(૦૧)
મા – બાપ
બીનાની સિમેન્ટ ની જાહેરાત માં અમિતાભ બચ્ચન ના મુખે સાંભળેલ શબ્દો જયશ્રી ધણીવાર વિચારતી....
“માં-બાપ કહી નહી જાતે વો યહી પર રહતે હૈ સદીઓ કે લીયે”
શું ઘર માં માતા-પિતા ની યાદ જળવાઈ રહેલી હોય તેથી આમ કહ્યું હશે?
સિમેન્ટ થી ઘર ની મજબુતી ને માં-બાપ ના વારસા ને શું લાગે-વળગે?
વ્યવસાયે શિક્ષિકા જયશ્રી ઘણીવાર મનમાં હસી લેતી.- મા – બાપ ની યાદ તો મન માં જળવાઈ જ હોય... ઘર એ રહે કે ન રહે. શું જાહેરાતો પણ લાગણી વેચવાની વાત કરે છે! પણ જાહેરાત માં અમિતાભ બચ્ચન નો દિવ્ય અવાજ તેને ગમતો એટલે એ અવાજ સાંભળવા તે જાહેરાત જોઈ લેતી.
જયશ્રી ના પિતા વકીલ. માતા ગૃહિણી પણ જયશ્રી તેના દાદા ને બહુ વ્હાલી. નાનપણ થી જ જમવાનું-સુવાનું-વાર્તા સંભાળવાનું-ફરવાનું બધુજ દાદા પાસે. નાનપણ માં તો કોઈ પૂછે કે ‘તુ કોની બેબી?’ તો જયશ્રી તેના પિતા ને બદલે દાદાનું નામ આપતી. તેના દાદા વ્યવસાયે શિક્ષક હતા. જયશ્રી પાંચ વર્ષ ની થઇ ત્યારે તે નિવૃત્ત થઇ ગયેલા. ત્યારબાદ ઘરે રહી ને ટ્યુશન અને પૌત્ર – પૌત્રી ના ઘડતર સિવાય દાદાજી ને કોઈ કામ રહેલું નહી. સયુંકત કુટુંબ ની આજ તો મઝા છે! જ્યાં સુધી શાળા માં નોકરી ચાલુ હતી ત્યાં સુધી જયશ્રી ના દાદાજી ની છાપ આગવી. પરીક્ષા માં તેમનું સુપરવિઝન હોય એટલે ચોરી નો કોઈ અવકાશ નહી. વિદ્યાર્થીઓ પ્રાર્થના કરે કે ‘ભગવાન આજે પેલો -........ ના આવવો જોઈએ’ અલબત્ત દરેક શિક્ષક્ ને મળતું હોય છે એવું ઉપનામ જયશ્રી ના દાદા ને પણ મળેલું પણ ઘણું ખરું એ પરીક્ષા સમયેજ વપરાતું. કારણ કે તેઓ એક અદભુદ શિક્ષક હતા. ઇતિહાસ વગર ચોપડી ખોલે એવો ભણાવે કે દરેક બાળક વાર્તા રૂપે શીખેલ શીત યુદ્ધ હોય કે વિશ્વ યુદ્ધ પરીક્ષ માં એવું સરસ વર્ણવે કે પરીક્ષક ખુશ થઇ જાય.
ખુશ મિજાજ રહેતા દાદાજી એ પોતાનાં બાળકો માં પણ એ સંસ્કાર સિંચેલા કે તેમના પુત્ર-પુત્રી કે પૌત્ર-પૌત્રી ક્યારેય પરીક્ષા માં સહેજ પણ ચોરી કરવાની વાત ના વિચારે. સાચા શિક્ષક પોતાના ઘર માં સંસ્કાર આપવાનું ચુકે? જયશ્રી ભૂતકાળ ઘણીવાર યાદ કરી બેસતી. ઘણા નાણા-મોટા પ્રસંગો એ જયશ્રી ના દાદા ની છાપ કેવી સરસ હતી એ વાટ ની જયશ્રી ને પ્રતીતિ થતી. એકવાર તે ધોરણ પાંચમા ધોરણ માં હતી. પરીક્ષા ચાલી રહી હતી. એક બેંચ પર ત્રણ છોકરીઓ હોય પરીક્ષા માં. તેની બેંચ પર એક છોકરી ધારે બેઠેલી. જયશ્રી બીજી ધારે. વચે ની છોકરી વહેલું પેપર પૂરું કરી ને જતી રહેલી. હવે બન્ને ધાર પરની છોકરીઓ એક જ ધોરણ ની થઇ ગઈ. નિરિક્ષક બહેને બીજી છોકરી ને કહેલું ‘ધારે થી ખસ. જગ્યા તો છે. પડી ના જઉં’ પેલી છોકરી એ જવાબ આપેલો,’મેડમ અમે બન્ને પાંચમા વાળા છીએ.’ અને ....ના ધારેલો મેડમ નો જવાબ મને ખબર છે. પણ જયશ્રી ના કરે .... તેના પર વિશ્વાસ.’ મેડમ ના કહેવાનો મતલબ હતો કે જયશ્રી ચોરી ન કરે કે ન કરાવે. (એનાં દાદાની છાપ અહી બોલાવી રહી હતી આ શબ્દો) જયશ્રી વિચારી રહી. શું તેના દાદા ની છાપ એટલી જોરદાર હતી કે તેમની ત્રીજી પેઢી પર પણ તેમની સાથે નોકરી કરી ચુકેલાં મેડમ આટલો વિશ્વાસ કરે? આ છાપ તો જાળવવી જ રહી. અને હદ તો ત્યારે થઇ જયારે આ સંવાદ વખતે લાંબી માં રાઉન્ડ લઈ રહેલા કેળવણી મંડળ ના સેક્રેટરી એ સુર પુરાવ્યો! આખરે એ પણ દાદાજી ના તોફાની ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. આ છાપ જાળવવી જ રહી.
હોશિયાર જયશ્રી માટે પરીક્ષા માં ચોરી કરવા ની કોઈ જરૂર જ હતી. પણ દસમા ધોરણ ની બોર્ડ ની પરીક્ષા માં ના આવડતી વિગત પણ છોડી દઈ સંપૂર્ણ જાત મહેનત થી પરીક્ષા આપનાર વિદ્યાર્થીની જયશ્રી એકલી હતી. વ્યાકરણ વિભાગ ના જવાબ લખાવવા આવતાં શિક્ષક ના જવાબ કાને પડતાં પોતે કેટલા માર્ક નું ખોટું લખ્યું તે જયશ્રી સમજી જતી. પણ હોશિયાર વિદ્યાર્થી ને પાંચ-દસ માર્ક નો શોક શો? હા હરીફ બહેનપણીઓ ચોરી ના સહારે કદાચ પહેલો નંબર લઈ જશે તેવી બીક રહેતી.. પોતાના થી ઓછી આવડત વાળી છોકરીઓ ક્યારેક વધુ માર્ક્સ લાવતી જોઈ જયશ્રી ને ગુસ્સો આવતો – અલબત્ત પોતાની નીતિ પર નહી. ચોરી કરવા ની છૂટ આપતા શિક્ષકો પર. એ સમયે કેટલાંક સેન્ટર પર ખુબ ચોરી થતી. સી.સી.ટી.વી. વાળી સરકાર હજુ ભવિષ્ય ની વાત હતી. રંગે-ચંગે પરીક્ષા અને પરિણામ બધું ઉજવાતું ગયું આ જુના પ્રસંગો તો મન ના ખૂણે ક્યાંય દબાઈ જતા.
આઠ વર્ષ ની શિક્ષિકા ની નોકરી પછી પ્રાથમિક શાળા માં આચાર્ય ની ભરતી આવી. તેના માટે જરુરી પરીક્ષા આપી ને જયશ્રી નાનકડી શાળા નાં ‘મોટા બેન’ બની ગઈ. હવે દસમા ધોરણ માં હિન્દી વિષય ન હોય તો હિન્દી ની એક જરુરી પરીક્ષા આપવી અને પાસ કરવી અને એ પણ એક વર્ષ ની અંદર જરુરી હતું. એક સમય ની હોશિયાર વિદ્યાર્થીની હવે આચાર્યા હોવાની સાતે એક બાળક ની માતા અને એક ગ્રુહ લક્ષ્મી પણ હતી. હવે તેના માટે સમય કાઢી વાંચવું અઘરું હતું. છતાં વંચાય એટલું વાંચતી ગઈ હવે આ પરીક્ષાઓ માં તો મોટા ભાગના શિક્ષકો જોઈ જોઈ ને જ લખે છે. જયશ્રી ઘર માં અને સાથે કામ કરનારા ને કહેતી રહી કે બરાબર વાંચી શકાતું નથી. બધે થી એક જ વાત આવતી.. હવે આ પરીક્ષાઓ માટે તે કઈ વંચાતું હશે? બધાં ને કઈ ન કહી શકનાર જયશ્રી પતિ ને કહેતી,’મને જોઈ ને ..ચોરી કરી ને લખવા નું નહી ગમે એના કરતાં તો પરીક્ષા આવતી વખત આપીશ. પણ એક વર્ષ ની મર્યાદા હતી. જીવનમાં પહેલી વાર જયશ્રી પરીક્ષા સમયે પુરતી તૈયારી વગર જતી હતી. એના માટે આ અઘરુ હતુ.
અને અંતે પરીક્ષા આવી પહોચી. એજ શાળા ... એજ શિક્ષકો....જ્યાં જયશ્રી એ પંદર વર્ષ પહેલાં દસમા ધોરણ ની બોર્ડ ની પરીક્ષા આપેલી. એ જ ચીર-પરિચિત ચહેરા સુપરવિઝન કરતાં હતા. અને આ વખતે ચોરી કરનાર વિદ્યાર્થીઓ નહી શિક્ષકો હતા અલબત્ત આંશિક નહી સંપૂર્ણ નકલ થતી રહી. જયશ્રી રાત-દિવસ સમય ચોરી ને વાંચ્યું હતું એ આધારે પેપર લખતી રહી. ક્યાંક ૧૦-૧૫-૨૦ માર્ક નું છોડી ને પેપર પૂર્ણ કરતી રહી. સુપરવિઝન કરતાં શિક્ષકો એને નજીક આવી ને કહી જતા ... ‘એવું હોય તો જોઈ ને લખી લે..’
અને જયશ્રી નો જવાબ “સાહેબ,તમને ખબર નથી?”
સાહેબ : “ખબર છે ને તે તો બોર્ડ માં પણ ચોરી નથી કરી.”
જયશ્રી : ત્યારે તો નંબર લાવવા નો હતો આજે ક્યાં એવી હરીફાઈ છે?
તો પછી શું કામ? (મન માં મારા ઘર ના – દાદા ના સંસ્કાર છોડું?)
અને છેલ્લું પેપર પતાવી ગૌરવભેર બહાર નીકળી રહેલી જયશ્રી ને સમજાયું ....
“માં-બાપ કહી નહી જાતે વો યહી રહતે હૈ સદીઓ કે લીએ “