"આકરો નિર્ણય"
ભાગ: 3
(પાછળનાં ભાગમાં આપણે જોયું કે કેવી રીતે ધનંજય શેઠે પોતાનાં ડ્રીમ પ્રોજેક્ટ સમા ચેન્નઈ પ્લાન્ટની રૂપરેખા મિટિંગમાં ઉપસ્થિત સૌને જણાવી અને એ દિશામાં આગળ વધવાની સૌને સુચના આપી).
ચેન્નઈ પ્લાન્ટનો પ્રોજેક્ટ સ્ટેજ હવે પુર્ણ થઈ ગયો અને પ્લાન્ટ હવે રનિંગ સ્ટેજમાં આવી રહ્યો હતો. ધનંજય શેઠની ધારણા મુજબ આ પ્લાન્ટ કંપનીના અન્ય ત્રણેય પ્લાન્ટની સરખામણીમાં વધારે પ્રોડક્શન ક્ષમતા ધરાવતો હતો. સાથે સાથે માર્કેટિંગ વિભાગની મહેનત પણ રંગ લાવી રહી હતી. ચેન્નઈમાં હવે ધીરે ધીરે કંપનીની સારી શાખ ઊભી થઈ રહી હતી અને કંપની નવા નવા ઓર્ડર મેળવવામાં સફળ બની હતી.
પરંતુ, ચેન્નઈ પ્લાન્ટ શરું થયાં એનાં એકાદ વર્ષ જેટલાં ઓછા સમયમાં જ માર્કેટમાંથી કંપનીનાં પ્રોડક્ટ વિશે ગ્રાહકોની ફરિયાદો આવવાની શરું થઈ ગઈ. મુખ્યત્વે ફરિયાદોમાં હલકી ગુણવત્તા એ પ્રાથમિક બાબત જણાતી હતી. હર હંમેશની જેમ માર્કેટમાંથી આવતી ફરિયાદો વિશે જયંત શેઠ ખુદ જ બાજ નજર રાખતાં અને ફરિયાદ બાબતે ઝીણવટભરી તપાસ કરાવતાં.
"મી.શર્મા, આપ ચેન્નઈ પ્લાન્ટનાં હેડ છો. આપને માલુમ જ છે કે હમણાં માર્કેટમાંથી આપણી કંપનીની પ્રોડક્ટ વિશે ઘણી ફરિયાદો મળી છે. તપાસ કરતાં આ પ્રોડક્ટ ચેન્નઈ પ્લાન્ટમાં બની છે એવું એ પ્રોડક્ટ પરનાં બેચ નંબર પરથી જાણવાં મળ્યું. અને બીજી વાત એ કે આ મહિનામાં આ ચોથી-પાંચમી વખત બન્યું છે. તો આ બાબતમાં આપ શું કહેશો?" ધનંજય શેઠે પોતાની ચેન્નઈ પ્લાન્ટની મુલાકાતમાં પ્લાન્ટનાં તમામ વિભાગનાં હેડ સમક્ષ મિટિંગમાં આ પ્રશ્ન મી.શર્માને પૂછયો.
"સર, મારા મતે આપણાં આ પ્લાન્ટમાં ટ્રેઇન્ડ મેનપાવર ન હોવાથી આવી ફરિયાદ આવેલ છે. હવે ધીમે ધીમે આપણો મેનપાવર ટ્રેઈન થતો જાય છે અને આપણે એમને વધારાની ટ્રેનિંગ આપવાનું પણ આયોજન કરીશું".વગેરે જેવી મીઠી-મીઠી વાતોથી મી.શર્માએ આ ગંભીર પ્રશ્નને હળવાશથી લઇને હાલ પુરતો ટાળી દીધો.
"મી.શર્મા, આપ અને આપની ભુજની ટીમ પર મને પુર્ણ ભરોસો છે જ. તમારી વાત યોગ્ય છે, અહિંયા ચેન્નઈમાં આપણને ટ્રેઇન્ડ મેનપાવર ડેવલપ કરવો જ પડશે. આ કરવામાં આપને મેનેજમેન્ટ તરફથી જે સહકાર જોઈએ તે મળશે. તો હવે આ ટ્રેનિંગની સઘળી જવાબદારી મી.શર્મા અને એમની ટીમ પર છે". ધનંજય શેઠ આટલું કહીને જાણે મી.શર્માને ક્લીનચીટ આપતાં હોય તેવું ત્યાં હાજર રહેલ જયંત શેઠને લાગી રહ્યું હતું.
આ તરફ મી.શર્મા અને ભુજ ટીમનાં સભ્યો જેવાં કે રવિ આહીર, જીતેન્દ્ર, મોહિત, રમેશ પટેલ વગેરેને જાણે પ્લાન્ટમાં કૌભાંડ કરવાનો છુટ્ટો દોર મળી ગયો હોય તેમ એક પછી એક નવાં નવાં કારસ્તાન કરવાં લાગ્યાં.
આ તરફ માત્ર એક જ મહિનામાં માર્કેટમાંથી કંપનીની પ્રોડક્ટ વિશે આટલી ફરિયાદોને લઇને જયંત શેઠ ખૂબ જ ચિંતિત અને નારાજ પણ હતાં. તેમની ચિંતાનું મૂળ કારણ ધનંજય શેઠનો હદથી વધારે શર્મા જેવાં લોકો પરનો વિશ્વાસ હતું.
હવે જયંત શેઠ ચેન્નઈ થી મુંબઈ કોર્પોરેટ ઓફીસ જવા માટે નીકળ્યાં. મુંબઈ ઓફીસ પહોંચ્યાંનાં બીજા જ દિવસે એવું બન્યું કે જે કંપની માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાં જઇ રહ્યું છે.
"મે આઈ કમ ઈન સર ?" આઈ.ટી.વિભાગનાં હેડ મી.શેખરે જયંત શેઠની કેબીન પાસે જઇને પુછ્યું.
"યસ, કમ ઈન. આવો મી.શેખર. આજે આપ રસ્તો તો નથી ભૂલ્યા ને ?" જયંત શેઠે હળવી મજાકનાં સ્વરમાં મી.શેખરને પુછ્યું.
"સર, એક બાબત વિશે મને થોડું જાણવાં મળ્યું છે, અને મને લાગે છે કે મારે આપને એ બાબત વિશે માહિતગાર કરવાં જોઈએ". મી.શેખર બોલ્યાં
"ઓકે, બોલો મી.શેખર. આપને એવી શું બાબત જાણવાં મળી છે જે આપ મને જણાવવા માંગો છો?" જયંત શેઠે પુછ્યું.
"સર, છેલ્લાં કેટલાંક સમયથી આપણાં ચેન્નઈ પ્લાન્ટના પ્લાન્ટ હેડ મી.શર્માના ઈમેઈલ એકાઉન્ટમાં આપણી હરિફ કંપનીઓના ઈમેઈલની આપ-લે જોવા મળી રહી છે. કંપનીની પોલિસી પ્રમાણે મેં આ ઈમેઈલ ટ્રેસ કર્યા અને જે માહિતી મળી એ ખુબ જ ચોંકાવનારી છે" મી.શેખર જયંત શેઠને રિપોર્ટ પેપર રજુ કરતાં આટલું બોલ્યાં.
"શેખર, આ કઈ રીતે શકય છે? આઈ મીન મી.શર્મા જો આવી કોઇ પ્રવૃત્તિ કરતાં હોય તો પણ આપણી કંપનીનાં ઈમેલથી કરે?આ બાબત થોડી ખૂંચે છે" જયંત શેઠે પુછ્યું.
"સર, આપ જાણો છો કે પ્રોડક્શન વિશેનો તમામ સિક્રેટ ડેટા આપણી કંપનીનાં સર્વરમાં સાચવેલ હોય છે.અને મી.શર્માએ આ જ સર્વરમાંથી આ ડેટા પોતે ઉપયોગ કરી રહેલાં કંપનીનાં કોમ્પ્યુટરમાં કોપી કરીને પેન ડ્રાઇવથી લેવાનો પ્રયાસ કર્યો હશે, પરંતું આપણી પોલિસી મુજબ પેન ડ્રાઇવ બ્લોક હોવાને લીધે આખરે તેમણે પોતાનાં કંપનીનાં ઈમેઈલ આઈડીથી નહીં પરંતું અંગત ઈમેઈલ આઈડીથી આ ડેટા આપણી હરિફ કંપનીને મોકલેલ છે. મી. શર્મા એ વાત થી અજાણ છે કે કંપનીનાં ઈન્ટરનેટ નેટવર્કમાંથી આવતાં અને બહાર જતાં દરેક ઈમેલ પર આઈ. ટી. વિભાગની નજર હોય જ છે. અને આખરમાં સર, આપણાં ભુજ પ્લાન્ટમાં આઈ.ટી.માં કામ કરતાં મી.સાગરે પણ મને આજ માહિતી જણાવી હતી. મી. શર્મા ભુજ પ્લાન્ટમાં પણ આવાં જ ધંધા કરી રહ્યા હતાં. મેં સાગરને મી.શર્મા વિરૂદ્ધ આઈ.ટી.ને લગતાં પુરાવા એકઠા કરવાનું કહ્યું હતું. પણ.." આટલું કહીને મી.શેખર રોકાયા.
"પણ શું શેખર? મને આખી વાત જણાવો" જયંત શેઠે પુછ્યું.
"પણ સર, સાગર મી.શર્મા વિરૂદ્ધ કાંઇ પણ માહિતી એકઠી કરે તે પહેલાં, યેનકેન પ્રકારે સાગરને ત્રાસ આપીને નોકરી છોડવા માટે મજબુર કરવામાં આવ્યો, સાગરે આ વાત ધનંજય શેઠને પણ જણાવવાનો પ્રયત્ન કર્યો પણ તે ન માન્યા અને આ આખી વાત પર પડદો પડી રહ્યો" શેખરએ વાત પુર્ણ કરી.
રિપોર્ટ જોતાંની સાથે જ બે ઘડી તો જયંત શેઠ સ્તબ્ધ થઈ ગયા. પછી પાણીનો ગ્લાસ પી ને જયંત શેઠ સ્વસ્થ થયાં.
"હે ભગવાન, આ તો આપણાં પ્રોડક્ટના માળખાને લગતી સિક્રેટ વિગતો છે. આ વિગતમાં આપણાં પ્રોડક્ટમાં કયું રો-મટીરીયલ કેટલાં પ્રમાણમાં ઉમેરવાનું હોય છે તેની તમામ વિગતો છે" જયંત શેઠ ગંભીરતાથી બોલ્યાં.
"હાં સર, અને આ માહિતી ચેન્નઈ પ્લાન્ટના હેડ મી.શર્મા આપણી હરિફ કંપનીઓને પહોંચાડે છે તેનાં પુરાવા આપની સમક્ષ રજુ કરું છું. હું જાણું છું કે કોઇપણ સંજોગમાં ધનંજય શેઠ મારી આ બાબતોનો વિશ્વાસ નહીં કરે. આથી, હું આપની સમક્ષ આ બધી બાબતો મુકી રહ્યો છું. આ મારું કર્તવ્ય પણ છે અને મારા કામનો એક ભાગ પણ છે" મી. શેખર બોલ્યાં.
"ઓકે, વેલડન મી.શેખર. હું જરુર આ બાબતે યોગ્ય પગલાં લઈશ. તમારો ખૂબ ખૂબ આભાર આ માહિતી મારા સુધી પહોંચાડવા માટે" આટલું બોલીને જયંત શેઠે મી.શેખરનો આભાર વ્યકત કર્યો.
આ બધું જોઈને જયંત શેઠના મનમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું હતું.
ચાલીસ વર્ષ પહેલાં પોતાની તનતોડ મહેનતથી આ કંપનીનો પાયો નાંખનાર જયંત શેઠ, કોઇપણ ભોગે મી.શર્મા જેવાં કોંભાંડી તત્વોને લીધે કંપનીને નુકશાન થવાં દેવા ન્હોતા માંગતા. હવે જયંત શેઠને ભુજ પ્લાન્ટ બંધ કરાવવામાં મી.શર્મા અને અન્ય લોકોની સંડોવણીની કડીઓ મળવા લાગી.
મી.શેખરએ આપેલ તમામ માહિતીઓ વિશે હવે માત્ર ત્રણ જ વ્યક્તિઓ જાણતી હતી, જેમાં મી.શેખર, જયંત શેઠ અને એમનો પી.એ. મી.પ્રસાદ. આ માહિતીઓ વિશે જયંત શેઠે કોઈને પણ જાણ ન્હોતી કરી, ધનંજય શેઠને પણ નહીં.
જયંત શેઠે મનોમન આ પરિસ્થિતિને પહોંચી વળવાનો નિર્ધાર કરી લીધો હતો અને હવે તે બઘી જ બાબતોના મૂળ સુધી જઇ અને જાતે જ અંગત રસ લઇને પોતાની કંપનીની શાખ બચાવવાનો વિચાર કરી લીધો.
જયંત શેઠે પોતાનાં પી.એ. મી. પ્રસાદને ચેન્નઈ પ્લાન્ટમાં જઇ, પંદર દિવસ ચેન્નઈ પ્લાન્ટમાં જ રોકાઈ અને પ્લાન્ટમાં ચાલતી ભેદી બાબતો વિશે માહિતી ભેગી કરવા સુચના આપી.
"સર, જો હું ચેન્નઈ પ્લાન્ટમાં પંદર દિવસની મુલાકાતે રહીશ તો જે કોઇ પણ પ્લાન્ટમાં ચાલતાં ગોરખધંધામાં શામિલ હશે તે સાવધાન થઈ જશે". મી.પ્રસાદે શાંતિથી જયંત શેઠને આ પ્રશ્ર્ન પૂછયો.
"મી.પ્રસાદ, તમારી ચેન્નઈ પ્લાન્ટની મુલાકાતનો મુખ્ય એજન્ડા જ આપણે એવો જાહેર કરીશું કે તમારી મુલાકાતનો હેતુ ગુપ્ત રહેશે". જયંત શેઠ બોલ્યાં.
"સર, એવો શું એજન્ડા આપે નક્કી કર્યો છે?". મી.પ્રસાદએ પુછ્યું.
"સી, મી. પ્રસાદ, આપણે એવી જાહેરાત કરવાની છે કે આપણી કંપનીને એક બહું મોટો આંતર રાષ્ટ્રીય ઓર્ડર મળવાનો છે, જેનાં માટે આપણે આંતર રાષ્ટ્રીય કક્ષાનાં સર્ટીફિકેશનની જરૂરિયાત રહેશે. આ સર્ટીફિકેશનની મદદથી આપણી પ્રોડક્ટ આંતર રાષ્ટ્રીય સ્તરે સારી એવી માન્યતા મેળવશે અને આંતર રાષ્ટ્રીય બજારમાં વહેંચવું સરળ બનશે. આ આંતર રાષ્ટ્રીય સર્ટીફિકેશન આપણને બે મહિના પછી મળશે. આથી સર્ટીફિકેશન માટે ડેલિગેશન પ્લાન્ટની મુલાકાત લે તે પહેલાં આપણે આપણી ખામીઓ દુર કરી શકીએ એટલાં પુરતી આ ફોર્મલ મુલાકાત છે. બસ, તમારાં ચેન્નઈ પ્લાન્ટનો એજન્ડા આપણે આ જ નક્કી રાખીશું". જયંત શેઠે મી.પ્રસાદને આ વાત જણાવી.
નક્કી કરેલ તારીખ પર મી.પ્રસાદ ચેન્નઈ પ્લાન્ટ પર પહોંચ્યા અને પોતાની રહેવાની વ્યવસ્થા બહાર હોટલમાં ન રાખતાં પ્લાન્ટમાં આવેલ ગેસ્ટ હાઉસમાં જ રાખી, જેથી કરીને ચોવીસે કલાક પ્લાન્ટમાં ચાલતી ગતિવિધિઓ પર દેખરેખ રાખી શકાય.
આ તરફ મી.પ્રસાદનો ચેન્નઈ પ્લાન્ટની મુલાકાતનાં સાચા હેતુથી સૌ કોઇ અજાણ હતાં અને અમુક તત્વોએ થોડા ઘણાં અંશે પોતાની ગેરપ્રવુતિઓ ચાલું જ રાખી હતી.
ક્રમશ:
-લેખક: સાગર બી.ઓઝા