Sathe jayte in Gujarati Short Stories by Krunal jariwala books and stories PDF | સત્યમેવ જયતે

Featured Books
Categories
Share

સત્યમેવ જયતે

|| સત્યમેવ જયતે ||

કૃણાલ જરીવાલા

ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયે આજે મેં દસ વર્ષ પૂર્ણ કર્યા. સાથેજ આજે હું અઠયાવીસનો પણ થયો. હા, મારી નોકરી અને વર્ષગાંઠની એકજ તારીખ છે. મને ઉંમરના એક વર્ષ પહેલાજ નિશાળે મોકલી દેવામાં આવ્યો હતો, થોડો તોફાની હતો ને, એટલે. નિશાળે પણ ધાંધલ ધમાલ ને મસ્તી જ. પાછળ બેઠો ક્યારેક શિક્ષિકાને ચોકના ટુકડા મારતો તો ક્યારેક કોઈક વિદ્યાર્થીને ટપલી. ભણવામાં તદ્દન ડફોળ, સાલું ભણતર શું છે એ જ ખબર નઇ અને જ્યારે ખબર પાડવા માંડી ત્યારે ગોખણપટ્ટી સિવાય કોઈ ઉપાય જ નહોતો બચ્યો. પણ ધીરેધીરે આપમેળે જ ખબર પાડવા લાગી કે સાલું આવા તો મારા લક્ષણ ના જ હોવા જોઈએ. આખરે ભણતરનું મારુ ગાડું આલક-ડોલક ચાલતું તો થયું જ. ધીરે ધીરે મસ્તી મજાક ક્યાં ગાયબ થઈ ગયા અને હું ભણતર પ્રત્યેની મારી જવાબદારી કેવીરીતે નિભાવતો થઈ ગયો ખબર જ ન પડી.

પણ, સમાજવિદ્યાએ તો મને ગાંડો કરી નાખેલો. રાજા યુદ્ધ કરે અને આપદા મને પડે જેવો મારો હાલ. બસ ગોખણપટ્ટી જ ગોખણપટ્ટી. હા, બે વિષયોએ મને ખુબ આકર્ષિત કર્યો, જેમાં એક ગણિત ને બીજું વિજ્ઞાન. ભણવાની રુચિ ભલે ઓછી પણ જાણવાની અને ખોજવાની મારી વૃત્તિ આજે પણ અકબંધ છે. જેનું કારણ મારા દાદા સિવાય બીજું કોઈ નથી. અઢાર પુરા થયે તો મેં ડિપ્લોમાં ઈલેકટ્રીકલ એન્જિનિયરિંગ પૂરું કરી દીધું હતું.

દાદા મારા ચાર ચોપડી ભણેલા, પણ હિસાબ તો એમના મોઢે. એ સમયના પાયા, અડધા, પોણા, ડોઢા, સવા જે આજના એકએકા કરતા વધારે પાવરફુલ અને અસરકારક હતા. ત્યારનું મેટ્રિક તો હાલના બી.કોમ કરતા ઊંચું ગણાતું. આ વાત છે આઝાદીના સમયગાળા દરમિયાનની. મારા ગણિતના દાખલાઓ ઉકેલવામાં મને દસથી પંદર મિનિટ થતી જે તેઓ મિનિટોમાં જ આંગળીના તેઢવે ઘણીને કહી દેતા. ફકત ગણિત જ નહીં તેઓની કલ્પનાશક્તિ પણ ગજબની હતી. એ સમયે તેઓ એ ઇલેક્ટ્રિકથી ચાલતી મોટરસાઇકલ બનાવવાની શરૂઆત કરેલી. ડાઈનેમો અને બેટરી પણ તેઓએ પોતાના હાથે બનાવેલા. પણ તેઓ સફળ ન રહ્યા. છતાં છેક સુધી એમના પ્રયત્નો ચાલુ જ રહ્યાં. એમની ભાષા (એલ્યુમિનિયમને એલીમેલી, સ્ટીલને ઇસ્ટીલ અને નિશાળને નિહાર કહેવાનું), એમનો હસમુખો અને રમુજી સ્વભાવ, એમના ભક્તિભાવ અને સૌથી વિશેષ એમના ઘડેલા દેશી ટેકનીકલ ફંડા હમેશને માટે મારી યાદોમાં જીવંત રહેશે.

જન્મ તો મારો અમીર ફેમિલીમાં જ થયેલો. અમારી અમીરીનો શ્રેય મારા દાદાજીને જાય છે, શુન્ય માંથી સર્જન કરનારા મારા દાદાજી, મારા વ્હાલા ખીમજી દાદા. કંઈક ને કંઈક નવું ઇનોવેશન(ખોજ) કરવાની એમની વૃત્તિએ ઓછી ચારજિંગ ક્ષમતા વાળી બેટરીનું નિર્માણ કરેલું. જેના મબલખ વેચાણે એમને અમીર બનાવ્યા. એમની જીવનશૈલીમાં આયોજન જ મુખ્ય હતું. "ધારેલા સમયે ધારેલું કામ થવું જ જોઈએ એવી એમની મક્કમ નીતિ". હુક્કાના ભારે શોખીન. અંગ્રેજના જમાનાના મજબૂત અને અદભુત ડિઝાઈન વાળા હુક્કા આજે પણ એમના દિવાનખાનામાં એમની રાહ જુએ છે.

શરીર તો એમનું જાણે હાડપિંજર પર ચામડી ચઢાવી હોઈ એમ, પણ જબરું ખડતલ. થાકતા જરાયે નઈ. આખો દિવસ કામ કર્યું હોય તોય અડધી રાત્રે પણ કોઈને જરૂર પડે તો એમની મદદે પહોંચી જતા. મગજની સાથે સાથે શરીર પણ કસી નાંખતા. કોઈ પણ કામ હોય શરમ ક્યારેય નહીં, મને આજેય યાદ છે કે જ્યારે ડ્રેનેજ ન હતી ત્યારે અમારા વાડાનો ખાડકુવો પણ જાતેજ સાફ કરી દેતા. એમની ઉદારતા અને ખુશમિજાજી સ્વભાવની આખા ગામમાં વાહવાહી થતી. હા, પણ મને કોઈ ચીડવે કે હેરાન કરે તો એની સાથે છેવટ સુધી લડી લેતા, ગાળ તો બોલતા નહીં પણ, "તમારી માઁ ને.... તમારી તો....." એટલું તો જરૂર બોલી જ દેતા, ફક્ત ને ફક્ત મારે માટે. સાચેજ, હું ખૂબ નસીબદાર હતો. તેઓ હંમેશા ચૂપ રહેવામાં જ માનતા પણ હા, ખોટું તો ક્યારેય નહીં ચલાવતા. લડી, ઝગડી વાતને વધારવી અને ઉકસાઈ જવું એમના સિદ્ધાંતોથી પરે હતું. એ લક્ષણો મારામાં પણ ઘર કરવા માંડ્યા હતા.

એમની કહેલી એક એક વાત આજે મને ડગલે ને પગલે યાદ આવે છે, ક્યારેક એ વાતને અનુસરવાનું ભૂલી જવાય છે અને ભારે મન દુઃખનો સામનો કરવો પડે છે. કહેવાય છે ને કે આજનો છોકરો પોતાના બાપને સામો થાય છે કે "એ તમને ખબર નહીં પડે, તમે તમારું કામ કરો મને મારુ કામ કરવા દો, ખોટી મગજમારી ન કરો" એવું જ કંઈક મારુ હતું. દાદા પાસેથી શીખ્યો તો ઘણું બધું પણ પોતાની ધૂનમાં, બડાઈ મારવામાં અને મારી અવળચંડાઈમાં બધું ભસ્મીભૂત થઈ ગયું. છતાં એવી કેટલીક વાતો છે જે સમયના વહેણની સાથે મને એમનું સ્મરણ કરાવી જાય છે અને ત્યારે થાય છે કે દાદાજી કહેતા હતા એ સાચુજ હતું.

દાદા શિવજીના પરમ ભક્ત, રોજ સવારે શિવજીના મંદિરે જવું એટલે જવું જ પછી ગમે એ થાય ને. બાળપણ તો દાદા સાથે ખૂબ સુંદર વીત્યું. શાળાએ મુકવા આવતા, લેવા આવતા અમારી સાથે બાળક બનીને રમતા, ધાર્મિક વાર્તાઓ કહેતા, રાત્રે અગાસી ઉપર અમારી સાથે તારાઓની વાતો કરતા કરતા અમને સુવડાવી દેતા, રસ્તા પર દુકાનો માંથી જે જોઈએ એ તરતજ અપાવી દેતા, અમારા માટે રમકડા પણ લાવી આપતા. એમણે મને ખુબ પ્રેમ અને દુલાર આપ્યો, પણ ઉંમરને કારણે વધતી જતી મારી સમજણે એ બધા ઉપકારોને ભુલાવી દીધા. આ બધું ત્યારે થયું જ્યારે મને પહેલી નોકરી મળી અને એ પણ ઇલેક્ટ્રિક મોટરસાયકલ મેન્યુફેક્ચરિંગની કંપનીમાં. એમનું ઇલેક્ટ્રિક મોટરસાયકલ બનાવવાનું સપનું એક ઓટોમોબાઇલ કંપની પૂરું કરી રહી હતી અને એમાં ફ્રેશર તરીકે મને નોકરી મળી.

૭૮ વર્ષની ઢળતી ઉંમરે પણ તેઓ પોતાના શરીરની એટલીજ કાળજી રાખતા. દર અઠવાડિયે નખ કાપવા, દાઢી કરાવવી, સવારે ને સાંજે ફિક્સ ૩જ રોટલી ખાવી, ૨કિલોમીટર ચાલવું વગેરે, રોગ તે વળી કોનું નામ...રોગ શબ્દ તેમના શબ્દકોશમાં જ ન હતો. પણ હતાશ તો એ મારાથી થઈ ગયેલા. એમનો નાનકો, વહાલો, કાન્હો, લાલો, હું "કેદાર" હવે સમજદાર થઈ ચૂક્યો છું. મારે કોઈની સલાહ કે શિખામણની હવે જરૂર નથી રહી. મારે શુ કરવું અને શું ન કરવું એ કોઈની પાસે મદદ લેવાની જરૂર રહી નથી એવી મારી નવેલી વિચારસરણી મને દાદાથી દુર ધકેલતી ગઈ અને એમનો લાડકો પૌત્ર એમનાથી દુર થવા લાગ્યો. દાદા કંઈક સલાહ આપે કે તરત જ હું ગુસ્સે થઈ જતો. દાદા કઈ કહે કે તરતજ હું એમને તતડાવી નાખતો, "તમે બોલ બોલ નઇ કરો મને ખબર છે મારે શુ કરવાનું છે તે."

ધીરે ધીરે તેમનું બોલવું મને કનડગત લાગવા લાગ્યું અને હું એમને ધૃતકારવા લાગ્યો. વૃદ્ધાવસ્થાને લીધે ધ્રુજતા હાથે પોતાના નખ ન કાપી શકવાને લીધે ક્યારેક તેઓ મને કહેતા કે "કેદાર, મારા નખ કાપી આપ ને!", ત્યારે પણ "મારી પાસે સમય નથી મારે બોવ કામ છે" એમ કહીને ત્યાંથી ચાલી નીકળતો. જમતી વખતે જ્યારે એમના હોઠની બહાર ચાવેલા ખોરાકનો અંશ રહી જતો ત્યારે પણ હું અણગમાનો દેખાવ કરી અન્ય જગ્યાએ જમવા બેસી જતો. એમની ત્રીસ નંબર બીડીનો ધુમાડો અને ખાંસી મને ગંદા લાગવા લાગ્યા. એમનું ઇલેક્ટ્રિક મોટરસાયકલ બનાવવાનું સપનું પૂરું ન થયું એ બદલ હું એમને કોસવા લાગ્યો, જ્યારે મને નોકરી મળી. નોકરી મળ્યાનું મારામાં પુરે પૂરું અભિમાન પ્રસરી ગયું હતું. મને ગમે એટલું અભિમાન હોઈ પણ એ મારી હંમેશા ફિકર કરતા. હું ઘરથી દૂર વાપી, દાદાજીના આશીર્વાદ લીધા વિના જ કંપનીના પ્રોજેક્ટ માટે નીકળી ગયો, એક નવા ઉત્સાહ અને ઉમંગ સાથે.

મારો નોકરીનો એ પહેલો દિવસ ....

હું તાલીમાર્થી હતો.

"વેલકમ ઇન 'ટેકનો ઓટોમોબાઇલ', મિસ્ટર કેદાર." ત્યાંના પ્રોજેક્ટ મેનેજરે મને આવકર્યો.

"થેંક યુ...સર." મેં એમનો આભાર માન્યો.

તેઓ મને તેમની કેબીનમાં લઇ ગયા, ત્યાં મારુ ઇન્ટરવ્યૂ લેનાર "દક્ષેશ સુથાર(એચ. આર. મેનેજર)" તથા જર્મનીના બે એન્જિનિયર "મિ.જોસેફ" અને "મિ.સ્ટીફન હેનરી" હતા, જેઓની સાથે મારે કામ કરવાનું હતું, દક્ષેશ સુથારે મારી એ બંને જર્મન એન્જિનિયરો સાથે મુલાકાત કરાવી.

હું ઇન્ડસ્ટ્રીઝમાં તદ્દન નવો નિશાળીયો, એકડે એકથી શરૂ કરવાનું. પહેલા શીખવાનું, પછી અભ્યાસ અને પછી પ્રેકટીકલ. મારી પહેલવહેલી નોકરી. "મારી કલ્પનાશક્તિથી વિપરિત એ દુનિયા જ્યાં વાસ્તવિક દુનિયાથી આગળ વધી જવાની મારી ઈચ્છાને પળે પળે ઠોકર વાગશે એ કલ્પના હું નહોતો કરી શક્યો.", "દાદા મને હંમેશા કહેતા કે દરેક વ્યક્તિ તરક્કી ઈચ્છે છે, દરેકને સફળ થવું હોય છે, પણ એ સફળ થઈ શકતો નથી. એનું કારણ એનામાં રહેલા દુર્ગુણો જ છે જેને પારખવામાં એ વ્યક્તિ અસમર્થ હોય છે." જેનું શ્રેષ્ઠ ઉદાહરણ 'વિવેક' છે જે આગળ આપણે જોઈશું.

એ જર્મન એન્જિનિયરો સાથે મેં પ્રોજેક્ટના શ્રી ગણેશ કર્યા. હું તેઓની ટેક્નિકસ અને કામ કરવાની પદ્ધતિથી ખૂબ પ્રભાવિત થયો. મારુ અંગ્રેજી થોડું કાચું હતું પણ ઈશારા અને થોડી તૂટી ફૂટી અંગ્રેજીના સહારે મારો એમની સાથેનો સંપર્ક મજબૂત બની ગયો હતો. મારી શીખવાની અને કામ કરવાની ધગશને કારણે તેઓ પણ મારામાં ઇન્ટરેસ્ટ દાખવતા. મારા દાદા હંમેશા મને કહેતા કે "આપણે કેટલું શ્રેષ્ઠ આપી શકીએ છે તે આપણા જ હાથમાં છે" બસ હું એ વાતને અનુસરી રહ્યો હતો. ભલે હું એમના પ્રત્યે અણગમો રાખતો પણ એક એક બોલ યોગ્ય સમયે મને ભણકારાની માફક યાદ આવે છે.

પ્રોજેક્ટ સમયના અમારા સ્ટાફમાં મારી સાથે બીજા બે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, બે મિકેનિકલ એન્જીનીયર, એક પ્રોજેક્ટ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર વિવેક, એચ.આર.મેનેજર દક્ષેશ સુથાર તથા બે હેલ્પર હતા. કામ ખૂબ સરસ ચાલી રહ્યું હતું, બધા હળીમળીને કામ કરતા હતા. ઓછા સ્ટાફમાં પણ એકબીજાને મદદ કરીને ધારેલું કામ પાર પાડી લેતા, તે પણ નિર્ધારિત સમયમાં. ગણતરીના દિવસોમાં જ અમારી એવી મિત્રતા બની ગઈ હતી કે એક બીજા સાથે બેફામ ગાળાગાળી સાથે પણ વાત કરીને કામ કરી લેતા પણ કોઈ ક્યારેય ગુસ્સે નહીં થાય કે ખોટું નહીં લગાડતા.

પણ સાલું ઇન્ડસ્ટ્રીઝ હતી અને તેમાં હું ફ્રેશર હતો. મારા સાથી મિત્રો અનુભવી હતા, કહેવાય ને કે "ઘાટ ઘાટના પાણી પીધેલા છે" એવા. હું તો બધાંસાથે ફ્રી માઈન્ડનો. જાણે બધા મારા ઘરના સભ્યો હોઈ એમ હું તેમની સાથે વર્તન કરતો. પણ બધાનો સ્વભાવ એક સરખો ક્યાં હોય છે, સીધા સાદા અને એકમેકને મદદ કરવાવાળા જો બધે મળી રહેતા હોય તો ઉંચનીચનો પ્રશ્ન જ ક્યાં ઉદભવે!

ધીરે ધીરે પ્રોજેક્ટ પૂરો થવા આવ્યો. હું જેમ જેમ શીખતો ગયો તેમ તેમ મારો બીજાને બતાવવાનો અને શીખવાડવાનો ઉત્સાહ પણ વધવા લાગ્યો. અમે જે જર્મન ટેક્નોલોજીથી ઇલેક્ટ્રિક બાઇક બનાવી હતી તેમાં મારી માસ્ટરી આવી ગઈ હતી.

આખરે બે વર્ષે અમારો ટાર્ગેટ પૂરો થયો અને કંપની ફૂલ પ્રોડક્શન તરફ જઈ રહી હતી. કંપનીને વધારે કર્મચારીની જરૂરિયાત ઉભી થતા નવી જાહેરાતોને આધારે નવા કર્મચારીઓની નિમણુંક કરવાનું પ્લાનિંગ થયું. પણ એમાં થોડું પોલિટિક્સ રમાઈ ગયું અને ગડબડ થઈ ગઈ.

થયું એમ કે નવા કર્મચારીઓની ભર્તિમાં અમારા આસીસ્ટન્ટ મેનેજર વિવેક ઇન્ટરવ્યુ લેનાર હતા. મારુ એમની જોડે સારું બનતું પણ એ દરેકની સાથે સારી રીતે વર્તતા હશે એવી મારી માન્યતા તદ્દન ખોટી નીવડી. મારે દિવસ દરમિયાનનાં કામનું રિપોર્ટિંગ એમને કરવાનું રહેતું. સ્વભાવે તે મન મરજી વાળા, પોતાનું ધાર્યું કરવા અને કરાવવા વાળા. એમનું ધાર્યું ન થાય તો ધમપછાડા પાક્કા. આખું મેનેજમેન્ટ ધ્રુજાવી દે અથવા બીજા પર પોતાનો ગુસ્સો ઠોકી દે અથવા અંતે પોતાની જવાબદારી માંથી છટકબાજી કરી નાખે. તદ્દન મતલબી માણસ, વધારે અહમી. વિવેક જેવા વિવેકી ગુણ જરાયે નઈ. અમારે પણ એ કહે એમ જ કરવાનું, પછી ભલે ને એ કહે એ ખોટું કેમ ના હોય. પણ મને એ જર્મન એન્જીનીયરો તરફથી સારો એવો સપોર્ટ મળ્યો હતો.

ખરેખર જોસેફ અને સ્ટીફન હેનરી પોતાની ફિલ્ડમાં નિષ્ણાંત અને સ્વભાવે વિવેકી હતા. તેઓના કામમાં ચોકસાઈ અને ફિનિસિંગ જબરદસ્ત હતા. તેઓ ખોટું સહેજ પણ નહીં ચલાવતા. અમારા આસિસ્ટન્ટ મેનેજર વિવેક સાથે તો તેઓનું જરાયે નહીં બનતું. વિવેકના ઉલટા સીધા નિર્ણયોને તો તેઓ અવગણી જ નાખતા. વિવેકને તો તેઓ નજીક આવવા પણ નહીં દેતા. પણ મારી સાથે એ બંને જર્મનનું ખૂબ બનતું. મને પણ પહેલેથી જ ચોકસાઈ અને ફિનિસિંગ ખૂબ ગમતા. એટલેએ બંને કહે એમ હું કામ કરતો. હું એકલોજ નહીં પણ અમારા મિકેનિકલ એન્જિનિયરો સાથે પણ તે બંનેનું સારું બનતું. ફક્ત વિવેકને તેઓ દૂર રાખતા. વિવેક આવે ત્યારે તેની સામે ઇશારો કરી તેઓ એક જ વાક્ય બોલતા, "no more man". અને વિવેક ગુસ્સે થઈ ત્યાંથી નીકળી જતો. ત્યારે તે પ્રોજેક્ટ મેનેજર પાસે જઈ પોતાનો ગુસ્સો કાઢતો.

"મને શું કામ રાખેલો છે?", "એ સાલાઓ મને એમની પાસે પણ નથી જવા દેતા.", "અહીં મારું શું કામ છે?" સાલા હરામીઓ. અને કેટલીક ગાળો પણ.

પણ એ પોતાની ભૂલો નથી સ્વીકારતો. એ જર્મનોને ખબર જ છે કે તેઓ એ શું કરવાનું છે, શું કામ એમને ઉંધી સલાહ અને પોતાની મરજી પ્રમાણે ચાલવા કહેતો હશે. હું એ જર્મનો સાથે જ હોઉં એટલે મને બધી ખબર રહેતી હતી પણ અમારા પ્રોજેક્ટ મેનેજર ક્યાં ખબર હતી કે હકીકત શુ છે.

અમારા પ્રોજેક્ટ મેનેજર "કેપ્ટન કૂલ" હતા. એકદમ બિન્દાસ્ત. એક સારું વ્યક્તિત્વ ધરાવનાર, સ્વભાવે ઠંડા. બધાના અભિપ્રાય લઈને અંતે નિર્ણય લે એવા. ખરેખર એવા જ મેનેજર હોવા જોઈએ. વિવેકની કંમ્પ્લેઇન મુજબ તેઓ એ જર્મન એન્જિનિયરો સાથે વાત કરી.

"હાવ આર યુ, મિ. હેનરી."

"ફાઈન." _પોતાનું કામ કરતા કરતા તેઓએ જવાબ આપ્યો.

"હાઉ વર્કસ ગોઇંગ ઓન."_પ્રોજેક્ટ મેનેજરે વાત શરૂ કરી.

"સ્મૂથલી ગોઇંગ, લેટ્સ સી, ઇટ્સ ફેન્ટાસ્ટિક."

"યા, ગુડ.., એન્ડ વ્હોટ અબાઉટ કેદાર?". પ્રોજેક્ટ મેનેજરે મારા ખભે હાથ રાખી મિ. હેનરીને પૂછ્યું.

"નાઇસ મેન, હાર્ડ વર્કર એન્ડ સ્માર્ટ ઓલસો, ગુડ મેન ફોર યોર ફેક્ટરી." થંબ બતાવતા તેઓએ મારી પ્રશંસા કરી.

પ્રોજેક્ટ મેનેજરે મારી સામે જોઈ હળવું સ્મિથ આપ્યું અને મારી પીઠ થાપથપાવી.

"એન્ડ વ્હોટ અબાઉટ વિવેક?" હવે તેઓ પોઇન્ટ પર આવ્યા.

"બ્લડી મેન, આઈ થિંક હી ઇસ ફૂલી ફૂલીશ.", "ટોકિંગ લાઈક હી ઇસ નોન-ટેકનિકલ ગાઈ."

"હી ઇસ નોટ અન્ડરસ્ટેન્ડ વ્હોટ વિ ડુ એન્ડ વોન્ટ ટુ ડુ.", "વોઝ હી એજ્યુકેટેડ ઓર નોટ મિ. મિશ્રા?_ હેનરીના પ્રશ્નથી મિશ્રાજી હસવા લાગ્યા.

કેતન મિશ્રા, અમારા પ્રોજેક્ટ મેનેજર, ડિગ્રીમાં એમ.બી.એ (ફાઇનાન્સ) અને માસ્ટર ઇન મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગ. ડિગ્રી પ્રમાણે જ સ્માર્ટ પ્લાનિંગ કરવા વાળા.

"આઈ વિલ ડિસ્કસ વિથ હિમ." કહી તેઓ પોતાની કેબીન તરફ જતા રહ્યા.

આ જે ચાલી રહ્યું હતું એ દૂરથી વિવેક નિહાળી રહ્યો હતો, પાક્કો પોલિટિશિયન. એણે જોયું કે મિશ્રાજી હેનરી સાથે વાત કરી પોતાની કેબીન તરફ જઈ રહ્યા છે કે તરત જ તે મિશ્રાજી પાસે પહોંચી ગયો.

"ચાલ ઓફિસમાં બેસીને વાત કરીએ."_ મિશ્રાજી, વિવેકને તેની કેબિનમાં લઇ ગયા. હવે ત્યાં શુ વાત થઈ એતો એ બેજ જાણે. પણ બીજા દિવસથી વિવેક, હેનરી અને સ્ટીફનની આસપાસ ફરકતો બંધ થઈ ગયો અને યુટિલિટી વિભાગમાં બેસી રહેતો. ત્યાં પણ તેની હરકતો એવીજ હતી.

દરેક જગ્યા એ વિવેક પોતાની મનમાની કરાવતો, કામમાં ટીખળ કરતો, આખે આખું કામ પૂરું થાય પછી પાછું એમાં સુધારા કરાવે. એટલે ત્યાં કામ કરતા કામદારો એ પણ એની કંમ્પ્લેઇન કરી અને પ્રોજેક્ટ મેનેજરે ફરી એનો વિભાગ બદલ્યો. આ વાતથી એ ખૂબ ગુસ્સે થયો.

પણ હવે અહીં તેને સારો એવો મોકો મળી ગયો હતો. પોતાની મનમરજી ચલાવી લેવાની તક જે એ શોધતો હતો એ એને મળી ગઈ. ઇન્ટરવ્યૂ તો ગોઠવાયું પણ નામનું. ખરેખર ભણેલાઓની સાથે થતો એક ગંદો મજાક.

ઇન્ટરવ્યૂ તો જાણે એમ લેવાતું કે જાણે આવનાર બધાનું સિલેક્શન પાક્કું જ. પણ સેટિંગ પહેલેથીજ હતું તો તે બધું અર્થવિહીન થઈ ગયું, ફક્ત ફોર્માંલીટી. ઈન્ટરવ્યૂનો આખે આખો હોલ કેન્ડીડેટ્સથી ભરેલો હતો. મિ.વિવેક એક પછી એક ઇન્ટરવ્યૂ લેવા લાગ્યા. ઇન્ટરવ્યૂ આપી બહાર આવતા કેન્ડીડેટ્સને જ્યારે હું પૂછતો કે કેવું ગયું ઇન્ટરવ્યૂ તો દરેકના મોઢેથી પોઝિટિવ રીપ્લાય આવતો. દરેક ખુશ થઈને જ ઘરે જતા. પણ એ બિચારાઓને ક્યાં ખબર હતી કે હકીકત શું છે.

ઇન્ટરવ્યૂ પૂરું થયું, સાંજના ૪ વાગ્યે. હું વિવેકની કેબિનમાં દિવસ દરમિયાનનો રિપોર્ટ આપવા બેઠો હતો ત્યાંજ અમારા પ્રોજેક્ટ મેનેજરે ઇન્ટરવ્યૂ અને એમાં સિલેક્ટ થયેલની માહિતી વિશે પૂછપરછ કરી, મારી હાજરી માં જ.

કેવું રહ્યું ઇન્ટરવ્યૂ, વિવેક?

"ઠીક હવે, અહીંયા જોઈએ એવા આવ્યા જ નહીં. મને લાગે છે કે આ વિસ્તારમાં જોઈએ એવા એન્જિનિર અને ટેક્નિશિયન મળવા મુશ્કેલ છે."_જાણે ખૂબ પરેશાનીમાં હોય એમ નાટક કરતા વિવેકે જવાબ આપ્યો. નૌતંકીબાજ..

"તો હવે શું પ્લાનિંગ છે?, ચેરમેન પ્રોડક્શન માટે દબાણ કરે છે, માર્કેટિંગ પાછળ ધૂમ પૈસા ખર્ચાયા છે અને લોકો પણ હવે આપણી સ્ટાઈલિશ અને મોર્ડન ઇકોફ્રેંડલી બાઇકની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે"_ થોડી ચિંતા અને ઉત્સુકતાથી તેઓ વિવેકને જણાવવા લાગ્યા.

"કંઈક તો કરવુંજ પડશે ને..!" તેઓએ ફરી કહ્યું.

"તમે કહો તો મારી પાસે પ્લાન્ટને સારી રીતે ચાલવી શકે એવા મહેનતુ માણસ છે, કહો તો બોલવું?"_ વિવેકે કહ્યું.

હા હા કેમ નહીં, કામ કરી શકે એવા હોય તો ક્યાં વાંધો છે, બોલાવ અને ઇન્ટરવ્યૂ લઇને મને રિપોર્ટ આપ.

તેઓની વાત સાંભળી હું મનમાં ને મનમાં હસવા લાગ્યો. વિચારવા લાગ્યો કે સાલું વિવેકને જોઈતું મળી ગયું. વિવેક કેપ્ટન કૂલને ઉલ્લુ બનાવી જ ગયો.

મને ઘરથી દુર રહ્યા ને ચાર મહિના થઈ ગયા હતા. એક પણ રજા લીધા વગર સતત ચાર મહિના અમે પ્રોજેક્ટમાં કામ કર્યું અને હજુ પણ કામ ચાલુજ હતું. હજુ બીજા ત્રણથી ચાર મહિના તો થવાના જ હતા.

કામના દબાણ વચ્ચે દાદાજીનું દેહાંત થયું. ઘરેથી પપ્પાનો કોલ આવ્યો.

"હા પપ્પા, બોલો."

સૂકા અવાજે પપ્પા બોલ્યા... "બને એટલું જલ્દી ઘરે આવી જા, દાદાજી મૃત્યુ પામ્યા છે."

"ક્યારે?, કેવી રીતે?, અચાનક?"....એક દુખ સાથે મેં સવાલોની વર્ષા કરી.

"તું ઘરે આવી જા, બસ....પછી વાત કરીશું." પપ્પા એ કહ્યું.

વિવેક અને મિશ્રાજીની પરવાનગી લઇ સાંજની ટ્રેઈનમાં હું રવાના થઇ ગયો. વિચારોના મોજા સમુદ્રની ભરતીની ગતિ એ મારા મગજમાં દોડવા લાગ્યા, હૃદય અને મગજ જાણે એટલા કાર્યરત થઈ ગયા કે એમાં દાદાજી સિવાય બીજા કોઈ વિચારોને સ્થાન જ ન રહ્યું.

વિવેકનું એક રીતે ભલે મારી સાથે સારું બનતું પણ અંદરથી તો હું એને ખૂબ ખૂંચતો. એ જર્મન સાથે હું રહેતો ને એટલે. ભલે મારી સાથે સારી સારી વાતો કરતો અને મારા ગુણ ગાતો પણ પીઠ પાછળ તો છુરીજ ભોંકતો. એને એકથી એક મોકા મળવા લાગ્યા. પહેલા ઇન્ટરવ્યૂ અને હવે મારા દાદાજી નું દેહાંત.

હું ઘરે પહોંચી ગયો. દાદાજીના મૃત્યુનું કોઈ કારણ જણાયું નઇ. ખરેખર એ મર્ડરજ હતું. અવગણના, વિરહ, ધૃતકાર, એમના પ્રતિ મારો અણગમો વગેરે રૂપી ગોળી મારી જીભ સમી બંદૂક માંથી વારંવાર છૂટી તેમના કોમળ અને દયાળુ હૃદય ને ચીંધી રહી હતી.

દાદાજીના મૃતદેહને ભેટી હું ખૂબ રડ્યો, પારાવાર પછતાવો મને અંદરો અંદર ખાઈ રહ્યો હતો. હું એક જ વાત પકડી રહ્યો કે "બસ એક વાર મારે દાદાજી ને મળવું છે, એમની માફી માંગવી છે, વાત કરવી છે, વગેરે..હું ખૂબ ધ્રુસકે ધ્રુસકે રડ્યો.… પણ હવે શું.....બધું વ્યર્થ હતું.

પપ્પા એ એમના દેહનો અંતિમ સંસ્કાર કર્યો. કહેવાય છે કે જેનો દેહ જેટલો જલ્દી પંચતત્વોમાં લિન થાય એટલો એનો આત્મા શુદ્ધ હોય. દાદાજીનો દેહ પણ પોણા કલાકમાં ભસ્મીભૂત થઈ ગયો. હું સતત ત્રણ દિવસ સુધી સૂતો નહીં. એમની કહેલી એક એક વાત, એમનો સંગાથ, એમનો સ્નેહ, પ્રેમ અને મારા દ્વારા કરવામાં આવેલ તેમનો તિરસ્કાર મને જાણે ફોલી ફોલીને ખાઈ રહ્યા હોય એમ સતાવી રહ્યા હતા.

૧૨ દિવસની રજા ભોગવી હું ફેક્ટરી પરત થયો. ઉતાવાળીયું કામ છતાં મને આટલી બધી રજા આપવા બદલ મિશ્રાજી નો હું આભાર માનું છું. વિવેક દ્વારા રજા આપવાનો તાત્પર્ય કંઈક જુદોજ હતો. દરસલ એ તક જ શોધતો હતો મારી અવેજી માટે.

ફેક્ટરી એ પહોંચતાજ મારી સામે એવા ઘણાબધા નવા ચહેરા સામે આવ્યા. નવી ભરતી થઈ ચૂકી હતી, વગર ઇન્ટરવ્યૂની. જી હા, લાગવગ વાળી ભરતી.

માહોલ જાણે પૂરેપૂરું બદલાઈ ચૂક્યું હતું. મારી સાથેના વિવેકના તેવર પણ બદલાઈ ચુક્યા હતા, જેનું કારણ "બ્રિજેશ યાદવ" હતો. મારા સથી મિત્રોની વાત પર થી જાણવા મળ્યું કે તે વિવેકના ગામનો છે, પણ હકીકત કંઈક જુદી જ હતી. મારી જગ્યાએ આ ૧૨ દિવસના સમયગાળા દરમિયાન બ્રિજેશ યાદવ રિપોર્ટિંગ કરતો. સાલું બે ત્રણ દિવસથી હું માર્ક કરતો હતો કે વિવેક મને ઇગ્નોર કરતો હતો. પહેલા જ્યારે કોઈ નવી આઈડિયા કે નવા કામ વિષે વાત થતી તો વિવેક મારી સાથે એ વાતની ચર્ચા કરતો. એનાથી વિપરીત હવે મારે જ્યારે પણ એની કેબીનમાં જવું હોય તો એની પરવાનગી લેવાની. પછી અંદર બેસવાનું પણ નહીં કેતો.

મારી નજર સમક્ષ જ....,

બ્રિજેશ એની કેબીનની બહાર ઉભો હતો...

"અરે, બહાર કેમ ઉભો છે, તારે મારી પરમીશન લેવાની જરૂર નથી, આવ આવ, બેસ."_વિવેક જાણે એને જોઈને ખુશ ખુશાલ થઈ ગયો હોય એમ અથવા બ્રિજેશ એનો સાગો ભાઈ હોઈ એમ અથવા એ મારા કરતાં વધારે કામ કરતો હોય અને એના કામથી વિવેક ખુશ થઈ ગયો હોય એમ એને આવકારતો.

હું મનોમન વિચારું કે સાલું હજુ આને આવ્યાને ગણતરીના દિવસો પણ નથી થયા ને આટલું માનપાન. વાહ ભાઈ વાહ, એવું તો શું કરતો હશે અને કોણ હશે એ?

એ જે પણ હોઈ એ, એથી મારે શું. પણ સાલું આ વિવેકમાં આવેલો બદલાવ મારી ચિંતાનું કારણ હતું. એક વિચાર તો મને પણ આવ્યો કે સાલું ખરેખર સ્વાર્થ ખાતર જ મારી સાથે એ સારો વ્યવહાર કરતો, એનો માણસ આવ્યો એટલે એણે એની ઔકાત બતાવી. અને ખરેખર એવું જ હતું.

એ બંને જર્મન એન્જિનિયરો પ્રોજેક્ટ પૂરો કરીને રવાના થઈ ચૂક્યા હતા, જ્યારે હું ત્યાં પહોંચ્યો. બ્રિજેશને તાત્કાલિક અપોઇન્ટ કરવામાં આવ્યો જેથી જર્મન સાથે ભળીને બધા માસ્ટર ફોર્મ્યુલા શીખી શકાય. એવું બન્યું પણ ખરું. મને એ વાતનો જરા પણ ખેદ કે એના વિરુદ્ધ ઇર્ષ્યા ન હતી. એ જર્મન એન્જિનિયરો સાથે હું ખાસ્સો સમય રહ્યો હતો, મેં એક મોટરસાયકલ તો બનાવીજ દીધી હતી એટલે એ વાત નો મને જરાયે રંજ ન હતો.

સ્વભાવે હું બોલકણો અને બધા સાથે ભળી જાઉં એવો. બ્રિજેશ સાથે પણ હું સારીરીતે જ વર્તતો. વાત, ધીંગામસ્તી બધુજ જેમ બીજા મારા સથી મીત્રો સાથે ચાલતું તેમજ એની સાથે પણ હું રાખતો. જર્મન દ્વારા શીખેલા મારા દરેક કામની ડાયરી મેં એને શીખવા માટે આપી, મોટરસાયકલના ઇમ્પોર્ટનટ્સ ફંડા પણ મેં એને શીખવડ્યા, પુરા નિસ્વાર્થ ભાવે. કહેવાય છે ને કે વિદ્યા વહેંચવાથી વધે એટલે હું વધારતો જ જતો હતો.

મારો એ ખાસ મિત્ર, અલ્પેશ.....,

"અરે ભાઈ, બો જ્ઞાન નહીં વહેંચ, બધા તને વેચીને ચણા ખાઈ એવા છે. તું તો નવો છે પણ મારી આ ત્રીજી નોકરી છે. બધાને સારી રીતે ઓળખું છું, પહેલા તારી પાસે શીખશે પછી તારા જ સાહેબ બનશે."

પણ મારા સ્વભાવને આધીન હું મહાન બનવા જતો હતો, મારો બોલકણો અને બડાઈ મારવા વાળો સ્વભાવ બ્રિજેશને બધું શીખવતો જતો હતો.

"અરે, કઇ નઇ યાર, એ એનું કામ કરે, આપણે આપણું કરીએ, બીજાના કામથી આપણે શું નિસ્બત!"

"એમ તો વાંધો નથી પણ ધ્યાન રાખજે, જોજે છુરી ન ભોંકે...."_અલ્પેશે કાળજી પૂર્વક મને કહ્યું.

"હા, યાર..."_ મેં નિશ્ચિત થઈ જવાબ આપ્યો, મેં એની વાત ને ધ્યાન પર પણ ન લીધી. આવા પોલિટિક્સની મને ક્યાં ખબર હતી.

શુક્રવાર હતો, સવારે દસ વાગ્યે મિટિંગ પુરી થયા બાદ અમારો પૂરો સ્ટાફ ઈલેકટ્રીકલ રૂમમાં એકઠો થયો હતો. વિપુલ, અમારા મિકેનિકલ એન્જિનિયરની બર્થડે હતી. એટલે સેવ-ખમણ, જલેબી, ઈડલી, ગોટા અને બટાકા પુરીની પાર્ટી એના તરફથી હતી. એક બીજા સાથે મસ્તી કરતા કરતા અમે મોજ માણી. વિવેકને અમારી સાથે બેસવાનું પસંદ ના હોઈ એ ઉપસ્થિત ન હતો સાથે બ્રિજેશ પણ ન હતો, ઈશારો કરી વિવેક બ્રિજેશ ને ઉપર ઓફીસમાં લઇ ગયો હતો.

વાત સાથે સાથે પંચાત પણ થઈ ગઈ.

"ભાઈ તારો, હરીફ છે આ, સાચવજે."_બ્રિજેશ સામે ઈશારો કરતા વિપુલ બોલી પડ્યો.

હું ફરી_ "એ એનું કામ કરે, આપડે આપણું કામ કરીએ."_ અલ્પેશને અગાઉ આપેલા જવાબની માફક જ મેં વિપુલને કહ્યું.

"તને નથી લાગતું કે એ તારી જગ્યા લઇ લેશે?, ભાઈ તારા પગાર વધારામાં પણ હિસ્સો છીનવી લેશે, અને પછી તારા માથે ચડશે."_અલ્પેશ ફરી મને કહેવા લાગ્યો.

"આ બધું પોલિટિક્સ મને નહીં આવડે."_મેં કહ્યું.

"ભાઈ તારે શીખવું પડશે, નહીંતર પાછળથી પસ્તાશે."_અલ્પેશ ફરી મને સમજાવવા લાગ્યો.

એ બધા મને સમજાવી રહ્યા હતા પણ એની મારા પર કોઈ અસર નહીં થઈ. અમે બધા જ્યાં નાસ્તો કરી રહ્યા હતા તેમાં જ એક વિવેકનો ગુપ્તચર પણ હતો. પણ બધા ફ્રેંડલી વાત કરે એટલે શું ખબર પડે, સાલું અમારા ગ્રુપમાંનો જ એક.

ઈલેકટ્રીક રૂમમાં થયેલી બધી ચર્ચા વિવેક સુધી પહોંચી ગઈ. બીજા જ દિવસે અલ્પેશ અને વિપુલને વિવેકે ઓફિસમાં બોલાવ્યા. ખૂબ ખખડાવ્યા.

એક તબક્કે તો લાગ્યું કે સાલું "ભીડ કે બધાની ઉપસ્થિતિમાં બોલવા કરતા તો મૌન રાખવુજ શ્રેષ્ઠ છે"; દરેક જગ્યા એ લાપલપીયા કાચબાની જેમ બક બક કરવું મુશ્કેલી સર્જી શકે છે, અને થયું પણ એવું જ.

"શુ ચાલે છે, કેમ ભડકાવો છો, કેદારને."_વિવેક બંને પર ગુસ્સે થયો.

પેલા બે પણ છોડે એવા ક્યાં હતા, ચઢાઈ કરી જ નાખી.

"ભડકાવવાનું કામ તો તમે કરો છો સાહેબ, અમે તો સમજાવતા હતા."_અલ્પેશે શાંતિથી શરૂ કર્યું.

"તમને ક્યારેય લાગ્યું છે કે મેં તમારી સાથે ખોટું કર્યું છે."_ વિવેક થોડો શાંત થયો.

"ના."_ બંને એ માથું હલાવ્યું.

"તો પછી આ રીતે કેમ વાત કરો છો કે બ્રિજેશ પગાર વધારામાં ભાગ પડાવશે અને કેદાર પર હાવી થશે", "આમ ખોટી રીતે ભડકાવવાનું બંધ કરો નહીંતર સસ્પેન્ડ કરાવી દઈશ."_ વિવેક પાછો અકળાયો.

"ઓ ભાઈ, આ સસ્પેન્ડ કરવાની ધમકી કોને આપે છે?"_ અલ્પેશ ભડક્યો.

અલ્પેશ નજીકના ગામનો જ લોકલ વતની છે, પપ્પા એના ગામના સરપંચ. અભિમાન જરાયે નઇ પણ હા, ખોટું ક્યારેય નહીં ચલાવતો. વિવેક અને બ્રિજેશ વચ્ચે ચાલતી ભાઈબંધી, યારીદોસ્તી, અને સૌથી વધુ પોલિટિક્સ એ સારી રીતે સમજી રહ્યો હતો. એમ સ્વભાવે શાંત અલ્પેશ ક્યારેય નહીં ઈચ્છતો કે એ કોઈની જોડે ઝગડો કરે, પણ હવે પરિસ્થિતિ એ હદ પર કરી દીધી ત્યારે એને મો ખોલ્યું. વિવેકને સાહેબ કહેવા વાળો અલ્પેશ હવે ભાન ભૂલીને તોછડી ભાષા પર ઉતરી આવ્યો.

"આવા ખોટા આક્ષેપો કરી તમે અંદર અંદર ઝગડા કરવો છે, મારે મેનેજર ને કહેવું જ પડશે."_બોખલાઈ ગયેલો વિવેક ઉઠીને મેનેજર ની કેબીન તરફ જાય છે ત્યાંજ અલ્પેશ એનો કોલર પકડી.....,

"જો હું શાંત છું ત્યાં સુધી, મને બધી ખબર છે તમે બે જણ મળી ને શુ કરવા જઈ રહ્યા છો, હું પણ પ્રોજેક્ટ સમયથી અહીં નોકરી કરું છું, મને બધો અંદાજ આવે છે કે તમે કેદારને હટાવવા માંગો છો, પણ એવું હું થવા દેવાનો નથી, યાદ રાખજે. જા જેને બોલાવવા હોઈ બોલાવ, જોઈ લઈશું."_અલ્પેશે જાણે ધમકી જ આપી હોઈ એમ એના શર્ટનો કોલર જાટકતા કહ્યું.

વિવેક મેનેજરની કેબિનમાં જાય એ પહેલા જ શોરબકોર સાંભળી મેનેજર સાહેબ વિવેકની કેબિન તરફ આવ્યા.

"શુ છે, આટલો હોબાળો શેનો છે?"

"સર, આ બંનેને સમજાવો કંઈક, મારા પર ખોટા આક્ષેપો લગાડે છે"

મેનેજર સાહેબ અલ્પેશ અને વિપુલ તરફ જોઈ રહ્યા... પણ અલ્પેશથી રહેવાયું નઇ.

"સાહેબ, મારા આક્ષેપો તદ્દન સાચા છે, એ પેલા બે જર્મન એન્જિનિયર હતા ત્યારનો હું જોઉં છું કે કેદારનું એ જર્મન એન્જિનિયરો પાસે શીખવું એ આમને ખૂંચી રહ્યું હતું અને એના કારણે જ તેઓ એ બ્રિજેશની નિમણુંક કરી છે."

"તને કેમ એવું લાગે છે."_ મેનેજર સાહેબે અલ્પેશને પૂછ્યું.

"મેં બ્રિજેશ સાથે વિવેકને વાત કરતા સાંભળ્યો છે, વિવેક કહેતો હતો કે... એની પાસે તું શીખ, એને કામ કરવા દે, તું ફક્ત મને આખા પ્લાન્ટના રિપોર્ટ આપ, કોણ શુ કરે છે, અને કોના વિશે શું બોલે છે વગેરે, વગેરે....", "એ બે કેન્ટીન પાછળ વાત કરતા હતા અને હું તેમની પાછળ જ હતો."

મેનેજર સાહેબ વિવેક સામે જોઈ.......

વિવેક દલીલ કરવા લાગ્યો....."ખોટી વાત છે સાહેબ."

પુરાવા વગરની બહેશ અર્થવિહીન ઠરાવી મેનેજર સાહેબે સમાધાન કરાવ્યું. પણ વિવેક, અલ્પેશ અને વિપુલની દુશ્મનીની શરૂઆત થઈ ચૂકી હતી.

અલ્પેશે કોઈને કીધા વગર એ વ્યક્તિની શોધખોળ શરૂ કરી જેણે અમારી વાતચીત વિવેક સુધી પહોંચાડી હતી. બ્રિજેશની સાથે સાથે વિવેકનો બીજો એક ચપરાશી અમારા ગ્રુપમાં હતો.

એ વાતને બે મહિના થઈ ચૂક્યા હતા. માર્ચ મહિનો પૂરો થવાને આરે. બધા પગાર વધારાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને હું પ્રમોશનની.

મને ખાતરી હતી કે આ વખતે મારુ પ્રમોશન પાક્કું જ છે. પણ એવું ન બન્યું ઉપરથી બ્રિજેશને પગાર વધારામાં મારા કરતાં એક હજાર વધારે મળ્યા. દુઃખ સાથે મને ઘણો અફસોસ થયો. બધી ગેમ રમાઈ ચુકી હતી. મારો બધો જુસ્સો, કામ કરવાનો ઉત્સાહ, મારી શીખવાડવાની ધગશ બધું પાણીમાં બેસી ગયું. ઉદાસી મને ખાઈ રહી હતી...કેન્ટીનમાં બેઠા બેઠા અલ્પેશની વાત મને સાચી લાગવા લાગી હતી.

"જોયું, મને પુરી ખાતરી હતી....મેં કીધું એમ જ થયું ને, જા હજુ શીખવાડ જા. ભાઈ, હજુ પણ કહું છું આ નાલાયક ગેંગ છે."_અલ્પેશ મને ગુસ્સેથી કહેવા લાગ્યો.

હું પારાવાર પછતાવા સાથે.... "હવે શું કરીએ બોલ."_ મેં અલ્પેશ પાસે સલાહ માંગી.

"કાઈ નહીં, હવે ધીરે ધીરે બ્રિજેશ તારો સાહેબ બનશે બીજું શું."

અમે વાત જ કરી રહ્યા હતા ત્યાં "ચંદન" આવી પહોંચ્યો. બધું જાણતો હોવા છતાં અજાણ્યા નું નાટક કરતો હોય એમ....

"શુ કેદાર કેટલા વધ્યા તારા...." હસતાં હસતાં ચંદને મને પૂછ્યું.

"પંદરસો"_ મેં કહ્યું.

"બ્રિજેશના તો પચ્ચીસ્સો થયા, તારા પછી આવ્યો તો પણ."_જાણે મને ઉકસાવતો હોઈ એમ એને કહ્યું.

હા, ભાઈ ચમચો છે એ વિવેકનો તો પછી વધે જ ને, બધી મિલીભગત છે. પણ હવે નહી ચાલે, આર યા પાર....હવે એની પત્તર ઠોકવી જ પડશે.....અલ્પેશે ગુસ્સેથી કહ્યું.

"તો શું કરશો હવે તમે."_ એ અમારી પાસે બધું જાણવા જ આવ્યો હોઈ એમ લાગતું હતું.

"જોઈએ હવે , કંઈક તો કરવું જ પડશે ને.", "ચાલ કેદાર જઈએ આપણે"_એ મને મેનેજર પાસે લઈ ગયો.

"મે આઈ કમ ઇન સર?" _સાહેબનો ડોર કનોક કરી અમે અંદર પ્રવેશ્યા.

"સાહેબ, આ તે કેવું, કેદાર અને બ્રિજેશના પગારમાં આટલો તફાવત કેમ?"

"હા, મેં બધાના પગાર વધારાની સ્લીપ જોઈને વિવેક સાથે વાત કરી, એણે કહ્યું કે સિનિયારીટી પ્રમાણે પગાર વધારો કર્યો છે."

"પણ સાહેબ, અહીં સૌથી વધારે કામ કેદાર કરે છે, પ્લાન્ટમાં બાઇકની માઇલેજમાં બધા કરતા વધારે જાણકાર જો કોઈ હોય તો એ કેદાર જ છે, તો પછી આવું કેમ?, આ બિલકુલ ખોટું જ થયું છે. મને પુરી ખાતરી છે કે આ બધી રમત વિવેકની જ છે. સાહેબ એ ખોટું કરે છે. તમને નથી લાગતું?"

મેનેજર સાહેબ નિઃશબ્દ રહ્યા, અને અમને બંનેને જોતા રહયા. ત્યારે મારા દાદાજીની કહેલી વાત યાદ આવી કે જીવનમાં ક્યારેય નિરાશ નઇ થવું, "અસત્ય, ચોરી અને જુલ્મ જેટલું છૂપું રહે છે એના કરતાં વધારે ફોર્સથી બહાર ફેંકાય છે." બસ હું એ વાક્યની સાર્થકતાની રાહ જોઈ રહ્યો હતો.

"હું જોઇશ."_ તેઓ ફક્ત એટલુંજ બોલી કેન્ટીન તરફ લંચ માટે વળ્યા.

અમે પણ અમારા કામમાં વળગી ગયા. હું ઇલેક્ટ્રિકલ તો અલ્પેશ મિકેનિકલ એન્જિનિયર છે. જ્યારે હું અને અલ્પેશ સાહેબની કેબિનથી પ્લાન્ટ તરફ જઈ રહ્યા હતા ત્યાંજ વિવેક ભટકાયો.

"અરે કેદાર, ૧૦૭ નંબરના ટેબલની બાઇકની બેટરી ચાર્જ કરવાની છે, બેટરીનું પાણી જોઈ એને વ્યવસ્થિત કરી દેજે."_બધીજ વાતથી અજાણ હોઈ એમ એણે મને કાયમની જેમ કામ સોંપ્યું.

"ઓકે"_મેં દલીલ વગર કહ્યું. પણ અલ્પેશ......

"બતાવી દીધીને ઔકાત, તને તો હું યાદ રાખીશ."_અલ્પેશે ગરમ મિજાજમાં કહ્યું.

વિવેક હસતો હસતો જતો રહ્યો.

"તું એનાથી ડરે છે કે શું?, એવું હોય તો કે મને."_અલ્પેશે મને કહ્યું.

"અરે, જવા દે ને યાર, આપણાથી કઈ નઇ થાય." _મેં કહ્યું.

"બધું થશે, એની તો પથારી ફેરવી દઈશું. હવે, બસ એની પાછળ પડવું પડશે. આપણે કોઈને કહેવાની જરૂર નથી, એને કોઈક કામમાં ફસાવી દઈએ તું જો હવે."_ અલ્પેશ તરકીબો શોધવા લાગ્યો.

એટલામાં વિપુલ આવ્યો....,

"અરે પેલો ચંદન જ હરામખોર છે. કેન્ટીનમાં આપણી થયેલી વાતો વિવેક અને બ્રિજેશને કહેતો હતો. હું બાજુના પમ્પહાઉસમાં ઉભો ઉભો સાંભળતો હતો."

"એની માઁ ને....." _અલ્પેશ ગાળ બોલતા બોલતા અટક્યો. "પહેલા તો એની બેન્ડ વગાડવી પડશે પછી બીજી વાત."

"આપણે ચંદન સાથે કોઈ વાત કરવાની રહેતી નથી. આપણે એ રીતે વાત કરવી કે જાણે આપણે કઈ જાણતા જ નથી."_વિપુલે કહ્યું.

"હા, બસ એમ જ રાખવું."_અલ્પેશે કહ્યું.

"ચાલ આપણે આપણું કામ કરીએ, પછી મોકો મળશે ત્યારે જોઈ લઈશું."_મેં કહ્યું.

અમે ત્રણેય અમારા કામે વળગી ગયા. હું ખૂબ દુઃખી હતો, કે સાલું આટલું બધું કામ કર્યું છતાં મારી સાથે આવું થયું, મેં નિર્ણય કરી લીધો કે આજ પછી કોઈ ને નઇ શીખવું, અલ્પેશ ખરેખર સાચું જ કહેતો હતો કે આ બધાને કાઈ શીખવવા જેવું નથી, અને અંતે એવું જ થયું. મારી પીઠ પાછળ છુરી ભોકાઈ જ ગઈ હતી. પણ હવે શું? જ્યાં ગ્રુપવર્ક, ટીમવર્કની જરૂરિયાત હતી ત્યાંજ વિવેક ભેદભાવ વાળી નીતિ અપનાવતો હતો એ વાતથી જ અમે દુઃખી હતા.

અલ્પેશે વિવેકની કેબીનમાં કરેલી મૌખિક બબાલ ખરેખર કરવા યોગ્ય જ હતી. સાલું, આપણાં હકનું પણ કોઈ છીનવી જાય અને આપણે ચૂપચાપ બેસી રહીએ એ યોગ્ય તો ન જ કહેવાય, મને એ રાત્રે જરાયે ઊંઘ ન આવી, પથારીમાં શરીર પર ચાદર લપેટી પાસા પાલટતો રહ્યો, વિચારોના પોટલાએ મારુ મગજ ભારે કરી દીધેલું.

હું મનો મન એ ત્રણેયને ખૂબ ગાળો આપતો રહ્યો, મારા મનમાં બદલાની ભાવના જન્મી ગઈ. આ બધું જે કાંઈ થયું એ પાછળ ચંદન જ જવાબદાર હતો. વિવેક, ચંદન અને બ્રિજેશ પાછલી કંપનીમાં સાથે જ કામ કરતા હતા. વિવેકના હાવભાવ અને એના ખોટા, બનાવટી, ઔપચારિક ટેક્નિકલ ફંડાઓ મારા મનમાં ખબર નઈ કેમ કંઈક શંકા જન્માવી રહ્યા હતા.

સાલું બડાઈ મારવામાં નંબર વન, અમે આમ કરી દઈશું, તેમ કરી દઈશું, બીજાના કરેલા કામ ને પણ "મેં કર્યું છે" એવું કહેવા વાળા, બધી ક્રેડિટ પોતે લઈ લેવા વાળા, એ ત્રણેય હંમેશા બીજાના કામને આધારે પોતાની ક્રેડિટ બનાવતા હતા. હું વિચારતો રહેતો કે આ કુદરત પણ સાલું કેવાઓને સાથ આપે છે. પણ મને વિશ્વાસ છે કે મેં કોઈનું ખોટું કર્યું નથી તો કુદરત ક્યારેય મારી સાથે ખોટું નહીં કરે.

સવારે મેં અમારા એચ.આર.મેનેજર દક્ષેશ ભાઈને કોલ કર્યો. હું જૂનો કર્મચારી હોવાથી મેનેજમેન્ટમાં બધા મને ઓળખતા હતા. મેં એમની સાથે વાત કરી.

"કેદાર બોલું, સાહેબ."

"બોલો કેદારભાઈ કેમ છો, ઇનક્રિમેન્ટથી સંતુષ્ટ તો છો ને?"_એમણે સામેથી મને પૂછ્યું.

"સાહેબ, અન્યાય તો થયો જ છે પણ હવે શું, ચાલશે, જવાદો ને એ વાત."_મેં થોડી નર્વસતાથી કહ્યું.

"કેમ, શુ થયું, વિવેકે જે ડેટા મોકલેલા તે પ્રમાણેજ આપ્યું છે."

"ત્યાંજ તો ગડબડ થઇ ગઇ છે સાહેબ, વિવેક ભેદભાવ રાખે છે. કામ નહીં પણ ચમચાગીરી કરવાવાળાને પ્રાધાન્ય આપે છે."

"મતલબ?"_એમણે પૂછ્યું.

મેં બધી વાત વિસ્તાર પૂર્વક એમને કહી દીધી. તેઓ એ મને આવતા વર્ષ માટે રાહ જોવા કહ્યું, કે આવતા વર્ષે સારું કરશે. પણ મને જે ખૂંચી રહ્યું હતું તે એક વર્ષ સુધી થોભી શકે તેમ ન હતું.

"મારુ એેક કામ કરશો?" મેં દક્ષેશ ભાઈને પૂછ્યું.

"હા, સ્યોર, બોલો."

મારા મનમાં ઉદભવેલી શંકાની વાત મેં દક્ષેશ ભાઈને કરી. મેં ફોન મુક્યો અને નોકરી એ જતો રહ્યો. ફેક્ટરીએ પહોંચી મેં અલ્પેશને દક્ષેશ ભાઈ સાથે થયેલ વાત કરી. અલ્પેશે મને એ વાત પ્લાન્ટમાં કોઈ ને ન કહેવા સલાહ આપી. રોજની જેમ આજે પણ વિવેકે નફ્ફટની જેમ મને કામ સોંપ્યું. મારુ જરાયે મન ન હતું પણ મેં મારી નોકરીની વફાદારી ધ્યાનમાં રાખી કામ કર્યું.

થોડી વારમાં બ્રિજેશ મારી પાસે આવ્યો, બાઇકના વાયરિંગમાં ગૂંચવાયેલા બ્રિજેશે મારી પાસે મદદ માંગી. પણ અલ્પેશે ઈશારો કરી મને ના કહ્યું.

"મારી પાસે હમણાં કામ વધારે છે, પછી હું આવું છું, એવું હોય તો વિવેકને બોલાવી દે."_ મેં ના નહીં પડી પણ આ રીતે જવાબ આપ્યો. એ ડોક હલાવી જતો રહ્યો.

એણે વિવેકને ફોન કર્યો અને બોલાવ્યો. વિવેક નીચે આવ્યો. મારી સામે ગુસ્સેથી જોયું પણ કંઈપણ બોલ્યા વગર બ્રિજેશ તરફ જતો રહ્યો. જાણે હવે યુદ્ધ છેડાઈ ગયું હોય એવું વાતાવરણ ફેક્ટરીમાં થઈ ગયું હતું.

ત્રણ કલાક ઉપર થઈ ગયા, એ બંને(વિવેક અને બ્રિજેશ) ગુરુ-ચેલા, મથતાં જ રહ્યા પણ વાયરિંગ નો પ્રોબ્લેમ ઉકેલાયો નહીં. વાયરિંગ ડાયાગ્રામ (ડ્રોઈંગ) જોતા આવડે તો સમસ્યા ઉકેલાય ને! હું ને અલ્પેશ દૂરથી એ બંનેને નિહાળતા રહ્યા. પ્રોડકશન અટકી પડ્યું હતું, પ્લાન્ટ હેડ પણ આવી ગયા, બધા ટોળે વળ્યાં પણ કાઈ થયું નહીં.

પ્લાન્ટ હેડે(મેનેજરે) વિવેકને પૂછ્યું."કેદાર સાથે વાત થઈ?"

હા, એણે ના પાડી આવવાની."_બ્રિજેશ કંઈક કહે એ પહેલાં વિવેક બોલ્યો.

"વેઇટ, હું બોલાવું એને."_મેનેજરે મને કોલ કર્યો.

મારા ફોનમાં રિંગ વાગી........

ડિસ્પ્લે પર એમનું નામ જોઈ હું બોલ્યો_"બોલો સર."

"ક્યાં છે હમણાં?"_એમણે પૂછ્યું.

"અહીં સામેના પ્લાન્ટમાં."

"અહીં વાયરિંગ વિભાગમાં વિવેકે તને બોલાવ્યો તો કેમ નહીં આવ્યો?"

"સાહેબ, મને વિવેકભાઈ એ કઈ કીધું જ નથી, અને હા મારી તો બ્રિજેશ સાથે વાત થઈ ત્યારે હું કામમાં હતો એથી મેં એને એમ કીધું હતું કે મારું કામ પૂરું થતાંજ હું ત્યાં આવીશ. પછી હું કામમાં વ્યસ્ત હતો એટલે ભૂલી ગયો મને એમ જ કે પ્રોબ્લેમ ઉકેલાઈ ગયો હશે."

"ઓકે, તું અહીં આવ."

મેં ફોન મુક્યો અને અલ્પેશ સાથે વાયરિંગ વિભાગમાં ગયો.

"જી સર." ત્યાં પહોંચી મેં કહ્યું.

"આ જો તો શું ખામી છે."

ડ્રોઈંગ પ્રમાણે હું એક એક વાયર ચેક કરી આગળ વધ્યો અને મને પ્રોબ્લેમ મળી ગયો. મેં દસ જ મિનિટમાં એનો ઉકેલ લાવી દીધો. આસપાસ ઉભેલા બધા મને જોતા રહ્યા.

"ગુડ જોબ કેદાર, થેન્ક્સ..."_ પ્લાન્ટ હેડે મારા વખાણ કર્યા.

પ્રોબ્લેમ ઉકેલી હું ત્યાંથી ચાલવા લાગ્યો. પણ અલ્પેશ ત્યાં જ રહ્યો. એણે ફરી પ્લાન્ટ હેડને મારી સાથે થયેલા અન્યાય વિશે જણાવ્યું. આજે આખી પરિસ્થિતિ એમની નજરો સમક્ષ જ હતી. કોણ કેટલી મહેનત અને સ્માર્ટ રીતે કામ કરે છે એ પ્લાન્ટ મેનેજરને સમજાઈ ગયું. એવામાં દક્ષેશ સુથારનો પ્રોજેક્ટ હેડ પર કોલ આવ્યો, દરેક ત્યાં જ હતા અલ્પેશ, વિવેક, બ્રિજેશ...વગેરે.

"સાંજે ચાર વાગ્યે મિટિંગ છે. ચેરમેન સાહેબ, મેનેજીંગ ડિરેક્ટર અને એચ.આર.મેનેજર આવી રહ્યા છે દરેક કર્મચારીઓએ કોન્ફરન્સ હોલમાં હજાર રહેવા ઓર્ડર છે."_તેઓ એ કહ્યું.

આવી મિટિંગ ક્યારેય કરવામાં આવી નથી, ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર કંપનીમાં આવે એવું ઘણું ઓછું બને છે. બધા જ વિચારે કે શું વાત હશે. કોઈક કહે કે પગાર વધારા માટે આવે છે, કોઈક કહે કે બોનસ આપવા આવે છે, કોઈક કહે કે નવા પ્રોજેક્ટની વાત કરવા આવે છે, કોઈક કહે કે બાઇકની જાહેરાત માટે આવે છે. બધાએ અલગ અલગ વાતો શરૂ કરી. અફવાએ વાતાવરણ ગરમ બનાવ્યું. સતત બે કલાક આવું ચાલ્યું.

ઉત્સુકતા અને અફવાઓનો અંત આવી ગયો. ચાર વાગી ને દસ મિનિટે ડિરેક્ટર સાહેબ, ચેરમેન અને એચ.આર મેનેજર આવી પહોંચ્યા. સાથે પોલીસ પણ?, બધા જોઈને આશ્ચર્ય પામ્યા.

સીધી પૂછતાછ વિવેક અને બ્રિજેશ સાથે.

"આ પહેલા કઈ કંપનીમાં હતા તમે બંને?"_ બધાની સામે ચેરમેને વિવેક અને બ્રિજેશ ને પૂછ્યું.

વિવેક તો જાણે સાચુજ બોલતો હોઈ એમ ફટ ફટ બોલવા લાગ્યો. સાલો, બોલવામાં તો કોઈને પણ નઇ ગાંઠે. બોલે એટલે એમજ લાગે કે એની વાત સો ટકા સાચી છે. ફર્સ્ટ ટાઈમ જો કોઈ એની સાથે વાત કરતો હોય તો સામી વ્યક્તિ એની વાતનો પુરેપુરો વિશ્વાસ કરી જ લે, એમાં કોઈ સક નથી. પણ એમનો ચેલો પૂરો ફટટું, ડરપોક. થોડું મોટેથી જો બોલી ધમકાવ્યો હોઈ ને તો ધ્રુજતા ધ્રુજતા બધું બકી દે.

"ફ્રોનિક લિમિટેડ, સર."_ વિવેકે જવાબ આપ્યો.

"અને તું?"_ચેરનેમે મોટા અવાજે બ્રિજેશને પૂછયું.

ચેરમેનના ગુસ્સા ભર્યા અવાજથી એના પગ ધ્રુજવા લાગ્યા અને હોઠ પણ ગભરામણમાં સાચું બોલવા લાગ્યા.

"સાહેબ, હું ઇલેક્ટ્રિશ્યિન સાથે હેલ્પર તરીકે જી.આઈ.ડી.સીમાં નોકરી કરતો હતો."

"આ ઇલેક્ટ્રિશ્યિનનું લાઇસન્સ ક્યાંથી લાવ્યો?" એચ.આર.મેનેજરે વધુ તપાસ હાથ ધરી, ગરમી થી.

આ પૂછતાછ નહીં પણ હેવી રિમાન્ડ ચાલતા હોય એમ લાગતું હતું. લાઇસન્સ/સર્ટિફિકેટ વિશે જ્યારે એને પૂછવામાં આવ્યું ત્યારે નિઃશબ્દ બની એણે માથું નીચે ઝુકાવી દીધું. ગુનો કર્યો જ હતો તે..

"બોલ, ક્યાંથી લાવ્યો છે આ સર્ટિફિકેટ, કોણે બનાવ્યું છે?"_તેના અબોલા પર ડિરેક્ટર સાહેબ એને વધારે ધમકાવવા લાગ્યા.

વિવેક તરફ જોઈ બ્રિજેશે હજુ ચુપ્પી નહીં તોડી. ખબર નઇ પણ લાગતું હતું કે એ વિવેકથી બીતો હતો.

"કોઈથી બીવાની જરૂર નથી....સાચું બોલશે તો ઓછી સજા થશે, નહીંતર જેલમાંથી બહાર નીકળવામાં પણ તકલીફ પડશે. જે હોય એ બોલી દે"...._મેનેજર સાહેબ કહેવા લાગ્યા.

"ભાઈએ."_બ્રિજેશે કહ્યું.

"કોણ ભાઈ?" મેનેજરે પૂછ્યું.

એણે વિવેક તરફ ઈશારો કર્યો

"કોણ વિવેક?" મેનેજરે પૂછ્યું.

બ્રિજેશે માથું હલાવી "હા" કહ્યું. આખરે હકીકત બહાર આવી, બ્રિજેશ અને વિવેક બંને સાગા ભાઈ જ હતા. વિવેક દસ પાસ હતો, જ્યારે બ્રિજેશ સાત પાસ પણ ન હતો. વિવેકે પોતાનું અને બ્રિજેશની ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવેલા. આબેહૂબ સર્ટિફિકેટ કોઈ નિષ્ણાંત હોય તેવાને પણ અંદાજ ન આવે કે એ સર્ટિફિકેટ ડુપ્લિકેટ હશે. પણ એચ.આર મેનેજર દક્ષેશ સુથારે માર્કશીટ પરનો બેઠક નંબરની એજ્યુકેશન બોર્ડ પાસે તાપસ કરતા જાણવા મળ્યું કે એ બંને નંબર પર કોઈ બીજી વ્યક્તિનું જ નામ છે, એથી એ બંનેનો પર્દાફાશ થઈ ગયો. આ કામ એચ.આર વિભાગે ભર્તિ સમયે જ કરવાનું હોય છે, પણ ઉતાવળ હોઈ અને કામદારોની જરૂરિયાત હોઈ એ ચેક કરવાનું રહી ગયું. એ એચ.આર વિભાગની બેદરકારી જ હતી. એ બદલ એચ.આર.મેનેજરે ડિરેક્ટર અને ચેરમેનની માફી માંગી. ચંદનનું સર્ટિફિકેટ સાચું હતું.

બીજું બ્લડ રિલેશન અમારી કંપનીમાં ચાલતા નથી, મતલબ કોઈપણ વ્યક્તિ પોતાના ભાઈ, બહેન કે પુત્ર, પુત્રીને નોકરીમાં લાવી નહીં શકે જ્યાં સુધી તે વ્યક્તિ અમારી કંપનીમાં નોકરી કરતો હોય. વિવેકે ફર્જી ડોક્યુમેન્ટ્સ બનાવી (નામ અને પિતાનું નામ તથા અટક પણ જુદા) ગુનો કર્યો હતો.

"તારે કઈ કહેવું છે હવે?" મોટી મોટી અને ખોટી બડાઈ મારવાવાળા વિવેકને ચેરમેને છેલ્લા શબ્દોમાં પૂછ્યું.

વિવેકના મોઢા પર હજુ પણ શરમના કોઈ નિશાન જણાતા નહતા. એ દરેકની સામે ગુસ્સા ભરી નજરે જોઈ રહ્યો હતો, પણ હરામ જો મોમાંથી એક શબ્દ પણ બોલે તો.

ચેરમેન પોલીસ ને...., "લઈ જાઓ આ બન્નેને અને બ્લેકલિસ્ટમાં નાખી દેજો, જેથી બીજી કંપની કે વ્યક્તિ સાથે છેતરપિંડી નહીં કરી શકે."

પોલીસ બંનેને લઇ ગઈ. આ અગાઉ પણ બંને જણ બીજી એવી કેટલીકો કંપનીમાં ફર્જી સર્ટિફિકેટ સાથે નોકરી કરી હોવાનું પોલીસ રિમાન્ડમાં જાણવા મળ્યું.

"કેદાર કોણ છે?"_ કંપનીના ચેરમેને એચ.આર મેનેજરને પૂછ્યું.

એચ.આર મેનેજરે મારી સામે હસતા મોઢે હાથ બતાવ્યો. અને અમે બંને એ કરેલી વાત જાહેર માં કરી. દક્ષેશ સુથારે કહ્યું કે કેદારને કારણે જ અમે આજે વિવેક અને બ્રિજેશને ગુનેગાર સાબિત કરી શક્યા છે.

જ્યારે મેં દક્ષેશભાઈ પાસે વિવેક અને બ્રિજેશના સર્ટિફિકેટની માંગણી કરી હતી ત્યારે તેઓ એ મને કહ્યું હતું કે નિયમોને આધીન એચ.આર ડિપાર્ટમેન્ટ કોઈપણ કર્મચારીની ગુપ્ત માહિતી આપી શકવા અસમર્થ છે. પણ વિવેકના જુગાડી ફંડા, અને નોન ટેક્નિકલ સૂચનોને આધારે મને જે ડાઉટ આવ્યો હતો તેના પર તેઓને વિશ્વાસ નહતો કેમ કે દક્ષેશ ભાઈ નો દાવો એમ હતો કે એચ.આર.વિભાગ તાપસ કરીને જ નિમણુંક કરે છે તેમ છતાં મેં કહ્યું તે પ્રમાણે તેઓએ તપાસ હાથ ધરવાનું મને આશ્વાસન આપ્યું. મેં એમનો આભાર માન્યો.

"ઓહ, થેન્ક્સ કેદાર, તમારા જેવા ઈમાનદાર કર્મચારીને કંપની સમજી ના શકી એ બદલ હું દિલગીર છું, દક્ષેશ સુથાર (એચ.આર મેનેજર) તમારા વિશે જણાવે એ પહેલેથી જ હું તમારાથી અને તમારા પરિવારથી પરિચિત છું."

"એ કેવી રીતે?"_મેં આશ્ચર્યથી પૂછ્યું.

"તમે આ પ્રોજેક્ટર્સના ડ્રોઈંગ અને ડાયાગ્રામ જોયા છે."_ ચેરમેને પૂછ્યું.

"હા."_મેં કહ્યું.

"ખરેખર, ધ્યાનથી જોયા છે?"_એમને ફરી પૂછ્યું.

મેં ફરી "હા" કહ્યું. ચેરમેને અમારા સાથીમિત્રો માંથી એકને ડ્રોઈંગ લઇ આવવા કહ્યું. એણે ડ્રોઈગ લાવી મને આપ્યું. અને ફરી ધ્યાનથી જોવા કહ્યું. પણ મને કંઈ ખ્યાલ નહોતો આવતો કે આ બધું શુ થઈ રહ્યું છે.

"આ ડ્રોઈંગ બનાવનારનું નામ નીચે વાંચ્યું તમે?"

મેં ડ્રોઈંગની નીચે જોયું. મેડ બાય "કે. સી. ભટ્ટ". ખરેખર કહું તો આખો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો, પ્લાન્ટ પ્રોડક્શન લેવલે પહોંચી ગયું છતાં મારુ ધ્યાન ત્યાં નહીં ગયું. હું વિચારમાં પડી ગયો.

"યસ, મિ. કેદાર, યોર થીંકીંગ ઇસ એબસોલ્યુટલી રાઈટ. હી વાસ વન એન્ડ ઓન્લી 'મિ.ખીમજી ચંદ્રકાન્ત ભટ્ટ', યોર ગ્રાન્ડ પા."

મારા માટે જીવનની સૌથી મોટી સરપ્રાઈઝ આપી જનાર મારા દાદા, જેમને મેં જીવનની અંતિમ ક્ષણોમાં કેટ કેટલું સંભળાવી દીધું હતુ. પણ એ મારા માટે એમનું સપનુ, કહું તો એમનો જીવજ મૂકીને ગયા હોય એમ લાગતું હતું. આખી જિંદગી એમણે પોતાના કામને જ પોતાનું સર્વસ્વ માન્યું હતું. હું અવાક હતો જ્યારે ચેરમેને મને એ મારા દાદાજીના ડ્રીમ વિશે માહિતગાર કરાવ્યો.

"તમારા દાદા ૪ વર્ષ પહેલાં મારી પાસે આવ્યા હતા. મને આજે પણ યાદ છે હું બેંગ્લોરમાં હતો અને એક સિનીયર સિટીઝન મારી ઓફિસે આવ્યા હતા. કંપનીની રીસેપ્શનિષ્ટે એમની મારી સાથે આ પ્રોજેક્ટ વિશે વાત કરવી હતી પણ મારી પાસે સમયનો અભાવ હોઇ મેં કઈ ખાસ ધ્યાન ન આપ્યું. રીટર્નમાં જ્યારે મેં એક મેગેઝીનમાં ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ વિશે લેખ વાંચ્યો ત્યારે મને એમની વાતમાં રસ પડ્યો. મેં ઓફીસ પહોંચી રીસેપ્શનિષ્ટ પાસે એમનું એડ્રેસ લઈ ટપાલ મોકલી. બીજા અઠવાડિયે સવારે સાડા દસ વાગ્યે અમે એમની સાથે મિટિંગ કરી અને તેઓનો પ્લાન સમજ્યા. ખરેખર, એમનું મગજ કંઈક ઇનોવેશનમાં હતું, અમે ફક્ત કોશિશ કરી છે, બાકી પુરે પૂરો શ્રેય ખીમજીભાઈ ચંદ્રકાન્ત ભટ્ટને જ જાય છે."_એમને ગર્વભેર મને કહ્યું.

હું ભાવુક થઈ ગયો હતો, મારી આંખોમાં આશું હતા...., મેં એમને પૂછ્યું_"તો પછી દાદાજીએ આબધી વાત મારાથી છુપાવી કેમ?"

"તમે તમારા પગ પર ઉભા થાવએ તમારી ઈચ્છાને તમારા દાદાજી એ સમર્થન આપ્યું છે. આજે અમને દરેકને તમારા પર ગર્વ છે કે તમે તમારી લગન અને મહેનતે આ મુકામ હાંસિલ કર્યું છે. મેં તો તમોને આજે જ જોયા છે પણ હા જ્યારે તમારું ઇન્ટરવ્યૂ થયું અને સિલેકશન થયું ત્યારેજ તારા દાદાજી એ અમને કહી દીધેલું કે મારો પૌત્ર કેદાર પણ તમારી કંપનીનો હિસ્સો બનવા જઈ રહ્યો છે એને સાંભળજો પણ હા એને ખબર ના પાડવી જોઈએ કે આ પ્રોજેક્ટ મારુ સ્વપ્નું છે, નહીંતર એ ક્યારેય અહીં નહીં આવશે."

હું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો....

"તમારા દાદાજીના અંતિમસંસ્કારમાં પણ હું તમારી આસપાસ જ હતો પણ આપણે એક બીજાને ક્યારેય જોયાજ નથી તો, હું અને તમે કેવી રીતે એક બીજાને ઓળખવાના."

"તમારા દાદાજી એ રોયલ્ટી સાથે બિઝનેસ કર્યો છે, અમે લાઈફ ટાઈમ તમને રોયલ્ટી આપવા બંધાયેલા છે. અમે તમારા ખુબખુબ આભારી છીએ કે તમે પુરી ઈમાનદારી સાથે કામ કરી રહ્યા છો અને બ્રિજેશ અને વિવેક જેવા ગુનેગારોનો પર્દાફાશ કરવામાં અમારી મદદ કરી."_કંપનીના મેનેજીંગ ડિરેક્ટર આટલું કહી મિટિંગનો અંત લાવ્યા.

ઇન્ડસ્ટ્રીઝ જગતમાં આ મારો પહેલો અનુભવ હતો, એપણ કડવો અનુભવ. સારું છે કે અનુભવના પ્રથમ પગથિયે જ હું એનો ભાગી બની શક્યો એટલે આજે દસ વર્ષથી ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાઈ રહ્યો છું. એ ઇલેક્ટ્રિકલ રૂમમાં અલ્પેશ અને વિપુલે કરેલી ગ્રુપમાં વાત એક સમયે તો લાગ્યું કે ન બોલ્યા હોત તો સારું થાત. મારા દાદા એ સાચુજ કહ્યું હતું કે "ગ્રુપમાં કોઈના વિશે પણ કાઈ ખરાબ ન બોલવું, બધું જાણતા હોવા છતાં પણ ચૂપ રહેવામાં જ ભલાઈ છે. પણ જ્યારે વિવેક દ્વારા કરવામાં આવતા અન્યાય અને ભેદભાવ સામે બોલવું જરૂરી હતું. તેઓ બોલ્યા એટલે મને આટલું કરવાની હિંમત આવી. જેથી એચ.આર.મેનેજરની મદદથી હું તેઓનો પર્દાફાશ કરી શક્યો. આ મારા અનુભવ પરથી હું એક વાત તો શીખીજ ગયો કે બોલવા કરતા મૌન શ્રેષ્ઠ છે, અને મૂંગા રહેવા કરતા સાચું બોલવું જ શ્રેષ્ઠ છે.

આજે હું અહીં જ ટેકનો ઓટોમોબાઈલ ફેક્ટરીમાં ઇલેક્ટ્રિકલ વિભાગમાં મુખ્ય અધિકારી છું. મારી વર્ષગાંઠ સાથે સાથે આજે ૧૦વર્ષ અત્રે પૂર્ણ કર્યા બદલ ફરી એક વાર પાર્ટીનું આયોજન કરવામાં આવેલું. એજ જલેબી, ભજીયા, ગોટા ખમણ ને ઢોકળા સાથે સાથે બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી કેક. ઇલેક્ટ્રિકલ રૂમમાં હું મારા વીતેલા દસ વર્ષોની યાદોને વિચારોમાં વાગોળી જ રહ્યો હતો ત્યાં અલ્પેશે પાછળથી આવી મારા માથામાં હળવી ટપલી મારી મને વર્તમાનમાં પાછો લાવ્યો.

ધન્યવાદ