Satya Asatya - 13 in Gujarati Love Stories by Kajal Oza Vaidya books and stories PDF | સત્ય અસત્ય - પ્રકરણ - 13

Featured Books
Categories
Share

સત્ય અસત્ય - પ્રકરણ - 13

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૩

સોનાલીબેન ઘરમાં દાખલ થયાં ત્યારે એમનો ચહેરો જોઈને સત્યજીતને ખ્યાલ આવી ગયો કે સોનાલીબેન રડીને આવ્યાં હતા. ઘરના નોકરે એને કહ્યું જ હતું કે એ પ્રિયંકાને ત્યાં ગયા હતા. એણે કશું જ પૂછ્‌યું નહીં. મા-દીકરો ડાઇનિંગ ટેબલ પર ચૂપચાપ જમતાં રહ્યાં. સોનાલીબેન રાહ જોતા રહ્યા કે સત્યજીત એમને કશું પૂછે, પણ સત્યજીતે ગાંઠ વાળી હતી, પ્રિયંકા વિશે કોઈ વાત નહીં કરવાની.

આખરે સોનાલીબેનથી રહેવાયું નહીં. એમણે ધીમેથી વાત ઉખેળી, ‘‘હું પ્રિયંકાને ત્યાં ગઈ હતી.’’

‘‘હં...’’ સત્યજીત નીચું જોઈને જમતો રહ્યો.

‘‘મને નથી લાગતું હવે એ લોકોને આપણી સાથે સંબધ રાખવામાં રસ હોય. સોનાલીબેનના અવાજમાં ઘવાયેલો અહમ્‌ પડઘાઈ રહ્યો, ‘‘પેલી તો અમેરિકા જઈને બેઠી છે અને આ લોકો તો કોઈ વાત સાંભળવા તૈયાર જ નથી. કોણ જાણે શું સમજે છે એમની જાતને ? પ્રિયંકા કરતા સાત વાર સારી છોકરી શોધીશ. જોતા રહી જશે.’’

‘‘મા...’’ સત્યજીતના અવાજમાંની સ્વસ્થતાથી સોનાલીબેનને નવાઈ લાગી, ‘‘આટલો બધો ગુસ્સો શેને માટે કરે છે ? દરેક માણસને પોતાની જિંદગીના નિર્ણય લેવાનો અને પોતાની જિંદગી જીવવાનો અધિકાર છે.’’

‘‘તું પણ એમની જ ભાષા બોલવા લાગ્યો છે.’’ સોનાલીબેનનો ગુસ્સો સત્યજીત ઉપર નીકળ્યો, ‘‘ડાહી ડાહી વાતો કરવાથી જિંદગી નથી જીવાતી. સમાધાન તો કરવાં જ પડે. બે વાર જૂઠું બોલ્યો એમાં કયું આકાશ તૂટી પડ્યું એમના માથે? છોકરીએ તો વાતનું વેતસર કરી નાખ્યું...’’ એમણે થાળીમાં ચમચી પછાડી, ‘‘ઠક્કરસાહેબના વાઇફ કેટલા ટાઇમથી પાછળ પડ્યા છે. પેઇન્ટિંગમાં ગ્રેજ્યુએટ છે એમની દીકરી. મુંબઈની જે.જે. સ્કૂલ ઑફ આર્ટમાંથી... સહેજેય અભિમાન નથી એ લોકોને... અત્યાર સુધીમાં પાંચ વાર પુછાવ્યું છે... તારા જેવો છોકરો મળેય ક્યાં ?’’

‘‘તું મારાં લગ્નની વાત કરે છે ?’’ સત્યજીતે એવી રીતે પૂછ્‌યું કે સોનાલીબેનની આંખો ઝીણી થઈ ગઈ.

‘‘નહીં તો કોના લગ્નની વાત કરું છું ? મારે કેટલા દીકરા છે ? મારે ઘેર માગું મોકલે તો તારા સિવાય કોના માટે મોકલે ?’’ સત્યજીતને માનો ગુસ્સો જોઈને હસવું આવી ગયું. એનાથી સોનાલીબેન વધારે ગુસ્સે થઈ ગયા, ‘‘હસ નહીં, મારે જવાબ જોઈએ છે.’’

‘‘શેનો ?’’

‘‘એ લોકોને આપણે ઘેર ક્યારે બોલાવું ?’’

‘‘શેને માટે ?’’

‘‘હું ઇચ્છું છું કે તું અમોલાને મળે.’’

‘‘હવે આ અમોલા કોણ છે ?’’

‘‘ઠક્કરસાહેબની દીકરી.’’ સોનાલીબેનનો પારો ચડતો જતો હતો.

‘‘અચ્છા ! પેલી પેઇન્ટિંગ ગ્રેજ્યુએટ...’’ સત્યજીત હજુ મજાકમાં મૂડમાં હતો.

‘‘સત્યજીત !’’ એમનો ગુસ્સો હદ ઓળંગી ગયો. એમણે અચાનક જ નિર્ણય જાહેર કરી દીધો, ‘‘હું આવતા રવિવારે એમને મળવા બોલાવું છું, ઘરમાં રહેજે.’’

‘‘આર યુ ક્રેઝી ?’’ હવે સત્યજીત વાતને મજાકમાં લઈ શકે એમ નહોતો, ‘‘મારે લગ્ન જ નથી કરવા.’’

‘‘કેમ ? એ છોકરી ભાગી ગઈ એટલે તું સાધુ થઈને જિંદગી કાઢીશ ?’’

‘‘મોમ...’’ સત્યજીતે બને એટલું વધારે વહાલથી બોલવાનો પ્રયાસ કર્યો, ‘‘સવાલ સાધુ થવાનો નથી,’’ એ ગંભીર થઈ ગયો, “પ્રિયંકા મારા મનમાંથી હજી નીકળી જ નથી.”

‘‘શાબાશ... એણે તને જિંદગીમાંથી ને મનમાંથી બધેયથી કાઢીને ફેંકી દીધો અને તું એને માટે થઈને તારી જિંદગી બરબાદ કરે છે ?’’

‘‘એવું નથી મા, પણ...’’ સોનાલીબેન રડવા માંડ્યાં, ‘‘મા તું રડ નહીં.’’ સત્યજીતથી માનાં આંસુ જોવાતાં નહીં.

‘‘રડું નહીં તો શું કરું ? તારા પપ્પા ગયા પછી તું મારી કોઈ વાત સાંભળતો નથી. ડગલે ને પગલે મને એમની ખોટ વર્તાય છે. એ હતા ત્યાં સુધી તને જરા ખોંખારીને કહી શકતા હતા. હવે તો તને મારી કિંમત જ નથી એટલે હું શું કહું ?’’ સત્યજીત સહેજ ઢીલો થઈ ગયો. એને ઢીલો થઈને જોઈને સોનાલીબેને વધારે જોરથી હુમલો કર્યો, ‘‘આપણે ક્યાં હમણા ને હમણાં લગ્ન કરવા છે. એક વાર મળી લેવામાં તારું શું જાય છે ? ઠક્કરસાહેબના કેટલા ઉપકાર છે આપણા પર. તારા પપ્પાને અહીં સુધી પહોંચાડવામાં ઠક્કરસાહેબે કેટલી મદદ કરી છે ? કહી કહીને એમની જીભ સૂકાઈ ગઈ. આપણે એની દીકરીને મળીએ પણ નહીં એવા તે કેટલા અભિમાની છીએ...’’ સોનાલીબેન રડતાં રડતાં બોલતાં રહ્યાં. પિતાના ગયા પછી બને ત્યાં સુધી માને ખુશ રાખવાનો સત્યજીતે નિર્ધાર કર્યો હતો.

સોનાલીબેનને રડતાં જોઈને એનું મન દ્રવી ગયું. એણે મનોમન કંઈક નક્કી કર્યું પછી સોનાલીબેનની સામે જોઈને ફરીથી એટલા જ શાંત અવાજે કહ્યું, ‘‘બોલાવી લે... હું ઘરે જ રહીશ.’’ સોનાલીબેને આંખો લૂછી કાઢી, ‘‘હું એને મળીશ... પણ, હા જ પાડીશ એવું વચન નથી આપતો.’’

‘‘જાણું છું. હુંય તારી મા છું. તને નહીં ગમે તો પરાણે થોડી પરણાવીશ?’’ સોનાલીબેન બોલ્યા ત્યારે જ એમને ખબર હતી કે અમોલાની સુંદરતા, એની વાક્‌ચાતુરી અને સ્ટાઇલ સત્યજીત ઉપર પોતાનો પ્રભાવ પાડ્યા વિના નહીં રહે.

આખી સાંજ પ્રિયંકા આદિત્યની સાથે જ ફરતી રહી. યુનિવર્સિટી કેમ્પસમાં... મોલ્સમાં... કૉફી શોપમાં... પુસ્તકોની દુકાનોમાં... છેક સાંજે, અંધારું થયું પછી આદિત્યએ પ્રિયંકાને ધીમેથી કહ્યું, ‘‘હવે મારે જવું જોઈએ. સારો એવો ડ્રાઇવ છે...’’

‘‘રોકાઈ જા. સવારે જજે.’’ પ્રિયંકા કોઈ ને કોઈ રીતે એકલતા ટાળવા માગતી હતી. એને પોતાને પણ એનું કારણ નહોતું સમજાતું, પણ આદિત્યની સાથે એને અજબ પ્રકારની સલામતી અને શાંતિનો અનુભવ થતો હતો.

‘‘પ્રિયંકા... હવે જવું જ પડશે. સવાર સુધીમાં તો એને છોડાવવો પડે ને ?’’

‘‘સારું.’’ પ્રિયંકાએ કહ્યું તો ખરું, પણ એનું મન અંદરથી આદિત્યને જવા દેવા તૈયાર નહોતું એ વાત એની આંખોમાં વંચાતી હતી. બીજી પંદર-વીસ મિનિટ બંને જણા આડીઅવળી વાતો કરતા રહ્યા. પછી આદિત્યએ ગાડી પ્રિયંકાના હોસ્ટેલ કેમ્પસ તરફ વાળી. એના સ્ટુડિયો અપાર્ટમેન્ટના બિલ્ડિંગ સામે એને ઉતારીને આદિત્યએ હળવેથી એનો ગાલ થપથપાવ્યો, ‘‘ટેક કૅર.’’

ગાડીમાંથી ઊતરતા પ્રિયંકાની આંખો સહેજ ભીની થઈ. પછી જાત પર કાબૂ મેળવી એ ગાડીમાંથી ઊતરી ગઈ. એ ગાડીમાંથી લગભગ બહાર નીકળી ગઈ પછી આદિત્યએ હાથ લંબાવીને એનો હાથ પકડ્યો, ‘‘પ્રિયંકા, મને પણ જવું નથી ગમતું. શરૂઆતમાં આવ્યો ત્યારે મને પણ આવું જ થતું હતું. ઘરેથી કોઈ પણ આવે કે આપણી ભાષા બોલનારું કોઈ મળે તો એને છોડવાનું મન જ ન થાય. હું જાણું છું, આ પરદેશમાં માણસ સાવ એકલો પડી જાય. જે વાતની પોતાને ઘેર જરાય કિંમત ન હોય એવી નાની નાની ક્ષણો અને બાબતો અચાનક ખૂબ કીમતી બની જાય.’’ પ્રિયંકાનો ડૂમો છૂટી ગયો. એણે રડવા માંડ્યું, ‘‘એક વાત સમજી લે. તારે બે વર્ષ અહીંયા રહેવાનું છે અને ભણવાનું છે એ નક્કી છે તો પછી આનંદથી રહે. ઘરને યાદ કરીને, રોજ રોજ દુઃખી થઈને અહીં રહીશ તો અહીંથી કશું પામી નહીં શકે. આ દેશ એ જ લોકોને કંઈ આપે છે, જે અહીંની માટી સાથે, અહીંના હવાપાણી સાથે, અહીંના વાતાવરણ સાથે અને અહીંની ખેલદિલી સાથે જીવતા શીખી જાય છે.’’

‘‘સમજું છું,’’ પ્રિયંકો આંસુ લૂછ્‌યાં, ‘‘હું પ્રયત્ન પણ કરું છું. ઘર યાદ આવે ત્યારે આવું થઈ જાય છે.’’

‘‘હું પાછો આવીશ. જલદી ! ત્યાં સુધી હસતી રહેજે, મારા માટે ! તારી આંખોમાં આંસુ સારા નથી લાગતા.’’ એણે ગાડીનો દરવાજો બંધ કરીને ગાડી વાળી, પછી સાઈડના રિઅરવ્યૂમાં દેખાતી એની આંખોમાં છલકાયેલા પાણી પ્રિયંકા પણ જોઈ શકી.

ડ્રાઇવ કરીને પાછો જતો આદિત્ય અને સ્ટુડિયો અપાર્ટમેન્ટના પલંગ પર પડીને છતને તાકતી પ્રિયંકા, બંને એક જ વાત વિચારી રહ્યા હતા, આ શું થઈ રહ્યું હતું ? આજ પહેલાં આવી રીતે કોઈનાથી છૂટા પડતા આટલી તકલીફ નહોતી થઈ, બંનેને. આદિત્યએ કહ્યું કે આ દોસ્તી હતી. પ્રિયંકાએ પણ એ જ શબ્દને સ્વીકારી લીધો, પરંતુ ખરેખર આ દોસ્તી જ હતી કે બીજું કંઈ ?

વારે વારે બંધ આંખો સામે દેખાતો આદિત્યનો ચહેરો પ્રિયંકાને કહી રહ્યો હતો, ‘‘હું તને યાદ કરું છું.’’

ગાડી ચલાવતા સતત યાદ આવતી પ્રિયંકાની બે આંખો આદિત્યને વારંવાર પૂછી રહી હતી, ‘‘તું મારા પ્રેમમાં પડી ગયો છે ?’’

મહાદેવભાઈએ બધું જ કહ્યું હતું એટલે આદિત્ય જાણતો હતો કે પ્રિયંકાની જિંદગીમાં હજી હમણાં જ પૂરા થયેલા એક પ્રકરણ પછી તરત જ કશું નવું બનવાની કોઈ સંભાવના નહોતી. એણે મનને પ્રિયંકાના વિચારોમાંથી પાછું વાળ્યું અને નક્કી કર્યું, ‘‘મારી જવાબદારી પ્રિયંકાનું ધ્યાન રાખવાની, એને સાચવવાની છે. આ સંબંધ ક્યાંય પહોંચવાનો હશે તો એની મેળે પહોંચી જશે.

હું આ સંબંધને ધક્કા મારીને ક્યાંય પહોંચાડવાનો પ્રયત્ન કરીને અમારી દોસ્તીને નુકસાન થાય એવું વર્તન ક્યારેય નહીં કરું.’’

‘‘આદિત્ય ખૂબ સારો છે.’’ પ્રિયંકા વિચારી રહી હતી, ‘‘હું આદિત્યની નજીક જઈને, લાગણીની એક નવી ગૂંચવણ ઊભી કરીને એક સારો મિત્ર નહીં જ ગુમાવું. મારી જિંદગીમાં હવે પ્રેમ માટે જગ્યા નથી... હું ક્યારેય પ્રેમમાં નહીં પડું.’’

(ક્રમશઃ)