Dostini Dastan in Gujarati Classic Stories by Dhruvi Vaghani books and stories PDF | દોસ્તીની દાસ્તાન

Featured Books
Categories
Share

દોસ્તીની દાસ્તાન

રાત્રીનો એ એક ઘોર અંધકાર હતો. જે રાત્રીને ગાઢ બનાવતો હતો. દરિયાની સપાટી પર સડસડાટ વાતા વાયરાની જેમ, આ કળીયુગનો પ્રકોપ દિવસેને દિવસે વિરાટ સ્વરૂપ ધારણ કરી રહ્યો હતો. શિયાળાની કાતિલ ઠંડી રાત્રીને વધુ ને વધુ શીમણી બનાવી રહી હતી. હોસ્પિટલમાં એક ખૂણાના બાકડા પાસે બેઠેલી મારી મા, તેની સામેની દીવાલ પર લાગેલી એક જૂની-પૂરાણી ઘડિયાળની સામે જોઈ રહી હતી. જેમાં રાત્રના સવા ત્રણ વાગ્યા હતા. દેહની ઠંડી અને દિલના દર્દને એ છૂપાવી રહી હોય એવું લાગતું હતું. હું આ બધું મુગ્ધ થઈને જોઈ રહી. ભવિષ્યની ચિંતા અને વર્તમાનનો ખ્યાલ મારા મગજમાં દરિયાના વિશાળ મોજાની જેમ ઉછળતો હતો.

મારા પિતા હોસ્પિટલમાં તેના છેલ્લા શ્વાસ ગણી રહ્યા હતા. તે જીવન અને મૃત્યુની વચ્ચે ઝોલા ખાતા હતા. હોસ્પિટલ ની દિવાલોની ધડકન પણ હવે તેજ થવા લાગી હતી. પિતાની પાસે બેસીને હું, ભૂતકાળની એવી યાદોમાં જતી રહી કે પાછું આવવાનું મારું હૃદય ના પાડવા લાગ્યું હતું. ઘરની એક માત્ર દીકરી પોતાના પિતાની જિંદગી બચાવવા ઘર પણ નેવે મૂકી દીધું હતું. બધી જ માલ-મિલકત વેચી દીધી હતી. હવે, બાકી હતા તો માત્રને માત્ર હું અને મારી મા ! પણ, કોણ સાંભળે અમને ? આટલું બધું કર્યા છતાં પૈસા ખૂટતાંને ખૂટતાં જ હતા.

મારી માની આંખો રડી રડી ને હવે દાવાનળની અગ્નિ પેઠે લાલચોળ થઈ ગઈ હતી, ને મારું મગજ હવે મરવાના વિચારોમાં ડૂબવા લાગ્યું હતું. હજાર પ્રશ્નોનો ઢગલો હતો હવે મારી સમક્ષ !? શોધી ન શકી એક પણ પ્રશ્નનો જવાબ. શું કરું ? કોને કહું ? ક્યાં જાઉં ? પિતાની જિંદગી નું શું થશે હવે ? અને મારી મા ! તેનું શું ? આવા અનેકો વિચાર મને અને મારા મનને શૂળની જેમ વીંધતા હતા.

હવે તો હદ થઇ ગઈ હતી. કંઈ જ ન હતું. મારી પાસે, મારા પિતાની જિંદગી બચાવવા માટે...બસ!!! ભગવાન પાસે ભીખ માંગી-માંગી ને આશાઓ પણ નિરાશામાં ફેરવાઈ ગઈ હતી. મારા બધા જ પ્રયત્નો નિષ્ફળતા ને આંબી રહયા હતા. સફળતાનું સ્પંદન પણ પાછીપાની કરી રહ્યું હતું. મારું નસીબ પણ કામ નહોતું કરતું. હું જ્યાં બેઠી હતી, ત્યાં ચારેકોર અજવાળું જરૂર હતું પણ, મારા હૃદય અને મન પર એવો અંધકાર હતો કે, જે મારાથી દુર જવાનું નામ પણ નહોતો લેતો.

હું અને મારી મા અમે બંને જણા ચિંતાની આગમાં બળી રહયા હતાં. મારી મા તો જીદ પકડીને બેઠી હતી કે, “હું તારા પપ્પાને છોડીને ક્યાંય નહિ જાઉં,” મેં એને ઘણી સમજાવી કે “મમ્મી તું ઘરે ચાલ, ક્યાં સુધી આમને આમ બેસી રહીશ. તારી તબિયત પણ બગડશે. મેહરબાની કરીને તું થોડો આરામ કરી લે, હું છું ને પપ્પા પાસે રેહવા માટે.” પણ ના, એ તો માની જ નહિ. ચાર-ચાર દિવસથી એ ભૂખી અને તરસી હોસ્પિટલમાં જ બેસી રહી હતી. પણ એનાથી હવે મારા પિતાનો વિરહ સહન નહોતો થતો. પછી મેં પણ છોડી દીધું કહેવાનું, કારણ કે મને એમના પ્રેમની વચ્ચે આવવાનો કોઈ અધિકાર નહોતો. એટલે હું ઘર તરફ પગલા માંડવા મંડી.

રસ્તા પર ચાલતી હતી હું,પણ મારા મન અને હૃદય પપ્પા પાસે હતા. પપ્પાની જૂની યાદો મારા અંતર મનમાં ફરવા લાગી. જયારે પપ્પાએ મને આંગળી પકડીને સ્કૂલે લઇ જતા હતા... મારો સ્કૂલનો એ પહલો દિવસ,.. હું રડતી હતી અને એ મને પ્રેમથી સમજાવતા હતા. મને રોજે એક ચોક્લેટ આપતા હતા. અને એ જોઇને મારા મુખ પર જાણે અલૌકિક સ્વર્ગની પ્રાપ્તિ થઇ હોય તેવું સ્મિત ફેલાય જતું હતું. મને યાદ આવતો એ દરેક દિવસ,જયારે રોજ સવારે મારા માથા પર એમનો પ્રેમ ભર્યો હાથ ફરી વળતો હતો. અને એમનો વધારે પ્રેમ મેળવવાની લાલસાથી હું ઉઠતી જ નહોતી છતાં એમનો પ્રેમ મારી માટે ક્યારેય ઓછો થયો જ નહોતો.

મારી દરેક ભૂલો પર પડદો પાડતા અને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢતા. મારા પપ્પાની સ્મૃતિ અને એ બધી જ યાદો આજે મને એક ડર સાથે તોડી રહી હતી કે. ‘હવે શું કરીશ હું ? શું મને મારા પિતાનો એવો જ પ્રેમ ફરી પ્રાપ્ત થશે ?

મારા પપ્પા કેન્સર જેવી ભયાનક બીમારીથી પીડાઈ રહયા હતા. એ મારાથી જોવાતું નહોતું. કોણ જાણે મારી આંખો પણ આંસું સારવાથી ધરાતી જ નહોતી. અને ત્યાં જ મારા મોબાઈલની રીંગ રણકી...

ઊંડો શ્વાસ લઇ અજાણ્યા નંબરને મેં કાને રાખ્યો, સામેથી આવાજ સાંભળતા જ સાત વર્ષ પહેલાની એ જૂની યાદો તાજી થવા લાગી. નાનપણની સખી ઈશાનાનો ફોન હતો. અવાજ સંભાળતા જ બંને જણા નાનપણની સુનેરી યાદોમાં તરબોળ થવા લાગ્યા. બે ઘડી તો હું મારું દુઃખ વીસરી ગઈ. અરે...એ વાત ન ભૂલાય આ મગજની ડિસ્પ્લેમાં સંગ્રાહયેલા અનેક કિસ્સાઓ, બાળપણના ખિસ્સાઓમાંથી ઉછળી ઉછળીને બહાર નીકળતા હતા. એ નાનપણની નિખાલસતા, એ સ્કૂલનાં મસ્તીભર્યા દિવસો, અને કલાસરૂમની એ છેલ્લી પાટલીએ બેસી શાયરીઓ લખવાની મજા, વર્ષાઋતુનો આહલાદક વરસાદ, મનને મોહી લેતા એ મોરના ટહુકા અને દેડકાનો એ અવાજ, શું વાત કરું એ ? પાણીથી ભરેલા ખાબોચિયામાં છબછબીયા કરવાની મજા, અને રંગબેરંગી કાગળ માંથી હોડી બનાવી, બે ફુટના ખાડામાં જાણે તળાવ દેખાતું હોય તેમ તેને વહેતી મુકતા અને પેહલા કોની કિનારે જાય એ મીટ માંડીને જોઈ રહેતાં.

આજે બધું જ યાદ આવતું હતું, મને અને મારી સખીને; સાત-સાત વર્ષો બાદ આજે હું અને એ વાતો કરવાથી ધરાતા જ નહોતા. ઉનાળો જાણે સૂર્યના કિરણોને ખોબામાં ભરી ભરીને અમારા પર ફેંકતો ના હોય ! એવી ગરમી અમારાથી સહેવાતી નહોતી પણ રાહ જોવાતી હતી, ગુલ્ફીવાળાની લારીની, એની ઘંટડીનો અવાજ સાંભળતા જ ગરમી ગાયબ, અને ચંપલ પહેર્યા વગર જ દોટ મુકતા હતા. અને બંને ને ભાવતી ગુલ્ફી જો એક જ વધી હોય તો તેની માટે પણ ઝઘડતા ત્યારે કાં તો બે માંથી કોઈને મળે અને કાં તો અડધી અડધી ભાગમાં આવી જાય અને એ હાથમાં રેલાતા, મધથી પણ મીઠા રેલાને જીભની ટોચેથી ઢસડીને ચાટવાની મજા, આંગળીને પણ નહોતા છોડતા ! જાણે ગુલ્ફીથી ન્હાઈને ના આવ્યા હોય તેવું લાગતું. હું ને મારી સખી રાત્રીના એ અંધકારમાં, બારીમાંથી બહાર પોતાની આંખોને આકાશમાં ખરતા તારાઓમાં પોરવીને મનની મુરાતો માંગવાની, અને એકબીજા એ શું માંગીયું છે તે જાણવાની ઉત્સુકતા કોને ના હોય ?...

“રૂશીકા... રૂશીકા... ક્યાં ખોવાઈ ગઈ ? શું વિચારે છે તું ? તું પણ મારી જેમ એ જૂની યાદોમાં જતી રહી હતી ને ?” મેં પણ કહયું, “હા,” ઈશાના આજે બધું યાદ આવે છે. અને તું કહે આટલા વર્ષો બાદ મારી યાદ ? એની વાત સંભાળતા જ હું ખુશ થઇ ગઈ. તેને USAમાં જોબના વીઝા મળ્યા હતા. તે તેના પરિવારને ગરીબીમાંથી કાઢવા, અને પોતાના ભવિષ્યને એક નવો આકાર આપવા જીઈ રહી હતી, એ માટે તેને સ્કોલરશીપ મળી. અને એને મને આ શુભસમાચાર આપવા માટે ફોન કર્યો હતો.

હર્ષ અને આંસુ ભરી વાણી તરત જ મારા મુખમાંથી સરી પડી. ‘અભિનંદન અભિનંદન’...

હર્ષનો નહીં પણ મારી સખી એ આંસુંનો અવાજ સાંભળ્યો. હઠ પકડીને પૂછયું મને, શું થયું છે તને ? મારી વ્યથા સાંભળતા જ સમય થોભે તે પહેલા હોસ્પિટલમાં આવી પહોંચી.મારી મા ના હાથમાં સ્કોલરશિપનો ચેક મૂકયો, ને પોતાના સ્વપ્ન અને ભાવિની જાણે કુરબાની આપતી હોય તેમ તેને પૈસાને એક પળમાં છોડી દીધાં ! અને પારકાંને પણ પોતાના બનાવી જવાની કળાનું આલેખન કરતી હોય, તેમ મારી મા ને ક્હયું; “ આ પૈસા માત્ર રૂશીકાના ના પિતા માટે નથી, પણ મારા પિતા માટે છે.”

એ તો આટલું કહી ત્યાંથી ચાલી ગઈ. આમ જોઈએ તો મેં દોસ્તી કરી જાણી, જયારે એણે તો દોસ્તી નિભાવી જાણી. અને આજે પણ મારી માટે એની દોસ્તીની દાસ્તાન અમરતાની હારમાળામાં કંડારાય ગઈ હોય એવું લાગે છે મને.

­­­

“દોસ્તી દિમાગથી રચેલું શડ્યંત્ર નથી;

દોસ્તી તો દિલથી સર્જેલો દરિયો છે.”