Maa in Gujarati Short Stories by Yashvant Thakkar books and stories PDF | મા...

Featured Books
Categories
Share

મા...

મા

યશવંત ઠક્કર

કેશવનો પરિવાર ગામને પાદર એક ઝૂંપડામાં રહેતો હતો. એ ઋતુ મુજબ ધંધા કરતો. આંબા ભાડે રાખતો, કેરીઓ ઉતારીને પકવતો અને વેચતો. તરબૂચનો વાડ કરીને તરબૂચનો પાક લેતો અને તરબૂચ વેચતો. લગ્નગાળામાં શરણાઈ વગાડતો.

કેશવની પત્ની પાર્વતી જંગલમાં જઈને ઋતુ ઋતુના ફળ લાવીને વેચતી. ક્યારેક કરમદા, ક્યારેક ટીંબરાં, ક્યારેક આંબળાં તો કયારેક બોર ટોપલામાં ભરીને ગામના ચોકમાં વેચવા બેસી જતી. એને ત્રાજવાં અને કાટલાંની જરૂર નહોતી, ગડિયું અને પવાલું એના માપનાં સાધનો હતાં. એકંદરે બધું વિશ્વાસે ચાલતું. વળી, પાર્વતી અને એની દીકરી ગામના લોકોને બાવળનાં દાતણ પણ પૂરાં પડતાં. દાતણના બદલામાં રોકડા પૈસા નહોતા મળતા, થોડું થોડું અનાજ મળતું.

કેશવનો નાનો દીકરો નદીનાળાના કિનારે અને ટેકરીઓમાં ફર્યા કરતો અને પરિવારના એક ટકના ભોજન પૂરતો કરચલા અને સસલાનો શિકાર કરતો.

કેશવનો મોટો દીકરો વલ્લભ. એ ગામમાં વલભા તરીકે ઓળખાતો. એ એના મનનો રાજા હતો. એને કોઈ કામ કરવું હોય તો કરતો, નહિ તો રખડ્યા કરતો. એને થોડી માનસિક નબળાઈ હતી અને એ તોતડું બોલતો હતો. છતાંય એ વિવિધ ગીતો અને ભજનો ગાઈ શકતો. ગામલોકોને એની વાણીથી મનોરંજન મળતું.

‘એ વલભા, રામવાળાનો રાસડો થાવા દે.’ કોઈ એવી ફરમાઇશ કરતુ ત્યારે વલભો થોડી આનાકાની કરતો. ત્યાં તો કોઈ ભાવિક જન વલભાને કહેતું કે, ‘તું ન ગા તો તને તારી સાસુના સમ છે.’ વલભાનાં લગ્ન થયાં નહોતાં, સગાઈ પણ નહોતી થઈ. કદાચ, એના કલ્પનાના પ્રદેશમાં એની સાસુનું અસ્તિત્વ હશે એટલે એ ગાવાનું શરૂ કરી દેતો. ‘પહેલી તો ભાંગી પોતાની વાવડી, પછી તો ભાંગ્યાં છે ગાયકવાડી ગામ રે રામવાળાના રાજા, આવાં બહારવટાં નહોતાં ખેલવાં.’ એ ગીત વલભો પોતાની રીતે રજૂ કરતો. એ ગીત એની આગવી ચીજ જેવું ગણાતું. એ ગીત પૂરું થાય પછી કોઈ કદરદાન એને બીડી પીવડાવતો અને બીજી ફરમાઇશ કરતો.

વલભો ગાતો હોય ત્યારે લોકો એની વાહ વાહ કરીને એને પ્રોત્સાહન આપતા. શ્રોતાઓની સંખ્યા વધતી જતી અને ફરમાઇશ પણ વધતી જતી. વલભો પણ ફરમાઇશ મુજબ દુહા, ગીત, ભજનો વગેરે લલકારતો. આ રીતે ચારપાંચ ફરમાઇશ પૂરી થય પછી તો એ એવો ખીલતો કે વગર ફરમાઇશે પોતાને જેવું મનમાં આવે એવું રજૂ કર્યા કરતો.

વલભાને ખબર નહોતી કે પોતે પોતાના ભેજામાંથી ઉપજાવીને જે રજૂ કરતો હતો એને આધુનિક કાવ્યો કહેવાય. ગામલોકોને પણ એ વિષે જ્ઞાન નહોતું, નહિ તો તેઓએ ફાળો ઉઘરાવીને પણ વલભાની મૌલિક અને આધુનિક રચનાઓનો એકાદ સંગ્રહ બહાર પાડ્યો હોત.

આમ, વલભો એક બે બીડીના બદલામાં ગામલોકોને અઢળક મનોરંજન પૂરું પડતો. આ ઉપરાંત એનામાં બીજી ખાસિયત એ હતી કે એ ક્યારેક ક્યારેક એવું કંઈક કરતો કે જેની ચર્ચા ગામલોકો એકબીજાને તાળીઓ દઈને કરતા અને કહેતા કે, ‘વલભાએ તો ભારે કરી.’

આ વખતે વલભાએ મનુભાઈ શેઠની દુકાન તોડી. ગામમાં કોઈને ત્યાં સત્યનારાયણની કથા હતી. કથા પૂરી થયા પછી કેટલાક લોકો મનુભાઈ શેઠની દુકાન પાસેથી નીકળ્યા. એમાંથી નથુરામની નજર મનુભાઈની દુકાન તરફ ગઈ. એને લાગ્યું કે દુકાનમાં બેઠું બેઠું કોઈક બીડી પીએ છે.

‘કોણ છે દુકાનમાં?’ નથુરામે બૂમ પડી.

‘હું વલભો.’ જવાબ મળ્યો.

એ જ વખતે લાલજી પટેલ નીકળ્યા. એમની પાસે ફાનસ હતું. ફાનસના અજવાળે બધાએ જોયું તો વલભો ગાદીતકિયે બેઠો બેઠો સિગારેટ પીતો હતો. નથુરામે એની પૂછપરછ કરી તો માલુમ પડ્યું કે દુકાનનું તાળું વલભાએ એકલાએ જ તોડ્યું હતું અને એ પણ માત્ર સિગારેટ પીવા માટે.

માત્ર સિગારેટ પીવા માટે વલભો દુકાનનું તાળું તોડે એ વાત કોઈને માનવામાં આવી તો કોઈને ન આવી. ગમે તે બન્યું હોય, પરંતુ હવે તો મનુભાઈને જાણ કરવી જરૂરી હતી. કોઈનું ધ્યાન જ ન ગયું હોત તો જુદી વાત હતી. પેલી કહેવત છે ને કે, ‘પલાળ્યું હોય તો મુંડાવાવું પણ પડે.’

મનુભાઈ શેઠને જાણ થતાં જ એ દોડતાં દુકાને આવ્યા. દુકાનમાં રોકડ રકમ નહોતી. મનુભાઈને બીજું કાંઈ ચોરાયું હોય એવું લાગ્યું નહિ. પરંતુ દુકાનનું તાળું તૂટ્યું હતું એ હકીકત હતી. લાંબી ચર્ચાના અંતે વલભાને ગાયકવાડી બંગલામાં પૂરી દીધો અને મનુભાઈએ બીજે દિવસે સવારે તાલુકાના પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી.

ગામમાં પોલીસ આવી અને વલભાને લઈ ગઈ. કેસ ચાલ્યો અને વલભાને જેલની સજા થઈ. ગામલોકોને હસવાનું કારણ મળ્યું, પરંતુ પાર્વતી દુઃખી દુઃખી થઈ ગઈ. એની પાસે તાલુકાના મથકે જવાના પૈસા નહોતા. વલભાને જેલ થઈ છે એ સિવાયની બીજી કશી માહિતી ગામમાં પણ કોઈને મળી નહિ. પાર્વતી એ ભગવાનના ભરોસે દિવસો કાઢવા લાગી અને વલભો જેલમાંથી છૂટીને આવે એની રાહ જોવા લાગી.

એકાદ મહિના પછી વલભો છૂટ્યો અને તાલુકા મથકેથી ચાલતો ચાલતો ગામમાં આવ્યો. એને ઝૂંપડા તરફ આવતો જોઈને પાર્વતીએ દોટ મૂકી. એ વલભાને વળગીને રોઈ પડી.

વલભો ઝૂંપડે આવ્યો ત્યારે કેશવ બગડેલી શરણાઈ સમી કરતો હતો, વલભાનો નાનો ભાઈ શિકારે ગયો હતો અને બહેન બાવળિયા વેડવા ગઈ હતી. કેશવે વલભાને ફરીથી અવળા ધંધા નહિ કરવાની શિખામણ આપી.

વલભો ઝૂંપડે થોડી વાર રોકાયો અને પછી ગામના ચોકમાં પહોંચી ગયો. ગામલોકોને તો જાણે પાછું રામ રમકડું મળ્યું! કોઈએ ફરમાઇશ કરી એટલે વલભો રામ વાળાનો રાસડો ગાવા લાગ્યો.

વલભો ગામના ચોકમાં રામ વાળાનો રાસડો ગાતો હતો એ વખતે પાર્વતી એક ખાલી ટબૂડી લઈને ગામમાં નીકળી. અર્ધો શેર ગોળ અને નવટાંક ઘી ઉધાર મળે એ માટે પાર્વતી દુકાને દુકાને ફરી પણ એને કોઈ દુકાનેથી ઉધાર મળ્યું નહિ.

છેવટે એ અમારી દુકાને આવી. અમારી દુકાનનો ધંધો સાવ ઓછો થઈ ગયો હતો. ઉધારી વધી ગઈ હતી અને દુકાનમાં ચીજો ઓછી થઈ ગઈ હતી. પાર્વતી આવીને મારા પિતાજીને કરગરવા લાગી કે: ‘બાપા, અર્ધો શેર ગોળ અને નવટાંક ઘી ઉધાર મળે તો અમારે શીરો બનાવવો છે. વલભો આજે જેલમાંથી છૂટીને ઘેર આવ્યો છે તો કાંઈક તો મીઠું બનાવવાનું પડેને?’

મારા પિતાજીએ જરા પણ અચકાયા વગર એને અર્ધો શેર ગોળ તોળીને આપ્યો. ઘી તો અમે વેચતા નહોતા. પરંતુ મારા પિતાજીએ એની પણ વ્યવસ્થા કરી દીધી. દુકાનમાંથી જ અમારા ઘરમાં જવાતું હતું. એમણે ઘરમાંથી શીરો થાય એટલું ઘી લાવીને પાર્વતીને આપ્યું. પાર્વતી રાજી થતી થતી અને અમને આશીર્વાદ આપતી આપતી ગઈ.

મને મારા પિતાજીએ પાર્વતી તરફ જે દયા દાખવી એ ગમી નહિ. મેં મારા પિતાજીને કહ્યું: ‘આ તમે ખોટું કર્યું છે. આ પૈસા આવવાના નથી. તમે ઘરાકોને ખોટી ટેવ પાડો છો.’

મારા પિતાજીએ મને કહ્યું: ‘દીકરા, આ જે ઉધાર લઈ ગઈ એ બાઈ માત્ર ઘરાક નથી.’

‘તો?’ મને વાત સમજાણી નહિ.

‘એ એક મા પણ છે. ભલે દીકરો ગાંડોઘેલો હોય, પણ મા એ મા છે.’ મારા પિતાજીએ મને ઠપકો આપતા હોય એમ કહ્યું.

મને ત્યારે મારા પિતાજીની વાત પૂરી સમજાણી નહોતી. પછી મોડી મોડી સમજાણી. માણસને સમજણ આવતાં બહુ વાર લાગે છે નહિ?