Haiyu - Thokar khati laganionu sarvaiyu - 4 in Gujarati Fiction Stories by Parth Gajera books and stories PDF | હૈયું - ઠોકર ખાતી લાગણીઓનું સરવૈયું (ભાગ-૪)

Featured Books
Categories
Share

હૈયું - ઠોકર ખાતી લાગણીઓનું સરવૈયું (ભાગ-૪)

     અદાલત પરિસરમાં કુણાલ, મિહિર અને ભાવિન ત્રણેય પ્રવેશ લઈ ચૂક્યા હતા. નિત્યક્રમની જેમ કાળા કોટધારીઓથી પરિસર ઉભરાઈ ચૂક્યું હતું. એક સામાન્ય અવધારણાથી વિરુદ્ધ નીરવ વાતાવરણને બદલે ચારેતરફ શોરબકોર અને કલબલાટનો માહોલ હતો.જુનિયર વકીલો સિનિયર વકીલોની બેગ ઉપાડી ઉપાડી તેમની પાછળ ચાલી રહ્યા હતા. કહો કે,તેમના રસ્તે ચાલવા મથી રહ્યા હતા. તેમના હાથમાં રહેલો કાગળનો ઢગલો જોઈ થાય કે, કેસ થવાથી માણસો કરતા વૃક્ષોને વધુ સહન કરવાનું આવતું હશે. હૈયે હૈયું દળાય એટલી ભીડને ભેદતા કુણાલ પોલીસ જાપતા વચ્ચે અદાલતમાં જઈને પોતાના વારાની રાહ જોતો બેસી રહ્યો હતો. આ બે દિવસમાં તે એટલું તો જાણી જ ચૂક્યો હતો કે ફિલ્મો અને ટેલિવિઝનમાં બતાવાતી અદાલતની કાર્યવાહી હકીકતથી તો એકદમ વેગળી જ હોય છે. નથી હોતી અહીં કોઈ દલીલબાજી કે નથી હોતો કોઈ ઝઘડો.કોર્ટ પરિસરની વિરુદ્ધ કોર્ટરૂમમાં કોઈ શોરબકોર હોતો નથી, ટાંકણી પડે તો પણ અવાજ આવે તે રીતે ધીમા અવાજે પોતાનો કેસ રજૂ થતો હોય છે. અહીં,પોતાના કેસની રાહ જોતા લોકો અને અમુક જુનિયર વકીલો (કે જે મહત્વનાં કેસનો વારો આવવાની રાહ જોતા હોય જેથી પોતાના સિનિયરને પોતાના કેસનો વારો આવવાનો હોય ત્યારે જાણ કરી શકે.) સિવાય કોઈ હોતું નથી. અહીં, ફિલ્મોમાં બતાવતા વિટનેસ બોક્સ જેવું બોક્સ તો દીવો શોધવા જતા મળે નહીં. હા, બસ એક વસ્તુ જે ફિલ્મોમાં જોવા મળતી નથી તે અહીં મળી રહે છે અને તે છે કાયદાનાં પુસ્તકોનાં મોટા મોટા કબાટ. આ બે દિવસમાં કુણાલ સમજી ચૂક્યો હતો કે અહીં જો સની દેઓલનાં તારીખ પે તારીખ ડાયલોગને ઉચ્ચારીએ તો તારીખ પે તારીખ જેલમાં જ વિતાવવી પડે. આટલા ગંભીર વાતાવરણ ઉપરથી પોતાનો કેસ પણ ગંભીર વળાંક પર હોવાથી કુણાલને કોર્ટ રૂમમાં એક એક પણ એક એક ભવ સમાન લાગતી હતી. ઉપરથી હજુ પૃથ્વીરાજ સાથે પણ તેની મુલાકાત થઈ શકી નહોતી અને હજુ પણ તેનો કોઈ અતોપતો દેખાઈ રહ્યો ના હોવાથી કુણાલનાં હૃદયનાં ધબકારા વધી રહ્યા હતા. મિહિર અને ભાવિન તેને શાંત પાડવાના નિરર્થક પ્રયાસો કરી રહ્યા હતા. આ બધા વચ્ચે થોડીવાર બાદ કુણાલને હાશકારો અપાવતા પૃથ્વીરાજ કોર્ટરૂમમાં દાખલ થયો. 


     તેણે કુણાલને આંખોથી ઈશારો કરી પોતાની જાતને રિલેક્સ રાખવા જણાવ્યું. તેના તરત પછી તેના સામેના પક્ષનાં વકીલ એ.બી.ઉજાલા પણ કોર્ટરૂમમાં પ્રવેશ્યા. તેઓ પોતાના સ્થાન પર બેસતાં પહેલા પૃથ્વીરાજની બાજુમાં જઈને બેસી ગયા અને ધીમા સ્વરેથી પૃથ્વીરાજને ચીડવતા બોલ્યા,"આજે પહેલી હાર માટે તૈયાર થઇ જાઓ જાડેજા સાહેબ. આજે પોતાની જાતને સંભાળી લેજો પછી તો ટેવ પડી જશે." પૃથ્વીરાજે ઉજાલાનાં ઉશ્કેરણીજનક શબ્દોનો કોઈ જવાબ ના આપતા તે પોતાની જગ્યાએ જઈને બેસી ગયા. 


    લગભગ પંદર મિનિટ બાદ કુણાલનાં કેસની સુનાવણી શરૂ થઈ. સુનાવણી શરૂ થતા વેંત ઉજાલાએ જજને ચુકાદો સંભળાવવા જણાવ્યું.  જજે પૃથ્વીરાજને પુરાવા કે સાક્ષી હાજર કરવા જણાવ્યું. કોર્ટમાં બેસેલા બધાનાં આશ્ચર્ય વચ્ચે પૃથ્વીરાજે કાંઈ પણ બોલ્યા વિના પોતાની પાસે રહેલ એક ફાઇલ જજ સાહેબ સમક્ષ ધરી. પૃથ્વીરાજે જજને આ ફાઈલમાં રહેલી ઝીણવટભરી વાતોનું વર્ણન કરવાનું શરૂ કર્યું. પૃથ્વીરાજ જેમ બોલતો જતો હતો તેમ તેમના વિરોધ પક્ષનાં લોકોનાં મોઢા પીળા પડી રહ્યા હતા. એ.બી.ઉજાલાને માથે તો જાણે આભ તૂટી પડ્યું હોય તેવું તેના હાવભાવ પરથી સ્પષ્ટ વર્તાઈ રહ્યું હતું. હાજર રહેલ કોઈ સમજી શકતું નહોતું કે આ બધુ શું થઈ રહ્યું છે અને પૃથ્વીરાજ આટલા પૂરાવા લાવ્યો છે ક્યાંથી. કુણાલનાં મુખ પર સ્મિત ધીરેધીરે પાછું ફરી રહ્યું હતું. પૃથ્વીરાજે સળંગ દોઢ કલાક બોલ્યા બાદ વિરામ લીધો. જજે એડવોકેટ ઉજાલાને સામી દલીલ હોય તો કરવા જણાવ્યું પણ ઉજાલા પાસે હવે પોતાનો કેસ બચાવવા કોઈ જમીન નહોતી. જજ પોતાનો આખરી ફેંસલો જણાવતા બોલ્યા. "આથી આઈ.પી.ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ કુણાલના કેસમાં કુણાલ તથા સહ આરોપીઓ ભાવિન તથા મિહિરને મુક્ત કરવામાં આવે છે. આ ઉપરાંત કોર્ટ પોલીસને આઈ.પી. ઇન્ડસ્ટ્રીઝ કેસનાં તથ્યોની નવેસરથી ચકાસણી કરી અસલ આરોપીઓને કોર્ટમાં હાજર કરવા સારૂ હુકમ કરે  છે." આખરે સત્યની જીત થઈ ચૂકી હતી.


      કુણાલની આંખમાં હર્ષનાં આંસુ છલકી આવ્યા હતા. કેસની સુનાવણી પૂરી થયા બાદ પૃથ્વીરાજ  એ.બી.ઉજાલા પાસે જઈ ઇંટનો જવાબ પથ્થરથી આપતા બોલ્યો,"આ તો મે તમારી વાત સાંભળ્યા પછી ખૂબ વિચાર્યુ અને પછી નક્કી કર્યું કે જે માણસ જે કામમાં સબળ હોય તેણે તે જ કરાય. હું એટલો બધો સ્વાર્થી પણ નથી કે તમારી પાસેથી હાર છીનવી લઉં." એડવોકેટ ઉજાલા પાસે ત્યાંથી સમસમીને જતું રહેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.ત્યાર બાદ કુણાલ પૃથ્વીરાજ પાસે જઇ તેને ભેંટી પડ્યો. કુણાલ પૃથ્વીરાજનો આભાર માનતા બોલ્યો, "પુથુભા આજે તું ના હોત તો મારું શું થાત. તે મને જેલમાં સળતા બચાવી લીધો દોસ્ત. ખરેખર, તે સાબિત કરી દીધું આજે કે તારાથી ઉત્તમ વકીલ આ શહેરમાં કોઈ છે કજ નહીં. મને સમજાતું નથી કે તારો આભાર કઈ રીતે પ્રકટ કરું." પૃથ્વીરાજ કુણાલને આંગળી ચીંધતા બોલ્યો, "આભાર માનવો હોય તો મારો નહીં તે વ્યકિતનો માન." પૃથ્વીરાજે નિર્દેશ કરેલા વ્યક્તિને કુણાલ ફાટી આંખે જોઈ રહ્યો. તેના માટે આ ચહેરો અજાણ્યો નહોતો. બલ્કે આ જ ચહેરો તો તેને કંપનીમાં લાવવા કારણભૂત બન્યો હતો. 


     હા! તે બીજું કોઈ નહીં આઈ.પી. ઇન્ડસ્ટ્રીઝની જી.એમ. પ્રીતિ હતી. "પ્રીતિમેમ તમે? તમે મને બચાવ્યો?" પૃથ્વીરાજ કુણાલની સામે રહેલા રહસ્યનો પડદો ઊંચકતા બોલ્યો, "હા! આજે તું અહીં અમારી સામે હેમખેમ છે તેનું કારણ પ્રીતિ જ છે. કાલની સુનાવણી પછી હું મારી ઓફિસમાં બેઠો હતો. તને કેમ છોડાવવો કાંઈ સમજાતું નહોતું. મારી હાર મારી નજર સામે મને દેખાઈ રહી હતી. ત્યારે આશાનું કિરણ બની પ્રીતિ મારી પાસે આવી. તે આખી સ્કેમની ફાઇલ મારી પાસે લાવી અને મને આખા સ્કેમમાં કઈ રીતે તને ફસાવવામાં આવ્યો તે મને જણાવ્યું. તું જાણતો નહીં હોય કે પ્રીતિ મને મળવા આવ્યાના સમાચાર જેવા કંપનીને મળ્યા તેવા તરત જ તેની પણ કંપનીમાંથી છટણી કરી નાખવામાં આવી." કુણાલ પ્રીતિ સામે લાચાર નયને જોઈ રહ્યો. તે માંડ એટલું બોલી શકયો, " તમે મારા માટે આટલું મોટું બલિદાન આપ્યુ? શા માટે?" પ્રીતિ કુણાલને જવાબ આપતા બોલી, "હું મારી નજર સામે કોઈ નિર્દોષને અન્યાય થતો કઇ રીતે સહન કરી લઉ. આજે તું છો, કાલે મારો પણ વારો આવી શકે છે અને તારા પર જે આઉટસાઈડર હોવાના નાતે વીતી છે તેનો ભોગ હું પણ બની ચૂકી છું. જો આ રૂપિયાની આટલી જરૂરિયાત ના હોત તો હું કદાચ આ કંપનીમાં નોકરી પણ ના કરતી હોત." કુણાલ સરખો આભાર પણ માની શકે તે પહેલા આટલું બોલીને  પ્રીતિ ત્યાંથી નીકળી ગઈ. કદાચ તે પોતાના આંખનાં ખૂણે બાઝેલા આંસુઓને દુનિયાની સમક્ષ લાવવા માંગતી નહોતી.કુણાલને પ્રીતિનું વર્તન અજુગતું લાગ્યું. તેણે ભાવિનને આ વિશે પૂછ્યું. કુણાલને વળતામાં જે જવાબ મળ્યો તેનાથી તેનું પ્રીતિ માટે માન ઓર વધુ ગયું."આના પાછળ તેનો વાંક નથી.તેનું નસીબ જ એવું છે કે..... છોડ જવા દે." કુણાલ બોલ્યો,"ના મારે સાંભળવું છે." 


     ભાવિન નાછૂટકે પ્રીતિનો ભૂતકાળ કુણાલ સમક્ષ રાખતા બોલ્યો, "તો સાંભળ! પ્રીતિ જેટલું સશક્ત વ્યકિતત્વ મે આજ સુધી નથી જોયું. તેને ભગવાને સ્ત્રીનું ઋજુ હૃદય આપ્યું છે પણ તેના ભાગે હંમેશા કઠોર આઘાત જ આવ્યા છે. હાલાતનો સામનો કરતા કરતા તેણે પોતાના હૃદયને કઠણ કરવાનો માર્ગ આપોઆપ શોધી લીધો. યુવાનીનાં ઉંબરે ઉભેલી એક યૌવના પર તમે દુનિયાદારી નિભાવવાનો પહાડ તેના ખભા પર આવી પડ્યો હતો. પ્રીતિ હજુ 18 વર્ષની થઈ તે પહેલા તેના માતા પિતાનું કાર અકસ્માતમાં મોત થઈ ગયું. પ્રીતિનાં માતા પિતાની જે મિલકત હતી તે તેના સગા સંબંધી પચાવી ગયા. એક 18 વર્ષની નિસહાય છોકરીને જ્યારે સૌથી વધુ હૂંફ તથા ટેકાની જરૂર હતી ત્યારે તેને એકલી કરી દેવામાં આવી. આટલું જ વિધાતાએ તેની સાથે કપટ નહોતું કર્યું. તેના માતા પિતાનાં મૃત્યુની સાથે સાથે તેના આઠ વર્ષના થેલેસેમિક ભાઈની જવાબદારી તેના પર આવી પડી હતી. આ તો ભલું કહો ભગવાનનું કે એક એન.જી.ઓ.ને કોઈએ આ ભાઈ બહેનને રીફર કરતા તેઓ તેમની વ્હારે આવ્યા અને અહીં બેંગ્લોર લાવીને નવી જીંદગી બક્ષી. કોઈના પાર બોજારૂપ ના બનવા માંગતી પ્રીતિએ ભણતરની સાથે સાથે નોકરી શરૂ રાખી અને પોતાનું એમ.બી.એ. પૂરું કર્યું. એન.જી.ઓ.ની જ ભલામણથી તેને આપણી કંપનીમાં નોકરી મળી ગઈ. આપણે લોકો આઠ કલાક કામ કરીએ છીએ પણ એ બેસહારા સ્ત્રી ચોવીસ કલાક કામ કરે છે. આઠ કલાક કંપનીમાં અને બાકીની કલાકો પોતાના થેલેસેમિક ભાઈની સેવામાં. દર અઠવાડિયે તેને લોહી બદલવા પણ તે એકલી જ કોઈની મદદ વિના જાય છે. એ બિચારીનો તમામ પગાર પોતાના ભાઈની સેવામાં જ પૂરો થઈ જાય છે. એક બાપે નિભાવવાની બધી ફરજો એક બહેન નિભાવી રહી છે અને એ પણ એક ફરિયાદ વિના. ધન્ય છે એ નારીને! અને હા!તે પોતાના ઘા તાજા ના થાય અને પોતાને કોઈ ઓશિયાળુ ના સમજે તે ડરથી પોતાની કથની કોઈને જણાવતી નથી. તું તેને ખોટી ના સમજતો." કુણાલનાં મનમાં એક વાત હવે સ્પષ્ટ થઈ ચૂકી હતી કે પોતાના જીવનમાં આવેલ નાના વિઘ્નો તો પ્રીતિને પડેલી પારાવાર મુશ્કેલીઓ પાસે તો નગણ્ય હતા. કુણાલને આખરે પોતાનો આદર્શ પ્રીતિનાં રૂપમાં મળી ચૂક્યો હતો. આ ઘટનાને લીધે કુણાલ હવે પોતાની મુશ્કેલીઓનો હસતા મુખે સામનો કરવાનું શીખી ચૂક્યો હતો.


       કુણાલ નૈષધના ફ્લેટ પર પહોંચી અડતાલીસ કલાકનો થાક ઉતારવા પથારીમાં પડ્યો ના પડ્યો ત્યાં ઘસઘસાટ ઊંઘી ગયો. સૂર્યનાં તેજસ્વી કિરણોથી પણ ના ઉઠનાર કુણાલને બીજે દિવસે એક ફોનકોલે ઉઠાડ્યો. રિંગ વાગતા વેંત કુણાલ કોલ કાપી નાખી પાછો સૂઈ ગયો. આવું બીજી, ત્રીજી વખત થયું. પણ ચોથી વખત રિંગ વાગ્યા બાદ હવે તેણે ઉઠવાનું જ યોગ્ય માન્યું. તે ઝીણી આંખો કરી મોબાઇલની ડિસ્પ્લે સામે જોઈ રહ્યો. મોબાઈલ પર જેના નામનો કોલ હતો તે જોઈ કુણાલની નીંદર ત્યાં જ ઉડી ગઈ. ગુસ્સામાં તેણે ફોન ઉપાડ્યો અને પછી.......


*****


    કુણાલ પોતાની મીઠી નિદ્રામાં અનિચ્છનીય વ્યક્તિ દ્વારા ખલેલ પડવાથી ગુસ્સામાં હતો અને હોય પણ કેમ નહીં મોબાઇલની સ્ક્રીન પર જે નામ બતાવી રહ્યા હતા તેને લીધે કુણાલે પોતાની જીંદગીનાં મહત્વપૂર્ણ વર્ષો જેલમાં વિતાવવા પડે તેવી શકયતા હતી. કોલ બીજા કોઈનો નહીં પરંતુ,આઈ.પી.ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેનનો હતો. કુણાલે થોડી વાર વિચાર્યા પછી ફોન ઉપાડ્યો અને ફોનમાં તાડૂકયો,"મને જેલમાં મોકલી ધરાયા નથી લાગતા,તો ફોન કરીને હેરાન કરવા માંગો છો." ચેરમેન કુણાલનો ગુસ્સો થાળે પાડવા બોલ્યા,"જુઓ મી.કુણાલ! જે થયું એ નહોતું થવા જેવું, એના માટે હું માફી માગું છું." પછી તરત જ જોડતા બોલ્યા,"તમે કંઈ પણ બોલો એ પહેલા હું કંઈક કહેવા માગું છું." કુણાલ નીરસ અવાજે બોલ્યો ,"બોલો" ચેરમેન કુણાલને મળવાની ઇચ્છા પ્રકટ કરતા બોલ્યા,"તમારા જ લાભની એક વાત છે,જો તમને યોગ્ય લાગે તો આજે અગિયાર વાગ્યે મારી ઓફીસ પર પહોંચી જજો.આને પશ્ચાતાપનો એક પ્રયાસ સમજી આવવાનો પ્રયાસ જરૂર કરજો." કુણાલે આ બાબતમાં વિચારવાનું કહી કોલ કાપી નાખ્યો. કુણાલને હવે એ જગ્યા પર જઇ પોતાના ઘા પર મીઠું ભભરાવવાની કોઈ ઇચ્છા નહોતી કે નહોતો તેને ચેરમેનની કોઈ વાત સાંભળવામાં રસ. તે ફરી સૂવાની તૈયારી કરતો હતો ત્યાં તેના પર મિહિરનો કોલ આવ્યો. મિહિરે જણાવ્યું કે તેના પર પણ ચેરમેનનો કોલ આવ્યો હતો અને તેને પણ મળવા અગિયાર વાગ્યે બોલાવ્યો હતો. કુણાલે મિહિરને પોતાની ત્યાં જવાની અનિચ્છા પ્રકટ કરી તો મિહિર કુણાલને સમજાવતા બોલ્યો, "એક વાર જઇ તો આવીએ,શું વાત કરે છે તે સાંભળી તો જોઈએ.બની શકે કે ખરેખર તે લોકોને પશ્ચાતાપ થયો હોય.એક મોકો તો કોઈને પણ આપી શકાય." "કાશ મારું હૃદય પણ એમને માફ કરવા તારા જેટલું મોટું હોત." કુણાલે આટલું બોલીને મિહિરનો કોલ કાપી નાખ્યો. ત્યારબાદ ક્રમશ: ભાવિન અને પ્રીતિનાં એકસમાન કોલ કુણાલને આવ્યા અને તે બંનેએ પણ ચેરમેનને જવા ઇચ્છા જતાવી. કુણાલે મિહિરને જે જવાબ આપ્યો તે જ જવાબ તેણે તે બંનેને પણ આપ્યો. ઘડિયાળ અગિયારનાં ટકોરા વાગવાના આરે ઉભી હતી.


      મિહિર,ભાવિન અને પ્રીતિ ચેરમેનની ઓફિસની બહાર પહોંચી ચૂક્યા હતા પરંતુ કુણાલનો હજુ કોઈ પતો નહોતો. કુણાલનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો.અગિયારનાં સાડા અગિયાર થવા છતાં કુણાલનાં દર્શન ના થતા ભાવિન બોલ્યો,"લાગે છે કે કુણાલ નહીં આવે. તેના પર જે વીતી છે તે પછી અહીં આવવું કોઈ પણ માટે મુશ્કેલ હોત.આપણે તેના નિર્ણયનું સમ્માન કરવું જોઈએ." મિહિરે પણ હામી ભરતાં અંદર ઓફિસમાં જવા સૂચન કર્યું. હજુ તેઓ ત્રણેય ઓફીસનાં દરવાજા તરફ પગ માંડવા જતા હતા ત્યાં તેમને કુણાલનો અવાજ સંભળાયો. બધા અચરજમાં કુણાલ સામે જોઈ રહ્યા. કુણાલ મસ્તીભર્યા સ્વરમાં બોલ્યો, "કેમ મને આમ ટગરટગર જુઓ છો? આટલો હેન્ડસમ હન્ક ક્યારેય જોયો નથી?? આ બધું છોડો. મને એકલો મૂકીને કઇ બાજુ ચાલ્યા?" ભાવિન હસતાં હસતાં બોલ્યો,"આ નહીં સુધરે નૌટંકી. તું તો કાંઈક નહોતો આવવાનો ને પછી આ બ્રહ્મજ્ઞાન ક્યાંથી લાધ્યું?" "યાર! તને તો ખબર જ છે કે મારી ટયૂબલાઈટ થોડી મોડી ઉપડે છે." કુણાલ ટીખળ કરતાં બોલ્યો અને ચારેય લોકો ચેરમેનની ઓફિસમાં એન્ટર થયા જ્યાં તેમની કાગડોળે રાહ જોવાઇ રહી હતી.


     ચેરમેને ચારેયને સીટ ઓફર કરી તરત જ પોતાના પ્યુનને ચારેય માટે ફાલુદાની વ્યવસ્થા કરવા કહ્યું. મફતની ચા ઓફર ના કરતી કંપનીમાં ફાલુદા ઓફર થવાથી ચારેય આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. ચેરમેને કોઈ કંઈ બોલે તે પહેલા પોતે જ વાતનો દોર શરૂ કર્યો. "વેલકમ બેક ટુ ઓલ. તમને લોકોને પાછા જોઈને ખૂબ આનંદ થઈ રહ્યો છે. પાછલા દિવસોમાં જે કાંઈ બન્યું તે બદલ હું આપ સૌની માફી માગું છું. આપણે સૌએ આ વાત ભૂલીને નવેસરથી શરૂઆત કરવી જોઈએ." કુણાલ ચેરમેનની ભેદી વાતોથી કંટાળી જઈને બોલ્યો,"તમે મેઈન ટોપિક પર આવો જે વાત માટે અમને બોલાવવામાં આવ્યા છે.આમ ગોળગોળ વાતો ના કરો." ચેરમેન કુણાલ અને અન્યોનું કુતૂહલ શમાવતા બોલ્યા, "તમને લોકોને ખબર જ છે કે આ સમગ્ર કેસને લીધે આપણી કંપનીની ખૂબ માનહાની થઈ છે.આપણા બિઝનેસ પર પણ તેની અસર થઈ છે.જો તમે લોકો બહાર મીડિયામાં એવું નિવેદન આપો કે તમને ફસાવવામાં બહારનાં માણસોનો હાથ છે અને તમને મારા તથા અન્ય ડાયરેક્ટર્સ સાથે કોઈ મતભેદ નથી. સૌથી વધુ મહત્વની વાત કે તમને કેસ જીતાડવામાં પણ મારો જ હાથ છે જેથી તમે ખુશીખુશી આગળ પણ અમારી સાથે કામ કરવા તૈયાર છો તો કંપનીની આબરૂનું ધોવાણ થતું અટકી શકે છે....." મિહિર ચેરમેનની વાત વચ્ચેથી કાપતાં બોલ્યો,"પણ આ સાચું નથી." ચેરમેન ખંધુ હસતાં બોલ્યા,"તો હું પણ ક્યાં કહું છું કે સાચું છે. હું તમને આ ખોટું બોલવા માટે કિંમત ચૂકવવાનો છું. જો તમે મે કહ્યું એવું નિવેદન આપશો તો તમને બધાને હાલ જે પગાર મળે છે એનો ડબલ પગાર આપીશ." કોઈ ચેરમેનની વાત પર પોતાની પ્રતિક્રિયા આપે તે પહેલા પ્રીતિ ક્રોધિત થતા બોલી, "તમને શું અમે એટલા નીચી પાયરીનાં લાગ્યા કે થોડા રૂપિયા માટે અમે અમારું ઝમીર વેંચી દઈએ.અરે, ધિક્કાર છે તમને અને તમારા વિચારોને.નથી જરૂર અમારે કોઈ નોકરીની જ્યા અમારું સ્વાભિમાન ના હોય." ચેરમેન પ્રીતિનું આ રૂપ જોઈ રીતસર ડઘાઈ ગયા. તે પ્રીતિને વળતો જવાબ આપતાં બોલ્યા, "બહુ ખોટું કરી રહ્યા છો તમે મિસ પ્રીતિ. તમને આ દુ:સાહસ ખૂબ મોંઘુ પડશે. જોઉં છું હવે તમને આ શહેરમાં કોણ નોકરી આપે છે." કુણાલ અને બાકીનાં લોકો આ વાત સાંભળી ના સાંભળી કરીને ઓફીસની બહાર નીકળી ગયા. પ્રીતિ બહાર નીકળીને માફી માગતા બોલી,"સોરી!! મે તમારા લોકોનો મત જાણ્યા વગર આટલું બધું બોલી દીધું." કુણાલ દિલાસો આપતાં બોલ્યો,"તે કંઈ ખોટું નથી કર્યું,તે અમારા મનની વાત જ કરી છે અને અમે લોકો હરહંમેશ તારી સાથે છીએ." ભાવિન અને મિહિરે પણ માથું ધુણાવીને કુણાલની વાત પર સહમતી આપી. 


     ચારેય મિત્રો બીજે દિવસે સાથે નોકરી શોધવા જવાનું નક્કી કરી છૂટા પડ્યા.પરંતુ, બીજો દિવસ તેમની મુસીબતોનું લિસ્ટ ટૂંકું કરવાને બદલે વધારનારો બની રહેનાર હતો. ચારેય લોકોને એમ કે ચેરમેન પોતાને લોકોને ખોટી ધમકી આપે છે અને તે પોતાનું કંઈ બગાડી નહીં શકે પણ તેમનો આ વિશ્વાસ ખોટો સાબિત થયો. આઈ.પી. ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેને તેમના એસોસિએશનમાં પોતાની વગ લગાડી આ ચારેયને નોકરીમાંથી બ્લેકલિસ્ટ કરાવ્યા. જેથી, તેઓ આખું બેંગ્લોર શહેર ખૂંદી વળ્યાં હોવા છતાં તેમને મોટી કે નાની એક પણ પ્રકારની નોકરી મળવા ના પામી. આ રીતે એક અઠવાડિયું વીતી જવા પામ્યું પણ હાલત ટસનાં મસ ના થયા.આખરે, કુણાલનાં મુખ પરનું તેજ દિવસે દિવસે ઓછું થતું જોઈ નૈષધે કુણાલને નોકરી શોધવાને બદલે પોતાનો ધંધો શરૂ કરવાની સલાહ આપી.પણ કુણાલ પાયાનો પ્રશ્ન પૂછતાં બોલ્યો,"પણ અમે ધંધો શેનો કરીશું? અમે લોકો અહીં કોઈને જાણતા પણ નથી કે જે અમારી મદદ કરી શકે અને સૌથી મોટી વાત કે ધંધો કરવા માટે એટલું બધું રોકાણ લાવશો ક્યાંથી?" નૈષધ કુણાલને આશ્વસ્ત કરતા બોલ્યો,"એ ચિંતા તું છોડી દે.હું એક માણસને જાણું છું જે આ બાબતમાં તારી મદદ કરી શકે એમ છે." 


     બીજા દિવસે કુણાલ નૈષધ તથા પોતાના અન્ય મિત્રો સાથે નૈષધનાં ઓળખાણ વાળા માણસને મળવા પહોંચી ગયા. થોડી વાર બાદ આ બધા મિત્રો "પી.પી. એક્સપોર્ટસ લિમિટેડ" કંપનીનાં ચેરમેનની ઓફિસમાં હતા."કેમ છો નૈષધ? ઘણા લાંબા સમય પછી દેખાયો?" નૈષધ સ્મિત રેલાવતા બોલ્યો,"હા! પ્રણવ! મારે તારી જેમ પોતાની કંપની તો નથી એટલે આખો દિવસ કામમાં જોતરાઈ રહેવું પડે પછી ક્યાંથી તને મળવા સમય મળે. આ બધું છોડ! પહેલા મારી વાત શાંતિથી સાંભળ. આ મારા મિત્રો છે. હમણાં થોડા સમયથી થોડી મુશ્કેલીમાં છે, જો તું થોડી ધંધા બાબતે મદદ કરી દે તો આ લોકોની મુશ્કેલી ઓછી થાય." પ્રણવ ખોંખારો ખાતા બોલ્યો, "નૈષધ તું કહે છે તો મદદ તો કરવી પડશે. પણ માણસો તો બરાબર છે ને?" નૈષધ પ્રણવને વિશ્વાસ અપાવતા બોલ્યો,"હા! મારી જાત કરતા વધુ વિશ્વાસ છે આ લોકો પર." "તો સમજ તારું કામ થઈ ગયું." પ્રણવ પોતાનો નિર્ણય સંભળાવતા બોલ્યો. પ્રણવ પછી કુણાલ તરફ ફર્યો અને બોલ્યો,"મારી એક ગારમેન્ટ ફેકટરી લાંબા સમયથી બંધ પડી છે. જો તમને લોકોને રસ હોય તો તે ફેકટરી હું તમને મશીનરી સહિત ભાડે આપી શકું છું." કુણાલ પ્રણવની વાતથી ખુશ થતા બોલ્યો, "અમને સંપૂર્ણપણે મંજૂર છે." "પરંતુ મિ.કુણાલ,મારી એક શરત છે." "કેવી શરત?" કુણાલે પ્રણવની આ વાત સાંભળી ઝીણી આંખ કરી. પ્રણવ ત્યાં બેઠેલા બધાને સ્તબ્ધ કરતા બોલ્યો,"મારી ગારમેન્ટની ફેકટરી અને મશીનરી મે બે વર્ષ પહેલા જ ખરીદી હતી પણ ગયા વર્ષે મંદીને લીધે મને તે બંધ કરવાની ફરજ પડી હતી. આથી,હું તમને લોકોને એ ફેકટરી તો જ આપું કે જો તમે લોકો મને ડિપોઝિટ પેટે 10 લાખ રૂપિયા આપો." પ્રણવની આ વાત સાંભળી ત્યાં બેઠેલા દરેકનાં મોઢે તાળા લાગી ગયા. નૈષધ પોતાના મિત્રને સમજાવતા બોલ્યો,"પ્રણવ,આ લોકો એમનેમ મુશ્કેલીમાં છે તે લોકો આટલા રૂપિયા લાવશે ક્યાંથી? તું આ બધી મજાક છોડ." પ્રણવ નૈષધને સમજાવતા બોલ્યો,"જો મિત્ર, હું પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફને અલગ રાખું છું. છતાં તારી મિત્રતાને કારણે આ લોકોને હું ફેકટરી આપું છું. ચાલ, તું કહે છે તો આ લોકોને હું વિના ભાડે ફેકટરી આપું છું પણ આ લોકોએ ડિપોઝિટ તો ભરવી જ પડશે." કુણાલ પ્રણવની વાત પૂરી થતાં બોલ્યો, "અમને લોકોને થોડો વિચારવાનો સમય આપો." પછી પાંચેય મિત્રો બહાર જઈને ચર્ચા કરવા લાગ્યા. 


     કુણાલ નિસાસો નાખતા બોલ્યો,"લાગે છે આપણે આ પ્લાન કેન્સલ કરવો પડશે." "ના, આપણે શરત માની લેવી જોઈએ,આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી." પ્રીતિ બોલી. "પણ આટલા બધા રૂપિયા લાવશું ક્યાંથી? દસ લાખ કોઈ નાની રકમ નથી અને હજુ કાચા માલ તથા મજૂરીનાં ખર્ચા અલગ." કુણાલે સાહજીક પ્રશ્ન પૂછ્યો. પ્રીતિ મન કઠણ કરતા બોલી, "મે મારા ભાઈની સારવાર માટે એક રકમ બચાવી રાખી છે એમાંથી હું ચાર લાખ રૂપિયા જેવું એરેન્જ કરી શકીશ." પ્રીતિની વાત સાંભળી ભાવિન પણ બોલ્યો,"મે પણ મારી બહેનનાં લગ્ન માટે થોડા રૂપિયા બચાવી રાખ્યા છે, એમાંથી હું પણ ચાર લાખ રૂપિયા આપણા માટે કાઢી લઈશ.એ પૈસા તો પછી પણ કમાઈ શકાશે." ભાવિનની વાત પૂરી થયા બાદ મિહિર પણ પોતાના ભાગની જાહેરાત કરતા બોલ્યો,"મે પણ ખરાબ સમય માટે એક એફ.ડી. બેંકમાં કરાવી હતી. હવે આથી વધુ સારો સમય કયો હોઈ શકે તેને તોડવા માટે? ચાર લાખ લખો મારા તરફથી." કુણાલની આંખો પોતાના મિત્રોનાં આ બલિદાનને જોઈને ભીની થઇ ગઇ. તે બધાની સામે હાથ જોડીને ઉભો રહી ગયો. ભાવિન તેના હાથ હટાવતા બોલ્યો,"ચાલ નૌટંકી, નાટક બંધ કર તારા. અમે કાંઈ એવડો મોટો કાંડ નથી કરી નાખ્યો કે તું હાથ જોડી દે અમને." કુણાલ ભાવિનની આ વાત સાંભળી હસી પડ્યો અને નૈષધ સામે જોઇને બોલ્યો, "તારા મિત્રને કહી દે કે અમે તેની શરત માનવા તૈયાર છીએ." (ક્રમશ:)

- પાર્થ ગજેરા 'ક્ષિતિજ'