Mara yogasanna prayogasan in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | મારા યોગાસનના પ્રયોગાસન

Featured Books
Categories
Share

મારા યોગાસનના પ્રયોગાસન

તંદુરસ્તીકી રક્ષા કરતા હૈ યોગાસન...!

સિંહાસનની બત્રીસ પુતળીની વાર્તા યાદ આવે છે..? શ્રેષ્ઠમા શ્રેષ્ઠ આસન એટલે સિંહાસન. બાકીની બધી ખુરસી..! કાળક્રમે ડોહાઓ ગયાં, એમ, સિંહાસન ગયું, ને ખુરશી આવી. પછી એની આડમાં યોગાસન આવ્યું. ખુરશીઓ સાચવવામાં પરસેવો એવો વળ્યો કે, શરીરને મજબુત કરવા યોગાસન પણ લાવ્યા. રાજા વિક્રમાદિત્ય જેવાં લખ્ખણોનો છાંટો તો હોય નહિ, એટલે ખુરશી તો ખુરશી એમાં પણ ભીડ થવા માંડી. સિંહાસન હોય કે યોગાસન, આસન ઝમાવવું, આસન સાચવવું, ને આસન કરવું, એ શાસન સાચવવા જેટલું સહેલું નથી. શાસનમાં તો સમાધાનનો પણ વિકલ્પ હોય, યોગાસનમાં કોઈ વિકલ્પ નહિ. જેમ કહે તેમ આડા-ઉબડા પડવાનું એટલે પડવાનું. ખૂણે ખૂણેથી શરીર બેવડ વાળીએ, તો માંડ બે-ચાર બોલચાકી ઢીલ્લી થાય...! યોગાસન એટલે શરીરની મસ્તીને ઠેકાણે પાડવાની. ઘરજમાઈ બનીને અક્કડ બની ગયેલાં ઘૂંટણીયાને રૂબેલાની રસી મુકાવો કે, પામેલાની, એ ધોઈને પીઈ જ જાય. એની શાન ઠેકાણે લાવવા માટે, યોગાસન જ એનો અકસીર ઈલાજ....! હોલીડે કરવા માટે લોકો દેશદેશાવર ફરે, પણ પોતાના પેટ પ્રદેશ ઉપર હરામ બરાબર જો કોઈ ડોકિયું પણ કરે તો....! માંડ એકાદ દિવસ રજા જ મળવી જોઈએ, એટલે કોથળો ભરતો હોય એમ, હોજરો ભરવાનું ચાલુ. બીજે દિવસે ઉંધા સાતડા જેવું પેટ લેન્ડમાર્ક બની જાય...!

જરૂરી છે, બીજાં ભૌગલીક પ્રદેશ પણ નિહાળવા જરૂરી છે. પણ આપણો પેટપ્રદેશ પણ અગત્યનો છે દાદુ...! એકાદ સેલ્ફી માત્ર પેટ સાથે લઈએ તો જ ખ્યાલ આવે કે, પેટનું બિનઅધિકૃત કેટલું બાંધકામ થઈ રહ્યું છે..! પણ એના કપાળમાં કાંદા ફોડું, આજે સમજે છે કોણ..? યોગાસનના ચાબખાં પડે તો, અંગ-ઉપાંગોને ખબર પડે કે, સાલા આપણે તો હદનિશાનની બહાર ચાલ્યાં..! ભારતના કાશ્મીર જેટલો જ પેટનો મલક પણ અગત્યનો છે. પેટપ્રદેશનો કબજો જો, એકવાર યોગાસનના હવાલે આવી જાય, તો જ બુધ્ધિના ઉઘાડ થાય કે, પેટ જ આપણું સિંહાસન છે. ને આપણે જ એના વિક્રમાદિત્ય...! ધેટ્સ ઓલ....!

માણસને ગમે તેમ કરીને વાંકો વાળવો, ને ગમે ત્યાંથી વાંકો વાળવો, એ યોગાસન નો મૂળ કુળધર્મ છે. યોગાસનનો એક જ મુદ્રાલેખ, માણસ હરામ હાડકાનો રહેવો જોઈએ નહિ., હાડકાને મરોડદાર બનાવવા એ યોગાસનનું પ્રયોગાસન..! આજની ‘ હેલ્લો-હાય ‘ પેઢી તો હવે પગે લાગવાનું પણ ભૂલવા માંડી. વડીલોને પગે લાગો ‘ વાળી વાત, વિક્રમાદિત્યના સિંહાસનની માફક જૂની થઈ ગઈ. ને વડીલોને પગે લાગવાની વાત, ગુજરાતી નીશાળના પાટિયે જ લટકીને રહી ગઈ. એટલે ઘરમાં કોઈને નમસ્કાર કરવાની વાત તો રહી નહિ. ત્યારે યોગાસનનો પહેલો પાઠ એટલે સૂર્ય નમસ્કાર.રોજ સૂર્યનમસ્કાર કરવાના. તે પણ ચૂંટણી ટાણે નેતા કરે તેવાં નહિ. આડા ઉબડા પડીને કરવાના..! આટલું કરે એટલે આખી બોડી સર્વિસ થઈ જાય. બીજી કોઈ ચેતના આવે કે નહિ આવે, પણ મગજ ઉર્જાન્વિત અને તારોતાજા કરી આપે.

કહેવાય છે કે, સૂર્ય નમસ્કાર એ ઋષિમુનીઓ દ્વારા નિશ્ચિત કરાયેલા ૧૨ આસનોનો સમૂહ છે. પણ કાળક્રમે એમાં પણ ફેરફાર આવ્યાં. આસન વિસરાતા ગયાં, ને માણસ ફેશન અને વ્યસનના રવાડે ચઢ્યો. વાઈફ સામે ઉભાં રહીને સૂર્ય નમસ્કાર કરો કે, સૂરજ સામે, પણ પુણ્ય તો સૂરજ જેટલું જ મળવાનું દાદુ...! એક જ વાત બહુ અઘરી, કે પેટમાં કંઈ પહોંચે, તે પહેલાં સૂર્ય નમસ્કાર સુધી પહોંચી જવું પડે, ઉગતા સુરજની સાક્ષીમા આ ક્રિયાકર્મ થાય એ વધારે અસરકારક છે, એવું કહેવાય....! અગત્યનું. માનવું હોય તો જ માનવાનું આપણી જબરદસ્તી નથી મામૂ...!

બાકી શું આપણું શરીર છે ? આડા-ઉભાં ફાટ-ફાટ થતાં શરીર ઊપર નજર કરીએ તો જ ખબર પડે કે, શરીરના વિકાસ માટે આપણે કોઈ કમી છોડી નથી. જીવનમાં એક જ મુદ્દાનો કાર્યક્રમ રાખેલો, ખાઓ, પીઓ ને જલશા કરો ઝીણાભાઈ...! હું ખોટું કહેતો હોય તો કાઢો તમારાં લગન વખતનું ફોટાનું આલ્બમ...! તમારું પ્રગતિ પત્રક ચપટીમાં હાથમાં આવી જશે. અત્યારની સેલ્ફી લઈને ચેક કરી જોજો, તો ખબર પડે કે શરીરનો એકપણ ખૂણો અનડેવલપ રાખ્યો હોય તો ? લગન પહેલાં તો રાજેન્દ્રકુમાર જેવાં હતાં. ને હવે સાવ રામલાલ થઈ ગયાં, ખાધને કારણે..! દેખાવ ઉપર મોહિત થયેલી વાઇફો બિચારી કરી પણ શું શકે..? ઘરખમ ફેરફાર પછી પણ ટકી રહી, એ જ નશીબ..! જો કે, આ બાબતમાં ઉલટું પણ વિચારી શકાય. કદાચ વાઈફના મામલામાં પણ એવું બન્યું હોય મામૂ..! પણ માંડ મળી હોય ત્યાં બીજું વિચારાય પણ નહિ ને...? સહનશીલતા કેળવી લેવાની બીજું શું...?

બોસ..! સર સલામત જોઈએ, પાઘડીનું તો થઈ રહે. એમ શરીર કસાયેલું હોય તો, મન વચન ને કર્મનું પેકેજ તો આપોઆપ તંદુરસ્તીવાળું આવે યોગાસનથી મન તંદુરસ્ત બને એટલે બધું જ અલમસ્ત. આત્મા ગમે એટલા ઊંચા કેરેટવાળો હોય, ને હ્રદય પણ મજબુત સિમેન્ટ જેવું ભલે હોય,પણ ખાધનો વરસાદ જો ધોધમાર રહેતો હોય તો, શરીર ફૂલીને ફાળકો જ થાય. ને પેટ એની આગેવાની લઈને આગળ વધતાં ગાવા માંડે, ‘ જાણું કહાં બતાયે દિલ..! મગજને કીક લાગવાને બદલે શરીરને જ કીક વધારે લાગે. એમાં મગજ તો ફાટે, સાથે શરીર પણ ફાટ ફાટ થવા માંડે...!

ચોખવટ એટલી જકરવાની કે, ચારેય બાજુથી ફૂલેલા શરીરવાળાને મેલી નજર લગાવવાનો આપણો કોઈ આશય નથી. ભેંસના શીંગડા ભેંસને ભારી...! એમાં બીજાં કોઈ બળદિયાએ શું કામ ચિંતા કરવી જોઈએ..? એના શરીરને એ જ ઉંચકે છે ને..? ઊંચકવા માટે ક્યાં આપણને આજીજી કરે છે..? છતાં પરદુઃખભંજનની ભાવના રહેલી, એટલે કહેવાય જાય સાલું...!

બાકી અમુકના મહાકાય શરીર જોઈએ તો એમ જ લાગે કે, એમના ખોરાક માટે તપેલીને બદલે, તપેલાઓ જ ચઢાવવા પડતાં હશે...? ગજાનંદબાપાની માફક ઓળખકાર્ડ કે આધારકાર્ડ વગર ઓળખાય જાય એવાં..! એ શ્વાસ લે ત્યારે આપણે નકકી નહિ કરી શકીએ કે, જે હલે છે, તે એના ફેફસાં છે કે, ધમણ..? રસ્તા ઉપર નીકળ્યો હોય તો, ચાર રસ્તાનો પોલીસ તો એના શ્વાસોચ્છવાસમા જ ઘૂમરી ખાતો થઈ જાય. આપણું શરીર તો એની સામે સાવ ખેંખડી લાગે મામૂ..! કોઈ ઉછીનો શ્વાસ આપે તો જ શ્વાસ લેવાય એવું તકલાદી. આપણું શરીર જોઈને કોઈપણ ખખડાવી જાય, ત્યારે મજબુત બાંધા વાળાને આવું જોખમ સામેવાળાઓ સમઝી જાય, મહાકાય સાથે બબાલ કરવામાં નાહકનું એકાદ અંગ ફેકચર કરી આપશે..! શરીર વૃદ્ધિના ફાયદા પણ ખરા મામૂ..!

કોઇના પણ સમારંભમાં જાય, એટલે એની એન્ટ્રી, ભવ્ય લાગવા માંડે. જોતાવેંત જ અનુમાન બંધાય જાય કે, નકકી આ જ મહાકાય સમારંભના પ્રમુખ હશે. કપડાનો નિખાર પણ એવો કે, શ્વાસ લેતી વખતે શર્ટના બે-ત્રણ બટનો જાણે ફાંસો ખાતાં ખાતાં બરાડા પાડતાં હોય કે, કોઈ તો મને બચાવો યાર...? પેટ ‘ એસ્કેલેટર’ ની જેમ અપ-ડાઉન કરતુ હોય...! આપણે તો દૂરથી જ અભિવાદન કરવાનું. એની અડફટે તો અવાય નહિ. આવવા ગયાં તો કચુંબર તો ઠીક, ચટણીના દેખાવમા પણ નહિ રહીએ....! છુંદો કરી નાંખે દાદુ..!

આવાં વિશાલ ફલકના માનવીને, તાણી બાંધીને જીમમા લઇ જઈએ તો શું વલે થાય...? શ્વાસ લેવા જાય તો, ઉચ્છવાસ કાઢવાનું ભૂલી જાય. ને ઉચ્છવાસ કાઢવા જાય તો શ્વાસ લેવાનું ચૂકી જાય. યોગાસન કરવામાં શરીર વાળે ત્યારે, આજુબાજુ ‘ રેસ્ક્યુ ‘ વાળાને પણ ઉભાં રાખવા પડે. કયું અંગ ક્યાં અને ક્યારે પકડાય જાય એનો ભરોસો શું...? વાંકો વળે તો એમ લાગે કે, જાણે વડનું ઝાડ વાંકુ વળીને અંગુઠા પકડે છે. પરસેવો તો ફુવારાની જેમ છોડે. એની બાજુમાં બેસીને યોગાસન કરનારો શરમાઈ જાય કે, મારી બેસવાની જગ્યા પણ કોઈ બેહુદા કારણ વગર ભીની થઈ ગઈ..!

છતાં અસંતોષ એ વાતનો છે કે, મોટા મનના માનવી ‘ ની જેટલી ઈજ્જત સમાજમાં થાય છે, એટલી મહાકાય માનવીની થતી નથી. ઉદાર બનીને આવાં મહાકાય માનવીને તો ‘ શરીર રત્ન ‘ નો એવોર્ડ આપવો જોઈએ. તેના બદલે શરીર કેમ ઉતારવું જોઈએ, તમારે કયા આસનો કરવા જોઈએ, ખોરાકમાં કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ, સવાર સાંજ તમારે કઈ કઈ ફાકીઓ મારવી જોઈએ...? એની સલાહ જ અપાય બોસ...! એને ક્યાં ખબર છે કે, આવી સમૃદ્ધિ મેળવવા માટે રસોડા સાથે એણે રોજની કેટકેટલી બાંયો ચઢાવવી પડતી હશે...!

માની લઈએ કે, યોગાસન અત્યંત જરૂરી છે. ને આવાં મહાકાય જ પાછાં જીમમાં જઈને ગીર્દી પણ વધારે. ચાર તાકા ફાડીએ ત્યારે માંડ ચમનિયાના એક જોડી કપડાં બંને, એવું એનું શરીર. જીમમાં પહેલાં જ દિવસે એને શીર્ષાસન કરાવ્યું. કર્યું તો ખરું, પણ એવો દેખાય કે, જાણે વલસાડના જ્યોતિ મિનારને ઊંધો નહિ પાડ્યો હોય...? જયારે ઘરે જઈને લુંગીમાં શીર્ષાસન કરવા બેઠો ત્યારે તો એણે તમામ મર્યાદાઓની ઘોર ખોદી નાંખી. પાછો કહે ‘ રમેશિયા...! શીર્ષાસન કરવામાં મને એક ફાયદો થયો. અમારો રેશનકાર્ડ મળતો નહિ હતો, એ કબાટ નીચેથી મળી ગયો.....! એના કપાળમાં કાંદા ફોડું...!

***