Baazigar - 10 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બાજીગર - 10

Featured Books
Categories
Share

બાજીગર - 10

બાજીગર

કનુ ભગદેવ

૧૦ - સુધાકર પણ ગયો...!

રાજનારાયણના અવસાનને આઠ દિવસ વીતી ગયા હતા.

એના તથા વીરાના મૃતદેહના અંતિમ સંસ્કાર કાશીનાથે જ કર્યા હતા.

કિરણ છેવટ સુધી પોતાના નિર્ણય પર અડગ રહી હતી.

એણે રાજનારાયણનું મોં ન જોયું તે ન જ જોયું.

પરંતુ સુધાકરનું ઉપેક્ષાભર્યું વર્તન તેનાથી સહન નહોતું થતું.

એણે તેની નારાજગીનું કારણ તથા પોતાની ભૂલ શોધવાના ઘણા પ્રયાસો કર્યા. પરંતુ એમાં તેને સફળતા નહોતી મળી.

છેવટે એની સહનશક્તિની હદ આવી ગઈ.

નવમે દિવસે તે સુધાકરની બહેન મંદાકિની પાસે ગઈ અને તેને સુધાકરની વર્તણુક વિશે બધી હકીકતથી વાકેફ કરી.

‘આ તું શું કહે છે કિરણ...?’ એની વાત સાંભળ્યા પછી મંદાકિનીએ આશ્ચર્યથી પૂછ્યું.

‘મંદાકિની, તને મારી વાત પર કદાચ ભરોસો નથી બેઠો... પણ હું સાચું જ કહું છું. છેલ્લા એક અઠવાડિયાથી સુધાકર મારાથી અળગો અને અતડો રહે છે ! હું તેને દસ વખત બોલાવું છું, ત્યારે એક વખત જવાબ આપે છે...! અને એ પણ હા..હું..માંજ ...! એ સિવાય કશું જ નથી બોલતો. આખો દિવસ ઉદાસ, ગુમસુમ અને ચૂપ રહે છે. એની ઉદાસી અને ચુપકીદી મારો જીવ લઇ લેશે એવું મને લાગે છે ! હું ગમે તેવું દુઃખ સહન કરી શકું તેમ છું પરંતુ સુધાકરના ચહેરા પર દુઃખની આછી-પાતળી રેખા પણ મારાથી સહન થાય તેમ નથી.’

‘કિરણ...!’

‘હા, મંદાકિની ...! તું જ તારા ભાઈને સમજાવ...! નહીં તો મારો જીવ ઉડી જશે...!’

‘તું બેફિકર રહે કિરણ...!’ હું સુધાકર પાસેથી જાણવાનો પ્રયાસ કરીશ કે એ તારાથી અતડો શા માટે રહે છે પણ...’

‘પણ...શું ...?’ કિરણે મૂંઝવણભરી નજરે મંદાકિનીના ચહેરા સામે તાકી રહેતાં પૂછ્યું.

‘ક્યાંક તારાથી તો કોઈ ભૂલ નથી થઈને ?’

‘ભૂલ...?’

‘હા... જો થઇ હોય તો મને કહી નાખ...! એ ભૂલને સુધારી પણ શકાય છે !’

‘ના... મારાથી કોઈ ભૂલ નથી થઇ...! આ વાત હું ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું...! સુધાકર પ્રત્યે તો મારી કોઈ ભૂલ થાય જ નહી...! હું તેને અનહદ ચાહું છું એ તો તું જાણે જ છે !’

‘તો પછી એ કયા કારણસર તારાથી અળગો ને અતડો રહે છે ?’

‘એ જ તો મને નથી સમજાતું.’

‘હું અતુલને વાત કરીશ...! એ પણ પોતાની રીતે આ બાબતમાં જાણવાનો પ્રયાસ કરીશે.’

‘મંદાકિની...! જો આમ ને આમ થોડા દિવસો રહેશે તો હું નહીં જીવી શકું...!’ કહીને કિરણ ધ્રુસકે ધ્રુસકે રડી પડી...

‘અરે ગાંડી...રડે છે શા માટે...? આંસુ એકેય વાતનું સમાધાન નથી સમજી...? ચાલ, આંસુ લુછી નાખ !’

કિરણ રૂમાલ વડે આંસુ લુછવા લાગી.

***

સાંજે સાત વાગ્યે સુધાકર ઓફિસેથી ઘેર પાછો ફર્યો.

એણે બ્રીફ્કેસને ટેબલ પર મુકીને રાધાને બુમ પાડી.

થોડી પળોમાં જ રાધા આવી પહોંચી.

‘કોફી બનાવું લાવું સાહેબ...?’ આવતાવેંત એણે પૂછ્યું.

‘કિરણ ક્યાં છે ...?’સુધાકરે એની વાતનો જવાબ આપ્યા વગર પૂછ્યું.

‘મેંમસા’બ તો અતુલ સાહેબને ત્યાં ગઈ છે!’

‘શું...?’ સુધાકરના દિમાગ પર જાણે કે હથોડો ઝીંકાયો.

‘હા, સાહેબ...!’

‘ક્યારે ગઈ છે ?’

‘બાપોરે ...!’

‘કમાલ કહેવાય...! હજુ સુધી પાછી નથી ફરી...!’

‘કદાચ મેમસા’બને મંદાકિનીએ રોકી રાખી હશે !’

‘હૂં...’ સુધાકરના ગળામાંથી હુંકાર નીકળ્યો.

એનો ચહેરો કબરમાંથી કાઢવામાં આવેલા મડદા જેવો થઇ ગયો હતો.

‘કોફી લાવું સાહેબ ?’

‘ના...રામલાલને કહે કે મારો પીવાનો સામાન લઇ આવે !’

‘આજે તો મંગળવાર છે સાહેબ !’

‘શટઅપ...! મેં તને કહ્યું એટલું જ તું કર...!’ સુધાકર જોરથી બરાડ્યો.

રાધા એકદમ ગભરાઈને ચાલી ગઈ.

સુધાકર વિચારમાં પડી ગયો હતો.

સહસા એના અંતરમને કહ્યું –સુધાકર, તેં કિરણ માટે કેવાં કેવાં સપના જોયા હતા ? તારા મનમાં કેટલી આકાંક્ષાઓ રાખી હતી ? પરંતુ સમયની એક જ થપાટે તારા સપનાં અને આકાંક્ષાઓ પર પાણી ફેરવી દીધું. એ તારી ચારિત્ર્યહીન પત્ની પુરવાર થઇ છે. એણે તારા બનેવી સાથે જ અનૈતિક સંબંધો બાંધ્યા છે. જો તું વાત વધારીશ તો બદનામી તારા કુટુંબની જ થશે...! સુધાકર...તું કેટલો કમનસીબ છો...? તું નથી કોઈને તારું દુઃખ કહી શકતો કે નથી સહન કરી શકતો...!

એણે એક ઊંડો શ્વાસ લીધો.

એ જ વખતે રામલાલ વ્હીસ્કીની બોટલ, ગ્લાસ અને આઈસ ક્યુબ સાથે આવી પહોંચ્યો.

એણે એ બધી વસ્તુઓ સ્ટુલ પર ગોઠવી દીધી અને પછી ચુપચાપ ચાલ્યો ગયો.

સુધાકરે એક મોટો પેગ બનાવીને એકીશ્વાસે ખાલી કરી નાંખ્યો.

ત્યારબાદ એક સિગારેટ સળગાવીને તે ધીમે ધીમે તેના કસ ખેંચવા લાગ્યો.

એના ચહેરા પર એક પછી એક ભાવ આવતા જતા હતા.

એ થોડીવારમાં જ પાગલ થઇ જશે એવું તેની હાલત પરથી લાગતું હતું.

આમ ને આમ એક કલાક પસાર થઇ ગયો.

સુધાકર કિરણ વિશે જ વિચારતો હતો.

એ હજુ સુધી ઘેર પછી નહોતી ફરી.

એ જેમ જેમ વિચારતો જતો હતો તેમ તેમ તેનું કાળજું ચીરાતું જતું હતું.

જાણે કોઈક અદૃશ્ય શક્તિ પોતાના શરીરમાંથી લોહી નીચોવતી હોય એવો ભાસ તેને થતો હતો.

એ અડધી બોટલ ખાલી કરી ચુક્યો હતો.

પરંતુ માણસ જયારે મનથી દુઃખી હોય ત્યારે શરાબની પણ એના પર કંઈ અસર નથી થતી.

સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.

સુધાકરે સિગારેટના ઠૂંઠાંને એશ-ટ્રેમાં પધરાવ્યું.

પછી એક ઊંડો નિઃસાસો નાખીને તે થાકેલા પગલે ટેલીફોન પાસે પહોંચ્યો.

‘હલ્લો...કોણ...?’ એણે રિસીવર ઊંચકીને કાને મુકતાં પૂછ્યું.

‘સુધાકર ડીયર...!’ સામે છેડેથી કિરણનો અવાજ તેને સંભળાયો. કિરણનો આ અવાજ તેને કડવો ઝેર જેવો લાગ્યો. એના ચહેરા પર એક પછી એક કેટલાય ભાવો આવીને ચાલ્યા ગયા.

‘બોલ...!’ એણે રૂક્ષ અવાજે કહ્યું.

‘સુધાકર, અચાનક મંદાકિનીની તબિયત લથડી ગઈ છે એટલે હું ઘેર નહીં આવી શકું...!’

સુધાકરને કહેવાનું મન થઇ ગયું-નીચ ...! મંદાકિનીની તબિયત લથડી ગઈ છે કે તારી દાનત બગડી ગઈ છે / તું કદાચ આજની આખી રાત અતુલ સાથે પસાર કરવા માંગે છે...!

પરંતુ ઈચ્છા હોવા છતાંય તે આમ ન બોલી શક્યો.

ક્રોધનો કડવો ઘૂંટડો એ ગળે ઉતારી ગયો.

‘મંદાકિનીને શું થયું છે ?’ એણે પૂછ્યું.

‘એને સખત ઝાડા-ઉલ્ટી થઇ ગયા છે...!’

‘આ સીઝનમાં...? વાત કંઈ સમજાતી નથી...!’

‘હા...મેં ડોકટરને બોલાવ્યો હતો. ખેર, તું એની તબિયત જોવા માટે આવે છે ?’

‘ના...’

‘કેમ...?’

‘અત્યારે હું નશામાં છું એટલે નહીં આવી શકું...!’

‘તેં આજે મંગળવાર પણ પીવામાંથી બાકાત ન રાખ્યો ?’

‘પીવામાં શું મંગળ ને શું બુધ...? શરાબ કંઈ કોઈના વિશ્વાસઘાતના ઝેરથી ખતરનાક નથી !’

‘તું કોના વિશ્વાસઘાતની વાત કરે છે ?’

‘કોઈના નહીં...!’

‘તો પછી ...?’

‘આ તો આજના અખબારમાં એક ગઝલ વાંચી હતી, તેની લાઈન યાદ આવી ગઈ હતી.’

‘તું જમી લે જે ડીયર...!’

‘જમવાનું...?’ સુધાકર વેદનાભર્યા અવાજે બોલ્યો, ‘હા... જમી લઈશ...! તું પણ જમી લેજે...! જો કે આજે મને ખુબ જ જમવાનું મન થાય છે...!’

‘આ તને શું થઇ ગયું છે સુધાકર...?’

‘આજે જરા વધારે પીવાઈ ગયો છે....!’

‘હવે વધુ પીશ નહીં...! જમીને આરામથી સુઈ જજે...!’

‘હા...તું સાચું કહે છે ...! હવે મારે સુઈ જવું જોઈએ...!’ આજે તો હું ખુબ જ આરામથી સુઈ જઈશ...! તું સવારે વહેલી આવી જજે...!’

‘ભલે...’

વળતી જ પળે સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઇ ગયો.

સુધાકરે પણ રિસીવર મૂકી દીધું.

ત્યારબાદ એણે એક પેગ બનાવીને એકી શ્વાસે ખાલી કરી નાંખ્યો.

એનું દિમાગ ફરીથી વિચારવમળમાં અટવાઈ ગયું.

તેનું અંતરમન તેને સલાહ આપવા લાગ્યું –તું શા માટે જીવે છે સુધાકર...? તારી જિંદગીનો હવે કોઈ અર્થ નથી રહ્યો. તું જે કિરણ ખાતર જીવવા માંગતો હતો, આજે એ તારી નથી રહી...! તું કદાચ એના વિશ્વાસઘાતનું ઝેર પીને જીવીશ તો પણ શું વળશે ? એ સંજોગોમાં તું રીબાઈ રીબાઈ ને મરીશ ! કિરણની જેમ તારી જીંદગી પણ બેવફા થઇ ગઈ છે. ઠોકર મારી દે આવી નાલેશીભરી જીંદગીને...! હંમેશને માટે ઊંઘી જા...!

અને જાણે અંતર મનના અવાજને જવાબ આપતો હોય એમ તે બબડ્યો.

‘કુટુંબની આબરૂને ધ્યાનમાં રાખતાં હું ન તો અતુલને કંઈ કહી શકું તેમ છું કે ન તો કિરણને ...! ઘીના ઠામમાં ઘી પડી રહે...ઘરની દીવાલ બહાર ન પડતાં ઘરની સીમા રેખામાં જ પડેલી રહે એટલે ખાતર હું આપઘાત કરી લઉં એ જ વધુ યોગ્ય લેખાશે...! અત્યારના સંજોગો જ એવા છે કે હું કોઈને કશું જ કહી શકું તેમ નથી...તેમ મારાથી હવે આ બધું સહન પણ નથી થતું...! કડવા ઘૂંટડા ઉતારી ઉતારીને હવે હું થાકી ગયો છું. મારી સહનશક્તિની હદ આવી ગઈ છે. મારે આવતીકાલનો સુરજ ઉગતો ન જોવો જોઈએ...!’ કહેતાં કહેતાં સુધાકરના જડબા ભીંસાયા.

જાણે કોઈ મક્કમ નિર્ણય પર આવ્યો હોય એવા હાવભાવ તેના પર છવાઈ ગયા હતા.

પછી અચાનક જ કોણ જાણે શું થયું કે તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

ધ્રુસકા વચ્ચે એ સ્વગત બબડ્યો, ‘કિરણ, હું આજે રાત્રે જ તારા વિશ્વાસઘાતની વાત મારા મનમાં જ રાખીને તારી દુનિયાથી દુર...ખુબ દુર ચાલ્યો જઈશ...એવી દુનિયામાં કે જ્યાંથી કોઈ પાછુ નથી આવતું. કોઈકે સાચું જ કહ્યું છે કે માણસ જયારે જીવતો હોય છે, ત્યારે તેની કદર નથી થતી. એના મૃત્યુ પછી સૌ કોઈ તેને યાદ કરી કરીને રડે છે. તારી હાલત પણ આવી જ થશે કિરણ...! તને પસ્તાવો થશે...પણ તારો પશ્ચાતાપ જોવા માટે હું હાજર નહીં....! હું નહીં હોઉં ત્યારે જ તને મારા પ્રેમની કીમત સમજાશે.’

સહસા તેના કાને કોઈકના પગલાનો અવાજ સંભળાયો.

એણે ઝડપથી હથેળીથી આંસુ લુછી નાખ્યા અને સ્વસ્થ થવાનો પ્રયાસ કરવા લાગ્યો.

એ કોઈનેય પોતાના દુઃખમાં ભાગીદાર બનાવવા નહોતો માંગતો.

થોડી પળો બાદ રામલાલ તેના ખંડમાં પ્રવેશ્યો.

‘સાહેબ...!’ એ બોલ્યો.

સુધાકરે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘શેઠ સાહેબે આપને જમવા માટે બોલાવ્યા છે !’ એની નજરનો અર્થ પારખીને રામલાલે કહ્યું.

‘તું જા...હું આવું છું...!’

‘જી...!’કહીને રામલાલ વિદાય થઇ ગયો.

સુધાકરે એક નાનકડો પેગ બનાવીને ગળા નીચે ઉતાર્યો.

પછી એણે બોટલ સામે જોયું.

બોટલ અડધાથી ઉપરાંત ખાલી થઇ ગઈ હતી.

એ જયારે પણ વ્હીસ્કી પીતો હતો, ત્યારે બે પેગથી વધુ નહોતો પીતો. પરંતુ આજે અડધા ઉપરાંત બોટલ ખાલી કરી નાખી હોવા છતાં પણ પોતાનો નશો નથી ચડ્યો એ જોઇને તેને નવાઈ લાગતી હતી.

ત્યારબાદ તે ડાઈનીંગ રૂમમાં પહોંચ્યો.

કાશીનાથ તેની જ રાહ જોતો હતો.

‘સુધાકર, તું છેલ્લા પાંચ-સાત દિવસથી વધુ પડતો શરાબ પીવા લાગ્યો છે !’ એણે સુધાકરની હાલતનું અવલોકન કરતાં કહ્યું.

‘જી, પિતાજી...!’

‘તું તારી મુશ્કેલી મને જણાવ સુધાકર...! હું તારી બધી મુશ્કેલી દુર કરી દઈશ.’

‘તમે...?’

‘હા...?’

‘પિતાજી ...મારી મુશ્કેલી તમે તો શું, ભગવાન પણ દુર કરી શકે તેમ નથી.’

‘આ તું શું કહે છે સુધાકર....? તારું દિમાગ તો ઠેકાણે છે ને ?’ કાશીનાથે પૂછ્યું.

‘હા, પિતાજી...?’

‘ના... તારું દિમાગ ઠેકાણે નથી. તું અત્યારે નશામાં છો...! મેં તને કેટલી વખત બહુ શરાબ પીવાની ના પાડી છે ? વધુ પડતો શરાબ તબિયત માટે હાનિકારક છે...!’

‘એમ...?’

‘હા...’

‘તો હવે ભવિષ્યમાં તમે ક્યારેય શરાબ પીતો નહિ જુઓ...! હું તમને વચન આપું છું...!’

‘તું મને નશામાં વચન આપે છે એટલે હું તારા વચન પર ભરોસો કરી શકું તેમ નથી.’

‘કોઈને બળજબરીથી ભરોસો કરાવવામાં નથી આવતો પિતાજી, પણ કરવામાં આવે છે...!’

‘ચાલ, જમી લઈએ...!’

બંને ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયા.

રામલાલ થાળીઓ પીરસવા લાગ્યો.

બંને જમવા લાગ્યા.

સુધાકરે જેમ તેમ કરીને પાંચ-સાત કોળિયા ગળે ઉતાર્યા.

પછી પાણી પીને નેપકીનથી હાથ લુછવા લાગ્યો.

‘શું થયું સુધાકર...?’

‘મેં જમી લીધું છે પિતાજી...!’

‘તું ક્યાં જમ્યો છે ?’

‘બસ, આટલી જ ભૂખ હતી...!’

‘અ વધુ પડતો શરાબ ઢીંચવાનું પરિણામ છે દિકરા..! તને જમવાનું નહિ ભાવ્યું હોય !’

‘એવી કોઈ વાત નથી પિતાજી...! રાધા જમવાનું બહુ સારું બનાવે છે.’

‘તો પછી...?’

‘મેં શરાબની સાથે સુકોમેવો ખાધો હતો એટલે આટલી જ ભૂખ હતી.’ સુધાકરે ખોટું બોલતા કહ્યું.

‘સાચું કહે છે ...?’

‘હા...’

કાશીનાથે મનોમન રાહત અનુભવી.

ત્યારબાદ તે જમવા લાગ્યો.

સુધાકર એની રજા લઈને પોતાના શયનખંડ તરફ આગળ વધી ગયો.

એ પોતાના શયનખંડમાં પહોંચ્યો, ત્યાં જ સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.

કદાચ કિરણનો ફોન હશે...આ વિચાર આવતા જ એના ચહેરા પર તિરસ્કારના હાવભાવ છવાઈ ગયા.

એ અફસોસ વ્યક્ત કરતો હોય એમ માથું હલાવીને થાકેલા પગલે ટેલીફોન પાસે પહોંચ્યો.

‘હલ્લો...સુધાકર સ્પીકિંગ ....તમે કોણ...?’ એણે રિસીવર ઊંચકીને કાને મુકતાં પૂછ્યું.

‘સુધાકર...!’

‘શુભેચ્છક, તું ...?’ સુધાકરે સામે છેડેથી આવતાં અવાજને ઓળખીને પૂછ્યું.

‘હા...હું તારો શુભેચ્છક જ બોલું છું.’

‘તારો ખુબ ખુબ આભાર દોસ્ત...!’

‘કેમ...? મારો આભાર માનવો પડે એવું મેં તારું શું કામ કર્યું છે ?’

‘તેં મને કિરણની વાસ્તવિકતાનું ભાન કરાવ્યું છે...! જો તેં મને એની ચારિત્ર્યહીનતાથી વાકેફ ન કર્યો હોત તો હું અંધારામાં જ રહેત અને મારી પીઠ પર વિશ્વાસઘાત રૂપી ખંજર ખુંચાડતી રહેત !’

‘ઓહ... એ તો મારી ફરજ હતી. ખેર, હવે તેં શું નિર્ણય કર્યો છે ?’

‘કઈ બાબતમાં ...?’

‘અત્યારે તો કિરણનો મામલો જ તારી સામે અજગરની જેમ મોં ફાડીને ઉભો છે ! શું તારો વિચાર એની સાથે છૂટાછેડા લેવાનો છે ?’

‘ના...!’

‘કમાલ કહેવાય...!’

‘કેમ...? આમાં કમાલ જેવું શું છે ?’

‘તું કિરણ જેવી ચારિત્ર્યહીન સ્ત્રીને સહન કરવા માટે તૈયાર છો, એ કમાલની જ વાત કહેવાય ને ..? દોસ્ત, મારી સલાહ માન અને તાબડતોબ છૂટાછેડા આપીને રવાના કરી દે. આમ કરવામાં જ તારું કલ્યાણ છે !’

‘હું એને કયા આરોપસર છુટાછેડા આપું ...?’

‘લે કર વાત...!’ સામે છેડેથી આવતા અવાજમાં ઠાવકાઈ હતી, ‘બધું તારી નજર સામે છે, છતાંય તું આવો સવાલ પૂછે છે...! મેં તને જે ફોટાઓ મોકલ્યા હતા, એ તું કોર્ટમાં કિરણની ચારિત્ર્યહીનતા તરીકે રજુ કરી દેજે. એ ફોટાના આધારે કોઈપણ ન્યાયાધીશ પહેલી સુનાવણીમાં તારી અરજી મંજુર કરી દેશે.’

‘જો હું આવું કરીશ તો મારા બનેવી અતુલની બદનામી થશે. તેમના સુખી જીવનમાં કંકાસ થશે. આ સંજોગોમાં મારી નાની બહેન મંદાકિનીનું જીવન નર્ક કરતાંય વધુ બદતર બની જશે. ઉપરાંત અમારા કુટુંબની બદનામી થશે... અમારી આબરૂ ધૂળ-ધાણી થઇ જશે.’

‘વાત તો તારી પણ મુદ્દાની છે...! જરૂર આમ જ બનશે. પણ એક વાત છે સુધાકર...!’

‘શું...?’

‘મારી નજરે તું સાચા અર્થમાં પુરુષ નથી.’

;આ તું શું બકે છે એનું તને ભાન છે ?’ સુધાકર કાળઝાળ રોષથી ગરજી ઉઠ્યો.

‘બુમો પાડવાની જરૂર નથી. સાચી વાત હંમેશા કડવી અને અપ્રિય હોય છે. એને સહન કરતા શીખ...!’

‘શટઅપ ...! આ મારો અંગત મામલો છે અને એમાં તારે માથું મારવાની જરા પણ જરૂર નથી સમજ્યો ?’

‘લે ભાઈ, જો આ મામલામાં તને મારું માથું મારવું ન ગમતું હોય તો હું મારા માથાને પાછું ખેંચી લઉં છું બસ ને ...? ઓ.કે...ગુડ નાઈટ...!’

વળતી પળે જ સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઇ ગયો.

સુધાકરે એક ઊંડો શ્વાસ લઈને રિસીવર મૂકી દીધું.

***

કિરણની ઊંઘ ઉડી ત્યારે સવારના સાડા પાંચ વાગ્યા હતા.

એ પલંગ પર બેઠી થઇ ગઈ.

બહાર સવારનું અજવાળું પથરાતું જતું હતું.

પછી સુધાકરે વહેલી બોલાવી છે એ વાત તેને યાદ આવી.

એણે નિત્ય કર્મથી પરવારીને મંદાકિનીને ઉઠાડી.

‘શું વાત છે કિરણ...? ’મંદાકિનીએ પૂછ્યું.

‘તારી તબિયત હવે કેમ છે ...?’

‘થોડી નબળાઈ લાગે છે. પણ બે-ત્રણ દિવસમાં સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ જઈશ.’

‘તો હવે મને રજા આપ...!’

‘અત્યારે જ જવું છે ?’

‘હા... સુધાકરે મને ફોન પર સવારે વહેલા આવવાનું કહ્યું હતું. એક તો આમેય તે મારાથી નારાજ છે. જો હું વહેલી ઘેર નહીં પહોંચું તો એ વધુ નારાજ થઇ જશે. હું બધું જ સહન કરી શકું તેમ છું. પરંતુ એની નારાજગી મારાથી સહન થાય તેમ નથી.’

‘ભલે, જા...! પિતાજી અને સુધાકરને કહેજે કે હવે હું એકદમ સ્વસ્થ છું. તેઓ મારી ચિંતા ન કરે...!’

‘જરૂર...’કહીને કિરણ તેના શયનખંડમાંથી બહાર નીકળી ગઈ.

થોડી પળો બાદ એની કાર કાશીનાથના બંગલા તરફ દોડતી હતી.

અડધા કલાકમાં જ એ ત્યાં પહોંચી ગઈ.

કાશીનાથ બંગલાની બહાર લોનમાં જ આંટા મારતો હો.

‘કિરણ...’

‘જી, પિતાજી...!’

‘મંદાકિનીને હવે કેમ છે ?’ કાશીનાથે તેની નજીક આવતાં પૂછ્યું.

‘સારી છે પિતાજી...! ચિંતા કરવા જેવું કશું નથી.’

‘ઈશ્વરનો ઉપકાર...! હું ત્યાં ફોન કરીને મંદાકિનીના ખબરઅંતર પૂછવાનો જ વિચારતો હતો ત્યાં જ તું આવી ગઈ.’

‘પિતાજી ..આપે ચા પી લીધી...?’

‘હા, હવે તું સુધાકરને ઉઠાડીને તેને જલ્દી તૈયાર થવાનું જણાવી દે ! અમારે બંનેએ ધંધાકીય કામ અંગે ભૂપગઢ જવાનું છે. હું રાત્રે તેને આ પ્રોગ્રામ વિશે કહેતાં ભૂલી ગયો હતો. નહીં તો અત્યાર સુધીમાં ઉઠી ગયો હોત...!’

‘જી, પિતાજી...!’ કહીને કિરણ બંગલાની મુખ્ય ઈમારત તરફ આગળ વધી ગઈ.

થોડી પળો બાદ તે શયનખંડમાં પહોંચી.

અંદર પલંગ પર સુધાકર સુતો હતો.

એનું મોં ઉઘાડું હતું અને ખુલ્લી ફાટક આંખો છત સામે જ જડાયેલી હતી.

સુધાકરની હાલત જોઇને તે એકદમ ગભરાઈ ગઈ.

‘સુધાકર...સુધાકર...આ તને શું થઇ ગયું છે ?’ એ તેના ખભા પકડીને ઢંઢોળતા બોલી.

પરંતુ સુધાકર જીવતો હોય તો જવાબ આપે ને...?

એ તો હંમેશને માટે આ ફાની દુનિયાનો ત્યાગ કરી ચુક્યો હતો.

વળતી જ પળે કિરણ જોરજોરથી બુમો પાડવા લાગી.

‘પિતાજી...પિતાજી....જલ્દી આવો...સુધાકરને કંઇક થઇ ગયું છે...!’

એની બુમ સાંભળીને કાશીનાથ હાંફતો હાંફતો શયનખંડમાં દોડી આવ્યો.

‘શું વાત છે કિરણ...?’

‘પિતાજી...! સુધાકરને શું થઇ ગયું છે...? એ કંઈ બોલતો કેમ નથી...?’

કાશીનાથ સુધાકરની હાલત જોઇને એકદમ હેબતાઈ ગયો. એનું શરીર બરફની જેમ ઠંડુ પડી ગયું.

સુધાકર મૃત્યુ પામ્યો છે, એવું અનુમાન કરવું તેને માટે મુશ્કેલ નહોતું.

વળતી જ પળે એની આંખોમાંથી આંસુ સરી પડ્યા.

‘સુધાકરને શું થઇ ગયું છે પિતાજી...?’

એ હવે આપણી વચ્ચે નથી રહ્યો કિરણ ...!’ કાશીનાથ રડમસ અવાજે બોલ્યો.

‘ના...ના...!’ કિરણે ચીસ જેવા અવાજે કહ્યું, ‘એવું ન બને પિતાજી...! મારો સુધાકર ક્યારેય મારી સાથે દગો ન કરે...! તમે...તમે ખોટું બોલો છો...!’

‘મગજ ઠેકાણે રાખ કિરણ...! સુધાકર હંમેશને માટે આપણને છોડીને ચાલ્યો ગયો છે....!’

સુધાકર ખરેખર જ મૃત્યુ પામ્યો છે એ વાતનું ભાન થતાં જ કિરણ સુધાકરની છાતી પર માથું મુકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એનું કરુણ રુદન પાષણ હૃદયના માનવીને પણ પીગળાવી મુકે તેવું હતું.

કાશીનાથ અશ્રુભરી આંખે કિરણને રુદન કરતી તાકી રહ્યો.

પછી સહસા એની નજર સ્ટુલ પર પડી.

સ્ટુલ પર ‘કોમ્પોઝ’નાં પાંચ ખાલી પાનાં હતાં અને ગ્લાસ નીચે એક કાગળ દબાવેલો હતો.

કામ્પોઝના ખાલી પાનાં જોઇને સુધાકરે ઘેનની કુલ પચાસ ગોળીઓ ખાઈને આપઘાત કર્યો છે. એ વાત તે તરત જ સમજી ગયો.

એણે ગ્લાસ નીચે દબાયેલો કાગળ કાઢીને વાંચ્યો.

એમાં લખ્યું હતું-

મને મારી જિંદગી પ્રત્યે ખુબ જ અભાવ આવી ગયો છે.

મારી જિંદગીનો હવે કોઈ હેતુ નથી રહ્યો. આ કારણસર હું આપઘાત કરીને મારી જિંદગી ટૂંકાવું છું.

પોલીસ અને કાયદાને મારી વિનંતી છે કે મારા આપઘાતને કારણે તેઓ કોઈનેય હેરાન ન કરે.

હું મારી રાજીખુશીથી આપઘાત કરું છું.

મારા આપઘાતની સંપૂર્ણ જવાબદારી મારી જ છે...!

બસ....આથી વિશેષ મારે કંઈ કહેવાનું નથી.

-સુધાકર

કાશીનાથ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

બંગલાના તમામ નોકરો સુધાકરના શયનખંડમાં એકઠા થઇ ગયા હતા.

સૌ કોઈની આંખોમાં આંસુ ચમકતાં હતા.

***