Manni Aantighunti - 6 in Gujarati Love Stories by Parth Toroneel books and stories PDF | મનની આંટીઘૂંટી - 6

Featured Books
Categories
Share

મનની આંટીઘૂંટી - 6

પ્રકરણ – ૬

એક દિવસ જ્યોતિબેન જે ઘરનું કચરા-પોતું કરવા જતા હતા એ ઘરની છોકરી, નિરાલીના લગ્ન થોડાક દિવસોમાં લેવાના હતા. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. મહેમાનોની અવરજવર વધી ગઈ હતી. નિરાલીના મમ્મી, તૃપ્તિબેને ઘરના વાસણો અને નાના મોટા કામકાજ કરવા જ્યોતિબેનને કહી રાખેલું. તેમના કહેલાં સમયે જ્યોતિબેન ત્યાં હાજર થઈ જતાં. તેમના બોલકા સ્વભાવને લીધે નિરાલી સાથે સારી એવી મિત્રતા બંધાઈ ગયેલી.

લગ્નના માહોલમાં નિરાલી તેની ત્રણ કઝીન બહેનો સાથે વાતોચીતોમાં મશગુલ થઇ ગઇ હતી. નિરાલી તેની કઝીન્સ સાથે એ.સી રૂમમાં મહેંદીની ડિઝાઇનની બુકલેટના પાનાં ફેરવતી હતી. ત્રણેય કઝીન્સ એકબીજાના હાથમાં મહેંદી મૂકતી હતી. જ્યોતિબેન રૂમમાં કચરા-પોતું કરવા પ્રવેશ્યા ત્યારે નિરાલીએ મજાકમાં હસીને તેમને પૂછ્યું, “જ્યોતિબેન, તમારે હાથે મહેંદી મૂકવી હોય તો કેજો હોં...”

તેમણે કચરો વાળતાં હસીને કહ્યું, “ના બુન... અમાર તો આખો દા’ડો કોમ કરવાનું હોય ઇ હાથે મેંદી ચ્યો શોભ...!? બે દા’ડામો ભૂખઈ જાય...”

ત્રણેય શહેરીલી કઝીન્સ જ્યોતિબેનની દેશી બોલી સાંભળીને ખડખડાટ હસી પડી.

“...પણ તમાર મેંદી મેલવી હોય તો કેજો હોં...! મું તમન અસ્સલ મેંદી મેલ્યાલોય... તમે ખુશ થઈ જો એવી...” બંને ભ્રમરો ઉછાળીને કહ્યું.

“ઓહો...! તમે તે ક્યાંથી શીખ્યા મહેંદી મૂકવાનું?” નિરાલીએ ટ્રીમ્ડ કરેલી પાતળી આઇબ્રો ઊંચી કરીને આશ્ચર્યભાવ સાથે હસીને પૂછ્યું, “…તમે પહેલા કોઈને મહેંદી મૂકેલી ખરી?”

“મૂકેલી? અર બુન... આખા ગોમમો ચેટલીયે છોકરીયુંના હાથમાં અસ્સલ ડિઝેનવાળી મેંદી મૂકેલી સ... એવી રૂપાળી મેંદી મેલતી ક ખુશ થઈ મન પતાસાની થેલીયું ભરીન આલતા... મેંદી મેલવાનું કોમ તો મને બવ ગમ! આખો દા’ડો મેંદી મેલવાનું કીધું હોયન તોય બુન મુ તો નો થાકું...” પછી હસીને ઉમેર્યું, “...પણ બુન જાર્થી મારા હાથમોં મેંદી લાગી સ પસથી તો મેંદીન અડીય નહીં... નવ-દહ વરહ થઈ જ્યોં મેંદી મેલ્ય...” તેમણે કચરો વાળતા આછો નિ:સાસો નાંખ્યો.

“વા...ઉ!! તો તમે મને મહેંદી મૂકી આપશો?” નિરાલીએ મહેંદી વિનાની કોરી હથેળીઓ બતાવતા પૂછ્યું.

“પણ આ બધી બુનો બેઠી સ એ મેંદી મેલવા નહીં આઈ...?” તેમણે ત્રણેય કઝીન્સ સામે નજર ફેરવીને પૂછ્યું.

છોકરીઓ જ્યોતિબેનના દેશી લહેકા સાંભળીને હજુયે દબાયેલાં હોઠમાં હસતી હતી.

“આ બધી તો મારી કઝીન્સ છે; પિતરાઇ બહેનો... મારા હાથમાં મહેંદી મૂકવાના અખતરા કરવા અને લગ્ન પહેલા મને હેરાન કરવા આવી છે...” તેણે એની કઝીન્સ સામે હસીને કહ્યું.

“એવું સ...! મું તો હમજી મેંદી મેલવા આ બુનો આઈ સ...” તેમણે હસીને કહ્યું, “…હાર હેડો તાણ, તમાર એકાદ બુનના હાથમો મેંદી મૂકું એ જોઇન કેજો ચેવી સ... ત્યો હુધી કચરા-પોતું કરી લઉં પસ આવું સુ...” કહીને કામ કરવામાં જોતરાઈ ગયા.

***

થોડીક વારમાં કચરા-પોતું પતાવીને જ્યોતિબેન નિરાલીના રૂમમાં આવ્યા. ત્રણેય છોકરીઓ હોઠમાં હસતી એકબીજા સામે જોવા લાગી. નિરાલીએ જ્યોતિબેનને બેડ પર બેસવાનું કહી મહેંદીનો નવો કોન અને નાનકડી કાતર તેમના હાથમાં મૂકી. જ્યોતિબેને કોનની ધાર સાવચેતીથી કટ કરી. ત્રણેય છોકરીઓ બેડની બીજી કિનારે બેઠી હતી.

જ્યોતિબેને મહેંદીનો કોન પ્રોફેશનલ અંદાજમાં પકડીને પૂછ્યું, “તમાર તઈણોમોથી જેન પે’લા મેંદી મેકવી હોય એ નજીક તો આવો, બુન...!” તેમણે હસીને ત્રણેયને કહ્યું.

ત્રણેયે કઝીન્સ બહાના કાઢી મોબાઈલમાં વ્યસ્ત હોવાના દેખાડા કરવા લાગી.

“જ્યોતિબેન, પહેલા મારા હાથે મૂકી આપશો?” નિરાલીએ બંને હથેળી સામે ધરીને કહ્યું, “…એ ત્રણેયના મનમાં એમ છે કે તમે સારી મહેંદી નહીં મૂકી આપો; પણ મને તમારા પર પૂરો વિશ્વાસ છે કે તમે મસ્ત જ મહેંદી મુકી આપશો...” તેના વિશ્વાસપૂર્ણ શબ્દોએ જ્યોતિબેનમાં નવ વર્ષથી ઢબૂરાઈ પડેલી આવડત અને વિશ્વાસને પુનર્જીવિત કર્યો.

જ્યોતિબેને ઊંડો શ્વાસ લઈને સૌથી પહેલા કાંડાના નીચેના ભાગમાં મેંહદી મૂકવાનું શરૂ કર્યું. કેટલીયે વાર મનમાં દોરાયેલી અને કેટલીયે વાર હાથમાં મુકેલી ડિઝાઈન્સમાંથી સુંદર ડિઝાઇન નિરાલીના ગોરા હાથમાં આકાર લેવા લાગી.

દસેક મિનિટમાં મુકાયેલી મહેંદીની ડિઝાઇન અને ઝીણવટભર્યું કામ જોઈને નિરાલીના હોઠ ખુશીથી હરખાઈ ઉઠ્યા! તેણે વિસ્મયતાભર્યા સ્વરે કહ્યું, “જ્યોતિબેન તમે તો ખરેખર મેંહદી મૂકવામાં હોંશિયાર છો!”

નિરાલીના શબ્દો કાને પડતાં જ ત્રણેય કઝીન્સની આંખો મોબાઈલ સ્ક્રીન પરથી હટી ગઈ. તેમની આંખો હવે મહેંદીની ડિઝાઇન જોવા તલપાપડ બની રહી હતી. મહેંદીની ડિઝાઇન દેખતા જ તેમનું છૂપું હાસ્ય અદ્રશ્ય થઈ ગયું. નજર ઊંચકીને અહોભાવ ભરી આંખે જ્યોતિબેનના શ્યામલ હાથ અને ચહેરાને જોઈ રહ્યા.

“નિરાલીબુન, આતો અજુ શરૂઆત સ... તમે પુણો કલાક ચેડી જુજો... એવી અસ્સલ મેંદી મેલ્યા લોય તે જેટલી ઘડી હાથ જુશો એટલી ઘડી તમે મન યાદ કરશો ક જ્યોતિબુને મેંદી મેલ્યાલી’તી...” તેમણે હસીને વિશ્વાસપૂર્ણ સ્વરે કહ્યું, પછી પાછા ડિઝાઈનની ઝીણવટતામાં નજર ગૂંથી ધ્યાનમગ્ન થઈ ગયા.

“મને તો બિલકુલ ખબર નહતી કે તમને આટલી સરસ મહેંદી મૂકવાની કલા પણ જાણો છો!” નિરાલીએ સહ:સ્મિત અચરજ પામતા કહ્યું, “તમારી ડિઝાઇન મૂકવાની રીત જોઈને લાગે છે કે આટલા વર્ષો પછી પણ તમારી અંદર મહેંદી મૂકવાની આવડત હજુ પણ જીવંત છે.”

મહેંદી મૂકવામાં પરોવાયેલા જ્યોતિબેને માત્ર સ્મિત કરી જવાબ વાળ્યો.

થોડીક વાર પછી તેમણે કોન બાજુએ મૂકી જરાક ઊંડો શ્વાસ લઈ રિલેક્સ થયા. આંગળીઓના ટચકાં ફોડ્યાં. મહેંદીની ડિઝાઇન જોઈને ત્રણેય કઝીન્સના ચહેરા પર વિસ્મયતાના ભાવ છવાઇ ગયા હતા. જેમાં એક કઝીન્સની ઉત્સુકતા સળવળી ઉઠી. તેણે તરત પ્રશ્ન પૂછી લીધો, “આંટી, તમને નવ વર્ષ પછી પણ બધી જ ડિઝાઇન્સ યાદ છે??”

જ્યોતિબેને કોન હાથમાં લઈને કહ્યું, “બધી ડિઝેન તો શની યાદ રે બુન? હાચું કૌ તો મેંદીનો કોન હાથમો લઉં સુ એ ઘડીએ જ ડિઝેન ઈની મેળે મનમો બનવા લાગ સ, અન હાથ હુના હેડવા લાગ સ...”

ત્રણેય કઝીન્સે અચરજભરી નજરે એકબીજા સામે જોયું. સવા કલાકની વાતોચીતો બાદ બંને હાથની મહેંદી મુકાઇ ગઈ. નિરાલીના હાથમાં મૂકેલી મહેંદીની ડિઝાઇન જોઈને ત્રણેય કઝીન્સના ચહેરા પરની વિસ્મયતા વધતી જતી હતી. આંખોમાં અહોભાવ સાથે એ વાતનું આશ્ચર્ય ઉભરાતું હતું કે એક કામવાળી બાઈ આટલી બેનમૂન ડિઝાઇનવાળી મહેંદી મૂકી જ કેવી રીતે શકે...!! દેશી લહેકાથી બોલતા જ્યોતિબેનનો સાવ ગામઠી ગરીબ દેખાવ જોઈને ત્રણેયે શરૂઆતમાં દબાયેલા હોઠમાં તેમની ઠેકડી ઉડાડી હતી. કોઈ બુકલેટની ડિઝાઇન જોયા વિના એક ગમાર સ્ત્રી આટલી સુંદર ડિઝાઇન કેવી રીતે સર્જી શકે?? એ પણ નવ વર્ષ પછી પહેલીવાર...!! જ્યોતિબેનની મહેંદી મૂકવાની અદ્રિતીય કલાત્મક કારીગરીએ ત્રણેયના મનમાં બાંધેલી પૂર્વધારણાની દીવાલ તોડીને એક આદરપૂર્ણ અને હોંશિયાર વ્યક્તિ તરીકેની છાપ ઊભી કરી.

જ્યોતિબેને ઊંડો શ્વાસ ભરી ગર્વીલું સ્મિત ફરકાવતાં પૂછ્યું, “બોલો હેડો અવ...? મેંદીની ડીઝેન ગમી...?”

નિરાલી ખુશખુશાલ થઈને બોલી ઉઠી, “જ્યોતિબેન, તમારી ડિઝાઇન મને ખૂબ ખૂબ ખૂબ જ ગમી...!! જસ્ટ બ્યુટીફુલ...!!” હજુ પણ તેના મનમાં જ્યોતિબેનની નવી કલા જાણ્યા વિશેનું અચરજ વિસરાયું નહતું, તેણે ઉત્સુક અવાજમાં પૂછ્યું, “...તમે આટલી અદભૂત મહેંદી મૂકવાનું શીખ્યા ક્યાંથી...??”

જ્યોતિબેન નમ્રતાપૂર્વક મલકાઈને બોલ્યા, “પ્રભુની મ્હેરથી જેવી ડિઝેન હુઝી ઇમ ઇમ બનાયે જઈ બુન... તમન મી કીધું ’તું ન ક અસ્સલ મેંદી મેલ્યાલોય...!” તેમણે હસીને ભ્રમરો ઉછાળતા કહ્યું.

“બિલકુલ, તમે તો આજે મને ખુશ કરી દીધી...”

નિરાલીએ મહેંદી મુકેલી હથેળી તેની કઝીન્સ સામે ધરી, પછી બંને આઇબ્રો ઉછાળીને અદાથી પૂછ્યું, “જોઈ મહેંદી? કેવી મૂકી છે બોલો હવે?”

“દી, આઈ ટોટલી લવ્ડ ઈટ...!!” બંને હોઠ ગર્વથી દબાવીને માથું ડોલાવ્યું.

“જસ્ટ ઓસમ...!!” બીજી કઝીન્સે વખાણ કર્યા.

“આંટી, મને પણ આવી જ ડિઝાઇન મૂકી આપો છો અત્યારે...?” ત્રીજી કઝીન્સે સીધી જ રિકવેસ્ટ મૂકી દીધી.

નિરાલીએ હસીને કહ્યું, “જોયું જ્યોતિબેન, તમારી મહેંદી મૂકવાની પ્રતિભાએ તો આજે અમને બધાને અંજાઈ દીધા. તમે તો ખરેખર કલાકાર છો...!”

“અર નિરાલીબુન ઓમો તે વળી શી મોટી કલાકારી કે’વાય...! તમે બધાયે ખુશ થઈ જ્યા એટ્લ મુયે ખુશ...” તેમણે નમ્રતાથી કહ્યું. મનમાં કશુંક સુજતા તરત જ તેમણે દીવાલ ઘડિયાળ પર નજર કરી, “બાપરે! હાડા પોચ થઈ જ્યા...!! બે ઘડી વાતોમો ટેમ ચ્યો નેકળી જ્યો ઈની ખબર્ય નો રઈ...!” તેમણે દરવાજા તરફ પગ ઉપાડતાં કહ્યું, “…હેડો તાણ બુન, અવ ઘેર જઈ દીવાબત્તી કરીન હજુ રોધવાનું સ... સોકરોયે નેહાળથી છૂટીન આઈ જ્યો હશી... તમાર મેંદી મેકવી હોય તો મન કેજો... એક રૂપિયોય નહ લેતી મુ... આતો મારું મન ગમતું કોમ સ બુન... તમે કેશો ત્યાર ટેમ કાઢીન તમન અસ્સલ મેંદી મેલ્યાલોય... હોં...” કહીને હસતાં હોઠે રૂમની બહાર નીકળ્યા.

“જ્યોતિબેન?” નિરાલી તરત બોલી ગઈ.

તેમણે પાછું વાળીને કહ્યું, “હા બોલો...”

“મહેંદીનો ઘાટ્ટો રંગ લાવવા કોઈ ખાસ રીત ખરી?” નિરાલીએ હસતાં હોઠે પૂછ્યું.

“એતો કેવાનું જ ભૂલી જઈ બળ્યું...” કહીને કપાળે હળવી ટપલી મારીને હસી પડ્યા, “દસ-બાર કલાક ચેડી મેંદી હુકઈ જાય પસ બેય હથેળી એકબીજા પર ઘસીન મેંદી ઉખેળજો... પસી મેંદી ઘાટ્ટી લાબ્બી હોય તો ટાઈગર બામ ક વિક્સ હોય તો વિક્સ ચોપળી દેજો. પસ જોજો તમાર ગોરા હાથમો એવો અસ્સલ રંગ નીખરી આવશ ક તમે ખુશ થઈ જશો...!” દરવાજે ઊભા રહીને બંને ભ્રમરો ઉછાળતા કહ્યું.

નિરાલીએ સ્મિત કરી એમનો આભાર માનીને કહ્યું, “જ્યોતિબેન, આ બે મહેંદીના કોન લઈ જાવ... નેહાના હાથમાં મહેંદી મૂકશો તો એને ગમશે...” નિરાલીના હાથમાં મહેંદી હતી એટ્લે તેણે કઝીન, કિંજલને ઈશારો કરીને કોન આપવા કહ્યું. કિંજલે બે કોન જ્યોતિબેન સામે ધર્યા.

“ના, ના... નિરાલીબુન... તમાર આ બુનોન કાલ મેકવા હાટુ મજર આવશે... તમે રાખો...” જ્યોતિબેને હસીને બહાર જવા પગ ઉપાડ્યા.

“સાંભળો, જ્યોતિબેન..., બીજા ઘણાયે કોન પડ્યા છે. તમે લઈ જાવ... નેહા ખુશ થઈ જશે.” નિરાલીએ આગ્રહ કરીને કહ્યું એટ્લે તેમને કોન લેવો જ પડ્યો. જ્યોતિબેનની મહેંદી મૂકવાની ગજબની પ્રતિભા જોઈને નિરાલીના મનના ખૂણામાં એક વાત ઘોળાવા લાગી હતી. આવતી કાલે એમને ઘરે જતી વખતે કહેશે એમ વિચાર્યું એટલામાં જ રસોડામાંથી ટહુકો પડ્યો,

“છોકરીઓ... ચાલો જમવા....”

મહેંદી બતાવવા નિરાલી સાથે ત્રણેય કઝીન્સ ઉતાવળા પગે બહાર દોડી.

“મમ્મી... દેખ કેવી મહેંદી મૂકી છે?” નિરાલીએ ખુશ થઈને બે હાથ સામે ધરીને કહ્યું.

“ઓ....હો હો...! આટલી સરસ કૂને મૂક્યાલી?” આશ્ચર્યભાવે પૂછ્યું, “કિંજલ તી તો નહીં...?”

“ના મમ્મી, જ્યોતિબેને મૂકી આપી… કેટલી સુંદર ડિઝાઇન મૂકી છે નહીં! એકદમ પ્રોફેશનલ...!” નિરાલીએ ડિઝાઇન પર વારી જતાં કહ્યું.

“ના હોય!” આશ્ચર્યથી આંખો પહોળી કરીને કહ્યું, “એમણે આટલી સરસ મહેંદી મૂકી આપી??”

નિરાલીએ હકારમાં માથુ હલાવ્યું.

“કાકી, આવી મહેંદી શહેરમાં મૂકાવા જાવ તો અઢીસો રૂપિયા થાય. મારી ફ્રેન્ડની મમ્મી પ્રોફેશનલી મહેંદી મૂકે છે.” કિંજલે કહ્યું, “…આ આંટીએ તો સાવ મફતમાં આટલી સુંદર મહેંદી મૂકી આપી. હું તો કાલે એમની પાસે બંને હાથે સરસ મહેંદી મૂકવાની છું.” તેણે ખુશ થઈને કહ્યું.

“એકદમ અસ્સલ નઇ...!” બીજી કઝીન્સે જ્યોતિબેનના શબ્દની નકલ ઉતારી તાલી આપી સૂર પુરાવ્યો, “આંટી એવું દેશી બોલે છે તે હું તો બિલકુલ હસું જ નહતી રોકી શકતી. શી ઈઝ સો હિલેરિયસ વેન શી સ્પીક...!” પછી તેણે વાત છેલ્લે વાળી લેતા કહ્યું, “...અને પાછા એટલા જ મજાનાં માણસ છે. બિલકુલ નિખાલસ અને વાતોડિયા...!”

“એવા જ માણસ બધાને ગમે... ચોખ્ખા હ્રદયના અને નિર્ભેળ મનના. કોઈની રૂપ-બોલી જોઈને એના પર હસવું એના પહેલા એ વ્યક્તિને જાણી લેવી જોઈએ, સમજ્યા?” નિરાલીએ ત્રણેયને છેલ્લે આડકતરી રીતે હળવો ઠપકો આપ્યો. પછી બે હાથ બતાવી કહ્યું, “ચાલો હવે જમવા... કોણ જમાડશે મને? બોલો તો?” તેણે આપેલા ઠપકાને હાસ્યમાં ભેળવીને પૂછી લીધું.

ત્રણેય કઝીન્સ હું...હું...હું... કરતી ખિલખિલાટ હસી પડી!

***

આ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવો 99136 91861 WhatsApp નંબર પર પણ આપી શકો છો.

લેખક – પાર્થ ટોરોનીલ