Pratiksha - 3 in Gujarati Fiction Stories by Darshita Jani books and stories PDF | પ્રતિક્ષા - ૩

Featured Books
Categories
Share

પ્રતિક્ષા - ૩

મેનેજરે કોઈ સાથે ફોન પર વાત કરી એક ચિટ્ઠી પર રેવા નું એડ્રેસ લખી ઉર્વિલ ને આપી દીધું અને ઉર્વિલ સડસડાટ હોટલ ની બહાર નીકળી ગયો

મેઇન રોડ પર થી ટેક્સી પકડી તે સીધો રેવા ને ઘેર ગયો. આમ તો રેવા નું ઘર ફ્ક્ત પંદર મિનિટ ના અંતરે હતું પણ આ પંદર મિનિટ માં પંદરસો વિચારો ઉર્વિલ ના મસ્તિષ્ક માંથી પસાર થયા હતા. આમ અચાનક તેના ઘરે જવાથી જો રેવા તેની ફરિયાદ કરી દે તો તેની નોકરી પણ જોખમ માં મુકાઇ શકે એ વિચારે જ તે ધ્રુજી ગયો હતો.

ટેક્સી રેવા ના એપાર્ટમેંટ ની નીચે આવીને ઊભી રહી ત્યારે ઉર્વિલ ની ધડકનો અનેકગણી તેજ થઈ ગઈ હતી. એક પળ માટે તો તેણે વિચાર્યું કે તરત જ હોટેલે પાછો જઈ પોતાનો સામાન લઈ અમદાવાદ ભેગો થઈ જાય પણ તે તેમ ના કરી શક્યો. એક ઊંડો શ્વાસ લઈ તે લિફ્ટ થી સાતમા માળે જતો રહ્યો.

અતિશય ગભરાહટ થી તેણે જોરથી ત્રણ ચાર ડોરબેલ વગાડી દીધી અને તે શોર સાંભળી દરવાજો ખોલવા આવેલી કામવાળી બાઈ ની પાછળ રેવા પણ દોડતી આવી ગઈ.

“હાઇ...” રેવા ને સામે જોઈ ઉર્વિલ માંડ આટલું જ બોલી શક્યો.

“ઉર્વિલ તમે... અંહિયા...” રેવા હજી આશ્ચર્ય માં હતી.

“હા” ઉર્વિલ બે પળ રેવા સામે તાક્તો રહ્યો પછી સ્હેજ હસીને ઉમેર્યું

“હોટલ પર ચા બહુ સારી નહોતી મળતી, એટ્લે ચા પીવા આવી ગ્યો. પીવડાવશો??”

ઉર્વિલ જે રીતે બોલ્યો રેવા પોતાનું હસવું ના રોકી શકી. પછી થોડું અટકીને બોલી.

“પધારો. આદું વાળી સરસ ચા પીવડાવું.”

રેવા નો એપાર્ટમેંટ બહુ મોટો અને આલીશાન હતો. શોધવા વાળો ભૂલથી પણ કમી ના શોધી શકે એવો તેનો 4 બીએચકે એપાર્ટમેંટ હતો જેમાં ડાઈનિંગ એરિયા, મેઇન હૉલ, કિચન, સ્ટડી, મ્યુજિક રૂમ, બેડરૂમ ને ગેસ્ટરૂમ અધ્યત્ન ટેક્નોલૉજી થી સુસજ્જ કરેલા હતા. વ્હાઇટ અને બ્રાઉન કોમ્બિનેશન વાળું ફર્નિચર રેવા ના પરફેક્શન ની ચાડી ખાતું હતું.

ઉર્વિલ મેઇન હૉલ માં જ ઊભો ઊભો ફ્લેટ ની સુંદરતા માણતો રહ્યો ત્યાં જ રેવા ના પગરવ થી તેનું ધ્યાન ડાઈનિંગ એરિયા તરફ ગયું. ચાર ચેર વાળા પેઇન્ટિંગ કરેલા કાચ ના ડાઈનિંગ ટેબલ પર બે કપ અને નાસ્તા ની એક ટ્રે મૂકી રેવા એક ચેર પર ગોઠવાઈ ગઈ ને ઉર્વિલ પણ સામે ચેર ખેચી બેસી ગ્યો.

તે ઈચ્છતો હતો કે રેવા કઇંક બોલે પણ રેવા કઈંજ બોલ્યા વિના ચા ના ઘૂંટ ભરી રહી હતી

થોડીવાર તો તે પણ ચૂપચાપ ચા પીતો રહ્યો પણ પછી રેવા ની એક્દમ નજીક જઈ બોલ્યો.

“મને માફ કરી શકશો ક્યારેય?”

“ઉર્વિલ એ વાત નો કોઈ મતલબ નથી રહેતો.” રેવા કદાચ આ પ્રશ્ન માટે તૈયાર નહોતી. છતાં પૂરી સ્વસ્થતા થી કહ્યું અને પછી નાનકડું સ્મિત આપતા ઉમેર્યું.

“જે કઇં આપણી પર્સનલ લાઈફ માં થયું તેની અસર આપણાં પ્રોજેકટ પર નહિ આવે. ચિંતા ન કરો તેની” ઉર્વિલ બે ક્ષણ જોઈ રહ્યો કે આ સ્ત્રી કેટલું સરળતાથી તેનું મગજ વાંચી ગઈ હતી.

“હા મને ખબર છે કે તમે ક્યારેય પર્સનલ ને પ્રોફેશનલ લાઈફ મિક્સ ના કરો. પણ મારા પ્રશ્ન નો જવાબ આ નથી કદાચ...” ઉર્વિલે ધીમેથી કહ્યું.

“ઉર્વિલ શું ફરક પડે છે? આ તો હું તમને ગઈ કાલે સવારે મળી હતી એટ્લે તમે મને ઓળખતા હતા. જો સીધી સાંજે જ મળી હોત તો? હું આ કિસ્સા ને કે તમે આ કિસ્સા ને મહત્વ આપતા હોત? જે વસ્તુ થી ખરેખર ફરક જ નથી પડતો તેની ચર્ચા જ શું કામ થવી જોઈએ?” રેવા ના શબ્દે શબ્દ માં ધાર હતી. ઉર્વિલ આગળ પૂછી ના શક્યો.

“હા, તમારો ફ્લેટ બહુ જ સુંદર છે” થોડી ચુપકીદી પછી ઉર્વિલે વાત બદલવાના આશય થી કહ્યું.

“થેંક્સ.”

“કોણ કોણ રહે છે અંહિયા?” ઉર્વિલે વધુ જાણવા પૂછ્યું.

“હું એકલી” એક અજીબ ખાલીપા થી રેવા એ કહ્યું. ઉર્વિલ આ ખાલી અવાજ થી સ્હેજ ડરી ગ્યો. તે જોઈ શક્યો કે રેવા ની કોરી ઘેરી આંખોમાં એક સૂનકાર વ્યાપેલો હતો

“રેવા, હું કારણ પૂછી શકું?” ઉર્વિલ રેવાની નજીક સરકતા બોલ્યો. પણ રેવા કઈંજ જવાબ આપવાના મૂડ માં નહોતી. તે ચૂપચાપ બેઠી રહી ને ત્યાં જ વાદળ ના અવાજ અને વીજળી ના ચમકાર થી તેનું ધ્યાન બારી તરફ ગયું.

“લકી છો કે બહાર ધોધમાર વરસાદ છે ને વળી રવિવાર છે અને ઉપર થી હું ઓફિસ નથી જવાની. બોલો બ્રેકફાસ્ટ માં શું લેશો?” ચેર પર થી ઊભા થઇ બંને કપ લેતા કિચન માં જતાં સ્હેજ સ્મિત સાથે રેવા બોલી.ઉર્વિલ બારી થી દેખાઈ રહેલો વરસાદ જોઈ રહ્યો ને પછી તરત જ રેવા ની પાછળ કિચન માં ઘસી ગ્યો.

“ઉપમા બનાવો, હું વરસાદ નહિ રહે ત્યાં સુધી તો રોકવાનો જ અને સાંભળ્યુ છે કે મુંબઈ નો વરસાદ બહુ ખતરનાક હોય.” ઉર્વિલ હસતાં હસતાં બોલ્યો. તે મનોમન ભગવાન ને પોતાની ભૂલ સુધારવા અને રેવા ની નજીક જવાની આ તક આપવા માટે આભાર માની રહ્યો હતો

***

ઉર્વિલ બે દાયકા પાછળ સફર કરી રહ્યો હતો. ન તે સરખું જમી શકતો હતો કે ન તે સરખું સૂઈ શકતો હતો. મનસ્વી જોઈ શક્તી હતી કે ઉર્વિલ બહુ જ વિચલિત છે પણ કોઈ સવાલ નો જવાબ ઉર્વિલ આપવા તૈયાર નહોતો. તે દરેક વાત બીજનેસ નું ટેન્શન કહી ટાળી દેતો

***

જુહુ પર આવેલી ડિલાઇટ કોફી શોપ માં એકલી ટેબલ બેઠેલી તે કોઈ બુક વાંચી રહી હતી. થોડી થોડી વારે તેની નજર દીવાલ પર લગાવેલી ઘડિયાળ પર જઈ રહી હતી. ત્યાં જ તેણે જોયું કે ઘડિયાળ માં 9 વાગ્યા. તેની આંખો માં અજાણતા જ ચમક ઉપસી આવી અને તેના ગુલાબી અધરો નાનકડા સ્મિત માં વંકાઇ ગયા. તે હજી કઇં આગળ વિચારે તે પહેલા જ તેના ખભા પર એક હાથ પડ્યો.

“આટલી ખુશ શું થાય છે?” આવેલા એક સોહામણા છોકરા એ પોતાના બ્લ્યુ ટી શર્ટ ની બાયો ચડાવી ચેર ખેચીને બેસતા કહ્યું.

“કહાન આઈ એમ સો એક્સાઈટેડ, 48 ક્લાક પછી તે મારી સામે બેઠા હશે.” પોતાની કાજળઘેરી આંખો માં ઉતરી આવેલી ભીનાશ ને નખ ના ખૂણા થી ઠીક કરતાં બોલી.

“કલાકો ગણે છે તું? આટલી બધી રાહ જોવે છે એની ઉર્વા?” સ્હેજ વ્યંગ માં કહાન બોલ્યો.

“દીકરી તો રેવાની ને...” આછા સ્મિત સાથે તે બોલી. કહાન ને ઘણું બધુ કહી દેવાની ઈચ્છા થઈ આવી પણ પોતાની જાતને કંટ્રોલ કરી ગ્યો.

“તને કેમ ખબર એ આવશે જ? જે આટલા વરસ માં રેવા ને જોવા પણ નથી આવ્યો તે તેના ગયા પછી આવશે?” કહાન આવેશ માં બોલ્યો.

“એ આવશે જ, એમને આવવું પડશે જ...” ઉર્વા શ્રદ્ધા થી બોલી અને પછી ઉમેર્યું.,

“રેવા હંમેશા કહેતી કે તેણે છોકરાઓ તો બહુ જોયા છે, એની એક જલક ને જોવા તરસતા, એની બુદ્ધિ થી અભિભૂત થતાં, બે ઘડી વાત કરવાના પ્રયાસ કરતાં, એક વખત કોફી પીવાને મથતા અનેક કાયલ છોકરાઓ તેણે જોયા છે પણ લાગણીઓ ને પેલે પાર જઈને, તેની અંદર ની બધી તકલીફો ભુલાવી, બહુ મેચ્યોરિટી થી તેને સમજાવી તેનું ખિલખિલાટ હાસ્ય અકબંધ રાખતા, દૂર રહીને પણ તેની દિવાનગી નું માન જાળવતા, રૂઠે તો એક બુંદને પણ તરસાવી જતાં અને રીજે તો નખશિખ ભીંજાવી જતાં પુરુષ ની તલાશ તો ઉર્વિલ સુધી આવીને જ પૂરી થાય છે. ઉર્વિલ જ રેવા ની તલાશ નો અંત હતો કહાન. રેવા એ જે કહ્યું છે તે બધુ જ જો ખરેખર ઉર્વિલ માં હશે તો તેને આવવું પડશે. મારા સવાલો ના જવાબ આપવા તેને આવવું જ પડશે...” ઉર્વા એકધારું બોલતી રહી અને કહાન તેને સાંભળતો રહ્યો.

“જો તે આવશે તો તેને આપવા માટે એક નાનકડી ગિફ્ટ” ઉર્વા ના શાંત થયા પછી કહાને પોતાના બેગ માંથી એક બોક્સ કાઢતા કહ્યું. ઉર્વા પ્રશ્નભરી નજરે બોક્સ સામે જોઈ રહી.

કહાને ધીમેથી બોક્સ ખોલી ઉર્વા ને બતાવ્યુ.

“ગન...!” ઉર્વા ફાટી નજરે તે ગન ને જોઈ રહી.

“યસ, મારા તરફ થી તો આ જ ગિફ્ટ બરાબર રહેશે...” કહાન ની આંખો માં એકવાર ફરીથી ક્રોધાગ્નિ છવાઈ ગ્યો.

(ક્રમશઃ)