અત્યારના અલ્ટ્રામોર્ડન આધુનિકયુગ માં જ્યાં યુવક - યુવતી પોતાના મનપસંદ ગમતા પાત્ર સાથે મેરેજ કરે છે. એવા જમાનામાં ગામડાની એક યુવતી અને શહેરના યુવક ના માં-બાપ દ્વારા નક્કી કરાયેલા લગ્ન માત્ર એકબીજાની તસ્વીર જોઈને થાય છે અને એકબીજા થી અજાણ એવા નવદંપતિને લગ્નની પહેલી રાત્રે અનુભવાતી મુંઝવણ અને ડર .જેમાં તસ્વીર જોઈને યુવતીને થતો પ્રેમ અને એ ખોવાઈ જવાનો ડર અને એ પ્રેમ ને રજૂ કરતો પહેલો પ્રેમ પત્ર.
મારા પ્રિય,
અસમંજસ માં છુ કે તમને ક્યાં નામથી બોલવું. અમારામાં પતિનું નામ નથી બોલાતું અને જે રીતે મારા મમ્મી મારા પપ્પાને સેતુના પપ્પા કહી બોલાવે તેમ પણ ના બોલાવી શકું . આજે તમારી સાથે અગ્નિની સાક્ષીએ સાત ફેરા લઈને તમારા બંધનમાં બંધાનારી હું તમારી ધર્મપત્ની હોવા છતાં તમારાથી અજાણ છું. આ પહેલા તો આપણી વચ્ચે સમાજના રિવાજને લીધે એક પ્રકારના અબોલા જ હતા. આ પહેલા ક્યારેય આપણે મળ્યા નથી કે નથી વાતચીત કરી. આજે આપણી મિલનની રાત છે અને હું તમને પત્ર લખી રહી છું, એનું કારણ છે મારા મનમાં ચાલતી દુવિધા અને દુવિધાનું કારણ છે આપણો સમાજ અને રિવાજ. હું મારી આ સમસ્યા તમારી સામે કહી શકત પણ આ પહેલા વાતચીતના અભાવ ને લીધે મને થોડો ખચકાટ થયો એટલે પત્ર સ્વરૂપે રજૂ કરી.
આજે જ્યારે મોબાઇલ ફોન હાથનું ઘરેણું બની ગયું છે તેમ છતાં આપણા બન્નેની ક્યાં એવી હિંમત કે નંબર ની આપ-લે કરી વાતચીત કરી શકીએ. આપણા સગા- સંબંધી, આપણા માં-બાપ કદાચ વરસોથી એકબીજાને ઓળખતા હોય , પણ આપણે બન્ને તો એકબીજા માટે સાવ અપરિચિત જ છીએ.મમ્મી- પપ્પાના વિશ્વાસે, સગા- સંબંધી, સમાજની હાજરીમાં આપણે સાત ફેરા લીધા, સાત વચન દીધા અને સાત જન્મો માટે એક થઈ ગયા પણ એકબીજાના દિલ- દિમાગ ને સમજ્યા વિના આપણે એકબીજા માટે એક કૌતુક જ છીએ. તમારા મનમાં પણ મને લઈને કંઈ કેટલાય પ્રશ્નો હશે અને કેમ ન હોય ? આખી જિંદગી માટે આપણે જોડાયા છીએ. આ લાગણી ખાલી મારી એકલીની તો નથી જ, તમારી પણ છે.
ખબર નહિ પણ કેમ આ પત્ર વાંચીને તમે મારા વિશે શુ વિચારશો એ વિચારીને થોડો ડર પણ લાગ્યો. કારણ કે હજી હું તમારા સ્વભાવને જરા પણ નથી જાણતી અને બની શકે તમે મને સ્વતંત્ર વિચારો વાળી , બિન્દાસ, બદચલન યુવતી સમજી બેસો. પણ એ ડર થી જવી તો ન જ શકાયને, જિંદગી ડરથી પણ ઉપર છે. અને હું કોણ છું, કેવા વિચાર છે, મારુ ચરિત્ર કેવું છે એ તો તમે મારી સાથે રહેશો ત્યારે જ જાણી શકશો ને.
તમે કદાચ નહિ જાણતાં હોવ પણ જ્યારે તમારા મમ્મી- પપ્પા આપણા સંબંધ માટે મારા ઘરે આવ્યા અને જ્યારે મને કહેવામાં આવ્યું કે મારા વિવાહ તમારી સાથે થશે એ પણ ખાલી તસ્વીર બતાવીને. બસ ત્યારથી હું તમને પ્રેમ કરવા લાગી છુ , તમને હું મારા માનવા લાગી છું. તમારી પહેલા મેં મારા જીવન માં કોઈને સ્થાન નથી આપ્યું પણ હવે આ સ્થાન હું તમને આપવા માંગુ છું. ત્યારબાદ અવારનવાર ઘરમાં તમારા વિશે થતી વાતો સાંભળીને તમારા પ્રત્યે ના પ્રેમમાં ઉછાળો આવતો અને મારું દિલ તમારી યાદમાં ખીલી ઉઠતું. છુપાઈ- છુપાઈને તમારી તસ્વીર હું કલાકો સુધી એકીટશે જોયા રાખતી ને વિચારતી કે તમે વાસ્તવમાં પણ આવા જ હશો કે પછી ???
તમને મારી નિકટ આવવાને બસ હવે ઘડી ની જ વાર છે ને હું પ્રેમ માં પાગલ બની પત્ર લખી રહી છું કે તમે જલ્દી આવી જશોને મારો પત્ર અધુરો રહી જશે તો ?? જેવી રીતે હું તમને પ્રેમ કરવા લાગી છું એવી રીતે તમે પણ મને ચાહો છો, એવું મને લાગ્યું તમારા બેડરૂમ ના તકીયાની નીચે મારી ગુલાબી સાડીવાળી તસ્વીર જોઈને. લાગે છે કે તમે પણ મારી જેમ તમારી બનનારી ધર્મપત્નીને હજી અજનબીને જેમ યાદ કરતા હશો.
આજ સુધી તો મારા ઘરમાં ને સગા- સંબંધીના મોઢે તમારા વિશે મેં સારી વાતો જ સાંભળી છે , પણ ઘણી વાર એવું બને કે લગ્ન પછી આપણને વાસ્તવિકતાનો અહેસાસ થાય અને ના છૂટકે જિંદગી કાઢવી પડે. માણસ ક્યારેય સંપૂર્ણ નથી હોતો એનામાં પણ ખામી હોઈ શકે અને હું એ સમજવાનો પ્રયત્ન કરીશ. થોડા દિવસ પછી એવું બને કે આપણને ખબર પડે કે એકબીજાના સ્વભાવ, વિચાર, શોખ તમારાથી અલગ છે તો પણ આપણે એક થઈને એકબીજાના શોખ વહેંચી લઈશું. બધી પત્નીઓ એવું વિચારતી હોય છે કે તેમના પતિ કહ્યા વિના બધું સમજી જાય અને એમાં ઝગડા થાય ,પણ આખરે તો આપણે મનુષ્ય જ છીએ અને એની પણ એક સીમા હોય છે સમજવાની. પણ આપણે એવી અપેક્ષા રાખવાના બદલે તમારા કે મારા મનમાં કોઈ પણ સવાલ થાય તો વિના સંકોચે એકબીજાને જણાવીશું.
એક અઠવાડિયા પહેલા મારી એક સ્કૂલની ફ્રેન્ડ છે તે આવી હતી તે કહેતી હતી કે તમારા જીવન માં મારા સિવાય બીજું કોઈ હશે તો મારી હાલત પણ એની માસી જેવી થશે અને મારી જિંદગી ખરાબ થઈ જશે એ વાતનો મને ડર લાગી રહ્યો છે. તમે પણ એના માસાની જેમ એન્જિનિયરિંગ કૉલેજ માં ભણ્યા છો એટલે બની શકે કે એ સમયગાળા દરમિયાન તમારે કોઈ સાથે સારી ફ્રેન્ડશીપ રહી હોય કે કોઈ વ્યક્તિને તમેં ચાહી હોય આ બધી ઘટના જે કંઈ પણ બની હોય એ તમારો અતીત છે જેમાં હું છું જ નહીં. અને જે સમયે હું તમારા જીવન માં જ નહોતી તો એ સમય ની નાહકની ચિંતા કરવી કે જેમાં મારો કોઈ વશ નથી. આજે તમારી સાથે લીધેલા સાત ફેરા , વિદાયના આંસુ અને તમારા મમ્મીના સ્નેહભર્યા સ્વાગત એ મને લગ્નજીવન ને સુખી બનાવવાની હિંમત આપી છે. મેં ઘણા એવા લોકોને જોયા છે જે લગ્ન કર્યા પછી એકબીજાને ઓળખતા જ ન હોય એમ અજનબીની જેમ એક છત નીચે રહે છે જાણે દિલ નું કોઈ જોડાણ જ ન હોય. મારુ જીવન પણ એમના જેવું રસવિહીન ન બની જાય બસ. મને એ તો નથી ખબર કે જીવનસાથીને લઈને તમેં મનમાં કેવા સપના સેવ્યા હશે, પણ મારું તો એક જ સપનું રહ્યું છે કે મારો જીવનસાથી મારા પતિથી પહેલા મારા એક મિત્ર હોય કે જેની સાથે હું ખુલીને મારા દિલની વાત કરી શકું , પાગલ બનીને તેમની સાથે મસ્તી કરી શકું, તેમને ચીડાવી શકું, મનાવી શકું અને અનહદ પ્રેમ કરી શકું. તેમની સાથેનું મારુ મિલન માત્ર શરીર થી નહિ પણ મન અને આત્માથી હોય, જેમના અવિરત પ્રેમની ધારા માં હું હમેશા ભીંજાયા કરું. આવો પ્રેમ કરવાનું અને મેળવવાનું બધાનું સપનું હોય છે પણ આવો પ્રેમ ત્યારે જ શકાય બને જ્યારે બે વ્યક્તિ દિલોદીમાંગથી એકબીજા સાથે જોડાય અને હું તમને એટલું જ કહેવા માગું છું કે તમે મારા દિલ ની નજીક ત્યારે જ આવજો જ્યારે તમે પુરા મનથી મારા થઈ શકો. મન વિના બંધાયેલો સંબંધ છેતરપિંડીથી વિશેષ કંઈ નથી.અને એવો સંબધ બાંધી હું તમારા પ્રેમ માં પળે- પળ તડપવા નથી માંગતી.
મારી કોઈ વાતથી તમને દુઃખ લાગે કે ગુસ્સો આવે તો કોઈ બીજાને જણાવતા પહેલા મને કહેજો હું તમને સમજવાનો મારાથી બનતો પ્રયાસ કરીશ. જે ઘરમાં આજે તમે મને તમારી અર્ધાંગિની બનાવીને લાવ્યા એને સાંભળવામાં હું મારો જીવ નાખી દઈશ, પણ તમારી ઘરની આબરૂ લાજે એવું કામ હું મરતા સુધી નહિ કરું. આપણા લગ્નજીવનમાં ક્યારેય ઝગડો- તિરાડ ન પડે એનું ધ્યાન રાખીશ, તમારા જીવન ની દરેક સુખ દુઃખની મોસમ માં હું તમારી સાથે રહીશ. પ્રેમ, ઈમાનદારી, વફાદારી અને પ્રામાણિકતા રૂપી ઈંટથી આપણા લગ્નજીવનનો પાયો મજબૂત બનાવીશ જે મામુલી તિરાડ રૂપી કાકરીથી પણ હલી ન જાય. હું તમારી સાથે જીવન માત્ર વિવાહના બંધનમાં જોડાઈને નહિ, પણ તમારા દિલદિમાગમાં , તમારા શ્વાસમાં જીવવા માંગુ છું. સંપૂર્ણ નહીં પણ સમર્પણથી હું તમારી જીવનસંગીની બનવા માંગુ છું અને એમાં હું તમારો મિત્ર તરીકે સાથ માંગુ છું. મને વિશ્વાસ છે મારા પ્રેમ પર કે તમે મને સાથ આપશો.
લિ . તમારી સ્નેહા.