આગળ જોયું.. ( મેહુલે રાહી અને ધ્રુવને પોતાના જીવનમાં વીતેલા આઠ વર્ષમાં બનેલી ઘટના કહી. રાહી અને ધ્રુવ આખી ઘટના સાંભળી રિદ્ધિને શોધવાનું નક્કી કરે છે અને મેહુલ પાસે રિદ્ધિ વિશે થોડી માહીતી માંગે છે. તથા તેની તસવીર પણ જોવાનો આગ્રહ રાખે છે. મેહુલ રિદ્ધિની તસવીર રાહી અને ધ્રુવને બતાવે છે. ધ્રુવ રિદ્ધિ વિશે તપાસ આગળ વધારે છે. તેથી મેહુલમાં ઘણો ફરક આવે છે અને રિદ્ધિ તેનાં જીવનમાં ફરી આવશે તેવી તેને ફરી આશા જાગે છે. ધ્રુવને કોઈનો ફોન આવે છે. ધ્રુવ રાહીને ફોનમાં થયેલી વાત સંભળાવે છે જેથી રાહી ખુશ થઈ જાય છે .. હવે આગળ…)
“ રાહી એક સરસ સમાચાર છે. ” ધ્રુવ
“ શું સમાચાર.. ?” રાહી
“ જય અને દિશા લગ્ન કરે છે અને તે પણ આવતાં અઠવાડિયામાં જ. ” ધ્રુવ
“ ઓહ…આ તો ખૂબ જ સારા સમાચાર છે. ” રાહીએ ખુશ થતાં કહયું.
“ અને હજુ ઍક સારા સમાચાર છે જે હું તને આપવા જઇ રહ્યો છું. ” ધ્રુવ
“ તું પ્લીઝ આમ પહેલી ન બૂઝાવ. મને જલ્દી કહે શું વાત છે. ?” રિદ્ધિએ આતુરતા દર્શાવી.
“ હા ધ્રુવ હવે કહી પણ દે શું વાત છે?” મેહુલ
“ જય અને દિશાના પરિવારે તે લોકોનાં લગ્ન દિવમાં બધાં મિત્રો અને સગા સંબંધીઓ વચ્ચે કરવાનો નિર્ણય લીધો છે. ” ધ્રુવે વાત જણાવી.
“ ઓહ…તારો મતલબ છે ‘ ડેસ્ટિંનેશન વેડિંગ’??” રિદ્ધિ
“ હા તે બન્નેનાં પરિવારે આ રીતે દિવમાં તે બંનેના લગ્ન કરવાનું વિચાર્યું છે અને લગ્ન પછી બન્ને હનીમૂન માટે કાશ્મીર જાય છે. ” ધ્રુવ
“ અરે વાહ આ તો ખૂબ જ સારી વાત છે. દિશા અને જય ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છે. ” રાહી
“ અને આપણે તેનાં લગ્નમાં જવાનું છે દિવ અને તે પણ પૂરા એક અઠવાડિયા માટે. કેમ કે લગ્ન પહેલાંની બધી જ વિધી અને પાર્ટી પણ ત્યાં જ રાખેલી છે. તો જયે આપણાં મિત્રવર્તુળમાં બધાને ઍક અઠવાડિયા પહેલાં જ હાજર રહેવા આમંત્રણ આપ્યું છે. તને પણ દિશાનો ફોન આવશે. ” ધ્રુવ
“ ઓહ સરસ…પૂરેપૂરું ઍક અઠવાડિયું જુના મિત્રો સાથે અને તે પણ દીવમાં.. ?હું તો ખૂબ જ ઉત્સાહિત છું આ માટે. ” રાહી
“ હા હવે મિસ. ઉત્સાહિત જલ્દી પેકિંગ કરવા લાગ. આપણે બધાએ કાલે જ જવા માટે નીકળવાનું છે. ” ધ્રુવ
“ કાલે જ ? આટલું જલ્દી ? પણ ઓફીસનું કામ ?” રાહી
“ ઓફીસનાં કામની ચિંતા તમારે લોકોએ કરવાની જરા પણ જરૂર નથી. તમે આરામથી જાઓ અને આનંદ કરો. કામ તો બધું હું સંભાળી લઈશ. અને એમ પણ હું એકલો ક્યાં છું? ઓફીસનાં બીજા સભ્યો પણ તો છે જ ને કામ માટે. તમે બન્ને બેફિકર થઈને જાઓ. હા તમારા બંનેની યાદ જરૂર આવશે પણ એક અઠવાડિયાની જ તો વાત છે ને.. !! જઈ આવો તમે અને હા જય અને દિશાને મારા તરફથી લગ્નની શુભકામનાઓ પઠાવજો. ” મેહુલે રાહી અને ધ્રુવને રજા આપતાં કહ્યુ.
“ આભાર સર,અમે આવીને ફરીથી અમારૂં કામ સંભાળી લેશું. ” ધ્રુવ
“ ચાલો હવે તમે બન્ને પોતપોતાના ઘરે જાઓ અને પેકિંગ કરી જવાની તૈયારી કરો. ” મેહુલ
રાહી અને ધ્રુવ ઘરે જાય છે. રાહી ઘરે પહોંચી પેકિંગ કરતી હોય છે ત્યાં થોડીવારમાં જ રાહીને દિશાનો ફોન આવે છે.
“ હાય રાહી. ” દિશા
“ હાય દિશા, કેમ છે? “ રાહી
“ હું ઠીક છું. તને કેમ છે?” દિશા
“ હું પણ ઠીક છું. લગ્નની શુભકામનાઓ. ” રાહી
“ ખૂબ ખૂબ આભાર. ” દિશા
“ કેવી ચાલે છે લગ્નની તૈયારીઓ? શોપિંગ થઈ ગઈ આટલા ટૂંક સમયમાં? આમ અચાનક આટલી જલ્દી લગ્ન કરવાનો નિર્ણય તમે બન્નેએ કેમ લઇ લીધો?” રાહી
“ અરે વાત એમ છે કે જયનાં દાદીમાની તબિયત ઠીક નથી રહેતી. તો જયના મમ્મી પપ્પાની ઇચ્છા હતી કે લગ્ન જલ્દી થઈ જાય તો તેનાં દાદીમા જયનાં લગ્ન જોઇ શકે. આથી આમ અચાનક જ આ નિર્ણય લેવાયો. શોપિંગ પણ અમે બધાં લોકોએ સાથે મળીને બે- ત્રણ દિવસમાં પુરી કરી લીધી છે. બસ હવે માત્ર તમારે બધાએ લગ્નમાં સહભાગી થવાનું છે. ” દિશાએ કહ્યું.
“ દિશા તું ખુશ છે ને આ લગ્નથી?” રાહી
“ હા રાહી, હું ખૂબ જ ખુશ છું આ લગ્નથી. જય મને ખૂબ જ પ્રેમ કરે છે અને તેનાથી પણ વધારે જયનો પરિવાર. ખૂબ જ લાગણીશીલ છે બધાં. મારા સાસુ એક્દમ મમ્મી જેવા જ છે અને મોર્ડન પણ છે. સસરા ખુલ્લા વિચારોનાં છે અને દાદીમા પણ ખૂબ જ હેતાળ છે. ” દિશાએ ખુશ થતાં પોતાના થનારા પરિવારનો (સાસરિયાં) પરિચય આપ્યો.
“ બસ આમ જ ખુશ રહેજે. ભગવાન કરે તારી ખુશીને કોઈની નજર ન લાગે. સાસરીમાં પણ દિકરી બનીને બધાનું ધ્યાન રાખજે. હવેથી તે જ તારો પરિવાર છે. અને ખાસ વાત સાસુને સાસુ નહીં પણ મમ્મી માનજે અને તેથી પણ વધારે ઍક સખી માનજે. જો પછી સાસરીનું જીવન એક્દમ સરળ બની જશે અને બધાનો પ્રેમ પણ મેળવી શકીશ. ” રાહીએ દિશાને સલાહ આપી.
“ હા રાહી હું એમ જ કરીશ. આ બધુ તો બરાબર પણ મેડમ હવે તમે સાસરી વિશે આટલું જાણો જ છો તો તમારો લગ્નનો શું વિચાર છે.. ?” દિશાએ રાહીની મજાક કરતાં કહયું.
“ અરે મારે તો હજુ ઘણો સમય છે. મેં વિચાર પણ નહીં કર્યો આ વિશે. હજુ મારે મારુ કેરિયર સેટ કરવાનું બાકી છે. ” રાહી
“ હા ઓકે ચાલ હવે હવે ફોન રાખું છું. કાલે સવારે 9:00 વાગ્યે નીકળવાનું છે દિવ જવા માટે તો થોડી પેકિંગ બાકી છે. તું ઍક કામ કર અત્યારે જ પેકિંગ કરી મારા ઘરે આવી જા. બન્ને સાથે રહેશું ઍક દિવસ. તે બહાને તારી સાથે થોડી વાત પણ થઈ જશે. ” દિશા
“ હા ઓકે ચાલ તો હું થોડી પેકિંગ બાકી છે તો તે પુરી કરીને તારા ઘરે આવવા માટે નીકળું છું. ” રાહી
રાહી જરુરી પેકિંગ કરીને દિશાના ઘરે જવા માટે નીકળે છે. બીજી તરફ ધ્રુવ રિદ્ધિની તપાસમાં લાગેલો હોઇ છે. તે રિદ્ધિનાં નજીકનાં મિત્રોને ફોન કરે છે પણ કોઈ ખાસ માહીતી હાથ લાગતી નથી. ધ્રુવ ફેસબૂકમાં રિદ્ધિ વિશે તપાસ કરે છે તો ત્યાં પણ નિરાશા જ હાથ લાગે છે. અશાજનક બે- ત્રણ એકાઉન્ટમાં ધ્રુવ મિત્રતા માટેની રીકવેશટ પણ મોકલે છે. પછી થોડા જરુરી કોન્ટેક્ટમાં ફોન કરે છે પણ કંઈ ખાસ માહીતી મળતી નથી. બધાનું કહેવું એમ જ હતું છેલ્લે વાત રિદ્ધિ વડોદરા હતી ત્યારે થઈ હતી. ત્યારપછી કોઈ ફોન જ નથી આવ્યો.
ધ્રુવ આથી થોડો નિરાશ થઈ ગયો અને તેણે રિદ્ધિને ફોન કર્યો.
“ હાય રાહી ,શું કરે છે?” ધ્રુવ
“ ધ્રુવ હું દિશાના ઘરે આવી છું. કાલથી પછી લગ્ન માટેના બધી વિધી શરુ થઈ જવાની છે તો દિશાની ઇચ્છા હતી કે આજનો દિવસ હું તેની સાથે વીતાવું. બન્ને બહેનપણીઓ સાથે બેસીને વાતો કરશું. ” રાહી
“ મે રિદ્ધિમેમ વિશે તપાસ કરી. તેમનાં ખાસ મિત્રો અને સગા સંબંધીઓમાં ફોન કર્યા પણ હાલ કોઈ માહીતી હાથ લાગી નથી. ફેસબૂકમાં થોડી રીકવેસટૉ મોકલી છે. કદાચ તેમાંથી કંઇક માહીતી મળે. ” ધ્રુવ
“ ચિંતા ન કર ધ્રુવ આપણે જરૂર સફળ થશુ. તું તારા પ્રયાસ ચાલુ રાખ. મારી કોઈ મદદની જરૂર પડે તો મને જણાવજે. ” રાહી
“ હા ઓકે,બાય. ” ધ્રુવ
આખો દિવસ રાહી અને દિશા ખૂબ જ મોજ મસ્તી કરે છે અને હસતાં હસતાં બન્ને થોડીવારમાં રડી પડે છે
“ સાસરું ગમે તેટલું સારુ હોઇ પણ જ્યારે ઍક છોકરીને સાસરે જવાની વાત આવે ત્યારે આંખમાં આશુ આવી જ જાય છે. આ તે કેવી વિચિત્ર લાગણી છે.. !!” દિશા
“ હા દિશુ, ઍક તરફ નવું જીવન શરુ થવાની ખુશી હોઇ છે તો બીજી તરફ પિયર છોડવાનું દુઃખ હોઇ છે અને આ દુઃખ માત્ર દીકરીને જ નહીં બધાંને હોઇ છે.
“ અરે વાત વાતમાં ક્યારે રાતનાં બે વાગી ગયા ખબર જ ન પડી. ચાલ હવે સુઈ જઇએ. કાલ સવારે વહેલું ઉઠવાનું છે. ” દિશાએ ઘડિયાળ સામે નજર કરતાં કહ્યું.
“ અરે હા સાચી વાત છે સુઈ જઇએ સમયસર. નહીં તો બધાં જતાં રહેશે અને દુલ્હન અહિયાં જ સૂતી રહી જશે. ” રાહીએ મજાક કરતાં કહયું.
***
વહેલી સવારે દિશાના મમ્મી બન્ને બહેનપણીઓને ઉઠાડવા માટે બે કપ કોફી સાથે આવ્યાં.
“ ચાલો બેટા, બન્ને જલ્દીથી ઉઠી જાઓ. દિશા-રાહી ઊઠીને જલ્દીથી ફ્રેશ થઈ જાઓ. હું કોફી લઈ આવી છું તમારા બન્ને માટે. જલ્દીથી પી ને તૈયાર થઈ જાઓ પછી આપણે નીકળવું છે. ” વર્ષાબહેન ( દિશાના મમ્મી)
“ મમ્મી થોડીવાર સુવા દે ને ખૂબ જ નીંદર આવે છે. ” દિશા નીંદરમાં જ બોલી.
“ સુવું નથી જલ્દીથી તૈયાર થઈ જા ચાલ. હમણાં જ જય તેનાં ફેમિલી સાથે આવી જશે. ત્યાં સુધીમાં તું તૈયાર રહે બેટા. ” વર્ષાબહેન
“ દિશા અને રાહી બન્ને ફ્રેશ થઈને કોફી પીતી હોઇ છે અને વર્ષાબહેન દિશાને બીજો જરુરી સામાન સાસરે સાથે લઈ જવાનો હોઇ છે તે પેક કરી દિશાની બેગમાં મુકી રહ્યાં હોઇ છે.
“ વાહ મમ્મી , આજ મારા ના કહેવા છતા તું આજ મારા માટે રૂમમાં કોફી લઇ આવી મારા માટે. આટલો બધો હેત.. !!”
“ બેટા આજ છેલ્લો દિવસ છે તારો આ ઘરમાં. પછી તો તું પારકી થઈ જઈશ. આજ મને મન મુકીને હેત કરી લેવા દે. ” કહેતાં વર્ષાબહેનની આંખમાં આંશુ આવી ગયા.
“ શું મમ્મી તું પણ રડવા લાગી? એવું થોડી હોઇ લગ્ન પછી દિકરી પારકી થઈ જાય. હું આવી જુનવાણી વાતોમાં નથી માનતી. હું આજે પણ આ પરિવારની સભ્ય છું અને કાલે પણ રહીશ જ. અને તમારે તો ખુશ થવું જોઇએ કે મારા લીધે તમને ઍક દિકરો ફ્રીમાં મળે છે. લગ્ન પછી જય પણ તો આ જ પરિવારનું સભ્ય હશે ને.. !! અને હું ક્યાં સાસરે બહુ દુર જાવ છું.. ? આ જ શહેરમાં તો છું. તો પછી આમાં દુઃખી થવાની શું વાત છે?” દિશાએ તેની મમ્મીના આંશુ લૂછતાં કહયું.
“ વાહ મારી દિકરી કેટલી સમજદાર છે. ભગવાન દરેક દિકરીને આટલી જ હિંમતવાન અને સમજદાર બનાવજો. ” વર્ષાબહેને દિશાનું કપાળ ચુંમતાં કહ્યું.
રાહી, દિશા અને તેની મમ્મી વચ્ચે થઈ રહેલો પ્રેમભર્યો સંવાદ સાંભળી સાંભળી રહી હતી. તેની આંખોમાં પણ અનાયાસે આંશુ આવી ગયા.
“ ચાલો ચાલો હવે બન્ને તૈયાર થઈ જાઓ. બાકીનું કામ તો થઈ ગયું છે બસ તમારે બન્નેને તૈયાર થવાનું જ બાકી છે. પછી નાસ્તો કરવા માટે આવી જાવ એટલે આ કામ પણ પુરુ થઈ જાય. જય અને તેનાં પરિવારનાં લોકો આવતાં જ હશે. ” વર્ષાબહેન
રાહી અને દિશા તૈયાર થઈ જાય છે. દિશા અને રાહી બન્ને આજ પંજાબી ડ્રેસમાં સજ્જ થઈ જાય છે. દિશાએ પીળા કલરનો જ્યારે રાહીએ ગુલાબી કલરનો પંજાબી ડ્રેસ અને તેનાં પર મેચિંગ ઝુમર પહેરેલા હોઇ છે. બન્ને બહેનપણીઓ જ્યારે ડાયનીંગ રૂમમાં પ્રવેશે છે ત્યારે વર્ષાબહેન બોલી ઉઠે છે,” બન્ને એક્દમ રાજકુમારીઓ લાગો છો. જન્મ ભલે બંનેનો અલગ અલગ ઘરમાં થયો હોય પણ સગી બહેનો લાગો છો તમે બન્ને. ”
થોડીવારમાં જ જય તેનાં પરિવાર સાથે દિશાનાં ઘરે આવી પહોંચે છે. દિશા બધાને પાણી આપવા જાય છે ત્યારે જય તો તેને જોતો જ રહી જાય છે. જયની બહેન જયને છેડતાં બોલે છે,” બસ ભાઈ આમ ભાભીને જોવાનું બંધ કરો. ભાભીને તમારી જ નજર લાગી જશે. ” આ સાંભળતા જ જય શરમાયને નીચે જોઇ ગયો.
બધાં દિવ જવા માટે રવાના થાય છે. જય, દિશા, રાહી અને ધ્રુવ ચારેય ઍક કારમાં જ્યારે બીજા બધાં સભ્યો બીજી અલગ અલગ કારમાં ગોઠવાય જાય છે. જયના બાકીના મિત્રો પણ દિવ જવા રવાના થઈ ગયા હોઇ છે. બાકીના બીજા સગા સંબંધીઓ લગ્નનાં બે દિવસ પહેલાં આવવાના હોઇ છે.
સાંજના 5:00 વાગ્યા સુધીમાં બધાં દિવ પહોચી ગયા હતાં. રિસોર્ટ પહેલેથી જ બુક કરી દેવામાં આવ્યું હતું. જેથી હોટલ બુકિંગની કોઈ સમસ્યા ન હતી. આખું રિસોર્ટ સુંદર રીતે સજાવવામાં આવ્યુ હતું. બધાં મહેમાનો આવતાં ફૂલોના બુકેથી બધાંનું સ્વાગત કરવામાં આવ્યુ. પછી બધાને ફ્રેશ ફ્રુટ જ્યુસ આપવામા આવ્યું. મેનેજરે બધાને પોતપોતાના રૂમ બતાવ્યા પછી બધાં રૂમમાં આરામ કરવા માટે જતાં રહ્યાં.
“ રાતે 8:00 વાગતા જ બધાને ડિનર માટે બોલાવવામાં આવ્યાં. બધાં તૈયાર થઈને ડાયનીંગ ટેબલ પર આવી ગયાં. આજનું ડિનર સ્વીમીંગ પૂલ પાસે રાખવામાં આવ્યું હતું. રોજ અલગ અલગ થીમમાં ડિનર પોઇન્ટ સેટ કરવાનો ઓર્ડર આપેલો હતો. આથી દરરોજ અલગ જ વાતાવરણ વચ્ચે ડિનરનો આનંદ મળવાનો હતો.
રાતનો સમય હતો એટલાં માટે ડ્રેસિંગ પણ બધાંએ સિમ્પલ જ કરેલું હતું. દિશાએ વ્હાઇટ ટોપ અને લાઇટ પિન્ક પઁલાઝૉ પહેરેલ હતુ જ્યારે જયે ક્રોસ મેચિંગ પિન્ક ટી-શર્ટ અને વ્હાઇટ કોટન જીન્સ પેન્ટ પહેરેલું હતું. બાકીના બધાં મેમ્બર્સ ગ્રે અને વ્હાઇટનાં મેચિંગમાં હતાં.
ડાયનીંગ ટેબલ ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવ્યું હતું. એક્દમ લાઈટ થિમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હળવું સંગીત વાગી રહ્યું હતું. આજે ડિનરમાં બધાને ગમતી કોઇપણ વાનગી ઓર્ડર કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. બધાએ પોતાના ગમતા ભોજનનો સ્વાદ માણ્યો પછી બધાં માટે વેનીલા આઈસક્રીમ આવ્યું.
જમવાનું પુરુ કરી બધાં ગાર્ડનમાં બેસવા માટે ગયાં. બધાં પોતપોતાના લગ્ન ક્યારે કેવી પરિસ્થિતિમાં કઇ રીતે થયાં અને લગ્ન અને સગાઈ વચ્ચેનો સમય કેવો પસાર થયો તેની ચર્ચા કરતાં હતાં. જય અને દિશાના પરિવારમાં તેનાં મમ્મી પપ્પા સિવાય કાકા કાકી, ફઈ ફૂવા, દિશાની મોટી બહેન અને બનેવી જેવા પણ હતાં. આથી બધાં થઈને આઠ – દશ કપલ થઈ જતાં હતાં. જય અને દિશા બધાની વચ્ચે બેઠા બેઠા પણ આંખોથી પ્રેમભરી વાતોની આપ-લે કરી રહ્યાં હતા.
થોડીવાર પછી બધાં થાક્યા હોવાથી પોતપોતાના રૂમમાં જઇને સુઈ ગયાં. જ્યારે દિશા અને જય સ્વીમીંગ પૂલ પાસે હાથમાં હાથ નાખીને બેઠા હતાં. દિશાનું માથું જયનાં ખભા પર ઢળેલૂ હતું અને તે આવનારા દિવસોની વાતો કરવામાં વ્યસ્ત હતાં.
રાહી અને ધ્રુવ બન્ને ગાર્ડનમાં જ બેઠેલા હતાં. ધ્રુવે ફેસબુકમાં રિદ્ધિ નામના એકાઉન્ટમાંથી મોકલેલી રીકવેસટમાંથી બધી સ્વીકારવામાં આવી હતી. ધ્રુવે તેમાંના બધાં સાથે જે વાતો થયેલી તે વિશે રાહીને જણાવી રહ્યો હતો. ત્યાં જ ધ્રુવનાં ફોનમાં ટેક્સ્ટ મેસેજ આવ્યો. ” શું તમે રિદ્ધિ વિશે માહીતી મેળવવા માંગો છો ? તો આ નંબર પર કાલે સવારે 10:00 વાગ્યે ફોન કરજો.
ધ્રુવ આ મેસેજ રાહીને બતાવે છે અને બન્ને થોડા આશામાં આવી જાય છે. આગળ…
કોણ હશે જેણે આ મેસેજ કરેલો હશે? શું તે રિદ્ધિને ઓળખે છે ? કે પછી રિદ્ધિની માહીતી આપવાના બહાને કોઈ એમ જ પરેશાન કરી રહ્યું છે ? જોશું આવતાં ક્રમમાં… જય શ્રી કૃષ્ણ.
***