Monica - 4 in Gujarati Fiction Stories by Mital Thakkar books and stories PDF | મોનિકા ૪

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

મોનિકા ૪

મોનિકા

મિતલ ઠક્કર

પ્રકરણ-૪

મોનિકા ટીવી સિરિયલ જોઇ રહી હતી ત્યારે રેવાન પોતાનું કોલેજનું લખવાનું કામ કરી રહ્યો હતો. મોનિકા થાકી હતી પણ આ સિરિયલ તે લગ્નની દોડધામમાં એક અઠવાડિયાથી જોઇ શકી ન હતી. વાર્તામાં આગળ શું થયું હતું તે જાણવાની તેને તાલાવેલી હતી. તેણે વિચાર્યું કે સિરિયલ જોઇને બેડરૂમમાં જઇ કપડાં બદલી સૂઇ જશે. સિરિયલ જોતી વખતે તેને ઝોકાં આવવા લાગ્યા હતા. એટલે તે આડી પડી હતી. પણ સિરિયલ એટલી રહસ્યમય હતી કે તેને છોડી શકી નહીં. તેને સિરિયલની સાથે સાથે રેવાનના પણ વિચાર આવતા હતા. રેવાન તેની સાથે વધુ પડતો હળીભળી રહ્યો હતો. લગ્નના ત્રણ જ દિવસમાં જાણે વર્ષોથી કોઇ ઓળખતું હોય એટલી સહજ રીતે વર્તી રહ્યો હતો. કેટલીક વખત તેનો સહજ સ્પર્શ રોમાંચ સાથે ડર જગાવી જતો હતો. મોનિકાને રેવાનની નિયત પર કોઇ શંકા ન હતી. પણ કોઇ વખત તેની વાતમાં કોઇક બીજો જ ઇશારો પોતાને કેમ લાગતો હતો એ સમજાતું ન હતું. પોતે વધારે પડતું વિચારતી હોય એમ પણ લાગતું હતું. રેવાનનો સ્વભાવ જ મસ્તીખોર હતો કે પછી...?

ટીવી જોતાં અને રેવાનની વાતો વિચારતાં આંખો ક્યારે મળી ગઇ તેનો મોનિકાને ખ્યાલ જ ના રહ્યો.

અચાનક મોં પર કંઇક પડ્યું હોય એવું લાગતાં તે ચમકીને બેઠી થઇ ગઇ. તરત જ સાડીનો પાલવ છાતી પર ઢાંકી દીધો અને ઉપર ચઢી ગયેલી સાડી અને ચણિયો નીચે ઉતારી દીધા. તે શરમથી લાલ થઇ ગઇ.

સામે જ ઊભો રેવાન જોરજોરથી હસી રહ્યો હતો:"કેવા ડરી ગયા! હા… હા… હા..."

મોનિકાનો ચહેરો પાણીવાળો હતો. તેણે જોયું તો રેવાનના હાથમાં છોડને છાંટવાના પાણીનો નાનકડો ફુવારો હતો. તેનાથી તેણે મોનિકાના ચહેરા પર પાણીની પીચકારી મારી હતી. મોનિકાએ સાડીના પાલવથી મોં લૂછ્યું અને ગભરાયેલા સ્વરે પૂછ્યું:"આ શું છે દિયરજી?"

રેવાન માંડ માંડ હસવું ખાળી બોલ્યો:"મજા આવીને ભાભી! મારી પીચકારી કેવી હતી? ઊંઘ ઉડાડી દીધીને તમારી?"

"હા... પણ હું ક્યારે ઊંઘી ગઇ?" મોનિકાને પોતે ક્યારે ઊંઘી ગઇ તેનો ખ્યાલ જ રહ્યો ન હતો.

"હું લખતો હતો ત્યારે મારી નજર પડી તો તમારી આંખ બંધ હતી. મને એમ કે તમે આંખો બંધ કરીને સિરિયલના સંવાદ સાંભળી રહ્યા છો. પણ પછી નજીક આવી જોયું તો તમારા નસકોરાં ધીમેથી બોલી રહ્યા હતા. પહેલાં તો થયું કે હલબલાવીને ઊઠાડું પણ પછી થોડી મસ્તી કરવાનું મન થયું એટલે પાણી છાંટ્યું. પણ સોરી હોં તમારી ઊંઘ બગાડી. તમે હવે ઉપર જઇ સૂઇ જાવ. મારે તો જાગવું પડશે. ઘણું લખવાનું બાકી છે. હું તો કદાચ અહીં જ લંબાવી દઇશ." રેવાને મોનિકાને કહ્યું અને પછી ગંભીર થઇ પોતાના ચોપડા લઇ સોફામાં ગોઠવાયો. પછી "ગુડનાઇટ" કહી લખવા લાગ્યો.

મોનિકા કંઇક વિચારતી દાદર ચઢવા લાગી.

બેડરૂમ બંધ કરી તે કપડાં બદલવા લાગી. અને રેવાને પોતાના શરીરનો કેટલોક ખુલ્લો રહી ગયેલો ભાગ જોઇ લીધો હશે? એમ વિચારી શરમ અનુભવવા લાગી. પછી ઝટપટ નાઇટડ્રેસ પહેરી ઊંઘી ગઇ.

ગઇકાલની ઘટનાના આંચકામાંથી મોનિકા હજુ બહાર આવી ન હતી. તેને રેવાનનું વર્તન સમજાતું ન હતું. કાલે તેણે પોતાને પાણી છાંટીને જગાડી એ પહેલાં શરીર પર સ્પર્શ કર્યો હશે? એ પણ યુવાન છે. આ સ્થિતિમાં ભાભીને જોઇને તેનું મન ચલિત થયું હશે? તે રસોડામાં વિચારતી હતી ત્યાં જ રેવાન આવી પહોંચ્યો.

"સ્વીટ મોર્નિંગ ભાભીજી!" રેવાને આજે સવારની શુભકામના સાથે બે હાથ જોડી નમસ્કારની મુદ્રા કરી. મોનિકાને થયું કે કાલની પેલી બાબત માટે તે માફી તો માંગી રહ્યો નથી ને? વધારે વિચાર્યા વગર તેણે પણ ઉષ્માભર્યો આવકાર આપ્યો:"આવો દેવરજી! ક્યા હાલ હૈ!"

"હાલ તો ફિલહાલ અચ્છા હૈ! આજનો શું કાર્યક્રમ છે? મારે કોલેજમાં રજા છે. ક્યાંક બહાર જવું છે?"

મોનિકા ગૂંચવાઇ. તેને યુવાન દિયર સાથે એકલા બહાર જવાનું યોગ્ય લાગતું ન હતું. અને રેવાન થોડો મજાકીયો હતો એટલે તેને સમજવાનું પણ મુશ્કેલ બની રહ્યું હતું.

"આજે તો ઘરનું થોડું કામ પતાવવું છે. ઘરમાં કોઇ સ્ત્રી ના હોય એટલે બધું આમતેમ પડ્યું રહે, સફાઇ ના થાય, કેટલાક જરૂરી કામો પણ ના થયા હોય એટલે મારે બધું સરખું કરવું છે."

"તમે તો આખા ઘરની સિકલ બદલી નાખશો." મોનિકાના કામોની યાદી સાંભળી રેવાને કહ્યું.

"હા, ઘરમાં બીજી વહુ આવે એ પહેલાં વ્યવસ્થિત કરી દેવું છે." મોનિકાએ જાણીજોઇને રેવાનના લગ્નની વાત છેડી દીધી.

"ભાભી! તમને આ બંદાની સ્વતંત્રતા ગમતી નથી? હજુ ભણી તો લેવા દો. પ્રેમના પાઠ આવડતા હોવાથી ભણવાના પાઠ આવડી જતા નથી. મારે કોઇ જલદી નથી." રેવાને જવાબ આપી દીધો.

"તમે પણ મોડું કરશો તો તમને પણ તમારા ભાઇની જેમ જલદી છોકરી મળશે નહીં." મોનિકાએ અવિનાશે લગ્ન મોટી ઉંમરે કર્યા એ યાદ અપાવ્યું.

"ના મળે તો પણ વાંધો નથી. તમે આવી ગયાં એટલે ઘણું છે." રેવાને કહ્યું.

મોનિકા ચમકી ગઇ. તેણે વાતને આગળ વધારી :"પણ કોઇક તો એવી છોકરી કોલેજમાં હશે જ કે જેને જોઇને દિલ ધકધક કરવા લાગતું હશે!"

"દિલ તો અભી બચ્ચા હૈ જી! અભી તો ધડકના શીખા હૈ! દિલને યુવાન તો થવા તો!" રેવાનનો જવાબ સાંભળી મોનિકા વધારે ગૂંચવાઇ. તેને થયું કે રેવાન સાથે દલીલમાં જીતવું મુશ્કેલ છે. એટલે વાત બદલીને બોલી:"જુઓને પપ્પા જાગી ગયા હોય તો હું ચા ગરમ કરીને લાવું."

રેવાન પપ્પાને બોલાવવા ગયો.

બળવંતભાઇએ ચા પીધી અને કહ્યું:"વહુ બેટા, આજે જમવાનું થોડું વહેલું બનાવજો. મારે બપોરે અમારા સીનીયર સીટીઝનના એક કાર્યક્રમમાં જવાનું છે. આવતા સાંજ પડી જશે."

"સાંજે શું બનાવું પપ્પા?" મોનિકાએ તેમને પૂછી લીધું.

"હવે મને પૂછવાનું નહીં. રેવાનને પૂછી લેવાનું. માના ગયા પછી એની પસંદનું એને ખાવા મળ્યું જ નથી. પેલી બાઇ રોજ ભાખરી- શાક અને ખીચડી જ ખવડાવતી હતી." બળવંતભાઇએ રેવાન પર વાત નાખી દીધી. અને પોતાના રૂમમાં જતા રહ્યા.

મોનિકાએ રેવાનને પૂછ્યું: "બોલો દિયરજી, આજની ફરમાઇશ શું છે?"

રેવાન કહે:"ભાભી, તમે જે બનાવશો એ ખાઇ લઇશ. તમારા હાથની મીઠાશ એમાં ભળી જ જાય છે."

"તો પછી બટાકાવડા બનાવવાની છું એ ગળ્યાં થઇ જશે!" કહી મોનિકા હસી પડી. અને રસોઇની તૈયારી કરવા લાગી.

રેવાનને થયું કે મોનિકાભાભી આવ્યા પછી ઘરમાં માહોલ બદલાઇ ગયો છે. ઘર જીવંત બની ગયું છે. એમની સાથે વાત કરવાની મજા આવે છે. જાણે કોઇ સખીમિત્ર સાથે વાત કરી રહ્યો હોઉં એવું લાગે છે. તેમના હાથમાં જ નહીં દિલમાં પણ મારા માટે લાગણી વર્તાય છે.

***

અવિનાશ દુબઇ આવ્યા પછી સતત એક અઠવાડિયાથી દોડધામમાં હતો. તેણે ઘણા લોકોને મળવાનું હતું. દુબઇમાં ચાલતા પ્રોજેક્ટનું અવલોકન કરી તેનો રીપોર્ટ કરવાનો હતો. એક અઠવાડિયાની કામગીરીથી તેના બોસ ખુશ હતા. અવિનાશને ખબર પડી હતી કે તે લગ્ન પછી તરત તેમના આદેશથી વિદેશ આવ્યો એ વાતથી બોસ ખાસ્સા પ્રભાવિત હતા. અહીં આવીને તેણે મોટાભાગનું કામ ઝડપથી પતાવી દીધું હતું. તે ભારતની ઓફિસમાં રીપોર્ટ કરતો રહેતો હતો. હવે અહીંના એક મેનેજરને મળીને થોડું કામ પતાવવાનું બાકી હતું. અવિનાશને જ્યારે ખબર પડી કે એ મેનેજર બીજા દેશમાં કોઇ કામથી ઉપડી ગયા છે ત્યારે તે નિરાશ થયો. તેણે હવે બીજા દસ દિવસ રોકાવું પડે એમ હતું. તેણે બીજું કામ હાથ પર લઇ લીધું હતું. ફોન પર તે મોનિકાને જલદી પાછો ફરશે એમ કહેતો હતો. તે વ્યસ્તતાને કારણે વધારે સમય વાત કરી શકતો ન હતો. પણ તેને મોનિકાની અને પપ્પાની વાતો પરથી ખ્યાલ આવી ગયો કે રેવાનને લીધે સમય પસાર થઇ જતો હતો. મોનિકાની નારાજગી દૂર થઇ રહી હોવાનું લાગતું હતું. હવે તે બહુ ફરિયાદ કરતી ન હતી. અવિનાશે મોનિકા અને રેવાન માટે ખરીદી કરી લીધી હતી. પપ્પા માટે ખાસ લેવા જેવું કંઇ લાગ્યું ન હતું. પણ તે યાદગીરી માટે કશુંક મળી જાય એમ વિચારતો હતો.

અવિનાશ એકલો પડ્યો ત્યારે વિચારતો હતો કે મોનિકા સાથે આવી હોત તો મજા આવી જાત. દુબઇ આમ તો એક બિઝનેસ સેન્ટર છે. પણ ફરવાવાળા માટે તો એક સુંદર ટ્રાવેલ ડેસ્ટીનેશન છે. તે કેટલાક સ્થળો પર જઇ આવ્યો પણ વધારે રોકાઇ શક્યો નહીં. તેને મોનિકાની યાદ સતાવવા લાગી.

બે દિવસ પછી કંપનીની ઓફિસમાં ભારતનો એક પરિચિત કર્મચારી રાજન મળી ગયો.

"અરે અવિનાશ! તું ક્યારે આવ્યો?" રાજન તેને જોઇ ખુશ થઇ ગયો.

"ઘણા દિવસથી આવ્યો છું. હવે જવાની તૈયારી કરું છું." અવિનાશે તેને કહ્યું.

તે બેચલર જ હતો. તેની સાથે અવિનાશને સારું ફાવી ગયું.

બંને સાંજે નવરા પડ્યા એટલે દરિયાકિનારે ફરવા ગયા. રાજને જાણ્યું કે અવિનાશે લગ્ન કરી લીધા ત્યારે તે ખુશ થઇ ગયો. "વાહ યાર! અભિનંદન! હું તો હજુ કુંવારો જ છું. પણ એકદમ કુંવારો નથી." રાજનનો ઇશારો અવિનાશ સમજી ગયો. રાજન અહીં કોઇ સ્ત્રી પાસે જતો હતો. તેણે અવિનાશને પણ મજા કરવાની ઓફર કરી. અવિનાશ જાણતો હતો કે રાજન બેશરમ છે. તેને પીવાનું વ્યસન છે. અત્યારે તેણે વધારે પી લીધું હતું. પીધા પછી તેને કોઇ વાતનું ભાન રહેતું ન હતું. એટલે તેણે રાજનને ના પાડી દીધી. ત્યારે તેણે કહ્યું:"અરે યાર! નવીનવેલી પત્નીને મૂકીને તું તો આવી ગયો. એકલો શું કરીશ? ચાલ, આજની રાતનું તારું ક્યાંક ગોઠવી આપું. તું પણ યાદ કરશે..."

પણ અવિનાશે ઇન્કાર કરી દીધો.

રાજને જ્યારે જાણ્યું કે અવિનાશે હજુ સુહાગરાત પણ મનાવી નથી ત્યારે તે હસવા લાગ્યો. અને મજાકમાં બોલ્યો:"જોજે તારું આ કામ ક્યાંક તારો નાનો ભાઇ ના પૂરું કરી દે… હા.… હા....."

"જબાન સંભાળીને બોલ રાજન." અવિનાશ ખિજવાઇ ગયો. અને તેનાથી દૂર જતો રહ્યો.

પણ લથડતી ચાલે રાજન તેની પાસે આવ્યો અને બોલ્યો:"સોરી દોસ્ત, પણ તારે ભાભીને એકલી મૂકીને આવવાનું ન હતું. આજના જુવાનીયાઓનો કોઇ ભરોસો નહીં. હું જેની પાસે જઉં છું એ… ભાભી જ છે… હા...હા..."

રાજનની વાતથી અવિનાશ ચોંકી ગયો: "એ બધું દુબઇમાં ચાલે. અમારા સંસ્કાર મજબૂત છે. હું કેટલીયવાર દુબઇ આવ્યો છું. તારી જેમ દારૂ પીતો નથી કે સ્ત્રીઓ શોધતો નથી."

"પણ તારા ભાઇને તો ઘરમાં જ સ્ત્રી મળી ગઇ ને!" રાજન કહી રહ્યો હતો.

"તારી બકવાસ બંધ કર રાજન. નશામાં તું શું બોલે છે એનું તને ભાન નથી. મારે તારી કોઇ વાત સાંભળવી નથી." કહી અવિનાશ જવા લાગ્યો.

ત્યારે લથડતા રાજને તેનો શર્ટ પાછળથી પકડીને અટકાવ્યો અને કહ્યું:"સાંભળવું ના હોય તો કંઇ નહીં જો તો ખરો. લે..." કહી એના મોબાઇલમાં યુટ્યુબ ખોલી શબ્દો ટાઇપ કરવા લાગ્યો. અવિનાશે જોયું તો તેણે "દિયર-ભાભી" લખ્યું હતું. અને ઘણા બધા દિયર-ભાભીના રોમાન્સના વિડિયો આવી ગયા હતા. રાજને એક વિડિયો ચાલુ કર્યો. તેમાં ભાભી તેના દિયર પાસે સામે ચાલીને જતી હતી. બીજો વિડિયો જોયો તો એમાં દિયર તેની ભાભી સાથે કઢંગી હાલતમાં હતો. ભાભી પણ બિંદાસ મજા કરાવતી હતી. એ જોઇ અવિનાશનું મગજ બહેર મારી રહ્યું હતું.

"જો, તું જો...આમાં રોમાન્સ સિવાય કંઇ આવે છે? હેં? એકલા દિયર- ભાભી ક્યાંય ભજન કરતા ક્યાંય દેખાય છે? હેં?" રાજન જાણે પોતાની વાત સાબિત કરી રહ્યો હતો.

અવિનાશે ગુસ્સામાં વીડિયો બંધ કરી તેનો ફોન તેના ખિસ્સામાં જબરદસ્તી ખોસ્યો અને તેના હાથમાંથી બોટલ લઇ ગટગટાવી ગયો. મોનિકાને જોઇને આવ્યા પછી રેવાને કહ્યું હતું કે તેણે મોનિકાની ભાભી તરીકે કલ્પના કરી નથી. એક છોકરી તરીકે જ જોઇ છે. તેને રેવાન અને મોનિકાની મજાક-મસ્તી અને વાતચીત યાદ આવવા લાગી. પોતે દુબઇ જાય એમાં રેવાને ખુશી વ્યક્ત કરી હતી. બધી વાતો એવો ઇશારો કરતી હતી કે રેવાનને.....

અવિનાશ લાંબુ વિચારતાં અટકી ગયો. તે નશાની હાલતમાં હોટેલ પર પહોંચ્યા પછી પણ રેવાન અને મોનિકાના સંબંધ વિશે જ વિચારતો રહ્યો. વિચિત્ર કલ્પનાઓ કરતો રહ્યો. તેને દિયર-ભાભીના જોયેલા વિડિયોમાં રેવાન અને મોનિકાના ચહેરા દેખાવા લાગ્યા.....

વધુ હવે પછી...