Hu Tari rah ma - 12 in Gujarati Fiction Stories by Radhika patel books and stories PDF | હું તારી રાહ માં - 12

Featured Books
Categories
Share

હું તારી રાહ માં - 12

આગળ જોયું… મેહુલ પોતાની જૂની યાદોમાં ખોવાય જાય છે. રિદ્ધિ જોડે વડોદરામાં થયેલી મુલાકાત અને રિદ્ધિએ મેહુલ માટે પોતાના મનમાં બાંધેલી ખોટી ગ્રંથીથી ખૂબ જ દુઃખી થઈ મેહુલ જૂનાગઢ પાછો ફરે છે. તેણે રિદ્ધિને મેળવવાની બધી જ આશાઓ ખોઈ નાખી હતી. કઈ રીતે કપટથી રીના અને હેમલે તેનાં જીવનને બરબાદ કર્યું. આ બધી હકીકત મેહુલ ધ્રુવ અને રાહીને જણાવે છે. રીનાબહેને પંકજભાઈનાં મૃત્યુના છ મહિનામાં જ કોઈ કારણોસર સ્યુસાઇડ કરી લીધું તે પણ જણાવે છે. હેમલને આ વાતનાં લીધે જેલ થાય છે. રાહી અને ધ્રુવ રિદ્ધિ અને મેહુલને મેળવવાનો નિર્ધાર કરી લે છે… હવે આગળ..

“ હવે કંઇક જમી લઇએ પહેલાં.. ? પછી આપણે આગળ વાત કરીશું આ વિશે. આમ પણ વરસાદ રહી ગયો છે ઘડિયાળ પણ 8:45નો સમય બતાવી રહી છે તો આપણે પેહલા જમવા માટે જઇએ. ” મેહુલ

“ હા સર, મને પણ ભુખ લાગી છે. હમણાં જ શહેરની બહાર હાય- વે પર નવી હોટલ ‘મૂન પેલેસ’ ખુલી છે તો આપણે ત્યાં જઇએ. હમણાં જ હું થોડા સમય પહેલા ત્યાં મારા મિત્રની બર્થ ડે પાર્ટીમાં ગયેલો. ત્યાંની સર્વીસ ખૂબ જ સારી છે તો આપણે ત્યાં જઇએ.. ? “ ધ્રુવ

“ હા ચાલો તો ત્યાં જ જઇએ. આમ પણ મે ઘણાં દિવસથી કોઈ નવી જગ્યાનું જમવાનું ટેસ્ટ નથી કર્યું. શું કહે છે રાહી?” મેહુલ

“ હા ચાલો તો ત્યાં જ જઇએ. ધ્રુવ આટલા વખાણ કરે છે તો પછી જોઇ આવીએ. ” રાહીએ પણ સમંતી આપતાં કહ્યું.

બધાં જમવા માટે હોટેલ ‘મૂન પેલેસ’ જવા માટે નીકળે છે. ધ્રુવ કાર ડ્રાઇવિંગ કરી રહ્યો હોઇ છે. રાહી પાછળની સીટ પર બેસીને પોતાના ફોનમાં ઈયરફોન લગાવી પોતાનું મનગમતું ગીત વગાડી રહી હોઇ છે અને મેહુલ ધ્રુવની બાજુની સીટમાં સેટ થઈ પોતાના જ વિચારમાં ખોવાયેલો હોઇ છે. લગભગ વીસ મિનીટની અંદર તો તે લોકો હોટેલ પહોંચી ગયા હોઇ છે.

બધાં હોટલના પાર્કિંગમાંથી અંદરની તરફ પ્રવેશે છે. હોટલનો દેખાવ બહારથી ખૂબ જ આકર્ષક લાગી રહ્યો હોઇ છે. એક્દમ કાઠીયાવાડી દેખાવ અપાયો હોઇ છે. ફેમિલીમાં આવેલા લોકો માટે મઢૂલિ પ્રકારની બેઠકની વ્યવસ્થા હોઇ છે તો બીજી તરફ મિત્રો અને કૉલેજ ગ્રુપ માટે ખાટલા તથા બાજોટ પ્રકારનાં લાંબા પણ લંબાઈમાં નીચા ટેબલ સાથે આસનીયાની વ્યવસ્થા હતી જેથી બધાં ગ્રુપમાં સાથે જમવાનો આનંદ ઉઠાવી શકે. હોટલની ઍક તરફ ગાર્ડન હતુ જયાં બાળકો માટે જૂલા અને બીજી બધી આઉટડોર રમતો માટેની વ્યવસ્થા હતી. મોટી ઉંમરનાં વ્યક્તિઓ તથા કપલ્સ માટે હિંડોળાની વ્યવસ્થા હતી. ઍક તરફ મેદાનમાં મોટી સ્ક્રીન રાખવામાં આવી હતી. જયાં ક્રિકેટપ્રેમીઓ રોજ સાંજે સીઝન ક્રિકેટ જોવા માટે આવતાં હતાં. હોટલની ફરતે અલગ અલગ છોડનાં કુંડા રાખવામાં આવ્યાં હતાં. જેમાં અલગ અલગ પ્રકારના ઘણાં સુગંધિત ફુલ હતાં.

હોટલની અંદરની બાજુએ સોફા ટેબલનું રોયલ સીટીગ આપવામાં આવ્યું હતું. જયાં ગ્રે અને ઑફ વ્હાઇટ વોલ પેઇન્ટિંગ અને ફર્નિચરનું મેચિંગ કરવામાં આવ્યું હતું. ડાયનીંગ હોલની દીવાલ પર ફૂડ વેરાયટીનાં ફોટોઝને કાચમાં ફ્રેમ કરી લગાવવામાં આવ્યાં હતાં. દરેક ટેબલ પર ફેન્સી આછા પીળાશ પડતાં લેમ્પને ગોઠવવામાં આવ્યાં હતાં. હોટલની છત પર બર્થ ડે પાર્ટી, ફેમિલી ફંક્શન થઈ શકે તેવી અદ્દભુત વ્યવસ્થા કરવામાં આવી હતી. નાના બાળકોથી લઈને મોટી ઉંમર સુધીની દરેક વ્યક્તિને ગમે તેવું હોટલનું ઇન્ટિરિયર બનાવવામાં આવ્યું હતું.

“ વાહ ધ્રુવ હોટલ સાચે જ ખૂબ સરસ છે. શું ગજબનું ઇન્ટિરિયર છે અહિયાંનું.. !! ખરેખર હોટલનું ઇન્ટિરિયર કરનારને દાદ દેવી પડે હો.. ગજબની મહેનત કરી છે. ” મેહુલ

“ સાચી વાત છે સર, તમે પણ તમારી ઓફીસનું ઇન્ટિરિયર આ હોટલનું ઇન્ટિરિયર કરનાર ડિઝાઇનર પાસે જ કરાવી લો. ” રાહીએ હોટલના ઇન્ટિરિયરથી આકર્ષિત થઈને કહ્યું.

“ ઓકે રાહી, તું હોટલના મેનેજર પાસેથી હોટલનું ઇન્ટિરિયર કરનાર ડિઝાઇનરની ઓફીસનું એડ્રેસ તથા નંબર લઈ લેજે. હું તેની મુલાકાત લઈ લઇશ. પણ અત્યારે હવે જમવાનું ઓર્ડર કરીએ.. ??” મેહુલ

બધાએ જમવાનું ઓર્ડર કર્યું. મેહુલે રિદ્ધિનું મનપસંદ પંજાબી ‘ પનીર ટીકા’ નું શાક અને નાન મંગાવ્યા જ્યારે ધ્રુવે હૈદરાબાદી પુલાવ અને રાહીએ પોતાનો ભાવતો ઇટાલિયન પિત્ઝા ઓર્ડર કર્યો. જમવાનું આવતાં જ બધાં જમવા લાગ્યાં.. ભુખ જો લાગી હતી બધાને કકડીને.. ધ્રુવ જમતાં-જમતાં પોતાના જોક્સથી બધાનું મનોરંજન કરતો હતો. ધ્રુવનાં જોક પર સૌથી વધારે મેહુલસર હસતાં હતાં આ વાત રાહીએ અનુભવી. તેણે તરત જ ધ્રુવના ફોનમાં મેસેજ કર્યો.

“ ધ્રુવ જોતો મેહુલસર કેટલા ખુશ લાગે છે. ઘણાં સમયે તેમને આ રીતે ખુલીને હસતાં જોયા. મેહુલસરને આમ ખુશ જોઈને મારું મન તો ખૂબ જ ખુશ થઈ ગયું. ” રાહી

“ અરે હા યાર, સાચી વાત છે. મેહુલસર હસતાં જ સારા લાગે છે અને આપણે આ ખુશી તેમનાં ચહેરા પર હંમેશા રહે તેવી પુરી કોશિશ કરશું. ” ધ્રુવ

“ માત્ર કોશિશ નહીં આપણે આ વાતને હકીકત કરી બતાવવાની છે. ” રાહી

“હા રાહી તું સાચું કહે છે. ” ધ્રુવ

જમીને બધાં ગાર્ડનમાં બેસવા માટે જાય છે. સમય પણ 9:45 થયો હતો હજુ તો અને ઘરે તો રાહી અને ધ્રુવ બન્નેએ જણાવી દીધું હતું કે ઘરે આવતાં મોડું થશે. આથી ઘરે જવાની તો કોઈ ચિંતા નહોતી. મેહુલનાં મમ્મીને તો ખબર જ હોઇ કે મેહુલ મોડી રાત સુધી ઓફીસનાં કામમાં વ્યસ્ત હોઇ તો લગભગ તેનુ રાતનું જમવાનું બહાર જ હોઇ.

“ સર, આપણે આગળની વાત કરીએ જો તમને ઠીક લાગે તો…?” રાહીએ પુછ્યું.

“ હા ચાલો આપણે હવે વાત આગળ વધારીએ. ” મેહુલે સંમતી આપી.

“ સર શું રિદ્ધિ મેમને આ વાતની જાણ છે કે રીનાબહેને સ્યુસાઇડ કરી લીધુ અને હેમલભાઈને જેલ થઈ ગઈ.. ?” રાહી

“ જ્યારે હુ રિદ્ધિને મળવા માટે વડોદરા ગયો ત્યારે રિદ્ધિને થયું કે મે તેને ત્યાંથી ગોતી લીધી અને તે મારી સામે ફરી આવવા નહોતી માંગતી. હું તેનો ફરીથી સંપર્ક ન કરું આટલા માટે તે વડોદરા છોડીને જતી રહી અને આ વખતે તેને તેનાં મમ્મી - પપ્પાને પણ ન જણાવ્યું કે તે પોતે ક્યાં જાય છે.. ? બસ તેનાં મામાને ત્યાં રાતનાં બધાં સૂતાં હતાં ત્યારે ઍક ચીઠી લખીને જતી રહી.

“ શું લખ્યું હતું ચીઠીમાં.. ?” રાહી

“ રિદ્ધિએ ચીઠીમાં સાફ શબ્દોમાં લખ્યું હતું કે, “ તેને કોઈ શોધવાની કોશિશ ન કરે. તે તેની મરજીથી આ નિર્ણય લઇ રહી છે. હવે તેને સંબંધોની મોહમાયા છોડી દેવી છે. જો એકપણ વખત મેહુલ મારી પાસે આવશે તો હું કદાચ પીગળી જઈશ. પણ મારે હત્યારા માણસનાં જીવનમાં ફરી નથી જવું. આ કરતાં હું મારૂં જીવન એકલા પસાર કરવું વધું પસંદ કરીશ. જો હું સમાજની વચ્ચે રહી તો તે વારંવાર મારા સુધી પહોંચવાની કોશિશ કરશે. મારે આમ નથી થવાં દેવું આથી હું હવે બધાંને છોડીને હંમેશા માટે જાવ છું. મારી કોઈ ચિંતા ન કરતાં. આજથી હું નવી ઝીંદગી શરૂ કરવા જાવ છું. બધાનાં આશિર્વાદ મારી સાથે હશે તો જરૂર સફળ થઇશ. મમ્મી-પપ્પા મને માફ કરજો. ” બસ આટલું ચીઠીમાં લખી તે ક્યાંક નીકળી ગઇ. આ ચીઠી ભારતીઆંટીએ મને બતાવી ત્યારે હું તેમની સામે આંખ નહોતો મેળવી શક્તો.. આખરે આ બધું થયું તો મારા લીધે હતું ને.. થોડા સમયના સંબંધથી જો રિદ્ધિથી દુર રહીને હું એટલી તકલીફ અનુભવતો હોઇ તો રિદ્ધિ તો તેનાં મમ્મી પપ્પાનું એકમાત્ર સંતાન હતી. જે તેમને મારા લીધે ખોઈ દીધું. મને સાચે જ ભારોભાર અફસોસ થતો હતો, કે જો મે ભારતીઆંટીને મજબૂર ન કર્યા હોત રિદ્ધિ ક્યાં છે તે વાત જણાવવા માટે તો આજ રિદ્ધિ તેનાં મમ્મી પપ્પાની સાથે હોત. હું ભલે રિદ્ધિનો ગુનેગાર નથી પણ તેનાં મમ્મી પપ્પાનો તો ગુનેગાર છું જ. આ વાતનો મને જિંદગીભર અફસોસ રહેશે. ” મેહુલે અફસોસ સાથે કહ્યુ.

“ સર શું તમે રિદ્ધિમેમનો ફોટૉ બતાવી શકશો? તેમને શોધવા માટે તેમનો ફોટૉ ખૂબ મદદરૂપ થઈ શકશે. ” ધ્રુવ

મેહુલે પોતાના વોલેટમાંથી રિદ્ધિનો ફોટૉ કાઢીને રાહી અને ધ્રુવને બતાવ્યો. રિદ્ધિ ખરેખર મેહુલનાં જણાવ્યા પ્રમાણે ખૂબ જ સુંદર હતી આ વાત રાહી અને ધ્રુવ બન્નેએ કહી.

“ સર તો રીનાબહેનની આત્મહત્યા પાછળ શું કારણ હતું.. ? તેમને તો હેમલભાઈનો સાથ જોઈતો હતો તે તો તેમને મળી ગયો હતો. ” ધ્રુવ

“ તેની પાછળ પણ ઍક મોટુ કારણ જવાબદાર છે. ” મેહુલ

“ કારણ.. ? શું કારણ.. ?” રાહી

“ હેમલ અને રીનાબહેન વચ્ચે અનૈતિક સંબંધો હતાં. રીનાબહેનને હેમલ પ્રત્યે સાચી લાગણી હતી જ્યારે હેમલને પ્રોપર્ટી સિવાય કોઈમાં રસ હતો જ નહીં. તેનો આશય માત્રને માત્ર પ્રોપર્ટી જ હતી. આથી તેણે રીનાબહેનને પોતાની ખોટી લાગણીમાં ફસાવ્યા અને રીનાબહેન ભાવનાઓમાં વહી જઈ પોતાના જ પતિનાં મોતનું કારણ બની ગયા. હકીકતમાં પંકજભાઈને હાર્ટએટેક આવ્યો જ નહોતો. પરંતુ રીનાબહેન હેમલનાં કહેવાથી પંકજભાઈનાં ખાવામાં રોજ થોડુ થોડુ ઝહેર ઉમેરતા હતાં. જે માણસનાં શરીરમાં ધીમે – ધીમે અસર કરે. પંકજભાઈએ જ્યારે પ્રોપર્ટી મારા નામ પર કરી ત્યારે હેમલ-રીનાને પોતાની ચાલ ઉલટી થતી જણાઈ. આથી તેણે વકીલ પાસે પ્રોપર્ટીનાં નવા કાગળ તૈયાર કરાવી પંકજભાઈ જબરદસ્તી તેનાં પર સાઈન કરવા જણાવ્યું. પણ પંકજભાઈ ન માનતા તેમને ઝહેર આપી દેવામાં આવ્યું. છ મહિના સુધી તો રીનાબહેને મારી સામે દુઃખી થવાનું નાટક કર્યું. તેનાં બાળકોના ભવિષ્યની ચિંતાનાં ખોટા બહાના બતાવી મારી પાસેથી પ્રોપર્ટી પડાવી લેવાના ષડયંત્રૉ કર્યા. પણ પંકજભાઇએ મને કહેલું હતું કે,” જયાં સુધી હેમલ ન સુધરે અને તેમનાં બાળકો યુવાન ન થાય ત્યાં સુધી કોઈ પણ હાલતમાં મારે પ્રોપર્ટી કોઈનાં નામ પર કરવી નહીં. ”આથી હું પ્રોપર્ટી માટે ન માન્યો. રીનાબહેન મને ન મનાવી શકતા હેમલે રીનાબહેન જોડે ઝઘડા કરવાનું શરૂ કરી દીધું. ” મેહુલ

એક દિવસ હેમલ કોઈ જોડે વાત. કરી રહ્યો હતો કે, “ એકવાર જો પ્રોપર્ટી હાથમાં આવી જાય તો જે હાલ પંકજભાઈનો કર્યો તેવો જ હાલ તેનાં પત્ની અને બાળકોનો કરી હંમેશા માટે અમેરિકા સેટલ થઈ જશે”…આ આખી વાત રીનાબહેન સાંભળી જાતાં તે મનથી તુટી ગયાં. તેને જે કંઇ પણ ગુનો કર્યો હતો તેનો અફસોસ થવાં લાગ્યો. તેમણે મારી પાસે આવીને તેમનો ગુનો કબુલ્યો. મારું મન ત્યારે જ તેમને સજા અપાવવાનુ થઈ ગયું. પણ બાળકો પર આ વાતની ખરાબ અસર થશે આમ માની હું ચુપ રહ્યો. આમ પણ તેમણે કરેલી ભુલનો તેમને ખૂબ જ પસ્તાવો હતો. તેમણે મને વાત કરી તેની બે જ કલાકમાં મને સમાચાર મળ્યા કે, રીનાબહેને ઝહેર પી ને આત્મહત્યા કરી લીધી છે. તેમણે સ્યુસાઇડ નોટમાં હેમલ વિરૂદ્ધનું અને તેની આત્મહત્યા કરવા પાછળનું કારણ જણાવ્યું. ” મેહુલ

“ તો પછી પંકજભાઈનાં બાળકોનું શું થયું. ?” ધ્રુવ

“ તેમને મે આ બધી વાતોથી દુર રાખવા માટે આગળનાં અભ્યાસ માટે હોસ્ટેલમાં મોકલી દીધાં. ” મેહુલ

“ મને તો પંકજભાઈનાં બાળકો પર દયા આવે છે.. કે માત્ર પૈસાના લીધે તેમણે તેમનાં માતા પિતાને ખોઈ દીધાં. આ બધાંમાં તેમનાં બાળકોનો શું ગુનો હતો. ? તે બન્ને તો કોઈ ગુના વગર જ સજા ભોગવી રહ્યાં છે ને.. !! “ રાહીએ ઉદાસ થતાં કહ્યું.

“ અફસોસ તો અત્યારે એક વાતનો છે કે રિદ્ધિને જાણ તો છે પણ બધી ખોટી વાતની. ” મેહુલ

“ અને જો રિદ્ધિમેમને કોઈ પણ રીતે હકીકતની ખબર પડી જાય તો.. ??” ધ્રુવ

“ પણ ધ્રુવ આપણે શોધવા ક્યાં જશું રિદ્ધિમેમને? જ્યારે તેમનાં પરિવારને જ ખબર નથી તો આપણે તેમને કઇ રીતે શોધશુ. ?” રાહી

“ આપણે તપાસ કરશું…. ઈન્ટરનેટ , સોસીયલ મીડિયા, ફ્રેન્ડ્સ, ફેમિલી .. ક્યાંકથી તો કંઇક માહીતી મળશે ને.. આપણે બધી કોશિશ કરશું રિદ્ધિમેમને શોધવાની. ” ધ્રુવ

“ ચાલો રાહી-ધ્રુવ રાતનાં 11:15 થઈ રહ્યાં છે તો હવે આપણે નીકળવું જોઈએ. તમારા બન્નેના ઘરે પણ રાહ જોતાં હશે. તમને બંનેને છોડીને હું પણ ઘરે જઉં. આમ પણ હું ઘરે ન જઉં ત્યાં સુધી મમ્મી મારી રાહ જોતાં બેઠા હોઇ. ” મેહુલ

બધાં 12:00 વાગતાં સુધીમાં ઘરે પહોચી ગયા હતાં. સૌ કોઈ પોત પોતાના વિચારમાં હતું. રાહી મેહુલસર સાથે થયેલી ઘટના વિશે વિચારી રહી હતી. તે મનોમન વિચારતી હતી કે આવું જો પોતાના જીવનમાં થાય તો તે સામનો કરી શકે મુસીબતનો? જ્યારે ધ્રુવ હવે રિદ્ધિમેમનો પતો કઇ રીતે લગાવવો તે વિચારમાં હતો. શાંત હતું તો માત્ર મેહુલનું હૃદય. આજ તેને અજીબ પ્રકારની શાંતી મહેસુસ થતી હતી…રાહી અને ધ્રુવને પોતાના જીવનમાં થયેલી ઘટનાઓ વર્ણવીને…. કે પછી તેને ફરી આશા બંધાઈ હતી કે રિદ્ધિ હજુ પણ તેનાં જીવનમાં પાછી ફરી શકે.. !! જે પણ હતું મેહુલને આજ અજબ પ્રકારની શાંતી મહેસુસ કરાવતું હતું. રિદ્ધિને નવલકથા વાંચવાનો ખૂબ જ શોખ હતો. આથી મેહુલે રિદ્ધિને ભેટ આપવા ઍક નવલકથા ખરીદી હતી પણ તે રિદ્ધિને આપી શક્યો નહોતો. આજ મેહુલને તે નવલકથા વાંચવાનું મન થયું. રાતનો 1:00 વાગી રહ્યો હતો પણ મેહુલની આંખોમાં ઉંઘ નહોતી. આથી તે નવલકથા લઇને બેડ પર બેસી વાંચી રહ્યો હતો. જોત જોતામાં તેને ક્યારે ઉંઘ આવી ગઇ તેની ખબર જ ન પડી.

“ સવારના છ વાગ્યે એલાર્મ વાગ્યો તો પણ મેહુલની આંખો ખુલી નહોતી. આથી રમાબહેનને થોડુ અચરજ થયું કે આટલા વર્ષોથી જે માણસ એલાર્મનાં ઍક અવાજે ઉઠી જતો અને પોતાના કામે લાગી જતો તે આજે કેમ એલાર્મનાં આટલા અવાજ પછી પણ ઉઠ્યો નથી. ? રમાબહેને થોડી ચિંતાવશ મેહુલનાં રૂમમાં જઇને જોયું તો મેહુલ હજુ પણ નિંદ્રામાં હતો. રમાબહેને મેહુલને જઇને ઉઠાડયૉ .

“ મેહુલ બેટા ઉઠ. આજે તારે ઓફિસે નથી જવું. ? કેમ આજ એલાર્મનો અવાજ તને સંભળાયો નહીં? તારી તબિયત તો ઠીક છે? “ રમાબહેન

મેહુલે જોયું તો ઘડિયાળ 6:35નો સમય બતાવી રહી હતી. મેહુલને પોતાને ખૂબ અચરજ થયું કે કેમ આજે તેને ઉઠવામાં મોડું થયું? આ પહેલા પણ ઓફીસનાં કામ કરતાં તેને મોડી રાત થઈ જતી હતી. તો પણ પોતે 6:00 નાં ટકોરે ઉઠી જ જતો પણ આજે તેને શું થયું હતું? તે પોતે પોતાની હાલત સમજી નહોતો શક્તો. પણ પોતે અંદરથી ખુશ જણાતો હતો.

“ હા મમ્મી હું એક્દમ ઠીક છું. હું મોડી રાત સુધી ઓફિસનું કામ કરતો હતો તો થોડો થાકી ગયો હતો. ” મેહુલ

“ અરે બેટા તને કેટલી વખત કીધું છે કે આટલી મોડી રાત સુધી કામ ન કર્યા કર. તું બીમાર પડીશ. સમયસર સુવાનું રાખ. ” રમાબહેન

“ હા મમ્મી હવે એક્દમ ઠીક થઈ જશે તેવું લાગે છે. ” મેહુલે ખુશ થતાં કહ્યું.

“ શું સારુ થઈ જશે?” રમાબહેને ચોંકતાં કહ્યું.

“ અરે મમ્મી કંઈ નહીં એ તો બસ હું ઍક પ્રોજેક્ટની વાત કરતો હતો. ચાલ તું ઍક કામ કર મને ભુખ લાગી છે. મારા માટે ઉપમા અને ચા બનાવી આપ. ઘણાં દિવસથી તારા હાથનો ઉપમા નહીં ખાધો. ત્યાં સુધીમાં હું નાહીને પૂજા કરી લઉં. ” મેહુલ

“ આટલું કહી મેહુલ બાથરૂમ તરફ જાય છે. રમાબહેન મેહુલને આમ ફરીથી બદલાયેલો જોઇ દંગ જ રહી જાય છે. તેમને તેમની આંખો પર વિશ્વાસ નહોતો થતો. પરંતું આ સત્ય હતું જે તે અત્યારે મેહુલની અંદર બદલાવ જોઇ રહ્યો હતો. મેહુલને આ પ્રકારે ખુશ જોઇ રમાબહેન પણ ખુશ થઈ ગયાં હતાં. આજ તો મેહુલે નાસ્તો પણ કરશે તેમ કહ્યું. બાકી તો આટલાં સમયમાં મેહુલ ઘરે ખાલી હાજરી પુરાવવા જ આવતો હતો. ન તો તેનાં જમવાના ઠેકાણા હોઇ કે ન તો કોઈ જોડે કંઇ વાત કરે. બસ કામ પૂરતી જ વાત કરતો.

રમાબહેન જલ્દીથી રસોડામાં ગયાં અને જલ્દીથી મેહુલ માટે નાસ્તો બનાવવા લાગ્યા. મેહુલ પણ થોડીવારમાં નાસ્તો કરવા માટે આવી ગયો. મેહુલે પોતાના મમ્મીને પણ સાથે નાસ્તો કરવાં કહ્યું. બન્ને મા- દિકરાએ સાથે બેસીને નાસ્તો કર્યો.

“ મેહુલ કંઇ થયું છે? મતલબ તું આમ અચાનક.. એટલો બદલાયેલો જણાય છે આટલા દીવસ પછી. શું વાત છે. ?” રમાબહેન

“ અરે ના મમ્મી કંઇ નહીં બસ એમ જ.. ” મેહુલ

“ તારે ન કેહવું હોઇ તો તારી ઈચ્છા …પણ નક્કી કંઇક વાતતો છે જ. હું તારી માં છું.. મારાથી તારી ખુશી કે દુઃખ કયારેય છુપા ન રહી શકે. ” રમાબહેન

“ હા મમ્મી તું સાચી છે. સાચું કહું તો રિદ્ધિનાં મારા જીવનમાં ફરી આવવાના અણસાર મને જણાય છે. ” મેહુલ

“ અરે તે તો ખૂબ જ સારી વાત છે.. પણ આ શકય કઇ રીતે બનશે?” રમાબહેન

“ આ બધું હું તને પછી જણાવીશ. અત્યારે મને ઓફિસે જવાનું મોડું થાય છે હું નીકળું છું.. બાય. ” મેહુલ

“ બાય , બેટા. ” રમાબહેન

રમાબહેને મનોમન મેહુલની ખુશી આમ જ જળવાય રહે તેવી પ્રાર્થના કરી.

ઓફિસે પહોંચીને પણ મેહુલ પહેલા જેવી તાજગી અનુભવે છે. તે આજ તે જગ્યા પાસે જાય છે જયાં તે અને રિદ્ધિ કામનાં સમયે બેસતાં. રિદ્ધિની ખુરશી આઠ વર્ષથી ખાલી હતી. આ જગ્યા પર મેહુલે કોઈને બેસવા નહોતા દીધાં. આજ તેણે રિદ્ધિની ખુરશી સામે બેસીને બે કપ કોફી મંગાવી અને પછી પીવા લાગ્યો. તે દરરોજ રિદ્ધિને યાદ કરી દુઃખી થતો પણ આજ તેને દુઃખ નહોતું થઈ રહ્યું. કારણકે તેનાં મનમાં આશા જાગી હતી.

થોડીવારમાં રાહી અને ધ્રુવ બન્ને પણ આવી ગયાં. તેમણે પણ મેહુલસરનાં ચહેરા પર રોનક જોઇ. રાહી અને ધ્રુવે મેહુલસરને ‘ ગુડ મોર્નિંગ’ વિશ કર્યું અને જણાવ્યું કે તેમણે રિદ્ધિમેમને શોધવાની શરૂઆત કરી દીધી છે અને રિદ્ધિમેમ વિશે થોડી માહીતી જોઈએ છે તેમ જણાવ્યું.

મેહુલ રાહી અને ધ્રુવને રિદ્ધિ વિશે માહીતી આપતો હોઇ છે ત્યારે ધ્રુવના ફોનમાં અચાનક એક ફોન આવે છે. ધ્રુવ વાત પુરી કરી રાહી પાસે આવે છે અને ફોનમાં થયેલી વાત જણાવે છે. વાત જાણી રાહી ખૂબ જ ખુશ થઈ જાય છે....

(ક્રમશઃ)

શું રાહી અને ધ્રુવ રિદ્ધિને શોધી શકશે? મેહુલનાં મનમાં જન્મેલી આશા હકીકતમાં પરિણમશે કે ફરી એ જ નિરાશા મેહુલનું જીવન બની જશે? ધ્રુવને આવેલો કોલ કોનો હતો અને કઇ વાતનાં લીધે રાહી આટલી ખુશ થઈ જાય છે. ? જોઈશું આગળ..

બધાં જ વાંચકમિત્રોનો હું દિલથી આભાર માનું છું. જેમણે મારી વાર્તાને વાંચી , સમજી અને સ્વીકારી છે. મારી સફળતા પાછળ વાંચકમિત્રોનો અને માતૃભારતીનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. ઘણાં વાંચકમિત્રોનાં પ્રશ્ન હોઇ છે કે , મારી નવલકથાનો આગળનો ભાગ ક્યારે પ્રકાશિત થાય છે.. ? તો બધાંને હું જણાવવા માંગુ છું કે દર બુધવારે મારી નવલકથાનો આગળનો ક્રમ પ્રકાશિત થાય છે. ધન્યવાદ..

જય શ્રી કૃષ્ણ.