No return - 2 part - 18 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ - ભાગ-૧૮

Featured Books
Categories
Share

નો રીટર્ન-૨ - ભાગ-૧૮

નો-રીટર્ન-૨

ભાગ-૧૮

( આગળ વાંચ્યુઃ - વિનીત ફોટાઓ જોઇને અચંભીત બની જાય છે..... ઇન્સ્પેકટર અને દિવાન સાહેબ એકાએક ક્લારાનાં દરવાજે પહોંચે છે ત્યારે ક્લારા થડકી ઉઠે છે અને તે અચાનક હરકતમાં આવી જાય છે.… હવે આગળ વાંચો...)

ક્લારાનાં મનમાં ખતરનાક વિચારો રમતા હતાં. ઇન્સ્પેકટરે અચાનક આવી ધમકી તેને ચોંકાવી નાંખી હતી. તે શાતીર ઔરત હતી. હવે આગળ કેવી પરિસ્થિતી સર્જાશે એની કલ્પના તે કરી શકતી હતી. નાનપણથી જે અનુભવો લઇને તે મોટી થઇ હતી એમાં તેને ઘણું શિખવા મળ્યું હતું એટલે જ અત્યારે તે કોઇ ચાન્સ લેવાનાં મૂડમાં નહોતી.

“ કોલ ધ એભલસીંહ... ” તેણે રોગનને કહયું હતું અને હવે પછી શું કરવાનું છે એ વિસ્તારથી તેને સમજાવ્યું હતું. રોગન અવિશ્વાસભરી નજરે ક્લારાનાં ચહેરાને તાકી રહયો. તે જે કહી રહી હતી એ ભયાનક હતું. હંમેશા મૌન રહેનારી ક્લારાનું દિમાગ બહું શાતિર વિચારી શકતું હતું એનો પરચો આજ પહેલા પણ બે- ત્રણ વખત તેને મળી ચૂકયો હતો પરંતુ અત્યારે જે કહી રહી હતી એનાથી તો સમગ્ર ઇન્દ્રગઢમાં ભૂચાલ સર્જાવાનો હતો. આ સળગતા અંગારા હાથમાં ઉઠાવવા જેવી વાત હતી...! પરંતુ.... એ જરૂરી પણ હતું. છેલ્લા પંદર- પંદર દિવસોથી તેઓ ઇન્દ્રગઢની ધૂળ ફાકી રહયાં હતાં છતાં તેમનાં હાથમાં કશું જ આવ્યું નહોતું. જે મકસદ લઇને તેઓ અહીં આવ્યા હતા તેમાં તસુભાર પણ પ્રગતી થઇ નહોતી. જો પ્રોફેસર થોમ્પસને તેમને શાંત રાખ્યા ન હોત તો કયારનાં તેઓએ અહીંથી ઉછાળા ભરી લીધા હોત અને બધું પડતું મુકીને તેઓ ફરીથી અમેરીકા ભેગા થઇ ગયા હોત...! પરંતુ.... થોમ્પસનને વિશ્વાસ હતો કે જે કંઇ પણ મળશે એ અહીં, ઇન્દ્રગઢમાંથી જ મળશે, અને એટલે જ તેઓ ખુદ પોતાની ધીરજની કસોટી લઇ રહયા હતાં. પરંતુ ક્લારાની ધીરજ એકાએક ખૂટી ગઇ. જો પેલો ઇન્સ્પેકટર ઘટનાનાં મૂળ સુધી પહોંચી ગયો તો તેમનાં માટે ઉપાધી સર્જાવાની હતી એ નિર્વિવાદીત હતું. એવું કંઇ થાય એ પહેલાં જ ક્લારા એક દાવ ખેલી લેવાં સજ્જ થઇ હતી.

રોગને એભલસીંહને ફોન લગાવ્યો. ફોનમાં જ તેણે એભલસીંહને શું કરવાનું છે એ સમજાવ્યું અને તુરંત કામે લાગી જવા કહયું.

“ તમે લોકો કરવા શું માંગો છો....? તમને ખબર છે આનું પરિણામ શું આવશે...? આખા સ્ટેટની પોલીસ મારી પાછળ લાગી જશે અને એ લોકો કોઇપણ ભોગે મને છોડશે નહીં.....” ફફડતા હદયે એભલ ફોનમાં બોલ્યો હતો. તેનાં જીગરમાં અજીબ થડકારા ઉદભવતા હતા. “ હું આટલું મોટુ પગલું નહી ભરું. હું તમને કયારેય મળ્યો નથી છતાં પૌસા ખાતર તમારું કામ હાથમાં લીધું કારણ કે એમાં કોઇ મોટું જોખમ ખેડવાનું નહોતું. માત્ર પેલી યુવતી ઉપર નજર રાખવાની આપણી “ડીલ” થઇ હતી.”

“ જોખમ વધ્યું છે તો રકમ પણ વધુ મળશે...! તે સ્વપ્નેય કયારેય ન વિચારી હોય એટલી મોટી રકમ.. તારી સત્તર પેઢી બેઠા- બેઠા ખાયને, તો પણ ન ખૂટે એટલી દોલત તને મળશે. એમ સમજ કે હવે તું અમારો ભાગીદાર બની ગયો છે. બહું વિચાર્યા વગર કામે લાગી જા. પોલીસ તારો કે અમારો વાળ પણ વાંકો નહી કરી શકે એની સંપૂર્ણ જવાબદારી તું મારા પર દે અને છોડી બેધડક કામ પતાવ. ”

એભલસીંહ ઘડીભર ફોન સામું તાકી રહયો. ફોનમાં બોલાતાં શબ્દો તેને સંભળાતા તો હતાં પરંતુ સમજાતા નહોતાં. તે હજુ પણ શબનમની ખોલીએ જ હતો. ગઇકાલે આખો દિવસ તેણે ચિક્કાર ઢીંચ્યું હતું જેની કમજોરી હજુંય આજે અનુભવાતી હતી. સતત એકધારી ઉલટીઓ કરી- કરીને તે બેવડ વળી ગયો હતો. તેનાં પેટનાં આંતરડા બળ કરીને સૂજી ગયા હોય એમ બંડ પોકારી ઉઠયા હતાં. શબનમ પણ ત્રાસી ઉઠી હતી. ઉલટીથી આખી ખોલી ગંધાઇ ઉઠી હતી અને એ ગંદકી સાફ કરતા તેને ખુદને પણ પેટમાં ચૂંથારો થવા માંડયો હતો છતાં, તેણે એભલને ખોલી છોડીને ચાલ્યા જવાનું કહયું નહોતું કારણકે એભલ અત્યારે જે કરી રહયો હતો, અને તેને જે “ માલીક ” નામનાં વ્યક્તિનાં ફોન આવતા હતાં તેમાં ચિક્કાર રૂપિયા દેખાતા હતાં. એ રૂપિયાથી તે પોતાની બદહાલ જીંદગી સુધારવાનાં સપનાં જોવા લાગી હતી. ઉપરાંત એભલસીંહ પ્રત્યે થોડો અનુરાગ પણ તેને જનમ્યો તો હતો જ.... અત્યારે તે ચૂલો પ્રગટાવી ચા બનાવી રહી હતા તેમ છતાં તેના કાન સતત એભલની વાતો તરફ ખેંચાવેલા હતાં. સામેથી ફોન ઉપર કહેવાતી વાતો તેને સંભળાતી નહોતી પરંતુ એભલસીંહનાં ચહેરા ઉપર ઉભરતા ભાવોથી તે ઘણુબધું તારવી શકતી હતી. પોલીસની વાત સાંભળીને સાડલાનાં છેડે હાથ લૂંછતી એભલનાં પલંગ પાસે આવીને તે ઉભી રહી. એભલે આંખ ઉઠાવીને તેની સામું જોયું અને ફરી ફોનમાં ગૂંથાયો.

“ ચોખવટથી કહો...! કેટલા રૂપીયા આપશો...?”

“ અઢળક...! ગણ્યા ગણાય નહીં એટલાં... ” સામેથી રોગન પણ ગાંજયો જાય તેમ નહોતો.

“ એ માટે આપણે રુબરું મળીને ડીલ નક્કી કરવી પડશે. આમ ફોન ઉપર કેવી રીતે તમારો વિશ્વાસ હું કરી શકું....!”

“ ચોક્કસ મળીશું.... પણ કામ થયાં પછી. તું બેધડક અમારી ઉપર વિશ્વાસ કરી શકે છે. હું તને પાર્ટનરશિપની ઓફર આપું છું પછી બીજું શું જોઇએ તને.. ”

“ પણ... ” એભલ મૂંઝાતો હતો. ખરેખર તેની જાડી બુધ્ધીમાં કંઇ ઉતરતું નહોતું.

“ હવે પણ- બણ છોડ... અને અત્યારે જ કામે લાગ. લક્ષ્મિ ચાંદલો કરવા આવતી હોય ત્યારે મોંઢુ ધોવા જાય એને મુરખ કહેવાય. અને તું સારી રાતે જાણે છે કે આપણા ધંધામાં આપણી જબાન જ ગેરેન્ટી હોય છે. હું તને જબાન આપું છું પછી તારે કોઇ ફીકર કરવાની જરૂર નથી... ”

અને.... એભલસીંહ એ એક વાક્ય ઉપર તૈયાર થઇ ગયો. તેનાં જેવા ગુનેગારો માટે પરસ્પરનાં વિશ્વાસથી વધું મોટું કોઇ લખાણ હોતું નથી. તેનાં ધંધામાં “ જબાન ” ની કિંમત “ જાન ” કરતા પણ વધુ હોય છે એ તે સારી રીતે સમજતો હતો. ફોન મુકતા આંખ ઉઠાવીને તેણે શબનમનાં ભર્યા-ભર્યા ચહેરાં સામું જોયું. શબનમની ઘેરા કાજળ આંજેલી સૂસ્ત આંખોમાં પ્રશ્નો રમતા હતાં. એભલે તેને પાસે બેસાડી અને ફોનમાં થયેલી તમામ વાતો કહી સંભળાવી. શબનમે જ તેને આ મામલામં ઉંડો ઉતરવા ઉકસાવ્યો હતો એટલે તેને સાથે રાખવી જરૂરી હતી.

“ ઓહ મારા રાજ્જા...! ” કહીને તે એભલને વળગી પડી. એભલની વાતોથી તેની છાતીનાં પોલાણમાં અત્યારથી પતંગીયા ઉડવા માંડયા હતાં. તે એક બાજારું ઔરત હતી. ચંદ રૂપીયાની નોટો ફેંકીને કોઇપણ રખડું વ્યક્તિ તેનાં શરીરનો માલીક બની જતો. મજબૂરી વશ તે એ કામ કરતી પણ ખરી, છતાં... એક સુંદર જીવન જીવવાનાં અભરખા તેની આંખોમાં ઉછરતાં. એભલની કહાનીમાં અત્યારે તેને એ સપના પુરા થતાં મહેસૂસ થયા હતાં અને એટલે જ તે આનંદનાં અતીરેકથી એભલને મુશ્કેટાટ વળગી પડી હતી.

***

દુરથી અનેરીને આવતી જોઇ વિનીત એકાએક તેની જગ્યાએથી ઉભો થઇ ગયો. અનેરીને જોઇને તેનું દિલ ધડકવાનું ભુલી જતું. તેનો કોઇ ઇલાજ તેની પાસે નહોતો. બસ... એક આશા હતી કે કયારેક તો અનેરી તેનાં સ્નેહનો પડઘો પાડશે. એ આશાએ જ તે અહી બસ- સ્ટેન્ડ સુધી ખેંચાઇ આવ્યો હતો. કોઇપણ બહાને, કોઇપણ ભોગે તે અનેરીનું સાંનિધ્ય પામવા માંગતો હતો. જો કે... તે નહોતો જાણતો કે તેની આ ઘેલછા તેને ભયાવહ અંધકારની ગર્તામાં ધકેલી દેવાની હતી.

“ આ બધું શું છે અનેરી....?” જેવી એ તેની નજીક આવી કે તરત તે ઉકળી પડયો.

“ શેના વિશે પુછે છે....? ફોટોગ્રાફ્સ વિશે....? ” અનેરીએ પુંછયું. તેણે આજે જંપર પહેર્યું હતું. બ્લ્યૂ ડેનીમનાં શોર્ટ જમ્પરમાં કોઇ નાનકડી છોકરી જેવી તે દેખાતી હતી. તેનાં ખૂલ્લા લીસ્સા પગની બેહદ સુંવાળી ત્વચા ઉપર સૂર્યનો સીધો તડકો પથરાતો હતો જેમાં તેનાં પગ હતાં એ કરતા વધું ઉજળા લાગતાં હતાં. વિનીત અનેરીનાં લાંબા પગને જોઇ રહયો. અનેરી પ્રમાણમાં ઠીક- ઠીક કહી શકાય એટલી ઉંચી હતી. કદાચ પાંચ ફૂટ છ ઇંચની હાઇટ હશે. તેની ઉંચાઇનાં પ્રમાણમાં તેનાં પગ વધુ લાંબા હતાં. વિનીતને એકાએક અનેરીનાં સુંવાળા પગ ઉપર હાથ ફેરવવાનું મન થયું. એ પગને ચૂમવાનું મન થયું. અને... પછી પોતાનાં જ એ બાલીશ વિચાર ઉપર તે હસી પડયો. અનેરીને સમજાયું નહી કે વિનીત એકાએક હસવા શું કામ લાગ્યો હશે.

“ મેં તને કંઇક પુંછયું અને તું જવાબ આપવાના બદલે હસે છે...? ”

“ ઓહ સોરી...! અંમમ્....હાં. હું ફોટાઓ વીશે જ પુંછતો હતો...”

“ એ બહું લાંબી કહાની છે. નિરાંતે કહીશ તને...! તું લાવ્યો છે ને ફોટો ગ્રાફ્સ...? ”

વિનીતે થેલામાંથી કવર કાઢીને અનેરી તરફ લંબાવ્યું. “ ઓહ માય ગોડ...” કવર જોઇને અનેરાનાં ગળામાંથી હરખભર્યા શબ્દો સર્યા. જાણે તેને વિશ્વાસ થતો ન હોય એમ હાથ લંબાવીને કવર લીધું અને ઝડપથી તેમાંથી ફોટાઓ બહાર કાઢી જોવા લાગી. તેનાં હાથમાં ઝડપથી એક પછી એક ફોટોઓ ફરતાં રહયાં અને “ ઓહ ગોડ... હે ભગવાન... માય ગોડ....” જેવા ઉદ્દગારો સતત નીકળતા રહયા. “ થેંક્યુ... થેંકયું... વિનીત...! ” ફોટઓ જોવાઇ ગયાં હતાં અને તેને કવરમાં પાછા મુકતાં તે બોલા ઉઠી. “ જો તું ન હોત તો આજે હું જેનાં માટે આટલું ભટકી રહી છું એ કાર્ય સંપૂર્ણ ન થાત.... થેંક્યુ.. ” તે બોલી અને વિનીતની નજીક જઇ ઉત્સાહનાં અતીરેકથી તેને ભેટી પડી. વિનીત આશ્ચર્યમુઢ બનીને સ્થિર ઉભો રહી ગયો. અનેરીનાં શરીરની ગરમીથી તે પીઘળવા લાગ્યો હતો. અનેરીનાં ટૂંકા સિલ્કી વાળની મદહોશ કરતી ખુશ્બુ કયાંય સુધી તેને રંજાડતી રહી. અને પછી તે અળગી થઇ....” યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ....” ઉત્સાહભર્યા અવાજે તે સતત બોલતી જ જતી હતી. વિનીત કોઇ બાધા વ્યક્તિની જેમ તેને જોઇ જ રહયો હતો.

“ અરે પણ તું મને જોઇને હસ્યો શું કામ હતો....?” એકાએક અનેરીને યાદ આવ્યું એટલે ફરી વખત પ્રશ્ન દોહરાવ્યો.

“ જવા દે એ વાત...! તને નહીં સમજાય...! ”

“ નહીં સમજાય, મતલબ....? ”

“ મતલબ કે, જો તું પુરુષ હોત તો એ વાત સમજવી ઘણી સરળ હોત...”

“ અચ્છા....! ” અનેરીએ આશ્ચર્ય મઢયો ઉદ્દગાર કાઢયો. “ એવું તે શું છે જે હું એક સ્ત્રી થઇને સમજી ન શકું અને કોઇ પુરુષને તરત સમજાઇ જાય...? ” તેને જાણવાની જીજ્ઞાસા થઇ. વિનીત એકાએક સતર્ક થયો. હવે એ કઇ રીતે કહે કે તેને અનેરીનાં પગની સ્નિગ્ધ ત્વચા ઉપર હાથ ફેરવવાનો ઉન્માદ જનમ્યો હતો.

“ તું ખોટું ન લગાવે તો કહું....! ” દુનિયાભરની હિંમત એકઠી કરી ગળા નીચે થૂંક ઉતારતા તે બોલ્યો.

“ નહી લગાવું. બોલ...! ”

“ તારા સુંવાળા પગ ઉપર હાથ ફેરવવાનું મન થયું હતું.... ” ધડકતા હદયે આખરે તેણે બોલી જ નાખ્યું.

અનેરી બે-ઘડી તેને તાકી રહી.

“ ઓહ...! બસ એટલી જ વાત. આટલું કહેવા માટે તે કેટલું બધું વિચાર્યું. તું બે- ધડક બોલી શકયો હોત. ” અનેરીએ ખભા ઉલાળ્યા.

“ મતલબ કે.... મતલબ કે...! જો મેં એવુ કર્યુ હોત તો તે કોઇ વાંધો ઉઠાવ્યો ન હોત...? તને બિલકુલ ખોટું ન લાગત...? ” હતપ્રદ બની જતાં તેણે પુંછયું. અનેરીનાં શબ્દો તેનાં જીગરમાં ઉલ્કાપાત મચાવી રહયા હતાં.

“ અરે બાબા...! જો મને કોઇ વ્યક્તિ ગમતી હોય તો હું પણ કયારેક તેનાં વિશે આવું વિચારી શકું. એ થવું સ્વાભાવિક છે, ઉંમરનો તકાજો અને ગમતી વ્યક્તિનું સાંનિધ્ય પામવાનું મન બધાને થતું હોય એમાં ખોટું શું છે...? જો એવું ન થાય તો ખોટુ થયું કહેવાય...” અનેરી ખરેખર આજે કંઇક અલગ મૂડમાં બોલ્યે જતી હતી. અને વિનીત...! તે અનેરીનું નવીનરૂપ નિરખી રહયો હતો.

“ મતલબ કે...!”

“ અરે, હવે મતલબ... બતલબ છોડ. ચાલ કેન્ટીનમાં જઇને કોફી પીએ...!” તેણે વિનીતનો હાથ પકડયો અને લગભગ ખેંચતી હોય એમ તે કેન્ટીનની દિશામાં આગળ વધી. વિનીત જબરજસ્ત તાજ્જુબી અનુભવતો તેની પાછળ ખેંચાયો.

***

રાજન ગુમ હતો. એકાએક તે કયાંક ચાલ્યો ગયો હતો, અથવા તેને ગુમ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં નર્સ દવા આપવા જ્યારે તેનાં પલંગ સુધી આવી ત્યારે પલંગ ખાલી હતો. ઘડીક તો નર્સને લાગ્યું કે તે બાથરૂમ ગયો હશે. સવારે પોલીસવાળા તેની પુછપરછ કરીને ગયાં ત્યારે તે સ્વસ્થ હતો એટલે નર્સને એ ધારણા બાંધવામાં વધુ વિચારવું પડયું નહોતું. પરંતુ જ્યારે અડધો કલાક વીતવા છતાં રાજન કયાંય દેખાયો નહી ત્યારે તેણે પોતાનાં ઉપરી ડોકટરને જાણ કરી હતી. ઉપરી ડોકટર તાબડતોડ દોડી આવ્યા હતા અને તેમણે આખી હોસ્પિટલ માથે લીધી હતી કારણકે ગુમ થનાર પેશન્ટ કોઇ સામાન્ય વ્યક્તિ નહોતી. તે ઇન્દ્રગઢ રાજ્યનાં દિવાનનો પુત્ર હતો. તેનું આમ અચાનક ગાયબ થઇ જવું એ કોઇ ગંભિર વારદાત તરફ ઇશારો કરી રહયું હતું. એક વિચાર એવો પણ ઉદ્દભવ્યો હતો કે શું રાજન પોતાની મેળે ઘરે ચાલ્યો ગયો હશે...! ડોકટરે કનૈયાલાલને ફોન કરી એ બાબતની પૃચ્છા કરી જોઇ. કનૈયાલાલે ઘરે તપાસ કરાવી પરંતુ રાજન ત્યાં પણ નહોતો.

“ હે ભગવાન...! મારા પુત્ર સાથે આ બધું શું થવા બેઠું છે...?” રઘવાટ ભર્યા હ્દયે કનૈયાલાલ સરકારી હોસ્પિટલે પહોંચ્યાં ત્યાં સુધી રાજનનો કોઇ પત્તો મળ્યો નહોતો.

( ક્રમશઃ)

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.

આપને નો-રીટર્ન-૨ કેવી લાગી એ પ્રતીભાવ ૯૦૯૯૨૭૮૨૭૮ પર લેખકને વોટ્સએપ કરી શકો છો. અથવા તેમની સાથે ફેસબુક પેજ Praveen Pithadiya સાથે જોડાઇ શકો છો.

ધન્યવાદ.

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નસીબ.

અંજામ.

નગર.

આંધી.

પણ વાંચજો.