સમીરનું MBBS થોડા સમય પહેલા જ પૂરું થયું હતું. મનમાં લોકોની અને જરૂરીયાતમંદ ગરીબોની જાન લગાવીને સેવા કરવાના ઈરાદાથી એણે દાકતરી ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. બાળપણમાં પોતે જે ગરીબીમાં મોટો થયો હતો અને દવા કરાવવા માટે પોતાની આસપાસની વસ્તીના લોકો પાસે પૈસા ન હતા એ વખતની દુઃખદ પળો આજે યાદ કરે તોય એને કંપારી આવી જતી. ઘણા લોકોના જીવ આ જ કારણોસર ગયા હોવાનું જોતા બાળપણમાં જ એણે ડોક્ટર બનવાનો નિર્ધાર કરી લીધો હતો.
પહેલેથી ભણવામાં હોશિયાર તો સમીર હતો જ, અને દસમાં ધોરણ પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લીધો. બંને વર્ષ દિવસ રાત જોયા વગર મહેનત કરી હતી. આખરે એ મહેનત રંગ લાવી અને સારા નંબર સાથે પરીક્ષામાં એ ઉત્તીર્ણ થયો. સરકારી મેડીકલ કોલેજમાં પ્રવેશ મળ્યો એ દિવસ એના માટે ઉત્સવથી ઓછો નહતો. દારુણ ગરીબી જોઈ હોય એવા માંબાપને પોતાનો છોકરો ડોક્ટર બનશે એ વિચાર કરતાં જ મન પ્રફુલ્લિત થઇ જાય!
પાંચ વર્ષ ભણ્યા બાદ એક વર્ષ ઇન્ટર્નશીપ માટેનું આવે એવો સરકારી નિયમ છે. જેના અંતર્ગત નવા બનેલા ડોક્ટર્સ અનુભવી લોકોના હાથ નીચે જ્ઞાન અને કૌશલ કેળવે છે. મોટા ભાગે આ ઇન્ટર્નશીપ જેતે વિસ્તારની સિવિલ હોસ્પિટલમાં કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આપવામાં આવતી જેથી કરીને અંતરિયાળ વિસ્તારના લોકો શારીરિક ઈલાજથી વંચિત ન રહે.
આવી જ એક સરકારી સિવિલ હોસ્પિટલમાં સમીરની ડ્યુટી લાગી. પહેલા દિવસે પોતે એક ડોક્ટર તરીકે ત્યાં જશે એ વિચારીને એનું મન મચલી રહ્યું હતું. લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરવાનું પોતાનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું હતું.
એ સિવિલ હોસ્પિટલમાં પ્રવેશ્યો. ત્યાં પોતાને જે સીનીયર ડોક્ટરને મળવાનું હતું તેમને મળ્યો. પોતાનો એપોઇન્ટમેન્ટ લેટર એમની પાસેથી લીધો. એમનો આભાર માન્યો અને પોતાને આગળ હવે શું કરવાનું છે અને કયા વિભાગથી શરૂઆત કરીશું જેવા સવાલો અંગે ચર્ચા કરી. એ સીનીયર ડોક્ટરનો સ્વભાવ સમીરની ધારણાથી થોડો જુદો હતો. વાતેવાતે એ પોતાના અનુભવની શેખી મારતા અને સમીરને હજી નવો નિશાળિયો હોવાનું ભાન કરાવતા. પોતાના હાથ નીચે કામ કરવાનું હોઈ પોતે જે કહે તે કોઈ પણ ભોગે કરવું જ પડશે એવું સમીરને કહ્યું.
સમીરને લાગ્યું કે કદાચ કોઈ પેશન્ટનું પ્રેશર હશે એટલા માટે વાતચીતમાં આવું બોલતા હશે. પરંતુ એ ડોક્ટર સમીરને એનું કામ બતાવી પોતાનો મોબાઈલ લઈને બેઠા. સમીરે આગળ કોઈ વાતચીત ન કરતા પોતાનું કામ કરવાનું નક્કી કર્યું. સમીરને લાગ્યું કે કદાચ કોઈ પેશન્ટ નહિ હોય એટલા માટે સાહેબ આ રીતે બેઠા હશે.
સમીર પોતાને અપાયેલા વોર્ડમાં ગયો. ત્યાં જઈને જોયું તો સમીરનું મન દુભાયું. ત્યાં દસેક દર્દીઓની લાઈન હતી અને સમય ઉપરાંત અડધો કલાક થઇ ગયો હોવા છતાં તેમને રીસીવ કરવા માટે કોઈ ડોક્ટર ત્યાં હાજર નહતો.
સમીરને ડોક્ટરના વેશમાં આવતો જોઈ ટોળામાં ગુસપુસ થઇ તે સમીરે સાંભળી, “ઓહો! આજે સુરજ પશ્ચિમમાંથી ઉગશે લાગે. સાહેબ આટલા વહેલા આવી ગયા. હાશ! આજે વહેલું પતશે”
સમીર જરા અચકાયો અને આવું બોલનારને પૂછ્યું, “કેમ આવું બોલો છો વડીલ?”
“અરે સાયબ! આજે તમે વહેલા આવી ગયા એટલે! બાકી અમને તો ઓછામાં ઓછી દોઢ કલાક રાહ જોવાની ટેવ જ પડી ગઈ છે.”
“દરરોજ આવું થાય?”, સમીરે કુતુહલવશ પૂછ્યું.
“હા, દરરોજ”
“તો તમે લોકો કેમ આ સહન કરી લો છો?”
“એ તો એમાં એવું છે ને સાહેબ કે ડોક્ટર એમના પ્રાઈવેટ કલીનીક પર કામ પતાવીને આવે ત્યાં સુધી એમને આવતા મોડું થઇ જાય”, આ બંનેની વાતચીતમાં ટપકતાવેંત ત્યાંના વોર્ડબોયે કહ્યું.
“ચાલો લાઈન સરખી કરો દો. નવા સાહેબ ચેક કરવા માટે આવી ગયા છે”, બીજા વોર્ડબોયે કહ્યું.
‘આવું થોડું ચાલે?’, સમીરના મનમાં વિચાર આવીને જતો રહ્યો. પછી તે પોતાના કામમાં જોતરાયો.
બધા દર્દીઓનું ચેકઅપ પતાવતા લગભગ દોઢેક કલ્લાક નીકળી ગયો ત્યાં લંચનો સમય થયો. બધા સીનીયર અને જુનિયર ડોક્ટર્સ એકસાથે જમવા બેસતા. બધાએ જમવાનું શરુ કર્યું. અડધું પત્યું હશે ત્યાં કેન્ટીનની બહારના કોરીડોરમાં હલચલ મચી. કોલાહલ વધ્યો. સમીર માટે આ નવું હતું પણ ત્યાં બેઠેલા બાકીના લોકોને માટે આ રોજનું હતું. કોઈ ઈમરજન્સી કેસ આવ્યો હતો. કોઈ માણસે ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. એવું એક વોર્ડબોયે આવીને જાણકારી આપતા કહ્યું. આટલો ક્રીટીકલ કેસ હોવા છતાં બધા સીનીયર ડોક્ટર્સ આરામથી પોતાનું લંચ લેતા હતા. કોઈના પેટનું પાણી નહતું હલી રહ્યું. સમીર આ જોઇને અવાક બની ગયો. એણે કોઈની પરવાહ કર્યા વગર પોતાને ભલે એ કેસ કઈ રીતે હેન્ડલ કરવો એનો હજી સુધી અનુભવ નહતો પણ એ જમવાનું અડધું મુકીને દોડી ગયો.
“આ નવા નિશાળિયા”, બેઠેલાઓમાંથી કોઈકે કહેલું આ વાક્ય એણે સાંભળ્યું પણ એ એના માટે ગૌણ હતું. એ તરત પેલા દર્દીને જ્યાં લઇ જવાયો હતો ત્યાં એક નર્સ સાથે પહોચ્યો. એની નાડી ચેક કરી અને વેન્ટીલેટર ચાલુ કરવા માટે કહ્યું. કયું ઝેર પીધું હતું એની પ્રાથમિક જાણકારી બાદ એનું એન્ટીટોક્સીન શું હશે તે વિષે વિચાર કરવા લાગ્યો એટલામાં જમવાનું પતાવીને પેલા સીનીયર ડોક્ટર, જેમના હાથ નીચે સમીરે કામ કરવાનું હતું એ ત્યાં આવ્યા.
“ઘણી ઉતાવળ ભાઈ તારે! આવું બધું તો થયા કરે. તું આવ્યો દોડીને એટલે મારેય ફટાફટ જમવાનું પતાવીને આવવું પડ્યું”, આવીને તરત એમણે છણકા સાથે કહ્યું.
“પણ સર કદાચ બાજી હાથમાંથી સરકી જાય તો અફસોસ રહે એના કરતા....”
“એવું બધું ના વિચારાય. એમ તો તું ક્યારેય પોતાની લાઈફ એન્જોય જ ન કરી શકે. આ લોકોનું ટેન્શન નહિ લેવાનું.”, એમણે ઠંડા કલેજે કહ્યું.
સમીર કશું બોલ્યો નહી.
“નર્સ! આનું એન્ટી ટોક્સીનનું ઇન્જેક્શન લાવો”.
પેલી નર્સ તરત જ કાચની નાની શીશીમાંથી પ્રવાહી કાઢીને સિરીંજમાં ભર્યું. એને ખબર હોવા છતાં અત્યાર સુધી એ ચુપ રહી એ સમીરે નોંધ્યું. એનું કારણ ખબર નહતું પણ દર્દી બચી જશે એ સાંત્વના હોઈ સમીરે આ વાત અવગણી.
સાંજે ઘરે આવ્યો ત્યારે આ આખો બનાવ એના મનમાં રમ્યા કરતો હતો. હિપ્પોક્રેટિક ઓથ (પ્રતિજ્ઞા) લેતી વખતે દર્દીને પ્રાધાન્ય આપવાની વાત એક સીનીયર ડોક્ટર આમ કેવી રીતે અવગણી શકે એ વિચારતા એને રાત્રે ઊંઘ ન આવી.
બીજા દિવસે તે ફરીથી સમયસર પોતાના વોર્ડમાં ગયો. ચેકઅપ પૂરું કર્યું અને પોતાના સરને મળવ ગયો. એમની ઓફીસ આગળ જઈને સમીરને માહિતી મળી કે સર અત્યારે એક ઓપરેશનમાં છે. એણે તરત ઓપરેશન થીએટરનો નંબર પૂછી એ તરફ ડગ માંડ્યા.
અંદર પ્રવેશતા પહેલા “મે આઈ કમ ઇન સર” પૂછીને એના સરનું ધ્યાન દોર્યું.
અંદર જઈને જુએ છે તો દર્દી બેભાન છે, એના કીડનીવાળા ભાગ પર નાનો અમથો ચીરો છે, લોહીનો બોટલ ચઢે છે અને પોતાના સર અને અન્ય બે ડોક્ટર્સ અને નર્સ એકબીજા સાથે વાતોના ગપ્પા મારી રહ્યા છે.
આ દ્રશ્ય જોઇને સમીર હેબતાઈ ગયો. ‘આવું હોય?’, એનું મન આ વિચાર કરી ગયું.
“શું થયું છે સર આમને?”
“પથરીનું ઓપરેશન ચાલે છે”, એમણે કહ્યું.
“પેટ ચીરીને કાઢવા કરતા લેસરથી સારું પડત ને સર?”
“હવે તું અમને શીખવીશ એમ?”, સરનો અહમ ઘવાયો.
“ના એવું નથી. હું તો મારા મનની વાત કહું છું બીજું કઈ નહિ”
એટલામાં એક નર્સ મુખ્ય દરવાજેથી અંદર પ્રવેશી. એના હાથમાં ઘણી બધી દવાઓની કોથળીઓ હતી.
“જુઓ સર! હવે આ પ્રવીણને સમજાવી દેજો. કમીશનમાં આનાકાની કરે છે”, એણે પ્રવેશતાવેંત કહ્યું.
“એનું કામ લેવું જ છે આજે”, સરે કહ્યું.
આ બધું શું ચાલતું હતું એની સમીરને કશી ખબર નહતી પડી રહી. આવેલી નર્સે એ દવાની બધી થેલીઓ બીજી નર્સને આપી અને એ નર્સ પાછલા દરવાજેથી બહાર ગઈ.
“સિસ્ટર દવાઓ લઈને કેમ જતા રહ્યા?”
“એ બધું પછી સમજાવું તને”, કહીને સર બોલ્યા, “ચલો હવે આ ભાઈની પથરી નીકળી ગઈ છે” ડોકટરે કહ્યું.
જૂના કોઈ પેશન્ટની પથરી જે શીશીમાં હતી એ શીશી પરનું નામ વાળું સ્ટીકર ઉખાડીને એ નર્સે આ ભાઈના નામ વાળું સ્ટીકર લગાવ્યું. એટલામાં દવાની થેલીઓ લઈને બહાર ગયેલી નર્સ પાછી ફરી અને ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા.
“પ્રવીણ ખરેખર હવે માર ખાવાના દાવનો થયો છે સર”, કહેતા એણે એ પૈસા સરના હાથમાં મુક્યા. સરે પોતાનો ભાગ લીધો અને બાકીનાને એમનો ભાગ આપ્યો. સમીર તરફ એમણે એનો ભાગ ધરતા કહ્યું, “લે આ તારી પહેલી ભેટ”
સમીરે લેવાની ચોખ્ખી ના પાડી, “આ મારાથી નહિ લેવાય સર”, કહીને ભગ્નહૃદયે તે બહાર નીકળ્યો.
બહાર નીકળતાવેંત પેલા દર્દીની પત્નીએ એને પૂછ્યું, “શું થયું સાહેબ? એ ઠીક તો છે ને? એમની પથરી નીકળી ગઈ?”
સમીર પાસે કોઈ જ જવાબ નહતો. આ હોસ્પિટલ હવે એને જેલ જેવી લાગવા માંડી હતી. અહી આટલું બધું ગેરકાયદે કામ થતું હતું કે જાણે લોકો અહી પોતાની ઈલાજ કરાવવા નહિ પણછેતરવા આવતા હતા. આ છોડી જવાનો વિચાર એના મનમાં આવી ગયો. પણ એની અંદરના આત્માનો અવાજ કંઈક જુદો જ હતો. એ આ બધા સાથે લડવા માંગતો હતો. આખરે એણે નક્કી કર્યું કે હવે પોતે આ બધા દુષ્કૃત્યો વિરુદ્ધ જંગ લડશે. ભલે પોતે એકલો હશે તો વાંધો નથી.
એણે બીજા દિવસથી બધા સાથે નોર્મલી વાતચીત કરવાનું ચાલુ કર્યું. વોર્ડબોય,નર્સ, જુનિયર ડોક્ટર્સ વગેરે પાસેથી માહિતી ભેગી કરવાનું કામ શરુ કર્યું. હોસ્પિટલમાં જેટલા પણ ગેરકાયદે કામો થતા હતા એ તમામનું એક વિસ્તૃત લીસ્ટ બનાવ્યું અને કયા કામોમાં કોણ કોણ સંડોવાયેલા છે એ તમામ માહિતી ભેગી કરી.
આ બધું કરતા એને લગભગ ચારેક મહિના જેટલો સમય થઇ ગયો. બધા સીનીયર ડોક્ટર્સ એબુ માની ચુક્યા હતા કે સમીર હવે એમનામાં ભળી ગયો છે.પણ હવે સમીરને જે જે ડોક્ટર્સનું પેલા લીસ્ટમાં નામ હતું તેમની વિરુદ્ધ માત્ર પુખ્તા સબુત જોઈતા હતા. બધા ડોક્ટર્સ એવા નહતા. સીનીયર લોકોમાંય ખાસા એવા હતા કે જેમને આ બધું પસંદ નહતું પણ “પોતાને શું?” એવું વિચારીને જતું કરતા હતા.
સમીરે આવા ડોક્ટર્સની સાથે સારા સંબંધ બનાવ્યા અને એમની મદદથી સ્ટીંગ ઓપરેશન કરીને વિડીઓ અને ઓડીઓ રેકોર્ડીંગ સાથેના તમામ સબુત ભેગા કર્યા.
હવે મુદ્દો એ હતો કે પોલીસ પાસે તો જવાય તેમ નહતું. કારણ કે કોભાંડી ડોક્ટર્સની એમની સાથે સારી ઉઠબેસ હોવાની જ! એટલે સમીરે આર.ટી.આઈ.નો રસ્તો અપનાવ્યો. સરકારી સાઈટ પર રાજ્યના આરોગ્ય મંત્રીને સંબોધીને એણે એક RTI ફાઈલ કરી.
આરોગ્યમંત્રીએ જવાબમાં પુરતી સાબિતી માંગી એટલે તરત સમીરે બીજા દિવસની રજા લીધી અને સીધો જ એમની ઓફિસે પહોચ્યો. આરોગ્યમંત્રીએ બધા વિડીઓ અને ઓડીઓ સાંભળ્યા અને તેઓ પણ અચંબિત થઇ ગયા કે પ્રાઇવેટ હોસ્પિટલો તો ઠીક હવે સરકારી સિવિલ હોસ્પિટલ્સમાં પણ આવું દુષણ હતું.
એમણે તરત જ મુખ્યમંત્રીની પરમીશન લઈને ગુનેગારો પર છાપો મારવાનું નક્કી કર્યું. તેઓ પોતાના કાફલા સાથે અને પોલીસ લઈને હોસ્પિટલ પહોચ્યા. અચાનક આરોગ્યમંત્રીની ટીમ આવી પહોચવાના લીધે આમેય બધા સીનીયર ડોક્ટર્સ આશ્ચર્યચકિત થઇ ગયા અને પોતે સારા ડોક્ટર હોવાનો સ્વાંગ રચવામાં મશગુલ થઇ ગયા. પણ એમને ક્યાં ખબર હતી કે આખો ખેલ આની પહેલા જ ખેલાઈ ગયો છે.
પોલીસે તમામ દોષિત તબીબોની અટકાયત કરી. ચોવીસ કલાકની અંદર કોર્ટમાં પણ સબુતની મદદથી બધા આરોપો સાબિત થયા જેના એકમાત્ર ચશ્મદિદ ગવાહ તરીકે નિર્ભયપણે સમીરે ગવાહી આપી. એના સર અને અન્ય ડોક્ટર્સ જેલમાંથી બહાર નીકળ્યા પછી એને જોઈ લેવાની નજરે પોલીસની ગાડીમાં બેઠા.
બીજા દિવસે પોતાના કામ પર રાબેતા મુજબ હાજર રહેલા સમીરનું આખી હોસ્પિટલના બાકી રહેલા સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને અભિવાદન કરવામાં આવ્યું. હોસ્પિટલને દુષણમુક્ત કરવા માટેના આ સફળ પ્રયત્ન બદલ આરોગ્યમંત્રીએ સમીરને એક વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપ્યો અને ભવિષ્યમાં દેશમાં અને રાજ્યમાં સમીર જેવા પ્રજાપ્રેમી ડોક્ટર્સ પાકે તેવી આશા વ્યક્ત કરી.
ટોનિક : ગુનાને થતો જોઇને ચુપ રહેવું એ પણ ગુનામાં ભાગીદારી કર્યા જેવું જ છે. માટે ગુના સામે બને એટલી તાકાતથી લડી લેવું. શી ખબર એ ગુનો તમારી સામે છેલ્લી વખત જ થવા માટે બન્યો હોય! આવા સમીર જેવા તબીબોને દિલથી એક સલામ!