Heart flower - 1 in Gujarati Love Stories by Balkrishna patel books and stories PDF | હ્દયપુષ્પ - ૧

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

હ્દયપુષ્પ - ૧

                  હ્દયપુષ્પ - ભાગ=૧








                  બાલકૃષ્ણ પટેલ



વાંચક મિત્રો, હ્દયપુષ્પ એક અનોખી લવસ્ટોરી છે.એક અદભુત પ્રણય ત્રિકોણની કહાની છે. ત્રિકોણ નો ત્રીજો ખૂણો એક બુલબુલ છે. બુલબુલ,પ્રેમ નું પ્રતિક અને કુદરતનું અનેરૂ સર્જન.એ એક સૌંદર્યના ઝરણા જેવી ચંચળ ,શબનમની બુંદ જેવી માસુમ પ્રીતપ્રિયા ને જોઈને તેના  પ્રેમમાં ના પડે તો જ નવાઈ. મિત્રો, તમને થતું હશે કે આ કેવી વિચિત્ર પ્રણય ત્રિકોણની કહાની છે?. મિત્રો,પ્રણય ત્રિકોણનો કોઈ એક ખૂણો એક તરફા પ્રેમીનો હોય છે, જે નથી ઈકરાર કરી શકતો કે નથી ઈઝહાર કરી શકતો.કરી શકે છે તો માત્ર પ્રેમ.દોસ્તો, બુલબુલની આ લવસ્ટોરીમા તમારામાંથી ઘણા લોકો હશે, જે બુલબુલની લાગણીઓની સાથે પોતાની લાગણીઓની તુલના કરશે.મિત્રો,એક લવસ્ટોરી ને અલગ અંદાજમાં લખવાનો પ્રયાસ કર્યો છે,તમને ચોક્કસ ગમશે.તો શરૂ કરીએ મિત્રો અનોખી અને અલૌકિક લવસ્ટોરી.









             હ્દયપુષ્પ
              ભાગ-૧

" પ્રીત હવે જીવલેણ બની છે,વાત એની કરશો નહીં,મેં સહ્યું છે,તમે ન સહો, હવે પ્રીત ને પ્રીત કરશો નહીં."

           એક નાનકડો,પણ સુંદર બગીચો.બગીચામા જાત-ભાતનાં ફુલછોડ હતાં. રંગબેરંગી ફૂલો ઉપર વિવિધ રંગી પતંગિયાઓ પોતાની નાનકડી પણ નાજુક પાંખો વડે પકડા પકડીની રમત રમતાં પોતાનાં રંગો વડે બગીચામાં ગ્રિષ્મ ઋતુમાં પણ સપ્ત રંગોથી ઇન્દ્રધનુષનો આભાસ કરાવતાં હતાં. ભ્રમરો પોતાની પ્રકૃતિ પ્રમાણે ખુદની ક્યારેય ન તૃપ્ત થનારી તૃષ્ણા છીપાવવા, ગુંજારવ કરતા, ફૂલોને પોતાની તરફ આકર્ષિને એક ફૂલથી બીજા ફૂલ પર રસપાન કરવા એક બેફિકરા અને આવારા પ્રેમીની જેમ ઉડતા ફરતાં હતાં. બગીચામાં વૃક્ષો ઉપર પંખીઓ પોતાનાં સંસારમાં મગ્ન બનીને કલરવ કરી વાતાવરણને સંગીતમય અને આહલાદક બનાવી રહ્યા હતાં.તો પેલી રાતરાણી અને જૂઈની વેલ તો જાણે જન્મોજન્મનાં પ્રેમીઓ હોય એમ વૃક્ષોની ચોતરફ ભાન ભૂલીને,વિંટળાઈને મધુર મિલનનાં સ્વપ્નોમાં રાચતી સુતી હતી.વસંતઋતુનું આગમન થઈ ગયું હતું.બપોરનો સમય હતો.વાતાવરણમાં નિરવ શાંતિ ફેલાયેલી હતી. સમીર મંદ-મંદ લહેરાવીને ગ્રીષ્મની ઉષ્માને પોતાની શીતળતાથી ઓછી કરવાનો પ્રયત્ન કરતો હતો. નિરવ શાંતિમાં પંખીઓનો કલરવ,પર્ણોની સરસરાહટ મનને ગમતો ખલેલ પહોંચાડતો હતો. આ કર્ણપ્રિય કલરવમાં કોઈ પંખીના મધુર ગીતનો અવાજ કાનોમાં મધુરસ ઠાલવતો હતો. એ સુમધુર અવાજ બગીચાની પૂર્વ દિશામાં આવેલા ઘટાદાર આમ્રવૃક્ષની એક ડાળી પરથી આવતો હતો. સમગ્ર વાતાવરણને ભુલાવીને. કુદરતને પણ ગેરહાજર માનીને, એ પંખી આંબાની ડાળ ઉપર બેસીને પોતાનાં ગાનમાં મગ્ન હતું. એ એક બુલબુલ હતું. એનાં ગીતમાં રહેલી મધુરતાએ કુદરતને પણ મંત્રમુગ્ધ કરીને સંગીતમય બનાવી હતી. બગીચાની પાછળનાં ભાગમાં આમ્રવૃક્ષની સામેની દિશામાં એક મકાન હતું.મકાનની ઉપરનાં માળે સુંદર ઝરૂખો હતો. ઝરૂખામાં ઊભેલી એક યૌવના બુલબુલનાં ગીતને સુરમયી થઈને સાંભળી રહી હતી.ખરેખર, અદભુત સૌંદર્ય હતું તેનું. જાણે જીવતું જાગતું પ્રકૃતિનું રૂપ. ચહેરા ઉપર શીશુબાળ જેવી નિર્દોષતા અને માસુમિયત હતી.તો આંખોમાં જુવાનીનાં ઉંબરે પગ માંડ્યાની લજ્જા, વિસ્મય, અનુત્તર સવાલો અને અસંખ્ય શમણાં સજાવેલા હતા. એનાં કેશ લાંબા,શ્યામ, રેશમનાં સ્પર્શને ભુલાવે એવાં મુલાયમ અને મખમલી હતાં.એને સ્પર્શવા સમીર પણ પોતાની દિશા વારંવાર બદલીને તેની લટોને છેડીને શરારતથી લહેરાતો હતો. અને છેડાયેલી લટ ક્યારેક અધખુલ્લા,બીડાયેલા, કમળપુષ્પ જેવા અધરો ઉપર તો ક્યારેક ગુલાબી ગાલ ઉપર અકળાતી, અથડાતી સમીરની શરારતી છેડછાડની ફરીયાદ કરતી હતી.એનાં ડાબા ગાલ ઉપર એક કાળો તલ હતો. ઈશ્વરે જ્યારે આ પ્રિયાનું સર્જન કર્યું હશે, અને આ સૌંદર્યનાં ચંચળ ઝરણાને પૃથ્વી ઉપર વહેતું મુકવાનું થતાં એક નિસાસો નીકળ્યો હશે, તેનો એક તણખો એનાં ગાલ ઉપર પડ્યો હશે, એજ આ કાળો તલ. એની સુંદરતામાં ચાર ચાંદ લગાવતો હતો. એની અંગડાઈ, એની ચાલ, એનું હસવું, એની આંખોનું વરસવું, એની માસુમિયત બધામાં જાણે એક સંગીત. સુર અને લયનું જીવતું જાગતું સ્વરૂપ. જાણે જીવતી સંગીત રાગિણી. આંખ જો એકવાર એને જોવે તો બીજું એ કંઈ ન જોવાની કસમ ખાય, એવું એનું રૂપ હતું.એનાં રૂપને મહેસુસ કરી શકાય, એનો અહેસાસ કરી શકાય, પરંતુ એને શબ્દોમાં વ્યક્ત કરવું અશક્ય હતું. આવાં અપ્રતિમ, અકલ્પ્ય રૂપને એકવાર જોઈને કોઈપણ એના પ્રેમમાં પડે. જો એવી લાગણી ના થાય તો તેની છાતીમાં હૈયું નહીં પથ્થર જ હશે. બુલબુલ તો પ્રેમનું પ્રતીક, પ્રેમી પંખીડું,લાગણીથી ભરેલું, પ્રકૃતિનું પારેવું. એ સૌંદર્યનાં ઝરણાને પ્રથમ નજરે જ પ્રેમ કરી બેઠું. અને એમ જ થાય, ના થાય તો જ નવાઈ લાગે. પ્રેમ અને પ્રકૃતિનું આ જ તો સ્વરૂપ છે.
                     બુલબુલ પણ પ્રકૃતિના પ્રણયમાં એવું તો ડુબી ગયું હતું કે એને આજુબાજુનું તો શું પણ પોતાની ખુદની જાતને પણ ભુલી ગયું.એની નજર બસ એ ઝરૂખા સામે જ મંડાયેલી રહેતી. એક નજર જો એ જોવા ના મળે તો એ ભાન ભૂલીને, બધું જ વિસરાવીને રાત-દિવસ ત્યાં જ બેસી રહેતું. ના એને ભુખ લાગતી કે ના પ્યાસ સતાવતી. નિંદર તો ક્યારની બેવફા બની ગઈ હતી. અને ચેન, ચેનતો એની પ્રિયાના એક માત્ર હસતાં ચહેરાની ઝલક મળે તો જ એનાં હૈયાં ને મળતું. એ ના દેખાય તો એ પોતાની ઉદાસી, વેદનાં, વ્યથાને હૈયાની લાગણીમાં વલોવીને દર્દથી એ ગાતું રહેતું. એ ગાઈને એને પોતાની પાસે બોલાવતું રહેતું.બુલબુલ એનાં ગીતથી એની પ્રિયાને સદા કહેતું," એક વાર, બસ એકવાર,તું મારી સામે જો. તારી પ્રેમ ભરી નજરોથી મારી સામે જો.નથી જીવાતું હવે, આમ, તરસીને, તડપીને, નથી જીવાતું. હવે જીવી પણ નહીં શકું તારાં પ્રેમ વગર. બસ હવે, બહું તડપાયુ છે મારાં દિલને. હવે નથી સહેવાતું, નથી જીરવાતું. અરે નાદાન, ચાહું છું તને ચાહતથી વધારે. પૂજુ છું તને હું ઈશ્વરથી પણ વધારે. અરે, શ્વાસ છે તું મારો એટલે જીવું છું. ધડકે છે હૈયાંમાં તું ધડકન બનીને એટલે તો ધડકુ છું. જીવી નથી મારી જીંદગી એટલી તને જીવી છે. જાણી નથી ખુદની જાતને એટલી તને જાણી છે. આંખમાં નિંદર નથી તોય શમણાં તારાં જોવું છું. તન્હાઈને તું સમજીને એમાં તને શોધું છું,અને ભીડમાં તને યાદ કરીને તન્હા બનીને રહું છું. તને જોઇને જીવી જાઉં છું,ના મળો તો જીવતો મરુ છું. શું કામ તડપાવો છો મને? શું ભુલ થઈ છે મારાંથી? એ જ ને કે હું તમને પ્રેમ કરું છું? પણ એમાં મારો શું વાંક? અને સજા મારાં દિલને કેમ? એ તો બિચ્ચારું, હમણાં તો શિખ્યુ છે ધડકતા, ચાહતાં.ચાહત શું છે? પ્રેમ એટલે શું? એનાથી સાવ જ અજાણ હતું બિચારું. એ શિખવ્યું તમારી આંખોએ. વાંક તમારી આંખોનો છે, તો આપો સજા એને!કેમ નથી આપતા સજા? કેમ કે એ તમારી છે એટલે? તો શું હું નથી? તો પછી આપો સજા એને, કહો કે એ રડે, મારાં માટે. અરેરે, આ શું બોલાઈ ગયું મારાથી? નાં... નાં..., તમે રડતાં નહીં, તમારી આંખોને નાં આપતાં સજા.એને હસતી જોઈ છે, અને જોવાં માંગું છું. એની ખુશી માટે હું મારાં પ્રાણ આપી દઈશ. નાં, તમે રડતાં નહીં. સાંભળો છો ને? પરંતુ હું શું કરું? મારૂં દિલ હવે મારૂં નથી રહ્યું. એને માત્ર તમારાં પ્રેમની જ ચાહના છે. ઘણું જ સમજાવું છું. પણ નાદાન છે એ, માનતું જ નથી. તમે જ કહો હું કેમ કરીને એને સમજાવું. એતો ખુશીથી છલકાતો તમારો ચહેરો જોવાં માગે છે.એ ખુશીની લહેર જોવા માંગે છે જે મને જોઈને તમારાં મુખડા ઉપર આવે છે. બસ, હવે વિરહની આગમાં નથી સળગી શકતો. અરે નિર્દયી ન બનો. મારાં કાળજે વેદનાંની શૂળો ભોંકાય છે. બહું સ્વાર્થી ન બનો.બસ...બસ, એકવાર, એક નજર આપો મને મારાં પ્રેમની. બસ, એકવાર.બુલબુલ પોતાની વેદનાં ઠાલવીને અમિનેષ નજરે ઝરૂખા સામે જોઈ રહ્યું.પરંતું ત્યાં કોઈ ન હતું. નાં કોઈ જીવ નાં તો એની જીંદગી. જેને કહ્યું એણે સાંભળ્યું નહીં, અને જેણે સાંભળ્યું એમની આંખોમાં ગ્રીષ્મ ઋતુમાં પણ ચોમાસું બેઠું હતું. વૃક્ષો, વેલો, ફુલ-છોડ, એનાં સાથી પંખીઓ, અરે બાગમાં રહેલાં પથ્થરો પણ ગમગીન બની ગયાં હતાં. આખોય બાગ બુલબુલની જેમ હિબકે ચઢયો હતો. વાતાવરણમાં પાષાણને પિગળાવી દે એવું અદશ્ય રૂદન સંભળાતું હતું. બગીચામાં ઉદાસી અને ગમગીનીએ પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતું. બુલબુલ પોતાની વેદનાંની લાગણીથી વાતાવરણને ભીંજાયેલલું જોઈને દર્દથી હસી પડ્યું.અને પછી સ્વગત બોલ્યું," જેને પ્રેમથી પુજુ છું એને સાંભળવાનો પણ સમય નથી. અને આ આખો બાગ, જેને મેં ક્યારેય કંઈ આપ્યું નથી માત્ર સઘળું પામ્યું છે. જેની મેં ક્યારેય કદર નથી કરી અને જેને મેં સર્વસ્વ આપી દીધું એને મારાં પ્રેમની કદર ના કરી. તેમ છતાં આખો બાગ મારાં દુઃખે દુ:ખી થાય છે. વાહ રે કુદરત, પ્રેમ આપે છે, પણ સાથે પીડા પણ એનાંથી વધારે આપે છે. કેમ? શું કામ? ન આપીશ,કોઈને ન આપીશ, કોઈને પણ નહીં..."
              આજ બુલબુલને કેમે કરીને ચેન નહોતું પડતું. રાત ક્યારે થઈ ગઈ એનું પણ એને ભાન નાં રહ્યું. આખાં દિવસનું ભૂખ્યું-તરસ્યુ હોવાં છતાં એને પોતાની કંઈ પડી ન હતી. પેટની ભૂખ-તરસ કરતાં એને એનાં મનની પ્યાસ સતાવતી હતી. જે એની પ્રિયાના પ્રેમથી જ છીપાવી શકાય એમ હતી.એની તૃષ્ણા છીપાશે કે નહીં એ પણ એ નહોતું જાણતું. આજ એનાં તન-મનમા દર્દનાક પીડા થતી હતી.એનેદર્દની પણ ખબર હતી અને દવાની પણ. પરંતુ એ લાચાર હતું, મજબુર હતું. એ ઈચ્છા હોવાં છતાં પોતાનાં દર્દનો ઈલાજ નહોતું કરી શકતું.એની આંખોમાંથી આંસુ બેસુમાર નહીં રહ્યાં હતાં. બુલબુલે નજરને ઊંચી કરીને આકાશમાં જોયું. અગણિત તારાઓથી ભરેલું હતું, પણ એની પ્રિયાની બિંદિયા આગળ સાવ નિસ્તેજ લાગતાં હતાં એ તારા.ચાંદ સામે એણે નજર પણ ના કરી. કેમ કરે? એનાં બે-દાગ ચાંદ સામે તો આ ચાંદ ઘણો કદરૂપો લાગતો હતો. બસ, એ ચાંદ જોવાં ના મળ્યો.આજ પુનમની રાત એનાં માટે અમાસની કાળી લાંબી રાત બની હતી.એની નજર આકાશમાં ચારે બાજુ ફરતી, કોઈને શોધતી હતી. એની આંખોમાં વિવશતા, વ્યગ્રતા અને આજીજી હતી. એની નજર તારણહાર ઈશ્વરને શોધતી હતી. પરંતુ ક્યાંય ના મળ્યો કે ના દેખાયો એને એ ઈશ્વર. ક્યાંથી મળે? કોઈને મળ્યો છે તો એ આ બુલબુલને મળે.એને તો છુપાઈને વેદનાંથી તડપતા લોકોનો તમાશો જોઈને આનંદ આવતો હશે. એટલે જ તો આટલી પીડા, દર્દથી કણસતા બુલબુલને જોઈને પણ એ ઈશ્વર ના દેખાયો. બસ, છુપાઈને મજા લેતો રહ્યો.એ ઈશ્વરને એની દયા પણ ના આવી. બુલબુલની આંખ થાકી પણ જેને એ શોધતી હતી એ ન મળ્યું. એ સહી ના શક્યું. એની ઘવાયેલી લાગણીઓ, ચિત્કારીને, તડપીને, આક્રંદ કરીને પોકારી-પોકારીને કહી ઉઠી," હે ઈશ્વર ક્યાં છે તું? ક્યાં છે? અરે આવ, આવ અને જો,જો મારી હાલત. જરા તો દયા કર મારી ઉપર.શું બગાડ્યું છે મેં તારું તે એનો બદલો વાળે છે. તેં જ તો મારું સર્જન કર્યું છે. તો પછી કેમ આટલો હેરાન કરે છે? શું આજ તારી મમતા છે? શું આજ તારો પ્રેમ છે? તું મમતા કે પ્રેમનાં ના આપી શકે તો કંઈ નહીં પણ ભયાનક વેદનાં, આ પીડા કેમ આપે છે? અરે, કેટલું દર્દ થાય છે મને? ખબર છે તને? દર્દ આપે છે પણ એની દવા કેમ નથી આપતો તું? અરે, હૈયું આપે છે, લાગણી અને પ્રેમથી છલોછલ કરી દે છે, પણ એને વ્યક્ત કરવા, લાગણીઓને વહેળાવવા,પ્રણયને પ્રસરાવવા કોઈ પ્રિયા કેમ નથી આપતો? અને આપે છે આપે છે તો મજબુર કેમ બનાવે છે? જે લાગણીઓને વ્યક્ત કરવા જતાં ન ભેદી શકાય એવી લાચારી કેમ આપે છે? તું જ કહે શું કરું હું? કેમ કરીને વ્યક્ત કરૂં હું મારી લાગણીને?, તેં મને વાણી પણ નથી આપી. કેવી રીતે વહેળાવુ પ્રેમમાં એને,તેં મને એનાં જેવું રૂપ પણ ક્યાં આપ્યું છે? મારાં પ્રેમથી તેનાં તનને સ્પર્શીને એને મારામાં કેવી રીતે સમાવું? તેં તો એવું તન પણ ક્યાં આપ્યું છે મને? બસ, તેં આપ્યું છે તો માત્ર પ્રેમથી ભરેલું, લાગણીઓથી છલોછલ હૈયું. જેની આ દુનિયામાં કોઈ જ કદર નથી, કોઈ જ નહીં. તું ઈશ્વર નથી,તું સર્જનહાર કે તારણહાર પણ નથી. તું માત્ર થોડી શકે છે લાગણીઓને, હ્દયને. તને તો સર્જન કરવાનો પણ હક નથી.તું પથ્થર છે, પથ્થર નહીં પાષાણ છે તું. નહીં તો આટલી પીડા થતી જોઈને પથ્થરો પણ પીગળી જાય. તું નિર્દય છે, ક્રુર છે.તું બધાને લાચાર બનાવીને, કણસતા, વેદનાંથી તરફળતા જોઈને આનંદ માણે છે. તું જ ઈશ્વર છે તો હું નથી માનતો તને, નહીં માનું તને, કદાપી નહીં." આટલું બોલીને બુલબુલ ચૂપ થઈ ગયું. એની આંખોમાંથી ચોધાર આંસુઓ વહેતાં હતાં. એનું હૃદય જોરજોરથી ધડકતું હતું. આખાં દિવસની ભૂખ તરસ તો હતી જ અને આટલી યાતનાં અને આક્રંદ પછી તે બહું જ કમજોરી અનુભવતું હતું. એની આંખો સામે વારંવાર અંધકાર છવાતો હતો. એ આંબાની ડાળ ઉપર પોતાની જાતને માંડ સંભાળીને, શાંત કરીને, ઝરુખા સામે જોતું પડ્યું રહ્યું. શાંત વાતાવરણમાં એનાં હીબકાં સ્પષ્ટ સંભળાતાં હતાં. એ વાત જુદી હતી કે એ સાંભળનાર કોઈ ન હતું. બુલબુલ ચૂપચાપ પડ્યું હતું પણ એનું મન કંઈ કેટલા વિચારો કરી રહ્યું હતું. એ થોડી વાર ઝરુખા સામે એકધારું જોતું રહ્યું. અચાનક એની આંખોમાં ના સમજાય એવી એક ચમક આવી. કોઈ પ્રજ્ઞાચક્ષુને ચક્ષુ મળવાની આશા એની મૃત આંખોમાં એક રોશનીનું કિરણ લાવે, એવી જ આશાની રોશનીનું નાનકડું કિરણ બુલબુલની આંખોમાં ચમકતું હતું. એ પોતાનાં મનને સમજાવતું, મનાવતુ કહેવા લાગ્યું," અરે પાગલ, પ્રેમ એટલે શું ખબર છે તને? જોયો છે કોઈએ પ્રેમને? નાં. કેવો લાગે છે એ? ખબર છે કોઈને? નાં. એ સુંદર પણ નથી, અને કદરૂપો પણ નથી. એ સુંદરતામાં પણ હોય છે,અને બદસુરતીમાં પણ હોય છે. પ્રેમ એક અહેસાસ છે.અને તે હ્દયથી થાય છે, અને મહેસુસ કરાય છે. જે ખૂટતું હોય, અધુરું હોય એને પૂર્ણ કરવું એ પ્રેમ. એનું નથી રૂપ, રંગ, અવાજ કે આકાર.નથી હોતી એની નાત,જાત કે નથી હોતો એનો કોઈ ધર્મ. બસ, એ હોય છે, દર્દમાં, મિલનમાં, વિરહમાં, દુઃખમાં, સુખમાં. એ રહે છે અણુ-અણુમાં,કણ-કણમાં. પ્રેમ પ્રાથના છે, ભક્તિ છે, શ્રધ્ધા છે, મમતા છે, મિત્રતા છે.પ્રેમ એ જ ઈશ્વર છે. એ લાગણીથી વહે છે, વિશ્વાસથી મજબૂત થાય છે,અને સ્પર્શથી પ્રસરે છે." આમ, મનને મનાવતાં એનાં બેચેન હૈયાને થોડું ચેન મળ્યું. એ પોતાનાં હૈયાને ધરપત આપતાં મનોમન બોલ્યું," ભલે હું માંરો પ્રેમ બોલીને વ્યક્ત ના કરી શકું. ભલે હું એનાં બદનને મારાં તનનાં પ્રેમથી સ્પર્શીનાં શકું. પરંતુ હું એનાં દિલને મારાં હૈયામાં રહેલાં પ્રેમનો અહેસાસ તો કરાવી શકું છું. અને હું કરાવીશ, જરૂર કરાવીશ. મને વિશ્વાસ છે, શ્રધ્ધા છે. મારાં એની પ્રત્યેનાં પ્રેમ ઉપર." બુલબુલ પોતાનાં દિલને હિંમત આપીને, પોતાની જાતને આશ્વાશન આપવા લાગ્યું. એનાં ચહેરા ઉપર થોડીવાર પહેલાં પથરાયેલી ઉદાસી અને દર્દની રેખાઓની જગ્યાએ ખુશીઓની લહેરોએ પોતાનું સ્થાન જમાવા માંડ્યું. બુલબુલ ઝરુખા સામે જોઈને ખુલ્લી આંખે શમણાં જોતાં-જોતાં ક્યારે સુઈ ગયું,એની પણ એને ખબર ના રહીં. કેટલાંય દિવસોથી પછી નિંદર રાણીએ એની આંખોમાં રાતવાસો કર્યો હતો. આજે એ ભૂત, ભવિષ્ય અને વર્તમાન ભુલીને પોતાની પ્રિયાનાં સપનાઓમાં લીન થઈને સુતું હતું. એ બિચારુંક્યાં જાણતું હતું કે ભાવિનાં ગર્ભમાં શું છુપાયેલું હતું?.
                         સૂરજ પોતાનાં સાત અશ્વો સાથે, પ્રભાતની છડી પોકારતા કિરણો લઇને આકાશમાં ચારે દિશામાં પ્રકાશપુંજ ફેલાવતો આવી પહોંચ્યો, એની જાણ ત્યારે થઈ, જ્યારે મુરઝાયેલી સૂરજમુખી સોળે કળાએ ખીલી ઉઠી. જાણે કોઈ નવોઢાને પોતાનાં પ્રિતપીયુનાં આગમનથી એનાં હૈયામાં જાગતાં અરમાનો અને જે લાગણીઓની અનુભુતિ થાય એવી જ અનુભૂતિ, એવો જ અહેસાસ સૂરજનાં આગમનથી સૂરજમુખીને થતો હતો. એ એનાં ભવોભવનાં પ્રિતમને લજ્જાની મારી, શરમાઈને એની પુજા કરતી, પ્રેમથી આવકારતી રહી.બુલબુલ તો વહેલી સવારનું જાગી ગયું હતું, અને આ બ્રહ્માંડનાં અજર-અમર પ્રેમીઓનાં પ્રેમ મિલનને મનોમન પુજતુ રહ્યું. અને એમનાં પ્રેમને દિલથી બિરદાવતું રહ્યું. એ સૂરજમુખીને જોતાં-જોતાં વિચારવા લાગ્યું," આ સૂરજમુખી સદીઓથી આમ જ સૂરજને ચાહતી રહી છે,અને ચાહતી રહેશે. એ જાણે છે કે એનાં પિયુ સાથે એનું ક્યારેય સદાનુ મિલન થવાનું જ નથી.દરેક સવારનાં સૂર્યોદયથી, એનું એનાં મનમીત સાથે પ્રેમ મિલન થાય છે. સૂરજની એકમાત્ર પ્રેમ નજરથી એ સોળે શણગારે સજીને ખીલી ઉઠે છે, તો દરેક સંધ્યા એનાં માટે સૂર્યાસ્ત લઈને આવે છે, અને સૂરજમુખીને એનાં પ્રિયતમથી વિખુટી પાડીને વિરહની વેદનાથી મુરઝાવી જાય છે. અને રાતની કાળી ચાદર ઓઢાડીને એને પોઢાડી દે છે. ફરીવાર એનાં પ્રેમીનાં મિલનમાં જાગવા માટે.રોજ જીવવાનું અને રોજ મરવાનું પ્રેમની એક નજર માટે. તેમ છતાં એ ચાહે છે એનાં પિયુને. એની ચાહત જ એની જીંદગી, એની ચાહત જ એનું મોત છે. એનો પ્રેમ જ એની ભક્તિ છે, પુજા છે. એનું સર્વસ્વ માત્ર ને માત્ર એનો પ્રેમ છે. અને એનો અહેસાસ એનાં સ્વામી સૂરજ ને પણ છે. એટલે જ તો સૂર્યોદય થતાં જ સૂરજની નજર ધરતી ઉપર સૂરજમુખીને જ સૌ પ્રથમ શોધતી હોય છે. અને એને જોઈને એની ઉષ્મામાં અતિરેક આવી જાય છે. એની હૂંફથી એ સૂરજમુખીને એનાં આગમનની જાણ કરે છે. અને એની પ્રેમિકાને તેનાં નાજુક નમણાં કિરણોથી પ્રેમ કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. બસ, હું પણ સૂરજમુખીની જેમ મારાં પ્રેમનો અહેસાસ મારી પ્રિયાને કરાવીશ."આમ વિચારી બુલબુલ બાગમાં ચોમેર નજર કરવા લાગ્યું. સવારનાં નાજુક નમણાં તડકામાં સૌ પોતપોતાનાં કામોમાં મગ્ન થઈ ગયાં હતાં. ભ્રમરનું ગુજારવુ,પતંગિયાઓની નિર્દોષ રમતો, પંખીઓનો કલરવ, કળીયોનું ખીલવું, તો ફૂલોનું મહેકવુ, પાણીનું ખળખળ વહેવું, વૃક્ષોનું વેલોને ગળે લગાડવું, સમીરનું શરારત ભર્યું લહેરાવુ, બધા જ પોતાનાં રોજનાં ક્રમમાં લુપ્ત હતાં. બુલબુલ પોતાને આ બધાથી અલગ જ માનતું અને સર્વેને જોઈને વિચારતું હતું," હું આ બધાંથી સાવ અલગ જ છું. મારૂં કામ બીજું કંઈ નહીં ,બસ પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ કરવો એ જ મારૂં કામ." અચાનક સામેનાં મકાનનાં ઝરુખામાંથી દરવાજો ખુલવાનો અવાજ થતાં બુલબુલની વિચારધારા તૂટી. એ વિસ્મય ભરી નજરે ઝરુખા સામે જોવાં લાગ્યું. એનું હદય જોરજોરથી ધડકવા લાગ્યું." શું એજ હશે? એ હશે તો?જો એ મારી સામે જોઈને એક સ્મિત આપશે તો મારી ધડકન રોકાઈ જશે."બુલબુલને પોતાનાં મૂર્ખામી ભરેલાં વિચારો ઉપર હસવું આવ્યું. જે ન જોવાં મળવાથી પણ મન વ્યાકુળ હતું, અને હવે એ જોવાં મળશે એ આશાથી પણ મન થડકાર અનુભવે છે. ખરેખર, મનની ગતી અકળ છે, એ કળી શકાતી નથી.અને કમાલ છે આ પ્રણયની રમત. જીતો તોય હારો, અને હારો તોય જીતો.દરવાજો ખુલતા જ રૂપનું છલોછલ સરોવર ઝરુખામાં ઠલવાઈ ગયું.બુલબુલ એને જોતાં જ ધબકારો ચૂકી ગયું. અનિમેષ નજરે, શ્વાસને રોકીને, જાણે એનાં શ્ર્વાસની ઉષ્માથી એ સરોવર સુકાય જાય તો, એ બીકે, એની પ્રિયાનાં રૂપ લાવણયને એ પીતું રહ્યું. મૃગજળ હતું એ જાણવા છતાં એ તૃષ્ણા છીપાવતું રહ્યું, જોતું રહ્યું. એ હમણાં જ સ્નાન કરીને આવી હોય એમ લાગતું હતું. એનાં ખુલ્લાં ભીનાં વાળમાંથી પાણીનાં ફોરાં ઝાકળનાં ફોરાંની જેમ નીચે આંગણામાં ફૂલનાં છોડ ઉપર પડતાં હતાં. એનાં બદનની ભીની માદક મહેંક બુલબુલ ત્યાં બેસીને પણ મહેસુસ કરી રહ્યું હતું. બુલબુલે જોયું કે એની પ્રિયાની નજર વારંવાર આસોપાલવનાં વૃક્ષની દિશામાં જતી હતી. બુલબુલે આસોપાલવનાં ઘટાદાર વૃક્ષ બાજું નજર કરી. વૃક્ષ નીચે બાંકડા ઉપર એક સુંદર, સોહામણો,જોતાં જ ગમી જાય એવો એક યુવાન મોહક સ્મિત કરતો એની પ્રિયાને જોતો હતો. બુલબુલ આ દ્શ્ય જોઈને સમસમી ગયું. ઈર્ષાની આગ એનાં તનને દઝાડવા લાગી. બુલબુલે એની પ્રિયા સામે જોયું, એ પણ થોડી-થોડી વારે પેલાં યુવકને જોઈ રહી હતી. બુલબુલથી આ સહન નહોતું થતું. પણ એ કરે શું? થોડીવાર પછી પેલો યુવક જતો રહ્યો અને ઝરુખામાંથી રૂપનું સરોવર પણ વરાળ બનીને ઊડી ગયું.બિચારું બુલબુલ, માંડ એનાં જીવનમાં પ્રેમનું બીજ રોપાયું હતું. વૃક્ષતો શું, છોડ થતાં પહેલાં જ એનું નિંદામણ થઈ ગયું. અફસોસથી બુલબુલની આંખોમાં આંસું આવી ગયાં. પોતાનું સર્વસ્વ ગુમાવી દીધાની લાગણી અનુભવતું એ આંખો બંધ કરીને બેસી રહ્યું. એની બંધ આંખોમાં બનેલી ઘટનાનાં દ્શ્યોનું પુનરાવર્તન થઈ રહ્યું હતું.અચાનક એને યાદ આવ્યું કે, જે નજરે એની પ્રિયા પેલાં યુવકને જોતી હતી, એ નજર માટે તો એ તડપતુ હતું. એ નજરથી મળેલાં યુવકનાં પ્રતિઉત્તર રૂપી સ્મિતથી એનાં ચહેરા ઉપર જે ખુશીની લાલી છવાઈ ગઈ હતી, એ ખુશી જોવાં માટે તો બુલબુલ તરસતું હતું. એણે મનોમન નક્કી કરી લીધું, ભલે એ નજર, એ પ્રેમ, લાગણી બધું જ એ યુવકને મળે.પણ એનાં થકી મારી પ્રિયા સદા ખુશ તો રહેશે, હસતી રહેશે,ખળખળ ઝરણાંની જેમ. મારું શું છે? એને દુરથી જોઈને ચાહતો રહીશ, જ્યાં સુધી મૃત્યુ મને ના ચાહે. પેલો યુવક રોજ સવાર-સાંજ એનાં પહેલાં પ્રેમને જોવાં આવવા લાગ્યો. ઝરુખમાં પ્રકૃતિ પણ એનાં પ્રેમીને જોવાં રોજ નવાં રૂપે આવવાં લાગી. અને બુલબુલ પ્રણયનાં પ્રથમ મિલનનું પ્રત્યક્ષ સાક્ષી બની રહ્યું. અને પોતાનાં નસીબને યાદ કરીને હસતું રહ્યું. એક સાંજે એ યુવક બાંકડા ઉપર બેસીને ઝરુખા સામે રાહ જોઈને બેઠો હતો. પરંતુ આજે ઝરુખો ખાલી ખાલી લાગતો હતો.એ ખાલીપણું એની અધીરાઈમાં વધારો કરી રહ્યું હતું. તેં વારંવાર બાંકડા ઉપરથી ઊભો થઈને આંટા મારતો તો ક્યારેક બેસી જતો. એને એક નજર જોવાંનો તલસાટ ક્ષિતિજે હતો.એની દ્રષ્ટિ ફરીફરીને નિર્જીવ ઝરુખા સામે જતી હતી. એની ચાલમાં,ચહેરા ઉપર અને આંખોમાં વ્યગ્રતા અને વ્યાકુળતાનાં ભાવ સ્પષ્ટ જોઈ શકાતાં હતાં. યુવકની બેચેની ભરી હાલત જોઈને બુલબુલ હસી રહ્યું હતું. એતો ટેવાઈ ગયું હતુંને એટલે. એને તો આદત પડી ગઈ હતી રાહ જોવાની. સાંજે બાગમાં રોજ કરતાં આજે શોરબકોર ઓછો હતો. એકાએક ઝાઝરનાં રણકારનો અવાજ થતાં પેલાં યુવક અને બુલબુલનું ધ્યાન બાગનાં પ્રવેશદ્વાર ઉપર ગયું. બંને આશ્ચર્ય અને નવાઈથી એ દિશામાં જોઈ રહ્યાં. યુવકની પ્રિત અને બુલબુલની પ્રિયા ખુદ પ્રેમની મૌસમ બનીને બાગમાં આવી હતી. એને જોતાં જ બંને પોતાની સુધબુધ ગુમાવી બેઠાં. યુવક તો એને જોતાં જ એક પૂતળાની માફક ત્યાં જ જડ બનીને ઉભો રહ્યો. બુલબુલ એની પ્રિતપ્રિયાને મંત્ર મુગ્ધ બનીને જોતું રહ્યું, એનાં રૂપને પીતું રહ્યું. એને લાગ્યું કે આજે બાગમાં ખરેખર પ્રકૃતિનું આગમન થયું છે.બુલબુલ પોતાની જાતને માંડ-માંડ સંભાળી શક્યું. એ ધીરેથી ઉડીને આસોપાલવનાં વૃક્ષની ડાળી ઉપર જઇને બેઠું, જ્યાં પેલાં પ્રેમી પંખીડાં એકબીજાને મગ્ન બનીને જોઈ રહ્યાં હતાં. ચાર આંખોમાં તારામૈત્રક સર્જાયું હતું. બંને એકમેકને આંખોથી મન ભરીને પ્રેમ કરી રહ્યાં હતાં. પંખીઓનાં કલરવનાં અવાજથી જેમ ભર નીંદરમાં પોઢેલું કોઈ ઝબકીને જાગી ઉઠે એમ પેલી યૌવનાની પ્રણયનિદ્રા તૂટી. એનાં નયન શરમ અને લજ્જાનાં માર્યા નીચે ઢળી પડ્યાં.પરંતુ પેલો યુવક તો અનિમેષ નજરે એને જોતો જ રહ્યો, એનાં પ્રેમ રસને પીતો રહ્યો.  જાણે જનમ જનમનો તરસ્યો ના હોય! યુવતીએ પેલાં યુવકને બનાવટી રોષથી પુછ્યું," તમે શું કામ મારી સામે આમ એકટીક જોયાં કરો છો? આ પહેલાં કોઈ યુવતીને જોઈ નથી કે પહેલીવાર જોવો છો? યુવક સુરમયી અવાજ સાંભળીને થોડીવાર તો નિઃશબ્દ ઉભો જ રહ્યો. એણે યુવતીની આંખોમાં નજર મિલાવીને એક યાચકની જેમ લાગણી ભર્યા અવાજમાં કહ્યું," હા, જોઈ છે, ઘણી સુંદરીઓને જોઈ છે, પરંતુ સુંદરતા ત્યારે જ સાર્થક ગણાય કે આકર્ષક લાગે, જ્યારે એમાં પ્રણયનો સ્પર્શ હોય. તમને જોઈને પ્રેમ અને સુંદરતાનું એક અલગ જ સ્વરૂપ જોયું છે. એટલે નજર તમારાં ઉપરથી હટતી નથી.વારંવાર બસ તમને નિરખવાનું મન થાય છે. હૈયું ધરાતું જ નથી તમને એકવાર જોવામાં. શું કરું?મજબુર છું, મારાં દિલ આગળ. માફ ના કરો તો સજા આપજો, મંજુર છે મને. પરંતુ તમને ન જોવાની કસમ ના આપતાં. તમારાં ચાંદ જેવાં મુખડાને કોઈ પડદાં રૂપી વાદળ પાછળ છુપાવી ના દેતા. મારું હૈયું તરફડી ઉઠશે, તૂટી જશે એ. રૂપની વેલે, પોતાનાં કેશની ડાળખીઓને સવારનાં પુછ્યું," શું હું ખરેખર સુંદર છું?અને તમારું કહેવું એમ છે કે તમે મને પ્રેમ કરો છો, ખરુંને?" યુવતીનાં શરારતી સ્મિત ભરેલાં સવાલનો યુવકે તેની આંખોમાં આંખ પરોવીને પ્રત્યુતર આપ્યો, " તમે ખુબ સુંદર છો,તમારી સુંદરતા અકલ્પનીય અને અદ્રિતીય છે. તેને શબ્દોમાં વર્ણવી શકું એટલું મારું ગજું નથી. અરે કોઈ કવિ કે લેખક તમારી સુંદરતાનું તેમનાં શબ્દોમાં વર્ણન ના કરી શકે એટલાં સુંદર છો તમે. તમે મારાં હ્દયને પુછો એ અવિરત તમને જ જોવાં ઝંખે છે. તમે મારી નજરોને પુછો એ તમારાં ઉપરથી હટવા નથી માંગતી. હું તમારાં વગર નથી રહી શકતો.હા, હું તમને પ્રેમ કરું છું, બેસૂમાર, બેહદ પ્રેમ કરું છું.તમારાં વિનાનાં જીવનની કલ્પના પણ નથી કરી શકતો. અને એટલો જ પ્રેમ તમે મને કરો છો." જવાનીનું પહેલું પગથિયું મસ્તીમાં બોલ્યું," તમને ભ્રમ થયો છે."" નાં, એ ભ્રમ નથી. મને જોઈને તમારાં અંતરની ઊર્મિઓમાં મારાં નામની ભરતી આવે છે, એ જોઈ છે તમારી આંખોમાં." યુવકે ગંભીર વદને કહ્યું. પરંતુ આજે આ લાગણીનું ઝરણું મજાકનાં ઠેકડા ભરતું હતું, એ વહ્યું, " વ્હેમ છે તમારી આંખોનો, ભુલ થાય છે તમારી, એ ભરતી નહીં પણ ઓટ હતી તમારાં નામની," " ચાલો, કંઈક તો હતું મારાં નામનું." યુવક ખુબ નિરાશ થઈ ગયો. એને તેનાં સપનાંનો વિખરાતો નજરે પડ્યો. થોડીવાર માટે ત્યાં મૌન છવાઈ ગયું. યુવકને આ અકળામણ અસહ્ય લાગી, એનાંથી રહેવાયું નહિ,. એણે પુછ્યું," કહો શું કહું મારાં દિલને? એને આશાનું અમૃત પિવડાવુ કે પછી નિરાશાનું વિષ." " કહો કે ધીરજ રાખે, પ્રેમ આમ સરળતાથી થોડો મળે છે? કેટલીયે કસોટીઓમાંથી પસાર થવું પડે ત્યારે મળે છે. તમે તો સાવ સસ્તી કિંમત કરી પ્રેમની. પ્રેમતો અનમોલ છે.ઈશ્વરનું વરદાન છે. પ્રેમ તો માત્ર પ્રેમને જ મળે છે. એમ થોડો ગમે તેને અપાય?" યુવતીએ ચતુરાઈથી ઉત્તર આપ્યો. 
(ક્રમશઃ)
             મિત્રો, "હ્દયપુષ્પ" , એક અદ્ભુત પ્રણય ત્રિકોણનો આ પહેલો ભાગ હતો. તમને એ કેવો લાગ્યો એનો પ્રતિભાવ રેટિંગથી ચોક્કસ આપજો. "હ્દયપુષ્પ" નો બીજો ભાગ ટૂંક સમયમાં જ આવશે, તમે રાહ જોશો ને?તમારાં સૂચનો અને અભિપ્રાય જરૂરથી આપજો. માંરો વ્હૉટસએપ નંબર-9898747403 છે.

* જય શ્રી કૃષ્ણ *