ગોપુ પુરાણ
અધ્યાય 1
એ ક્યાંથી આવ્યુ ને કઇ રીતે આવ્યુ એની કોઇ ચોક્કસ માહિતી મારી પાસે નથી તો કોઇને શું કહું??પણ એને મા/હૂંફની જરુર હતી એટલે આપણે દોઢ ડાહ્યા કૂદી પડ્યા.એમ પણ વેચાતી વ્હોરવાની થોડી કુટેવ ખરી.
આવ્યુ એની ખુશી તો હતી જ પણ આ કેસમાં હું શું ધોળકુ ધોળીશ એનું ટેન્શન ય માથાફાડ હતું.કારણ મારા જૂના અનુભવ જળચર,સ્થળચર ને ગગનગામીઓને લગતા.આજે જ એને જોયું તો થોડું ક્યુટ ભોપું લાગ્યુ એટલે નામ રાખ્યુ એનું ગોપુ.પેપરબોક્સની એક દિવાલ પર લપાઇને બેઠેલું બાળ રોબીન.મને મળીને એને કેવું લાગ્યુ એ એનો વિષય બાકી હું તો હરખઘેલી થઇ ગઇ.એની પાસે કોઇ વાત ન હતી ને મારી વાતો એ નહિ સમજે એની ખાત્રી હોવાથી મેં એને પાણીમાં ફોગાયેલા પક્ષીદાણા ખવડાવવા માંડ્યા.કોઇના દિલ સુધી પહોંચવાનો રસ્તો વાયા પેટથી પસાર થાય છે એવું કંઇ હું બચુડી હતી ત્યારે બાપુજીએ કહ્યું હતું.
ગોપુ તો મારા જેવી બિલકુલ અજાણી આઇટમના હાથેય બટક-બટક ખાવા માંડ્યુ એટલે આપણા પર તો એની પહેલી જ મુલાકાતમાં જોરદાર હકારાત્મક છાપ પડી.પહેલા દિવસે તો એને ઝાઝુ છંછેડ્યા વગર નિયત સમયે ખવડાવતા રહેવાનુ જ મુનાસીબ માન્યું.એ ય બીજી બબાલમાં પડ્યા વિના ખાતું ને પોઢી જતું.
બીજા દિવસે એ મને થોડું ઓળખતું થયુ હોય એવો મને ભાસ થયો કારણ કે આજે બોક્સની દિવાલને લપાતુ ન હતું.બાળક શાંતિથી ખાય-પીવે ને ઘોરે એ એક મા ને મન સ્વર્ગીય સુખ હોય. અને ગોપુ તો મજાથી છી-છી ય કરી લેતું એટલે મારી અંદરનો વૈઘ પોરસાતો કે all is well.
અધ્યાય 2
પછીના દિવસે બપોરથી ગોપુને પેપરબોક્સમાંથી બહાર કાઢ્યુ ને ભૂમિસ્પર્શસુખ પણ આપ્યું. એને ડગુમગુ ચાલતુ,લપસતુ- સંતુલન રાખતુ જોવાની મજા પડી.થોડીવાર જાગતુ ને પલકવારમાં ઝોકા ખાવા માંડતું.એ ખરેખર ઝોકા ખાતુ કે મારો ભ્રમ હતો એ તો રામ જાણે.
ત્રીજા દિવસની સવારથી એના રંગ-ઢંગ બદલાયા. Pet carrierમાંથી ઠેકીને બહાર આવવા લાગ્યુ ને થોડો ઉડવાનો પ્રયત્ન પણ કરવા લાગ્યુ. ત્રીજા દિવસની સાંજથી તો ગોપુમાં ગજબ પરિવર્તન આવ્યું. મારું બેટુ દાદાગીરી પર ઉતરી આવ્યું છે.હવે એને pet carrier માં ગોઠતુ નથી. અંદર મૂકી સિમ-સિમ બંધ થાય એટલે કકળાટ શરુ ને "ખુલ જા સિમ-સિમ" થાય એટલે બંદા રંગમાં આવે. હું નજીક જઉં એટલે મોં પહોળું કરે એ જોઈ મને મારા માતૃત્વનો ગર્વ થવા માંડે. પતિ પરમેશ્વરને હસતાં હસતાં કહ્યું "કેવું મા ને ઓળખે છે જોયું???" તો એ બોલ્યા તને નહિ તારા હાથમાંના ચીપિયાને ઓળખે છે.ગર્વના ફુલેલા ફુગ્ગામાં ટાંકણી મારી પતિદેવે.
અધ્યાય. 3
આમ તો હું "વસુધૈવ કુટુમ્બકમ્"ની ભાવનામાં માનનારી પણ મારું ઓન પેપર ફેમિલી "ઈચન-મીન ને તીન". આજ સાંજથી ગોપુ અમારા ત્રણે જણની આંખમાં આંખ પરોવે છે. આસપાસના વાતાવરણ ને વસ્તુઓની પંચાત કરે છે.મારી અને મારી ચાંપલી ચંપા પર તો ગોપુએ ભૂરકી નાખી હોય એમ અમને મોહિની લગાડી છે. રાત્રે ચાલતાં-રમતાં ગોપુએ પહેલી ઉડાન ભરી. આશરે 1 થી 1.5 ફીટ ઊંચી. હું તો કિચનમાં એને કંપની આપવા થોડું ઉડી પણ ખરી હાથને પાંખો બનાવી. મારી કાન્તા ને ગોપુ ખાવા બાબતે બિલકુલ નાટકિયા નથી એ મારું લાખ,રુપિયાનું સુખ.
અધ્યાય. 4
મારી અને સાસુમાની ઘરમાં ધાક "આરડીએક્સ" જેવી એટલે અમને ઓફિસ માટે મોડુ કરાવવાની ઘરના કોઇ સદસ્યની હિંમત ના ચાલે પણ નાદાન ગોપુ એ કામ બિન્દાસ કરે છે, થાય એ ભડાકા કરો. બંધન એને ગમતુ નથી ને ઘરમાં અત્ર-તત્ર-સર્વત્ર રખડ્યા કરે છે આજ કાલ મારું વ્હાલીડુ. સવારથી રસોડામાં મારી આગળ-પાછળ ફરતું હતું. હું હબી સાથે કોફી પીવા બેઠી. મેં કોફીઘૂંટ ભર્યો ને કૂકરની સીટી વાગી. ગોપુ બંને પગ એક સાથે ઊંચા કરી કૂદવા માંડ્યુ. મારા મોંમાંથી હાસ્યફુવારો છૂટ્યો.સીધો કોફીનો ફુવારો વરજીના થોબડા પર????. સવારના પ્હોરમાં પ્રભુ પર કોફીનો અભિષેક. આજથી ગોપુ મહાશયે પીંછા પર ચાંચ ફેરવવાનું ચાલુ કર્યુ છે. લગભગ 360 ડિગ્રી ચાંચ ઘૂમાવી બે ય બાજુ તેમજ ઉપર નીચે બધે ચાંચ ફેરવી નાખે .કોઇ કોઇ વાર ચાંચ રફ સરફેસ પર ઘસે પણ છે. માનવબાળઉછેર ન હતો આવડતો એ મારી દીકરીએ શીખવ્યો. આજ કાલ પંખીપાલનના પાઠ ભણી રહી છું.
અધ્યાય. 5
હું કે મારી રાધા હાથમાં ફોરસેપ પકડીએ એ જોઇ ગોપુ દોડતું,કૂદતું, લપસતું અમારી તરફ ધસી આવે ને મોંની બખોલ ધરી દે છે. આજે મારી સાથે સીએચસી લઇ ગઇ. એને ટેબલ પર મૂકી હું કામે વળગી. બેનસાહેબે થોડી જ વારમાં ટેબલ પર ટટ્ટીની રંગોળી સજાવી દીધી. સવારે-સાંજે સ્ફૂર્તિલું ગોપુ બપોરે લહેર-પાણી ને ભજીયાના મૂડમાં આવી કુંભકર્ણ બની જાય છે. વગર ઘોડે ઘોડા વેચી ઘોરી પડે છે. વચ્ચે ક્ષણભર જાગી પેટપૂજા કરી લે છે.સાંજે એને બાહ્ય વાતાવરણનો પરિચય કરાવ્યો. આંગણામાં છૂટુ મૂક્યુ તો ડરના માર્યા ઘડી ઘડી મારા પગે ચોંટતુ. હું જે દિશામાં જઉં એ બાજુ દોડી પગે વળગતુ. નાના છોડવા, માટીના લટકતા દીવડા ને કપડાના તારે ઝૂલાવ્યુ. એમ કરતા એની બીક ઓછી થતાં થોડુ સહજ થયું. છતાંય લટકતી-ઝૂલતી વસ્તુ પર અસુરક્ષિત લાગે છે મારી ગોપુડીને. એની પીપૂડી વાગી જાય છે. આકાશમાં ઉડતા બીજા પક્ષીઓના અવાજ સાંભળી ઉપર જોતુ હોય એવું મને લાગ્યુ. મેં આંખોની ભાષામાં એને કહ્યું કે એ આકાશ જ તારી નિયતિ છે, બસ થોડુ ખમૈયા કર.
અધ્યાય. 6
અમુક માણસોની ટેવ ગણો કે કુટેવ........સહેજ નવરા પડે એટલે નાક ખોતરે. પ્રેમી-પ્રેયસી વચ્ચે ય ના હોય એટલું અગમ્ય આકર્ષણ એ લોકોની આંગળીને નાક તરફ હોય. ગોપુશંકરની કંઇક એવી દશા છે હમણાંથી. જરા નવરાશ મળી કે પીંછા ચાંચ વડે ખોતરવા લાગે. વળી ચાંચ મારા હાથ અને કપડાં પર ઘસે છે. ધીરે-ધીરે "ટીપીકલ રોબીનવાલા સ્વેગ" દેખાવા લાગ્યા છે એનામાં. આખો દિ' પૂંછડી મટકાવ્યા કરે છે મારી લટકાળી ગોપલી. ત્રાંસી આંખે જોવું, ગરદન ડાબી કે જમણી બાજુ ઝૂકાવી એક આંખે મને તાકે છે. આજે તો તદ્દન નવીન ચાલનું પ્રદર્શન કર્યુ. હાઇ હીલ સેન્ડલવાલા સ્વેગ. એક પાંખને ફેલાવી કોઇ ફેશનમોડલના ઝૂલતા ગાઉન જેવો લુક બનાવી પગ એ રીતે ઊંચા રાખી ચાલ્યુ કે જાણે હાઇ હીલ સેન્ડલ પહેર્યા હોય. આ બધું ખરેખર થતું હોય છે કે મારી આંખો કે હ્રદયની ભ્રમણાઓ છે એ તો કોઇ પક્ષીવિદ જાણે પરંતુ આવુ સુંદર છળ પેદા કરવા માટે ગોપિકાનો હ્રદય-ફેફસાં-મગજ-મૂત્રપિંડ બધાથી આભાર.
અધ્યાય. 7
ગોપુના પગ તળે કાયમ આ સ્થિર જમીન નહિ હોય. કાલે એણે પવનના ઇશારે નાચતી ડાળીઓ, વાડના વેલાઓ, માનવસર્જિત ઇલેકટ્રીક કેબલના જાળાઓ પર સંતુલન સાધવાનુ આવશે. એ બધા અભ્યાસાર્થે આજે એના માટે નકામી બંગડીઓ, ધાતુના તાર ને મોતી ભેગા કરી આવડ્યો એવો ઝૂલો બનાવ્યો. પવનદૂતને ઝૂલતા તો શીખવું જ રહ્યું. શરુઆતમાં એને કંઇ જામ્યુ નહિ એટલે કૂદીને નીચે આવી જતુ. ટ્રેનીંગના ભાગરુપે એને થોડું હેરાન પણ કરવુ પડ્યુ. પછી ગોપુને સમજાઈ ગયુ કે આ જિદ્દી, જંગલી માવડી નહિ માને. બિચારુ બચ્ચુ હથિયાર હેઠા મૂકી ઝૂલા પર લટકતુ લટકતુ ઊંઘી ગયુ.
અધ્યાય. 8
સવારે હું ગોપુને આંગણામાં લઇ જવાનું ટાળુ છું . પણ આજે કુદરતની કરામતના અદ્દભૂત નજારાનું નેત્રસુખ હતું કે શું????કે પ્રકૃતિએ મને પ્રેરિત કરી કદાચ. સમયની ગુલામી ભૂલી હું ગોપીકુમારીને લઇ પરસાળમાં બેઠી. ઠંડો પવન, કબૂતરોનું ઘૂઘૂઘૂ...,ચકલીઓનું ચીંચીંચીં.....,કાબરોના કલબલાટ, કાગડાઓનું કા..કા....કા..... ને ગોપુની બાળસહજ ચેષ્ટાઓ. હું તો સમાધિમાં સરી પડી. અચાનક રુપલીએ ધ્યાન દોર્યુ કે જો મા!!!ધાબાની પાળીએ નર રોબીન બેઠું. ક્યારે પુખ્ત રોબીને ગોપુને જોયુ ને શું નક્કી કર્યુ કંઇ ખબર ના પડી. થોડીવારે એ ગોપુની વધુ નજીક આવ્યુ. નર રોબીન શું કરશે એ હું જોવા માંગતી હતી પણ ડરી ગયેલી મારી દીકરીએ એને ઉડાડી દીધુ. નવા પક્ષીને જોઇ કે અન્ય કારણસર ગોપુ સરકીને મારા પગમાં આવી ગયુ. નર રોબીન ગાયબ. હજુ બીજુ કંઇ સમજુ કે વિચારુ એ પૂર્વે રોબીન ફરી ઉડીને આવ્યુ. આ વખતે એની ચાંચમાં જીવડાં લઈને આવતું દેખાયુ. એ નજીક આવ્યુ પણ ગોપુને મારા પગ પાસે જોઈ પાછું વળી ગયુ. આ બધુ માનવતર્કના સિલેબસ બહારનું હતુ એટલે "નો ટિપ્પણી".
ઘરમાં ભોંયતળિયે ફરતી નાની અમથી કીડીની પાછળ થોડા ડગલાં ભરતુ દેખાય ગોપુ. પેટપૂજા વખતે એકાદ વાર આક્રમક સુધ્ધા થઇ ગયુ. ડબરાના ઢાંકણામાં પડેલા ફોગાયેલા દાણા જાતે ખાવાનો પ્રયત્ન પણ કર્યો. અત્યાર સુધી કૃત્રિમ આહાર ટકેલા ગોપુએ જીવનમાં પ્રથમ વાર કુદરતી આહારનો આસ્વાદ માણ્યો.તમરા જેવું મોટું જંતુ એની મા ની ગોપલી એક ઝાટકે ગળાની ગુફામાં ગુમ કરી ગઈ ને ઓડકાર ય ના લીધો. મારી તો આંખો જ ફાટી ગઈ.મને લાગે છે કે વાઘ લોહી ચાખી ગયો છે તો હવે મારે(જીવડાંના) બંદોબસ્તમાં રહેવું પડશે.
અધ્યાય. 9
બાઘુ ને ભોપુ દેખાતુ ગોપુ સમય જતાં પરાક્રમસિંહ બનવા લાગ્યુ છે.બાસ્કેટમાં જવાનું થાય ત્યારે ઘર માથે લે છે.વેકેશન પછી સરકારી કાર્યક્રમોની સિઝન પૂરબહારમાં ખીલી. હું એક સરકારી કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી ગાંગલી ગોપલીને ચટ્ટાપટ્ટાવાળા પાસે મૂકી.એણે બાસ્કેટબંધ રાખી બિચારી બકુડીને.ગોપુએ ઘણા ઉધામા કર્યા. પણ મારી ગેરહાજરીમાં એને બહાર રાખવુ જોખમી હોવાથી એની સલામતીને મહત્વ આપ્યુ. હું ગોપુને લેવા આવી ત્યારે ફરિયાદ કરતું લાગ્યુ. મને ય અપરાધભાવ થયો. બીજી જગ્યાએ ઝડપથી પહોંચવાનું હોઇ ગોપુને સાથળ પર બેસાડી ડ્રાઈવીંગ શરુ કર્યુ. તોફાની બારકસ ઉડીને ડેશબોર્ડ પર ને ત્યાંથી છૂ. મારો તો જીવ તાળવે ચોંટી ગયો. જે તે સ્થળે જવાનુ મોડુ થતુ હતુ અને ગોપુડીએ કાંડ કરી નાખ્યો.કારમાંની એકેએક વસ્તુ ને જગ્યા ફંફોસી છતાં પત્તો ના લાગ્યો. આંખમાં પાણી આવી ગયા. કસાઇનો છરો લઇ ઊભેલા યાસીર સર દેખાવા લાગ્યા. મનોમન 33 કરોડ દેવી-દેવતાને ખોળો પાથર્યો.
15-20 મિનિટની મજૂરી પછી કારનું ફ્રન્ટ ડોર બંધ કરતા નજર પડી તો માતાજી ડોરના બોટલ સોકેટમાં આરામ ફરમાવતા હતા. ઉડી ગયેલું પ્રાણપંખેરુ પાછું આવ્યુ. ફટાફટ ગાંગલીને બાસ્કેટમાં ભરી કાર મારી મૂકી.
અધ્યાય. 10
રાતના 10 થવા આવ્યા છે. કુંભકર્ણ હજુ નિદ્રાસન પર બિરાજ્યા નથી. મને ટેન્શન થવા લાગ્યું. 9 પહેલાં સૂઇ જનારી ગોપિકા અત્યારે મારા પર ધૂબાકા મારે છે. ઘડીક ખભે, ઘડીક ગળે તો વળી માથા પર ય ચડી છે આજ ગોપલી. વારંવાર ચાંચ ઘસે છે. ખંજવાળ આવતી હશે કે બીજી કોઇ તકલીફ એ ખબર નથી. મને ગરદન પર બે - ચાર વાર ચાંચ મારી ગોપલી ભોપલીએ. એના પગના નખ વધ્યા લાગે છે. ગળા પર ફરે ત્યારે થોડી તીખી ને વધુ મીઠી એવી મિક્સ ગલીપચી થાય છે. નવી ટેવ પડી છે ગોપુને, અમારા બધાના પગમાં આવી નખ પર ચાંચ મારે છે. બાસ્કેટમાં મૂકી ઢાંકણું બંધ કરું એ પહેલાં ઉડીને બહાર ગોપુદાસ. લગભગ અઠવાડિયાથી મારી સાથે છે રોબીન હુડ. હવે એકબીજાથી "મોહ મોહ કે ધાગે" બંધાવા લાગ્યા છે.
અધ્યાય. 11
એકવાર નર રોબીન ગોપુની આસપાસ થપ્પો કરી ગયુ હોવાથી સ્ટોરી મળવાની સંભાવના છે. એ લાલચે હું સવારે મારી બાળચકુડીને બાસ્કેટ સહિત આંગણામાં લાવી. બાસ્કેટ ખૂલતાં જ "બાળકુંવરી" કિનારીએ આવી બેસી ગયા. બે દિ' પહેલાં આવેલું એ જ કે બીજું 'એડલ્ટ બર્ડ' ધાબાની કિનારીએ પછીથી ફેન્સીંગ પર બેઠું. ત્યાંથી ઉડી એકદમ બાસ્કેટની બાજુમાંથી ઝડપથી પસાર થઇ ગયુ. આ ખરેખર આંટાફેરા છે કે ઇત્તેફાક????એવું મનમાં વિચારતી હતી તે જ વખતે નર રોબીન ચાંચમાં ઇયળો ભરી પહોંચી ગયુ, બાસ્કેટની કિનારીએ ગોપુની અડોઅડ. ગોપુને મેં આંખો નચાવી ઇશારો કર્યો કે બાજુમાં બાપા આવ્યા છે પેટપૂજા કરાવવા. પણ બાઘડુ ગોપુ મારી સામે જ જોતું રહ્યું. કદાચ અસલામતી લાગતા નરપક્ષી ઉડી ગયુ. અમે ફરી રાહ જોઇ પણ ઓફિસ જવાનું હોવાથી ગોપીલાલને કિચનમાં લઇ ગઈ.
હું તથા મારા વરરાજા રસોડામાં કોફી ગટગટાવતા હતા અને બાસ્કેટની ધાર પર બેસી ગોપુ-પોપુ ગીત ગાતું હતુ. એના અવાજથી નરપક્ષી ફરી આવ્યુ. રસોડાની જાળી પાસેની દિવાલ પર બેઠું. પછી ચાંચમાં જંતુડા લેવા ગયુ. લઇને રસોડાના ઉંબરા સુધી આવી પાછું ફર્યુ. કાયમ માતૃત્વના ગુણગાન સાંભળતી હું આજે પિતૃત્વની મહાનતા નિહાળી ભાવુક થઈ ગઈ. હું ને બેબીના પપ્પા કેમેરા લઇ "સ્ટેન્ડ બાય મોડ" માં રાહ જોતા રહ્યા પણ અમારો "પોપટ થઇ ગયો".
અધ્યાય. 12
સમય- સમયની બલિહારી જુઓ. ઘરમાં જીવ-જંતુ જોઇ ભેંસ માફક ભડકતી હું આજકાલ જીવડાં શોધતી ફરું છું. આમતેમ શિકાર કરવા નીકળી પડુ છું.એ વાત જુદી કે નવો નિશાળિયો હોવાથી માખી મારવામાં ય આપણને ફીણ આવી જાય છે.
મકોડા તો ઘરમાં જોઉં ને મગજની નસો ફાટવા લાગે.(મારું ને દીકાનું વહાલસોયુ ચમન-સોફ્ટ શેલ ટર્ટલ મકોડાને કારણે મરી ગયુ હતુ તે દિવસથી) એ જ હું મકોડાનું પડીકું જોઇ નાચવા લાગી. સાસુમાએ એમની કાયમી આદત પ્રમાણે મંદિરથી આવી પ્રસાદનું પડીકું ડાઈનીંગ ટેબલ પર મૂક્યુ જેમાં 10-12 મકોડાએ અડીંગો જમાવેલો જોઇ આ વખતે ખીજાવાના બદલે લુચ્ચુ હસી પડી.પડીકુ જપ્ત કરી લીધું.
પક્ષીવિદને પૂછી લીધું. પડીકું લઇ ખુશી ખુશી ગોપુ પાસે આવી. મને એમ કે પડીકું ખૂલતા ગોપુની ચાંચમાંથી ય લાળ પડશે. પણ એવું કંઇ થયુ નહિ. ઉલટાનું હું તો મથીને મરી ગઈ પણ મારી બેટ્ટીએ મચક જ ના આપી. ગળા સુધી ગયેલો મકોડો થૂંકી નાખ્યો. કંટાળીને કેટફુડ આપ્યું. એ ઘા એ ઘા ખાઇ ગયુ ગોપલુ.
અધ્યાય. 13
રાજકુમારી દિવસે ના વધે એટલી રાતે વધે ને રાત્રે ના વધે એટલી દિવસે વધે. અમારું ગોપુ ય દિવસ-રાત વધે ને રોજ નવા નાટક-નખરાં કરે. શનિ-રવિ બીજા ઘેર રહ્યુ એટલે સોમ-મંગળ પાછુ આવીને મને થોડુ સુસ્ત લાગ્યુ. બહુ લમણાંઝીંક કર્યા વગર ખાઇ પીને પડી રહ્યુ. ઉડવા-બીડવાનું ભૂલી ગયુ હોય એવુ ય લાગ્યુ.. પણ મંગળવારે સાંજે એ મેદાને પડ્યુ તો એના પંચભૌતિક દેહની અંદરના રોબીનના જનીન(જીન્સ)નો પરચો આપ્યો મને. ખુલ્લા આંગણામાં પગ મૂક્યો કે તરત ગણતરીની સેકન્ડમાં રખડતી-ભટકતી કીડીઓનો સફાયો કરી નાખ્યો. હું જોતી જ રહી ગઇ એની ઝડપ ને અદા. શિકારી ઉડતા પંખીને પાડે એમ એ દોડતી કીડીઓનો કોળિયો કરી ગયુ. હા, ઉડવાનું જરા ઓછું થયુ છે પણ પગલૂછણિયાના રેસા ખેંચવાનું નવું કામ શીખ્યુ. જ્યારે મકોડા ખવડાવવાનું મારું મિશન તો ના જ પૂરું થયુ. મકોડા એની પ્રકૃતિને માફક નથી આવતા લાગતા.
અધ્યાય. 14
પરોઢિયે ગોપુરાણીને ઉઠાડી આજે તો, વીડિયોની લ્હાયમાં. ગોપુની ફરતે ફીલ્ડીંગ ભરતા નર રોબીન સાથે વીડિયો લેવા માટે. સામાન્ય રીતે ઉઠીને તરત ગોપુને મમ-મમ આપું છું પણ આજે પ્લાન બી. ભૂખ્યુ ગોપુ મોટેથી પંચમ્ સૂર આલાપશે એટલે સાંભળીને રોબીન રાજા જલ્દી ટપકે કદાચ. બીજો આશય ગોપલીને પગભર બનાવવાનો પણ ખરો. વગર મહેનતે ભોલી ભરાઇ જાય તો જીવને ભર્યા પેટના ભોગવિલાસની ટેવ પડે. ભૂખ્યા પેટે ગોપીકુમારીની બધી ઇન્દ્રિયો જાગૃત થઇ શક્તિઓ તીવ્ર બની. પ્રભાતે એ હવામાં ઉડતા મચ્છરોની ચીલઝડપની કસરત કરવા લાગી. આછા અંધારામાં હવામાં આમતેમ ઉપરનીચે ત્વરિત ગતિએ ઉછળતુ એનું હલકુફૂલકુ પીંછામય શરીર જોવાની મજા પડી.
થોડુ અજવાળુ થતાં રોબીનરાજા પ્રગટ્યા પણ દૂર ફેન્સીંગ પર બે મિનિટ બેસી રફુચક્કર. આપણા વિચારોની અસર સમગ્ર બ્રહ્માંડ પર હોય છે એવું સાંભળ્યુ હતુ આજે અનુભવ્યુ. ઘણા વખતથી થતુ હતુ કે કોઇ ફીમેલ રોબીન ગોપુની ફરતે કેમ ફરકતી નથી???? કદાચ ફીમેલને ટેલીપથી થઇ ગઇ. ફીમેલ આવી ફેન્સીંગ પર બેસી મને ને ગોપુને વારાફરતી જોયા કરતી. ગોપુ મારાથી દૂર પહતુ છતાં એ ગોપુ નજીક ના ગઇ. ગોપુ ધીરે-ધીરે પગભર થવા લાગ્યુ છે. આપમેળે કીડીઓ ચણતા પાકુ આવડી ગયુ એને.
બ્રેકફાસ્ટમાં ઉત્તપમ હતા. આટલા દિવસોથી બ્રેકફાસ્ટ, લંચ,ડિનર સમયે ગોપુ અમારી ફરતે આંટા મારે ને અમારી ગતિવિધિઓ નિહાળે. એ જ રીતે સવારે ય કોફીમગ ને બીજી વસ્તુઓ જોતુ હતુ. અચાનક ઉત્તપમની પ્લેટમાં આવી ગયુ. વધેલા ટુકડા ખાવા લાગ્યુ. મોગલી જંગલમાં ઉછર્યો તો પ્રાણીઓને અનુસર્યો એમ ગોપુ માણસો જોડે રહી ઉત્તપમમાં ઇન્ટરેસ્ટેડ થયુ.
અધ્યાય. 15
ગોકળગાયની ઝડપે વિકસતું ગોપુ છેલ્લાં થોડા દિવસોમાં વિકાસની હરણફાળ ભરી રહ્યું લાગે છે. પૂંછડીની સાઇઝ લગભગ બમણી, પૂંછની નીચે રોબીનની ઓળખ સમા તામ્રવર્ણી પીંછાના ગુચ્છની આછી શરુઆત, પેટના ભાગે પીંછા ઘેરા બનવા તથા આંખો પહેલાં કરતા મોટી આ બધા પરિવર્તનો મારી આંખના દિવાસ્વપ્ન પણ હોઇ શકે.
સ્વભાવે રખડુ- મનમાની કરનારું થવા માંડ્યુ છે ગોપુ. એની ઇચ્છાવિરુધ્ધ ખવડાવવુ કે હાથમાં જકડવુ મુશ્કેલ થઇ પડે છે. સાંજે આંગણાવિહાર દરમિયાન પાણીમાં છબુ છબુનો આનંદ લીધો. 2.5 થી 3 ફીટ ઊંચાઈની ઉડાન ભરવા લાગ્યુ છે. સતત પાંખો ફફડાવી જાણે છે. મોડે મોડે એક મેલ-ફીમેલ ગોપુની આસપાસ ફરક્યા. ફીમેલને એણે બહુ ભાવ ના આપ્યો પરંતુ આજે પહેલી વાર મેલની સામે જોયુ ગોપુ મેડમે. મેલ રોબીનના અવાજનો એની ભાષામાં ઉત્તર ય આપ્યો. બે વચ્ચે શું ખીચડી રંધાઇ એ મારી અલ્પબુધ્ધિ બહારનું હતુ. કીડીઓ ઝાપટવાની ગતિમાં અસાધારણ વૃધ્ધિ. આહારમાં આજથી કેળાનો ઉમેરો. એનું વર્તન દર્શાવે છે કે કેળાનો સ્વાદ એને ગમ્યો હોય.કેટફુડ પ્રત્યે દિન-પ્રતિદિન એનો પ્રેમ ઘટી રહ્યો છે.
ગટરના ઢાંકણાની છીંછરી બખોલમાં ભરેલું પાણી પીધુ. ઉપરના પાણીની જરુરિયાત ઉભી થઇ છે એને. રાત્રે આટલા દિવસમાં પહેલ્લી વાર પી-પી ની પિચકારી ઉડાડી મારા પર. અત્યાર સુધી પોટ્ટી મિશ્રિત પીપી કરતુ હતુ.
અધ્યાય. 16
ઠાકુરની પાંખોમાં જબરદસ્ત જીવ આવી ગયો છે. હેલિકોપ્ટરના પંખાની માફક એકધારી ઝડપથી પા કે અડધી મિનિટ પાંખો ફફડાવે છે. હિમાંશુ કે હું સીટી મારીએ તો દોડતુ/ઉડતુ અમારી તરફ આવે છે. કૂદતુ કૂદતુ પાસે આવી લપસતા પગે એકદમ બ્રેક મારી ઉભુ રહે છે. ચંચળ, ચુલબુલી, નટખટ, નખરાળી ને થોડી વાયડી થઈ ગઇ છે ગોપિકા.
અંધારુ થતા એને માળો યાદ આવે કે શું???? ઘરના સદસ્યોના માથા પર લપાઇ જાય છે. આજે તો "ચલ્લક ચલાણું" રમતનું સુંદર પ્રદર્શન કર્યુ ગોપુવીરે. મારા માથા પર બેસે પછી હિમાંશુ સીટી મારે એટલે ઉડીને એના વાળમાં ચોંટે. હું સીટી વગાડુ ત્યારે પાછું ઉડતુ ઉડતુ મારા વાળમાં એના પગ ગૂંચવે. લગભગ 10-15 મિનિટ સુધી "ચલ્લક ચલાણું" રમ્યુ. ઉડાનની વધુ પડતી પ્રેકટિસ અમને જ ભારે પડી. હું રસોઇકામમાં પડી. અંધારુ ઘેરાતા કેમોફ્લેજ ગોપુ દેખાતુ ઓછુ થયુ ને એકદમ હિમાંશુના માથા પરથી ઉડીને બાજુના ઘરના બીજા માળે જતુ રહ્યુ. હબી તો અંધારામાં હવાતિયા મારે પણ ગોપુ દેખાય તો ને!!!!!!! થોડીવારે સીટી મારતા એ બીજા માળના ધાબાની પાળીએથી નીચેના ધાબાની પાળીએ આવ્યુ. આ જગ્યા એવી હતી જ્યાં એક બિલાડાનો કાયમી વાસ હતો. ભૂતકાળમાં એને ઘણા પંખીઓનો કોળિયો કરતા મેં જોયેલો. મારુ તો કાળજુ ગળે ફસાઇ ગયુ. એક તો અંધારુ ને બીજુ ઊંચાઇ પર ચઢી ગયેલુ ગોપુપ્રસાદ. બાજુવાળાનું ઘર આમ અડોઅડ પણ ધાબે જવા બીજી સોસાયટીમાં જવુ પડે. ફટાફટ કેના અને એના બાપા દોડ્યા ને મનાવી-પટાવી-ફોસલાવી ચંટ ગોપુને ઘેર લાવ્યા.
અધ્યાય. 17
ગોપુ માટે આવેલા કીડાઓએ અગમ્ય કારણોસર દમ તોડ્યો. ડબરામાં કચરો ભેળવ્યા છતાં જંતુડાઓ ગોપુમુખમાં જાય એ પૂ્ર્વે અચાનક મૃત્યુમુખમાં જતા રહ્યા. પક્ષીવિદ અનુસાર મારું બચુડુ અન્ડર વેઇટ છે એટલે હું ચિંતામણિ થઇ ગઇ. છતાંય મેં મણિમટકુએ ચિંતામાંથી મારગ કાઢ્યો. શાક સમારતા જે ઇયળો મળે તે ગોપુના મોં માં પધરાવવા માંડી. ગોપુસિંહને તો જીવડાનો ચટકો લાગ્યો હોવાથી આવા અલપઝલપ શિકારથી એ ધરાતુ નહિ. તેથી મેં "ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે" એ કહેવત મુજબ સવારે સવારે ગોપમણિને ચરવા મોકલી એના ડેડી સાથે. ઘરની પાછળ ખુલ્લો પ્લોટ છે જ્યાં બારેમાસ ઉધઇના રાફડા ફાટી નીકળે છે. ગોપુને તો ફાવતુ'તુ ને વૈદે કીધુ જેવો ઘાટ થયો. મોકળુ મેદાન અને ઉધઇનો ખજાનો. બંદા તો એવા આળોટે કે હાથમાં જ ન આવે. એને ઘેર પાછુ લાવતા બલમજીની લદુડી-પદુડી થઇ જાય છે.
સાંજે અમદાવાદના ઘેર સોફા પર બેઠુ બઠુ બલ્બ નીચે પડતા ફૂદા એક પછી એક કેચ કરતુ જાય ને પેટમાં પધરાવતુ જાય. બાળશિકારીની મોહક અદાઓ પર હું તો વારી ગઇ. ડાહ્યુ ડમરુ ગોપલુ ખાઇ પીને આજુબાજુ જે હોય( કોઇ સરફેસ, મારો હાથ/કપડાં/માથાના વાળ) ત્યાં ચાંચ ઘસીને સાફ કરી જ નાખે છે. જેમ અમે કોલેજકાળમાં નાસ્તા પછી મિત્રોના વાંસે ધબ્બો મારી સિફતપૂર્વક સફાઇ કરી લેતા.
અધ્યાય. 18
આજે સોમવાર, ઉપવાસી દિન. વીક એન્ડ પછી કામ શરુ કરવાનુ એ ય ભૂખ્યા પેટે.....ભૂખે ભજન ના હોવે જેવી હાલત. ભૂખડીબારસ એવી હું ઝોલામાંથી રજવાડી બરફી કાઢીને બેઠી. આવતા-જતા રોગીઓને ઠેકાણે પાડી વચ્ચે વચ્ચે બરફીને પેટમાં પધરાવતી ગઇ. ગોપુ ટેબલ પર આંટાફેરા ને આશીર્વાદ કરતુ હતુ. સાથે લાડ પણ કરતુ જાય. ચાંચ ફાડી એક-બે વાર ધાપલા કરી ગયુ. મેં મન મક્કમ રાખ્યુ છતાં આખરે મા નો જીવ પીગળી ગયો. ચાંચમાં હાથ વડે જ કટકી મૂકી. હવામાં ફંગોળાતો બોલ ક્રિકેટર કેચ કરે એમ એણે ઝીલી લીધુ. ફરી આજીજીભર્યા ચેહરે મારી સામે જોયુ. મને મૂર્ખને થયુ કે આ દૂધની બનાવટ સમાન સાત્વિક બરફી શું નડી જવાની મારી પંખીણીને??????!!!!!!!!એટલે બંદાએ બે-ત્રણ ટુકડી મૂકી એની ચાંચમાં, એ ય ફટાફટ લપકતુ ને ગળતુ જાય. થોડીવારમાં ગોપુ મૂડલેસ થઇ ગયુ ને આમતેમ બે-ત્રણ ઉલટી કરી. ખાધેલી બધી બરફી ઓકી નાખી પછી ટાઢુબોળ થઇ બારીમાં ધન્વન્તરી ભગવાનની છબીની પાસે બેસી પડ્યુ. જાણે ધન્વન્તરી ભગવાનને કહેતુ હોય કે તારા આ વૈઘને સદ્ બુધ્ધિ આપ પ્રભુ.
અધ્યાય. 19
સામાન્ય રીતે ગોપુને ચરાવવા વરજી લઇ જાય છે. ગોપલી ખુલ્લા પ્લોટમાં ચરે ને બલમજી બોડીગાર્ડગીરી કરે એ ક્રમ. પણ આજે પ્લાન બી. ગોપુશ્રીને દુનિયાની ભીડમાં એકલું છોડ્યુ. એને પ્લોટમાં બોડીગાર્ડ વિના મૂકી હું દિવાલની બીજી બાજુ ચોકી કરતી હતી. ગોપિકા જમીન ખોતરવામાં મગન હતી. ત્યાં એક જુવાનજોધ ફીમેલ રોબીન એની ફરતે મંડરાવવા લાગી. મને થયુ કે આ ચક્કર-ભમ્મર શું છે?????!!!!!ગોપુને નાનકુ-નિસહાય જાણી ફાંકડી ફીમેલે પાસે જઇ ચાંચ મારી. ઇચ્છા થઇ ગોપુના તારણહાર બનવાની પછી વિચાર્યુ કે ક્યાં સુધી મારા પાલવના છાંયે રાખીશ?? જાલિમ દુનિયાના તડકે તપે જ છૂટકો. મેં સાક્ષીભાવ કેળવ્યો. ફીમેલ તો પોચુ ભાળી પાટુ મારવાના મૂડમાં આવી ગઇ. એ તો વારંવાર ચાંચ મારે ને ઉડીને પાછી આવે. ગોપુ સ્વબચાવ કરતુ પણ વળતો પ્રહાર ના કરે. એ જોઈ મને ગુસ્સો આવ્યો કે મારા બચ્ચાના લોહીમાં તો ઝનૂન નામનું કોઇ રસાયણ જ નથી. સાક્ષીભાવનું સૂરસૂરિયુ. નવાઇ લાગી કે આ ઝીણકા જીવ સાથે ફીમેલને શું વાંકુ પડ્યુ હશે????!!!!!કદાચ માણસના દુર્ગુણોનો ચેપ પ્રાણી-પક્ષીમાં ફેલાતો હશે. થોડીવારે ફીમેલે યુધ્ધવિરામ જાહેર કર્યો હોય એમ શાંત ગઇ. પણ ગોપુવીરના તો ગાભા-ડૂચા નીકળી ગયા હોવાથી એ શાંતિમંત્રણાના મૂડમાં ન હતુ. ઉડીને દિવાલ ઠેકી મારા ખભે બેસી ગયુ મારુ બેટ્ટુ રણછોડ રાય.
અધ્યાય. 20
વિદાયની વસમી વેળા નજીક આવતી જાય છે, ગોપેશની દિન-પ્રતિદિન વધતી આત્મનિર્ભરતા એ વાતની ચાડી ખાય છે. લાગણીનું ઉંધિયુ છે આજકાલ મન-હ્રદયમાં. ગોપુના સ્વતંત્ર જીવનની ઘડી ઉંબરે ઊભી છે એની ખુશી, બીજી બાજુ દુખ કે એ આંખ સામેથી ઓઝલ થઇ જશે. છતાં અમારા સંવેદનાતરંગો એકમેકની ફરતે તરંગિત થયા કરશે એની ગળા સુધી ખાતરી છે. સવારે ઓપીડીમાં મુક્તજીવન માણતુ ગોપુ ટેબલ પર, બારી પર ને બહાર ઓસરી સુધી થપ્પો કરી આવતુ હતુ. એની આ રમત બીજા પંખીડાઓના ધ્યાને આવી હશે. બારણા વચ્ચે આંખો મીંચી ગોપુ કંઇક કરતુ હતુ ને બે-ચાર પક્ષીઓ એની પાસે પધાર્યા. જેમાંથી બે કાબર હતી ને બે અજાણ્યા વિહગ કે જે મને બેબલર ને રોબીનની ભેળસેળથી બન્યા હોય એવા લાગ્યા. વિદ્વજનોના માર્ગદર્શન બાદ ખબર પડી કે બીજા અનજાન પક્ષીનું નામ "કાળો પથરાળ પીદ્દો" હતુ. કાબરો એ તો ગોપુની આસપાસ ઉડવા પૂરતી જ હિંમત બતાવી. બે "કાળા પથરાળ પીદ્દા"માંથી એકે ગોપુડી પર હુમલો કર્યો. આ વખતે દુનિયાદારી શીખી ગયેલુ ગોપુ રણછોડરાય ના બન્યુ. એણે ઇંટનો જવાબ પથ્થરથી આપ્યો. એ વાત જુદી છે કે એનો પાણો કાંકરીસમાન હતો. પણ ગોપુએ પોતાનાથી બમણા કદના પક્ષી સામે ઝીક ઝીલી એ જોઇ આનંદ થયો કે બચુડુ "તૈયારઅલી" થઇ ગયુ છે.
અધ્યાય. 21
"દિલ પે પથ્થર રખકે મુંહ પે મેકઅપ કર લિયા,
મેરે ગોપુજીકો આજ મૈને ફિલ્ડમેં છોડ દિયા."
આખરે એ દિ' આવી ગયો જ્યારે હું ને ગોપનંદા પોતપોતાની દુનિયામાં પાછા ફરીશું. આટલા દિવસથી પૃથ્વી સહિત મારા બધા ગ્રહો ગોપુની ફરતે ચકરાવો લેતા હતા. ગોપુને ય અહેસાસ થઇ ગયો હોય એમ એનું વર્તન મને વધુ સ્પર્શી રહ્યુ છે. બપોરે ઓપીડીમાં જતા ઓસરીની થરી સુધી પાછળ આવે, સાંજે તાળું ખોલુ ત્યારે જાળી પાસે આવી ઊભુ રહે, હું પ્રવેશુ એટલે પાછળ-પાછળ કીચનમાં આવે,હીંચકે ઝૂલુ તો પગમાં આવી એન્કલેટનો લટકતો છેડો ખેંચે, પગની વીંટી પર ચાંચ મારે.....ગમે તેમ પણ એ ય નારીજાતિ જ ને, શૃંગારની વસ્તુઓથી મન ના લલચાય તો નવાઇ. ગેઝેટલવર ગોપુ બપોરે "લેપી" પર બેસી ગયુ. કી-બોર્ડ, સ્ક્રીન પર ચાંચ મારતા ગળુ ફૂલાવી ઝીણા-ઝીણા વિશિષ્ટ અવાજ કાઢતુ. આખી બપોર ધાંગડ-ધીંગા કરી અમે. બપોરે હું નીકળી ત્યારે એને આંગણામાં ફરતુ જોયુ. એક મેલ પણ ડોકાયુ એની બાજુ. સાંજે આવી તો ધીમી ધારે વરસાદ ને ગોપુ ગાયબ. ઘરની પરસાળમાં 3 બિલ્લીના બચ્ચા રમતા દેખાયા. હ્રદય ધબકારો ચૂકી ગયુ. છત્રી લઇ બધે શોધી આવી. સીટી મારીને જડબા દુ:ખવા આવ્યા. મારી દીકરી ચોધાર આંસૂ પાડતી હોવા છતાં એને ભૂલી શોધખોળ કરી . પરિણામશૂન્ય. બહાર આકાશ ઘેરાયુ, ઘરમાં મારી પાંપણો વરસે. આવા વાતાવરણમાં બાળગોપાળ ક્યાં હશે????, એની સાથે કંઇ અજુગતુ તો નહિ થયુ હોય ને???? ઊંધા-ચત્તા વિચારોના ચકડોળે મન ચઢ્યુ. હબી તો ઘેર આવી પરેશાન. બે-બે આફતના પોટલા એકસાથે સાચવવાના. એની શક્તિ મુજબ મેનેજ કર્યુ. છેલ્લે અકળાઈને ફરમાન કર્યુ કે આવા રોતડાવેડા જ કરવા હોય તો ફરી કોઇ પશુ-પંખી ઘરમાં લાવવા નહિ. રાત્રે એક ગઝલ યાદ આવી. "દિવસો જુદાઈના જાય છે એ જશે જરુર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઇ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી. " જો કે મારા તો કોઇ શત્રુ નથી પરંતુ પરમ મિત્ર એવી કુદરતને વીનવ્યુ કે ગોપપ્રદા જ્યાં પણ હોય એના રખોપા કરજે તેમજ એકવાર એનો મને અણસાર આપજે . એથી વિશેષ નથી માંગતી.
અધ્યાય. 22
વરસાદ લગભગ આખી રાત રહ્યો. સવારે ઉઠી પહેલું ગોપુના "મુખદર્શન"ની 20 દિવસની આદત ભૂલવી પડશે. વ્યાકુળ ચિત્તને ઠેકાણે લાવવા યોગનો સહારો લીધો. योग: कर्मसु कौशलम्..... योगश्चितवृत्ति निरोध:......એવા ડાહ્યા ડમરા વિચારોથી મનને પટાવ્યુ. તેમ છતાં ચિત્ત વ્યાકુળ ને વૃત્તિ વ્યગ્ર હતી. યોગાસન પતાવી પ્રાણાયામ આરંભ્યા. કપાલભાતિ કરતા એક પરિચિત અવાજ કાને પડ્યો. મૂળભૂત રીતે હું "ધ્યાનબહેરી" અને "કાનબહેરી" બંને હોવા છતા એ અવાજ કાન સુધી કઇ રીતે પહોંચ્યો એ ખબર નથી. કદાચ આત્માને સ્પર્શયો હતો એ અવાજ. પ્રાણાયામ પડતાં મૂકી બહાર દોડી. અવાજની દિશામાં કાન દોડાવ્યા.ખુલ્લા પ્લોટની બાજુના ધાબાની પાળીએ એક બાળરોબીન 'ચક્.....ચક્.....ચક્.....' કરતુ હતુ. મેં તરત સીટી મારી એણે લાઇન આપી હોય એવુ લાગ્યુ. પાળી પર થોડુ ચાલી મારી દિશામાં આવ્યુ. બીજી જ ક્ષણે નર રોબીન આવી એને સાથે ઉડાડી ગયુ. એ ગોપુ જ હતુ કે કોણ હું ચોક્કસ નથી પણ આત્માએ એને કુદરતના અણસાર તરીકે સ્વીકાર્યો. ઘરમાં આવી મેં ને હબીએ "પાગલપંતી નૃત્ય" કર્યુ.
ईति श्री भरत खण्डे, गुजरात राज्ये, कर्णावती नगरे साबरमती तटे गोपु पुराण समाप्त