પ્રકરણ-૨૮
દિવાનસિંહની ગુફામાં પ્રવેશ
(ખજાનો શોધવા માટે બખ્તાવર નામનો માણસ પણ પાછળ પડ્યો છે. આ તરફ જોરાવરસિંહની હવેલીએ ઈશાન, રતનસિંહ વગેરેનો સામનો પિશાચો સાથે થાય છે. તેઓ હેમખેમ બચી જાય છે અને દિવાનસિંહની હવેલીએ જવા નીકળે છે. હવે આગળ...)
જીપ દિવાનસિંહની હવેલીના ગેટ પાસે આવીને ઊભી રહી. બહાર નીકળ્યા બાદ રતનસિંહ, રિયા, ઈશાન વગેરે હવેલીને તાકી રહ્યા. આજે ‘આર યા તો પાર’ની લડાઈનો દિવસ હતો. જીવનમાં અસત્ય અને બુરાઈને સત્ય અને અચ્છાઈ સામે હારવું જ પડે છે - આ વિધાન અનાદિકાળથી પ્રચલિત છે. પરંતુ આજે મુકાબલો શેતાન સામે હતો. સામાન્ય માણસનું તેની સામે લડવું લગભગ અશક્યને બરાબર હતું. તેમ છતાંય આજે અંતિમ લડાઈ લડીને નિર્ણય લાવવાનો દિવસ હતો.
બધાનું ધ્યાન હવે આસપાસ ગયું. લગભગ પાંચેક જેટલી સ્કોર્પિયો કારનો કાફલો ત્યાં પાર્ક કરેલો હતો. હવેલીનો ભવ્ય ગેટ પણ આશ્ચર્યજનક રીતે ખૂલ્લો હતો. આ બધી વસ્તુની અવગણના કરીને બધા હવેલીના પ્રાંગણમાં પ્રવેશ્યા. એ ગોઝારી રાતની ઘટના ફરી રિયાના માનસપટ પર છવાઈ ગઈ અને ભયનું મોજું ફરી તેના મનને ડગમગાવી ગયું. તેણે રતનસિંહનો હાથ પકડી લીધો.
“હું તારી સાથે જ છું, ડરીશ નહિ. આ તારો ભાઈ તને ઊની આંચ પણ નહિ આવવા દે.” રતનસિંહે રિયાના માથા પર હાથ ફેરવતાં કહ્યું.
રિયાએ એક નારાજગીભરી નજર વનરાજ તરફ ફેંકી. ન જાણે કેમ તે હવે રિયાથી દૂર થવા લાગ્યો હતો. જીવનના આ મુશ્કેલ પડાવમાં તેને સૌથી વધુ જરૂર જે માણસની હતી, તે જ હવે વગર કોઈ કારણે અંતર બનાવવા લાગ્યો હતો.
હવેલીનો દરવાજો પણ ખૂલ્લો હતો. બધા અંદર દાખલ થયા. એ જ વખતે કોઈનો એકદમ ઘાટીલો અવાજ બધાના કાને પડ્યો.
“હવેલીનો ખૂણે-ખૂણો ફેંદી મારો. આજ સાંજ પહેલાં મને એ ગુફાનો માર્ગ જોઈએ.” એ બખ્તાવર હતો.
સુરેશભાઈ અને રિયા સહેજ ડરી ગયાં. આ પહેલાં આટલો ભયાનક આદમી તેમણે જોયો ન હતો. સાત ફૂટની કદાવર કાયાનો તે માલિક હતો. તેના વાળ અડધા કાળા અને અડધા ધોળા હતા. તેણે તેના લાંબા વાળ ઊભા, ચપોચપ ઓળીને પાછળથી ચોટલી બાંધી હતી. લાંબી વધેલી દાઢી અને તલવારકટ મૂછ હતી. તેની ભયાનક આંખોમાં સુરમો લગાવેલો હતો જે તેની આંખોને વધારે ભયાનક બનાવતો હતો. તે બધાને જોઈને જોર જોરથી હસવા લાગ્યો. તેના દાંત સતત તમાકુ ખાવાને લીધે લાલ થઈ ગયા હતા. તેમાં વચલા બે દાંત પર ચાંદીનો વરખ ચડાવેલો હતો. તેનું હાસ્ય રાક્ષસી હતું. તે હસતો ત્યારે તેના ગાલે ખંજન પડતાં અને જ્યાં ખંજન પડતાં ત્યાં એક મોટો જૂનો ઘાવ હતો જે કાળો પડી ગયો હતો. તેના ગોરા મોં પર એ ઘાવ એક અલગ ચીલો ચાતરતો હતો.
બખ્તાવર તેના ખાસ માણસ ડેનીને સંબોધીને બોલ્યો:
“આ બે છોકરીઓને તો તું ઓળખાતો જ હોઈશ. આ જે ડાબી બાજુ ઊભી છે તે રિયા અને બધાની પાછળની બાજુએ જે ઊભી છે તે કવિતા છે. માથે રાજસ્થાની પાઘડી બાંધેલી છે તે રતનસિંહ છે અને તેની જોડે જે યુવાન છે તે વનરાજ છે. આ પૌઢ વ્યક્તિ સુરેશભાઈ છે અને તેની જોડે જે નાનકડો છોકરડા જેવો યુવાન છે તે ઈશાન છે.”
અચાનક રતનસિંહ બોલ્યો, “મને પહેલાં એ જણાવો કે તમે લોકો કોણ છો. પહેલાં ક્યારેય તમને જોયા નથી. તમે અમને બધાને કઈ રીતે ઓળખો છો ?”
“આ રાક્ષસને લોકો ‘બખ્તાવર’ના નામે ઓળખે છે. અને આ ઠીંગણો મારો ડાબો હાથ જેનું નામ ડેની છે. આજે જે પણ મારા અને ખજાનાની વચ્ચે આવશે તેનું માંસ હું રાતે ગરમ કરીને મીઠા સાથે ખાઈશ. આમ પણ મને માનવમાંસ બહુ ભાવે છે.”
“પણ તમને લોકોને અહીં ખજાનો છે તેવી માહિતી કોણે આપી ?” સુરેશભાઈએ પ્રશ્ન કર્યો.
“મારા જાસૂસોની બધે જ નજર હોય છે. ચારેક મહિના પહેલાં અહીં ડેનીએ ખજાનો શોધવા માટે ચાર માણસો મોકલ્યા હતા, પણ તેઓ ખૂબ જ ભયંકર મોતને ભેટ્યા હતા.” બખ્તાવરે ખંધાઈથી જવાબ આપ્યો.
“ઓહ, તો આ બધી આફત તારા લીધે જ આવી છે. તને ખબર છે તે આ શું કર્યું છે ? તે વર્ષોથી કેદ દિવાનસિંહને આઝાદ કરાવ્યો છે. અમને ખજાનાની લાલચ નથી, પણ ખજાનાનો રસ્તો મોતની એકદમ નજીકથી પસાર થાય છે. જે થઈ ગયું તે થઈ ગયું, પણ અત્યારે આપણી પરસ્પરની લડાઈ દિવાનસિંહનું કામ સરળ બનાવશે. એના કરતાં આપણે મળીને જ આ જોખમ ઉઠાવીએ.” રતનસિંહે બખ્તાવરને જવાબ આપતાં કહ્યું. બધાને રતનસિંહની આ વાત પર આશ્ચર્ય થયું, પણ રતનસિંહના બુદ્ધિચાતુર્ય પર બધાને વિશ્વાસ હતો એટલે કોઈ બીજું કંઈ બોલ્યું નહીં અને બખ્તાવરે પણ હામી ભરી દીધી.
બધા હવેલીમાં પ્રવેશ્યા. વર્ષોથી બંધ હવેલીમાં ઠેકઠેકાણે કરોળિયાના જાળાં બાજી ગયાં હતાં. હવેલી વર્ષોજૂની હતી, પણ તેના દરેક ખૂણે કલાત્મક ડિઝાઇનો હતી જે તેના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવતી હતી. બીજા માળે જવા માટેની વિશાળ સીડીનાં દરેક પગથિયે સ્ત્રીઓના નાનાં નાનાં અનાવૃત્ત ચિત્રો દોરેલાં હતાં. હવેલીમાં દરેક ખૂણે અપ્સરા મેનકાની નાની અનાવૃત્ત મૂર્તિઓ હતી. હવેલીની દરેક દીવાલોમાં કોઈક જૂની પૌરાણિક વાર્તાનાં ચિત્રો હતાં જે આટલાં વર્ષો થયાં હોવાથી તે ઝાંખા પડી ગયાં હતાં.
હવેલી અંદરથી ખાસ્સી મોટી હતી. હવેલીની મધ્યમાં ઉપર એક કાળા ચક્રની ડિઝાઇનવાળી આકૃતિ હતી અને તે ચક્ર સતત ફરતું હોય તેવો ભાસ થતો હતો. ટૂંકમાં એક સમયની આ સુંદર હવેલી અત્યારે ડરામણી લાગતી હતી. હવેલીના નીચેના માળે પાંચ મોટા રૂમ હતા.
બધા હવેલીને નિહાળવામાં વ્યસ્ત હતા ત્યારે ડેનીનો એક સાથીદાર એક સોનાની મૂર્તિ જોતાં જ તે પોતાની લાલચ ન રોકી શક્યો અને એ મૂર્તિને ત્યાંથી ઉપાડવા લાગ્યો, પણ તે નાની મૂર્તિ ખૂબ જ વજનદાર હતી. મહામહેનતે તે મૂર્તિ ઉપાડવામાં સફળ થયો અને જેવી તેણે મૂર્તિ ઉપાડી કે હવેલીના ઉપરના માળેથી અચાનક હજારોની માત્રામાં સામાન્ય કરતાં નાનાં ચામાચીડિયાંનો એક પ્રવાહ પોતાની તરફ આવતો તેને દેખાયો. આ દૃશ્ય જોઈને બધાં હેતબાઈ ગયાં. પેલો મૂર્તિ પડતી મૂકીને બીકનો માર્યો હવેલીની બહાર જવા દોડ્યો, પણ દરવાજો ‘ધડામ’ કરતો અચાનક જ બંધ થઈ ગયો અને પેલી ચામાચીડિયાંની સેર તેની પર તૂટી પડી. કોઈ કંઈ કરે તે પહેલાં તો ડેનીનો સાથી જીવતા જાગતા માણસમાંથી ઠેકઠેકાણેથી ખવાયેલી એક વિકૃત લાશમાં ફેરવાઈ ગયો. રિયા આ દ્રશ્ય જોઈને ખૂબ જ ડરી ગઈ હતી, પણ રતનસિંહ સાથે હોવાના લીધે તેને ધરપત હતી. બીજી બાજુ ડેની અને બખ્તાવર આ ઘટનાથી અંદરથી તો ખૂબ જ ડરી ગયા હતા, પણ બહારથી સ્વસ્થ હોવાનો ઢોંગ કરતા હતા. ઈશાનનું અચાનક ધ્યાન ગયું. જ્યાંથી મૂર્તિ ઉપાડેલી હતી ત્યાં નીચે લોકેટના આકારનું છિદ્ર હતું. તેણે રતનસિંહને ઈશારો કરીને તે બતાવ્યું. રતનસિંહ બારીકાઈથી તેનું નિરીક્ષણ કરવા લાગ્યો. લોકેટના આકારના એ છિદ્રમાંથી વારેઘડીએ વાદળી રંગનો પ્રકાશ ફેલાતો હતો. રતનસિંહ વિચારમાં પડી ગયો કે શું કરવું. તેણે વનરાજની સલાહ માંગી.
વનરાજ બોલ્યો, “હું પણ મુંઝવણમાં છું. કદાચ આ લોકેટ પડાવવાની દિવાનસિંહની કોઈ ચાલ પણ હોઈ શકે ને ?”
રતનસિંહ નીચે પલાંઠી વાળીને ધ્યાનમાં બેસી ગયો. પંદરેક મિનિટ વીતી ગયા પછી એ ધ્યાનમાંથી બહાર આવ્યો.
“ઈશાન ! ધ્યાનથી સાંભળજે. આ લોકેટમાં અસીમ શક્તિ છે, પણ ખજાનાવાળી તલવાર સુધી પહોંચવા માટે લોકેટ અહીં, આ છિદ્રમાં મૂકવું પડશે. તો જ ગુફાનો રસ્તો ખૂલશે. અને હા, પછી આ લોકેટ પાછું નહીં મળે. આપણે લોકેટ વગર જ દિવાનસિંહનો સામનો કરવો પડશે.”
ઈશાને પોતાના ગળામાંથી લોકેટ કાઢ્યું અને પછી તે છિદ્રમાં મૂક્યું. એ સાથે જ લોકેટમાંથી લાલ રંગનો પ્રકાશ સીધો ઉપરના કાળા ડિઝાઇનવાળા ચક્રમાં વચ્ચે એક નાનું વર્તુળ હતું તેમાં પહોંચ્યો. વર્તુળમાંથી લાલ રંગનો એક તીવ્ર પ્રકાશ બહાર નીકળ્યો અને પછી તે એક મોટાં પ્રકાશ સંપુટમાં ફેરવાઈ ગયો. બધાની આંખો એ તીવ્ર પ્રકાશ સંપુટથી અંજાતી હતી. તેઓ કશું જોઈ નહોતા શકતા. થોડી વાર પછી પ્રકાશ સંપુટ સાવ નાના કદમાં ફેરવાઈ ગયું અને હવેલીના ઉપરના ભાગે જતું રહ્યું.
***
બીજી બાજુ જોરાવરસિંહના, બીજા નામે જાણીતા સ્વર્ગસ્થ ઉદયસિંહનાં, (જેમના ઘરે રિયા અને વનરાજ રોકાયા હતા) પત્ની રિવાબા ગાઢ નિદ્રામાંથી જાગી ગયાં. તેમનું બીજું નામ રીભાદેવી પણ હતું. પતિનાં ભયાનક મોતનો તેમને સખત આઘાત લાગ્યો હતો. તેઓ જાગ્યાં ત્યારે ઉદયસિંહની હવેલીએ કોઈને ન જોતાં અચરજમાં પડી ગયાં હતાં કે આ બધાં ક્યાં ગયા હશે ? તેઓ હવેલીની બહાર નીકળ્યાં ત્યાં તેમને રણજિત અને આહિર બેહોશ પડેલા મળ્યા. તેમના શરીરના અમુક ભાગે ચામાચીડિયાં દ્વારા બચકાં ભરેલાં હતાં.
રિવાબાએ બંનેને વારાફરતી ઢંઢોળ્યા, પણ કોઈ ભાનમાં ન આવ્યું. રિવાબા હવેલીમાંથી પાણી લઈને આવ્યાં અને બંનેના મોં પર પાણીની છાલક મારી. બંને ભાનમાં આવ્યા. બંનેના મુખ પર ડરના ભાવ હતા. આંખો લાલ થઈ ગઈ હતી.
“અરે સાહેબ ? તમે અહીં આવી રીતે આ રસ્તા વચ્ચે આ હાલતમાં કઈ રીતે ?” રિવાબાએ આહિરને પૂછ્યું અને એ જ સાથે આહિરને મનમાં થોડા સમય પહેલાં તેની સાથે બનેલી ઘટના યાદ આવી ગઈ.
રતનસિંહ અને બીજા બધાની પાછળ પાછળ રણજિત અને આહિર હવેલીમાં આવીને એક ખૂણામાં છુપાઈ ગયા હતા. અચાનક જ હજારોની માત્રામાં ચામાચીડિયાંની એક સેર આવી ને એક માણસ પર તૂટી પડી તેને ખતમ કરી નાખ્યો. પછી એ સેર આગળ વધી અને રણજિત અને આહિરને ખોળીને તેમની પર હુમલો કર્યો. હુમલાથી તેઓનો અવાજ ગળામાં જ અટકી ગયો અને અચાનક તેઓને એક અજ્ઞાત શક્તિએ અહીં ફેંકી દીધા. બસ પછીનું તેઓને કંઈ જ યાદ નહોતું.
રિવાબાને જવાબ આપ્યા વગર જ બંને પાછા હવેલીએ જવા નીકળી ગયા.
***
“પ્રકાશપુંજ ઉપર ગયું, નક્કી રસ્તો ઉપર જ હશે.” વનરાજે અનુમાન બાંધ્યું.
“હા, મને પણ એમ જ લાગે છે. ચામાચીડિયાની સેર પણ ઉપરથી જ આવી હતી.” આ વખતે ઈશાન ઉત્સાહથી બોલ્યો.
“તો ચાલો, હવે ઉપર જઈને રસ્તો શોધીએ.” આ વખતે રતનસિંહ બોલ્યો.
બધા હવેલીના બીજા માળે ગયા. ઉપર પણ પાંચ રૂમ હતા. બધાએ અલગ અલગ રીતે એ પાંચેય રૂમ જોઈ લીધા, પણ કશે કંઈ મળ્યું નહીં.
“આ... અહીં તો આગળનો રસ્તો નથી મળતો.” રિયાએ કંટાળાના ભાવ સાથે કહ્યું.
“સાચી વાત છે. પણ કંઈક તો એવું છે જે આપણી નજરમાં નથી આવ્યું. રસ્તો તો અહીં આટલામાં જ ક્યાંક છે.” વનરાજ વિચારતા બોલ્યો.
અચાનક ઈશાનની નજર ત્રીજા રૂમ તરફ જતાં ચામાચીડિયાં તરફ ગઈ. તેણે બધાને પોતાની પાછળ આવવા કહ્યું. બધા ત્રીજા રૂમમાં ગયા. તેમણે જોયું તો એ રૂમના ખૂણામાં એક બખોલ હતી જેમાંથી કીડીની એક લાંબી લાઈન નીકળી હતી. ઈશાન પાછો વિચારમાં પડી ગયો. ત્યાં જ તેના મગજમાં ઝબકારો થયો અને તેણે એક સ્ત્રીના અનાવૃત્ત ચિત્ર તરફ ઈશારો કર્યો. સ્ત્રીના ગળામાં એક હાર હતો જેમાં એક ડાયમંડ હતો જે લાલ કલરનો હતો અને ચમકી રહ્યો હતો. ઈશાન ત્યાં ગયો અને જેવો તેને સ્પર્શ કર્યો કે એક ઝાટકા સાથે તે પાછળ ફેંકાઈ ગયો. તેનું દીવાલ સાથે માથું અફળાયું અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું. ત્યાં જ રૂમની એક દીવાલનો એક ભાગ ધડામ કરતો પડ્યો. બધા લોકો દૂર હોવાથી કોઈને કંઈ વાગ્યું નહીં. ગુફાનો પ્રવેશ દ્વાર ખુલી ગયો હતો ! ઈશાને પોતાના માથાના ઘાવની પરવા કર્યા વગર બધાને આગળ વધવા પ્રેર્યા. હજી તેઓ ગુફામાં પ્રવેશ કરતા હતા ત્યાંજ બે બરછી સનનન કરતી આવી અને બખ્તાવરના બે સાથીઓની છાતીની આરપાર થઈ ગઈ. તેઓ ત્યાં જ ઢળી પડ્યા. અચાનક થયેલા વારથી બધાને આવનારી આફતનો અંદાજો આવી ગયો હતો. હજી તો બધાએ પુરી ગુફા પણ જોઈ નહોતી અને તે લોકોમાંથી બે માણસો ઓછા થઈ ગયા હતા. સ્વાગત થઈ ગયું હતું.
ગુફામાં ખૂબ જ અંધારું હતું. આથી રતનસિંહે પોતાની તંત્ર વિદ્યાથી ચાર મશાલો સળગાવીને અલગ અલગ વ્યક્તિને આપી હતી. ગુફામાં અંદર અમુક જગ્યાએ હાડપિંજરો લટકતા હતા. અમુક જગ્યાએ લાંબા લાંબા કરોળિયાના જાળાં હતા. ગુફામાં સતત એક વિચિત્ર અવાજ આવતો હતો જેના લીધે બધાને સખત ડર લાગતો હતો. પણ આગળ વધવું તો ફરજિયાત હતું. વચ્ચે વચ્ચે કોઈ જનાવર આવતું હોય તેવો અવાજ પણ આવતો હતો. તેમને ખબર તો હતી, પણ અંદાજો નહોતો કે તેઓ કેવી ભયાનક મુસીબતની શૃંખલામાં પ્રવેશી ચૂક્યા હતા.
બધા ગુફાનું નિરીક્ષણ કરતા હતા. અચાનક જ એકસાથે સેંકડો હાથ ગુફાની દીવાલમાંથી ઊગી નીકળ્યા અને રતનસિંહને દીવાલ ભણી ખેંચી ગયા. કોઈ રતનસિંહને મદદ કરે તેની પહેલાં તો રતનસિંહ દીવાલમાં અદ્રશ્ય થઈ ગયો. બધા રતનસિંહને ગુફાના બીજા ભાગમાં શોધવા લાગ્યા.
(ક્રમશઃ)
પ્રકરણ લેખક: પ્રિતેશ હિરપરા