ્ટ્રેટેજી ઘડવા માંડ્શે તો સવાર પડી જવાની...
‘સરકાર, શું લગાવું ?’
મ્યુઝિક સિસ્ટમ પાસે પહોંચીને અબ્દુલ પૂછી રહ્યો : એક વાર ગઝલનું વાતાવરણ બન્યું એટલે સરકારનું મગજ રિલેક્સ થશે અને પાંચ જ મિનિટમાં પોતે છૂટ્ટો...
‘નહી અબ્દુલ, અભી રહેને દે યે બાજા...’
સુલેમાનના ઊખડેલા અવાજે અબ્દુલમાં રહીસહી આશા પર પાણી ફેરવી દીધું.
દબાતાં પગલે આવીને બેસી જવું પડ્યું સુલેમાન સરકાર સામે... રાતની સાથે વધતો રહ્યો બ્લેક લેબલનો નશો ને એ સાથે ઘૂંટાતી રહી વર્ષો પૂરાણી કડવાશ.
‘આ નકાબપોશ ઠગ... પોલિટિશિયન... પોતાના ભાઇભાંડુઓને જ સિન્થેટિક ડ્રગ બનાવવા ફૅક્ટરીઓ નાખી આપીને બેસી ગયા. જ્યાં આપણું મેઇન માર્કેટ હતું ત્યાં હાઇ સોસાયટીના ક્લાયન્ટ લાવતું હતું કોણ ? આ વિક્રમ... સૌનું કામ એકલો કરતો આ... પણ બધું ખલાસ થઇ ગયું...’ રંજની બારીક રેખા સુલેમનાના ચહેરા પર ઉંડી અંકાઇ :
‘કાશ, વિક્રમે પેલી મોડેલવાળી ગફલત ન કરી હોત ને મુંબઇ પોલીસમાં પેલા દબંગ પાગલ ઑફિસરની ઍન્ટ્રી ન થઇ હોત...’
આટલું કહી સુલેમાન સરકારે વ્હીસ્કીનો કે ઉંડો ઘૂંટ લીધો ને પછી મનોમન કરેલો નિર્ધાર પાકો થઇ ગયો હોય એમ બોલી ઊઠ્યો :
‘કુછ કરના પડેગા યે દબંગ કા !’
***