Badata baporno vahevaar in Gujarati Classic Stories by S. V. Navya books and stories PDF | બળતા બપોરનો વહેવાર

Featured Books
Categories
Share

બળતા બપોરનો વહેવાર

"બળતા બપોરનો વહેવાર"

      કચ્છની સફેદ ધરતીને લાલ કરવા  રવિ કાળઝાળ તડકો વરસાવી મથતો હોય, નેહડાની સ્ત્રીઓ પાણી માટે પાંચ-પાંચ ગાઉ હાલીને જતી હોય, જન્મભૂમિથી ટેવાયેલા છોરુઓ ખરા બપોરેય ઉઘાડા પગે નવનાગરોની રમત માંડતા હોય, ને દૂર દૂર સુધી મનેખ કે જનાવર નજરેય ન ચઢતું હોય, એવાં ખરા તડકાનું એક કૃશકાય માનવ શરીર હાલ્યું આવે છે, નેહડાની નજીક આવતા સુધીમાં તો તેને ફેર ચઢીને જીવ જવું જવું થઈ રહે છે, માંડ તે પોતાના આખરી પડાવ એવા દીકરીની ઝાંપલીયે પોહચે છે, ઝાંપલી ખોલતા ખોલતા તો એ અધમુઓ થઈ રહે છે.
           છોરુને ડારો દેતી ને ઢોર-ઢાંખર ને નીર દેતી જવલી ની નજર એ મનેખ પર પડે છે, ઘડીક તો ઓળખાણ ની ભાળ મેળવવા એ નીરખી રયે છે,.. અચાનક મન માં ઝબકારો થતા મો માંથી એક આશ્ચર્ય, ખુશી, ને થોડી વેદના મિશ્રિત ચીખ નીકળે છે,.. "અરે!બાપુ તમે!!??!!" 
        જવલી દોડીને પોતાના બાપુને સહારો આપી ફળીયા સુધી લાવે છે. ઢોલિયો પાથરી બાપુને બેસાડી , ઓટલે મુકેલી માટીની નાન માંથી કળશયો ભરી બાપુને ધરે છે. અજમલ એકી શ્વાસે આખો કળશયો સુકાયેલા ગળાને આરપાર ઉતારી દે છે. જવલી તો આઘાત ની નજરે પોતાના બાપ ને જોઇજ રહી છે, તેને હજી વિશ્વાસ નથી બેસતો કે બાર હાંતી નો હાંમભેલખા , ને દસ પહેલવાન જેવા નેય ઉભા ઉભા પછાડનાર, ખમતીધર બાપ ની આવી દશા???
   આંખમાં આવેલા ખારા પાણીને પોતાના પાલવે સંતાડતી જવલી પૂછે છે "બાપુ કેમ છો?", આમ અચાનક??, ને આ તે શુ હાલ કર્યા છે?"
     "કાઈ નઈ દીકરા, આતો કાળા કાળનાં ઉઝરડા છે"
  વધુ કઈ વાત થાય તે પેહલાતો જવલીના સાસુ ને સસરા ઘરમાંથી નીકળે છે, વેવાઈને જોઈ જરાક મલકાઈને આવકારો આપે છે. જવલીને આંખના ઈશારે ઘરમાં મોકલી તેની સાસુ વેવાઈ સામે મીઠાશના પોટલાં ખોલતા બોલે છે. "પધારો , તમે તો સાવ દેખાતાજ નથીને, દીકરી નથી સાંભરતી કે??"
  "સાંભળેને બેનબા પણ હવે શરીર સાથ નથી દેતું ને દીકરીના ઘરનું ધાન થોડું ખપે?" અજમલ એ લાચારી ભર્યો જવાબ આપ્યો.
    જવલીના સસરાએ મીઠી મારતા કહ્યું, "અરે હોતું હશે કાઈ, હવે આવ્યાજ છો તો તમારોય રોટલો ઘડાઈ જશે, પણ... આમ અચાનક!? બધું સારેવાને તો છે ને?"
        અજમલે પછેડી ખોલી ને તેમાં સચવાયેલી કંકોત્રી આપતા કહ્યું "એકના એક દીકરાના લગ્ન લીધા છે, મારી દીકરીએ ઘણા વર્ષોથી પિયર નથી ભાળ્યું, આ પ્રસંગે પેટના જણ્યા છોરુઓ બે ઘડી ભેગા થાય ને ઘરમાં આનંદ કિલ્લોલ થઈ રહે એ માટે દીકરીનું તેડું કરવા આવ્યો છું બાપ" થોડા ગરીબડા ને ધ્રુજતા અવાજે અજમલે હાથ જોડી જાણે આજીજી જ કરી.
   "વાહ, તમારે પણ હવે સુખના દા'ડા આવીજ ગયા, સરસ લ્યો દીકરો થાળે પડી જશે" કંકોત્રી હાથ માં લેતા જવલીના સસરાએ કહ્યું.
    ઘરના રસોડે ચૂલા પર ચા મુક્તી જવલી આ સંવાદ સાંભળી રહી હતી, તે મનો મન હરખાઈ ઉઠી કે આટલા વરસે પોતાના પિયરનું મુખ ભાળશે. "શુ લઈ જઉં??, મારી પેલી લાલ સાડી તો હું ચોક્કસ લઇ જઈશ, મારા કરિયાવરમાં માં એ જાતેજ ભરેલી ને, ને પેલી પીળી સાડી જે મને પેહલા આણે બાપુએ લાઇ આપેલી એ પણ, પણ ફુલેકામાં શુ પેહરીશ??, અરે! ઓલી રાણી ગુલાબી સાડી છે ને, હજીતો બે વરસ પહેલાજ તો માં એ સંપેતરા માં મોકલેલી જરી ગોટા વાળી, ભાઈ માટે રક્ષાબન્ધને મોકલવા જે જભ્ભાનું કાપડ લઇ મેં ભરત કામ કરેલું એ પણ લેતી જઈશ,.."
   આવુતો કેટકેટલું જવલીએ ચા ના ઉકાળે વિચારી લીધું.
       ચા લઇ ચમકીલી આંખો સાથે તે ફળિયામાં આવી, ત્યાં જવલીની સાસુ બોલી , "હા ભઈલા, વાત તો તમારી ખરા સોના જેવી છે, ઘરના પ્રસંગે દીકરીઓ મોજ ન કરે તો ક્યારે કરે?, ને દીકરીનું તેડું તો મરણ પથારીએય નિભાવવુ જ રહ્યું, પણ ભઈલા.... વાત એમ છે કે.. તમારા દીકરા ને અમારા દે'ર ની દીકરી નો પ્રસંગ હારે હારે જ છે, હવે નણંદના પ્રસંગમાં ભાભી ન હોય તો કેમ હાલે?, એટલે જવલ વહુ તો નઇ આવી શકે પણ તમારા વેવાઈ કે જમાઈ કોક આવી જાશે"
        એકજ ઘડીમાં પોતાના બધાજ વિચારો ને હરખ પર ગરમ ગરમ ચા હાંસી ઉડાવતી ને ફરી વળી હોય તેમ જવલી નો જીવ દાજી ગયો.
            અજમલ પણ શું કહે?,..  દીકરીના સાસરિયા સામે તે કેમ બોલાય? મુસાફરીનો થાક જે દીકરીને જોતા ઓસરાઈ ગયો હતો એ ફરી બમણા વેગે ચહેરા પર ધસી આવ્યો, માંડ ડૂસકું રોકતા તે બોલ્યો.
"જેમ ઠીક સમજો બેનબા, આતો દીકરીના તેડાનો વહેવાર હતો તે બળતા બપોરેય નિભાવી જાણ્યો, બાકી જેમ તમને ઠીક લાગે એમ હવે રજા આપો" હાથ જોડી ઉભા થવા જતા અજમલ બોલ્યો.
  "અરે એમ કાંઈ હોતું હશે?!?" અજમલ નો હાથ પકડી ફરી બેસાડતા જવલીના સસરા એ કીધું. "હવે આવ્યાજ છો તો રાત રોકાઈ ને જ જાજો, આ સૂરજ માથે આવ્યો"
  "ના રે બાપુ ના, દીકરીના ઘરનું ધાન ન ખપે બાપ, તમે કહ્યું ને આવી ગયું હવે રજા આપો" અજમલે ઢોલિયા માંથી ઉભા થતા કીધું.
    "ઠીક ત્યારે, લગન પછી વરઘોડિયાને રોટલો ખાવા મોકલજો" જવલીની સાસુએ આગ્રહ કરતા કહ્યું. પછી જવલી ને સાદ કરતા બોલ્યા. "જવલ વહુ આ તમારા બાપુ જાય સે જરા મળી લ્યો."
 જવલી હારેલા પગલે બહાર આવી , બાપુ ના આશીર્વાદ લેતા બોલી "ભાઈ ને માં ને મારી યાદી આપજો, ને બાપુ આમ હેરાન થવાની ક્યાં જરૂર હતી? સાંપેતરું મોકલી દીધું હોત તોય..."
      અજમલે વાત કાપતા કહ્યું "ના રે દીકરા આતો વહેવાર છે. સાસરવાસી દીકરીને તેડા કરવાનો, એતો બળતા બપોરેય નિભાવોજ રહ્યો, બસ તને ખુશ જોઈ આ કાળજામાં ટાઢક થઈ, તારું ઘર સાચવજે" માથે હાથ મૂકી અજમલ તરતજ પૂંઠે ફરી હાલતો થયો... રખે ને ક્યાંક દીકરી તેની આંખનું આંસુ જોઈ જય તો!?
    અહીં જવલી પણ દોડી ને રસોડામાં જઈ મુંગુ ડૂસકું ભરી રહી... રખે ને ક્યાંક તેના બાપુને સંભળાઈ જાય તો!?........

"બાપ ઓસવાય દીકરીને ડૂસકે, દીકરી ઓસવાય બાપની લાજે,

"નવ્યા" કહે "નવલા નજરાણા" થકી, હૈયું ચિરાય આ વિચાર ને કાજે."

"હોય દિવાળી, હોળી,વિરપસલી, કે હોય પ્રસંગનો તહેવાર,
મરણપથારીએ ય સાચવવો રહ્યો, આ પીટયો, "બળતા બપોર નો વહેવાર"."

       -વાઘેલા શિલ્પા"નવ્યા"