Agyaat Sambandh - 29 in Gujarati Fiction Stories by Shabda Sangath Group books and stories PDF | અજ્ઞાત સંબંધ - ૨૯

Featured Books
  • तमस ज्योति - 51

    प्रकरण - ५१मेरे मम्मी पापा अब हमारे साथ अहमदाबाद में रहने आ...

  • Lash ki Surat

    रात के करीब 12 बजे होंगे उस रात ठण्ड भी अपने चरम पर थी स्ट्र...

  • साथिया - 118

    अक्षत घर आया और तो देखा  हॉल  में ही साधना और अरविंद बैठे हु...

  • तीन दोस्त ( ट्रेलर)

    आपके सामने प्रस्तुत करने जा रहे हैं हम एक नया उपन्यास जिसका...

  • फाइल

    फाइल   "भोला ओ भोला", पता नहीं ये भोला कहाँ मर गया। भोला......

Categories
Share

અજ્ઞાત સંબંધ - ૨૯

પ્રકરણ-૨૯

ખજાનાની શોધ

“ભાઆઆઆઈ...” ભયભીત થયેલી રિયાએ જોરથી ચીસ પાડી. તે દીવાલ પાસે જાય એ પહેલાં જ ઈશાને તેને બાહુપાશમાં જકડી લીધી, કારણ કે દીવાલોમાંથી નીકળેલા સેંકડો હાથ તેમને પકડવા માટે આતુર હતા. ત્યાં હાજર રહેલા તમામ લોકો ભયથી કાંપી રહ્યા હતા. ભૂત-પ્રેતમાં ન માનનારો બખ્તાવર હાલ પરસેવેથી રેબઝેબ થઈને ધ્રૂજી રહ્યો હતો. તેને હજુ ક્યાં ખબર હતી કે આ તો માત્ર શરૂઆત જ છે ! આગળ આવનારી મુસીબત તેના જીવને જોખમમાં મૂકી દેશે. જો તે એ વાત જાણતો હોત તો અહીં દિવાનગઢમાં આવવાની ભૂલ તે ન જ કરત.

“રિયા, આપણે આગળ વધવું જ પડશે અને તું ચિંતા ન કર. રતન કાંઈ કાચો-પોચો માણસ નથી કે હારી જાય. તે પાછો આવશે.” સુરેશભાઈએ રિયાને સાંત્વના આપતાં કહ્યું.

બધાને હવે આગળ વધવું જ મુનાસીબ લાગી રહ્યું હતું. પ્રકાશની ગેરહાજરીને કારણે મોબાઈલમાં ફ્લેશલાઈટ કરીને ધીમે ધીમે સાવધાનીથી બધા આગળ વધી રહ્યા હતા. ગુફાનો કાચો માર્ગ ખરબચડો હતો. સુરેશભાઈ નકશાનું અનુસરણ બખૂબી કરી રહ્યા હતા. રિયા હજુ પણ રતનસિંહ સાથે બનેલા બનાવથી દુઃખી હતી. બેશક બીજા લોકોને પણ રતનસિંહની કમી સાલતી હતી.

***

કાળાડિબાંગ વાદળોએ આકાશ પર કબજો જમાવેલો હતો. વાદળોનો પ્રચંડ ગડગડાટ ભયની કંપારી ફેલાવી દે એવો હતો. રણવિસ્તારમાં રેતીઓની ડમરી ઉંચે સુધી ઊડી રહી હતી. આજે એક એવી અગત્યની ઘટના બનવાજોગ હતી જે સદીઓ સુધી લોકજગત વિસરી શકવાનું નહોતું.

રણમાં રતનસિંહ મુર્છાવસ્થામાં પડ્યો હતો. ભાનમાં આવતાં તેને અહેસાસ થયો કે તે રેતીની અંદર દટાયેલો છે. થોડી શક્તિ લગાવીને રેતી ખંખેરીને તે ઊભો થયો. તેમ છતાંય તેના પગ હજુ અંદર જ હતા. તેનામાં રહેલી તમામ શક્તિ અજમાવીને ચાલવાની સફળ કોશિશ તે કરી રહ્યો હતો. તેને થોડે દૂર એક વૃક્ષ દેખાયું. ત્યાં જાણે કોઈ સ્ત્રી આકૃતિ ઊભી હોય તેવો અહેસાસ થતો હતો.

રતનસિંહ તે તરફ આગળ વધ્યો. એ સ્ત્રીએ લાલ રંગની સાડી પહેરી હતી. જાણે કે તે કોઈ દેવી હોય તેવો આભાસ થતો હતો.

“તમે કોણ છો ?” રતનસિંહે અચરજથી પૂછ્યું. આ રણવિસ્તારમાં દૂર દૂર સુધી કોઈ દેખાતું ન હતું એવી જગ્યાએ આ મહિલા શું કરતી હશે એ વિચાર નવાઈ પમાડે તેવો હતો.

“અંબા ! તારી ફોઈ.” તેમણે હસીને કહ્યું.

“પ્રણામ.” રતનસિંહે હાથ જોડીને કહ્યું.

“ખુશ રહે દીકરા. આજના આ યુદ્ધમાં તારો વિજય થાય તેવા આશીર્વાદ.” અંબાએ કહ્યું.

“ફોઈ, હું અહીં કેવી રીતે પહોંચ્યો ?” રતનસિંહે પૂછ્યું.

“આ કાલ્પનિક દુનિયા છે, તારા સપનાની દુનિયા, જ્યાં તું મને મહેસુસ કરી રહ્યો છે.” અંબાએ કહ્યું.

“મતલબ આ હકીકત નથી ?” રતનસિંહને આશ્ચર્ય થયું.

“ના. પરંતુ, અમુક હકીકત તારે જાણવી જરૂરી છે દીકરા.” અંબાએ કહ્યું.

“કેવી હકીકત ?” રતનસિંહે પૂછ્યું.

“દિવાનસિંહના અંત વિશેની હકીકત...” અંબાએ કહ્યું.

“એ તો તલવારથી જ મરશે ને ? એને શોધવા માટે જ તો અમે ગુફામાં જઈ રહ્યા છીએ.” રતને કહ્યું.

“માની લે કે તમે લોકો તલવાર સુધી પહોંચો એ પહેલાં દિવાનસિંહ એને ત્યાંથી ગાયબ કરી દે તો ? કેવી રીતે ખતમ કરશો એને ?” અંબાએ હળવા સ્મિત સાથે આગળ વાત વધારતાં કહ્યું, “તમે સરળતાથી ગુફામાં આગળ વધી રહ્યા છો. હજુ સુધી દિવાનસિંહ તમને નડ્યો નથી એ જાણવા છતાંય કે તમે તલવારની શોધમાં છો. તે છતાંય ?” અંબાએ કહ્યું.

“હા ફોઈ, તમારી વાત સાચી છે. તે કોઈક ચાલ તો રમશે જ.”

“દિવાનસિંહને ખતમ કરવાના માત્ર બે માર્ગ છે. એક તલવાર અને બીજો... તેને મળેલો શ્રાપ.” અંબાએ કહ્યું.

“કેવો શ્રાપ ?”

“આ વાત ત્યારની છે જ્યારે હું જીવતી હતી. દિવાનસિંહ પ્રેત બન્યા બાદ મને મારવા ઝૂંપડીએ આવ્યો હતો. અંદર આવતાવેંત તેણે મને ખેંચીને લાત મારી. એ સમયે હું ગર્ભવતી હતી. મારો ગર્ભપાત થઈ ગયો એ વિષે મને ખ્યાલ આવી ગયો હતો. પીડાને કારણે હું તડપી રહી હતી.”

થોડીવાર શાંત રહ્યા બાદ અંબાએ વાત આગળ વધારી, “માતૃત્વ ધારણ કરવું એ સૌથી મોટું સુખ છે. મેં અને મારા પતિએ આ વિષે કેટલાંય સપનાં જોયાં હતાં અને એક નાપાક હેવાને ક્ષણભરમાં બધું તહેસ-નહેસ કરી નાખ્યું. ગુસ્સામાં જ મેં તેને શ્રાપ આપ્યો. આજ પછી જો તે કોઈ પણ ગર્ભવતી સ્ત્રીની હત્યા કરશે કે તેના ગર્ભપાતનું કારણ બનશે તો તેને પ્રાપ્ત થયેલી તમામ આસુરી શક્તિ નાશ પામશે અને આ પૃથ્વીના અંત સુધી તેણે અહીં જ સબડવું પડશે.” અંબાએ કહ્યું.

“પરંતુ આના બદલે એવો શ્રાપ આપ્યો હોત કે જો તે કોઈને પણ મારશે તો એની શક્તિ નાશ પામશે, તો વધુ સારું રહેત.” રતને કહ્યું.

“તારી વાત સાચી છે, પરંતુ એ સમયે હું માત્ર મારા વિષે જ વિચારી રહી હતી. મારા ગર્ભપાત થવાના દુઃખને કારણે જ મારા મુખેથી તેના માટે આવી બદદુઆ નીકળી હશે.” અંબાએ કહ્યું.

“પરંતુ જો તલાવર ન મળે તો હમણાં કોઈ ગર્ભવતી સ્ત્રી ધ્યાનમાં પણ નથી. અને બીજી વાત કે આપણા સ્વાર્થને કારણે કોઈ માસુમનો ભોગ કેમ લેવો ?” રતનને દુઃખ થયું.

“જ્યારે અચ્છાઈ અને બુરાઈ વચ્ચે જંગ થાય છે ત્યારે નિયતિ બલિદાન માગે જ છે.” અંબાએ કહ્યું.

“અને બીજી વાત ધ્યાનથી સાંભળ...” અંબાએ તેને અગત્યની વાત કહી.

“નહિ... હું આ કોઈ કિંમતે નહિ થવા દઉં. પછી મારે ખુદના પ્રાણ પણ કેમ ન આપવા પડે.” રતને દૃઢતાથી કહ્યું.

“જરૂર પડ્યે આ પણ કરવું પડશે. તમારા સૌના બલિદાનને કારણે જ આગામી પેઢીઓ સુખેથી જીવી શકશે.” અંબાએ કહ્યું.

“ઠીક છે, જરૂર પડ્યે આ પણ કરીશું.” રતને આંખ મીંચતાં કહ્યું.

“વિજયી થાઓ, દીકરા...” અંબાએ કહ્યું. તેનું શરીર હવામાં ઓગળી ગયું.

થોડીવાર બાદ રતનસિંહે આંખો ખોલી. તે કોઈ ઓરડીમાં હતો. અંધારું હોવાને કારણે તેને કઈ દેખાતું ન હતું.

***

ગુફામાં જાણે ધરતીકંપ થયો હોય તેવો ભાસ થતો હતો. ગડડ… ગડડ... અવાજ ધીમે ધીમે વધી રહ્યો હતો. અચાનક જ ડ્રાઈવર મકોડા પુરઝડપે આવી રહ્યા હતા. કવિતા આ દ્રશ્ય જોઈને રીતસર ચીસો જ પાડવા લાગી.

“ભાગો...” ઈશાને કહ્યું અને એ સાથે જ બધાએ દોટ મૂકી.

બખ્તાવરના બે માણસો ડ્રાઈવર મકોડાની પકડમાં આવી ગયા. તેમની સંખ્યા જ એટલી હતી કે માણસ ઉપર ચડતાં જ માત્ર તેઓ જ નજરે પડતા હતા. મકોડાની ફોજ નીચે કોઈ માણસ હશે તેની કલ્પના માત્ર એમાંથી આવતી ભયાનક ચીસોને આધારે જ કરી શકાય એમ હતી.

“બચાવો... બચાવો...” તે બે માણસોએ ચીસો પાડી. પણ ભયને કારણે કોઈ તેમને જોવા પણ ઊભું ન રહ્યું અને બધા આગળ ભાગ્યા.

અચાનક ગુફાની ઉપર તરફના પોપડા ખરવા લાગ્યા અને થોડીવારમાં ત્યાં ભેખડ ધસી પડતાં આગળ જવાનો રસ્તો લગભગ બંધ થઈ ગયો હતો. જ્યારે પાછળ તરફ મકોડાની ફોજ ઝડપથી તેમની તરફ આવી રહી હતી.

***

મકોડા તેમની એકદમ નજીક પહોંચી ગયા હતા. રિયાએ આંખો મીંચીને હળવી ચીસ પાડી. તે બધા રિયા ઊપર ચડે એ પહેલાં તેમની વચ્ચે રતનસિંહ આવી પહોંચ્યો. તેના હાથમાં મશાલ હતી. તેણે બધા મકોડાને અગ્નિની જ્વાળાથી બાળવાનું શરુ કર્યું. બીજી તરફ વનરાજ, ઈશાન અને બખ્તાવરના માણસો ધસી પડેલી ભેખડને દૂર કરવાનું કામ કરી રહ્યા હતા. અગ્નિના કારણે બધા મકોડાએ પીછેહઠ કરી અને બધાએ રાહતનો દમ લીધો.

“ભાઈ...” કહેતાં રિયા રતનને વળગી પડી.

રતનને સહી-સલામત જોઈને બધાને હાશકારો થયો.

“તને અંદરની બાજુ કોણ ખેંચી ગયું હતું ?” સુરેશભાઈએ પૂછ્યું.

“એ બધી વાતો પછી. આ બંધ રસ્તાને ખુલ્લો કરીએ ?” રતનસિંહે હસીને કહ્યું.

થોડીવારમાં ભેખડને દૂર કરવામાં બધાને થોડીક સફળતા મળી. તેઓ એક મોટું બખોલ જેવું કાણું બનાવી શક્યા કે જેની અંદરથી પસાર થઈને બધા બીજી તરફ જઈ શકે. થોડીવારમાં બધા આગળ વધ્યા.

લગભગ અડધો કલાક ચાલ્યા બાદ બધાને એક ભવ્ય કલાકૃતિવાળો દરવાજો દેખાયો. સુરેશભાઈ હમણા સુધી નકશાને અનુસરી રહ્યા હતા. પણ આ વખતે તેઓ મૂંઝાયા.

“શું થયું, નાના ?” ઈશાને પૂછ્યું.

“આ દરવાજાને કેમ ખોલવો એ વિશેનો ઉલ્લેખ આમાં નથી.” સુરેશભાઈએ માથું ખંજવાળ્યું.

પાંચ-છ માણસોએ બળથી દરવાજાને તોડવાની કોશિશ કરી, પણ નિષ્ફળ રહ્યા.

“આ દરવાજો બળથી નહિ, પણ કળથી ખૂલશે.” સુરેશભાઈએ કહ્યું.

“એય ડોસા, ક્યાંક તું મારી સાથે ગેમ તો નથી રમતો ને ? તારી પાસે નકશો છે એમાં બધી વસ્તુઓ સાફ જ હશે ને ?” બખ્તાવર ખિજાયો.

“ઓય બે કોડીના ગુંડા, મારા નાના જોડે માનથી વાત કરજે.” ઈશાને ઊંચા અવાજમાં કહ્યું.

“નહીં તો તું શું કરી લઈશ ?” ડેની ઈશાનની નજીક આવ્યો અને તેનો કોલર પકડતાં બોલ્યો.

ઈશાને ડેનીને જોરથી એક તમાચો માર્યો. જાણે કે તેનું જડબું હલી ગયું હોય તેવો તેને અહેસાસ થયો હતો. ડેનીએ પણ વળતો પ્રહાર કરતાં ઈશાનના પેટમાં ખેંચીને લાત મારી. ઈશાન દર્દથી કણસતો જમીન પર ઢળી પડ્યો. આ કારણે રતનસિંહને ગુસ્સો આવ્યો અને તેણે ડેનીનો કોલર પકડીને ઊંચો કર્યો અને દૂર ફેંક્યો. બધા રતનસિંહની શક્તિ જોઈને દંગ રહી ગયા. સાડા છ ફૂટની ઊંચાઈ ધરાવતા રતનસિંહ માટે તો આ એક સામાન્ય વાત હતી.

એક બીજી આશ્ચર્ય કરનારી ઘટના બની ગઈ. ડેની જેવો જ થોડે દૂર જમીન પર પટકાયો કે દરવાજો થોડોક ખૂલી ગયો. કર્કશ અવાજ આવતાં બધાનું ધ્યાન તે તરફ ગયું.

“તારી તો...” કહીને ડેની રતનસિંહ તરફ આગળ વધ્યો. તે જેવો તેની જગ્યાએથી સરક્યો કે દરવાજો ફરી બંધ થઈ ગયો.

“એક મિનીટ... આ શું થઈ રહ્યું છે ?” બખ્તાવરે કહ્યું.

“જો તું તારા માણસને શાંત પાડે તો કંઈક વિચારું ?” રતનસિંહે બખ્તાવરને કહ્યું.

“ડેની...” માત્ર એક જ શબ્દથી ડેની સમજી ગયો અને દુર જતો રહ્યો.

જે જગ્યાએ ડેની પટકાયો હતો ત્યાં રતનસિંહ ગયો. ત્યાં એક ચોરસ આકારનો જમીનથી સહેજ ઉપસી આવેલો પથ્થર હતો. ધ્યાનથી જોતાં જ તે વિશે કોઈને ખબર પડે તેમ હતું. હવે રતનસિંહ કંઈક સમજી રહ્યો હતો.

રતનસિંહ તે જગ્યાએ ઊભો રહ્યો અને ફરી દરવાજો ડાબી તરફ થોડો ખૂલ્યો. પરંતુ તેમ છતાંય તે એટલો પણ નહોતો ખૂલ્યો કે કોઈ તેમાંથી પસાર થઈ શકે.

“આપણી આસપાસ બધી જગ્યાએ તપાસ કરો. હજુ આવી ચોરસ જગ્યાઓ હશે.” રતનસિંહે કહ્યું.

બધા અદ્દલ એના જેવી ચોરસ જગ્યા શોધવા લાગ્યા. રતનસિંહે એક માણસને ઈશારો કરીને નજીક બોલાવ્યો. તેને પોતાની બદલે ચોરસ ખાનામાં ઊભો કર્યો.

રતનસિંહ જ્યાં ઊભો હતો તેની સામે જ રિયાને એવી જ ચોરસ જગ્યા મળી.

“ભાઈ, અહીં જુઓ.” રિયાએ કહ્યું.

રતનસિંહ અને બીજા બધા ત્યાં ગયા.

“અહીં કોઈ એક આવીને ઊભા રહો.” રતનસિંહે કહ્યું.

“તું જ કેમ નથી ઊભો રહી જતો ?” ડેનીએ પૂછ્યું.

“અરે બેવકૂફ ! જે અહીં ઊભા રહેશે તે અંદર નહિ જઈ શકે. બખ્તાવરભાઈ, મારા વિના અંદર જશો ને ?” રતનસિંહે પૂછ્યું..

“ના ! એય... લાલા તું આવ તો.” બખ્તાવરની આજ્ઞાથી તેનો એક માણસ આવ્યો અને ત્યાં ઊભો રહ્યો.

ફરીવાર દરવાજો સહેજ ખૂલ્યો.

“હું જ્યાં ઊભો હતો તેની સામે જ આ ચોરસ છે, મતલબ કે અહીંના ચારેય ભાગોમાં એક એક ચોરસ હશે. સામસામે તો થઈ ગયા. હવે તેની જમણી બાજુ અને તેની સામેની બાજુ ચોક્કસપણે આવા ચોરસ હોવા જોઈએ.” રતનસિંહે કહ્યું.

રતનસિંહની વાત સાચી હતી. બીજા બે માણસો એક-એક ચોરસમાં ઊભા રહી ગયા અને દરવાજો ખૂલી ગયો.

“શાબાશ બેટા...” સુરેશભાઈએ કહ્યું.

બધા જ દરવાજાની અંદર ગયા. સોનેરી રોશનીથી ભરેલા ત્રીસ ફૂટના ઓરડાને જોઈને બધા ચકિત થઈ ગયા. દીવાલને અડીને ચારેય તરફ લાકડાનાં મોટા મોટા ખોખાંમાં સોના-ચાંદી અને હીરાનાં ઝવેરાતો હતાં.

બખ્તાવર ખૂબ જ ખુશ થયો હતો. છેલ્લા ઘણા મહિનાઓની અથાક મહેનત હવે ફળી હતી.

“હવે મને કોઈની જરૂર નથી. આ બધાને ખતમ કરી દો.” બખ્તાવરે તેના બંદુકધારી માણસોને કહ્યું.

ગુર્ર... ગુર્ર...ના અવાજો આવવા લાગ્યા. ત્યાં હાજર બધા લોકો આસપાસ જોવા લાગ્યા. ભયનું વાતાવરણ વધી રહ્યું હતું. ‘કડડડ... ધડામ...’ કરતો જોરથી અવાજ થયો. આખી દીવાલ ક્ષણભરમાં તૂટી ગઈ. તેમાંથી લગભગ આઠ ફૂટનો કદાવર રાક્ષસ બહાર નીકળ્યો. તેની આંખો લાલ હતી. તેની સામે હાજર રહેલા તમામ લોકો તેના માટે તો વેંતિયા સમાન હતા. લગભગ બે ફૂટનો જાડો હથોડો એ રાક્ષસ પાસે હતો. તેણે જોરથી જમીન પર પ્રહાર કર્યો અને ત્યાં મોટો ખાડો પડી ગયો.

દિવાનસિંહનો ખાસ પિશાચ ‘મોરો’ આવી ચૂક્યો હતો.

(ક્રમશઃ)

પ્રકરણ લેખક: રોહિત સુથાર